RSS

Tag Archives: યોગ

(563) સ્વસ્થતા (WELLBEING)

[મારા બ્લોગ પેજ ‘My Interview’ ઉપરના હાલમાં દોહા (Doha) – કતાર (Qatar) સ્થિત કવયિત્રી સુશ્રી રબાબ મહેર (બ્રિટિશ-પેલેસ્ટિનીઅન નાગરિક)ના પ્રતિભાવ સામેના આ મુજબના મારા પ્રત્યુત્તરીય શબ્દો હતા: ‘Thank you very much for supporting my views on Yoga.’  ત્યાર પછી તેમના બ્લોગ ઉપર તેમનો ‘યોગ’ વિષેનો તેમના જાતનુભવ ઉપર આધારિત ઉપરોક્ત લેખ મારા વાંચવામાં આવ્યો. આ લેખનો અનુવાદ કરવા અને મારા બ્લોગ ઉપર મૂકવા માટે તેમણે ઉદાર સંમતિ આ શબ્દોમાં આપી છે : Please feel free to translate my article – you’ll be doing me a great service and honor.

આશા રાખું છું કે ‘યોગ’ ઉપરનો ભાવાનુવાદિત આ લેખ સૌ વાચકો અને ખાસ કરીને મુસ્લીમોને માત્ર  ગમશે જ નહિ, પરંતુ અનુકરણીય પણ બની રહેશે. મુસ્લીમો યોગ અને ધ્યાન કરતા થશે; તો આ એકદમ શુદ્ધ, વૈજ્ઞાનિક અને આખા જગતમાં બહુ જ ઝડપથી પ્રચલિત થઈ રહેલી પ્રક્રિયાનો લાભ મેળવતા થઈ શકશે. ધ્યાન વખતે નમસ્કાર કરવાનું કંઈ જરૂરી નથી. ધ્યાનની આ મુદ્રા સાવ ધર્મનિરપેક્ષ છે. 

(courtesy – Internet & Mr. Suresh Jani, USA)

Open and upwards  palm is  the best, as our fingers are at the end of nervous system. Through them cosmic energy can enter the nervous system in maximum amount.

– વલીભાઈ મુસા (ભાવાનુવાદક)] 

 * * *

સ્વસ્થતા (WELLBEING)

એક મુસ્લીમ તરીકે ‘યોગ’ મને મદદરૂપ થાય છે. (YOGA HELPS ME AS A MUSLIM)

-રબાબ મહેર (મૂળ લેખિકા)

-વલીભાઈ મુસા (ભાવાનુવાદક)

મારું મન અને મારું શરીર સતત કાર્યશીલ રહે છે, કેમ કે તેના અટકાવ માટે કોઈ ઓફ બટન છે જ નહિ. માનસિક રાહત કે શાંતિ માટે મને વિચાર આવે છે કે હું કંઈક એવી પ્રવૃત્તિમાં લાગી જાઉં કે જેનાથી મારી બુદ્ધિમત્તા કે શરીર કે પછી એ બંને રસતરબોળ બની જાય.

મારી આ અપેક્ષા મને યોગક્રિયામાં સિદ્ધ થતી લાગે છે. યૌગિક વિવિધ પ્રક્રિયાઓ થકી મારી સર્વગ્રાહી તંદુરસ્તી, આંતરિક અને બાહ્ય શારીરિક સુયોગ્યતા ઉપરાંત માનસિક, ભાવનાગત અને આધ્યાત્મિક કલ્યાણ અંગેની જરૂરિયાતો પરિપૂર્ણ થાય છે. 

શરીર

યોગથી થતા શારીરિક ફાયદાઓ અગણ્ય છે. મારા વ્હાલા વાચકો, એ ફાયદાઓને જાત અનુભવ કર્યા વગર નહિ સમજી શકાય. મારા અનુભવે એ ફાયદાઓ છે : માનસિક અને શારીરિક સ્વસ્થતા, શરીરના અવયવોની સંવાહનતા, શરીરની આંતરિક પ્રક્રિયામાં સુધારો, ચયાપચય (પાચનક્રિયા)માં વધારો, પીઠના મણકાઓની સુગ્રથિતતા, શરીરના સ્નાયુઓની મજબૂતી અને ઇંદ્રિયોની દૃઢતા, વજન ઘટવું, શારીરિક ક્ષમતામાં વૃદ્ધિ અને સ્ફૂર્તિ તથા ચપળતામાં વધારો થવો.     

યોગમાં જરૂરી હોય છે, નાક દ્વારા શ્વાસ લેવો અને છોડવો અને આ ક્રિયા તંદુરસ્ત મન અને તનને જાળવવા માટે અતિ આવશ્યક છે. 

નાક દ્વારા શ્વાસ લેવાનો મોટો ફાયદો એ છે કે તેનાથી શરીરનું તાપમાન વધે છે. આ સરળ અને અગત્યના મહાવરાથી ફેફસાં વૃદ્ધિ પામે છે અને આખા શરીરમાં શુદ્ધ ઓક્સિજન પ્રસરે છે અને તેથી કીટાણુજન્ય વિષ નાશ પામે છે અને આવા તો ઘણા બધા ફાયદા થાય છે. 

યોગથી હું સાચી રીતે શ્વાસ લેવાનો આનંદ લઈ શકી અને તેનાથી તેનું મૂલ્ય સમજાયું. વળી એટલું જ નહિ, મને મારા શરીર અને તેની અદ્ભુતતા પરત્વે પ્રેમ ઉભરાયો અને તેના પરત્વે મારો સન્માનીય દૃષ્ટિકોણ વિકાસ પામ્યો.   

યોગ એ જીવનપદ્ધતિ છે અને તે સમગ્ર જીવન દરમિયાનની એવી સફર છે કે જેમાં નવું જાણવાનું મળવા ઉપરાંત અલ્લાહ દ્વારા અપાયેલા આ શરીર, ચિત્ત અને આત્મા સાથેનું અનુસંધાન સધાય છે.     

ચિત્ત અને આત્મા

ઇચ્છાશક્તિ, ધીરજ, એકાગ્રતા, પ્રતિબદ્ધતા અને સમતુલા એ આસન પ્રયોગનાં ચાવીરૂપ તત્ત્વો છે, જે મને માનસિક અંધાધૂંધીમાંથી બહાર લાવે છે; મારી રોજિંદી કાર્યશૈલીને ચેતનવંતી બનાવે છે અને મારી દિશાશૂન્યતાને અટકાવી દે છે.    

હું જ્યારે કોઈ આસનને લાંબા સમય સુધી જાળવી રાખું છું, ત્યારે અલ્લાહના નામનો જાપ જપવામાં મારી જીભમાં એક પ્રકારની મીઠાશનો અનુભવ કરું છું. મેં નોંધ્યું છે કે આમ આસન દ્વારા મને એવી ઊર્જા પ્રાપ્ત થાય છે કે જે થકી હું મારા આસનકાળને લંબાવી શકું છું અને તેનાથી મારા શરીરમાં શક્તિનો સંચાર થાય છે; વળી એટલું જ નહિ, પણ મારી અલ્લાહ પરત્વેની મારી આસ્થામાં ઈજાફો થાય છે.   

મારી અન્ય આસનોની પ્રક્રિયાના અંતે હું જ્યારે સુખાસન અવસ્થામાં બેઠેલી હોઉં કે પછી શવાસન અવસ્થામાં સુતેલી હોઉં ત્યારે એક પ્રકારની વિશ્રામની અનુભૂતિ સાથે હું ધ્યાન ધરતી હોઉં છું. હું મારી આંખોને બંધ કરીને મારી શ્વાસોચ્છવાસની ક્રિયાને ધીમી પાડું છું, જેનાથી મારા હૃદયના ધબકારાઓને અનુભવી શકું છું, શાંતિને ધારણ કરી શકું છું અને માનસિક તનાવમાંથી મુક્ત થઈ શકું છું. આ બધું મારી શ્વાસોચ્છવાસની ક્રિયા સાથેના મારા અલ્લાહના જિક્ર (સ્તવન) દરમિયાન અનુભવી શકું છું.         

મને નથી લાગતું કે યોગ સિવાયનો બીજો કોઈ ઉત્તમ માર્ગ હોય કે જેના થકી આપણે ક્ષણભંગુર એવાં વૈશ્વિક બંધનોમાંથી મુક્તિ અનુભવી શકીએ અને પોતાની જાતને તનાવમુક્ત કરી શકીએ. યોગની આ પ્રક્રિયા દરમિયાન મારા શરીર અને ચિત્તને કેન્દ્રિત કરીને હું અલ્લાહ આગળ મારા હૃદયને ખોલી શકું છું.      

ઉપચારાત્મક જીવનરાહ

શરીઆ એ મારો જીવનરાહ છે અને તેની સાથે સાથે જો હું મારી જાતની પણ કાળજી રાખું તો તે મને અલ્લાહની નજદીકી તરફ અવશ્ય લઈ જઈ શકે. બીજા શબ્દોમાં કહીએ તો આ માર્ગ એટલે પયગંબર હજરત મહંમદ (સ.અ.વ.)નો માર્ગ. 

મારા અંતરાત્માના દૃષ્ટિબિંદુ પ્રમાણે મારી સંપૂર્ણ સ્વસ્થતા એ યોગને આભારી છે. હું મારી બૌદ્ધિક અને શારીરિક સ્વસ્થતા અને સુયોગ્યતા માટે જાગૃત છું અને હું જાણું છું કે તન અને મનને કેળવવામાં આવશે, તો તેનું પરિણામ બહાર દેખાઈ જ આવશે.    

આ માટે મેં મારી જાત સાથે વાયદો કર્યો છે કે હું ગમે તે રીતે સમય કાઢીને પણ વ્યાયામ કરીશ અને યોગને પ્રાથમિકતા આપીશ; કેમ કે તે જ મારા ચિત્ત અને શરીરને જોડશે અને તેનાથી જ મારામાંની નકારાત્મકતા દૂર થઈને મારું મન શુદ્ધ થશે.   

આમ હું એવી જિંદગી જીવવા માટે શક્તિમાન બની છું કે જેનાથી મારી સંપૂર્ણ તંદુરસ્તી સાથે હું અલ્લાહની સક્ષમતાપૂર્વક ઈબાદત કરી શકું છું અને મારી જાતને મુસ્લીમ તરીકે ઉમદા બનાવવાની દિશામાં આગળ વધી રહી છું જેનો ફાયદો મને થયો છે અને અન્યોને પણ થઈ શકે છે.    

* * *

આપણે આપણા જીવનમાં આપણાં લક્ષ્યોનાં પ્રમાણપત્રો, ઉપાધિઓ (Degrees) અને નાણાં કમાવા માટે સમય કાઢી શકીએ છીએ. આપણે  નેટવર્ક, સોશિયલ મિડિયા અને એવાં માધ્યમોમાં કાર્યરત રહીએ છીએ; તો પછી આપણે આપણો સમય આપણા જ હિત માટેની આ યોગક્રિયા માટે પણ ફાળવવો જોઈએ અને આ નિર્ણાયક ક્રિયા બીજા કોઈએ નહિ, પણ આપણે જ આપણી અને અલ્લાહની ખુશી માટે કરવી જ રહી. 

આપણે આપણા માટેની જ આ જવાબદારી ઉઠાવવી પડશે અને આજની વ્યસ્તતાપૂર્ણ દુનિયાદારીના બહાના હેઠળ આ જવાબદારીમાંથી આપણે છટકી નહિ શકીએ. 

આપણા પ્રિય એવા હજરત મહંમદ પયગંબર (સ.અ.વ.) એ ફરમાવ્યું છે કે ‘…તમારા શરીરનો તમારા ઉપર એક અધિકાર છે..’

નોંધ :-

મારા એવા વાચકો માટેના મારા ઉપરોક્ત લેખમાંના ચાર મહત્ત્વના મુદ્દાઓને મારે સ્પષ્ટ કરવા જોઈશે કે જેઓ અને એમાંય ખાસ તો મુસ્લીમો એમ માનતા હોય કે યોગ એ તેમની માની લીધેલી ધાર્મિક માન્યતાઓ સાથે સુસંગત નથી  અને આધ્યાત્મવિદ્યા માટેની મહત્ત્વની આ યોગક્રિયાને તેઓ અપનાવવા ન ઇચ્છતા હોય!      

નીચેની ચાર સામાન્ય યૌગિક ક્રિયાઓ કે જે ઈસ્લામિક માન્યતા સામે  દેખીતી રીતે જ વિરોધાભાસી લાગતી હોય તો તેને અવગણી શકાય.  

(૧) નમસ્કાર મુદ્રા અને નમન;

(૨) એવી કોઈ મુદ્રા કે જેમાં હાથ જોડવાના હોય કે હિંદુ અથવા બુદ્ધ ધર્મના કોઈ મંત્રોનું રટણ કરવામાં આવતું હોય;

(૩) નમસ્કાર કે નમસ્તે જેવા સંસ્કૃત કે સમાનાર્થી અંગ્રેજી શબ્દો હોય;

(૪) યૌગિક ક્રિયામાં ત્રીજી આંખ જાગૃત કરવાની માન્યતા કે જેનું કાર્ય માનવસ્વભાવમાં ભલે મહત્ત્વનું હોય, પણ તે માટે આભારદર્શન કરવું જરૂરી નથી, કેમ કે તેનામાં કોઈ જાદુઈ શક્તિ નથી.       

છેલ્લે,

જો તમે ઈટાલિયન ખોરાક ખાઓ છે, તો શું તમે ઈટાલિયન બની જાઓ છો? ધ્યાન અને યોગ એ છે કે જે તમારા માટે લાભદાયક છે. તમે જે કોઈ ખ્યાલ બાંધો છો કે ધ્યાન ધરો છો તે તમારી જાત માટે અનુરૂપ છે. આસનો કે તટસ્થ સ્થિતિઓ કાલાતીત છે અને તે સિદ્ધ થયેલાં છે. – ડો. પિટર જે. ડી’આદમો. 

-રબાબ મહેર (મૂળ લેખિકા)

-વલીભાઈ મુસા (ભાવાનુવાદક)

મૂળ લેખ ‘YOGA HELPS ME AS A MUSLIM’ વાંચવા માટે અહીં ક્લિક કરો

 

      

 

 

Tags: , , , , , , , , , , , , ,

(૩૫૪) એક પ્રતિભાશાળી મુસ્લીમ કવયિત્રી ‘રબાબ મહેર’ ના કાવ્ય ‘પ્રસારમાધ્યમ રૂપી કુલટા સ્ત્રી’નું રસદર્શન

(૩૫૪) એક પ્રતિભાશાળી મુસ્લીમ કવયિત્રી ‘રબાબ મહેર’ ના કાવ્ય ‘પ્રસારમાધ્યમ રૂપી કુલટા સ્ત્રી’નું રસદર્શન

Click here to read in English

“મારા ‘યોગ’ વિષેના દૃષ્ટિકોણને પુષ્ટિ આપવા બદલ આપનો આભાર. કેવી રીતે તે મને યાદ આવતું નથી, પણ ગમે તેમ તોય સરસ મજાના એવા આપના બ્લોગના સંપર્કમાં હું આવ્યો તો ખરો જ. સરળતા, સ્પષ્ટતા અને સાંવેગિક અભિગમ એ સઘળાં આપની કવિતાનાં આકર્ષક તત્વો છે.” મારા બ્લોગ પેજ ‘My Interview’ ઉપરના હાલમાં દોહા (Doha) – કતાર (Qatar) સ્થિત કવયિત્રી સુશ્રી રબાબ મહેર (બ્રિટિશ-પેલેસ્ટિનીઅન નાગરિક)ના પ્રતિભાવ સામેના આ મુજબના મારા પ્રત્યુત્તરીય શબ્દો હતા. તેણીના બ્લોગ ‘BoBi’z Breathings…’ માંના ‘A Publicity Whore’ (પ્રસારમાધ્યમરૂપી કુલટા સ્ત્રી) શીર્ષકે સરસ મજાના એક કટાક્ષકાવ્યનું મારા બ્લોગવાચકોને અહીં રસદર્શન કરાવતાં હું આનંદની લાગણી અનુભવું છું.

હું આગળ વધું તે પહેલાં, રસદર્શન કરાવવામાં આવતા આ કાવ્યને અહીં મૂકવું હું જરૂરી માનું છું. આમ ન  કરવું તે અંધારામાં ગોળીબાર કરવા જેવું સાબિત થશે. આ લેખ ઓનલાઈન હોઈ કદને નિયંત્રિત કરવાના હેતુસર કવયિત્રીની પૂર્વમંજૂરીથી અહીં કાવ્ય ‘A Publicity Whore’નો માત્ર લિંક આપું છું. વળી એ સાવ દેખીતું જ છે કે જ્યારે આ ઈ-બુક કે જેમાં આ લેખને સમાવિષ્ટ કરવામાં આવ્યો હશે તેને મુદ્રિત સ્વરૂપે પ્રકાશિત કરવામાં આવશે, ત્યારે તો આખેઆખા મૂળ કાવ્યને રજૂ કરવું જ પડશે. આમ હાલ જ એવી સ્થિતિ સર્જાતાં નીચે એ કાવ્યને તેના અંગ્રેજી વર્ઝનમાં જ અભિવ્યક્ત કરી દઉં છું.

 A Publicity Whore

 Weapons of Mass Deception

*       *       *

I am the one that uses and abuses unseeing

A leech that sucks the essence out of one’s being

*       *       *

Exploitation is my one and only valid name

And exclusivity and fame is my main game

*       *       *

I show you the world from my point of view

But the facts I keep securely obscured from you

*       *       *

I fiercely claim I fight and speak up for the truth

Whilst my treatment of my workers is rather uncouth

*       *       *

I do not bother about loyalty or human respect

The existence of my servants I contentedly neglect

*       *       *

Their lives I willingly sacrifice and their blood I shed

After they are gone I bury their name with the dead

*       *       *

I label the gone souls with “martyrs” to fool you

To deter you away from seeking what is true

*       *       *

I cunningly name my studios after the deceased

Although their lives for me have long ceased

*       *       *

I may remember those ‘no more’ during anniversaries

But I only do so to win favour and shun adversaries

*       *       *

You all fall for it with your eyes widely sealed

Your ears not hearing the words I mutely revealed

*       *       *

I easily dispense with those who are for justice

Before they betray my character: my cowardice

*       *       *

  I dismiss the moral for they may tarnish my veneer

Expose what I really am and my name they smear

*

Because . . .

*

Beneath my infamous façade, I am a publicity whore

I only please you with frivolity and nothing more

*       *       *

When I am in the spotlight, I smile to gain that publicity

And behind the shadow of that light, I just care about me

                         –   Rabab Maher

આ કાવ્યને આત્મકથાનક રૂપે લખવામાં આવ્યું હોઈ તેમાં વૈયાકરણીય પરિભાષાએ કહેતાં કવયિત્રીએ પહેલો પુરૂષ એકવચનનું સર્વનામ ‘હું’ પ્રયોજ્યું છે. આ કાવ્ય ‘વીજાણુ પ્રસાર માધ્યમ’ ઉપર લખાયું હોઈ તેણીએ તેના શીર્ષક નીચે ટીવી ઉપકરણનું ચિત્ર આપ્યું છે અને સાથે ‘સમૂહ છેતરપિંડીનાં સાધનો’ શબ્દો દ્વારા તેની કટાક્ષમય ઓળખ પણ આપવામાં આવી છે. વળી કવયિત્રીએ પોતાના કાવ્ય ઉપરની કોઈક કોમેન્ટના પ્રત્યુત્તર રૂપે એ પણ ખુલાસો કર્યો છે કે તે કાવ્ય ‘નાનકડા કતારના પ્રસાર માધ્યમ’ ઉપર લખાયું છે.

‘વીજાણુ પ્રસાર માધ્યમના માળખા’ને અહીં આલંકારિક ભાષામાં ‘ખરાબ ચારિત્ર્ય ધરાવતી સ્ત્રી’ સાથે સરખાવવામાં આવ્યું છે. પોકળ પ્રસિદ્ધિ એ કાલ્પનિક એવી ડાકણ જેવી હોય છે કે જે આપણી સામે તેનો ચહેરો ધરી રાખે તો સુંદર દેખાતી હોય છે, પણ તેણી જેવી પોતાની પીઠ ફેરેવે કે તરત જ તેણી આપણને પોતાનાં આંતરિક ખુલ્લાં અને ભયાનક હાડકાં અને માંસના લોચાઓ થકી બિહામણી લાગતી હોય છે. ટેલિવિઝન અને વેબજગત સામુહિક છેતરપિંડીનાં એવાં ખૂબ જ અસરકારક ઉપકરણો છે કે જે કહેવાતાં સત્યોના અંચળા હેઠળ ભ્રામક પ્રચારના ભાગ તરીકે બિનઅધિકૃત પ્રસારણો દ્વારા શ્રોતાઓ કે દર્શકોનાં દિમાગોને ભરમાવી નાખતાં હોય છે. મુદ્રિત અને વીજાણુ પ્રસાર માધ્યમો આજકાલ એવાં શક્તિશાળી પુરવાર થયાં છે કે જે જૂઠ્ઠાણાં ફેલાવીને અને મનઘડત વાતોને ગૂંથીને પ્રજાને પોતાની ઈચ્છા મુજબનાં બિબાંઓમાં ઢાળી શકે છે. આવાં પ્રસારમાળખાં પોતાનાં શક્તિશાળી કેમેરા અને ઉપગ્રહો જેવાં માધ્યમો કે સાધનો અને પત્રકારો તથા તેમનાં ભ્રામક પ્રચાર કૌશલ્યોની મદદ વડે પોતે ધારે તે કરી શકવા સમર્થ હોય છે. આ પ્રસારમાધ્યમો  ગમે તેવા ખેરખાં માણસની મહાનાયક તરીકેની તેની પ્રતિભાને ઝાંખી પાડીને અથવા તેને શુન્યવત્ કરી નાખીને તેને કોડીની કિંમતની કરી દઈ શકે છે.

આ પ્રસાર માધ્યમોની ભૂમિકાઓ મોટાભાગે નકારાત્મક હોય છે અને તેથી જ તો કવયિત્રીએ કાવ્યના અંત સુધી માનવજાતને બધી જ રીતે નુકસાનકારક એવા દુષ્ટ સાધન તરીકે તેને ચીતર્યું છે. સદરહુ કાવ્ય પ્રસાર માધ્યમની એ કબુલાતથી શરૂ થાય છે કે તે પોતે પાણીમાંની લોહી ચૂસતી જળો જેવું છે કે જે લોકોની પ્રતિષ્ઠા અને તેમની જિંદગીના ભોગે પોતાના અસ્તિત્વને સ્થિર અને મજબુત રાખવા માગે છે. આ માધ્યમ અણદેખી વસ્તુઓને એવી રીતે રજૂ અને પુન: રજૂ કરી શકે છે કે જાણે કે વાસ્તવમાં તેઓ અસ્તિત્વ ધરાવતી હોય! તે હંમેશાં પોતાની પ્રસિદ્ધિને જાળવી રાખવા માટે પ્રયત્નશીલ રહેતું હોય છે અને પોતાના એ હેતુને બર લાવવા તે લોકોનું અને અન્યોનું શોષણ કરતાં પણ અચકાશે નહિ. મુદ્રિત કે વીજાણુ પ્રસાર માધ્યમો નીતિમત્તાથી વેગળાં હોય છે અને તેમનું પીળું પત્રકારત્વ સંશોધન કર્યા વગરના ઊડીને આંખે વળગે તેવાં મુખ્ય શીર્ષકો સાથેના સમાચારો કે જે તેમના વ્યવસાયને શોભે નહિ તે રીતે કામ કરતું હોય છે. આ બંને પૈકી મુદ્રિત સ્વરૂપના પ્રસાર માધ્યમને પોતાના સમાચારપત્રની વધુ ને વધુ પ્રતો વેચાય તેમાં રસ હોય છે; તો વળી, વીજાણુ માધ્યમોને પોતાના ટેલિવિઝન કે ચેનલના કાર્યક્રમને બહોળા પ્રમાણમાં દર્શકો મળી રહે તે જ તેમનું લક્ષ હોય છે, કે જેથી તેમનો ટીઆરપી જળવાઈ રહે અને તેના પરિણામે તેમને મોટા પ્રમાણમાં ધંધાકીય જાહેરાતો મળી રહે. આમ આ માધ્યમો પેલી કુલટા સ્ત્રીની જેમ બધા જ પ્રકારનાં નખરાં અજમાવીને, પોતાની ગરિમાના ભોગે પણ વાચકો કે દર્શકોને લલચાવતાં હોય છે. અહીં કવયિત્રી પ્રસારમાધ્યમોના આવા નકારાત્મક વલણને નોંધે છે કાવ્યની આ પંક્તિ પ્રમાણે કે ‘પણ, હું હકીકતોને તમારાથી છુપાવતું હોઉં છું.’

કાવ્યનો મધ્ય ભાગ કટાક્ષમય કે વક્રોક્તિપૂર્ણ છે. અહીં આપણે સમાચારમાધ્યમો કે વીજાણુ માળખાનાં બેવડાં ધોરણોને જોઈ શકીએ છીએ. ચાલો, આપણે કાવ્યની આ કડીને તપાસીએ : “હું જુસ્સાપૂર્વક દાવો કરું છું કે  હું સત્ય તરફે જ બોલું છું અને તેને માટે લડું પણ છું. / જ્યારે મારા માટે કામ કરતા મારા હાથ નીચેના કાર્યકરો પરત્વેનો મારો વ્યવહાર અભદ્ર હોય છે.” એક તરફ આ સમાચારમાધ્યમ ભારપૂર્વક એવો દાવો કરતું હોય છે કે તે સત્ય માટે ઝઝૂમે છે, તો બીજી તરફ એ જ સમાચારમાધ્યમ પોતાના જ કર્મચારીઓ પરત્વે પોતાનું રુક્ષ અને અસંસ્કારી વર્તન દાખવે છે. આપણને એ જાણીને આઘાત લાગે છે કે જ્યારે આ માધ્યમોના કર્મચારીઓ સમાજ અને માનવતા વિરુદ્ધ કામ કરતાં ગુંડાતત્વોને ઊઘાડા પાડતા સમાચારો લાવતાં ઘણીવાર પોતાની જિંદગી ગુમાવી બેસે છે, ત્યારે આ માધ્યમોના ધણીધોરીઓ પોતાનો જાન ન્યોછાવર કરતા તેમના પેલા સહાયકોને યોગ્ય માનસન્માન આપતા નથી હોતા. ખરેખર તો એ બિચારાઓની પ્રશંસા થવી જોઈએ, પણ અફસોસ કે તેઓનાં નામો ટૂંક સમયમાં જ ભુલાઈ જતાં હોય છે અને અવસાન પામેલા સામાન્ય માનવીઓની જેમ તેમની યાદ દટાઈ જતી હોય છે એવી રીતે જાણે કે તેઓ આ દુનિયામાં અવતર્યા જ ન હોય! આ માધ્યમોના સ્વામીઓ આમ પ્રજાને મૂર્ખ બનાવવા આડંબરભર્યા અને સુફિયાણા જીભકવાયત જેવા શબ્દો થકી પેલા બિચારાઓને (જો કે હકીકતમાં તેઓ શહીદ તરીકેના માનસન્માનને લાયક હોવા છતાં) માત્ર દંભી શિષ્ટાચાર બતાવતાં શહીદ તરીકે બિરદાવતા હોય છે. સમાચારમાધ્યમોના આ દંભી સ્વામીઓને પેલા સાચા શહીદો  પ્રત્યે કોઈ દિલી સદભાવના નથી હોતી, પણ તેઓ પોતાની બાહ્ય અને દંભી સહાનુભૂતિ બતાવવા કોઈકવાર પોતાના સમાચાર પ્રસારિત કરવાના સ્ટુડીઓને તેમનાં નામ આપી દેતા હોય છે. આ બિચારા શહીદોને તેમની મૃત્યુતિથિએ માત્ર વ્યવહર ખાતર યાદ કરવામાં આવતા હોય છે કે જેથી આમ પ્રજાની સહાનુભૂતિ મેળવી શકાય તથા તેમના વિરોધીઓને ચૂપ રાખી શકાય.

કાવ્યના સમાપન વિભાગે, કવયિત્રીએ લુચ્ચાઈ અને ધૂર્તતા વડે ખરડાએલા  પ્રસારમાધ્યમના અસલી ચહેરાને સફળતાપૂર્વક ખુલ્લો પાડ્યો છે. આ પ્રસારતંત્ર  પોતાની ચાલાકી વડે પ્રજા સાથે પોતાનું કામ પાર પાડવામાં હંમેશાં સફળ રહ્યું છે. પ્રજાના કાન અને આંખો આ માધ્યમના અંકુશ હેઠળ હોય છે. તે કોઈપણ ભોગે પોતાના અસલી ચારિત્ર્ય અને નમાલાપણાને હોશિયારીપૂર્વક છુપાવી રાખી શકે છે. તે ધુરંધર વ્યક્તિત્વોના જુસ્સાને પણ તેમની પ્રતિષ્ઠા ખંડિત કરવાનો ભય આપીને તોડી શકે છે. આ પ્રસારમાધ્યમના નકારાત્મક પાસાને કવયિત્રી પોતાના ખુલ્લંખુલ્લા આવા શબ્દો વડે અભિવ્યક્ત કરે છે : “હું પ્રસારમાધ્યમરૂપી કુલટા સ્ત્રી છું. હું તમને બાલિશ ચેનચાળાઓથી વિશેષ કંઈ નહિ તે રીતે માત્ર ખુશ જ કરું છું.”

હું શેક્સપિઅરના નાટક ‘As you like it’ માંના એક કાવ્યની પંક્તિમાંના શબ્દો “આખી દુનિયા એક રંગભૂમિ છે’  ને કવયિત્રીના કાવ્યની આખરી કડીના વિચારો સાથે અનુસંધાન સાધવા માટે  અહીં ટાંક્યા વગર મારી જાતને રોકી નથી શકતો. કવયિત્રી પોતાના કાવ્યની આખરી કડીમાં પ્રસારમાધ્યમના મુખે આ શબ્દો મૂકે છે કે ‘જ્યારે હું નાટ્યતખ્તા (રંગભૂમિ) ઉપર ફેંકવામાં આવતા પ્રકાશ (Spot Light) હેઠળ હોઉં, ત્યારે  ખ્યાતિ મેળવવા બદલ હું સ્મિત કરું છું અને જ્યારે હું એ ઝળહળતા પ્રકાશની બહાર થઈ ફેંકાઈ જાઉં ત્યારે હું ફક્ત મારી જ ચિંતા કરતું હોઉં છું.” અહીં કવયિત્રી આ પ્રસારમાધ્યમના મૂળ રંગને  અને તેના આંતરિક સ્વરૂપને ઊઘાડા પાડવાના પોતાના હેતુને સિદ્ધ કરવામાં કામયાબ પુરવાર થાય છે. નાટકના રંગમંચ ઉપરના વર્તુળાકાર પ્રકાશ હેઠળ કોઈ પાત્ર કે દૃશ્ય હોય તેમ આ પ્રસારમાધ્યમ પણ લોકોમાં ધ્યાનાકર્ષક હોય ત્યાં સુધી અત્યંત ખુશમિજાજ રહેતું હોય છે. પરંતુ એ જ પ્રસારમાધ્યમ જ્યારે પેલા પ્રકાશ વિરુદ્ધના પડછાયા પાછળ ધકેલાઈ જતું હોય છે, ત્યારે તે સજાગ બની જાય છે અને પોતાની પ્રતિષ્ઠાને પુન: પાછી મેળવવા માટે ચિંતાતુર બની જાય છે.

સમાપને, મારે કહેવું પડશે કે રસદર્શન હેઠળના આ કાવ્યને મારે વારંવાર વાંચવું પડ્યું છે એટલા માટે કે જેથી હું કવયિત્રીએ પોતાના આ કાવ્યસર્જન વખતે જે લાગણીઓ અનુભવી હોય તેવી જ લાગણીઓ અનુભવી શકું. સાહિત્યપ્રકાર ‘વિવેચન’ નો એક મુખ્ય સિદ્ધાંત હોય છે કે કોઈપણ સાહિત્યિક રચનાના વિવેચકે તે કૃતિના મૂળભૂત ખ્યાલની એકંદર છાપને પોતાના માનસપટ ઉપર ઝીલવી પડે અને પછી સર્જકે જે લાગણીઓ અનુભવી હોય તેની સાથે તાદાત્મ્ય સાધીને પછી જ પોતાના શબ્દોમાં વિવરણ લખવું પડે  આ કાવ્યનું રસદર્શન લખવા પહેલાં મેં કાવ્યને સમજવાનો મારાથી શક્ય તેટલો પ્રયત્ન કર્યો છે. હું આશા રાખું છું કે મારા કાવ્યના અર્થઘટનમાં વાચકો કે ખુદ કવયિત્રીના મતે કોઈ વિરોધાભાસ કે કોઈ ભિન્ન મંતવ્ય હોય તો મને દરગુજર કરવામાં આવશે..

-વલીભાઈ મુસા

(લેખક અને અનુવાદક)

(Translated from English Version titled as “An Exposition of a Poem: “A Publicity Whore’ by Rabab Maher, a talented Muslim poetess” published on September 12, 2012) 

 

Tags: , , , , , , , , , , , , , , , , ,