(ગા ગા લ ગા ગા/ ગા લ ગા ગા/ ગા લ ગા ગા/ ગા લ ગા)
માત્રામેળ છંદ – હરિગીત (દરેક ચરણમાં ૨૮ માત્રા, યતિ ૧૪ અને ૧૬ માત્રાએ)
છે દોઢ ઈંચી જીભડી ને લ્હેજતું ખટરસ તણી
હિકમત અજબની જાણતાં મુજ ચિત્ત તો ભરમાય છે
સૌ શ્વાસ લઈ યા શ્વાસ છોડી જીવની આટોપતાં
ધબ ધબ થતી મુજ નાડ પરખું શ્વાસ ઊંચા થાય છે
જ્યારેય અણુભર તરફ તારી આવું તુજને પામવા
ખસતો જતો તું વેગળો મારીય મતિ અટવાય છે
ના જાત જાણે ખુદ તણી એ ઈશને જાણી શકે?
ના ના કદી હરગિજ નહીં તું ખાંડ ખોટી ખાય છે
દ્વયજીવ માદા થાનમાંના દુગ્ધ મધુની સેરમાં
તુજ હસ્તિનો શક મન મહીંથી દૂર હડસેલાય છે
છે મૃત્યુશય્યા દોહ્યલી જ્યાં ઊભરે નેકીબદી
ભયભીતતાની વેળ કલ્પી હૈડું મુજ ગભરાય છે.
સમજી ‘વલી’ તું જા અગર જો મોત ચાહે સોહ્યલું
જીવો અને દો જીવવામાં સર્વ માઈ જાય છે
(લ્હેજતું= લહેજતનું બ.વ.; જુગત= રચના)
-વલીભાઈ મુસા (‘વલી’ કાણોદરી)
તા.૨૦૦૯૧૭
(ફેસબુક – ‘ગ઼ઝલ તો લખું હું’ ગ્રુપ તા.૦૩૧૦૧૭)
[…] Click here to read in Gujarati […]