RSS

Tag Archives: રસદર્શન

(૫૧૩) “અમર્યાદ આનંદ” – શ્રી વિજય જોશીનાં અંગ્રેજી કાવ્યોના ભાવાનુવાદ અને રસદર્શન (૮) -વલીભાઈ મુસા

અમર્યાદ આનંદ

ચિત્તભ્રમ માનવવૃંદથી ના અધિક દૂર,
એવું સ્થિત ત્યાં, નિષ્પ્રાણ શબ્દો તણું કબ્રસ્તાન.

એય વળી કેવા?
સાવ જ નિરુત્સાહી, એકાકી અને વળી અસ્ફુટ શબ્દો;
ઊંડેરા દટાયલા, વિસ્મૃત અને સ્વચ્છંદ એ શબ્દો;
બુઠ્ઠા, કોડીય ન ઉપજે તેવા સાવ મફતિયા અને સંદિગ્ધ શબ્દો;
સાવ ખાડે ગયેલા નકામા, અંધારી ગુફામાં અટવાતા અને સાવ બોદા એ શબ્દો;
વણજોઈતા, રદબાતલ અને વણવપરાતા શબ્દો;
અપમાનજનક, હાનિગ્રસ્ત અને ધોકલે ધબેડાયેલા એ શબ્દો.

ત્યાં તો નાનેરું શિશુ એક આવ્યું,
રખડતું-રઝળતું, અહીં એકદા.
વીણી લીધા શબ્દત્રય સહજ મનમોજે,
ને લ્યો, જાણે જાદુઈ હાથે લાધ્યા એ જીવંત
અને બોલી પડ્યા, સાવ હળવા અવાજે,
સમજી શકે શિશુ એવા સહજ ભાવ ભાવે,
એ ત્રણેય શબ્દો કે, ‘અમે ચાહીએ તને!’ (‘We love you!’)
અને એ નાનેરું બાળ પણ બોલી ઊઠ્યું,
સહર્ષે વળતા જવાબે કે,
‘હું પણ ચાહું, તમને બધાને!’ (‘I love you all, too!’)

– વિજય જોશી  (મૂળ કવિ)

– વલીભાઈ મુસા (ભાવાનુવાદક)

* * * * *

Boundless Joy

Not too far from manic human herd,
sits a graveyard of lifeless words.

melancholy, lonely, dubious words,
buried, forgotten, abandoned, words.
pointless, worthless, vague words.
Pitted, cavernous, hollow words,
unwanted, discarded, unused words.
abused, injured, battered words.

A little boy came wandering one day,
picked up three words in a random way.

They came alive in his magical hands,
and spoke slowly so boy understands.

uttered three words, “We love You”
little boy replied with joy, “I love you all, too!”

– Vijay Joshi

* * *

: રસદર્શન :

આ અગાઉ ભાષાના શબ્દોને વિષય બનાવીને ‘વણલખ્યું’ કાવ્ય આપી ચુકેલા કવિશ્રી વિજય જોશી આપણી સમક્ષ બસ એ જ રીતે વળી પાછા ‘શબ્દો’ને જ કેન્દ્રમાં રાખીને ‘અમર્યાદ આનંદ’ એવા નવીન કાવ્ય સાથે આપણી સમક્ષ ફરી એક વાર આવે છે. આ કાવ્યમાં કવિએ ભવ્યાતિભવ્ય ઢબે ભાષાના શબ્દોને નિષ્પ્રાણ દર્શાવીને એમનુંય કબ્રસ્તાન હોવાની એક અનોખી કલ્પના કરી છે. જીવતાજાગતા માનવીઓ એક નિશ્ચિત કાળે અવસાન પામતાં કબ્રસ્તાનભેળા થઈ જાય, બસ તેમ જ અહીં શબ્દોનું પણ એમ જ થતું બતાવાયું છે; આમ છતાંય એટલો ફરક તો ખરો જ કે એ શબ્દો કબરોમાં દફન થઈ જતા નથી, પણ કબ્રસ્તાનની જમીન ઉપર એમને વેરવિખેર હાલતમાં પડેલા સમજવાના છે. ગદ્ય અને પદ્યમાં નોંધપાત્ર ફરક એ હોય છે કે ગદ્યમાં કથન સ્પષ્ટ હોય તો પદ્યમાં એ ઇંગિત હોય છે. જો શબ્દો કફન સાથે દફન થઈને ધરતીમાં ધરબાયેલા હોય તો પછી કવિ તેમની સાથે સંવાદ સાધી શકે નહિ ને!

કાવ્યની પ્રારંભની બે પંક્તિઓ વિષયપ્રવેશ બની રહ્યા પછી કવિએ એ સઘળા નિષ્પ્રાણ શબ્દોને વિભિન્ન વિશેષણો લાગુ પાડીને સજીવારોપણ અલંકાર વડે મઢિત એવી બાનીમાં નિર્જીવ રૂપે છતાંય અસ્તિત્વ ધરાવતા બતાવ્યા છે. હવે કાવ્યમાં એ વિશેષણો સ્વયંસ્પષ્ટ હોઈ આપણે તેની યાદીને અહીં પુનરાવર્તિત ન કરતાં એ સમજવાનો પ્રયત્ન કરીએ કે કોઈપણ ભાષામાં શબ્દો એ તો એના અંગભૂત એકમ તરીકે હોય છે અને એમના વગર ભાષા સંભવી શકે નહિ. આમ શબ્દો એ ભાષાનો પ્રાણ હોય તો કવિ એમને અહીં નિષ્પ્રાણ શબ્દો તરીકે કેમ ઓળખાવે છે? આનો સીધો અને સરળ જવાબ વ્યાકરણની પરિભાષામાં એ જ હોઈ શકે કે એ શબ્દો યોગ્ય રીતે યોગ્ય અર્થભાવ આપતા વાક્યમાં ગોઠવાય તો જ એ જીવંત બની શકે. શબ્દકોશોમાં પણ શબ્દો હોય છે, એના અર્થો પણ શબ્દોમાં જ આપવામાં આવતા હોય છે; છતાંય એ શબ્દો વ્યક્તિગત રીતે પોતાનું અસ્તિત્વ અને કોઈક અર્થ ધરાવતા હોવા છતાં એ વાક્યોમાં ન પ્રયોજાય, ત્યાં સુધી તેમને પણ નિષ્પ્રાણ જ સમજવા રહ્યા. આમ કવિ કલ્પનાએ આપણે શબ્દકોશને પણ શબ્દોના કોફિન તરીકે ઓળખાવીએ તો જરાય અજુગતું નથી.

મને ક્યાંક લખ્યાનું સ્મરણ છે કે સાહિત્યના ઉત્તમ પ્રકારના સર્જન માટે અને પ્રભાવી વાણીવિનિમયમાં ‘શબ્દપ્રયોજના’નું અનેરું મહત્ત્વ હોય છે. ભાષાનો એકલોઅટૂલો શબ્દ શુષ્ક કે મૃત જ ભાસે, પણ એ જ્યારે યથાસ્થાને, યથાભાવે અને યથાહેતુએ પ્રયોજાય; ત્યારે જ એ જીવંત અને મૂલ્યવાન બની રહે. આપણા કવિએ અત્રતત્ર વેરાયેલા એ નિષ્પ્રાણ શબ્દોના સમૂહમાંથી ત્રણ શબ્દો ઉપર પોતાની પસંદગી ઢોળીને એમને રખડતારઝળતા એક નાના બાળક પાસે હાથવગા કરાવ્યા અને આપણા આશ્ચર્ય વચ્ચે એ બાળકના હાથનો સ્પર્શ થતાં જ એ શબ્દો જીવંત બની ગયા. વળી એટલું જ નહિ એ શબ્દો હળવા અવાજે અને એ બાળકને સમજવામાં સુગમ પડે તે રીતે બોલી પણ ઊઠ્યા કે ‘અમે ચાહીએ તને!’ (‘We love you!’).

ભાષાના શબ્દો બિચારા કહ્યાગરા હોય છે અને એમને પ્રયોજનારા ઉપર નિર્ભર હોય છે કે તેણે એ શબ્દો પાસેથી કેવું કામ લેવું. આપણા કવિ એ ત્રણેય શબ્દો પાસે એ બાળકને ઉદ્દેશીને બોલાવડાવે છે કે તેઓ સાચે જ તેને ચાહે છે. અહીં બાળકની માસૂમિયત પેલા શબ્દોને એવી સ્પર્શી જાય છે કે સહજભાવે તેમનાથી એ પ્રેમાળ શબ્દો બોલી જવાય છે. ‘પ્રેમ’ એ માનવીય એવો સંવેગ છે કે જે પડઘાયા સિવાય રહી શકે નહિ. પેલા શબ્દોએ જ્યારે એ બાળકને ‘અમે ચાહીએ તને!’ એમ કહ્યું, ત્યારે એ બાળક પણ ‘પેલા શબ્દો’ના એ જ શબ્દોમાં હસીખુશીથી ‘હું પણ ચાહું, તમને બધાંને!’થી પ્રત્યુત્તર વાળે છે.

પ્રેમ એ ઈશ્વરનું સ્વરૂપ છે અને તેથી જ ‘Love is God’ અર્થાત ‘પ્રેમ એ જ ઈશ્વર’ એમ કહેવાય પણ છે. નાનાં બાળકોને પ્રભુનાં પયગંબરો કે બાળગોપાળ તરીકે ઓળખવામાં આવે છે અને તેથી બાળકોને ‘પ્રેમનાં પ્રતીકો’ તરીકે સમજવાં રહ્યાં; અને તેથી જ તો કવિએ એક નિર્દોષ બાળકને આ કાવ્યમાં પાત્ર તરીકે વણી લીધું છે કે જે પ્રેમ પામવાને પાત્ર તો છે જ, પણ સાથેસાથે એ પ્રેમનો પ્રત્યુત્તર પ્રેમથી જ આપે છે. આમ કવિએ આ લઘુકાવ્યમાંય વળી એવા જ લાઘવ્ય વડે ‘ઢાઈ અક્ષર એવા પ્રેમ’ને ઉજાગર કરી બતાવ્યો છે.

આમ આ કાવ્ય મનનીય બની રહે છે, માત્ર એના એ જ સામર્થ્યના કારણ કે એના સમર્થ કવિએ કાવ્યમાં પ્રયોજાયેલા શબ્દો પાસેથી ધાર્યું કામ કઢાવી જાણ્યું છે.

સરસ મજાના આ કાવ્ય બદલ કવિશ્રીને અભિનંદન.

– વિજય જોશી (મૂળ કવિ)

– વલીભાઈ મુસા(રસદર્શનકાર)

(આ શ્રેણીનાં કાવ્યો ઉપરનું અનુવાદન અને સંક્ષેપનું કામ કરતાં મેં અકથ્ય આનંદ અનુભવ્યો છે. મારું આ કામ ‘વેગુ’વાચકોને ગમ્યું હોય તો તેના યશના સાચા અધિકારી કવિશ્રી વિજયભાઈ છે, કેમ કે જે મૂળ કાવ્યમાં હતું એ જ હું મારા ભાવાનુવાદમાં લાવ્યો છું. અહીં શ્રી વિજયભાઈ જોશીનાં અંગ્રેજી કાવ્યોના (3 in 1) આઠ હપ્તા પૂરા થાય છે. ધન્યવાદ.– વલીભાઈ મુસા)

* * *

શ્રી વિજયભાઈ જોશીનાં સંપર્ક સૂત્રો : –

ઈ મેઈલ – Vijay Joshi aajiaba@yahoo.com

બ્લૉગ – VIJAY JOSHI – WORD HUNTER : https://vrjoshi.wordpress.com

 

Tags: , , , , , , , , , , , ,

(૫૦૭) “ભવ્યતમ ભારતીય ગ્રીષ્મ” : પ્રૉફેસર મુકેશ રાવલનાં અંગ્રેજી કાવ્યો – ભાવાનુવાદ અને રસદર્શન (૧૩)

ભવ્યતમ ભારતીય ગ્રીષ્મ

પગરખાંવિહિન પગ શેરીએ
ને વળી હાથોમાં સ્વપ્નિલ આઇસક્રીમ,
રવિ મલકતો આકાશે !

શુષ્ક જળ તણા નળ,
તરુવર તણી શીર્ણવિશીર્ણ છતરીઓ
ને માળાઓ મહીં શેકાયલાં ઈંડાં !

તરસી જિહ્વા
બરફગોળા તણી રેંકડીસમીપે
ઉપહાસતી રવિને !

તડબૂચ અને
ટામેટાએ હણ્યો ઉનાળાને
ધોમધખતી શેરીએ !

વેરાન શેરીઓ,
જિહ્વા થકી ચાટતી એરકન્ડિશનરોને,
રવિએ જાણે લાદ્યો કર્ફ્યૂ !

ઘેરાં વાદળો, તળાવડાંમાં
ફરમાવે આરામ આખો બપોર
ને ગામલોક દાખવતાં દ્વેષ !

રોટલીસહ ડુંગળી
ને છાશ તણો ભોટવો
ઉન્મત્ત કરે રવિને !

– વલીભાઈ મુસા (ભાવાનુવાદક)

* * * *

Great Indian Summer

Naked feet on the street
dream ice-cream in hands
Sun smiles in sky

Barren water taps
torn umbrellas of trees
roasted eggs in nests

A thirsty tongue
at a baraf gola lari (at a stand where ice slush is sold)
laughs at the Sun

A water melon and
a tomato killed Summer
in a burning street

Deserted streets
licking air-conditioners
Sun imposed curfew

Dark clouds in ponds
rest throughout the noon
village folk envy

An onion with roti (chapatti)
a jug of butter milk
intoxicate the sun.

– Mukesh Raval

* * * *

રસદર્શન

કવિનું હળવા અંદાજમાં લખાયેલું આ પ્રકૃતિકાવ્ય છે. અહીં ગ્રીષ્મ ઋતુની ચર્ચા છે અને પહેલી નજરે આ ઋતુ વર્ષની અન્ય ઋતુઓની સરખામણીએ કંઈ આવકાર્ય તો ન જ ગણાય; અને છતાંય કવિએ એને પોતાના શબ્દસામર્થ્યે ભવ્ય બનાવી દીધી છે. ભાવાનુવાદકે વળી ભારતીય ઉનાળાને વ્યાકરણીય સરખામણી કક્ષાઓમાંની તૃતીય કક્ષા ભવ્યતમ (ભવ્ય >ભવ્યતર>ભવ્યતમ) તરીકે દર્શાવીને એ પોતાનો મનોભાવ એ રીતે વ્યક્ત કર્યો છે કે એમને એ ઉનાળો અન્ય ઋતુઓ કરતાં પણ વધારે સ્પર્શી ગયો છે.

કાવ્યનો આરંભ તો જુઓ કે કવિએ કેવી રમતિયાળ બાનીએ સૂર્યને આકાશમાં સ્મિત કરતો બતાવ્યો છે અને છતાંય એ સ્મિત પાછળનો કટાક્ષ પણ જણાઈ આવે છે કે ભારતીય અર્થવ્યવસ્થાએ કેવી વિષમતા ધારણ કરી છે કે ગરીબ વધુ ગરીબ અને સુખી વધુ સુખી થતો જાય છે. ધોમધખતા તાપમાં ખુલ્લા પગે (Bare footed) ચાલતા જતા ગરીબ જનના ભાગ્યમાં વાસ્તવિક આઈસક્રીમ ખાવાનું તો ક્યાંથી હોય કેમ કે એ બિચારો તો પોતાના પગમાં જૂનાંપુરાણાં પગરખાં પણ પહેરી શકતો નથી! એટલે જ તો કવિએ એ અભાગી જનોના હાથોમાં સ્વપ્નિલ આઈસક્રીમ હોવાની વાત જણાવી છે અને એ દૃશ્યને જોઈને સૂર્યને ખુશ થતો કલ્પ્યો છે.

કવિની નજર બળબળતા ઉનાળાને વર્ણવવા અહીંતહીં ભટકે છે અને તેમની સામે આવી જાય છે, પાણીના નળ; જે સાવ કોરા છે, ટીપુંય પાણી ટપકતું નથી. વૃક્ષોની સ્થિતિ ફાટેલીતૂટેલી છત્રીઓ જેવી છે, કેમ કે એમણે ઘટા ગુમાવી દીધી છે અને તેથી તે પશુપંખી અને માનવીઓને આશ્રય કે છાયા પૂરતા પ્રમાણમાં આપી શકતાં નથી. વળી એ જ વૃક્ષોની આછેરી ડાળીઓ અને ઓછાં પાંદડાંના કારણે માળાઓમાં પક્ષીઓનાં મુકાયેલાં ઈંડાં પણ સૂર્યનાં તીવ્ર કિરણોથી શેકાઈ જાય છે. અહીં કવિની વિષમતામાંની સમતાની દૃષ્ટિ પરખાય છે; કેમ કે આવી પરિસ્થિતિમાં પણ કવિની નજરને તો ઉનાળો ભવ્ય જ લાગે છે.

કવિની હવેની પંક્તિઓમાં વળાંક આવે છે. કાવ્યારંભે સૂર્ય મજાકના અટકચાળે ચઢેલો હતો અને હવે એ પોતે જ અન્યોની મજાકનું લક્ષ બની જાય છે. બજારમાંની બરફગોળાની લારીઓ ઉપરથી મિષ્ટ અને શીત એવા બરફગોળાઓના આસ્વાદથી તૃપ્ત એવી મનુષ્યોની જીભો સૂર્યની પ્રખર ગરમીના પ્રભાવને હળવો કરે છે અને જાણે કે સૂર્યનો ઉપહાસ કરતાં જાણે કે બોલી પડે છે, ‘લે, લેતો જા!’. ઉનાળાની ઋતુમાં પાકતાં ટામેટાં અને તડબૂચની વિપુલ પ્રમાણમાં થતી પ્રાપ્યતાના કારણે લોકો ઘડીભર એ ઉનાળાની પ્રખરતાને ભૂલી જાય છે. કવિએ અહીં સજીવારોપણ અલંકાર પ્રયોજીને એ જ ટામેટાં અને તડબૂચને સૂર્યને હણતો કલ્પ્યો છે. આ છે, કવિઓની સૃષ્ટિ અને જ્યાં કવિ છે, શબ્દવિધાતા! એટલે જ તો કાવ્યમીમાંસકોએ કવિઓની સૃષ્ટિને બ્રહ્માની સૃષ્ટિ કરતાં ચઢિયાતી બતાવી છે!

વાચકો એ ન ભૂલે કે અહીં કવિ બીજા કોઈ દેશના નહિ, પણ ભારતીય ઉનાળાને વર્ણવી રહ્યા છે. કવિ દેશનાં શહેરો અને ગામડાંઓને પણ મનહર લાઘવ્યે આપણા સામે મૂકી દે છે. શહેરી સંસ્કૃતિ સુવિધાપૂર્ણ હોય છે. શેરીએ શેરીએ મકાનોની દિવાલોના બાહ્ય ભાગે એરકન્ડિશનરો જડાયેલાં હોય છે. શેરીઓ સૂમસામ હોય છે, જાણે કે સૂર્યે કર્ફ્યુ લાદી ન દીધો હોય ! એરકન્ડિશનરો દ્વારા મકાનોમાંની શેરીઓ તરફ બહાર ફેંકાતી ગરમીને એ જ શેરીઓ જાણે કે પોતાની જીભ વડે ચાટી રહી હોય તેવી ભવ્ય કલ્પના થકી તો કવિએ હદ કરી નાખી છે!

હજુ વધુ આગળની પંક્તિઓમાં કવિ આપણને ગામડાંઓમાં લઈ જાય છે. અહીં આપણી નજર સામે ગામડાના તળાવનું એક શબ્દચિત્ર ખડું થઈ જાય છે. શહેરના ગરીબ લોકો પેલી વાતાનુકૂલિત સુવિધાઓ મેળવી શકતા નથી હોતા એટલે સ્વાભાવિક છે કે એવી સેવા લેનારાઓનો તેમને દ્વેષ થાય; પણ ગામડાંઓમાં તો કોણ કોનો દ્વેષ કરે, કેમ કે અહીં એરકન્ડિશનરો તો કોઈનાય ત્યાં નથી હોતાં. કવિએ આપણું મન મહોરી ઊઠે તેવી અજીબોગરીબ કલ્પના કરી છે કે બપોરના સમયે ગામડાંનાં તળાવડાંનાં સ્થિર પાણીમાં ઘેરાં વાદળાંનાં પ્રતિબિંબ દેખાય. એ વાદળો જાણે કે તેમાં આરામ ફરમાવીને પોતે શીતળ હોવા છતાં વધુ શીતળ બનીને મોજ માણતાં ન હોય! બસ, ગામડાંના લોકોને જો ઈર્ષા થતી હોય તો માત્ર આ વાદળોની અને એ પણ કેવી નિર્દોષ ઈર્ષા ! અહીં ભાવકને એ વિચાર થઈ આવે કે કવિ એમની સામે આવી જાય તો તેમને હરખભેર ઉપાડી લઈને ફેરફૂદડી ફરી લે. અહીં આપણે સાહિત્યમાંના ગદ્ય અને પદ્યની સરખામણી કરવી હોય તો સાવ સંક્ષિપ્તમાં અને સાદા શબ્દોમાં કહી શકીએ કે કોઈ નાની વસ્તુને વર્ણવવા માટે ગદ્યને બેસુમાર શબ્દોની જરૂર પડે, જ્યારે પદ્ય મોટામાં મોટી વસ્તુને ઓછામાં ઓછા શબ્દોમાં વર્ણવી શકે અને એ જ તો છે, પદ્યની ખૂબી!

આ મોજીલા કાવ્યના સમાપને હું લગભગ આવી ગયો છું અને થોડીક વ્યથા પણ અનુભવું છું કે કાશ, આ કાવ્ય હજુ વધુ લંબાયું હોત તો કેવું સારું થાત ! પરંતુ કવિ તો મનમોજી હોય છે, એ તો જેવું અને જેટલું લખાય તેવું અને તેટલું જ લખી શકે; કારણ કે એ લખતો નથી હોતો એનાથી લખાઈ જતું હોય છે. કાવ્યાંતે કવિ પેલા તળાવવાળા એ જ ગ્રામ્ય વાતાવરણને ચાલુ રાખતાં કહે છે કે ગામડાના લોકોને ખાસ કરીને ઉનાળામાં ડુંગળી સાથે રોટલો બહુ ભાવતો હોય છે અને વળી સોનામાં સુગંધ ભળવાની જેમ જોડે પીણા તરીકે છાશ પણ હોય છે. શહેરીજનોની કલ્પનામાં પણ ન આવે એવું ગામડાના લોકોનું આ સીધુંસાદું ભોજન એમને નવાઈ પમાડે કે ન પમાડે, પણ આકાશમાં તપતા પેલા રવિમહારાજ તો ગાંડાતૂર બની જાય છે. સૂર્યદેવને એમ વિચારતા હોવાનું કવિ કલ્પતા હોય તેમ લાગે છે ‘માળા, આ ગામડાના લોકો તો ગજબના છે; મારો આ પ્રખર તાપ હોવા છતાં એમને કોઈ અસર થતી નથી અને તેઓ કેવા હોંશેહોંશે તેમનું પ્રિય ભોજન આરોગે છે!’

ચાલો ને, આપણે આ કાવ્યની અને કવિશ્રી મુકેશભાઈનાં અંગ્રેજી કાવ્યો અને મારા તેમના ભાવાનુવાદો અને રસદર્શનોની શ્રેણીની આ આખરી કડીઓને ગણગણી લઈએ :

રોટલીસહ ડુંગળી
ને છાશ તણો ભોટવો
ઉન્મત્ત કરે રવિને !

તથાસ્તુ.

– વલીભાઈ મુસા

(ખરે જ, આ શ્રેણીનાં કાવ્યો ઉપરનું અનુવાદન અને રસદર્શનનું કામ કરતાં મેં અકથ્ય આનંદ અનુભવ્યો છે. મારું આ કામ ‘વેગુ’વાચકોને ગમ્યું હોય તો તેના યશના સાચા અધિકારી કવિશ્રી મુકેશભાઈ છે, કેમ કે જે કૂવામાં હતું એ જ હું હવાડામાં લાવ્યો છું. અહીં મુકેશભાઈનાં અંગ્રેજી કાવ્યોના (3 in 1) બાર હપ્તા પૂરા થાય છે.ધન્યવાદ.)

 

Tags: , , ,

(૫૦૦) “વિખૂટા પડ્યાનો વલવલાટ” : પ્રૉફેસર મુકેશ રાવલનાં અંગ્રેજી કાવ્યો – ભાવાનુવાદ અને રસદર્શન (૧૧)

વિખૂટા પડ્યાનો વલવલાટ

ક્યમ આધુનિકતા પછીનું સાંપ્રત માનવીય અંત:કરણ
ભાસે સાવ ક્ષુબ્ધ, ઉદાસીન અને અવઢવમય સદાય
જ્યમ કે ફસાયું હોયે કો’ મૃગ કાંટાળાં ઝાંખરાં મહીં !

સોબતમહીં એ ઝંખે એકલતા
તો વળી એકલતામાં શોધે ટોળાં
અને પુસ્તકોય વળી ફેંદે, કિંતુ ન પામે કશુંય !

જ્યારે તીવ્રેચ્છાઓ ન થાયે સાકાર કોમ્પ્યુટર ઉપરે
ઑફલાઇન, ઑનલાઇન કે હૉટલાઇન સેવાઓ થકી
અને કંપે કો’ મેળા મહીં ખોવાયા શિશુસમ !

તો વળી, ટીવી ચેનલો ફેરવ્યે જ જાયે
કશું ન પામે જોવા કે સૂણવા
ને ડોક્યા કરે છીછરા સ્ક્રીન મહીં સાવ અમથું !

આને તમે કો’ વ્યાધિ તણું નામ આપો
કે ગણાવો એને માનસિક વિકૃતિની ઘેલછા કે પછી ગમે તે
પણ એ છે વિખૂટા પડ્યાનો વલવલાટ જ, ન અન્યથા !

– વલીભાઈ મુસા (ભાવાનુવાદક)

* * * * *

Withdrawal symptoms

The post modern heart,
fearful, aloof and always skeptical
like a deer in thorny bushes.

In company wants loneliness
in solitude searches crowds
surfs books reaches nowhere.

When longings not materialized,
offline or online or through hotline
shivers like a baby lost in fair.

Switches over and over to channels
to watch nothing listen nothing
but peeps into shallow surfaces

you may name it a disease
or call it a mania or whatever
they are withdrawal symptoms.

-Mukesh Raval

* * *

રસદર્શન :

આધુનિક માનવીની મન:સ્થિતિને ઉજાગર કરતું કવિનું આ વિશિષ્ટ વિષય ઉપરનું કાવ્ય સાહિત્ય ઉપરાંત તેમના અન્ય સામાજિક વિજ્ઞાનોના અભ્યાસને છતું કરે છે. આપણા આ કવિ પાસે કાવ્યના વિષયોનો કોઈ તોટો નથી અને તેથી જ તો આપણને મનોવિજ્ઞાનમાં આજકાલ બહુચર્ચિત એવી હાલના માનવીની મનોવૈજ્ઞાનિક સમસ્યા કે જે ‘Withdrawal symptoms’ તરીકે ઓળખાય છે, તે કાવ્યનો વિષય બનીને આવે છે અને કવિએ તેને જ શીર્ષક તરીકે મૂક્યું પણ છે. કવિશ્રી અને ભાવાનુવાદક એવા અમે બંનેએ આપસી વિચારવિમર્શ થકી સમાનાર્થી અને સમભાવી એવા ‘વિખૂટા પડ્યાનો વલવલાટ’ શીર્ષક માટે સહમતી સાધી છે, જે સ્વયં કાવ્યના મધ્યવર્તી વિચારને તો દર્શાવે છે; પણ સાથે સાથે વાચકને વાંચન માટે આકર્ષવા પણ સફળ બની રહે છે.

અહીં ‘કહી પણ ન શકાય અને સહી પણ ન શકાય’ એવી આધુનિક માનવીની મનોવ્યથાની વાત છે. વિજ્ઞાનની અકલ્પ્ય શોધોએ માનવી માટે ભૌતિક સુવિધાઓનો અંબાર ખડકી દીધો અને છતાંય માનવી વ્યથિત છે, એને સુખચેન નથી. સાવ દેશી શબ્દોમાં કહીએ તો માનવી આંતરિક રીતે દુ:ખી છે; અને આ દુ:ખ બીજું કોઈ નહિ, પરંતુ સુખનું જ દુ:ખ છે. વળી કવિએ આ કાવ્યમાં માનવીના એ વલવલાટને માત્ર વાચા આપી છે, એ દુ:ખના નિવારણનો કોઈ ઈલાજ નથી સૂચવ્યો. માનવીએ આત્મનિરીક્ષણ દ્વારા એ વ્યથામાંથી બહાર નીકળવાનો માર્ગ જાતે જ શોધી લેવાનો છે. ટોળાથી વિખૂટું પડેલું કોઈ પ્રાણી સૂનમૂન ઊભું રહી જાય અને સામે પડેલા ઘાસચારાને કે પીવાના પાણીને માત્ર જોયા જ કરે એવું કલ્પનાચિત્ર નજર સમક્ષ લાવવાથી માનવીની આ માનસિક અકળામણને સમજી શકાશે.

હવે આપણે કાવ્ય તરફ વળીએ તો પ્રારંભે જ કવિ આપણને કાંટાળા ઝાંખરામાં ફસાયેલા હરણનું દૃષ્ટાંત આપીને માનવીના દિલની ક્ષુબ્ધતા, ઉદાસીનતા અને એના અવઢવપણાને સમજાવે છે. આ માનવીની એવી દયાજનક મનોવ્યથા છે કે તેની પાસે બધું જ હોવા છતાં તેને કંઈક ખૂટતું હોવાનું તે મહેસુસ કરે છે. અહીં વિધિની વક્ર્તા એ જોવા મળે છે કે માનવી ખૂટતા એ ‘કંઈક’ને જાણી શકતો નથી. પેલી બાળવાર્તામાં આવતી ‘પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી; અને છતાંય તે ઉદાસ રહ્યા કરે !’ જેવી સ્થિતિમાં પોતે મુકાઈ ગયો હોવાનું આધુનિક માનવી વિચારે છે.

કવિ આગળ જતાં માનવીની વ્યથામાંથી બહાર નીકળવા માટેની મથામણ અને અંતે મળતી નિષ્ફળતાને સુપેરે સમજાવે છે. માનવીને સામાજિક પ્રાણી ગણાવાયું હોઈ એ સમૂહમાં રહેવાનું પસંદ કરે છે, છતાંય વળી કોઈક વાર એકધાર્યા સમૂહજીવનથી તે કંટાળી જાય છે અને એકાકીપણું ઝંખે છે. તો વળી આવી એકાકી સ્થિતિમાં પણ તે ઝાઝો સમય રહી શકતો નથી અને ફરી પાછો ટોળાના આશરે જાય છે. પુસ્તકોના સહવાસથી કદાચ મનને શાંતિ મળી રહે તે આશયે તેમને ફેંદી વળે છે, પણ પરિણામ શુન્ય જ પ્રાપ્ત થાય છે. પુસ્તકોના વિકલ્પે આજકાલ સહજ રીતે પ્રાપ્ય એવા વિવિધ માર્ગે સેવાઓ આપતા કમ્પ્યુટર સાથેની માનવીની માથાફોડી પણ નિરર્થક સાબિત થાય છે. કવિ માનવીની અનિર્ણિત અને ચંચળ મનોદશાને સમજાવવા માટે મેળામાં ખોવાયેલા બાળકનું સરસ મજાનું દૃષ્ટાંત આપે છે. આવું આપ્તજનોથી વિખૂટું પડેલું બાળક આમથી તેમ વિહ્વળતાપૂર્વક ભટક્યા કરતું અને વલોપાત કર્યા કરતું હોય એવા શબ્દચિત્ર થકી કવિએ કાવ્યના લક્ષને સિદ્ધ કરી બતાવ્યું છે. કાવ્યની આ કડી વાંચતાં અંગ્રેજી સાહિત્યના અભ્યાસુ વાચકોને ખ્યાતનામ એવા ‘The Lost Child’ કાવ્યની યાદ આવ્યા સિવાય રહેશે નહિ.

આધુનિક સમયની ટી.વી.ની સુવિધા વિષે કહેવાય છે કે હાથનાં આંગળાંના ટેરવાં થકી વિશ્વદર્શન (The world at the finger tips)  કરી શકાય. પરંતુ આપણા કવિ તો એ ઉપકરણને પણ નિરર્થક સાબિત કરી આપતાં સમજાવે છે કે માનવીની સુખશાંતિની ઝંખના એના થકી કદીય સિદ્ધ નહિ થાય. હાથમાંના રિમોટ કન્ટ્રોલ વડે ચેનલો બદલાયે જશે અને અમથી અમથી ટી.વી.ના સ્ક્રીન ઉપર નજરો ફર્યા કરશે, પણ કશુંય હાથ નહિ લાગે; અને ખોદ્યો ડુંગર અને કાઢ્યો ઉંદર (Much ado about nothing) જેવું જ થઈ રહેશે !  ટી.વી.ની બિનઅસરકારકતા છતાંય માનવીનો દિવસરાત એની સાથેનો લગાવ એવો જળવાઈ રહેતો હોય છે કે તેનાથી તે અળગો રહી શકતો નથી અને સાથે સાથે એ કશુંય પામતો પણ નથી હોતો.

કાવ્યસમાપને કવિ કોમ્પ્યુટર અને ટી.વી. સાથે જળોની જેમ ચોંટી રહેતા એવા માનવીઓને અકળ એવા કોઈક રોગનો ભોગ બનેલા કલ્પે છે. કવિ એ રોગનું નામ આપવાના કેટલાક વિકલ્પો સૂચવ્યા પછી પોતે  જ માનવીની આવી ઘેલછાને ‘વિખૂટા પડ્યાના વલવલાટ’ તરીકે ઓળખાવી દે છે અને ખરે જ તે યોગ્ય પણ છે. હવે આપણે નક્કી કરવાનું રહે છે માનવી કુટુંબ સાથે અને સમાજની વચ્ચે જ રહેતો હોવા છતાં એ કોનાથી વિખૂટો પડ્યો હશે અને એનો કયો વલવલાટ હશે ! કવિએ તો આધુનિક માનવીના આ આધુનિક દર્દનું નામકરણ દર્શાવી દઈને પોતાના હાથ ખંખેરી લીધા છે અને દર્દશામક ઔષધની ખોજ તો એ ખુદ માનવીએ જ કરવી રહી.

– વલીભાઈ મુસા

* * * * *

પ્રો. મુકેશ રાવલનાં સંપર્કસૂત્રો :

ઈ મેઈલ – Mukesh Raval < rajshlokswarda@gmail.com
મોબાઈલ – ૯૮૭૯૫ ૭૩૮૪૭
પુસ્તક પ્રાપ્તિ : –

“Pots of Urthona” – ISBN 978-93-5070-003-7 મૂલ્ય : રૂ|. ૧૫૦/- (શાંતિ પ્રકાશન, ડી-૧૯/૨૨૦, નંદનવન એપાર્ટમન્ટ, ભાવસાર હૉસ્ટેલ પાસે, નવા વાડજ, અમદાવાદ – ૩૮૦ ૦૧૩)

 

 

 

 

Tags: , , , , , , ,

(૪૮૬) પ્રિયતમાની જીવંત કબર : પ્રૉફેસર મુકેશ રાવલનાં અંગ્રેજી કાવ્યો – ભાવાનુવાદ અને રસદર્શન (૮) – વલીભાઈ મુસા

The Living Tomb of My Love

Now when my lady you have come to me
With a beggar’s bowl in your hands
I would ask but not my dreams back
And the stolen pieces of my heart
I cannot read the trails of love
In these eyes of stone that reflect
The misery of your frozen past
That turned yourself into a tomb.
Now the spring has gone and will
Come not back as the cycle is over
in this last of the autumn of the tree
The leaves of life have dried and swept
One thing my lady I can do for thee
Once blind my heart, now blind by eyes be

– Mukesh Raval

* * *
પ્રિયતમાની જીવંત કબર

(અછાંદસ)

પિયે, હવે તું જ્યારે આવી જ છે મુજ પાસ
ગ્રહી ભિક્ષાપાત્ર નિજ હસ્તોમાં મને કંઈક અર્પવા
કિંતુ નહિ નહિ જ હું માગીશ પરત મુજ સોણલાં
અને વળી ભગ્ન હૃદય તણા ચોરાયલા કો’ અંશ વા

અવલોકવા હું અસમર્થ અવ પ્રણય તણી ઝલક
તવ જડ પથ્થરશાં નયનો મહીં, જે નિગળતાં
દુ:ખોદર્દો જ તવ થિજાયલા અતીત મહીંથી
કે જેણે બદલી જ દીધી તને સાક્ષાત્ જીવંત કબર મહીં

ઋતુરાજશી વસંત પણ હવે સાવ વહી ચૂકી
નહિ પાછી આવે એ, ક્યમ કે એ ચક્ર તો પૂર્ણ જ થયું
અને એ પૂર્વેની વૃક્ષો તણી પાનખર મહીં
જીવનપર્ણો અવ શુષ્ક બની સાવ ગયાં વિખરી

હવે તો ઓ પ્રિયે, તુજ કાજે એટલું જ હું કરી શકું
પૂર્વે અંધ હતો મુજ ઉર થકી અને હવે હું થાઉં અંધ મુજ ચક્ષુ થકી !

– વલીભાઈ મુસા (ભાવાનુવાદક)    

રસદર્શન :

પ્રોફેસર મુકેશ રાવલનાં અંગ્રેજી કાવ્યોની ‘કાવ્ય, ભાવાનુવાદ અને રસદર્શન’ની આ શ્રેણીની ‘નવતર પ્રયાસ’ રૂપી પાઘડીમાં અહીં આ કરૂણપ્રશસ્તિમાં ખપી જાય એવા નિરાળા કાવ્યથી એક વધુ પીછું ઉમેરાય છે. ‘તુંડે તુંડે મતિર્ભિન્ના’ ન્યાયે કાવ્યમીમાંસકોએ પોતપોતાની રીતે પોતાને પ્રિય એવા કોઈ એક સાહિત્યરસને પ્રાધાન્ય આપ્યું છે. પરંતુ આપણા કવિ ‘સર્વરસ સમભાવ’માં માનતા લાગે છે અને તેથી જ તો તેમનાં કાવ્યોમાં વિવિધ રસ માણવા મળે છે. આ કાવ્યમાં કરૂણ અને શૃગારરસનું સંમિશ્રણ છે, જેમાં પ્રાધાન્યે તો કરૂણ રસ જ છે. શૃંગારરસના વિપ્રલંભ (વિયોગ) અને સંભોગ (મિલન) એવા બંને પેટાપ્રકારો અહીં અનોખી રીતે એકબીજા સાથે એવા ઓતપ્રોત થઈ ગયા છે, જેવી રીતે કે બે ઝરણાંનો સંગમ થઈને એક ઝરણું બની રહે અને જેમનાં પાણીને નોખાં ન પાડી શકાય.

કાવ્યનું શીર્ષક આગળ આવનારા વિષાદનો ઈશારો કરે છે અને તેથી જ એ કરૂણ પ્રશસ્તિ બની રહેશે તે સમજાય છે. ‘જીવંત કબર’નો વ્યંજનાર્થ ‘ભગ્નપ્રેમ’ જ હોઈ શકવાની કાવ્યપાઠકને આગોતરી જાણ થઈ જતી હોવા છતાંય તે કાવ્યપઠન માટે પ્રેરાય છે. સામાન્ય રીતે પ્રેમીઓના મિલનમાં આનંદ અને ઉલ્લાસ હોય, પણ અહીં વેદના વર્તાય છે. કાવ્યનાયિકા પોતાના હાથમાં ભિક્ષાપાત્ર ગ્રહીને કંઈક આપવા આવી હોવાનું વાંચતાં વાચકને તેના વાચ્યાર્થ માત્રથી એવી ગેરસમજ થવાની શક્યતા ઊભી થાય છે કે ભલા, ભિક્ષાપાત્ર તો કંઈક મેળવવા માટે દાતાની સામે ધરાય; નહિ કે આપવા માટે ! પણ ના, અહીં અન્ય એ ભાવ અભિપ્રેત છે કે કાવ્યનાયિકા ભિખારી જેવી કોઈ એવી મજબૂરીનો ભોગ બની છે કે જેથી પ્રેમી સાથેના મિલનની કોઈ શક્યતા બાકી રહેતી નથી અને પોતે નિ:સહાય છે. આમ આ કારણે જ કાવ્યનાયકને પ્રિયતમા વિષે કોઈ ફરિયાદ નથી. ઊલટાનો એ સામેથી કહી સંભળાવે છે કે પોતે ભાવી જીવન માટેનાં સેવેલાં સોનેરી સ્વપ્નો કે તૂટી ચૂકેલા પોતાના હૃદયના ચોરાયેલા કોઈ અંશને તેની પાસે નહિ માગે.

કાવ્યનાયક તેની પ્રિયતમાની દયનીય સ્થિતિને પામી જાય છે અને તેથી જ એ સ્વીકારી લે છે કે તેનાં જડ પથ્થર જેવાં ચક્ષુઓમાંથી પ્રેમની કોઈ ઝલક તે નહિ જ પામી શકે. અહીં તો તે સામેથી પોતાનો જીવ બાળતાં કહી દે છે કે તેનાં ભૂતકાલીન દુ:ખોદર્દોએ તેને બિચારીને ખરે જ જીવંત કબરમાં ફેરવી દીધી છે. ‘સાક્ષાત્ જીવંત કબર’ શબ્દો વાચકના હૃદયને હચમચાવી દે છે અને તે પણ એ ભગ્નહૃદયી પ્રેમીયુગલના દુ:ખે દુ:ખી થાય છે. અહીં કવિકર્મની કાબેલિયત એ રીતે પરખાય છે કે ભાવક પણ કાવ્યનાં પાત્રો સાથે તાદાત્મ્ય અનુભવે છે અને તેમની સાથે તે સમભાવી અને સમસંવેદનશીલ બની રહે છે.

આ કાવ્યના પ્રેમીયુગલે તેમના પ્રેમના આરંભે વસંત ઋતુ જેવો જે સુખદ કાળ પસાર કર્યો હતો, તે હવે ફરી કદીય પાછો આવનાર નથી. વસંત પહેલાંની પાનખર ઋતુમાં જેમ વૃક્ષોનાં પાંદડાં સૂકાઈને જમીન ઉપર ખરી પડે અને પવનથી વિખેરાઈ જાય, બસ તેમ જ, આ યુગલનાં જીવનપર્ણો પણ વિખરાઈ ચૂક્યાં છે.  હવે તેમના માટે પુનર્મિલનની કોઈ શક્યતા બચતી નથી.

કાવ્યની આખરી બે પંક્તિઓને કવિએ નાયક તરફના નાયિકાને આશ્વાસનના ભાગરૂપે પોતાની એક ઑફર તરીકે મૂકી છે, પણ વાસ્તવમાં તો તેમાંથી કાવ્યનાયકની નરી વેદના જ ટપકે છે. અહીં પ્રેમી પોતાના પ્રેમના એ સુખદ કાળને યાદ કરતાં કહે છે કે એ વખતે પોતે પોતાના હૃદયથી અંધ બનીને નાયિકાને પ્રેમ કરી રહ્યો હતો. પરંતુ વર્તમાનમાં સંજોગોએ એવી તો કરવટ બદલી છે કે હવે તેમનું મિલન શક્ય નથી. કાવ્યનાયિકાની દુ:ખદ હાલત કાવ્યનાયકથી જોઈ શકાતી નથી અને તેથી જ તો પોતે કહે છે કે તે પોતાનાં ચક્ષુઓથી પણ અંધ બની જાય કે જેથી જીવંત કબર બની રહેલી એ પ્રેમિકાને દુ:ખમય સ્થિતિમાં જોવાની બાકી ન રહે.

હવે તો ઓ પ્રિયે, તુજ કાજે એટલું જ હું કરી શકું
પૂર્વે અંધ હતો મુજ ઉર થકી અને હવે હું થાઉં અંધ મુજ ચક્ષુ થકી !

કાવ્યની આખરી પંક્તિઓ જોગાનુજોગે ૧૩મી અને ૧૪મી બની રહેતાં અને અચાનક ભાવપલટો આવી જતાં આ કાવ્ય આપણને બાહ્ય લક્ષણે શેક્સ્પિરીઅન ઢબનું (૪+૪+૪+૨=૧૪ પંક્તિઓ) સૉનેટ હોવાનો આભાસ કરાવે છે, પરંતુ વાસ્તવમાં આંતરિક લક્ષણના સંદર્ભે તપાસતાં એમ નથી. પહેલાં ત્રણ ચરણોમાં સૉનેટમાંનો મૂળ વિચાર વિકાસ પામતો હોવો જોઈએ અને તેના સમર્થનમાં ઉદાહરણો અપાતાં રહેવાં જોઈએ. છેલ્લે આખરી બે પંક્તિઓ સાર કે નિચોડરૂપે આવતી હોવી જોઈએ. આપણા આ કાવ્યમાં આંતરિક લક્ષણો પાર ન પડતાં હોઈ તેને કદાચ સૉનેટ ન પણ ગણી શકાય તેવું મારું નમ્ર માનવું છે.

-વલીભાઈ મુસા (રસદર્શનકાર)

[Published on ‘Webgurjari’ Dt.22072015]

 

Tags: , , , , ,

(૪૭૫) “પિયુ પરણ્યાની રાતડી પહેલી” :પ્રૉફેસર મુકેશ રાવલનાં અંગ્રેજી કાવ્યો – ભાવાનુવાદ અને રસદર્શન (૬) 

The Wedding Night

The Luna
with all its celestial light,
poured from the sky the magic white,
on the newly wedded bride.

The cool breeze on terrace
played with her locks
like the wind playing with water.
The chill fondled on her face
as surfs do gently shatter.

Suddenly
a sonic boom
a mild heart quake,
fission in the blood cells,
as she travelled fast into the past.
The dead leaves from old books
suddenly became green.

The ancestral bangles on the hand
identified the anguish of blood within.
Her obedient heart hurriedly
shut the lids of grave.
The cunning mind assessed
the agony to be borne.

Confused she stared
like a drowning ship in the storm.
The past merged into the present,
memories compromised with reality.
A cloud veiled the moon.

Darkness transformed her into night
a wedding night
the sun on her forehead rose at the midnight.

      – Mukesh Raval
        (Pots of Urthona)

    * * * * *   

પિયુ પરણ્યાની રાતડી પહેલી

ચાંદલિયો
નિજ દિવ્ય પ્રકાશ થકી,
વેરી રહ્યો હતો મદહોશ ચાંદની નભમંડલેથી
એ નવવધૂ ઉપરે.

શીત પવન તણી હળવી લહેર
અગાશી સ્થિત તેઉના વાળની લટ સંગ કરે ક્રિડા
જ્યમ વાયુ ખેલતો જલસપાટી ઉપરે.

ઠંડીય વળી તેના વદનને લાડ લડવતી
જ્યમ મોજાં દરિયા કેરાં હળવેકથી આલિંગતાં એકમેકને.

અચાનક
વેગીલા વિમાન તણી ઘડઘડાટી. ઊઠતી
અને ચિરાડો પડતી રક્તપેશીઓ મહીં,
જગાવે ઉરે ધ્રૂજારી પણ હળવી,
ને ડૂબકી લગાવતી એ ભૂતકાળની ભીતરે.

નિજ જીવનકિતાબ મહીંનાં એ શુષ્ક પર્ણો
થાયે હરિત સાવ એ અચાનક.

વંશાનુગત પ્રાપ્ય નિજ કરકંકણ
પામી ગયાં ધબકતા રુધિર તણી આંતરવેદનાને.
કહ્યાગરા નિજ હૃદયે ત્વરાએ
કર્યાં બંધ ઢાંકણ દફનાયેલ યાદો તણી એ કબરનાં.

ખંધા ચિત્તે વળી કળી લીધા
આગામી જીવનસંઘર્ષો અનુકૂલન તણા.
વ્યાકુળ નયને જોતી જ રહી એ
તોફાન મહીં બૂડતા વહાણની જેમ.
કિંતુ ભૂત-વર્તમાન થયાં એકાકાર
ને સ્મૃતિઓએ વાસ્તવિકતા સાથે સાધી સમજૂતી.

વાદળે લપેટ્યો ચાંદને,
અંધકાર પલટાયો રાત્રિ મહીં
ને બની ગઈ એ મધુરજની.

અહો ! કેવો ઝળહળી ઊઠ્યો લાલ રવિ
ભાલપ્રદેશે મધ્યરાતે !

               * * * * *

     – મુકેશ રાવલ (Pots of Urthona/કલ્પનાનાં પાત્રો)
– વલીભાઈ મુસા (ભાવાનુવાદક)

રસદર્શન:

આપણે આ કાવ્યના રસદર્શને આગળ વધીએ તે પહેલાં ‘રસદર્શન’ અને ‘વિવેચન’ શબ્દોને થોડાક સમજી લઈએ. અંગ્રેજીમાં આ બંને શબ્દો માટે અનુક્રમે ‘Exposition’ અને ‘Criticism’ શબ્દો છે. ‘રસદર્શન’માં જે તે કાવ્યમાં જે કંઈ નિરુપાયું છે તેને ખુલ્લું કરવામાં આવતું હોય છે અને તેમાંના રસતત્ત્વને ઉજાગર કરવામાં આવતું હોય છે; જ્યારે ‘વિવેચન’માં રસદર્શન તો હોય જ છે, પણ વિશેષમાં કાવ્યમાંના ગુણ અને દોષ બંનેની ચર્ચા પણ થતી હોય છે અને તેથી તે થોડુંક વિશ્લેષણાત્મક બની રહે છે.

અહીં તો આપણે મુકેશભાઈના આ કાવ્યનું રસદર્શન જ માણીશુ અને હું ઇચ્છું તોયે તેનું વિવેચન તો નહિ જ કરી શકું; કારણ કે કાવ્યનો માત્ર વિષય જ નહિ, પરંતુ એની કવનશૈલી પણ એવી બેનમૂન બની રહી છે કે તેના માટે સાવ દેશી શબ્દપ્રયોગે કહું તો તે સંઘેડાઉતાર છે. હાથીદાંતનાં બલૌયાંને સુંવાળપ આવી ગયા પછી સંઘેડા (Lathe) ઉપરથી ઉતારી લેવામાં આવે, ત્યારપછી તેના ઉપર કોઈ જ પ્રક્રિયાને અવકાશ રહે જ નહિ; બસ એમ જ આ કાવ્ય સાંગોપાંગ એવી રીતે પાર પડ્યું છે કે તેના વિવેચનમાં કોઈ ક્ષતિ તો શોધીય જડે તેમ નથી. આમ આ અર્થમાં જ મેં કહ્યું છે કે આનું વિવેચન તો નહિ જ થઈ શકે.

હવે આપણે કાવ્યના રસદર્શને આવીને પ્રથમ શીર્ષકને અવલોકીએ તો તે આપણને શૃંગારરસની એંધાણી જતાવ્યા વગર રહેશે નહિ. મધુરજની એ નવવિવાહિત દંપતી માટેની એવી સલૂણી રાત્રિ છે કે જે એ યુગલ માટે એ જીવનભરનું સંભારણું બની રહે છે. પરંતુ આપણા કવિની એમનાં એવાં કેટલાંક કાવ્યોની જેમ અહીં પણ એવી લાક્ષાણિક્તા જોવા મળે છે કે કવિ બતાવે છે કંઈક જુદું અને આપે છે કંઈક જુદું ! આ કંઈ પેલા શઠ વેપારી જેવી વાત નથી કે નમૂનો તો સારો બતાવી દે, પણ નરસું જ પધરાવી દે. અહીં તો કવિની કંઈક જુદી જ વાત છે. આ કાવ્યમાં મધુરજનીનો પ્રારંભનો જેટલો અંશ અભિવ્યક્ત થયો છે તે કંઈક વિશિષ્ઠ બની રહ્યો છે, એ અર્થમાં કે અહીં માત્ર નવવધૂ જ દેખા દે છે. પિયુના શયનખંડમાંના પ્રવેશ પહેલાં કવિ આપણને તેને અગાશીમાં ઊભેલી બતાવે છે અને કાવ્યના પ્રારંભે જ મનહર શબ્દચિત્ર ભાવકનાં કલ્પનાચક્ષુઓ સમક્ષ ખડું થાય છે.

કાવ્યનાયિકાના પિયુ સાથેના સુખશય્યામાં થનારા મિલન પૂર્વે જ પ્રાકૃતિક તત્ત્વોનો સહારો લઈને કવિ અહીં શૃંગારમય વાતાવરણ ઊભું કરે છે. આકાશમાંનો ચમકતો દમકતો ચાંદલિયો મદહોશ કરી દેતી ચાંદનીનો નવોઢા ઉપર અભિષેક કરે છે. તો વળી શીત પવનની હળવી લહેર તેના મસ્તકના કેશની લટ સાથે એવી રમત રમે છે, જેવી રીતે કે જલસપાટી ઉપર હળવે હળવેથી વાયુ પસાર થઈ જતો હોય ! ફૂલગુલાબી ઠંડી પણ દરિયાનાં એકબીજાંને આલિંગતાં મોજાંની જેમ તેના વદનને લાડ લડાવે છે. આમ શૃંગારરસના ઉદ્દીપનવિભાવની જમાવટ થવા સાથે વાચક કાવ્યના શાંતરસને માણે છે. કાવ્યનાયિકા પણ શાંતચિત્તે એકલી ઊભીઊભી એ પ્રાકૃતિક તત્ત્વોને પોતાની સાથે રમી લેવાની જાણે કે મોકળાશ આપે છે. મધુરજની એ દંપતી માટે કૌમાર્ય સ્થિતિમાંથી પરીણિત સ્થિતિમાં પરિવર્તિત થવા માટેનો સંધિકાળ છે. અજનબી બે પાત્રો સદેહે એક એક મળીને બે થનારાં હોય છે અને વળી પાછાં એક્બીજાંના પ્રેમમાં ઓતપ્રોત થતાં વળી એ જ પાછાં બેમાંથી એક થવાનાં હોય છે. આમાંય વળી નવોઢાની મૂંઝવણ તો અકળ અને અકથ્ય હોય છે, કેમ કે તેણે પિતૃગૃહ તજીને પિયુના નવીનગૃહમાં અને તેના હૃદયમાં સ્થાન ગ્રહણ કરવાનું હોય છે.

આમ છતાંય અગાશીમાં ઊભેલી આપણા કાવ્યમાંની આ નવોઢા શાંત અને સ્વસ્થ છે, પણ..પણ અચાનક આ શું ? એક વિમાન આકાશપટમાં ધસી આવે છે, જેની ઘડઘડાટી નવોઢાને આંતરિક રીતે હચમચાવી દે છે. માત્ર એ નવોઢા જ નહિ, કાવ્યનો ભાવક પણ તેની સાથે હલબલી ઊઠે છે. અહીં કવિકર્મ અને તેમની કાબેલિયતની પરખ થાય છે. શાંતરસમાંથી ભયાનકરસ તરફની ગજબની સંક્રાંતિ આપણાથી અહીં અનુભવાય છે. (જો કે સાહિત્યના રસોના પ્રકાર તરીકે ’ભયાનક રસ’ એમ ભલે અહીં લખવામાં આવ્યું હોય, પણ અહીં આપણે ‘ભયજનક’ એવો મૃદુ અર્થ લઈશું.). આકાશમાંથી પસાર થતા એ વિમાનના અવાજથી એ નવોઢા પોતાની વિચારતંદ્રામાંથી ઝબકીને જાગી જાય છે. વળી એટલું જ નહિ, પણ વિમાનનો એ પ્રચંડ ધ્વનિ નવોઢાની રક્તવાહિનીઓને જાણે કે ચીરી નાખે છે અને તેનું હૃદય થડકી ઊઠે છે. એ અવાજ નાયિકાને તેના વર્તમાનકાલીન વિચારોમાંથી બહાર કાઢીને ભૂતકાળ તરફ ધકેલી દે છે. પિયાઘરે આવવા પહેલાંના તેના વ્યતીત જીવન રૂપી કિતાબ વચ્ચેનાં શુષ્ક પર્ણો નવપલ્લવિત થાય છે, અર્થાત્ હાલ સુધીના પોતાના જીવનની યાદોને જે એણે ભુલાવી દીધી હતી તે એકદમ તાજી થઈ જાય છે.

વિમાનના એ ઓચિંતા અવાજે નવોઢાના દિલોદિમાગ ઉપર કેવી અસર જન્માવી છે તે સીધે સીધું ન દર્શાવતાં કવિ તેનાં કરકંકણોનો સહારો લઈને તેમના માધ્યમે તેની આંતરવેદનાને ઉજાગર કરે છે. વળી એ કંકણોને ‘વંશાનુગત પ્રાપ્ય’ ગણાવીને કવિ એ નવોઢાને સાંભળવા મળેલાં પેઢી દર પેઢીનાં સંસ્મરણોને તાજાં કરાવે છે. અહીં કવિનો એક્માત્ર વિશેષણ શબ્દ ‘વંશાનુગત (ancestral)’ લાઘવ્યનો ઉત્તમ નમૂનો પુરવાર થાય છે. વિશ્વભરમાં મોટાભાગે પુરુષપ્રધાન સમાજવ્યવસ્થા હોઈ સ્ત્રીએ જ પતિગૃહે જવું પડતું હોય છે અને આમ સ્ત્રીએ બ્રાહ્મણોની જેમ દ્વિજ (બે વખત જન્મનાર એટલે કે માતૃકૂખે જન્મ અને ઉપવીત-સંસ્કારક્રિયા) બનવું પડતું હોય છે. આમ પિયુ પરણ્યાની પહેલી રાતલડીએ નવવધૂએ અજાણ્યા જણ અને અજાણ્યાં લોકની સાથે પોતાનું નવજીવન શરૂ કરવાનું હોય છે. હવે ‘નવું’ જ્યારે શરૂ કરવાનું જ હોય, ત્યારે એ નવોઢાએ ‘જૂનું’ તો વિસારવું જ રહ્યું અને તેથી જ તો આ કાવ્યકન્યાનું કહ્યાગરું હૃદય ત્વરિત જ માની જાય છે અને તે દફનાયેલી યાદદાસ્તની કબરના ઢાંકણને સદાયને માટે બંધ કરી દે છે. નવોઢાનું હૃદય ભૂતકાળને ભૂલવા માટે આમ સહાયક બન્યું, તો વળી તેનું ચિત્ત પણ વર્તમાનકાલીન વાસ્તવિકતાઓને સ્વીકારી લઈને પતિના ઘરના નવીન વાતાવરણમાં અનુકૂલન સાધવા માટેની સજ્જતાને ધારણ કરાવી દે છે. કાવ્યના આ શબ્દો

“વ્યાકુળ નયને જોતી જ રહી એ
તોફાન મહીં બૂડતા વહાણની જેમ.
કિંતુ ભૂત-વર્તમાન થયાં એકાકાર
ને સ્મૃતિઓએ વાસ્તવિકતા સાથે સાધી સમજૂતી”

કાવ્યનાયિકાના વૈચારિક સંઘર્ષનું સમાધાન કરાવી આપવા માટે સમર્થ પુરવાર થાય છે. આમ કાવ્યનાયિકા રાગ અને ત્યાગના દ્વંદ્વની વચ્ચેની વ્યથાભરી મનોદશામાંથી બહાર નીકળી જાય છે.

કવિ કાવ્યના સમાપને આવતાં પ્રારંભના મદહોશ ચાંદનીની વર્ષા વરસાવતા ચંદ્રને વળી પાછા લાવી તો દે છે, પણ આ વખતે તેના ઉપર વાદળનું આવરણ છવાયેલું દર્શાવે છે. આમ પૂરબહાર ચાંદની ખીલેલી એ રાત્રિ જે પહેલાં દિવસ સમાન ભાસતી હતી, તે હવે અંધકારના કારણે સાચા અર્થમાં રજની (રાત્રિ) જ બની જાય છે અને આ કાવ્યના સંદર્ભે તો એ નવવધૂ અને તેના પિયુ માટેની મધુરજની જ બની રહે છે. ભૂતકાળમાં સરી પડેલી અને ક્ષણિક વિષાદમાં ઘેરાઈ ગએલી કાવ્યનાયિકા હવે વર્તમાનમાં આવી જતાં પ્રફુલ્લિત થઈ જાય છે. જીવનની અણમોલ આ સોહાગરાતને માણવા માટે ભૂતકાલીન જીવનની એ યાદોને ખંખેરી નાખે છે અને તેના કપોલપ્રદેશ ઉપરનો સૌભાગ્યનો લાલ ચાંદલો એવો ઝળહળી ઊઠે છે, જાણે કે મધ્યરાત્રિએ ચેતના જગાવતો સૂર્ય ન ઊગી નીકળ્યો હોય !

ચાલો ને, આપણ્રે કવિની આ પંક્તિઓ “અહો ! કેવો ઝળહળી ઊઠ્યો લાલ રવિ, ભાલપ્રદેશે મધ્યરાતે !”ને માણીએ અને વળી મનમાં કવિ માટે ગણગણીએ પણ ખરા કે “અહો ! કેવી મધુરજની કવિએ કવી પિયુ વિણ, અને કઠે ના તોયે તેઉ તણી અનુપસ્થિતિ જરીય !”

સમાપને, સન્માનીય મુકેશભાઈનો ખાસ આ કાવ્યના રસદર્શન હેઠળ તેમણે મહોર મારી આપેલા ગુજરાતી શીર્ષક ‘પિયુ પરણ્યાની રાતડી પહેલી’ સબબે આભાર માનું છું. મેં વૈકલ્પિક ‘સુહાગરાત’ અને ‘મધુરજની’ શબ્દો પણ સૂચવ્યા હતા, જેમને મેં શીર્ષકે તો નહિ, પણ રસદર્શનના ફકરાઓમાં મારા આત્મસંતોષ માટે પ્રયોજ્યા છે. વાચકો પણ કબૂલ કરશે જ કે ‘પિયુ પરણ્યાની રાતડી પહેલી’ શબ્દ જ કાવ્યના કપોલપ્રદેશ સમા એવા શીર્ષકે ઝળહળતા લાલ રવિની જેમ સાચે જ દીપી ઊઠે છે. વળી જૂની પેઢીનાં અને એમના જમાનાનાં શ્વેતશ્યામ ચલચિત્રોનાં સાક્ષી બની રહેલાં મારાં સમવયસ્ક એવાં જરઠજનોને એક ચલચિત્રના ગીતના મુખડાના શબ્દો ‘પિયુ પરણ્યાની રાતડી પહેલી, આજનો મારે ઉજાગરો’ની યાદ આવ્યા સિવાય રહેશે નહિ.

-વલીભાઈ મુસા

(ભાવાનુવાદક અને રસદર્શનકાર)

* * * * *

પ્રોફેસર મુકેશ રાવલનાં સંપર્કસૂત્રો :

ઈ મેઈલ – Mukesh Raval < rajshlokswarda@gmail.com
મોબાઈલ – +૯૧ ૯૮૭૯૫ ૭૩૮૪૭

પુસ્તક પ્રાપ્તિ : –

“Pots of Urthona” – ISBN 978-93-5070-003-7 મૂલ્ય : રૂ|. ૧૫૦/- (શાંતિ પ્રકાશન, ડી-૧૯/૨૨૦, નંદનવન એપાર્ટમન્ટ, ભાવસાર હૉસ્ટેલ પાસે, નવા વાડજ, અમદાવાદ – ૩૮૦ ૦૧૩)

 

Tags: , , , , , , , , , , , , , , , ,