RSS

Tag Archives: મિલ્ટન

(૩૪૦) પંચમ શુક્લ દ્વારા ભાવાનુવાદિત એક અંગ્રેજી કાવ્ય ઉપરનો પ્રતિભાવ

(૩૪૦) પંચમ શુક્લ દ્વારા ભાવાનુવાદિત એક અંગ્રેજી કાવ્ય ઉપરનો પ્રતિભાવ

કેવું અનુપમ મળ્યું વિશ્વ અમને!

(શિખરિણી)

નિહાળીને વૃક્ષો હરિતવરણાં, લાલ કુસુમો;
તમારે, મ્હારે ને સહુ જન વિશે જે ઊઘડતાં,
વિચારું હું: ‘કેવું અનુપમ મળ્યું વિશ્વ અમને!’

ભૂરાં આકાશો ‘ને અતિ ધવલ કૈં વાદલ દલો;
નિહાળી કોડીલા દિવસ, ઘન રાત્રિ પુનિત ને,
વિલોકું હું: ‘કેવું અનુપમ મળ્યું વિશ્વ અમને!’

અહો! રૂડા રંગો નભ સકલમાં ઈન્દ્રધનુના;
વળી પાછા ભાળું મુખ ઉપર સર્વે મનુજનાં,
વિમાસું હું: ‘કેવું અનુપમ મળ્યું વિશ્વ અમને!’

મળે મિત્રો સ્નેહે, કર-ધૂનનથી હાલ પૂછતા;
કિંવા બાહુપાશે જકડી લઈને પ્રેમ વહતા,
શિશુઓને જોઉં રુદન કરતાં ને વિકસતાં;
શીખી લેતાં તૂર્તે નવતર ઘણું – દુર્લભ મ્હને,
અને થાતું: ‘કેવું અનુપમ મળ્યું વિશ્વ અમને!’

(૨૧-૧૨-૨૦૧૧)

ઋણસ્વીકારઃ What a Wonderful World [written by Bob Thiele (as George Douglas) and George David Weiss and sung by Louis Armstrong] નો ભાવાનુવાદ.


પ્રકાશિતઃ ઓપિનિયન (જાન્યુઆરી, ૨૦૧૨); નવનીત સમર્પણ (ફેબ્રુઆરી, ૨૦૧૨)

What a wonderful world!

I see trees of green, red roses too;
I see them bloom for me and you,
And I think to myself what a wonderful world!

I see skies of blue and clouds of white;
The bright blessed day, the dark sacred night,
And I think to myself what a wonderful world!

The colors of the rainbow so pretty in the sky;
Are also on the faces of people going by,
I see friends shaking hands saying how do you do,
They’re really saying I love you.

I hear babies crying, I watch them grow,
They’ll learn much more than I’ll never know,
And I think to myself what a wonderful world!
Yes, I think to myself what a wonderful world!

ધન્યવાદ.

ઇચ્છા તો થઈ આવે છે કે હાલ તરત જ વિમાને ચઢી, યુ.કે. જઈ, મારા-અમારા આ ભાણાભાઈ પંચમજીને ઊંચકીને ફેરફૂંદડી ફેરવી લઉં! અંગ્રેજી કાવ્યનો આવો ઉમદા કાવ્યમય અનુવાદ વાંચીને મૂળ કાવ્યના શીર્ષક ‘What a Wonderful World!’માંના શબ્દો જેવા જ આ મુજબના અનુધ્વનિત શબ્દો મનમાં ઉદભવે છે ‘What a Wonderful Translation!’

મારા એક લેખમાંની મારી અનુવાદમીમાંસાની કેટલીક વાતો કંઈક આવી હતી:

– કોઈપણ સાહિત્યિક રચના પ્રથમ જે ભાષામાં લખાઈ હોય તેનો મૂળ ભાવ જાળવી ન રખાય તો તેનો બિનકાર્યક્ષમ અનુવાદ તેના સૌંદર્યને ગુમાવે છે.

– ગદ્ય કરતાં પદ્યનું અનુવાદકાર્ય વધારે કઠિન હોય છે. એમ કહેવાયું પણ છે કે, ‘કાવ્ય એ તો આત્માની કલા છે.’

– કોઈકવાર અનુવાદક અનુવાદિત કાવ્યકૃતિના કવિએ કાવ્યની રચના વખતે જે લાગણીઓ અનુભવી હોય તેવી જ લાગણી પોતે ન અનુભવે, ત્યારે તેને ફક્ત તે કૃતિના શબ્દોના સમાનાર્થી શબ્દો ઉપર જ આધાર રાખવો પડતો હોય છે. આવા કિસ્સામાં અનુવાદિત કાવ્ય જાણે કે તેને થીગડાં માર્યાં હોય તેવું લાગતું હોય છે.

– કાવ્યનો ઉત્કૃષ્ટ અનુવાદ સર્જવા માટે તેણે કાવ્યની એકંદર છાપ કે અસર તથા તેનો સ્પષ્ટ ખ્યાલ અનુભવવો પડે અને પછી કવિના ભાવને સારરૂપ પોતાના જ શબ્દોમાં વ્યક્ત કરવો પડે.

– અહીં હું ઝવેરચંદ મેઘાણીને તેમના કેટલાક અંગ્રેજીમાંથી ગુજરાતીમાં સફળ અનુવાદો માટે જ નહિ, પણ એક રીતે કહીએ તો જાણે કે એ બધાં તેમનાં પોતાનાં જ સ્વતંત્ર સર્જન હોય તેમ તેમને યાદ કરું છું. નમૂનારૂપ તેમના અંગ્રેજી કાવ્યોના અનુવાદ છે : ‘Somebody’s Darling’ (કોઈનો લાડકવાયો), ‘On the bank of river Rhine’ (સૂના સમદરની પાળે) અને’Fair flowers in the valley’(વનરામાં ગલ રાતાં ફૂલડાં).

ભાઈશ્રી પંચમ શુક્લે મૂળ કાવ્યના અનુવાદમાં સર્વ પ્રથમ તો શીર્ષકમાંના ‘Wonderful’ શબ્દ માટે ‘અનુપમ’ શબ્દ પ્રયોજીને અન્ય સમાનાર્થી સંભવિત શબ્દોને કોરાણે મૂકી દઈને આશ્ચર્ય (Wonder) સર્જ્યું છે. આ શબ્દની જ એવી તાસીર રહી છે કે આખું શીર્ષક ‘કેવું અનુપમ મળ્યું વિશ્વ અમને!’ કાવ્યભાલે બિંદી સમાન શોભી ઊઠે છે.

કાવ્યના સફળ અનુવાદ માટેની મારી ઉપરોક્ત મીમાંસાની પ્રત્યેક હકારાત્મક આવશ્યકતાનું ભાઈશ્રી પંચમે અનુસરણ કર્યું છે અને તેથી જ તો ‘મેઘાણી’ જેવાનાં અનુવાદિત કાવ્યોની પંગતમાં શોભી શકે તેવું સરસ મજાના શિખરિણી ગેય છંદમાં લખાએલું આ કાવ્ય વારંવાર ગાઈએ તોય ધરપત ન થાય તેવું ઉત્તમોત્તમ છે. કાવ્યની પ્રથમ નવ પંક્તિઓમાંની દર ત્રીજા ક્રમે આવતી શીર્ષકની પુનરાવૃત્તિ કરતી પંક્તિઓમાંના પ્રથમ શબ્દો ‘વિચારું હું’, ‘વિલોકું હું’ અને ‘વિમાસું હું’ ની પસંદગી સરસ મજાના લયવૈવિધ્યને પ્રદર્શિત કરે છે.

કાવ્યની ચૌદ પંક્તિઓ હોય તેટલા માત્રથી તેને સોનેટ ગણી શકાય નહિ. વળી મૂળ કાવ્યમાં ચૌદ પંક્તિઓ તો  છે, પણ  તેમાં સોનેટનાં મૂળભૂત લક્ષણોનો અભાવ વર્તાય છે; વળી તેટલું જ નહિ તે શેક્સપિઅર, મિલ્ટન કે પેટ્રાર્કની ઢબો સાથે પણ મેળ ખાતું નથી. આ તો મૂળ અંગ્રેજી કાવ્યને અનુલક્ષીને આ બધું લખ્યું, પણ પંચમજીના આ અનુવાદિત કાવ્યને પણ એ બધું સરખી રીતે લાગુ એટલા માટે પડી શકે છે કે તેઓશ્રી પોતાના અનુવાદકાર્યમાં મૂળ રચનાને ચુસ્ત રીતે વફાદાર રહ્યા છે. સોનેટના અર્ક રૂપે છેલ્લે આવતી વાત અહીં વચ્ચે વચ્ચે આવતી જાય છે. ‘આમ અને તેમ’ એવી સઘળી વાતોને પડતી મૂકીને આપણે આ કાવ્ય સોનેટ હોવા ન હોવાની વાતનો નિર્ણય પંચમભાઈ ઉપર છોડીએ.

ફરી એક વાર ભાઈશ્રી પંચમને ધન્યવાદ.

-વલીભાઈ મુસા

નોંધ : –

(પૂરક માહિતી અને ઉત્સાહ પ્રેરક પ્રતિભાવ માટે ખૂબ ખૂબ આભાર, વલીભાઈ. સોનેટ સંદર્ભે તમારી રજૂઆત સાથે હું સહમત છું. – પંચમ શુક્લ)

 
 

Tags: , , , , , , , ,