(અછાંદસ)
‘ઊતારી દો ને બોજલ કલેવર!’
મુજ ફેમિલી ડાગટર અને ફેમિલી જન આલંભતાં
મીઠેરા શબ્દો આર્જવ ભાવે મુજ લાભાર્થે પુન: પુન: (૧)
ભાર્યા ઉપહાસે કે
‘કાછિયાના કોબીજ-ફુલેવર તણા પછેડીના પોટલા સમી
મેદસ્વી કાયા લઈને ફરશો ક્યાં લગણ, તરસ તો ખાઓ નિજ ટાંટિયા તણી!’ (૨)
લઘુતમ વયસ્ક ભૂલકું
ઊડાડે મુજ ઠેકડી પડકારતાં કે ટટ્ટાર ઊભેલી સ્થિતિએ
પગ નિકટે બિરાજેલા તેને મુજ ઉદર ઘેરાવ નીચે જોઈ શકું તો ખરો! (૩)
ભેરૂડાઓ માંહેમાંહે તાળીઓ લેતા
વદે કે ‘અલ્યા એકદા આપણે સૌ મરશું તો ખરા જ!
પણ તેં કદીય વિમાસ્યું કે ઓલ્યા ડાધુડાઓ તવ શવ ઊંચકશે કે ઘસડશે!’(૪)
ન એક સુણી કો’ની, પણ એક્દા
પગરક્ષક વહોરવા કાજની ફુટવેરના એક વિશાળ શોરૂમ તણી મુલાકાતે
ફિલ્મી ગીત ‘લગી હૈ ચોટ કલેજેપે ઉમ્રભરકે લિએ’ જ્યમ થયો હૃદયપલટો! (૫)
બન્યું હાસ્યાસ્પદ એવું કે
મુજ ચરણતલના વિષમ આંક થકી ન બંધ બેસે એકેય જૂતું,
પણ છેવટે પડ્યો પગ ખોખામાંહી અને બોલી જવાયું ‘બરાબર, બરાબર!’ (૬)
સેલ્સમેન, મેનેજર અને સકળ ગ્રાહક તણા
અટ્ટહાસ્યના પડઘા પુન: પુન: પ્રતિધ્વનિત થતા રહ્યા શોરૂમ મહીં, અને
પડ્યો છોભીલો એવો હું કે વાઢો તો લોહી ન નીકળે ટીપુંય મુજ કાયા મહીંથી! (૭)
શેક્સપિઅરઘેલી મુજ પુત્રીને કહ્યું,
’બોલાવી લાવ તારા ‘મરચન્ટ ઓફ વેનિસ’ ના શાયલોક વિલનને,
વગર તોળ્યે કાપી લે મુજ માંસ અને ભલે દદડે લોહી જેટલું એને દદડવું!’ (૮)
‘અરે, બાપા! ગાંડીઘેલી વાતો તજો’ કહેતી તનુજા,
’શરૂ કરી દો ડાએટિશ્યન સંગ ડેટીંગ, સીટીંગ અને પ્રીસ્ક્રાઈબ્ડ ડાયેટીંગ
અદનાન સામી કંઈ થોડો ગયો હતો બેન્ટ સોએ નિજ બદન છોલવવા!’ (૯)
ભણતરવેળાની કહેવત ફરી ભણાવતી ભાર્યા કહે,
’ઊતાવળે આંબા ન પાકે! મુજ હવાલે કરી દો સઘળી તમ ખાણીપીણી
અને જૂઓ પછી તો હું ગાઈશ કે * ‘આ તો કહું છું રે પાતળિયા, તને અમથું!’* (૧૦)
‘હવે તો કહ્યાગરા કંથ એ જ કલ્યાણ’ ઉવાચી
‘ડાએટમ્ શરણમ્ ગચ્છામિ, ભાર્યામ્ શરણમ્ ગચ્છામિ, ગૃહમ્ શરણમ્ ગચ્છામિ’
ગણગણ્યે જ છૂટકો, જો ખોખા મહીં ફરી પગ ઘાલીને રંગલો ન થવું હોય તો! (૧૧)
-વલીભાઈ મુસા
* તારી બાંકી રે પાઘલડીનું ફૂમતું રે
મને ગમતું રે…
આ તો કહું છું રે પાતળિયા તને અમથું…*
Tags: રંગલો
લેખોમાં ઉપહાસ, વક્રોક્તિ, કટાક્ષ, વ્યંગ, વિનોદ, મર્મ, હાજરજવાબીપણું, ઠિઠિયારો, શબ્દશ્લેષ વગેરે યુક્તિઓ-પ્રયુક્તિઓ થકી હાસ્યરસને એવી રમતિયાળ શૈલીએ રમાડ્યો છે