RSS

Tag Archives: માતૃભાષા

(512) Best of the year 2013 (3)

You may click on 

(૩૬૩) ‘વેલકમ, વેલકમ…’ (હાદશ્રેણી-૫)

(૩૬૯) ‘વલદાનો વાર્તાવૈભવ’ એક નવીન બ્લોગનો પ્રારંભ

(૩૭૨) એપ્રિલ ફૂલ !

(૩૭૬) ચૂંટેલાં કાવ્યોનું રસદર્શન: વાંસળી વેચનારો – ઉમાશંકર જોશી – ગુજરાતી કાવ્ય

(૩૭૭) ચૂંટેલાં કાવ્યોનું રસદર્શન: ‘અમે સાત છીએ’ (We Are Seven) – વિલિયમ વર્ડ્ઝવર્થ (અંગ્રેજી કાવ્ય)

(૩૭૮-અ) ભાષાવિષયક ત્રણ પ્રકીર્ણ લઘુલેખ

(૩૮૦) ‘વેગુ’પ્રકાશિત ‘ગ્રીષ્મવંદના’ ઈ-બુકમાંની મારી હળવી રચના

(381) Apology

(382) ચૂંટેલાં કાવ્યોનું રસદર્શન : ‘ઝેરી વૃક્ષ’ (A Poison Tree) – વિલિયમ બ્લેક (William Blake)નું અંગ્રેજી કાવ્ય

(383) ચૂંટેલાં કાવ્યોનું રસદર્શન: ‘રાણીની હરીફ’ (The Queen’s Rival) – સરોજિની નાયડુ (અંગ્રેજી કાવ્ય)

(૩૮૮) અનુકાવ્યયુગ્મ – પ્રયોગશીલ સહિયારું ભાષ્ય

(૩૯૦) ભાવવૈવિધ્યે વર્ષાવૈભવ !

(૩૯૨-અ) ગુજરાતી ભાષા અને સાહિત્ય અંગેની કેટલીક અલપઝલપ વાતો

(૩૯૪) વેગુ ઉપરના વિદ્વાન શ્રી મુરજીભાઈ ગડાના “સમય-૨ : સમય શું છે ?” લેખ ઉપરનો મારો પ્રતિભાવ

(૩૯૬) વેગુ ઉપરના મુરજીભાઈ ગડાના ‘સમયની સાથે સાથે…’ (૧) ઉપરનો મારો પ્રતિભાવ

(૩૯૭) માનવતાનો સાદ (Open to Re-blog and Publicize)

(૩૯૮) મારી વાર્તા ‘ભ્રમ ખોટો પડ્યો !’ ઉપરના પ્રતિભાવનો પ્રતિ-પ્રતિભાવ !

(૩૯૯) બાળનજરે સાહિત્યકાર !

(૪૦૦-અ) માતૃભાષા ભુલાય ખરી ?

(૪૦૦-બ) ગુજરાતી જોડણી – બે સાંપ્રત વિચારધારાઓ

(૪૦૦-ક) કૌંસની અંદર, કૌંસની બહાર અને કૌંસમાં કૌંસ !

(૪૦૨) ગુજરાતી ભાષાનું ભવિષ્ય .. એક ચિંતન – દિદાર હેમાણી (અક્ષરનાદ) – મારો પ્રતિભાવ (૧)

(૪૦૩) ગુજરાતી ભાષાનું ભવિષ્ય .. એક ચિંતન – દિદાર હેમાણી (અક્ષરનાદ) – મારો પ્રતિભાવ (૨)

(૪૦૪) ગુજરાતી ભાષાનું ભવિષ્ય .. એક ચિંતન – દિદાર હેમાણી (અક્ષરનાદ) – મારો પ્રતિભાવ (૩)

(૪૦૪-અ) એબ્સર્ડ એટલે … ?

(૪૦૫) વિશ્વતોમુખી આર્ષદૃષ્ટિ (ઈ.સ.૨૨૨૨)

-Valibhai Musa 

 

 

Tags: , , , , , , , , ,

(૪૯૮-અ) ચાલો, આપણી માતૃભાષા ગુજરાતીનું ગૌરવ વધારીએ!

કોઈપણ ભાષામાં એક જ શબ્દના એવા છાયાશબ્દો જોવા મળશે કે જે પહેલી દૃષ્ટિએ સમાનાર્થી લાગે, પણ તેમના અર્થ કે ભાવમાં પાતળી ભેદરેખા હોય છે. ગુજરાતી ભાષાના ગુરુર અને ગર્વ પણ એવા શબ્દો છે જેમને આ ભેદરેખા લાગુ પડે છે. ગર્વ એ એક પ્રકારની ખુમારીને અભિવ્યક્ત કરે છે, જે સદ્ગુણમાં જ ખપે; પણ ગુરુર એ શબ્દ અભિમાનનો સૂચક હોઈ તેને અવગુણ જ ગણવો રહ્યો. વળી ગર્વ અને ગૌરવ સમભાવી શબ્દો જ છે, ફક્ત તેમને પ્રયોજવામાં જ ભિન્નતા માલૂમ પડશે. અહીં આપણે ગુજરાતીભાષીઓએ આપણી ગુજરાતી ભાષાનું વ્યક્તિગત રીતે માત્ર ગૌરવ ધારણ કરવાની વાત નથી કરતા; પરંતુ એ ગૌરવનો આપણે પ્રસાર કરવાનો છે, તેમાં વૃદ્ધિ કરવાની છે.

વિશ્વભરમાં વસતા વિવિધ માનવસમુદાયો પોતપોતાની માતૃભાષામાં વાણીવિનિમય કરતા હોય છે. દરેકને પોતપોતાની માતૃભાષા પરત્વે ખાસ લગાવ હોય છે. જે તે ભાષી માટે પોતાની લાગણીઓ અને વિચારોનું આદાનપ્રદાન કરવા માટે માતૃભાષા એ અનિવાર્ય માધ્યમ બની રહે છે અને તેથી જ તો દરેકને પોતાની માતૃભાષા પ્રિય હોય છે. માતૃભાષા અંગેના માનવીઓના સમાનભાવ હોવાના ખ્યાલને કેન્દ્રમાં રાખીને જ તો યુનોએ દર વર્ષના ૨૧મી ફેબ્રુઆરીના દિવસને વિશ્વ માતૃભાષા દિવસ તરીકે જાહેર કર્યો છે. આ દિવસે જે તે માનવસમુદાયે પોતપોતાની માતૃભાષાના વિકાસને અનુલક્ષીને વિવિધ કાર્યક્રમો પ્રયોજવાના હોય છે.

પહાડમાંથી નીકળતાં ઝરણાંનું પાણી એકત્ર થઈને આગળ જતાં નદીનું રૂપ ધારણ કરે છે, બસ તેમ જ સંસ્કૃતમાંથી અવતરણ પામેલી આપણી ગુજરાતી ભાષા પ્રાકૃત, અપભ્રંશ અને જૂની ગુજરાતીના તબક્કાઓમાં પરિવર્તિત થતીથતી હાલની ગુજરાતી ભાષારૂપી સરિતા બની છે. આ સરિતામાં દેશ્યશબ્દો ઉપરાંત અરબી, પર્શિયન, અંગ્રેજી જેવી વિદેશીભાષાઓ અને ગુજરાતની આસપાસનાં રાજ્યોની મરાઠી, રાજસ્થાની કે હિંદી ભાષાઓના શબ્દો રૂપી ઝરણાં પણ ભળતાં રહ્યાં છે. ગુજરાતી ભાષાના વિવિધ તબક્કાઓ દરમિયાન ગુજરાતી ભાષાના જે તે સ્વરૂપમાં સમયાંતરે સાહિત્યિક રચનાઓ પણ સર્જાતી રહી છે અને આમ આપણું ગુજરાતી સાહિત્ય પણ સમૃદ્ધ થતું રહ્યું છે.

આપણી ભાષાનું ગૌરવ વધારવાનું કામ રસ્તા કે તળાવ ખોદવા જેવા શ્રમયજ્ઞોમાં પાવડા, કોદાળી કે તગારાં સાથે માનવમહેરામણ ઊમટી પડે તે રીતે કરવાનું નથી. એ કામો તો જે તે લક્ષ પૂરું થાય, ત્યારે સમેટી લેવામાં આવતાં હોય છે. આપણી ભાષાના વિકાસ, પ્રસાર, પ્રચાર અંગેનું કાર્ય તો અવિરત ચાલુ રહેવું જોઈએ. આપણે ગુજરાતીઓ કોઈપણ કામમાં આરંભે શુરા ગણાતા હોઈએ છીએ. આ કોઈ પ્રશસ્તિ વચન નથી, પણ ઉપહાસ છે. કહેવાય છે કે કોઈપણ કામની શુભ શરૂઆત અડધું કામ થયા બરાબર હોય છે. હવે જે ઉત્સાહથી કામ શરૂ થયું હોય તે જ ઉત્સાહને જાળવી રાખીને તેને પૂરું કરવામાં આવે તો જ તે કામનો હેતુ સરે. આ તો એવાં કામોની વાત છે કે જે અમુક સમયની મર્યાદામાં પૂર્ણ થઈ જતાં હોય છે અને એક વખત એવું કામ પતી ગયા પછી વિશેષ કંઈ કરવાનું રહેતું નથી હોતુ. પરંતુ અહીં તો આપણી ગુજરાતી ભાષા અંગેના કામની વાત છે. આ કામ કદીય પૂર્ણ થયેલું જાહેર ન કરી શકાય, કેમ કે ભાષા એ સતત વિકસતી રહેતી હોય છે. માતૃભાષા અંગેની ચિંતા એ માટે મુકર્રર કરેલા દિવસની ઉજવણી પૂરતી સીમિત રહેતી નથી. વળી એ પણ એટલું જ સાચું કે ભાષાના ગૌરવની માત્ર ચિંતા કર્યે જવાથી કે વાતોનાં વડાં તળ્યે જવાથી કંઈ વળે નહિ, એ માટે તો સજાગપણે રચનાત્મક પ્રવૃત્તિઓ કરતા રહેવું પડે.

કોઈપણ ભાષાના પાયામાં હોય છે, તે ભાષાનો પ્રમાણભૂત શબ્દકોશ. આપણે ગુજરાત વિદ્યાપીઠના નેજા હેઠળ તૈયાર થયેલા સાર્થ જોડણીકોશને સ્વીકાર્યો છે અને દરેક ગુજરાતીએ તેને જ પ્રમાણભૂત માનીને તેને અનુસરવું જોઈએ. કોશમાં કોઈ ક્ષતિઓ રહી જવા પામી હોય તો તેની સુધારણા માટે અને એને સંવર્ધિત કર્યે જવા માટે સરકારનાં વિવિધ મંત્રાલયોની જેમ આ માટેનું પણ સ્વતંત્ર મંત્રાલય હોવું જોઈએ અને રાજ્યના વાર્ષિક અંદાજપત્રમાં ગુજરાતી ભાષાના વિકાસ માટે જરૂરી નાણાકીય ભંડોળની જોગવાઈ પણ કરવી જોઈએ. દેશનાં અન્ય રાજ્યોમાં તેમની પ્રાદેશિક ભાષાઓમાં ફિલ્મનિર્માણ થાય છે, તેની સરખામણીમાં આપણું ગુજરાતી ફિલ્મોનું નિર્માણ બહુ જ ઓછું થતું હોય છે. આમ ફિલ્મનિર્માણ અને સાથેસાથે ગુજરાતી નાટ્યપ્રવૃત્તિને પણ સરકારે પ્રોત્સાહન આપવું જોઈએ. આ માટે માત્ર સરકારી પ્રોત્સાહન જ કારક ન નીવડી શકે. ગુજરાતી ફિલ્મો કે ગુજરાતી નાટકો માટે પ્રેક્ષકો પણ હોવા જોઈશે. સરકાર તરફથી થતા પત્રવ્યવહારમાં ભાષાશુદ્ધિ અનિવાર્ય ગણાવી જોઈએ. ગુજરાત રાજ્યની સ્થાપનાના દિવસ પહેલી મેને ગુજરાતી ભાષાદિન તરીકે જાહેર કરીને એ દિવસે માત્ર શાળાકોલેજોમાં જ નહિ, પણ આખા ગુજરાતમાં ગુજરાતી ભાષા માટેના વિવિધ કાર્યક્ર્મો પ્રયોજાવા જોઈએ. આ દિવસે લોકોએ પોતાનાં નિવાસસ્થાનો અને ધંધાકીય એકમોને આપેલાં નામોમાં અશુદ્ધિ હોય તો તેને દૂર કરી લેવી જોઈએ.

હવે તો ઓનલાઈન ગુજરાતી શબ્દકોશ ઉપલબ્ધ હોઈ લોકોએ પોતાનાં કમ્પ્યુટર કે મોબાઈલ ફોનમાં તેને ડાઉનલોડ કરી લેવો જોઈએ. અંગ્રેજી ભાષામાં સ્પેલીંગ માટે આપણે જેટલા સજાગ હોઈએ છીએ, તેટલા જ આપણે ગુજરાતી શુદ્ધ જોડણી માટે પણ સજાગ રહેવું જોઈએ. ગુજરાતી ભાષામાં કોઈ એક જ અર્થ ધરાવતા અનેક શબ્દો હોય છે, જે પૈકી જોડણી માટે સરળ રહે તેવા શબ્દો વાપરવામાં આવે તો પણ ઘણી જોડણીભૂલોનું નિવારણ થઈ શકે. ઉદાહરણ તરીકે સુશ્રૂષાના બદલે સારવાર, કોશિશના બદલે પ્રયત્ન વગેરે. હાલમાં કમ્પ્યુટર અને મોબાઈલનો ઉપયોગ સાર્વત્રિક બની ગયો હોઈ અંગ્રેજીની જેમ ગુજરાતી Spell Checker ની તાતી આવશ્યકતા છે. આ માટે સોફ્ટવેરના તજજ્ઞોએ અદ્યતન સ્પેલચેકરનો આવિષ્કાર કરીને લોકોને ઉપલબ્ધ કરાવવું જોઈએ.

શાળાઓ એ ગુજરાતી ભાષા માટેનાં પાયાનાં સ્થળો છે. અહીંથી જ ગુજરાતી ભાષાની શુદ્ધિ માટેની કાળજી લેવાય તો લાંબા ગાળે આપણને ધાર્યું પરિણામ મળી શકે. શિક્ષકોએ અને વિદ્યાર્થીઓએ જોડણીકોશનો સંદર્ભ લેવાની ટેવ પાડવી જોઈએ. ભાષાશુદ્ધિની આવી જ કાળજી પાઠ્યપુસ્તકોમાં પણ લેવાવી જોઈએ. વર્ગમાં શિક્ષક-વિદ્યાર્થી અને વિદ્યાર્થી-વિદ્યાર્થી વચ્ચેની વાતચીત શુદ્ધ ગુજરાતીમાં થાય તેવો આગ્રહ રખાવો જોઈએ. વળી વિદ્યાર્થીઓને એવી તાકીદ કરવામાં આવે કે તેઓ પોતાનાં ઘરોમાં પણ શુદ્ધ બોલવાનો આગ્રહ રાખે કે જેથી કુટુંબનાં અન્ય સભ્યો પણ બોલવામાં ભાષાશુદ્ધિ જાળવતાં થઈ જાય. ગુજરાતી ભાષામાં પ્રગટ થતાં સમાચારપત્રો કે સામયિકોમાં તો ભાષાશુદ્ધિનો ખાસ આગ્રહ રખાવો જોઈએ. વાચકોનાં મંતવ્યોના વિભાગે જાગૃત વાચકોએ તંત્રીઓ કે સંપાદકોનું જોડણીભૂલો પરત્વે ધ્યાન દોરવું જોઈએ, કે જેથી તેઓ પણ સજાગ રહે અને લોકોનાં દિમાગોમાં સાચી જોડણી અંગેની શંકાકુશંકાઓ ઉદ્ભવવા ન પામે. શબ્દોની સાચી જોડણી ઉપરાંત ભાષામાં વ્યાકરણની અને વિરામચિહ્નોની ભૂલો પણ થતી હોય છે, જેના નિવારણ માટે પણ આપણે સભાન થવું જોઈએ.

સમાપને કહેતાં આપણે અહીં માત્ર ગુજરાતી ભાષાની શુદ્ધિ અંગેની વાતો ચર્ચી. ભાષા એ તો અભિવ્યક્તિનું સાધન માત્ર છે. ભાષાના ઉપયોગથી ખરેખર તો સાહિત્ય સર્જાતું હોય છે અને એથી સાહિત્ય એ સાધ્ય બની રહે છે. કોઈપણ ભાષાના ગૌરવનું મુલ્યાંકન એના સાહિત્યથી થતું હોય છે. આપણું ઉમદા ગુજરાતી સાહિત્ય અન્ય ભાષાઓમાં અનુવાદિત થાય તો પણ એનું ગૌરવ વધી શકે. ઉમદા સાહિત્ય ત્યારે જ સર્જાય, જ્યારે કે તેના વાંચનારાઓ મળી રહે. આપણે ગુજરાતી સાહિત્યનું ખૂબ વાંચન કરતા રહેવું જોઈએ અને એ માટે આપણે જાહેર પુસ્તકાલયોનો પૂરતો લાભ ઊઠાવવો જોઈએ. ગુજરાત બહાર વિશ્વભરમાં વસતા આપણા ગુજરાતીઓ બ્લૉગ દ્વારા સાહિત્યસર્જન કરતા હોય છે. એમાંના ઘણા બ્લૉગ તો ઉત્તમ સાહિત્ય પીરસતા હોય છે. આપણે એવા બ્લૉગરોને પણ પ્રોત્સાહિત કરવા જોઈએ. હવે તો ઈ-બુકનો પ્રસાર થઈ રહ્યો હોઈ સ્માર્ટ ફોનધારકો પોતાના મોબાઈલમાં ઓછામાં ઓછાં વિનામૂલ્ય પુસ્તકોને તો સંગૃહિત કરીને પોતે લાભ ઊઠાવીને પોતાનાં સંપર્કવર્તુળોમાં તેમને પ્રસારી પણ શકે. આર્થિક રીતે સક્ષમ લોકોએ મૂલ્ય ધરાવતાં મુદ્રિત કે વીજાણુ માધ્યમે પ્રકાશિત થતાં પુસ્તકો કે સામયિકોને ખરીદવાં જોઈએ કે જેથી લેખકોને પ્રોત્સાહન મળી રહે. ભાષાનું ગૌરવ વધારવામાં આપણી ‘વેબગુર્જરી’ જેવી દેશવિદેશમાં કેટલીય ગુજરાતી વેબસાઈટ ઉમદા કાર્ય કરી રહી છે, તેમને પણ પ્રોત્સાહિત કરવી જોઈએ. ગુજરાતી ભાષાનું ગૌરવ વધારવાનું કામ આપણા સૌનું છે, સાથેસાથે એ પણ જોવાનું રહે કે એવું ન બને કે સૌનું કામ તે કોઈનુંય ન રહે!

 

Tags: , ,

(૪૦૦-અ) માતૃભાષા ભુલાય ખરી ?

સામાન્ય સંજોગોમાં એવું બને તો નહિ જ કે કોઈ ઈસમ પોતાની માતૃભાષાને ભૂલી જાય !  હા, કેટલાક એવા વિશિષ્ઠ સંજોગો હોઈ શકે; જેવા કે બાળક પોતાની માતૃભાષા બરાબર બોલતાં પણ શીખ્યું ન હોય અને સંજોગોવશાત્ તેનો ભાષા સાથેનો સંપર્ક તૂટી જાય અથવા માણસ દીવાનું થઈ જાય અને ચૂપકીદી ધારણ કરી લે. જોકે એ દિવાની વ્યક્તિ કોઈક વાર લવારા કે બબડાટ કરવા માંડે તો ઘણું કરીને પોતાની માતૃભાષામાં જ કરશે.

અત્રે મારો ભાષાવિજ્ઞાનને સમજાવવાનો કોઈ આશય નથી. વળી મારા લેખમાંના શીર્ષકમાંના મારા જ પ્રશ્નનો કોઈ હકારાત્મક, નકારાત્મક કે બેમાંથી એકેય નહિ એવો  કોઈ જવાબ હાલ પૂરતો હું આપવા પણ  નથી માગતો. અહીં તો બસ મારી લેખશ્રેણીમાં વેબગુર્જરીએ વિષયોની બાબતમાં મને મોકળું મેદાન આપ્યું છે,  શબ્દાંતરે આ શબ્દોમાં કે ‘ધાર્યું વલીભાઈનું થાય !’ અને તદનુસાર આજે હું ઉપસ્થિત છું, આપ સૌ વેગુવાચકો સમક્ષ અનૌપચારિક એવા ગમ્મતમજાકમાં કરેલા એક પ્રયોગ સાથે !

વાત આમ હતી.

એ દિવસોમાં હું બકરાની જેમ તમાકુવાળાં પાન ચાવવાના વ્યસનમાં સપડાએલો હતો. અમદાવાદ ખાતેના મારા  યજમાનને ત્યાં સવારનો નાસ્તો પતાવીને લટાર મારવા જવાના બહાને નજીક્માંના એક મદ્રાસીની પાનની દુકાને જઈ ચઢ્યો હતો. દુકાન ઉપર સોળેક વર્ષનો છોકરો બેઠેલો હતો. મેં તેને કહ્યું, ‘વન્નુ બિડા પોયલે.’, જેનો ગુજરાતી ભાષામાં અર્થ થતો હતો : ‘એક તમાકુવાળું પાન.’

પેલા છોકરાએ મને તેનો હમવતની ભાઈ સમજીને અહોભાવથી મારી સામે જોઈને મારું પાન બનાવવાનું શરૂ કર્યું. તેણે મને હિંદીમાં જ પૂછ્યું, ‘આપ મદ્રાસ(ચેન્નાઈ)સે હૈં ?’

મેં તામિલમાં જ જવાબ વાળ્યો, ‘આમામ (Aamaam)- હા’. વળી મેં આગળ હાંક્યું, ‘નાલ કુણ્ડે સાપડી ઈરગે ઈણ્ણપ્પા પરિયમગેલે !’

તેણે પાન ઉપર કાથાની ડંડી ફેરવવાનું અટકાવતાં આશ્ચર્યસહ મને હિંદીમાં જ કહ્યું, ‘સાબ, જરા ફિરસે બોલિયે.’

મેં મારા એ જ વાક્યનું પુનરાવર્તન કર્યું.

‘આપ બોલતે તો તામિલ હી હૈ, પર મેરી સમજમેં ક્યોં નહિ આતા ? અભી થોડી દેરમેં મેરે પિતાજી આએંગે, આપ ઉનસે બાત કરના. વો યહાં ગુજરાતમેં અપને તામિલભાઈસે બાત કરકે ખુશ હો જાએંગે.’ પરંતુ તેને શંકા તો હતી જ કે હું તામિલ નહિ, પણ કોઈક ભળતી ભાષા જ બોલું છું. તેણે મને અજમાવવા માટે તામિલ ગિનતી (આંક) બોલવાનું કહ્યું.

મેં તો કડકડાટ એકથી દસ સુધીની સંખ્યાઓ બોલી નાખી : વન્નુ, રંડ, મુણ, નાલ, અંચી, આર, એળ, એટ, ઉમ્બત, પત્ત.’

‘બિલકુલ સહી ! આપ તામિલ હી બોલતે હૈં !’ તેણે મારી સાચી ગિનતી સાંભળીને સંતોષ વ્યક્ત કર્યો.

પણ વળી પાછો તે વહેમાયો અને હું અગાઉ જે બોલ્યો હતો તે ફરીથી બોલવાનું મને કહ્યું. આ વખતે તેણે મને ધીમેધીમે એકએક શબ્દ છૂટો પાડીને બોલવાનું કહ્યું. તે કોઈ પણ રીતે મારા એ કથનને સમજવા માટે ઉત્સુક હતો.

મેં મારા એ જ કથનને ધીમેધીમે કહી સંભળાવ્યું, ‘‘નાલ કુણ્ડે સાપડી ઈરગે ઈણ્ણપ્પા પરિયમગેલે !’

એ બિચારો માથું ખંજવાળતો જ રહ્યો. મેં ફરી વાર એ જ કથનને બોલી બતાવીને વધારામાં ઉમેર્યું : ‘વેલાયુથમ પાલયમ ઊક્કારંગો વાંગો પો ઊટકાર’

‘બિલકુલ સહી સાબ, આપ તામિલ હી બોલતે હૈં. જૈસે કિ ‘ઊક્કારંગો’કા મતલબ હોતા હૈ ‘આઓ’, ‘વાંગો’કા મતલબ હોતા હૈ બૈઠો, વૈસે હી ‘પો’ યાને કે ‘જાઓ’. પર આપ અભી પહેલે જો બોલે ઉસમેં ‘વેલાયુ’ જૈસા વો જરા ફિરસે બોલના.’

મે કહ્યું, ‘વેલાયુથમપાલયમ.’

એને બિચારાને ક્યાં ખબર હતી કે તે અંગ્રેજીમાં સત્તર અક્ષરવાળા તામિલનાડુ રાજ્યના કોઈ શહેર કે ગામનું એ નામ હતું : ‘Velayuthampalayam.’

હું ૧૯૫૯ની સાલમાં એસ.એસ.સી. પછી તરત જ હાર્ડવેરના ધંધાની જાણકારી મેળવવા માટે મદ્રાસ ગએલો હતો અને એકાદ માસના રોકાણ દરમિયાન કેટલાક તામિલ શબ્દો શીખ્યો હતો. એ સાચા તામિલ શબ્દોની સાથે કેટલાક તામિલનો આભાસ ઊભો કરાવે તેવા ખોટા શબ્દો જોડીને હું પેલા છોકરાને ગૂંચવી રહ્યો હતો. હું સૂંઠના ગાંગડે ગાંધી (To be a grocer with just a single dry ginger !) બની બેઠો હતો !

વળી પાછો તેને અકળાવી નાખતાં એકી શ્વાસે હું એનું એ જ લાંબુંલાબું ફરી વાર બોલી ગયો હતો : ‘નાલ કુણ્ડે સાપડી ઈરગે ઈણ્ણપ્પા પરિયમગેલે વેલાયુથમપાલયમ ઊક્કારંગો વાંગો પો ઊટકાર – વન્નુ, રંડ, મુણ, નાલ, અંચી, આર, એળ, એટ, ઉમ્બત, પત્ત.’

અને એ બિચારાએ પોતાના હાથ ઊંચા કરતાં શરણાગતી સ્વીકારી લીધી હતી આ શબ્દોમાં કે ‘સાબ, મૈં આઠ સાલકા થા તબ હમ મદ્રાસસે ગુજરાત આ ગયે થે. પિછલે આઠ સાલસે હમ મદ્રાસ ગએ હી નહિ હૈ ! મુઝે લગતા હૈ કિ મૈં શાયદ મેરી માદરી જબાન તામિલ ભૂલ ગયા હું ! હાલાંકિ ઘરમેં સબ તામિલ હી બોલતે હૈં ફિર ભી મૈં પરેશાન હું કિ આપકી તામિલ મેરી સમજમેં ક્યોં નહિ આતી ?

એ છોકરાના પિતાજી આવી જાય અને મારું પોલ પકડાઈ જાય તે પહેલાં મેં તેને ‘પોઈતુ વારેન (આવજો)’ કહીને ચાલતી પકડી હતી.

સાથીઓ, અહીં ભલે મેં તામિલ ભાષા અંગેની ઘટના કહી સંભળાવી હોય, પણ એ કોઈ પણ માતૃભાષાને એટલી જ સરખી લાગુ પડે ! મેં પેલા છોકરાને તેની માતૃભાષા ભુલવાડી તો ન હતી, પણ તેને વ્હેમના વમળમાં એવો ઘૂમરીએ ચઢાવ્યો હતો કે તેણે કબૂલ્યું હતું કે તે તેની માતૃભાષા ભૂલી ગયો લાગે છે !

પરંતુ સામાન્ય સંજોગોમાં એવું તો કદીય ન બને કે કોઈ ઈસમ પોતાની માતૃભાષાને સાવ જ ભૂલી જાય !

-વલીભાઈ મુસા

 

Tags: , ,