ક્યાંક ખીલે (ગ઼ઝલ)
(ગાલગાગા ગાલગાગા ગાલગા)
ક્યાંક ખીલે કોક પુષ્પો બાગમાં
તો વળી કો ક્યાંક તો કરમાય છે.
બાળકુસુમો જન્મ પામે ને મરે
કુદરતી એ ક્રમ અહીં વર્તાય છે.
કોક પામે માનમોભો તો વળી
કો બિચારો વાંકવણ નંદવાય છે
ગાય કોઈ લગ્નગીતો હર્ષમાં
કે પછી કો મરશિયાને ગાય છે.
ક્યાંક જો ને પેટ મોટાં થાય છે
તો વળી કો પેટ સંકોચાય છે.
બે ધ્રુવોનો ફાસલો છે એટલો
કે કદી ના મેળ એનો થાય છે
આંખમાં ખૂંટો ફરે તો મોતને
માગવું ના દર્દ છો ને થાય છે
લાગણીની વાત છે ન્યારી ઘણી
ક્યાં કદી કો’થી વળી પરખાય છે
તુંય કેવો સાવ ભોળો છે ‘વલી’
કે તને સૌ શીઘ્ર ધૂતી જાય છે
-વલીભાઈ મુસા (‘વલી’ કાણોદરી)
(તા.૦૪૧૧૧૭)
(ફેસબુક – ‘ગ઼ઝલ તો લખું હું’ ગ્રુપ તા.૦૪૧૧૧૭)
[…] Click here to read in English […]