‘કામસૂત્ર’ અને ‘શુક્રનીતિ’ અનુસાર કલાઓની સંખ્યા ૬૪ બતાવવામાં આવી છે. જો કે કેટલીક કલાઓ બંને મતોમાં સામાન્ય છે, તો કેટલીક કોઈ એક કરતાં અન્યમાં વિશેષ પણ છે. ‘શુક્રનીતિ’ તો ૬૪થી પણ વિશેષ કલાઓ હોવાનું જણાવે છે, પણ તેમાં પ્રચલિત ૬૪ કલાઓ જ દર્શાવાઈ છે. સ્થળસંકોચના કારણે તેમની યાદી આપવાનો અત્રે ખ્યાલ નથી. જિજ્ઞાસુઓ ‘કલા-વિકિપીડિયા’એ શોધ ચલાવીને એ સઘળી કલાઓનાં નામો જાણી શકશે.
હવે સંસ્કૃતના એક શ્લોક “साहित्यसंगीतकलाविहीन, साक्षात्पशु, पूच्छविषाणहीन”માં તો ‘સાહિત્ય’ને એક અલગ કલા તરીકે દર્શાવાઈ છે, પરંતુ ઉપરોક્ત બંને યાદીઓમાં ‘સાહિત્ય’ એવી કોઈ કલાનો સીધો અને સ્પષ્ટ ઉલ્લેખ નથી. આમ છતાંય; નાટય, આલેખ્ય (ચિત્રકલા અને લખાણ), વિશેષક (મુખાદિ પર પત્રલેખન), અંત્યાક્ષરી, પુસ્તકવાચન, કાવ્ય-સમીક્ષા કરવી, નાટકાખ્યાયિકા-દર્શન, કાવ્ય-સમસ્યા-પૂર્તિ, દેશી ભાષાઓનું જ્ઞાન, આશુ(શીઘ્ર) કાવ્યક્રિયા, અભિધાન-શબ્દકોશજ્ઞાન, સુલેખન, કલાશિક્ષણ, વગેરેને આપણે ‘સાહિત્ય’કલા હેઠળ ગણાવી શકીએ.
હવે આપણે એક તરફ સાહિત્યકલા અને બીજી તરફ સાહિત્યેતર કલાઓ એમ ઉભયના કલાસાધકોની કલાસાધનાની જાગરૂકતાનો ખ્યાલ કરીએ તો આજકાલ ઇલેક્ટ્રૉનિક કે મુદ્રણાલય માધ્યમે પ્રગટ થતું મોટાભાગનું સાહિત્ય એ અન્ય સાહિત્યેતર કલાઓની સરખામણીએ ઊણું ઊતરતું દેખાશે. સંગીત, નૃત્ય, નાટક આદિ કલાઓની રજૂઆતમાં તેના રજૂકર્તાની એકાદ નાનીશી ક્ષતિ થકી શ્રોતાઓ કે પ્રેક્ષકોમાં ભારે ઊહાપોહ મચી જશે; જ્યારે સાહિત્યસર્જનમાં એવી ક્ષતિઓ નભી જશે. આમ થઈ શકવાનું દેખીતું કારણ એ છે કે પેલી અન્ય કલાઓ ભોક્તાઓ સામે પ્રત્યક્ષ રજૂઆત પામતી હોય છે, જ્યારે સાહિત્યકલા પરોક્ષ રહેતી હોય છે; ભલે ને પછી તે ઈ-બુક, પ્રિન્ટ-બુક કે બ્લોગરૂપે હોય !
કોઈપણ કલા તેના સાચા સાધકો થકી તેના પ્રમાણિત સ્વરૂપે કાં તો જળવાઈ રહેતી હોય છે અથવા તેનો ઉર્ધ્વગામી વિકાસ થતો રહેતો હોય છે, જ્યારે એનાથી ઊલટું કલા પ્રત્યે અગંભીર એવા કલા પીરસનારાઓ પોતાની કલાને ક્લુષિત કરતા હોય છે. મારી આ વાત સાહિત્યકલા કે સાહિત્યેતરકલા એમ ઉભયને કોઈપણ જાતના ભેદભાવ વગર સરખી જ લાગુ પડે છે.
નીચે મારા સ્વરચિત એવા એક અછાંદસ હાસ્યકાવ્યને રજૂ કરું છું, આપ સૌના માત્ર મનોરંજન અર્થે જ નહિ; પરંતુ મારા આજના લેખમાંની મારી એ વાતના સમર્થનમાં કે જાણેઅજાણ્યે પણ લોકો દ્વારા કેટલીક કલાઓ કેવી વિકૃત રીતે અભિવ્યક્તિ પામતી હોય છે અથવા તો કોઈ કોઈ કલા કેવી વિસારે પણ પડતી જતી હોય છે !
- * * * * *
ક્યમ કે અમે ઊંઘીએ જાગતા !
“હે પરમ પિતા !
તું માફ કરી દેજે તેઉને ,
કેમ કે તેઓ શું કરી રહ્યા છે, તે તેઓ જાણતા નથી.”
શબ્દો આ વધસ્તંભેથી પ્રસારિત ઈસુના બે હજાર અને તેર વર્ષોથી પડઘાય છે બ્રહ્માંડે ! (૧)
“હે માત સરસ્વતી !
તું માફ કરી દેજે એ ઢાઢીઓને,
કેમ કે લગ્નસરાએ નિજ લંઘા થકી તેઓ શું વગાડી રહ્યા છે, તે તેઓ જાણતા નથી !”
સંભવિત શબ્દો બિસ્મિલ્લાખાનના પડઘાતા રહેશે જ્યાં લગણ લંઘા લંઘાતા સુરે વાગશે !(૨)
“હે નૃત્યના દેવ નટરાજન !
તું માફ કરી દેજે એ વરના ભેરુઓને,
કેમ કે અશ્વારોહી એ વરની સામે બેન્ડવાજાંના તાલે શું નાચી રહ્યા છે, તેથી તેઓ બેખબર !”
શબ્દો જાણે સ્વર્ગસ્થ નૃત્યસમ્રાટ ઉદયશંકરના ઉદભવે અને શમે કાનફાડ ભૂંગળાંના રવે ! (૩)
“હે ચારણ, ભાટ, બારોટ દેવીપુત્રો !
તમે માફ કરી દેજો માઈકે કંઠ્યગાન કરતા એ ગવૈયાને,
કેમ કે હજુ તેમને ખબર નથી કે તેઓ ભેંસાસુરે ગાય છે કે પાડાસુરે ?
શબ્દો માઈકલ જેકસનના આત્માના ગુંજ્યા કરશે ભારતીય કો’ માઈલાલ જયકિસનમુખે ! (૪)
“હે પવનપુત્ર હનુમાનજી !
તમે માફ કરી દેજો જાનૈયાં શિશુઓને
કેમ કે તેઓ વ્યર્થ કૂદાકૂદ કરે, સમજ્યા વિણ ઢોલના તાલને !”
શબ્દો એ ઢોલીના જાણે મિથ્યા અફળાયે વાનરશાં એ કિશોરોના બધિર કાને! (૫)
“હે દેવદરબારે નાચંતી અપ્સરાઓ અને ગોકુળની ગોપીઓ,
માફ કરજો વરઘોડે નાચતી નાચઘેલી આ કિશોરી જાનડીઓને
કેમ કે ઢોલીના દાંડીના તાલને અને તેઉના ઠુમકાને ના કશોય સંબંધ !”
શબ્દો એ જ ઢોલીના ખોવાઈ જતા ઢોલના અવાજ મહીં ને સૂણવા ન પામે એ કિશોરીઓ! (૬)
“હે શ્રીમતી અને શ્રીમાન કપિરાજ/જો !
માફ કરજો; ચોસઠ કલામાંની વૃક્ષારોહણમાં નિષ્ફળ અમે
કેમ કે ગુફાવાસી માનવ મટી નગરજન થતાં વિસર્યા વૃક્ષ તણી આરોહ-અવરોહ કલા !
શબ્દો અને કૂદકા, ટારઝન અને ઝીમ્બો તણા બોલપટના કચકડે કેદ ને અમે થયા પાંગળા ! (૭)
“હે વિશ્વકર્માઓ અને શારડી-રંધા તણા સહાયકો !
માફ કરજો તવ દારુકર્મ કલા અવગણી અમે સિમેન્ટ કોંક્રીટનાં જંગલો ઊભાં કર્યાં
કેમ કે અમે તો બહુમાળી ઈમારતો રચી અમારો મોતનો સામાન તૈયાર કરવા ચહ્યું !”
શબ્દો પર્યાવરણવાદીઓના ન સુણાય અમને, કાનનાં છિદ્રો પુરાયાં એજ સિમેન્ટ કોંક્રીટે ! (૮)
“હે શિલ્પ સંહિતાના રચયિતા!
માફ કરજો ચોસઠ કલામાંની અમે ઘણી ભૂલ્યા, કોઈ વિકૃત કરી, તો કોઈ વધઘટ કરી.
કેમ કે નવીન આવિષ્કારોએ કલેવર જ બદલી દીધાં એ પ્રાચીન કલાઓ તણાં !”
શબ્દો અને શાસ્ત્રો ન સમજાય કે પછી ન ચહીએ સમજવા, ક્યમ કે અમે ઊંઘીએ જાગતા! (૯)
* * * * *
આશા રાખું છું કે આજના વિષયના સંદર્ભે ઉપરોક્ત કાવ્યરચના આપને ગમી હશે જ.
ધન્યવાદ.
[…] ક્રમશ: (7) […]