અમારા ત્રીસેક વર્ષના ઓટો ટાયર્સના ધંધાકીય સમયગાળામાં અમે કેટલીય ટાયર ઉત્પાદક કંપનીઓ અને અનેક વિક્રેતાઓના સંપર્કમાં આવ્યા હતા. આજે આ લેખમાં જેમને યાદ કરી રહ્યો છું, તેઓશ્રી અમારા જેવા જ પણ અન્ય કોઈ ટાયર કંપનીના Authorized Dealer હતા. સામાન્ય રીતે નાનાં ધંધાકીય સેન્ટરમાં કોઈ એક કંપનીની એજન્સી લઈને બેસી રહેવાય નહિ. ત્રીસેક વર્ષ પહેલાં Exclusive Dealership નો ખ્યાલ (Concept) નહિવત્ પ્રચલિત હતો. સૌ કોઈ Composite Dealer તરીકે એક કરતાં વધારે કંપનીઓના માલનો વેપાર કરતા અને આમ અમારે ઉપભોક્તાઓ ઉપરાંત વ્યાપારીઓ સાથેનો માર્કેટ બિઝનસ વધુ પ્રમાણમાં રહેતો.
મારા આ લેખના Hero તરીકે જેમને હું પ્રસ્થાપિત કરી રહ્યો છું તેમના નામઠામને આપણે ગૌણ સ્થાને રાખીશું. પણ તેમના ચરિત્રચિત્રણ વિષે સાવ સંક્ષિપ્તમાં કહું તો તેઓશ્રી એક ખાસ માણસ તરીકે પહેલા અને અનન્ય વ્યાપારી તરીકે પછીથી હતા અને વળી એ બંને પાત્રે આજે પણ તેઓશ્રી એવા ને એવા જ છે. હું ઘણીવાર તેમને ગમ્મતમાં કહેતો પણ ખરો કે “મારી જાણમાં છે તે મુજબ આખા મર્દમાં જેમને ગણવામાં આવે છે તે છે; વન્ય પ્રાણીઓમાં જંગલનો રાજા સિંહ, પેટે સરકતા જીવોમાં જે આવે છે તેવા નાગરાજ, યુદ્ધભૂમિમાં ઉપયોગી અને સવારી માટે સલામત અને વફાદાર પ્રાણી ગણાય છે તે ઘોડો અને ચોથા છો, ચોથા છો તે અન્ય કોઈ નહિ માત્ર તમે, તમે અને તમે જ મિ. ‘દાસ’! તેમના નામ પાછળ દાસ આવતું અને સૌ કોઈ એમને દાસ તરીકે પણ બોલાવતા હતા. કોઈવાર તેમને નામથી બોલાવવાના થાય તો નામ પાછળ માત્ર ‘દા’ જ બોલાતું, જેમકે રણછોડદા, સુરદા, કાનજીદા વગેરે. એ મિ. ‘દા’ પણ મુડમાં આવી જાય તો મને વલીદા તરીકે પણ સંબોધી બેસે. આખા મર્દોની યાદીમાં ચારણી મીઠી જબાને તેમને જોડવામાં આવતાં તેઓ માત્ર એટલું જ બોલ્યા હતા કે ‘વલીભાઈ, તમે તો મને ચણાના ઝાડ ઉપર ચઢાવી દીધો! (વધારે પડતાં વખાણ કરી દીધાં!)’.
અમારા કાણોદર હાઈવે ઉપર ગેરેજવાળાઓ અને દુકાનદારો મોટા ભાગે મુસ્લીમ હોઈ અઠવાડિક રજા શુક્ર્વાર (જુમ્મા)ના રોજ રહેતી. આ દિવસે હોટલો અને અન્ય ધંધાકીય દુકાનો સિવાય બધેય સૂમસામ વાતાવરણ રહેતું. કાણોદરના અપવાદ સિવાય તમામ સ્થળોએ રવિવારે જ રજા રહેતી. અમારા ટ્રાન્સપોર્ટ્સ કે શટલિયા ટ્રકો દ્વારા કોઈ માલ શુક્રવારે આવતા તો જે તે હોટલોવાળા દુકાનદારો વતી માલની ડિલીવરી લઈ લેતા. હું માનું છું કે મારા લેખની આટલી પૂર્વભૂમિકા પૂરતી થઈ રહેશે અને હવે આપણે મુખ્ય ઘટનાક્રમે આવીએ.
મિ. દાસ અને અમારી વચ્ચે માસિક દ્વિપક્ષીય ખૂબ વેપાર રહેતો. બજારના ધારા મુજબ વારથી વાર (અઠવાડિક) ક્રમસર બિલોનું પેમેન્ટ થતું રહેતું. એક વખતે મિ. દાસ પક્ષે એવું જણાયું કે તેમનું એક બિલ પેમેન્ટ થયા વગર બાકી ખેંચાતું આવે છે અને તે પછીનાં બિલોનું પેમેન્ટ થતું રહે છે. એક દિવસે એમનો ફોન આવ્યો કે આવું કેમ? અમે અમારા પક્ષે ખાત્રી કરીને તેમને જવાબ વાળ્યો કે જે તે તેમના મતે કહેવાતા અને બાકી ખેંચાતા આવતા એ બિલનો માલ કે બિલ અમને મળેલાં જ ન હતાં.
આ વિવાદી બિલ અને તેમાંના માલમાં ટ્રક ટાયરની એક જોડ હતી. 1984ના સમયગાળામાં ટ્રક ટાયરનો જોડીનો ભાવ આઠથી દસ હજાર રૂપિયાનો રહેતો. વળી એ ટાણે નાણાંનું મૂલ્ય હોઈ આ એક મોટી રકમ ગણાય. હવે અમારી વચ્ચે મનદુ:ખનું એક મોટું કારણ ઊભું થઈ રહ્યું હતું. આ એ જ દાસ હતા કે જેમણે તેમની પોતાની એજન્સીવાળી ટાયર કંપનીને અમને સીધી ડીલરશીપ માટેની ભલામણ કરી હતી. અમારી પેઢીની પાલનપુર, ડીસા અને કાણોદર એમ જુદીજુદી જગ્યાઓએ ત્રણ શાખાઓ હતી અને દાસ સાથેનો એમની જ ટાયર કંપનીનાં ટાયરોનો અમારી સાથે વર્ષે દહાડે એકાદ કરોડ રૂપિયાનો વેપાર થતો હતો. આમ પોતાના અંગત હિતને અવગણીને તેમણે વેપારવણજમાં જે બનવું અશક્ય ગણાય તે કરી બતાવ્યું હતું. અમને એ ડીલરશીપ ન મળવાનું એક માત્ર એ કારણ હતું કે અમારા જિલ્લાના એ જ કંપનીના અન્ય એક ડીલરનું પેલી કંપનીમાં એટલું બધું વર્ચસ્વ હતું કે તેઓશ્રી પોતાનો એકાધિકાર (Monopoly) જળવાઈ રહે તે માટે છેલ્લાં પાંચેક વર્ષોથી અમને એજન્સી મળવા દેતા ન હતા. શ્રી દાસે પેલી કંપનીને પોતાના જિલ્લાની એજન્સી છોડી દેવાની ચીમકી આપીને અમારું કામ પાર પડાવ્યું હતું, આ એક મોટું જોખમ તેમણે ઊઠાવ્યું હતું અને તે પણ વિના સ્વાર્થે અમને મદદરૂપ થવા માત્ર ખાતર જ!
સામાન્ય રીતે કોઈ બે જૂથ, વર્ગ કે વ્યક્તિઓ વચ્ચે કોઈ વિવાદ ઉદભવ્યો હોય તો એક વાત નક્કી જ હોય કે કોઈ એક પક્ષ સાચો હોય અને અન્ય જૂઠો હોય. સામાન્યત: બંને પક્ષ સાચા કે બંને પક્ષ ખોટા ન જ હોઈ શકે. અમને બંનેને એકબીજા ઉપર એટલો બધો દૃઢ વિશ્વાસ અને તેથી જ અમે માનીએ કે અમારામાંથી કોઈ પણ અન્ય સાથે બેઈમાની બતાવી શકે જ નહિ. આવા પરસ્પરના વિશ્વાસપૂર્ણ આત્મીય સંબંધોની પરીક્ષા માટેનું આ તેજાબી પરીક્ષણ હતું. અમારી વચ્ચે ઊભી થએલી સમસ્યા અન્વયે કેટલીયવાર લાંબીલાંબી ટેલિફોનિક વાતચીત થયા કરી જેમાંના કેટલાક સંવાદો આ પ્રમાણે હતા:
‘જૂઓ વલીભાઈ, સાચા વેપારીને આવી આડોડાઈ શોભે નહિ. અમે એક વખત ટ્રાન્સપોર્ટને માલ સોંપી દીધો એટલે અમારી જવાબદારી પૂરી થઈ ગણાય!’
‘તમારી વાત સાચી, પણ એ ટ્રાન્સપોર્ટ રજિસ્ટર્ડ અને માલ ખરીદનાર તરફથી સુચવાએલી હોય તો. ભલા માણસ, તમે હાઈવે ઉપરથી પસાર થતા કોઈ પણ અજાણ્યા વાહનને બિલ અને માલ સોંપી દો એ કેવું? શું આ રીતે તમારી જવાબદારી પૂરી થાય? જો તમે અમારી જગ્યાએ હો તો માલ મળ્યા વગર પેમેન્ટ કરી દો ખરા?’
‘મારી પેઢીએથી માલ નીકળ્યો અને તેના પૈસા મારે ભૂલી જવાના?’
‘અમારે પણ તમારા જેવા મહિનાના દસ કિસ્સા બને તો શું અમારે વેપારીઓને પૈસા ચૂકવ્યે જ જવાના અને દેવાળાં ફૂંકીને બાવા બની જઈને હિંદી બોલતા થઈ જવાનું?’ મેં વાતમાં હળવાશ લાવવાનો પ્રયત્ન કરતાં કહ્યું.
‘વલીભાઈ, હું મજાકના મુડમાં નથી. તમારે એ બિલના પૈસા આપવાના છે કે નહિ, ‘હા’ બોલો કે ‘ના’ બોલો!’
હું હજુય મજાકમાં વાત કરી રહ્યો હતો કે તમે કહો તો ખાલી બિલના કાગળિયાના પૈસા આપું, પણ માલ મળ્યા વગર માલના પૈસા તો કેવી રીતે આપું? ભલા માણસ, પેલા ટ્રકવાળાને ઓળખતા હો તો પૂછો કે તેણે માલ ક્યાં ઊતાર્યો?’
‘એ જાણીતી જ પાર્ટી છે. નેશનલ પરમીટવાળો ટ્રક હોવાના કારણે એ ડ્રાઈવર બેત્રણ મહિને આવશે. ટ્રાન્સપોર્ટના માલિકે એક વાર તેનો ફોન આવતાં પૂછ્યું હતું તો તેનું કહેવું હતું કે પાર્ટીની દુકાન બંધ હતી એટલે હોટલવાળાને ટાયર સોંપ્યાં હતાં. તમે તમારી દુકાનની બાજુની હોટલે પૂછ્યું?’
‘અલ્યા ભાઈ દાસ, તમારા બંને માણસો ગયા રવિવારે કાણોદર આવ્યા હતા અને હોટલવાળાને તેમની હાજરીમાં જ પૂછ્યું હતું. હવે તમે રૂબરૂ આવો તો આપણે ફરી પૂછીએ!’
‘વલીભાઈ, તમે હજુ મજાકમાંથી બહાર આવતા નથી. ‘દેડકાનો જીવ જાય અને કાગડાને મજા આવે’વાળી વાત તમે કરો છો!’
હવે હું થોડો ગંભીર થઈને સહેજ કડકાઈની ભાષામાં બોલ્યો,’ ઓ દાસ, દસેક હજારના નુકસાને જીવ જવાની વાત કરો છો! હવે એક જ વિકલ્પ બાકી રહે છે કે હું નુકસાનીમાં અડધા ભાગે ઊભો રહું! સંબંધ આગળ પૈસાની કોઈ કિંમત નથી, સમજ્યા?’
‘વાહ, વલીભાઈ વાહ! તમે તો મહાન માણસ! તમારી મહાનતાની કદર કરું છું, પણ મારી દુકાનમાંથી મારી નજર સામે નીકળેલા માલના મારે અડધા જ પૈસા લેવાના!’
‘તો દાસજી, સાંભળી લો. તમે મોકલેલાં ટાયરોનો ફોટો પણ જોયા વગર હું અડધા પૈસા એટલા માટે ચૂકવું છું કે તમે ખેલદિલ અને દરિયાવદિલ માણસ હોઈ મારે નુકસાનીમાં અડધા ભાગે ઊભા રહેવું જોઈએ.’
‘ચૂકવો તો પૂરા ચૂકવો, અડધા તો હું નહિ જ લઉં!’
‘ચાલો મંજૂર, પણ, એક શરત કે પેલો ટ્રકનો ડ્રાઈવર સફરેથી જ્યારે પણ પાછો ફરે ત્યારે તેને તમે કે તમારો માણસ કાણોદર લઈને આવે અને અમારી જોડેની હોટલના કયા માણસને ટાયર સોંપ્યાં હતાં તે માત્ર દૂરથી બતાવે અને આપણો કેસ ફાઈલ થયો સમજવાનો, પણ આપણે આપણા ધંધાકીય સંબંધો સમાપ્ત થએલા સમજવાના રહેશે.’
હવે દાસ ઢીલા પડ્યા હોય તેમ લાગ્યું. તેમણે કહ્યું,’ આપણે બંને પોતપોતાના પક્ષે સાચા જ છીએ. માલ ક્યાંક સગેવગે થઈ ગયો છે અથવા ગેરવલ્લે ગયો છે! જે હશે તે બહાર આવશે જ, પણ આપણા ધંધાકીય સંબંધોને આપણે શા માટે સમાપ્ત કરવા જોઈએ?’
* * * * *
ત્રણેક અઠવાડિયાં પછીના રવિવારે પેલા ટ્રકના ડ્રાઈવર સાથે એ જ ટ્રકમાં બેસીને મિ. દાસના બે માણસો કાણોદર આવ્યા. પેલા ડ્રાઈવરે અમારી દુકાનની પાસેની જ હોટલના બદલે દૂરની જ ચાર રસ્તા ઉપરની બીજી જ એક હોટલ બતાવી. એ લોકોએ બુદ્ધિ વાપરીને એ હોટલવાળા સાથે સીધી કોઈ વાત કરવાના બદલે મને ફોન કરીને હાઈવે ઉપર બોલાવી લીધો. મેં કેસ મારા હાથમાં લેતાં હોટલના શેઠ સાથે સીધી જ વાતચીત શરૂ કરી.
‘દાઉદભાઈ, ત્રણેક મહિના થયે તમારી હોટલ ઉપર આ ટ્રક ડ્રાઈવરે અમારે જુમ્માની રજા હોઈ અમારાં બે ટ્રક ટાયર અમારી બાજુની હોટલના બદલે તમારા ત્યાં ઊતારેલાં હતાં તપાસ કરો ને કે તમારી વખારમાં એ છે કે નહિ?’
‘લ્યો, મારું બેટું ત્રણ મહિને પણ એ ટાયરોનું કોઈક રણીધણી મળ્યું ખરું! જૂઓ, આ ટ્રકવાળો અને એવા કેટલાય ટ્રકવાળા મારી હોટલના વર્ષો જૂના ઘરાક છે. અમે એક દાગીને માત્ર એક જ રૂપિયો લઈને આ જાતની સેવા આપીએ છીએ. આ કંઈ અમારો ધંધો નથી, પણ લોકો બેદરકારી બતાવીને સમયસર માલ ન લઈ જાય તો મારે તો હોટલના સામાન માટેની આ વખાર ભરાઈ જાય! આમ અઠવાડિયા પછી તમે પેલું ડોમરેજ (demurrage) જેવું કાંક કો’ છો ને તે રોજના એક રૂપિયા લેખે લઈએ છીએ. આમ ડોમરેજની બીકે લોકો જલ્દી પોતાનાં પાર્સલ કે દાગીના લઈ જાય. તમારા કેસમાં બે ટાયરના બે રૂપિયા અમારી ફીના અને ત્રણ મહિનાના ડોમરેજના રૂ|. 180/- મળીને કુલ રૂ|. 182/- થાય, પણ વલીભાઈ શેઠનો માલ હોઈ મારે કશું જ લેવાનું નથી. એ તો અમારા હાઈવેના બોસ છે અને દરેક દુકાનદારના સુખદુખના સાથી છે. હવે તો એ પાલનપુર જ વધારે બેસે છે અને અમારે તો જવલ્લે જ મળવાનું થાય છે. બેસો, તમારે બધાએ ચાપાણી કરીને જ જવાનું છે.’
આ બધી વાતચીત દરમિયાન હું અમારા દાસભાઈના પેલા બે પ્રતિનિધિઓના ચહેરા અવલોકી રહ્યો હતો, જેમના ઉપરના હાવભાવ પૂરા તો સમજાય તેવા ન હતા કેમ કે તે બદલાયે જ જતા હતા; પણ, એક સંવેગ તો અવશ્ય ચાડી ખાતો હતો કે જો મોકળશ મળે તો તેઓ હર્ષઘેલા બનીને રડી પડવા માગતા હતા.
* * * * *
બીજા દિવસે ટેલિફોનનું રિસીવર ગરમ થઈ જાય ત્યાં સુધી દાસજીએ વાત ચાલુ રાખીને મારી ખૂબ ખૂબ માફી માગતાં ઘણું બધું કહ્યું, પણ મુખ્યત્વે તો એ જ વાત રહી કે ‘સાચે જ વલીભાઈ, તમે સંબંધોના મૂલ્યને સમજીને એક ટાયરના પૈસા સાવ ખોટી રીતે માંડી વાળતા હતા! મને જિંદગીભર અફસોસ એ જ વાતનો રહ્યા કરશે કે હું આ આખાય પ્રકરણમાં તુચ્છ એવી વાતમાં ખેલદિલી ન બતાવી શક્યો અને ઊલટાનો તમારા દિલને ઠેસ પહોંચે એવું શી ખબર શુંનું શું બક્યે જ ગયો! તમે લોકો કંઈક શેતાન જેવું માનતા હોવ છો, તેમ મારા મન ઉપર શેતાન સવાર થઈ ગયો. તમને ડીલરશીપ અપાવવામાં મદદરૂપ થઈ શકનારો અને કોણ જાણે કેટલાય લોકો સાથે ભલાઈથી વર્તનારો આ માણસ આપણા આ નજીવા પ્રસંગમાં ધોખો ખાઈ ગયો! શેતાનની અસર નહિ તો બીજું શું!’ આમ કહેતાં દાસભાઈનો અવાજ રડતા હોય તેમ ફાટી ગયો અને મારી આંખોને પણ ભીની કરી ગયો.
મારા સત્ય ઘટનાત્મક ઉપરોક્ત લેખના આ શબ્દોને સમાપને યાદ કરું છું: ‘સામાન્ય રીતે કોઈ બે જૂથ, વર્ગ કે વ્યક્તિઓ વચ્ચે કોઈ વિવાદ ઉદભવ્યો હોય તો એક વાત નક્કી જ હોય કે કોઈ એક પક્ષ સાચો હોય અને અન્ય જૂઠો હોય. સામાન્યત: બંને પક્ષ સાચા કે બંને પક્ષ ખોટા ન જ હોઈ શકે.’ મારા આ વિધાનમાં ‘સામાન્યત:’ શબ્દથી એ વાત ફલિત થાય છે કે અપવાદરૂપ કોઈ કોઈ કિસ્સાઓમાં બંને પક્ષ સાચા કે બંને પક્ષ ખોટા પણ હોઈ શકે, અહીં બંને પક્ષ સાચા હોવાનું ફલિત થયું!
સત્યમેવ જયતે.
-વલીભાઈ મુસા
.
[…] Click here to read in English […]