RSS

Tag Archives: વક્રોક્તિ

(610) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન  અને રસદર્શન – ૩૬ (આંશિક ભાગ – ૩) હર એક બાત પે કહતે હો તુમ કિ તૂ ક્યા હૈ (ગ઼ઝલ)  – મિર્ઝા ગ઼ાલિબ વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)

હર એક બાત પે કહતે હો તુમ કિ તૂ ક્યા હૈ (શેર ૭ થી ૧૦)

 

 

 

વો ચીજ઼ જિસ કે લિએ હમ કો હો બિહિશ્ત અજ઼ીજ઼
સિવાએ બાદા-એ-ગુલ્ફામ-એ-મુષ્ક-બૂ ક્યા હૈ (૭)

[બિહિશ્ત= સ્વર્ગ, જન્નત; અજ઼ીજ઼= પ્રિય, પ્યારું; બાદા-એ-ગુલ્ફામ-એ-મુષ્ક-બૂ= ગુલાબી રંગનો કસ્તુરીની સુગંધવાળો શરાબ]

આ શેરના સાની મિસરામાંનો ‘સિવાએ’ અર્થાત્ ‘સિવાય’ શબ્દ એવો છે, જે આ શેરને બે ઇંગિત અર્થોએ  દ્વિઅર્થી બનાવે છે. પહેલા ઇંગિત અર્થ પ્રમાણે શાયર કહે છે કે એ ચીજ કે જે મેળવવા માટે અમને જન્નત અત્યંત પ્યારી છે અને તે ચીજ સામે ગુલાબી રંગના કસ્તુરીની સુગંધવાળા શરાબની કોઈ વિસાત નથી. ઇસ્લામ મજહબમાં શરાબને હરામ ઠરાવેલ છે. હવે જે પરહેજગાર બંદાઓ આ દુનિયામાં શરાબથી દૂર રહે છે, તેમના માટે જન્નતમાંના હવ્ઝ-એ-કૌસરનો વાયદો કરવામાં આવ્યો છે. ‘કૌસર’ નામનું એવું નિર્દોષ પીણું કે જેના હોજ ભરેલા હશે અને તેના પીવામાં શરાબ કરતાં પણ વધારે લિજ્જત હશે. તેના સેવનથી ભાન ભુલાશે નહિ અને છતાંય અનેરો આનંદ લૂંટી શકાશે. આમ અહીં ‘વો ચીજ’ જેને અધ્યાહાર રાખવામાં આવી છે, તેને હું મારા મતે પહેલા ઇંગિત અર્થમાં પીણાના બદલે પીણું એમ ‘કૌસર’ને સમજું છું, કેમ કે દુન્યવી શરાબ કરતાં પણ ચઢિયાતી વસ્તુ જન્નતનું ‘કૌસર’ જ હોઈ શકે.

હવે દ્વિતીય ઇંગિત અર્થ મુજબ પીણાના સામે પીણાના બદલે અન્ય કોઈ ચીજ અર્થાત્ બાબતને જો લેવી હોય તો સ્ત્રીસુખને લઈ શકાય. જે પાક બંદાઓ આ દુનિયામાં વ્યભિચારથી દૂર રહ્યા છે, તેમના માટે ‘હૂર’ એટલે કે સ્વરૂપવાન સ્ત્રી, અપ્સરા કે પરીનો જોડા તરીકે પ્રાપ્ત થવાનો વાયદો કરવામાં આવ્યો છે. ‘હૂર’  શબ્દની તફસીર (સમજૂતી) મુજબ આ લોકની પોતાની પત્નીઓ જ સ્વરૂપવાન સ્ત્રીઓ સ્વરૂપે જન્નતમાં જીવનસાથી બની રહેશે. આમ શાયર જન્નત પ્રિય હોવાના કારણ રૂપે સંભવિત આ બે બાબતો પૈકી કોઈ એક એટલે કે ‘કૌસર’ અથવા ‘હૂર’ને ‘વો ચીજ’ તરીકે પ્રસ્થાપિત કરે છે. આમ આ  ચીજ (કૌસર/હૂર)ના કારણે શાયરેને જન્નતમાં જવા માટેની ઉત્કંઠા છે અને જન્નતના એ અનેરા સુખને દુન્યવી શરાબ કરતાં ચઢિયાતું જણાવ્યું છે.

હવે આ શેરને ઇંગિત અર્થોના બદલે જો સીધા અર્થમાં સમજીએ તો શાયર માર્મિક રીતે એમ કહે છે કે અહીંની શરાબની મહેફિલમાં જે લુત્ફ (આનંદ) મળે છે તેવો આનંદ જો જન્નતમાં ન જ મળવાનો હોય તો શા માટે આપણે જન્નતની તમન્ના રાખવી જોઈએ. હવે જો આપણે આ અર્થમાં આ શેરને લેવા માગતા હોઈએ તો પેલા દુન્યવી શરાબને સ્થૂળ અર્થમાં ન સમજતાં તેને આધ્યાત્મિક અર્થમાં ઈશ્વરની યાદ કે તેના જિક્ર (રટણ)ના શરાબ અર્થાત્ નશાના અર્થમાં સમજવો પડે અને આમ આ શેર ઇશ્કે મિજાજી (દુન્યવી પ્રેમ)ના બદલે ઇશ્કે હકીકી (ઈશ્વરીય પ્રેમ) બની જાય છે. સુફીવાદ પ્રમાણે ઈશ્વર માશૂકા રૂપે પ્રાપ્ત થતો હોય તો સાધક માટે જન્નત ગૌણ બની જાય છે. ઈશ્વરની ભક્તિ ઈશ્વરપ્રાપ્તિ માટે જ હોવી જોઈએ, તેની ખુશનૂદી માટે હોવી જોઈએ; નહિ કે જન્નતની પ્રાપ્તિ માટે કે જહન્નમની આગથી બચવા માટે. એથી જ તો કહેવાય છે કે એવા સાચા ભક્તો કે બંદાઓના મતે જન્નતને આગ ચાંપી દેવામાં આવે કે જહન્નમને ઠારી દેવામાં આવે તો પણ તેનાથી તેમને કોઈ ફરક પડતો નથી. છેવટે તો જન્નત કે જહન્નમ એ તો ઈશ્વરની મખલૂક (સર્જન)માં જ આવે, જ્યારે ઈશ્વર તો ખાલિક (સર્જનહાર) છે. સર્જનહાર આગળ તેનાં સર્જનો ગૌણ બની જાય છે. આમ ઈશ્વરનું નૈકટ્ય એ જ પરમ લક્ષ હોવું જોઈએ અને તેથી જ ગુજરાતી કવિ દયારામે પણ ગાયું છે કે ‘વ્રજ વહાલું રે, વૈકુંઠ નહિ  જાવું’.

* * *

પિયૂઁ શરાબ અગર ખ઼ુમ ભી દેખ લૂઁ દો-ચાર
યે શીશા-ઓ-ક઼દહ-ઓ-કૂજ઼ા-ઓ-સુબૂ ક્યા હૈ (૮)

[ખ઼ુમ= લાકડાનું દારૂ સંઘરવાનું બેરલ;  શીશા= શરાબની બાટલી કે સુરાહી; ક઼દહ= કટોરો, વાડકો; કૂજ઼ા= સાંકડા મોંવાળું માટેનું પાત્ર; सुबू= શરાબનો ઘડો]

ગ઼ઝલનો આ શેર આપણને મરક મરક સ્મિત કરાવે તેઓ રમૂજી છે. શેરના અર્થઘટન ઉપર આવવા પહેલાં પૂર્વભૂમિકા રૂપે આપણે મયખાના સાથે સંકળાયેલાં પાત્રો વિષેની જાણકારી મેળવી લઈએ. મયખાના (દારૂનું પીઠું)માં શરાબને સંઘરવા કે પાવા-પીવા માટેનાં નાનાંથી મોટાં પાત્રો હોય છે. સૌથી મોટામાં મોટું પાત્ર લાકડાનું બેરલ હોય છે કે જેમાં વિપુલ પ્રમાણમાં શરાબને સંઘરવામાં આવતો હોય છે. ત્યાર પછીનાં મોટાથી નાનાં પાત્રો જેવાં કે ઘડો, કૂજો, કટોરો, સુરાહી વગેરે સાકી (શરાબ પાનાર) કે શરાબપાન કરનારના ઉપયોગનાં પાત્રો હોય છે. આ બધાંયમાં ઓછા કે વધુ પમાણમાં શરાબ હોય છે અને શરાબની મહેફિલમાં આ બધાં પાત્રો વડે શરાબીઓને સાકી કે ખાદિમ દ્વારા શરાબ આપવામાં આવતો હોય છે.

હવે આપણે શેરના અર્થઘટન ઉપર આવીએ. અહીં શાયર અર્થાત્ શરાબી કહે છે કે હું શરાબ પીવા પહેલાં બેચાર શરાબનાં બેરલને ચકાસી લઉં કે તેમાં પૂરતી માત્રામાં શરાબ ભરેલો છે કે નહિ! આમ કરવા માટેનું પ્રયોજન એ કે શરાબી પોતે પિયક્કડ (વધારે પ્રમાણમાં દારૂ પીનારો દારૂડિયો) છે અને એવું ન બને કે પીવામાં બરાબરની મજા આવી રહી હોય અને બેરલમાં દારૂ ખૂટી પડે. અત્રે એ સમજી લેવું જરૂરી છે કે શાયર એક માત્ર શરાબી નથી, પૂરી મહેફિલ જામેલી છે અને આમ ઝાઝા શરાબી હોઈ બેરલમાંનો શરાબ ખૂટી પણ  પડે! વળી ‘બેચાર’ બેરલ ચકાસી લેવાં એટલે કે જુદાજુદા પ્રકારના શરાબનાં બેરલ હોવાના કારણે એકથી વધારે ચકાસવાં પડે. અહીં સાની મિસરામાં ‘ક્યા હૈ’ રદીફને બખૂબી નિભાવવામાં આવ્યો છે. બેરલમાંના શરાબના જથ્થાને તપાસી લીધા પછી અને તેમાં પૂરતા પ્રમાણમાં હોવાનું માલૂમ પડ્યા પછી નાનાંનાનાં પાત્રોમાં શરાબ છે કે નહિ અથવા તેમાં કેટલા પ્રમાણમાં શરાબ છે તે ચકાસવાનો કોઈ મતલબ રહેતો નથી. ગુજરાતીમાં કહેવત છે કે કૂવામાં હોય તો હવાડામાં આવે, તદનુસાર બેરલમાં હશે તો અન્ય પાત્રો અને છેલ્લે પીનારની પ્યાલી સુધી તો એ શરાબ આવવાનો જ છે.

ઉર્દૂ શાયરીમાં શરાબની હાજરી હોય જ અને જો તેને ઉઠાવી લેવામાં આવે તો શાયરીમાં કશું જ બાકી રહે નહિ. આ શેર શરાબીઓની એ વર્તણૂકને ઉજાગર કરે છે કે તેઓ ગમે તેટલા પ્રમાણમાં તેનું પાન કરે તો પણ તેઓ અતૃપ્ત જ રહે!

* * *

રહી ન તાક઼ત-એ-ગુફ઼્તાર ઔર અગર હો ભી
તો કિસ ઉમીદ પે કહિએ કિ આરજ઼ૂ ક્યા હૈ (૯)

[તાક઼ત-એ-ગુફ઼્તાર= વાત કરવાની શક્તિ; આરજ઼ૂ= મનોકામના, ઇચ્છા]

દુ:ખના અસહ્ય બોજ હેઠળ દબાયેલા, માનસિક રીતે ભાંગી પડેલા અને સાવ ઉદાસીન થઈ ગયેલા માશૂક પોતાની હાર સ્વીકારતાં કબૂલ કરે છે કે તેઓ માશૂકા સાથે કોઈપણ વાતચીત કરવા માટેની શક્તિ ગુમાવી બેઠા છે. વળી પાછા હૈયાધારણ દર્શાવતાં કહે છે કે માની લો કે દિલ ખોલીને વાત કરવાની તાકાત પાછી મેળવી લીધી છે, તો પણ કઈ આશાએ માશૂકાને એમ કહેવું કે તેમના દિલની મનોકામના શું છે, આખરે પોતે શું ઇચ્છે છે? બીજા સાની મિસરામાં માશૂકની નાઉમેદી જે વર્તાય છે તે માટેની એવી કલ્પના કરવી રહે કે અત્યાર સુધી દૂર ભાગતી રહેલી એ માશૂકા હાલ સન્મુખ તો છે, પણ તે જડ પૂતળા જેવી સ્થિતપ્રજ્ઞ અને એકદમ અક્કડ સ્થિતિમાં! માશૂકાના ચહેરા ઉપર પોતાના પરત્વેનો કોઈ મહોબ્બતનો ભાવ દેખા દેતો ન હોઈ માશૂક ખામોશી ધારણ કરવાનું મુનાસિબ સમજે છે અને તેની આરજૂ વિષેની પૃચ્છા કરવાનું માંડી વાળે છે. આમ શેર ઉલ્લાસમય ન રહેતાં સાવ વિષાદમય બની રહે છે અને આમાં જ ગ઼ઝલમાંના ભાવના ચઢાવઉતારની ખૂબી સમાયેલી છે.

* * *

હુઆ હૈ શહ કા મુસાહિબ ફિરે હૈ ઇતરાતા
વગર્ના શહર મેં ‘ગ઼ાલિબ’ કી આબરૂ ક્યા હૈ (૧૦)

[શહ= બાદશાહ; મુસાહિબ=દરબારીજન]

ફરી એકવાર ગ઼ાલિબના ઉમદા મક્તા શેર પૈકીનો વધુ એક શેર આપણને અહીં મળે છે. આ શેર જ્યારે તત્કાલીન બાદશાહની મહેફિલમાં તેમના મુરબ્બીવટ હેઠળ રજૂ કરવામાં આવ્યો હશે, ત્યારે તેને કેટલી બધી દાદ (પ્રશંસા) મળી હશે તેની તો આપણે માત્ર કલ્પના જ કરવી રહે છે. કેવું ભવ્ય અભિવાદન એ બાદશાહનું કે જેના દરબારીજન માત્ર હોવાથી પોતાને આટલાં બધાં માનસન્માન મળી રહ્યાં છે તેવો ગ઼ાલિબ એકરાર કરે છે. આથી જ તો ગ઼ાલિબ શાહ સાથે બેસવા-ઊઠવાના નિકટતમ સંબંધોના કારણે જ ગર્વ અનુભવે છે અને છાતી કાઢીને ચાલી શકે છે.

હવે બીજા મિસરામાં ગ઼ાલિબ નિખાલસભાવે સ્વીકારે છે બાદશાહની મહેફિલમાંની પોતાની હાજરી હોવાના કારણે જ તેઓ ખ્યાતનામ થયા છે, વર્ના તેમની શહેરમાં શી આબરૂ કે હૈસિયત છે! અહીં ચકોર પાઠકને   ગ઼ાલિબના આ વિધાન પાછળ રહેલો છૂપો કટાક્ષ અને હળવો આક્રોશ સમજાયા વગર રહેશે નહિ. ગ઼ાલિબ તેમના સમયના ઉમદા શાયર છે અને તેમની શાયરીને શાહ સાથેના સાન્નિધ્યના આલંબન વગર પણ પ્રશંસા મળવી જોઈતી હતી તેવી તેમની ખેવના અહીં ડોકાય છે. આમ આ બીજા મિસરાનું વિધાન એક રીતે તો વક્રોક્તિમાં રજૂ થયેલું જણાઈ આવે છે.

આમ છતાંય ગ઼ાલિબ સ્વીકારે છે કે આબરૂદાર ગણાવાના દુનિયાના માપદંડોમાં પોતે ઊણા ઊતરે છે. તેમની નિર્ધનતા, શરાબ અને જુગારની લત આદિ તેમના વ્યક્તિત્વનાં ઉધાર પાસાં છે, જે તેમના માટે આબરૂદાર ગણાવામાં બાધક નીવડે છે. આ સમીક્ષક નમ્રપણે  માને છે કે નિર્ધનતાને અવગણતાં બાકીની બે કુટેવો ગ઼ાલિબના મુસ્લિમ હોવાના નાતે અલબત્ત ખરાબ તો છે જ, કેમ કે ઇસ્લામમાં આ બંને આદતોને હરામ ઠરાવવામાં આવેલ છે; પરંતુ આ આદતો જાતને જરૂર નુકસાન પહોંચાડનારી છે, પણ તેનાથી અન્યોને કોઈ હાનિ પહોંચતી નથી. ચોરી, હત્યા, વ્યભિચાર, ભ્રષ્ટાચાર, દંગાફસાદ આદિ ગુનાહિત પ્રવૃત્તિઓની અસર સામેની વ્યક્તિ કે વ્યક્તિસમૂહો ઉપર થતી હોય છે અને તેથી ગ઼ાલિબની ત્રુટિઓ સ્વનુકસાનકારક જ હોઈ તેમને  અંશત: ક્ષમ્ય ગણી-ગણાવી શકાય.

આ અંતિમ મક્તા શેર સાથે ગ઼ાલિબની ગ઼ઝલ અહીં પૂરી થાય છે. આખી ગ઼ઝલમાંના પ્રત્યેક શેરમાંનો રદીફ ‘ક્યા હૈ’ અર્થસભર બની રહેવા ઉપરાંત તેમાં જે તે કથન સાથેનો તેનો અનુબંધ (Co-relation) પણ જળવાઈ રહે છે. ચાલો ત્યારે આપણે આ  ગ઼ઝલના મત્લા શેર – હર એક બાત પે કહતે હો તુમ કિ તૂ ક્યા હૈ, તુમ હી કહો કિ યે અંદાજ઼-એ-ગુફ઼્તગૂ ક્યા હૈ – ને ગણગણતાં અને તેને માણતાં માણતાં આપણે છૂટા પડીએ. (સંપૂર્ણ)

* * *

– મિર્ઝા ગ઼ાલિબ

(ગ઼ઝલ ક્રમાંક – 179)

* * *

ઋણસ્વીકાર :

(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…

(૨) http://www.youtube.com વેબસાઇટનો…

(૩) Aksharamukha : Script Converter http://aksharamukha.appspot.com/converter

(૪) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા

(૫) Courtesy : https://rekhta.org

(૬) યુ-ટ્યુબ/વીડિયોના સહયોગી શ્રી અશોક વૈષ્ણવ

 

Tags: , , , , ,

(578) હાસ્યલેખક શ્રી હરનિશભાઈ જાનીનું દુ:ખદ અવસાન

સાહિત્યપ્રેમી મિત્રો,

એક દુ:ખદ સમાચર શેર કરવાના કે અમેરિકાસ્થિત હાસ્યલેખક અને મારા પરમ મિત્ર એવા હરનિશભાઈ જાની હવે આપણી વચ્ચે રહ્યા નથી. અમે બંને રૂબરૂ તો કદીય મળ્યા ન હતા, પણ હજારો માઈલ દૂર હોવા છતાં અમે સાવ નિકટતા અનુભવતા રહ્યા હતા. મારી ૨૦૧૧ની અમેરિકાની મુલાકાત ટાણે તેમનો ફોન આવ્યો હતો કે તમે ક્યાં છો તે જણાવો અને મારાં પત્ની હંસા અને હું તમને મળવા આવીએ. મેં ખૂબ દૂર હોવાના કારણે એમને તકલીફ ન લેવાની વિનંતી કરી અને તેઓ માની ગયા હતા. તેઓ હૃદયરોગના દર્દી હતા અને બાયપાસ વખતના તેમના અનુભવોનો સરસ મજાનો હાસ્ય નિબંધ મને મારી પોતાની ૨૦૧૦ની બાયપાસ સર્જરીને હળવાશથી લેવા માટે મોકલી આપ્યો હતો.

તેમનું સાહિત્યસર્જન વોલ્યુમમાં ઓછું પણ દમદાર વધારે રહ્યું છે. ગુજરાતી સાહિત્યમાં નવતર લાગે તેવાં તેમનાં બે હાસ્યપુસ્તકો ‘સુશીલા’ અને ‘સુધન’ અનુક્રમે તેમનાં માતા અને પિતાના નામે જ નામકરણ ધરાવે છે. આ બે પુસ્તકો થકી રતિલાલ બોરીસાગરના શબ્દોમાં કહીએ તો ‘તેમણે ગુજરાતી હાસ્યલેખકોની પ્રથમ હરોળમાં હકપૂર્વક પોતાનું સ્થાન અંકે કરી લીધું છે.’ અનેક ગુજરાતી સાહિત્યસંસ્થાઓનાં પારિતોષિકો ઉપરાંત તેમને  ખ્યાતનામ ‘જ્યોતીન્દ્ર હ. દવે પારિતોષિક’ પણ એનાયત થયું છે.

તેમના “જ્યોતીન્દ્ર દવે પારિતોષિક મળ્યા પછી….” શીર્ષકના હાસ્યનિબંધને મેં આપણી ‘વેબગુર્જરી’ના રવિવારી સર્જનાત્મક સાહિત્ય હેઠળ પ્રકાશિત કરેલ ત્યારે મેં એમને એક અંગત મેઈલ મોકલીને મારો એક સુઝાવ દર્શાવ્યો હતો કે જેમ રણજિતરામ પારિતોષિક હાસ્યલેખકશ્રી જ્યોતીન્દ્ર દવેને મળ્યું હતું અને જ્યોતીન્દ્ર દવે પારિતોષિક તમને મળ્યું છે, તો એ સિલસિલો ચાલુ રાખવા ‘હરનિશ જાની પારિતોષિક’ હાલ  જ જાહેર કરી દો તો કેમનું રહે અને તેઓ ખુશ થઈ ગયા હતા અને વળતા જવાબમાં હાસ્યલેખકની અદામાં લખ્યું હતું કે ‘વલીભાઈ, એ માટે તો મારે પહેલાં મરવું પડે ને!’.

આવા હાજર જવાબી શ્રી હરનિશભાઈ આજે સાચે જ મરી ગયા છે એવા સમાચાર ફેસબુક ઉપર વાંચતાં દિલ ભરાઈ આવ્યું અને બેગમ અખ્તરની ગાયેલી દર્દમય ગ઼ઝલ ‘દિલ તો રોતા હી રહે ઔર આંખસે આંસું ન બહે’ની યાદ આવી ગઈ. હમણાં થોડા સમય પહેલાં જ તેમનું છેલ્લું પુસ્તક ‘તીરછી નજરે અમેરિકા’ મને મળ્યું હતું, જે હાલ મારા વર્કીંગ ટેબલ ઉપર સામે જ પડ્યું છે.

મારા બ્લોગ ઉપર તેમના પ્રત્યેક હાસ્યલેખમાંથી એકેક વક્રોક્તિ દર્શાવતા લેખના પુરોકથનના શબ્દો આ પ્રમાણે રહ્યા છે:

“આટલા સુધી મારા સુજ્ઞ વાચકોને એમ લાગ્યા કર્યું હશે કે આ લેખકડો હરનિશભાઈની ઉપરોક્ત પુસ્તકમાંની વક્રોક્તિઓની લૉલીપૉપ જ બતાવ્યે જાય છે, મોંઢામાં ચગળવા ક્યારે આપશે! તો ભાઈ-બાઈ, હું Carrot and stick જેવું તો હરગિજ નહિ કરું; અને લ્યો ત્યારે હવે હું એક પછી એક લૉલીપૉપ આપવા માંડું છું જેને આપ મમળાવી મમળાવીને તેનું રસપાન કરવા માંડો. લેખલાઘવ્યને મદ્દેનજર રાખતાં હરનિશભાઈના પ્રત્યેક હાસ્યલેખમાંની નોંધપાત્ર એકેક વક્રોક્તિને જ અત્રે સ્થાન આપી શકીશ. રસના ચટકા હોય, કંઈ કૂંડાં ન હોય; હોં કે!”

ઉપરોક્ત લેખનો લિંક આ પ્રમાણે છે :

https://musawilliam.wordpress.com/2015/02/11/463-a_harnish-jani_diaspora/

ચાલો, આપણે સૌ સ્વર્ગસ્થના આત્માને શાંતિ મળી રહે અને તેમનાં આપ્તજનોને આઘાત સહન કરવાની શક્તિ મળી રહે તેવી ઈશ્વરને પ્રાર્થના કરીએ.

વલીભાઈ મુસા    

* * *

 

Tags: , , , ,

(૪૧૩) ‘દીકરીનો મરતબો’ – સંક્ષિપ્ત અભિવ્યક્તિ

Click here to read in English

વિશ્વભરની વિવિધ જાતિઓનાં મોટા ભાગનાં લોકો તેમનાં પોતાનાં એક અથવા બીજાં કારણોને લઈને  પોતાના કુટુંબમાં દીકરી હોવાનું પસંદ કરતાં નથી આ બાબતે લોકોનાં માનસમાં હકારાત્મક અભિગમ ઉજાગર કરવા માટે યુનોએ ૧૨મી જાન્યુઆરીને ‘આંતરરાષ્ટ્રીય દીકરી દિવસ’ તરીકે જાહેર કર્યો છે. આ એક લોકોનું એવું વક્રોક્તિયુક્ત માનસિક વલણ છે કે તેઓ એ જાણે તો છે જ કે તેમનો પોતાનો પણ જન્મ કોઈ સ્ત્રીના ગર્ભમાંથી જ થયો છે અને છતાંય તેઓ પોતાનાં કુટુંબોમાં દીકરીના જન્મને અનિચ્છનીય આફત તરીકે ગણે છે.

કુદરત પોતાની રીતે જ જગતમાં પુરુષ અને સ્ત્રીઓના યોગ્ય પ્રમાણને જાળવી રાખે છે અને કુદરતના આવા નિયમ સામે જાણીબૂઝીને કરવામાં આવતી દખલગીરી થકી માનવ સમાજમાં સામાજિક અને નૈતિક એવી ઘણી બધી સમસ્યાઓ ઊભી થતી હોય છે. ઈસ્લામના પયગંબરે દીકરીના મરતબાને આ શબ્દોમાં સમજાવ્યો છે કે ‘દીકરી એ માતાપિતાના જનાજા (મૈયત – મોત)ની શાન છે. કુટુંબમાં દીકરી જ માત્ર એવી વ્યક્તિ છે કે કે જે પોતાનાં મૃત માતાપિતાને ભૂલી શકતી નથી અને તે તેમની પાછળ સાચા દિલથી રડતી હોય છે.’ હિંદુ ધર્મશાસ્ત્ર ‘મનુસ્મૃતિ’માં શ્લોક છે : “यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवता |”. આ શ્લોક આપણને સ્પષ્ટ રીતે એ સમજાવે છે કે ‘દેવતાઓને ત્યાં જ વાસ કરવાનું બહુ પસંદ પડતું હોય છે કે જ્યાં સ્ત્રીઓને માનસન્માન આપવામાં આવતું હોય.’

માનવસમાજમાં સંપ અને શાંતિ મોટા ભાગે સ્ત્રીના અસ્તિત્વ ઉપર જ અવલંબિત છે; કારણ કે સ્ત્રી સ્વભાવગત જ ઋજુ હૃદયની હોય છે, જ્યારે પુરુષ માનવજીવનને લગતી સંવેદનશીલ સમસ્યાઓને હલ કરવાના પ્રસંગે કંઈક અંશે કઠોર હૃદયનો સાબિત થતો હોય  છે.

– વલીભાઈ મુસા

 

Tags: , , , , ,

(૩૭૮) ભાષાવિષયક ત્રણ પ્રકીર્ણ લઘુલેખ

(૦૧) ગુજરાતીમાં પુનરાવૃત્તિદોષ 

ભાષાશુદ્ધિમાં સામાન્ય રીતે વ્યાકરણ કે જોડણીનો ખ્યાલ રાખવામાં આવતો હોય છે, પણ પુનરાવૃત્તિદોષ તરફ ભાગ્યે જ ધ્યાન આપવામાં આવતું હોય છે. આ દોષ બધી જ ભાષાઓમાં જોવા મળતો હોય છે. આપણે ગુજરાતીભાષીઓ પણ આપણી બોલચાલ કે લખાપટ્ટીમાંની ગુજરાતી ભાષામાં  આવી પુનરાવૃત્તિ સહજભાવે કરતાં હોઈએ છીએ. મારા આ સંક્ષિપ્ત લખાણમાં હું જે કંઈ કહેવા જઈ રહ્યો છું તેને વધારે ન ખેંચતાં આ પુનરાવૃત્તિદોષનાં થોડાંક ઉદાહરણ આપીશ :

 (૧) ‘સુસ્વાગતમ્’માં ‘સુ’ બેવડાય છે; ‘સ્વાગતમ્’ પૂરતું છે.

(૨) ‘ગુલાબજળપાણી’માં ‘આબ-જળ-પાણી’ ત્રેવડાય છે. જોકે ‘આબ’ને અવગણીએ તો પણ ‘જળ-પાણી’ તો બેવડાય છે જ. આવો જ શબ્દ ‘અન્નજળપાણી’ પણ છે. (આ પ્રયોગ એટલો પ્રચલિત થઈ ગયો છે કે ‘અંજળ’ બનીને અંજળ એટલે જાણે કે ભાગ્ય એવો અર્થ બની ગયો છે !)

(૩) ‘સજ્જન માણસ’માં ‘જન-માણસ’ બેવડાય છે.

(૪) ‘યથાશક્તિ પ્રમાણે’ માં ‘યથા-પ્રમાણે’ બેવડાય છે.

(૫)  ‘છોકરાંછૈયાં’માં પણ એક જ શબ્દની પુનરાવૃત્તિ છે.

(૬) ‘સહકુટુંબ સહિત’ માં ‘સહ-સહિત’ બેવડાય છે.

૭) “સહર્ષ ખુશાલી સાથે જણાવવાનું કે”માં હર્ષ–ખુશાલી તથા સ–સાથે એમ બે શબ્દો બેવડાય છે.

ઉપરોક્ત યાદીમાં ‘ઇજ્જતઆબરૂ’, ‘નોકરચાકર’, ‘ભૂલચૂક’, ‘ભૂલ્યુંભટક્યું’, ‘રૂડુંરૂપાળું’, ‘અફીણકસુંબો’, ‘વેપારવણજ’, ‘વહેમશંકા’, ‘ગાળગલોચ’,   વગેરેને ઉમેરી શકાય.

oooooo

(૦૨) પૂરક ભાષાલંકારો (સૂચિત) 

આ અગાઉ મેં ‘ભાષામાં પુનરાવૃત્તિ દોષ’ વિષે ‘વેગુ’ને એક લઘુલેખ આપ્યો હતો અને આજે ‘પૂરક ભાષાલંકારો(સૂચિત)’ શીર્ષકે એક વિશેષ લેખ આપી રહ્યો છું.

ગુજરાતી ભાષાના શિક્ષણમાં માધ્યમિક કક્ષા સુધી વ્યાકરણ શીખવવામાં આવતું હોય છે અને આગળ જતાં ગુજરાતીની સ્નાતક કે અનુસ્નાતક કક્ષાએ  ‘ભાષવિજ્ઞાન’નું શિક્ષણ અપાતું હોય છે, પણ કોઈ વ્યાકરણ શીખવવામાં આવતું હોય તેની મને સત્તાવાર જાણ નથી. હવે માધ્યમિક કક્ષાએ શીખવવામાં આવતા અલંકારશાસ્ત્રના પ્રકરણ હેઠળ ચીલાચાલુ અલંકારોના પ્રકારોમાં કોઈ વિશેષ ઉમેરા કરવામાં આવતા હોય તેવું પણ જાણવા મળતું નથી.

આપણા વ્યાકરણમાંના ‘અતિશયોક્તિ અલંકાર’ને સંલગ્ન એવા મેં વિચારેલા બે વિશેષ અલંકારો (૧) અલ્પોક્તિ અલંકાર  (૨) વક્રોક્તિ અલંકાર વિષે અહીં હું કંઈક વાત કરવા માગું છું. આપણા સાહિત્ય અને વાણીવ્યવહારમાં અલ્પોક્તિ અને વક્રોક્તિનો ઉપયોગ થતો જ હોય છે. અહીં માત્ર એ ઉપયોગોને એવા બે પ્રકારના અલંકારોનાં નામ આપવાની વાત છે. જો કે ‘વક્રોક્તિ’ એ નામે સંસ્કૃત વિદ્વાન કુન્તકે એક સાહિત્યિક વાદ પ્રચલિત કર્યો હતો, પણ અહીં આપણે એ જ વક્રોક્તિને એક પ્રકારના અલંકાર તરીકે પ્રસ્થાપિત કરવાની વિચારણા કરી રહ્યા છીએ.

તાજેતરમાં મળેલી ‘અમદાવાદ બ્લૉગરસભા’માં અને કદાચ બેએક વર્ષ પહેલાં હ્યુસ્ટન(અમેરિકા) ખાતેના આપણા ગુજરાતી સાહિત્યકાર મિત્રો વચ્ચે થએલી ચર્ચામાં મેં મારો ઉપરોક્ત વિચાર વ્યક્ત કર્યો હતો. આજે  મારા એ વિચાર કે મૌખિક અભિવ્યક્તિને હું જ્યારે અક્ષરદેહ આપી રહ્યો છું, ત્યારે મને લાગ્યું કે મારે અંગ્રેજી ભાષામાં થોડીક ડૂબકી મારવી જોઈએ; અને તદનુસાર, મેં ઇન્ટરનેટ ઉપર શોધ ચલાવી તો મને અહીં આપણી ચર્ચાની એરણ ઉપરના આ બે અલંકારો ત્યાં મોજુદ હોવાની જાણ થઈ. મારી નજરે જે પ્રકરણ ચઢ્યું હતું તેમાં અંગ્રેજીભાષાના વીસ પ્રકારના અલંકારો (Figure of Speech)ની વ્યાખ્યાઓ અને ઉદાહરણો મોજૂદ હતાં. અહીં આપણે  અતિશયોક્તિ અલંકારને પૂરક એવા બે અલ્પોક્તિ અને વક્રોક્તિ અલંકારો અંગેની માહિતીને જ સમજવાનો પ્રયત્ન કરીશું. વળી એ લખાણનો અનુવાદ ન આપતાં તેને અંગ્રેજીમાં જ દર્શાવવાનું હું પસંદ કરું છું.

અલ્પોક્તિ (Understatement) :

A figure of speech in which a writer or speaker deliberately makes a situation seem less important or serious than it is.

Example :

“I have to have this operation. It isn’t very serious. I have this tiny little tumor on the brain.” (Holden Caulfield in The Catcher In The Rye, by J. D. Salinger)

વક્રોક્તિ (Irony) :

The use of words to convey the opposite of their literal meaning. A statement or situation where the meaning is contradicted by the appearance or presentation of the idea.

Examples :

(1) “Math was my worst subject because I could never persuade the teacher that my answers were meant ironically.” (Calvin Trillin)

(2) “Woman :  I started riding these trains in the forties. Those days a man would give up his seat for a woman. Now we’re liberated and we have to stand.” (“The Subway,” Seinfeld, Jan. 8 1992)

જો આપણા ગુજરાતી વ્યાકરણના અભ્યાસક્રમમાં ‘અલંકાર’ શીર્ષક હેઠળ ઉપરોક્ત બે અલંકારો કે એવા કોઈ વિશેષ અલંકારોને સ્થાન આપવાનું વિચારવામાં આવે તો તેની વ્યાખ્યાઓ આપવાનું કામ જે તે નિષ્ણાત વૈયાકરણી કે ભાષાના તજજ્ઞો ઉપર છોડું છું. અહીં નીચે ઉપરોક્ત સૂચિત અલંકારો માટેનું મારા તરફથી એકએક ઉદાહરણ આપું છું અને ‘વેગુ’ના આપ સૌ સહયાત્રીઓને કોમેન્ટ બોક્ષ (પ્રતિભાવ કક્ષ)માં જ આવાં ઉદાહરણો આપવાની કવાયત કરવાનું નિમંત્રણ પાઠવું છું.

(૧) અલ્પોક્તિ અલંકાર (સૂચિત) :

“ભલે લોકો મારા નિવાસસ્થાનને વિલા કે બંગલો તરીકે ઓળખાવતા હોય, પણ હું તો તેને ‘ગરીબખાનું’ જ માનું છું અને મારા એ ગરીબખાને પધારવાનું આપને હાર્દિક આમંત્રણ પાઠવું છું. “

(૨) વક્રોક્તિ અલંકાર (સૂચિત) :

“સ્વદેશીના હિમાયતી એવા પૂજ્ય મહાત્મા ગાંધીજી જો આજે હયાત હોત તો આપણા દેશની નબળી નેતાગીરીને જોઈને અપવાદરૂપે સક્ષમ એવા નેતાઓને વિદેશોમાંથી આયાત કરી શકવાની કપાતા દિલે છૂટ આપી હોત!”

ooooo

(03) સામાસિક શબ્દો વગેરે અંગે કેટલીક વાતો  

‘વેગુ’ પરિવારના સભ્યશ્રી દીપકભાઈ ધોળકિયાના સૂચનથી પ્રેરાઈને અહીં ‘સમાસ’ વિષે મારા વિચારો વ્યક્ત કરવાનો અવિચારી(!) વિચાર કરી રહ્યો છું અને આ લખાણનો પ્રારંભ કરી દઈને એ વિચારને અમલમાં પણ મૂકી રહ્યો છું. મારા ‘અવિચારી’ શબ્દપ્રયોગનું તાત્પર્ય એ છે કે અહીં નાના મોઢામાં મોટો કોળિયો મૂકવા જેવી બાલિશ ચેષ્ટા છે. મેં ક્યાંક કે કેટલીક જગ્યાએ એ જણાવી દીધું છે કે ભાષા કે વ્યાકરણ અંગેની મારી વાતો શાસ્ત્રીયતા કે આધારભૂતતાના માપદંડોએ માપવા કે મૂલવવા જેવી હરગિજ નહિ જ હોય! શબ્દાંતરે કહેતાં અહીં સીધી (By Direct Method) જ ભાષા શીખવા/શિખવવા જેવી વાત છે. નાનાં બાળકો પોતપોતાની માતૃભાષાઓ વગર વ્યાકરણે સાંભળી સાંભળીને કોઈપણ જાતના ઔપચારિક શિક્ષણ વગર શીખતાં હોય છે. ભાષાવિજ્ઞાનીઓ પણ લગભગ સર્વસંમતિએ સ્વીકારે છે કે આપણે સાંભળી શકીએ છીએ, માટે જ આપણે બોલી શકીએ છીએ. પહેલાં ‘મૂકબધિર’ એવા શબ્દનો પ્રયોગ થતો હતો, હવે માત્ર ‘બધિર’ શબ્દનો જ પ્રયોગ થાય છે.

કોઈપણ ભાષામાં સ્વતંત્ર શબ્દોની સાથેસાથે સંયુક્ત શબ્દો અસ્તિત્વ ધરાવતા હોય છે અને નવાનવા જન્મતા પણ હોય છે તથા કાળક્રમે તેમને શબ્દકોશોમાં સ્થાન મળતું પણ રહેતું હોય છે. મારા અલ્પ જ્ઞાન પ્રમાણે શબ્દો સામાસિક રીતે, સંધિ સ્વરૂપે અને પ્રત્યયો-પૂર્વગો-ઉપસર્ગો લાગીને બનતા હોય છે. આ બધાય માટે એકએક ઉદાહરણ આપું છું : માબાપ (સામાસિક રીતે), હિમાલય (સંધિ સ્વરૂપે), નિશાળનું (પ્રત્યય લાગીને), અનુચર (પૂર્વગ લાગીને) અને પૈસાદાર (ઉપસર્ગ લાગીને).

આગળ વધવા પહેલાં એક રસપ્રદ વાત જણાવું કે જેથી વાચકો માત્ર સામાસિક કે માત્ર સંધિયુક્ત શબ્દ હોવા કે ન હોવાના ભેદને પારખી શકે. મારાં ઉપરોક્ત ઉદાહરણોમાં ‘હિમાલય’ શબ્દ ઉભય ‘સંધિ’ અને ‘સમાસ’ એમ બંનેને ધારણ કરે છે. મારી વાતના મુદ્દે હું આવું તો મારા નાના ભાઈને તેના વ્યાયામના શિક્ષકે કે જે આઠમા ધોરણમાં ગુજરાતી પણ ભણાવતા હતા, તેમણે તેને ‘પિતાતુલ્ય’ની સંધિ (‘પિતા’ + ‘આતુલ્ય’) એમ શીખવી હતી. તે શિક્ષકે વ્યાકરણના સંધિના જ જે તે નિયમ પ્રમાણે સંધિ તો સાચી રીતે જ છૂટી પાડી ગણાય; પણ ‘આતુલ્ય’ ના અર્થનો કોઈ જવાબ તેમની પાસે હોઈ શકે નહિ.

આ લઘુ કદના લેખમાં હું સમાસ અંગેના વૈયાકરણીય નિયમો કે સમાસના પ્રકારો વિષે જણાવવા માગતો નથી અને જણાવવા માગું તો પણ મારે તેનો ઊંડાણથી ફરી અભ્યાસ કરવો પડે. હું અહીં સામાસિક કે અન્ય પ્રકારના શબ્દોને લખવાના પ્રસંગોએ વર્તવી પડતી સાવધાનીઓ અંગે થોડીક વાત કરવા માગું છું. અહીં હું ‘વાત’ શબ્દનો પ્રયોગ કરું છું, ત્યારે એક આડવાત કહેવાનું મન થાય છે કે વ્યાકરણ કે ભાષા અંગેના મારા આવા લેખોને ‘ભાષાના નિયમો’ કે ‘ભાષાનું વ્યાકરણ’ એવાં ભારેખમ શીર્ષકોના બદલે એમ લખવામાં આવે કે ‘ભાષાની (હળવી) વાતો!’ તો તે યથોચિત ગણાશે, જેવી રીતે કે મારો બ્લોગ છે – William’s Tales (વિલિયમની વાતો)! અહીં મેં ઉપર ‘લખવાના પ્રસંગોએ’ શબ્દો વાપર્યા છે અને તેથી આપ સમજી શકશો કે બોલવામાં કંઈ ખુલાસા આપવા પડતા હોતા નથી કે “જોજો ભાઈ, હું ‘નદીનું પાણી’ બોલ્યો તેમાં ‘નું’ પ્રત્યયને ‘નદી’ની લગોલગ સમજવાનો છે!”

અહીં નીચે સામાસિક કે એવા અન્ય પ્રકારના શબ્દો લખતી વખતની સાવધાનીઓ વર્તવા માટેનાં થોડાંક ઉદાહરણો આપું છું. માબાપ લખાય (નહિ કે,મા બાપ); સંધ્યાટાણે (નહિ કે, સંધ્યા ટાણે); નદીનું પાણી (નહિ કે, નદી નું પાણી); સઘળાંએ (નહિ કે સઘળાંઓએ). આટલેથી શબ્દો લખવાની સીધી જ સાચી રીતનાં થોડાંક વધુ ઉદાહરણો આપું છું : દરેક વ્યક્તિએ, ઉદાર લોકોએ, માથાભારે, વહેલુંમોડું, સાથસહકાર, ગણ્યાગાંઠ્યા, રીતરિવાજ, યથાશક્તિ, વાણીવિલાસ, વેળાસર, બહુમુખી, (નદીનો કિનારો, નદીના ઊંડાણમાં, નદીની રેતી, નદીનું વહેણ, નદીનાં માછલાં) – પાછલા શબ્દની જાતિ કે વચન પ્રમાણે નો, ના, ની. નું, નાં લખાય.

ઉદાહરણો સાથેનું સમાસ અંગેનું સાવ પ્રારંભિક જ્ઞાન મેળવવા ઉત્સુક એવાં અભ્યાસુ ભાઈઓ–બહેનો માત્ર પાંચેક મિનિટના વાંચનથી આ
(http://www.garavigujarati.com/2012/04/blog-post_9307.html) લિંકે લાભ ઉઠાવી શકશે.

-વલીભાઈ મુસા

(‘વેબગુર્જરી’ ઉપર પ્રથમ પ્રકાશિત)

 

Tags: , , , , , ,

(227) ભાવપ્રતિભાવ – ૫ (શ્રી હરનિશ જાની કૃત ‘પ્યાર-તકરાર’ એક લલિત નિબંધ)


શ્રી હરનિશભાઈ,

સરસ મજાનો હાસ્યલેખ વર્ષો બાદ વાંચવા મળ્યો. ‘વર્ષો બાદ’ શબ્દો મને જ લાગુ પડે છે અને તે એટલા માટે કે છેલ્લાં ત્રણેક વર્ષ પહેલાંના લગભગ ત્રણેક દસકાનો સમયગાળો મારા માટે સાહિત્યવાંચન પરત્વેનો મોટો વિરામ રહ્યો હતો, જે મારા ધંધાકીય કામકાજમાં ગળાડૂબ રહેવાના કારણે જ સર્જાયો હતો.

પ્યાર-તકરાર શીર્ષકેથી શરૂ કરીને “તું અને તારો કેમેરા, ઘેર પહોંચવા દે ને ! બન્નેને બહાર નાખી આવું છું.” સુધી સતત મરકમરક હસાવ્યે જતી આ કૃતિ કંઈ અમસ્તી જ ‘કુમાર’ નાં પાનાંએ નહિ જ ગઈ હોય; અને તેનું ‘કુમાર’નાં પાને ચમકવું, એ પોતે જ સર્જક અને સર્જન માટે એક મોટા પ્રમાણપત્ર સમાન છે. Read the rest of this entry »

 
1 Comment

Posted by on October 10, 2010 in લેખ, હાસ્ય

 

Tags: , , , , , ,