Let us …
Let us
All remove the title” Human”
Voluntarily,
Until we cannot remove
The inhumanity
Stored in us
From the ages and ages.
Let us
All stop believing in religion
Until we cannot make
Every one believe
That we are the children of same
Father.
Let us not butcher our progeny
like we did in Peshawar
Children are our future
and the heir to the throne of humanity.
Let us make this world
a place of beauty and peace
a place of arts and bliss
where the children of our children
remember us
for this gift.
– Mukesh Raval
* * * * *
ચાલો ને, આપણે …
ચાલો, આપણે
’માનવી’ હોવાના બિરુદને
સ્વૈચ્છિક રીતે
ફંગોળી દઈએ;
જ્યાં સુધી કે
આપણે આપણામાં યુગોયુગોથી
ઘર કરી ગયેલી એ ‘અમાનુષિતા’ને
ન જાકારો દઈએ !
ચાલો ને, આપણે સૌ
ધર્મોમાં માનવાનું પણ બંધ કરી દઈએ;
જ્યાં સુધી કે
આપણે એકેએક જણને
સમજાવી ન શકીએ કે
આપણે સૌ એક જ પરમ પિતાનાં
સંતાનો જ છીએ !
આપણે રહેંસી ન નાખીએ નિજ સંતતિને,
જ્યમ રહેંસી ક્રૌર્યે પેશાવરે હવણાં !
સંતાનો આપણાં ન અવ માત્ર ભવિષ્ય જ,
વારસ પણ ખરાં માનવ્ય તણા તખતનાં.
તો વળી, ચાલો ને આપણે
બદલી દઈએ આ ધરિત્રીને
એવા સ્થળ મહીં
કે જે હોયે, રમણીયતા અને શાંતિ,
વિનયન અને પરમ સુખ થકી સભર,
જેથી આવનારી પેઢીઓ
સદાકાળ યાદ કરતી રહે આપણને,
આ બહુમૂલ્ય નજરાણા થકી !
– વલીભાઈ મુસા (ભાવાનુવાદક)
[કવિશ્રી મુકેશ રાવલના આભારસહ]
રસદર્શન :
આપણે અગાઉ પ્રૉફેસર મુકેશ રાવલનાં તેમના અંગ્રેજી કાવ્યસંગ્રહ “Pots of Urthona”માંનાં કેટલાંક કાવ્યોના ભાવાનુવાદો અને રસદર્શનો અવલોક્યાં. અહીં હૃદયવિદારક એવી સાંપ્રત એક ઘટનાને વિષય બનાવીને કવિ આપણી સમક્ષ આવ્યા છે. તાજેતરમાં પાકિસ્તાનની પેશાવર સ્થિત આર્મી સ્કૂલમાં આતંકવાદી હુમલામાં ૧૪૧ બાળકો અને શિક્ષકોએ જીવ ગુમાવ્યા. કવિ એ સંવેદનશીલ જીવ હોય છે અને સામાન્ય જનથી અધિક માત્રામાં તેનું હૃદય ઘટનાઓના આઘાતપ્રત્યાઘાતોની અસર ઝીલે છે. માનવતાના હત્યારા એવા આતંકવાદીઓ કદાચ પોતાના બાલ્યકાળને વીસરી ગયા હોય, પણ તેમનાં પોતાનાં બાળકોના વર્તમાન બાલ્યજીવનના સાક્ષી તો હશે જ ! પ્રભુના પયગંબર કે બાલગોપાલ સમાં આવાં નિર્દોષ બાળકોને હણવાં એ કોઈ બહાદુરી નથી, પણ કાયરતા છે. કવિ બર્બરતાભરી આ ઘટનાથી વ્યથિત તો થાય છે, છતાંય આપણે કાવ્યાંતે જોઈશું તો આપણને લાગશે કે કવિ સાવ નિરાશાવાદી બનતા નથી.
કાવ્યારંભે કવિ સમગ્ર માનવજાતને ઉદ્દેશીને અને એમાંય વળી પોતાની જાતને પણ તેમાં સામેલ કરીને ‘આપણે’ એવા શબ્દપ્રયોગથી પોતાની વ્યથા ઠાલવે છે, આ શબ્દોમાં કે “ચાલો, આપણે ‘માનવી’ હોવાના બિરુદને સ્વૈચ્છિક રીતે ફંગોળી દઈએ !”. અહીં સીધીસાદી વાત કે ‘આપણે આપણી જાતને માનવી કહેવડાવવાને લાયક નથી !’ને કવિ કાવ્યમય લઢણે ભાવવાહી રીતે રજૂ કરે છે. યુગોયુગોથી માનવીઓનાં દિલોમાં ધરબાયેલી આ અમાનવીયતા જ્યાં સુધી દૂર ન થાય, ત્યાં સુધી આપણે માનવ તરીકે ઓળખાવાનું બંધ કરી દેવું જોઈએ. કવિની વાત પણ યથાર્થ જ છે કે જો માનવી માનવતા જ ગુમાવી બેઠો હોય તો તે માનવી કહેવડાવાને લાયક નથી, તે તો પશુતુલ્ય જ કહેવાય !
વળી આગળ વધતાં કવિ પોતપોતાના ધર્મોને પણ છોડી દેવાનું આપણને જણાવે છે અને એ પણ ત્યાં સુધી કે જ્યાં સુધી આપણે તમામ ધર્મોના અનુયાયીઓને એ વાત ન સમજાવી શકીએ કે આપણે એક જ પરમ પિતાનાં સંતાનો છીએ. માનવબાળ જન્મે છે, ત્યારે તેનો કોઈ ધર્મ હોતો નથી. આમ જગતના સર્વ ધર્મોમાં જન્મતાં બાળકો તો સૃષ્ટિના એક જ સર્જનહારનાં સંતાનો જ કહેવાય. આ એક પરમ સત્ય છે અને બધા જ ધર્મોના અનુયાયીઓએ એ સારી રીતે સમજી લેવું જોઈએ કે આપણે તમામ માનવીઓ બંધુત્વથી જોડાયેલા છીએ અને એક જ પ્રકૃતિમાતા પાસેથી આપણે પોષણ મેળવીએ છીએ. આમ આવી ઘાતકી હિંસા તો ભાઈના હાથે જ ભાઈની થઈ ગણાય.
અહીં સુધી કવિ સર્વસામાન્ય રીતે માનવતા ધારણ કરવાની અને સર્વ માનવો એક જ પરમપિતા એવા ઈશ્વરનાં સંતાનો છે એ સ્વીકારવાની વાત જણાવ્યા પછી તાજેતરની પેશાવરમાં ઘટેલી ઘટનાના હવાલા થકી કવિ આપણને શિખામણ આપતાં જણાવે છે કે આપણે આપણી જ સંતતિની હત્યા ન કરવી જોઈએ. આપણાં સંતાનો એ માત્ર આપણું ભવિષ્ય જ નહિ, પણ તેઓ માનવતા રૂપી તખ્તનાં વારસો છે. એમણે એ સ્થાને બેસીને માનવતાની રક્ષા કરવાની છે. ભલા, જેમના શિરે માનવતા જાળવી રાખવાની જવાબદારી આવવાની છે, તેમને જ આપણે અકાળે મિટાવી દઈએ તો પછી એ માનવતા કઈ રીતે ચિરંજીવ રહી શકશે !
કાવ્યસમાપને કવિ એવો આશાવાદ વ્યક્ત કરે છે કે આપણે આપણામાં માનવતાને વિકસાવીને આ ધરતીને એવા સ્થળ તરીકે પરિવર્તિત કરી દઈએ કે જ્યાં સર્વત્ર રમણીયતા, પરમ શાંતિ, વિવિધ કલાઓનો વિકાસ અને પરમ સુખ પ્રવર્તમાન હોય. આપણે એવો માનવતાવાદી અમૂલ્ય વારસો આપણી સંતતિને આપતા જઈએ કે આપણી ભાવી પેઢીઓ આપણને સદા યાદ કરતી રહે.
કાવ્યમીમાંસાના એક આવશ્યક સિદ્ધાંત અનુસાર કાવ્યકૃતિ ખુલ્લી ઉપદેશાત્મક ન બનવી જોઈએ, કેમ કે તેમ થતાં કાવ્યકલા પોતાના સૌંદર્યને ગુમાવે; પરંતુ અહીં આપણા કવિનું આ કાવ્ય એ બાબતે અપવાદ બની જાય છે. હિંસાચારની ઘટેલી ઘટનાના આધાર ઉપર રચાયેલા આ કાવ્યમાં માનવજાતને શિખામણ આપવામાં નથી આવી, પણ એક પ્રકારનું આહ્વાન કરવામાં આવ્યું છે કે હવે પછી આપણે આ પૃથ્વીને નંદનવન બનાવવા માટે શું કરવાનું રહે છે. સરળ શબ્દોમાં વહ્યે જતી અને આપણા અંતરને ઢંઢોળતી એવી ભાવસભર આ રચના બદલ કવિશ્રીને ધન્યવાદ.
– વલીભાઈ મુસા
(ભાવાનુવાદક અને રસદર્શનકાર)
[Published on ‘Wegurjari’ Dt.24062015]
[…] ક્રમશ: (7) […]