પ્રતિલિપિના પાયાના સદસ્ય શ્રી વલીભાઈ મુસા સાથે એક નાનકડો વાર્તાલાપ / A short interview with Gujarati writer Valibhai Musa
નામ – અટક : વલીભાઈ મુસા
ઉપનામ : ‘વલદા’ (દેશી); વિલિયમ (વિલાયતી)
જન્મતારીખ : ૦૭-૦૭-૧૯૪૧
મૂળ વતન : કાણોદર (પાલનપુર), ઉત્તર ગુજરાત
ડિગ્રી-ઉપાધિ : બી.એ. (ઓનર્સ); એમ.એ. (Dropped)
1. સ્વભાવ :
મારો ભાવ ? અમૂલ્ય, કોઈપણ કિંમતે ન ખરીદી શકો !!! પણ મને લાગે છે કે મિજાજ (Nature) વિષે પુછાયું છે, તો લોકો કહે છે કે ‘વલદા’ સાથેની ગમે તેટલી લાંબી સફર સાવ ટૂંકી થઈ જાય !
2. જીવનનો એક એવો અનુભવ જે ક્યારેય નહિ ભૂલી શકાય :
બાલ્યકાળનું કરતૂત (પરાક્રમ) ! ઘરે પાતાળજાજરૂનો કૂવો ખોદાય. બપોરે જમવા માટે મજૂરો ઘરે જતાં એ લોકોની જેમ રસ્સો પકડીને કૂવામાં ઊતરવાનો પ્રયાસ કરતાં બંદા સરક્યા. બંને હથેળીઓની ચામડી ઊતરડાઈ ગઈ. સમવયસ્કશા મોટાભાઈએ માટી કાઢવાની ટોપલીમાં બેસાડીને એકલાહાથે બહાર ખેંચવાની કોશિશ કરી. કિનારે આવેલું નાવ ગરક થાય તેમ છેક કાંઠેથી નીચે પટકાયા. સદભાગ્યે પોચી માટી અને તેથી પીઠિકા રહી સલામત ! બીજા મિત્રની મદદથી બહાર, પ્રાથમિક સારવારમાં બંને હથેળીઓ ઉપર શાહી ચોપડાઈ, મેડે સંતાડ્યા, પકડાયા, પરાક્રમ છુપાવતાં બાએ સાબુથી હાથ ધોવડાવ્યા, દાઝ્યા ઉપર ડામ. બા રાડ પાડી ઊઠ્યાં. દવાખાને પાટાપટ્ટી, અઠવાડિયાની નિશાળમાંથી છુટ્ટી, બહોળા કુટુંબનાં સભ્યોએ પડાપડી કરીને બંદાને ચમચીથી ખવડાવવાનો લ્હાવો લૂંટ્યો. બિચારી બાએ સાતેય દિવસ શૌચક્રિયા પછીની હાથપાણીની સેવાઓ આપી. સગાંવહાલાં અને મિત્રોને આ પરાક્રમ જાણીને આનંદઆનંદ ! અને આજે પણ, આ ઘટનાનું સ્મરણ થતાં મને પણ આનંદઆનંદ !
3. જો પાછલી જિંદગીમાં થઈ ગયેલી એક ભૂલને સુધારવાનો મોકો મળે તો કઈ ભૂલ સુધારશો ?
ભૂલ થઈ ગઈ એ થઈ ગઈ, એ કદીય સુધરે નહિ; હા, ભૂલનું પુનરાવર્તન ટાળી શકાય ! સગાંવહાલાં અને મિત્રોનાં કુટુંબો સાથે સંતાનોનાં સગપણ અને તેમની સાથેના ભાગીદારીના ધંધાવ્યવસાયથી દરેકે દૂર રહેવું જોઈએ એવું સ્વાનુભવે યોગ્ય લાગે છે. જો પરિણામ વિપરિત આવે તો ‘બાવાનાં બેય બગડે’ જેવી સ્થિતિ સર્જાય ! !
4. અતિપ્રિય વ્યક્તિ :
ઘરમેળે તો સૌ સરખાં, પણ બહાર નજર કરતાં કોને પ્રાધાન્ય આપવું તે પેચીદો પ્રશ્ન બની જાય; છતાંય કહેવું તો પડશે જ કે ‘હું’ જ મારી પ્રિય વ્યક્તિ છું, જ્યારે કે મારાથી એકાદ પણ નાનું માનવતાનું કાર્ય થઈ જાય.
5. ગમતું વ્યસન :
નઠારું તો શેં કહેવાય, પણ સારું જો ગણાવું તો કહી શકું કે ૭૩+ની ઉંમરે પણ માનવીય સંબંધોમાં વૃદ્ધિ થતી જ રહે એવું હું ઝંખ્યા કરું છું અને રોજેરોજ એ વૃદ્ધિ થયા કરે છે. ૨૦૦૭થી નેટમાધ્યમે આવ્યા પછી તો વિશ્વભરમાં એટલાં બધાં લોકોના સ્નેહતાંતણે બંધાયો છું કે એક નવું ગામ વસાવી શકાય !
6. સર્જનમાં કોઈ પ્રેરણામૂર્તિ હતાં? છે?
મારા પ્રાથમિક શિક્ષક શ્રી મફતલાલ હીરાલાલ શ્રીમાળી સાહેબ, માધ્યમિક શિક્ષક શ્રી હરકાંત વ્હોરા સાહેબ અને અનુસ્નાતક અભ્યાસકાળના મહાનુભાવ શ્રી જિતેન્દ્ર દવે સાહેબ મારા સાહિત્યસર્જનના પ્રેરણાસ્રોત રહ્યા છે. હાલમાં તો ઘરે અને ઘરે બાહિરે ઘણા/ઘણાં છે. જો કોઈ એક નામ આપું તો અન્યોને અન્યાય થઈ જાય; છતાંય સર્વસામાન્યપણે કહું તો મારા બ્લૉગના વાચકો જ મારા માટે પ્રેરણામૂર્તિ સમાન છે.
7. પ્રિય ભોજન :
મારા માટે વર્જ્ય ન હોય તેવું પ્રેમે પીરસાય તેવું સઘળું મને પ્રિય જ હોય છે
8. પ્રેમ એટલે શું?
‘પ્રેમ’ એ ભાષાકીય શબ્દ છે અને એને સમજાવવા માટે પણ પાછા શબ્દો જ જોઈએ. ‘પ્રેમ’ એ સમજવા-સમજાવવા માટેનો વિષય નથી. ‘પ્રેમ’ એ અનુભૂતિ છે. પ્રેમ કરી શકાતો નથી, પ્રેમ તો થતો હોય છે. ‘પ્રેમ’ એ અનૈચ્છિક એવી સાહજિક અને ભાવગત ક્રિયા છે, જેને કારણો કે ઉદ્દીપનોની જરૂર પડતી નથી. ‘પ્રેમ’ વ્યક્તિવ્યક્તિ પૂરતો સીમિત નથી, પ્રેમપાત્રો તો અનેકાઅનેક હોઈ શકે; પશુપક્ષીથી માંડીને કુદરત સુધી અને એનાથીય આગળ બ્રહ્માંડોના સર્જનહાર કે જેને પરમ શક્તિ કે એવા કોઈપણ નામે ઓળખવામાં આવે ત્યાં સુધી. મારું તો માનવું છે કે હાથીના પગલામાં જેમ અન્ય પ્રાણીઓનાં પગલાં સમાઈ જાય તેમ જે વ્યક્તિ પોતાની જાત સાથે સાચો પ્રેમ કરી જાણે તો તેમાં બધાય પ્રેમનો સમાવેશ થઈ જાય છે. આ એક ગહન વાત છે અને છતાંય તેને સરળ શબ્દોમાં સમજી-સમજાવી શકાય કે ઉભય પ્રેમીઓમાં પાત્રતા હોવી જોઈએ. પોતાની જાતને પ્રેમ ત્યારે જ થઈ શકે, જ્યારે કે એ પોતાની જાતમાં પણ પ્રેમ ઝીલવાને અનુરૂપ પાત્રતા હોય અને આપણે પ્રેમ દર્શાવનારા બાહ્ય એવા આપણામાં પણ એવી જ પાત્રતા હોય ! આમ બંને પક્ષે પાત્રતા હોય તો જ ઉભય વચ્ચે સાચો પ્રેમ સંભવી શકે !
9. સૌથી વધુ ખુશ ક્યારે થાઓ છો?
નાનાં ભૂલકાંનાં નિર્દોષ તોફાનો અને તેમની બાળચેષ્ટાઓ જોઈને એટલી બધી ખુશી થાય છે અને ઘણીવાર એવો વિચાર પણ આવતો હોય છે કે ઈશ્વર સર્વ શક્તિમાન તો છે જ અને તે એક ક્ષણ માટે પણ જગતનાં સર્વે માનવોને નાનાં બાળકો જેવાં બનાવી દે તો એ ક્ષણ પૂરતો પણ આપણું અશાંત વિશ્વ શાંતિનો શ્વાસ લઈ શકે. ‘જીવો અને જીવવા દો’ એ ભાવના જ જગતને બચાવી શકશે.
10. પ્રતિલિપિ એ ..
ભારતની ‘વિવિધતામાં એકતા’ની વિભાવનાને સાકાર કરતી એક અનોખી વેબસાઈટ છે. દેશના વિભિન્ન વિસ્તારોમાંથી એક જ ફલક ઉપર એકત્ર થએલાં છવ્વીસની સરેરાશ વય ધરાવતાં અને ઉચ્ચતમ શિક્ષણ પામેલાં એ તરવરિયાં યુવાનો કંઈક નવું જ કરી બતાવવાના થનગનાટ સાથે ઊભરી રહ્યાં છે. રણજીત, પ્રશાંત, રાહુલ અને સંકરનારાયણન એ ચાર જણ સાથે આપણી ગુજરાતી દીકરી ‘શૈલી મોદી’, M.Sc.,M.B.A., (Double Gold Medalist) પણ સંકળાઈ છે. કોણ જાણે કયા સ્રોતે, પણ તેમણે મને પકડી પાડ્યો અને તેમના માર્ગદર્શક/સલાહકાર (Mentor) તરીકે તેમનાં અનેક પૈકીના એક તરીકે મને પ્રસ્થાપિત કરી દીધો છે. ખૂબ જ ટૂંકા ગાળામાં ‘પ્રતિલિપિ’એ જે હરણફાળ ભરી બતાવી છે, તે બતાવી આપે છે કે તેનું ભવિષ્ય ઉજ્જવળ બની રહેશે.
વાચકોને સંદેશ
પ્રતિલિપિ’ના સહિયારા આ યુવાસાહસને સાથસહકાર આપવાની સર્વે ભારતીયજનોને અને મારા નેટર-બ્લૉગર-વાચક મિત્રોને તો ખાસ ભલામણ કરવામાં આવે છે. જયભારત.
(Published works on Pratilipi on 28 December, 2014)
:
[…] ક્રમશ: (7) […]