
Tag Archives: લેખ
(269) હાસ્ય દરબારનાં રત્નો – 3 (રત્નાંક – 3) * હરનિશ જાની

હરનિશ જાની (3)
‘હાસ્યદરબાર’નાં નવ રત્નોની પરિચયલેખમાળામાં માનનીય શ્રી હરનિશભાઈ જાનીને રત્નાંક – 3 તરીકે આવકારતાં-ઓળખાવતાં- બિરદાવતાં-છંછેડતાં-શું શું કરતાં અને શું શું ન કરતાં- હું અકથ્ય એવી કોઈક લાગણી અનુભવી રહ્યો છું. રેલ્વેના સીંગલ ટ્રેકના જમાનાના જૂના નિયમોમાં હતું કે સામસામેની દિશાએથી આવીને કોઈ સ્ટેશને ભેગી થતી ટ્રેઈનો પૈકી મોડી આવનારી ટ્રેઈન વહેલી ઊપડે (અર્થાત્ તેને અગ્રીમતા અપાય), બસ તેવી જ રીતે ‘હાસ્યદરબાર’માં મોડેથી દાખલ થનાર એવા મને એ બ્લોગના ધણીધોરીઓએ અગ્રીમતા આપી છે તેમ કહું તેના કરતાં એમ કહેવું વધારે યોગ્ય ગણાશે કે એ વાલીડાઓએ મને એ પ્રતિભાશાળી રત્નો સામે ભીડાવ્યો છે!
સુરેશભાઈ જાનીએ પોતાના બ્લોગ ઉપર પુસ્તક પરિચય શ્રેણી હેઠળ હરનિશભાઈના હાસ્યગ્રંથ “સુશીલા” વિષે બે શબ્દો (પહેલા અને છેલ્લાને જ ગણીએ તો!) લખતાં તેમના વિષેનો આછેરો પરિચય આપ્યો છે. વળી એ જ બ્લોગ ઉપર પ્રતિભાપરિચય વિભાગે હરનિશભાઈએ પોતે જ હાસ્યની છોળો ઉડાડતા પોતાના જ શબ્દોમાં પોતાનો પરિચય આપ્યો હોઈ તેમના પરિચય વિષે મારે વિશેષ કશું કહેવાપણું રહેતું નથી. આમ છતાંય “હાસ્યદરબાર”ના પરિપ્રેક્ષ્યમાં અને મારા તેમની સાથેના અંગત પરિચયના ભાગરૂપે આવડે તેવું લખવાનો પ્રયત્ન કરું છું અને આશા રાખું છું કે આપ સૌ વાંચકો પણ યથાશક્તિ હસી લેવા કે આ લખાણને હસી કાઢવા પ્રયત્ન કરશો.
એક શહેરની દરજીગલીમાંના દરજીભાઈઓએ પોતપોતાની દુકાને પાટિયાંના ચિતરામણમાં ‘શહેરનો શ્રેષ્ઠ દરજી’, ‘તાલુકા-જિલ્લા-રાજ્ય-દેશ-દુનિયાનો શ્રેષ દરજી’ જેવાં સુત્રો લખાવેલાં; પણ ગલીના છેડેના એક ખૂણામાંના એક દરજીભાઈએ સાવ નમ્ર ભાવે લખાવ્યું હતું કે ‘આ ગલીનો શ્રેષ્ઠ દરજી!’. કોઈ નોબલ પ્રાઈઝ વિજેતાનું છોકરડાંઓ દ્વારા પેન્સિલ, રબર કે કંપાસ બોક્ષ જેવાં ઈનામો થકી બહુમાન કરવામાં આવે તો તેમાં જરાય અજુગતું એટલા માટે નથી કે તેમાં ભાવ(હૃદયના)નું મહત્વ છે; નહિ કે વસ્તુના ભાવ(કિંમત)નું! પોતાના પિતાના નામે નામ એવા પ્રથમ ‘સુધન’ હાસ્યપુસ્તકે અને માતાના નામે નામ એવા દ્વિતીય ‘સુશીલા’ હાસ્યપુસ્તકે સાહિત્યજગતમાં હાસ્યલેખક અને હાસ્યકાર તરીકે જેમની ધજા ફરકતી હોય, તેવા હાસ્યસમ્રાટ એવા હરનિશભાઈ જાનીને ‘હાસ્યદરબાર’ જેવા ક્ષુલ્લક બ્લોગડાના દરબારી રત્ન તરીકે સન્માનવા કે ઓળખાવવા એ ‘અહો વૈચિત્ર્યમ્!’ જેવું લાગશે, પણ ‘ભાવ’ભાવે વિચારતાં આ ચેષ્ટા યથોચિત ગણાશે.
‘હાસ્યદરબાર’ બ્લોગ ઉપર ‘પ્યાર-તકરાર’ લઈને હરનિશભાઈ આવ્યા અને મેં મારા પ્રતિભાવ દ્વારા ઉભય(કૃતિ અને કર્તા)ને પોખીને તેમનું સામૈયું કર્યું. આમ અમે બંને દ્વિપગાં સામાજિક પ્રાણીઓ એકબીજાના પરિચયમાં આવ્યાં. આગળ સમય જતાં અમે ગુણાનુબંધના ચુંબકે એકબીજા પ્રતિ ખેંચાતા રહ્યા. મારા હૃદયની બાયપાસ સર્જરી ટાણે તેમણે પોતાનો ‘એક દિલ સો અફસાને’ હાસ્યલેખ મને મોકલી આપ્યો, જે મારા માટે હાસ્યથેરાપી બનવાથી હું સર્જરી માટે માનસિક રીતે તૈયાર થયો. તાજેતરના મારા અમેરિકાના પ્રવાસ દરમિયાન હરનિશભાઈએ મને જાણ કરી હતી કે હું તેમનાથી ક્યાંક નજીકમાં હોઉં તો તેઓ તેમનાં શ્રીમતીજી સાથે મને મળવા આવી શકે. મારા સુજ્ઞ વાંચકોએ હવે જાતે જ નક્કી કરી લેવું પડશે કે હરનિશભાઈની મને રૂબરૂ મળવાની અદમ્ય ઈચ્છા એ શું બતાવે છે – અમારી વચ્ચેનો પ્યાર કે પછી તકરાર!
સુરેશભાઈ જાની તેમના વિષે લખે છે કે તેમના લેખોમાં વ્યંગ જરૂર છે, પણ ક્યાંય કડવાશ નથી! હાસ્યલેખકે કે હાસ્યકારે મીઠડા બનવું જ પડે, અન્યથા દિવસરાત કમાન્ડો સાથે ફરવું પોષાય નહિ! જો કે જ્યોતીન્દ્ર દવેની સરખામણીએ હરનિશભાઈ અલમસ્ત લાગતા હોઈ કોઈકવાર કમાન્ડો જ પિટાતા હોય તો તેમને બચાવવા માટે તેઓશ્રી સક્ષમ સાબિત થઈ શકે!
‘હાસ્યદરબાર’ની આવરદાને અવલોકતાં જાણવા મળે છે કે હરનિશભાઈએ પ્રસંગોપાત નાનામોટા પોતાના યોગદાન દ્વારા બ્લોગની બહોળી પ્રસિદ્ધિ માટે તેને લાભ પહોંચાડ્યો છે; જે સામાન્ય રીતે શક્ય બને નહિ, કેમકે કોઈ સાગરખેડુ ખાબોચિયામાં કાગળની હોડીઓ તરતી મૂકે નહિ! મોટા ગજાના હાસ્યલેખકનું નાનાઓ સાથે ભળી જવું એ તેમની નાનમ નહિ, પણ મોટપ છે. ‘હાસ્યદરબાર’ ઉપર તેમનાં હાસ્યપુસ્તકોમાંના કેટલાક ધર્મ, લગ્ન અને ધંધાકીય જાહેરાતો વિષેના ચમકારા જો કોઈએ માણવા હોય તો તેમણે તે બ્લોગ ઉપર જઈ ‘હરનિશ જાની’ શબ્દોએ ‘શોધ’ આદરવી પડે! ક્યાંક વળી આ મહાશય અંગ્રેજીમાં કોઈક Jokes મોકલી આપે, તો વળી “ગોલ્ડન એઈજ” જેવી પોતાની કોઈ હાસ્યકવિતા દ્વારા વાંચકોને તેમની અનિચ્છા છતાંય હસવાની ફરજ પાડે!
આ લઘુ પરિચયલેખને આટોપવા પહેલાં ‘હાસ્યદરબાર’ ઉપરના હરનિશભાઈના હાસ્યલેખ ‘જાગો સોનેવાલો’માંના મારા પ્રતિભાવને ભાવપૂર્વક એટલા માટે અહીં રજૂ કરું છું કે તેઓશ્રીને પોતાના હાસ્યગ્રંથ ‘સુશીલા’ સબબે ‘જ્યોતીન્દ્ર હ. દવે પારિતિષિક’ થી સન્માનિત કરવામાં આવ્યા તે બદલ તેમાં મેં મારો એક વિચાર પ્રદર્શિત કર્યો હતો :
“જ્યોતીન્દ્ર હ. દવેને ‘રણજીતરામ સુવર્ણચંદ્રક’ મળેલો. ગુજરાતી સાહિત્ય પરિષદે વળી ‘જ્યોતીન્દ્ર દવે પારિતોષિક’થી તમને સન્માનિત કર્યા. આ સિલસિલો આગળ વધતો રહે તો કેવું સારું! શુભેચ્છા પાઠવું છું અને અપેક્ષા સેવું છું કે હાસ્ય સાહિત્યને તમારા તરફથી હજુ પણ વધુને વધુ યોગદાન મળતું રહે કે જેથી ‘હરનિશ જાની પારિતોષિક’ ની ઘોષણા જલદી થાય!”
મારા ઉપરોક્ત વિચાર અને મનોભાવને શ્રી હરનિશભાઈ નીચેના શબ્દોમાં આવકારે છે, જેને લઈને હાલ પૂરતો તો હું મારી જાતને મનાવું છું એ રીતે જાણે કે મને ‘હરનિશ જાની પારિતોષિક’ થી ખુદ હરનિશભાઈએ નવાજી દીધો છે! તેમના શબ્દો આ પ્રમાણે છે :
“વલીભાઇ, તમે તો સિક્સર મારી! આવા અભિનંદન તો તમે જ આપી શકો અને આ એક અનોખા અભિનંદન ગણાય! પરંતુ તમે મને એક નવી દૃષ્ટિ બક્ષી છે. આવો વિચાર મને કદી નથી આવ્યો. આજે ને આજે પત્ની અને બાળકોને આ આઇડિયા આપીશ કે જેથી ‘હરનિશ જાની સુવર્ણચંદ્રક’ મારા ગયા પછી યોગ્ય વ્યક્તિને મળે. જુઓ, મારામાં આ વિચારના પ્રણેતા વલીભાઇ મુસા છે. એટલે આમ અચાનક જ આપ આવા નેક કામમાં ભાગીદાર બનશો. જોયું! ભગવાન કેવી કેવી રીતે કામ કરે છે! હવે તબિયત કેમ છે-ઓપરેશન પછી દસ વરસ જુવાન થઈ ગયા ને!”
સમાપને, શ્રી હરનિશભાઈ જાની અને મારા સંયુક્ત નિવેદને અંગ્રેજીમાં અને લોકજીભે ચવાઈ ગએલા સુત્ર ‘Laugh and grow fat!’ને આપ સૌ વાંચકોને પુન: યાદ અપાવીને વિરમું છું.
હાસ્ય હો!
– વલીભાઈ મુસા
ક્રમશ: 4
(268) દેવિકા ધ્રુવની ગઝલ ‘વાત લાવીછું’ ઉપરનો મારો પ્રતિભાવ

સુજ્ઞ સાહિત્યરસિકજનો,
દેવિકાબેન ઘ્રુવને મારી તાજેતરની અમેરિકાની મુલાકાત ટાણે હ્યુસ્ટનનિવાસી સાહિત્યસર્જકો વચ્ચે મળવાનું થયું. સર્વેએ સ્વમુખે પોતપોતાનો સંક્ષિપ્ત પરિચય આપ્યો તો ખરો, પણ એક સાથે બધું યાદ ન રહે તે સ્વાભાવિક છે. ભારત પાછા ફર્યા પછી જે કોઈ બ્લોગર ભાઈબહેન હતાં તેમના બ્લોગે જઈને તેમના વિષેની વિશેષ જાણકારી મેળવી લીધી. દેવિકાબેનના બ્લોગ ઉપરની તેમની તાજેતરની નીચેની ગઝલ નજરે ચઢી અને મારો માંહ્યલો વિવેચકીઓ જીવ કોઈક પ્રતિભાવ આપવા ઊંચાનીચો થવા માંડ્યો. મારા પ્રતિભાવને ખુદ દેવિકાબેને અને અન્ય વાંચકોએ બિરદાવતા પ્રતિભાવો આપ્યા અને લાલચ થઈ કે એ ગઝલ અને તેના ઉપરના મારા પ્રતિભાવને મારા બ્લોગ અને તે થકી મારી સૂચિત ગુજરાતી ઈ-બુક ‘મારી નજરે’માં સમાવી દઉં. બ્લોગીંગનો Protocol જાળવતાં મેં દેવિકાબેનની અનુમતિ માગી અને તેમણે સહર્ષ આપી પણ દીધી.
ચાલો તો, આપણે પહેલાં ગઝલને માણી લઈએ.
વાત લાવી છું
સોનેરી એક સાંજની આ વાત લાવી છું.
તારા મઢેલી રાત સમી આશ લાવી છું.
સૂરો નથી, કે સાજ ને સરગમ નથી છતાં,
ઝુલે હવા લળી લળી એ રાગ લાવી છું.
હો પાનખર બધે, ને છો સૂકી હવા વને,
ફરફરતું એક લીલું લીલું પાન લાવી છું.
પુષ્પો છે શબ્દ કેરા ને પાંખડી છે પ્રેમની,
સાથે અહીં હું લાગણીના હાર લાવી છું.
ના માનશો નયન થકી આંસુ વહી ગયું,
સત્કારવાને ભાવભીની આંખ લાવી છું.
મન છે,નમન છે, હોઠ તો બસ બંધ છે અહીં,
પણ ગાન મખમલી પ્રભુ સો વાર લાવી છું….
– દેવિકાબેન ધ્રુવ (શબ્દોને પાલવડે)
મારો પ્રતિભાવ
દેવિકાજી,
નમસ્કાર.
પુનરાવર્તિત વાંચન છતાંય અતૃપ્ત જ રાખતી આ મનહર રચના હૃદયવીણાના તાર ઝણઝણવી ગઈ. કૃતિના અંતિમ ચરણે આવતાં સુધી રહસ્યમાં અટવાયા કરીએ કે આ વાત, આશ, રાગ, હરિત પાન, લાગણીના હાર કે ભાવભીની આંખ કવયિત્રી લાવે છે કોના માટે! અંતે ‘પ્રભુ’ શબ્દે રહસ્ય છતું થાય કે એ સઘળું તો પ્રભુ માટે જ અને એ પણ વિવિધ પ્રકારના પ્રસાદો હોય તેમ જ! અંતિમ કડીમાંનો અંતિમ પ્રસાદ તો અતિ મુલ્યવાન! કોમળ ભાવયુક્ત ભક્તિગાન! એક વાર નહિ, પણ સો વાર; એટલે કે વારંવાર! ભાઈશ્રી સુરેશ જાનીના પ્રતિભાવમાંના શબ્દ ‘માનસપૂજા’ ની જેમ જ આ ‘મૂક ભક્તિગાન’, બંધ હોઠનું ગાન, બાવન અક્ષર બહારનું ગાન! આ ગાન મનમાં જ અભિવ્યક્ત થાય અને નમન પણ મનોમન જ થાય;બાહ્ય ચેષ્ટાત્મક તો નહિ જ, નહિ!
મારા પ્રતિભાવના સમાપને કૃતિની સમાપનપંક્તિઓને હું ગણગણ્યા વગર નહિ રહી શકું કે “મન છે,નમન છે, હોઠ તો બસ બંધ છે અહીં;પણ ગાન મખમલી પ્રભુ સો વાર લાવી છું”
ધન્યવાદ, સંપૂર્ણતયા પરિપક્વ અને ભાવવાહી સર્જન બદલ.
સ્નેહાધીન,
વલીભાઈ
નોંધ:-
કૃતિનું અવલોકન મારું પોતીકું છે, કદાચ ખુદ કવયિત્રી કે અન્ય વાંચકોની માન્યતાઓ આનાથી ભિન્ન પણ હોઈ શકે.
– વલીભાઈ મુસા
Navin Banker says:
August 29, 2011 at 2:55 pm
શ્રી. વલીભાઇએ જે પ્રતિભાવ લખ્યો છે તે ખરેખર ઓથેન્ટીક પ્રતિભાવ છે.એક એક શબ્દ વાંચી, સમજી,એના હાર્દ સુધી પહોંચી, પછી એના અંગોનું ડીસેક્શન કરીને લખાય ત્યારે જ સાચો પ્રતિભાવ બને. અમારા જેવા છંદ, લય કશુંજ ન સમજતા તમને સારુ લગાડવા ‘સરસ’, ‘વાહ..વાહ;,’ક્યાખુબ’ એવું લખે એ બધા પ્રતિભાવો નથી. એનો કોઇ અર્થ પણ નથી. એ તો સંબંધનો શીષ્ટાચાર માત્ર છે. શ્રી. વલીભાઇ, વિવેક ટેલર, કે એવા જ અન્ય સક્ષમ સર્જકોના સશક્ત પ્રતિભાવો વાંચ્યા પછી, મને લાગે છે કે મારે અન-અધિક્રુત ઔપચારિક પ્રતિભાવો લખીને વેબપેજની જગ્યા બગાડવાનું સુક્ષ્મ ‘પાપ’ કરવાનું બંધ કરવું જોઇએ.
નવીન બેન્કર
૨૯ ઓગસ્ટ ૨૦૧૧
Valibhai Musa says:
August 29, 2011 at 5:29 pm
નવીનભાઈ,
કુશળ હશો. મિતાક્ષરી પ્રતિભાવને ‘પાપ’ સમજવાનું પાપ ન કરી બેસતા! ‘સરસ’, ‘વાહ..વાહ;,’ક્યાખુબ’ કહેવું એ તો ગઝલકારને અને ગઝલને દાદ આપવાની આચારસંહિતા છે. મુશાયરામાં રંગત લાવવા અને શાયરને પ્રોત્સાહન આપવા પ્રત્યક્ષ દાદ આપવી જરૂરી છે; બસ, તેમ જ બ્લોગરની રચનાને બ્લોગ ઉપર મુકાયા પછી બિરદાવવી જરૂરી બની જાય છે કે જેથી આગામી નવીન સર્જનો માટે સર્જકને પ્રેરણા મળી રહે. વિવેચન એ પણ એક સાહિત્યપ્રકાર છે. અન્ય સાહિત્યપ્રકારોની જેમ અહીં પણ અભ્યાસ અને કથનકૌશલ્ય જરૂરી બની જાય છે.
સ્નેહાધીન,
વલીભાઈ
(267) એ યાદગાર સાંજ …

મારી અમેરિકા ખાતેની સફરના અંતિમ દિવસોમાં સતત મારો સંપર્ક કરતા રહીને શ્રી વિજયભાઈ શાહે અમારા (સુરેશભાઈ જાની અને હું) માનમાં હ્યુસ્ટન ખાતેના ગુજરાતી સાહિત્યપ્રેમીઓનું એક લઘુ સંમેલન શ્રી પ્રદીપભાઈ બ્રહ્મભટ્ટના નિવાસ સ્થાને પ્રયોજીને એ સાંજને મારા માટે યાદગાર બનાવી દીધી હતી. મારા આજના લેખ સંદર્ભના અગાઉના લેખ ‘ઉષ્માસભર આવકારો’ માં સુરેશભાઈએ પોતાના પ્રતિભાવમાં છેલ્લી ઘડીએ સંજોગોવશાત્ હ્યુસ્ટનના પાદરેથી પાછા નીકળી જવા બદલ અને લઘુ સંમેલનના લ્હાવાને માણવાનું ચૂકી જવા બદલ ‘બહુ દુખિયા અમે, બહુ દુખિયા’ શબ્દો વડે અફસોસ વ્યક્ત કરવો પડ્યો હતો.
શ્રી વિજયભાઈ શાહના બ્લોગ ‘વિજયનું ચિંતનજગત’માં “હ્યુસ્ટન ખાતે વલીભાઇ મુસાએ તા.૧૯ ઓગષ્ટ ૨૦૧૧નાં રોજ શ્રી પ્રદીપ બ્રહ્મભટ્ટના ત્યાં આપેલું મનનીય વક્તવ્ય” શીર્ષકે લઘુ સંમેલનનો લઘુ અહેવાલ મોજુદ હોઈ તેનું પુનરાવર્તન ન કરતાં તેમાંના કેટલાક અંશો વિષે થોડીક વિશદ વાતચીત અને સ્પષ્ટતાઓ કરીશ.
મરહુમ મહંમદઅલી પરમાર ‘સુફી’ ની મજાર ઉપર પુષ્પગુચ્છ અર્પણવિધિ અને તેમની રૂહની મગ્ફેરત માટેની મારી દુઆઓ (પ્રાર્થનાઓ)ની મારી તમન્ના પૂર્ણ થવામાં વિજયભાઈનું યોગદાન રહ્યું કે જેથી તેમની ગોઠવણી મુજબ મરહુમના સુપુત્ર જનાબ સિરાજભાઈ અને મરહુમનાં ધર્મપત્ની મોહતરમા ફાતિમાબેન સાથે એ ઉમદા કાર્ય પાર પડ્યું. મરહુમના 85 વર્ષના દીર્ઘકાલીન જીવનના અંતિમ ત્રણેક માસના સમયગાળાના જ મારા બ્લોગ માધ્યમના મૈત્રીસંબંધે હું તેમનાથી એટલો બધો પ્રભાવિત થયો હતો કે તેમની ઝિયારત (બેસણા) પ્રસંગે મારા દિલે મરહુમના વિષેનો લાગણીભાવ જન્મ્યો અને “Paying Respect to the Late Mr. ‘Sufi’ લેખ લખાઈ ગયો.
મારા મુખ્ય બ્લોગ “William’s Tales” માંના લેખોને ગુજરાતી અને અંગ્રેજીમાં વિભાજિત કરીને તેમને વિષય કે સાહિત્ય પ્રકાર અનુસાર ઈ-બુક્સ બનાવવા માટેના તૈયારીરૂપ વિશેષ બ્લોગ્ઝનું આયોજન તો કરી દીધું છે, પણ તેને પરિપૂર્ણ કરવાનું લક્ષ અશક્ય નહિ, પણ મુશ્કેલ તો જરૂર છે જ. જોઈએ આગળ શું થાય છે; પણ નિખાલસભાવે એક વાત તો સ્પષ્ટ જણાવી દઉં કે ચંદ્રકાન્ત બક્ષી જેવા જીવનભર સાહિત્યના ભેખધારી રહી ચુકેલા અને ધુરંધર એવા વિરાટ વ્યક્તિત્વ ધરાવતા એ મહાનુભાવ સામે સાવ વામણા તરીકે મારી જાતને સમજતા મુજ નાચીજની કોઈ હસ્તી નથી કે તેમના પેંગડામાં પગ નાખવાનો વિચાર સુદ્ધાં પણ હું કરી શકું!
’હાઈકુ’ અંગેના મારા પ્રયોગો સાવ નવીન જ હોવાનો મારો કોઈ દાવો નથી, તેમજ એ પ્રયોગોને ‘સ્વીકાર્ય’ ની મહોર લાગે તેવી મારી કોઈ અપેક્ષા પણ નથી. ‘હાઈકુ’ ના સત્તર અક્ષરો કે જે છંદ રહિત હોય છે તેવાં હાઈકુથી હાઈકુ-સોનેટ કે હાઈકુ-ખંડકાવ્ય કે પછી એવા કોઈ કાવ્યપ્રકારનું નામાભિધાન કરી દેવું યથાર્થ તો નથી જ. ‘હાઈકુ’ પોતે એક કાવ્ય પ્રકાર છે અને તે સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવી શકે તેવી તેની પાયાની શરત હોય છે. હવે મારા ઉપરોક્ત કહેવાતા હાઈકુ આધારિત અન્ય કાવ્યપ્રકારોમાં પ્રત્યેક હાઈકુને અન્યો ઉપર અવલંબિત રહેવું પડશે, જે હાઈકુના મૂળભૂત લક્ષણને હાનિકારક પુરવાર થશે. હા, મારા હાઈકુ ઉપરના પ્રયોગોની એક બીજી વાત કદાચ યથાર્થ ગણાશે છે કે મારી જેમ કોઈ હાઈકુકાર પોતાનાં હાઈકુને સાહિત્યના રસો અનુસાર જુદીજુદી શ્રેણીઓ કે હાઈકુપ્રકાર તરીકે ઓળખાવી શકે; જેમ કે હાસ્ય-હાઈકુ, વિષાદ કે કરૂણ હાઈકુ વગેરે.
ગુજરાતી સાહિત્ય અને ભાષાના સેવાયજ્ઞમાં હ્યુસ્ટનવાસી મિત્રો જે યોગદાન આપી રહ્યા છે તે બેમિસાલ છે. ગુજરાતી શબ્દજ્ઞાનવૃદ્ધિ માટે અવારનવાર પ્રયોજવામાં આવતી સ્પર્ધાઓ કે તરેહતરેહના શબ્દપ્રયોગોના સંકલન માટે મૂકવામાં આવતાં આમંત્રણો જેવી વિવિધ પ્રવૃત્તિઓથી હું હંમેશાં પ્રભાવિત થતો રહ્યો છું. મેં વિજયભાઈને ગુજરાતી બોલચાલ (Colloquial)ની ભાષામાં પુનરુક્તિદોષ જણાઈ આવે તેવા શબ્દપ્રયોગો એક્ત્ર કરવાની પ્રવૃત્તિ માટે સૂચન કર્યું હતું. મેં ઉદાહરણ તરીકે સુસ્વાગતમ્ અને અન્નજળપાણી શબ્દો આપ્યા હતા. બીજા બેએક શબ્દો એ વખતે યાદ આવ્યા ન હતા, જે અહીં આપું છું: ગુલાબજળપાણી, સજ્જન માણસ. અલંકારશાસ્ત્રમાંનાં વ્યાકરણનાં પુસ્તકોમાં ચાલ્યા આવતા પ્રણાલિકાગત પ્રકારોમાં અલ્પોક્તિ જેવા અલંકારો (સાહિત્યના નવ રસોમાં ઉમેરાએલા શાંત રસ અને ભક્તિ રસની જેમ) ને ઉમેરી શકાય.
‘એ યાદગાર સાંજ’ને સજાવવામાં યોગદાન આપનાર સૌ ભાઈબહેનોનો લેખની કદમર્યાદાને ધ્યાને લેતાં વિગતે ઉલ્લેખ ન કરી શકવા બદલ દિલગીરી અનુભવું છું. આમ છતાંય એક વાત તો અવશ્ય જણાવીશ કે “All’s well that ends well – અર્થાત્ જેનો અંત સારો તેનું સઘળું સારું.” ન્યાયે લખનવી નજાકતમાં કહેવાતો હળવો નાસ્તો, પણ વાસ્તવમાં ભારે ભોજન જેમાં શીરો પ્રમુખપદે હતો તેને આરોગવાનો અનેરો આનંદ સૌએ માણ્યો હતો. મારી બાયપાસ સર્જરી થઈ છે તે વિચારને બાયપાસ કરીને મેં શ્રાવક થયા વગર જ મળેલા શીરાને બરાબરનો ઝાપટ્યો હતો. આ તકે રમાબેન બ્રહ્મભટ્ટ અને પ્રદીપભાઈનાં બહેન સુકેશાબેનને યાદ કરવાં જ રહ્યાં. પ્રદીપભાઈના નિવાસસ્થાને જાવન અને મારા નિવાસસ્થાને પરત આવન માટેના ખનિજતેલરથના મારા સારથિઓ અનુક્રમે વિજયભાઈ અને ચીમનભાઈ પટેલનો હળવો આભાર માનું છું કે જેથી તેમને વધુ ભાર ન લાગે!
છેલ્લે એ સહિયારી સાંજનાં સૌ સાથી ભાઈબહેનોને ધન્યવાદ પાઠવીને વિદાય લઉં છું.
જય હો.
– વલીભાઈ મુસા
(266) ઉષ્માસભર આવકારો

લેખોમાં ઉપહાસ, વક્રોક્તિ, કટાક્ષ, વ્યંગ, વિનોદ, મર્મ, હાજરજવાબીપણું, ઠિઠિયારો, શબ્દશ્લેષ વગેરે યુક્તિઓ-પ્રયુક્તિઓ થકી હાસ્યરસને એવી રમતિયાળ શૈલીએ રમાડ્યો છે