RSS

Tag Archives: વાસરિકા

(૪૧૪) ‘બ્લોગપ્રકાશને સજ્જતા’ ઉપર ભાવપ્રતિભાવ

‘વેબગુર્જરી’ બ્લોગ ઉપરના મારા ‘વલદાની વાસરિકા’ લેખશ્રેણી હેઠળના લેખ ‘બ્લોગપ્રકાશને સજ્જતા’ ઉપર આવેલા વિવિધ પ્રતિભાવોમાંનો એક પ્રતિભાવ મને યુ.એસ.એ. સ્થિત ભાઈશ્રી મનસુખલાલ ડી. ગાંધી તરફથી મેઈલ દ્વારા મળ્યો હતો. બ્લોગીંગ પ્રવૃત્તિમાં જે તે લેખો ઉપર વાચકોના અરસપરસ વાચકોવાચકો વચ્ચેના અથવા લેખક સાથેના સૌજન્યપૂર્ણ પ્રતિભાવોની જે આપલે થતી હોય છે તે એક સારી બાબત ગણાતી હોય છે. આપણે જોતા હોઈએ છીએ કે ઘણીવાર એવી રસપ્રદ ચર્ચાઓ જામતી હોય છે કે ત્રાહિત વાચકોને મૂળ લેખ કે કૃતિ કરતાં વિશેષ તો આવી ચર્ચાઓમાં મજા પડતી હોય છે. બ્લોગજગતમાં તો પ્રતિભાવો વાંચવાના શોખીનોનો એક ખાસ વર્ગ હોય છે. નિખાલસભાવે અને ખુલ્લા મને થતી આવી ચર્ચાઓથી જે તે વિષયની સારી છણાવટ થતી હોય છે અને અન્યોન્યનાં દૃષ્ટિબિંદુઓ જાણવા મળી રહેતાં હોય છે.

હવે આપણે મૂળ વાત ઉપર આવીએ તો શ્રી મનસુખભાઈએ ‘બ્લોગપ્રકાશને સજ્જતા’ વિષય ઉપર પોતાનો પ્રતિભાવ આ પ્રમાણે આપ્યો હતો : “આજરોજે ‘વેબગુર્જરી’ ઉપર તમારો ઉપરોક્ત લેખ વાંચ્યો. તમારી એક રીતે વાત બરાબર છે કે બ્લોગરો ઘણા થઈ ગયા છે અને તેઓએ આત્મમંથન કરવું જોઈએ. વળી તમને નથી લાગતું કે બ્લોગરો ભલે તેમને જે લખવું હોય તે લખે અને જેમને વાંચવું હશે તેઓ જ વાંચશે, અને નહીં વાંચે તેમની આપણે શા માટે ચિંતા કરવી….??? આ બહાને ગુજરાતી તો લખાતું રહેશે ને…??? આમ આ બહાને ‘ગુજરાતી’ પણ જીવતી રહેશે….આ કાંઈ પરીક્ષાનું પેપર થોડું જ છે કે જે લખાય તે બરાબર ચીપીચીપીને જ લખાવું જોઈએ ! દરેકે ‘ફરજિયાત’ વાંચવું અને ટિપ્પણી પણ ‘ફરજિયાત’ લખવાની… એવું થોડું હોય ??? જેમને પણ શોખ હોય તે લખે અને જેઓ લખે છે તે પણ ‘ગુજરાતી’માં જ ને ! પછી અફસોસ કે બળાપો શાને માટે…?.

બીજાઓ માટે ખોટી ચિંતા કરવાના બદલે, તમે જોરદાર લખતાં રહો; અમને ‘ગુજરાતી’ વાંચવાનું ગમે છે, તમારું લખાણ અમને ગમે છે અને અમે ચોક્કસ વાંચતાં રહીશું…..” (Mansukhlal D.Gandhi, U.S.A.)

મનસુખભાઈના ઉપરોક્ત પ્રતિભાવ સામેનો મારો પ્રતિભાવ કે ખુલાસો જે ગણો તે નીચે પ્રમાણે રહ્યો હતો :

“મનસુખભાઈના મેઈલ રૂપે આવેલા પ્રતિભાવને મેં પોતે જ અહીં કોમેન્ટ બોક્ષમાં એટલા માટે મૂક્યો હતો કે જેથી અન્ય વાચકો તેમના દૃષ્ટિબિંદુને પણ સમજી શકે. વળી એ જ પ્રતિભાવના મારા જવાબી પ્રતિભાવ માટે હું Reply હેઠળ આ લખાણ એટલા માટે લખી રહ્યો છું, કે જેથી ચર્ચાના વિષયનું સાતત્ય જળવાઈ રહે.

મનસુખભાઈનો મધ્યમમાર્ગી પ્રતિભાવ છે, જેમાં બ્લોગીંગ પ્રવૃત્તિમાંની બ્લોગરની સજ્જતાને નકારવામાં પણ આવી નથી કે તેને સમર્થન પણ આપવામાં આવ્યું નથી. અહીં દરેકે એ વિચારવાનું રહે છે કે હજારેક જેટલા જ બ્લોગરમિત્રો લાખો કે કરોડોની સંખ્યામાંના ગુજરાતી વાચકોને જ્યારે પોતાનું લખાણ પીરસતા હોય, ત્યારે લખાણની ગુણવત્તા તો જળવાવી જોઈએ કે નહિ ! આપણા ઘરમાંની ગૃહિણી કે ઘરકામ કરવાવાળી બાઈની દાઝેલા દૂધની ચા, ખામીયુક્ત રસોઈ, એઠાં રહી ગએલાં વાસણ કે વેઠ ઊતાર્યા જેવી કપડાંની ઈસ્ત્રી એ બધું ન ચલાવી લેતા હોઈએ તો અહીં તો ભાષાકીય ગંભીર બાબત છે.

મારા લેખમાં જોડણી અંગેની વાતને મેં આત્મપસંદગી ઉપર છોડી છે, પણ એ સિવાયની બાબતોમાં તો જાગરૂકતા હોવી જ જોઈએ ને ! શું આપણે વાક્યરચના કે વ્યાકરણની ભૂલોને પણ ચલાવી લેવા માગીએ છીએ ? શું આપણે અંગ્રેજી ક્રિયાપદોને પણ ગુજરાતી ક્રિયાપદોના વાઘા પહેરાવીશું ? શું આપણે ‘ઊંઘતો હતો’ને ‘સ્લીપતો હતો’ તેમ લખીશું ? શું આપણે અંગ્રેજી કે હિંદીમાં ગમે તેમ લખી શકીએ ખરા ? ગુજરાતી માટે અંગ્રેજીના જેવું Spellingની ઝડપી અને ખામીરહિત ચકાસણી માટેનું કોઈ સક્ષમ સોફ્ટવેર નથી; પણ માનો કે એવું કોઈ સોફ્ટવેર તૈયાર થાય તો પણ શું આપણે તેનો ઉપયોગ નહિ જ કરીએ ? વળી માનો કે આપણે તેનો ઉપયોગ કરવાના જ છીએ તો ભાષાશુદ્ધિનો સૈદ્ધાંતિક સ્વીકાર કર્યો નહિ ગણાય ? દુનિયાના જે જે દેશોએ મેટ્રિક પદ્ધતિના તોલમાપનો સ્વીકાર કર્યો છે તેમના સાચાપણાના સ્વીકાર કે ખાત્રી માટે ઈટાલીના મ્યુઝિયમમાં પ્લેટિનમ ધાતુમાં એ બધા એકમોને નમૂના તરીકે મોજુદ રાખવામાં આવ્યા છે.

કોઈપણ ભાષાના શબ્દકોશ ભલે સંવર્ધિત થતા રહેતા હોય, પણ તેનું મહત્ત્વ તો ગણાતું જ રહેતું હોય છે. મારું તો માનવું છે કે શબ્દકોશોમાંથી જોડણીના નિયમોનાં પાનાં કાઢી નાખવાં જોઈએ. જે તે શબ્દની જોડણી ક્યા નિયમથી બની છે તેમાં ઊંડા ઊતરવાના બદલે જે તે શબ્દની જોડણી શબ્દકોશમાં જે છે તે છે જ એમ માની-મનાવી લેવું જોઈએ. ઉદાહરણ તરીકે અંગ્રેજી Station શબ્દમાં tioને ‘શ’ ગણવામાં આવ્યો છે, તો Tuition શબ્દમાં tioની આગળ વધારાનો ‘i’ અક્ષર છે તો છે જ અને તેને કેમ અને શા માટે એવી કોઈ વાત લાગુ પડશે જ નહિ. આ તો આપણું એવું વલણ ગણાય કે માસીએ તો સુઘડ કપડાં પહેરવાં જ જોઈએ, મા તો લઘરવઘર કે ફાટેલાં કપડાંમાં હોય તો પણ ચાલશે. અહીં ‘મા’ એટલે ‘માતૃભાષા’ અને ‘માસી’ એટલે ‘અન્ય ભાષા’ એમ સમજવું રહ્યું.

‘સાહિત્ય’ એ એક કલા છે અને તે અંગે ભવિષ્યે મારો એક લેખ આવશે, પણ અહીં હું એ કહેવા માગું છું કે જો ‘ચિત્રકામ’ને આપણે ‘કલા’ તરીકે સ્વીકારીએ તો ‘મોર’નું ચિત્ર ‘મોર’ જેવું લાગવું જોઈએ અને તો જ તેને બ્લોગ ઉપર મૂકી શકાય. હવે ‘મોર’ તરીકે પહેલી નજરે ઓળખાતું જ ન હોય તેવા કોઈ અણઘડ ચિત્રને આપણે બ્લોગ ઉપર મૂકીશું તો શું આપણે ચિત્રની નીચે એમ લખીશું કે ‘આ મોરનું ચિત્ર છે !’ ? હાલમાં અમદાવાદમાં ‘સપ્તક’ના કાર્યક્રમો ચાલી રહ્યા છે, તો શું જે તે કલાકાર તેમાં કોઈ છબરડા વાળે તો સામે બેઠેલા શ્રોતાઓ એ ચલાવી લેશે ખરા ?

આ બધી વાતોનો સારાંશ એટલો જ છે કે દુનિયાભરની ભાષાઓમાં બ્લોગ લખાય છે અને એ બધી ભાષાઓમાં જો તેમનાં ધોરણો જળવાઈ રહેતાં હોય તો શું ગુજરાતી માટે આપણે આઝાદ છીએ?”

આશા સેવું છું કે આ વિષય ઉપર હજુ પણ વધુ ચર્ચા થતી રહે. ધન્યવાદ.

– વલીભાઈ મુસા

 

Tags: , , , , , , , , ,

(૪૦૯-અ) બ્લૉગપ્રકાશને સજ્જતા

ગુજરાતી લેક્ષિકોનમાં ‘વાસરિકા’ના ઓછા જાણીતા અને રમૂજી એવા સમાનાર્થી શબ્દો મળે છે: ‘દૈનંદિની’ અને ‘દિનકી’; જ્યારે પ્રચલિત શબ્દ તો છે રોજનીશી. વેબગુર્જરીએ મારી લેખશ્રેણીનું ‘વલદાની વાસરિકા’ નામાભિધાન કરીને એક રીતે તો મને એવો ‘જાગતે રહો’ની મન:સ્થિતિમાં લાવી દીધો છે કે જેથી હું વેબગુર્જરીને કંઈક અવનવું આપવા માટે રોજેરોજ સતત વિચારતો રહું અને આ વાતનો મને આનંદ પણ છે. આજે વહેલી સવારે સુખશય્યાત્યાગથી જ ‘સજ્જતા’ શબ્દે મારા દિમાગનો કબજો લીધો છે અને આજકાલ ખૂબ જ વિસ્તરેલી એવી ગુજરાતી બ્લૉગિંગ પ્રવૃત્તિના પરિપ્રેક્ષ્યમાં જ તે અંગેની ચર્ચા કરીશ.

બિન સત્તાવાર પ્રાપ્ય માહિતિ બતાવે છે કે આજકાલ એકાદ હજારની સંખ્યામાં ગુજરાતી બ્લૉગ અસ્તિત્વ ધરાવે છે. હવે આ બધા બ્લૉગધારકોમાંના કેટલાકે, કે જેમાં મારો પણ સમાવેશ થઈ જાય, આત્મમંથન કરવું જોઈએ કે આપણે આપણી આ પ્રવૃત્તિમાં કેટલા ગંભીર છીએ અને તેમાં કેટલા પ્રમાણમાં આપણે સજ્જતા ધારણ કરી હોય છે. ‘વાડી રે વાડી, શું છે દલા તરવાડી; રીંગણાં લઉં બેચાર ? લે ને દસબાર !’ એવી એક્પાત્રીય અભિનયવાળી પ્રખ્યાત વક્રોક્તિને આપણે શબ્દાંતરે આમ ભજવી તો નથી રહ્યા કે, ‘બ્લૉગ રે બ્લૉગ, શું છે ભાઈ બ્લૉગર; પોસ્ટ મૂકી દઉં બેચાર ? અરે ભાઈ, મૂકી દે ને દસબાર!’ બસ, અહીં આપણે ગુણવત્તા (Quality)નો કોઈ વિચાર જ નહિ કરવાનો, માત્ર લેખ (Post)ની સંખ્યા ((Quantity) વધારેમાં વધારે થવી જોઈએ; જાણે કે ગિનેસ (Guinness) બુક ઓફ વર્લ્ડ રેર્કોર્ડ્ઝમાં વધારેમાં વધારે પોસ્ટ લખી નાખીને આપણે આપણું નામ સ્થાપિત કરાવી લેવાનું ન હોય !

દસકાઓ પહેલાં ભારતની કોઈક યુનિવર્સિટી વિષે એવું સાંભળવામાં આવ્યું હતું કે આર્ટ્સ (વિનયન)ની અનુસ્નાતક પરીક્ષામાં કેટલાંક વર્ષો સુધી પ્રયોગરૂપે પ્રશ્નપત્રના પ્રારંભે જ એવી સૂચના મૂકવામાં આવી હતી કે ‘ઉત્તરોની સંખ્યા નહિ, પણ તેની ગુણવત્તાને ધ્યાનમાં લેવામાં આવશે’. આનો મતલબ એમ હતો કે એકસો ગુણના પ્રશ્નપત્રમાં વીસવીસ ગુણવાળા પાંચ પ્રશ્નોના ઉત્તર લખવાના હોય; પરંતુ, આ સૂચના મુજબ જો કોઈ વિદ્યાર્થીએ પોતાના વિષયનો તલસ્પર્શી અને વિશદ અભ્યાસ કર્યો હોય અને તે ત્રણ કલાક સુધીમાં માત્ર એક જ પ્રશ્નનો ઉત્તર લખે અને તેને એ ઉત્તરના ૧૬ ગુણ આપવામાં આવે, તો તેના આખા પ્રશ્નપત્રના ૧૬ X  ૫ = ૮૦ ગુણ ગણી લેવામાં આવે.

હવે ગુણવત્તા વિષેની ઉપરોક્ત વાતના અનુસંધાને આપણે બ્લૉગર અને બ્લૉગિંગના મુદ્દે આવીએ તો સર્વ પ્રથમ બ્લૉગરે પોતાનો જે વિષય કે વિષયો ઉપરનો બ્લૉગ હોય તેને વફાદાર રહીને ગુણવત્તાવાળું પ્રમાણસરના કદનું લખાણ મૂકવું જોઈએ. લખાણ લાંબું હોય તો તેને વિભાગોમાં પ્રસિદ્ધ કરવું જોઈએ. સુઘડ અને સુવાચ્ય કદના અક્ષરોમાં, વ્યવસ્થિત ફકરાઓમાં અને ઉચિત લાઈનદોરી (Justified Alignment)માં લખાણ પ્રદર્શિત થવું જોઈએ. બિનજરૂરી તરેહતરેહના રંગોમાંનું અને મોટામોટા કે ઝીણાઝીણા અક્ષરોવાળું લખાણ પહેલી નજરે જ વાચકને આકર્ષશે નહિ. કોઈ ચિત્રો કે અવતરણોને યથાયોગ્ય સ્થાનોએ યોગ્ય રીતે મૂકવાં જોઈએ. લેખના લખાણમાં જરૂરી હોય તેટલી જ મર્યાદિત સંખ્યામાં સાંકળતી કડીઓ (Links) મુકાવી જોઈએ; એવું તો ન જ બનવું જોઈએ કે સઘળી સાંકળતી કડીઓ અને લેખનું મૂળ લખાણ એમ બધું જ વાંચન  વાચક માટે વધારે પડતું લાબું થઈ જાય. બ્લૉગમાં ધ્યાનમાં રાખવી જરૂરી એવી આ સઘળી બાબતોમાં ખૂબ જ મહત્ત્વની બાબત કે જેને હું અહીં છેલ્લે દર્શાવું છું તે એ છે કે લખાણ વ્યાકરણની અને જોડણીની ભૂલો વગરનું હોવું ખૂબ જ જરૂરી છે. આપણે ઊંઝાજોડણી કે સાર્થજોડણી એવી જે કોઈ રીતે લખતા હોઈએ તે રીતે ભલે લખીએ, પણ એ બંનેનું મિશ્રણ તો હરગિજ ન હોવું જોઈએ.

‘સજજતા’નો શબ્દકોશીય અર્થ થાય છે, તૈયારી કે પૂર્વતૈયારી. કોઈ પણ કાર્ય કે પ્રવૃત્તિને પાર પાડવા માટે આપણે કેટલા અંશે સક્ષમ છીએ તે પ્રથમ જાણી લઈને તેને અનુરૂપ કાર્યરીતિ અપનાવવી જોઈએ. આપણી આજની સજ્જતા જ આવતીકાલની સિદ્ધિ બની શકશે. વળી જ્યારે આપણે ‘સજ્જતા’ની વાત કરતા હોઈએ ત્યારે એ વાત પણ આપણા ધ્યાનમાં રહેવી જોઈએ કે આપણી ‘સજ્જતા’ને ‘અદ્યતનતા (Up-to-date status)’ કે ‘આધુનિકતાપણું (Latest position)’ પણ અપાતાં રહેતાં હોવાં જોઈએ. ‘અદ્યતનતા કે આધુનિકતાપણું અપાતાં રહેવા’નો મતલબ થાય છે, અવનવાં આવતાં જતાં સંશોધિત અને સંવર્ધિત  કૌશલ્યોને અપનાવતા જવાની તત્પરતા.

સમાપને, આપણા વિષયને વિશાળ અર્થમાં અને કેટલાંક અન્ય પાસાંએ ધ્યાને લેતાં આપણે થોડુંક વિચારી લઈએ કે ‘સજ્જતા’નાં કોઈ માત્રા કે માપ હોઈ શકે ખરાં ? જી, ના. ‘સજ્જતા’ને કોઈ વજન, લંબાઈ કે  કદની જેમ માપી કે પામી શકાય નહિ. પ્રવૃત્તિ હાથ ધરનાર પોતે જ ‘સજ્જતા’ને નક્કી કરવાનું વજનિયું, મીટર કે લિટરિયું બની શકે ! જે તે પ્રવૃત્તિ હાથ ધરવા પહેલાં વ્યક્તિને ખુદને પોતાની ‘સજ્જતા’ની માત્રા વિષેની જાણકારી હોય જ છે. આમ છતાંય જે વ્યક્તિ પોતાની અપૂરતી ‘સજ્જતા’ને અવગણીને કોઈ કાર્યમાં ઝંપલાવી દે છે, તો છેવટે તેને હાસ્યાસ્પદ પરિસ્થિતિ અને નિરાશાજનક પરિણામના ભોગ બનવું પડતું હોય છે. ‘હુમાયુની માંદગી અને બાબરની દુઆ’ના પ્રસંગ ઉપરના વગર સજ્જતાએ એકપાત્રીય અભિનય કરી બતાવવા માટે હરખપદુડા થએલા કોઈ કલાકારને જમીન ઉપર સૂઈ ગયા પછી જ્યારે પ્રેક્ષકોને જ પૂછવું પડે કે ‘પિતાજી’ એવા સંબોધન માટે હિંદી કે ઉર્દુમાં કયો શબ્દ છે અને પ્રેક્ષકોએ જ જ્યારે તેને ‘અબ્બાજાન’ શીખવવું પડે, ત્યારે માત્ર હાસ્યાસ્પદ જ નહિ પણ દયાજનક પરિસ્થિતિની  હદ આવી ગએલી જ સમજવી પડે ને !

મારા પ્રાથમિક શિક્ષણકાળના ગુરુજન કે જે પોતે નાઈ જ્ઞાતિના હોવા છતાં એકદમ નિખાલસ ભાવે પેન્સિલ, રબર  કે કંપાસબોક્ષ વગર નિશાળે આવેલા વિદ્યાર્થીને ‘અસ્ત્રા વિનાના હજામ’ તરીકે ઓળખાવતા અને તેઓશ્રી અને અમે બધા એકસાથે ખડખડાટ હસી પડતા ! મિત્રો, ‘સાધનો’ કે જેમાં પ્રવૃત્તિને સહાયક એવાં ભૌતિક ઉપકરણો કે અભૌતિક તકનીકી કૌશલ્યો પણ આવી જાય તે સઘળાંને પણ ‘સજ્જતા’ના ભાગરૂપ ગણતાં તેમને પણ અવગણી તો ન જ શકાય.

-વલીભાઈ મુસા

 

Tags: , , ,

(૪૦૭-અ) જો માનો, તો બ્લૉગીંગ પ્રવૃત્તિ ગંભીર બાબત છે !

ગુજરાતી બ્લૉગરો પૈકી કેટલાક મિત્રો એવા છે કે જેઓ વિજ્ઞાન કે ટૅકનોલૉજિનું  જ જ્ઞાન કે ભણતર ધરાવતા હોવા છતાં આત્મસૂઝ અને સ્વયં સ્ફૂરણાથી સરસ મજાના વિવિધ ગુજરાતી સાહિત્યપ્રકારોનું સર્જન કરતા હોય છે. આવા મિત્રો જે કંઈ પ્રયત્નો કરતા હોય છે, તે સરાહનીય તો છે જ, પરંતુ તેમની એક મર્યાદા હોય છે કે તેઓ ભાષાકીય રીતે કાચા પડતા હોય છે. મેં ઘણા બ્લૉગ ઉપર સરસ મજાની ગઝલો જોઈ કે વાંચી છે, પણ એ ગઝલકારોએ શરૂઆતથી અંત સુધીમાં સોગંદ ખાવા પૂરતું એકેય વિરામચિહ્ન મૂક્યું નથી હોતું.  આવા બ્લૉગરોનું સર્જન ગુણવત્તાસભર હોવા છતાં તેની અભિવ્યક્તિની ખામીના કારણે વાચકોને આકર્ષી શકતું નથી હોતું. એવા મિત્રોએ નિ:સંકોચપણે એવા કોઈ ભાષાના નિષ્ણાતોને શોધી લેવા જોઈએ, કે જેઓ તેમનાં લખાણોને જાહેરમાં પ્રસિદ્ધ કરવા લાયક સ્વરૂપે મઠારી આપે; જેવી રીતે કે વેપારીઓ ટેક્ષ કન્સલટન્ટની સેવાઓ લેતા હોય છે, બસ તેમ જ !

ભાષા કે માનવજીવનમાં સઘળે બદલાવ શાશ્વત છે, તે સ્વીકાર્ય તો હોય જ; પણ એ બદલાવ ઊર્ધ્વગામી હોય, તે ઇચ્છનીય ગણાય. ગુજરાતી વ્યુત્પત્તિશાસ્ત્ર (etymology) પ્રમાણે શબ્દોમાં કાળક્રમે વૈજ્ઞાનિક ઢબે રૂપાંતરો થતાં રહ્યાં છે, જે મોટાભાગે સારા કે વધુ સારા તરફ આગળ વધતાં હોય છે; તેમાં પીછેહઠ નથી હોતી. ઉદા. વાપિ > વાવિ > વાવ;  મિષ્ટ > મિટ્ઠ (ટ્ + ઠ) > મીઠું; ઘૃતમ્ > ઘિઅં  > ઘી; અષ્ટ > અટ્ઠ (ટ્ + ઠ) > આઠ. આ કેટલાંક ઉદાહરણો જોતાં ખ્યાલ આવશે કે જે તે સમયે લોકો જ પોતાની મેળે શબ્દોમાં બદલાવ લાવ્યા હોય છે. લોકો ઉચ્ચારોમાં સરળતા લાવતા જતાં  હાલના પ્રચલિત શબ્દો સુધી પણ આપણે આવ્યા છીએ. આમાં વૈજ્ઞાનિક અભિગમ છે.

શિયાળ ઊંચાઊંચા ઠેકડા મારવા છતાં દ્રાક્ષ સુધી પહોંચી ન શકે, ત્યારે તેણે સ્વીકારી લેવું જોઈએ કે દ્રાક્ષ તેની પહોંચની બહાર છે; પરંતુ પોતાનું મન મનાવવા ‘દ્રાક્ષ ખાટી છે’ એમ બોલીને ચાલતી પકડે, તે તો જાતને છેતર્યા બરાબર ગણાય ! જોડણીની ભૂલોમાં ઊંઝકોની એક ‘ઈ-ઉ’વાળી વાતને સ્વીકારીએ કે ન સ્વીકારીએ, પણ અન્ય પ્રકારની અક્ષમ્ય ભૂલોને ચલાવી લેવાનું વલણ ભાષા માટે ઘાતક પુરવાર થઈ શકે. ‘મેં કેળું ખાધું.’, ‘હું કેળું ખાધું’, ‘હુંએ કેળું ખાધું.’, ‘મી કેળું ખાધું.’, ‘મીં કેળું ખાધું.’. આમાં વળી ‘કેળુ’, ‘ખાધુ’ અને ‘ખાયું’ કે ‘ખાયુ’ પણ આવી શકે. આ બધી રીતોએ લોકો વડે બોલાતા એ જ વાક્યને ભલે આપણે બોલવા દઈએ. વાણી એ અભિવ્યક્તિનું માધ્યમ છે, જેને જેમ ફાવે તેમ બોલે; ગમે તે રીતે વિચારવિનિમય તો થશે જ, સામેવાળો સમજી પણ લેશે. મૂંગો માણસ પણ ઈશારાઓથી પોતાની વાત સમજાવે તો છે જ ને !  પરંતુ એ જ વાક્યને જ્યારે લખવાનું આવે; ત્યારે લખનારે, જો તે શિક્ષિત હોય તો, ‘મેં કેળું ખાધું’ એમ જ લખવું જોઈએ. ‘કેળુ’ માં અનુસ્વાર કે જોડણીની ભૂલ હોઈ તેને ‘ઊંઝકો’ પણ સ્વીકારશે નહિ; આમ છતાંય આપણે એ શબ્દને બાજુ પર રાખીએ, તો પણ પેલાં કર્તાવાચક સર્વનામોનું શું કરીશું ! કોઈપણ માતૃભાષા વ્યાકરણથી શીખાતી નથી, સાંભળીને જ શીખાય છે. અહીં માતા બાળકને વ્યાકરણનો એવો કોઈ નિયમ શીખવતી નથી કે સકર્મક ક્રિયાપદ ભૂતકાળમાં હોય, તો કર્તાને ત્રીજી  વિભક્તિનો ‘એ’ પ્રત્યય લાગે. કર્તા તરીકે (રમેશ) નામ હોય, તો  ‘રમેશે’ લખાય; અહીં ‘હું’ સર્વનામ છે, એટલે નિયમની રીતે તો ‘હું’એ થાય, પણ બોલચાલમાં તો ‘મેં’ (જેમાં ‘હું’એ = ‘મેં’ જ છે !) જ વપરાય છે અને તેને જ ભણેલા કે શહેરી માણસો પ્રયોજતા હોય છે.

કોઈ માણસ કોઈના ઉપર ગુસ્સે થઈને મૌખિક રીતે જે ગાળો ભાંડે, તે જ ગાળોને પોસ્ટકાર્ડમાં લખીને સામેવાળાને મોકલી આપે તો તેણે પેલાને ગાળો ભાંડ્યા હોવાની લેખિત સાબિતી આપી ગણાય. મૌખિક બોલાએલી ગાળો હવામાં શમી જશે, પણ પેલી લેખિત ગાળોને તો પેલો બીજાઓને વંચાવતો ફરશે અને પોતે પણ વાંચતો રહેશે અને પોતાની માનહાનિને સરભર કરવા પોતે બદનક્ષીનો દાવો પણ ઠોકી શકે ! કહેવાનું તાત્પર્ય એ છે કે માણસે કંઈપણ અશોભનીય લખાણ લખતાં પહેલાં સત્તર વખત વિચારી લેવું જોઈએ, બસ તેમ જ અશુદ્ધ લખાણ લખતાં પહેલાં માણસે એક વાર તો વિચારવું જ જોઈએ. માણસ નાનું હોય કે મોટું હોય પણ તેણે, જો તેને માતૃભાષા પ્રત્યે સાચો પ્રેમ હોય તો, સાચું લખવાનો પ્રયત્ન તો કરવો જ રહ્યો. મારા ગામમાં એક નાના દુકાનદારે પાટિયા ઉપર ગુજરાતીમાં ‘રેડીમેન્ટ ગારમેન્ટ’ લખ્યું છે તે જો મને ખટકતું હોય, તો મને ‘આટો દળવાની ઘંટી’ લખેલું પણ ખટકવું જોઈએ. પણ ના, ‘એ તો ભાઈ આટો દળવાનું’ બોલવાનું રૂઢ થઈ ગયું છે, એટલે એ તો ‘બદલાવ’ થયો ગણાય ! આટાને પણ દળીને કદાચ મેંદો  બનાવવામાં આવતો પણ હોય !  એવું તો ઘણુંય ખોટું બોલાય છે; જેમ કે, ‘ઘઉં વીણવા (કાંકરા નહિ, હોં કે!) વગેરે’.

હું બ્લૉગર તરીકે દ્વિભાષી – Bilingual (ગુજરાતી-અંગ્રેજી) લેખક છું. મારી ચોકસાઈ બંને ભાષાઓ માટે સરખી હોવી જોઈએ. હવે હું અંગ્રેજી માટે સો સો વખત લેક્સિકોનને ફંફોસતો હોઉં, તો ગુજરાતી માટે પણ મારે તેમ જ કરવું જોઈએ. પણ ના, એ તો ગુજરાતી છે, શું-શાં છે, ભાષા તો પરિવર્તનશીલ છે, સામેવાળો સમજે એટલે પત્યું, પાડી-પાડાનું જાણીને શું કામ છે – ભેંસમાલિકે બળી મોકલી એ જ આપણા માટે મહત્ત્વનું, આવી બચાવપ્રક્રિયા (Defence Mechanism)ની ઓથ લઈને હું મન ફાવે તેમ લખ્યા કરું અને પછી ઢોલ પીટીને  લોકો આગળ ગીત ગાતો ફરું કે ‘મને ગુજરાતી પ્રત્યે પ્રેમ છે, પ્રેમ છે, પ્રેમ છે !’ તો તે કેવું વિરોધાભાસી લેખાશે ! માફ કરજો; મિત્રો, અહીં હું મારી જાત ઉપર આ બધાં દોષારોપણો સ્વેચ્છાએ લઈ લઉં છું. મારો પોતાનો પણ એવો કોઈ દાવો નથી કે મારાં લખાણોમાં કોઈ ભૂલો હોય જ નહિ, મારી પણ અસંખ્ય ભૂલો હોઈ શકે છે. મારા ગુજરાતી સાથેના એમ.એ. (Dropped) સુધીના અભ્યાસકાળ અને હાલના સમયની વચ્ચે મારી ધંધાકીય વ્યસ્તતાના કારણે અડધી સદી પસાર થઈ ગઈ હોઈ  ઘણું વિસારે પડ્યું પણ હોય ! આ  કારણે જ તો મેં વેગુના લેખોનું પ્રથમ પ્રુફરીડિંગ જ સ્વીકાર્યું છે, બીજી ચાળણી જુગલભાઈની લાગતી હોય છે. હજુ હું પણ ‘ઇચ્છા’, ‘ઇજનેર’ જેવા શબ્દો ટાણે અવઢવમાં રહેતો હોઉં છું અને મારાં લખાણોમાં હું ‘મરજી’ કે ‘એન્જિનિયર’થી કામ કાઢી લેતો હોઉં છું. પરંતુ અન્ય લેખકના લખાણના પ્રુફરીડિંગમાં હું શબ્દ બદલી ન શકું અને તેથી જ હું અસંખ્યવાર ‘સ્વ. રતિકાકા’ના શરણે જતો હોઉં છું.

હું જ્યારે કોઈ લખાણ ડ્રાફ્ટ કરતો હોઉં છું, ત્યારે મારા કોમ્પ્યુરના છેક નીચેના ભાગે ગુજરાતી લેક્સિકોનને Minimize કરેલું માઉસવગું રાખતો જ હોઉં છું. આપણા જમાનામાં શિક્ષકો આપણને ભણાવતા હતા અને આપણે તેમની સામે બેસી રહીને માત્ર સાંભળ્યા કરતા હતા અને એ અર્થમાં આપણે સંપૂર્ણત: પરાવલંબી હતા. આજે ભણતરની પદ્ધતિઓ બદલાઈ હોઈ વિદ્યાર્થીઓ સ્વાધ્યાય પદ્ધતિથી ભણે છે. આપણે બ્લૉગરોએ પણ સ્વાધ્યાય કરતાંકરતાં ઉત્તરોત્તર પ્રગતિ કરતાં રહેવું જોઈએ. મારું માનવું છે કે જો આપણું લખાણ દોષરહિત કરવાની આપણી નિષ્ઠા હશે તો બધું જ શક્ય છે. આપણે આપણા લેખને બ્લૉગ ઉપર મૂકવા પહેલાં બેત્રણ વખત વાંચી જઈશું, તો પણ આપણને આપણી ઘણી ભૂલો મળી આવશે જ. મિત્રો, મારા શબ્દો આકરા પડે તો માફ કરશો; પરંતુ હું કહીને જ રહીશ કે જો ભાષાસુધારણાની આપણી દાનત જ ન હોય, તો આપણે બ્લૉગીંગ પ્રવૃત્તિને નવ ગજના નમસ્કાર કરી લેવા જોઈએ. ગમે તેવું ઘસડી કાઢીને અને તેને બ્લૉગ ઉપર મૂકી દઈને વાચકો અને એમાંય ખાસ તો ભણતાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને અવઢવમાં નાખીને તેમને ભાષાકીય શુદ્ધતાની બાબતમાં ગેરમાર્ગે દોરવાનો આપણને કોઈ અધિકાર નથી.

ભાષાશુદ્ધિના વ્યવહારુ ઉપાયોમાં અહીં એક સામાન્ય નુસખો આપ મિત્રોને બતાવવા માગું છું. ગુજરાતી આપણી માતૃભાષા હોઈ એક જ શબ્દના અનેક વૈકલ્પિક શબ્દોને આપણે જાણતા હોઈએ છીએ. જોડણીની શંકાકુશંકા ન રહે તેવો શબ્દ આપણે પ્રયોજીએ તો ઘણી ભૂલો નિવારી શકાય. ઉદા. ‘કોશિશ’ના બદલે ‘પ્રયત્ન’, ‘શુશ્રૂષા’ના બદલે ‘સારવાર’, ‘હોસ્પિટલ’ના બદલે ‘દવાખાનું’, ‘વૈજ્ઞાનિક’ના બદલે ‘વિજ્ઞાનશાસ્ત્રી’, ‘કિંમત-કીમત’ના બદલે ‘ભાવ’, ‘હોશિયાર’ના બદલે ‘ચાલાક-ચતુર’, ‘દુનિયા’ના બદલે ‘જગત’, ‘શ્વસુર’ના બદલે ‘સાસરો-સસરો’ લખી શકાય.

આપણા ગુજરાતી બ્લૉગરોના હળવેથી કાન આમળતો (જેમાં મારો કાન પણ આમળવામાં આવ્યો છે, તેમ સૌએ માનવાનું રહેશે !) એક લેખ ‘વલદાની વાસરિકા’ ઉપર ટૂંક સમયમાં આવશે જ, એટલે રસભંગ ન થાય તે હેતુએ એ અંગે હું મૌન સેવું છું; પરંતુ તેના ઉપસંહારરૂપે એક વાત અહીં જણાવીશ કે જો ગુજરાતી બ્લૉગીંગ પ્રવૃત્તિ આમ ને આમ નવાં દશેક વર્ષ સુધી ચાલુ રહી તો આપણાથી જ ગુજરાતી ભાષાનું ધનોતપનોત નીકળી જશે ! એમ કહેવાય છે કે ‘કમજોરને ખૂબ ગુસ્સો આવે !’ અને તેથી જ કોઈ મિત્રોને થોડાક ગુસ્સે કરવાનું સાહસ કરીને પણ કહીશ કે આજકાલ બ્લૉગર એ નેટજગતના બાદશાહ જેટલી નિરંકુશ સત્તાઓ ભોગવી રહ્યો છે. આપણે આ લેખના વિષયના સંદર્ભમાં જ વિચારીએ તો આપણું કોઈ રણીધણી નથી. આપણે મન ફાવે તે લખી શકીએ છીએ, મન ફાવે તેમ લખી શકીએ છીએ; કારણ કે આપણે પોતે જ આપણા લેખના લેખક હોઈએ છીએ, આપણે પોતે જ તેના સંપાદક હોઈએ છીએ અને તેના પ્રકાશક પણ આપણે જ હોઈએ છીએ. વળી કોઈ આકળો પ્રતિભાવક પોતાના પ્રતિભાવમાં રોકડું પરખાવે તો  તેને રદ (Delete) કરવાનો અધિકાર પણ આપણા જ હાથમાં  હોય છે ! અન્ય શબ્દોમાં કહીએ તો આપણે સરમુખ્યતાર હોઈએ છીએ, જેમ કોઈ શાસક ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્રને પોતાના જ અંકુશ હેઠળ રાખતો હોય ! મારી આ કઠોર વાતને હવે સાવ હળવી રીતે નીચેના એક ઉદાહરણથી સમજાવીશ.

સાડીઓના કે એવા કોઈ ડ્રેસ મટિરિઅલના વેચાણ (Sale) માટેની અખબારના પાના ઉપર એક જાહેરાત હતી કે ‘ફલાણી રૂ. ૫૦૦/- ની વસ્તુ રૂ. ૫૦/– માં, ઢીંકણી રૂ. ૭૦૦/- ની વસ્તુ પણ માત્ર રૂ.  ૫૦/- માં; પૂંછડી રૂ. ૧૫૦૦/- ની વસ્તુ પણ માત્ર અને માત્ર રૂ. ૫૦/- માં જ. મારો માલ છે, મને કોણ પૂછનાર છે કે હું મારો માલ આટલો સસ્તો કેમ આપું છું ! આ મારો માલ છે; એને હું દરિયામાં પધરાવું, એને હું દીવાસળી ચાંપું કે પછી મફતમાં લુંટાવી દઉં ! છે કોણ માઈનો લાલ, મને પૂછવાવાળો ?’

મિત્રો, સાનમાં સમજો તો સારું છે, (અત્રે) માફકસરનું લખાણ ન્યારું છે !!! ધન્યવાદ.

– વલીભાઈ મુસા

 

Tags: , ,

(૩૯૨-અ) ગુજરાતી ભાષા અને સાહિત્ય અંગેની કેટલીક અલપઝલપ વાતો

[‘વલદાની વાસરિકા’: સંપાદકીય પરિચય

શ્રી વલીભાઈ મુસા…આ નામ આંખને કે કાનને નવું તો નહીં જ લાગે. એમના બે ભાષામાં લખાતા બ્લૉગ ‘William’s Tales’ અને ‘વલદાનો વાર્તાવૈભવ’ જોયા છે ને ? આપણી વેગુની આ સાઈટની ડાબી બાજુએ ‘વેગુ સમર્થકો’ના બ્લૉગની યાદીમાં આ બન્ને બ્લૉગ નજરે પડશે.  જરૂર મુલાકાતે જજો.

 કોઇને એમ પણ સવાલ થશે એ કે આપણા બ્લૉગભ્રમણવાળાં મૌલિકા દેરાસરી અમને કેમ ત્યાં લઈ ન ગયાં? કબૂલ… કારણ માત્ર એટલું કે તેઓ તો સંપાદકોએ દોરેલી લક્ષ્મણરેખા – “ખબરદાર…! જે લોકો વેબગુર્જરી સાથે સંકળાયેલા હોય એમના બ્લૉગ પર કદી પગ ન મૂકજો!” –ને સાચવીને બ્લોગભ્રમણ કરતાં અને કરાવતાં રહ્યાં છે.

 ઓહો, ત્યારે એમ વાત છે….! હા, સાચી જ વાત છે. વલીભાઈ વેબગુર્જરી સાથે સીધી રીતે સંકળાયેલા છે.

આપણે વલીભાઈના લેખ વેગુ પર, આ પહેલાં પણ વાંચ્યા અને માણ્યા છે. તે લેખોને પણ હવે આ (નવા) વિભાગ ‘વલદાની વાસરિકા’  હેઠળ સાંકળી લીધા છે. અને તેથી જ શીર્ષકમાં (૬)નો આંકડો દૃશ્યમાન છે. હવે આ ક્રમ આગળ વધશે.

જેમ જેમ પરિસ્થિતિ બદલાતી જાય તેમ તેમ થતા રહેતા ફેરફારોને અનુરૂપ, તેમના બ્લૉગની લિંક ઉપરાંત હવે એમનાં લખાણો પણ, નિયમિતપણે, વેબગુર્જરીને મળશે….ક્યારેક કોઈ શ્રેણીના ભાગરૂપે, તો ક્યારેક કોઈ નવા વિષય પર લખીને.

 આવો, આજે મંગલાચરણમાં તેમની વાસરિકાનાં પાનાં પર એમણે શું લખ્યું છે તે વાંચીએ…

    –     સંપાદકો, વેબ ગુર્જરી.]

  • * * * * *

વિદ્વાન-વિદુષી ગુજરાતી-ગુજરાતણ ભાઈ-બહેનો,

અલ્પ વિરામે હું ઉપસ્થિત છું, આપ સૌની સામે એવી કેટલીક અલપઝલપ વાતો સાથે કે જેથી આપ સૌ કંઈક હળવાશ અનુભવવાની સાથેસાથે ગુજરાતી ભાષા અને સાહિત્ય અંગે કંઈક ખૂણાખાંચરાનું વિશેષ જાણી શકો.

(૧) શ્રી જુગલકિશોરભાઈના બ્લોગ ‘Net-ગુર્જરી’ ઉપરના કવિશ્રી સુંદરમ રચિત ‘અનુસ્વાર અષ્ટક’ના વાંચન દ્વારા હળવા મનોરંજન સાથે જોડણીમાંની અનુસ્વારની ગંભીરતાને સુપેરે સમજી શકાશે.

(૨) ગુજરાતી વ્યાકરણમાં એક્વચન/બહુવચન માટેનો કંઈક આવો નિયમ છે : “બે અથવા બેથી વધારેને બહુવચન કહેવાય.” (હિંદીમાં દ્વિવચન પણ છે.) હવે આ નિયમ આ ઉદાહરણમાં ખોટો પડતો લાગશે. એક (૧.૦) રૂપિયો, સવા (૧.૨૫) રૂપિયો, દોઢ (૧.૫) રૂપિયો, પોણા બે (૧.૭૫) રૂપિયા ! અહીં દોઢ (૧.૫) સુધી એકવચન રહે છે, પરંતુ પોણા બેથી (નહિ કે બે થી !) બહુવચન શરૂ થાય છે !!!

(૩) કવિશ્રી મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’ દ્વારા લિખિત ખંડકાવ્ય “વસંતવિજય”માં ‘કંપમાના પડે/લીધી માદ્રી નરેન્દ્ર ભુજની મહીં” પંક્તિમાંના ‘પડે/લીધી’ શબ્દોને પુસ્તકના છાપકામ દરમિયાન અનેક વાર બદલાવાયા હતા.

(૪) કવીશ્વ્રર દલપતરામ અને એલેકઝાન્ડર કિન્લોક  ફોર્બ્સ વચ્ચે એક ગેરસમજના કારણે વિવાદ ઊભો થયો હતો. ફોર્બ્સને દલપતરામ પાસેથી ગુજરાતી શીખવું હતું. ફોર્બ્સે (અંદાજે લખું છું, સત્તાવાર આંકડો ગૌણ બાબત છે.) રૂ|. ૨૫૦/- ટ્યુશન ફી કહી. દલપતરામે કહ્યું હતું, ‘અમે એક દીકરી સાથે કુટુંબમાં ત્રણ જણ છીએ. મને આટલી ઓછી રકમ નહિ પોષાય.’ પાછળથી ખુલાસો થયો કે ફોર્બ્સે એ રકમ દર મહિને આપવાનું કહ્યું હતું અને દલપતરામ એ રકમને વાર્ષિક સમજ્યા હતા. એ જમાનામાં ખેતસાથીઓનો પગાર વાર્ષિક બોલાતો હતો. આજે અમેરિકામાં નોકરિયાતનો પગાર વાર્ષિક બોલવાનો રિવાજ છે. આંકડો મોટો દેખાડવાનો આશય તો નહિ હોય ને !

(૫) દલપતરામે તેમના કાવ્યસર્જનમાં વરસાદી વાતાવરણને અનુલક્ષીને પ્રથમ કડી આ લખી હોવાનું મનાય છે. ‘સાગ (બારસાખ/મોભ)  ઉપર કાગ બેઠો અને રથે (ઘંટીએ) બેઠાં રાણી (પત્ની), બંદા બેઠા માંચીએ (ખાટલે) અને દુનિયા ડહોળે પાણી’ દલપતરામની પ્રારંભિક કાવ્યરચનાઓ જોડકણાં પ્રકારની હતી.

(૬) ઉત્તમ વાર્તાકાર રા. વિ. પાઠકે ‘ખેમી’ વાર્તામાં કોઈ અલંકારો કે એવા કોઈ ભારેખમ વર્ણન વગર માત્ર ‘ખેમી રાંડી’ એવા બે શબ્દો દ્વારા કરુણરસ જમાવ્યો હતો.

(૭) સાહિત્યમાં, ઘણી વાર આલંકારિક પ્રતિકાત્મક શબ્દપ્રયોગો એક અથવા બીજી રીતે તેમ જ યથાવત્ અથવા ઓછા કે વધતા અંશે રૂપાંતરિત સ્વરૂપે મળતા આવતા હોય છે. જ્યારે હું અનુસ્તાક કક્ષાએ અભ્યાસ કરી રહ્યો હતો, ત્યારે એકીસાથે મારે ગુજરાતીમાં શ્રી ગોવર્ધનરામ એમ. ત્રિપાઠી રચિત ‘સરસ્વતીચન્દ્ર’ ભાગ-૪ અને અંગ્રેજીમાં Thomas Hardy રચિત ‘The Return of the Native’ વાંચવાનું બન્યું હતું. મેં મારા ગુજરાતી અને અંગ્રેજીના બંને વિભાગીય વડા સાહેબો (HOD)ના ધ્યાને એક વર્ણન તે બંનેમાં સમાન હોવાની વાતને લાવી દીધી હતી. બંને વર્ણનો અનુક્રમે નદી અને પહાડી પગદંડી વિષેનાં હતાં. એ બંનેમાં સામાન્ય શબ્દસમૂહો કે વાક્યો કંઈક આ પ્રમાણે હતાં : “તે (બંને) વયોવૃદ્ધ માણસના માથા ઉપરની સેંથી (Parting line)ની જેમ પસાર થઈ રહ્યાં હતાં.”

(૮) ગુજરાતી સાહિત્યની નંદશંકર તુળજાશંકર મહેતા રચિત પહેલી નવલકથા ‘કરણ ઘેલો’ માંના ‘બાગલાણનો કિલ્લો’ પ્રકરણમાંની છેલ્લી લીટીએ જ ખબર પડે કે આ નવલકથાનું પ્રકરણ છે, નહિ તો એમ જ લાગે કે આ તો ‘કિલ્લા’ ઉપરનો નિબંધ જ છે.

(૯) ગુજરાતી સ્વરોમાં ઇ-ઈ અને ઉ-ઊ ની જેમ ઋ પણ દીર્ઘ હોય છે.

(૧૦) ગુજરાતી ટાઇપરાઇટરમાં કોઈ શબ્દમાં હૃસ્વ ઇ હોય તો તેને પહેલી છાપવી પડતી હતી. દા.ત. દુનિયા (દ્, ઉ, ઇ, ન્, ય્, આ)

(૧૧) અંગ્રેજી ભાષામાં ખ, ઘ, છ, ઠ, ઢ, ણ, ત, ભ, ષ, ળ, જ્ઞ વગેરેના ઉચ્ચારો છે જ નહિ અને તેથી તેના સ્વતંત્ર વ્યંજનો (alphabets) નથી. આ વ્યંજનો માટે આપણે ગુજરાતીમાં h કે hh ની મદદ લેતા હોઈએ છીએ; જેમ કે, kh, gh, chh, th, dh, bh વગેરે.

(૧૨) અંગ્રેજી T ના ત્ અને ટ્ તથા TH ના થ્ અને ઠ્ એમ બંને વિકલ્પો લેવાતા હોઈ જે તે લોકોમાંનાં પ્રચલિત નામોથી કોઈ અજાણ લોકો દ્વારા તલાજીને ટલાજી, ટોડરમલને તોડરમલ, થાનકીને ઠાનકી અને ઠાકોરને થાકોર બોલાવાની સંભાવના રહેતી હોય છે.

(૧૩) ન. ભો. દિવેટિયાના પુત્રનું નાની વયે અવસાન થતાં તેમને થએલી દુ:ખની લાગણીની અભિવ્યક્તિ રૂપે વિખ્યાત ભજનકાવ્ય ‘મંગલ મંદિર ખોલો દયામય’ નું સર્જન થયું.

(૧૪) અરદેશર ફરામજી ખબરદારની પુત્રી તેહમીનાના યુવાન વયે થએલા અવસાનને કારણે શોકમગ્ન કવિએ આપણને ‘દર્શનિકા’ નામે દીર્ઘ કાવ્ય આપ્યું. નરસિંહ મહેતાનાં પ્રભાતિયાંના મધુર એવા ઝૂલણા છંદમાં આખું ‘દર્શનિકા’ લખાયું છે. ધર્મ, તત્ત્વજ્ઞાન અને જીવનના મર્મને સમજાવતું આ દીર્ઘ ગેયકાવ્ય ગુજરાતી સાહિત્યનું અણમોલ ઘરેણું છે.

(૧૫) સાહિત્ય કે ચલચિત્રોમાં પ્રણય ત્રિકોણ તો નિરૂપાતો હોય છે, પરંતુ કવિ કલાપીના જીવનમાં દાંપત્ય ચતુષ્કોણ રચાયો હતો. રમા (રાજબા), કેસરબા (આનંદીબા) અને શોભના (મોંઘી) એ ત્રણ સત્તાવાર રાણીઓ અને ચોથા તેમના પોતાના થકી રચાએલા આ ચતુષ્કોણ દ્વારા ગુજરાતી સાહિત્યને આત્મલક્ષી (સ્વાનુભવરસિક) એવું ઉમદા પ્રણયસાહિત્ય મળ્યું.

(૧૬) રા. વિ. પાઠક ત્રણ તખલ્લુસ (ઉપનામ) ધરાવતા હતા; કવિ તરીકે ‘શેષ’, વાર્તાકાર તરીકે ‘દ્વિરેફ’ અને નિબંધકાર તરીકે ‘સ્વૈરવિહારી’.

(૧૭) જ્યોતીન્દ્ર હ. દવે એક કૉલેજમાં પોતાની પત્ની સાથે વક્તવ્ય આપવા ગયા હતા. તેમણે પ્રારંભિક સંબોધનમાં આમ કહ્યું હતું : ‘ભાઈઓ અને મારી સાથે આવેલી આ એક સ્ત્રીના અપવાદે સઘળી બહેનો !’ તો વળી, અન્યત્ર માત્ર પુરુષોની સભામાં તેમણે આમ કહ્યું હોવાનું અનુમાન કરી શકાય કે ‘ભાઈઓ અને (પોતપોતાના) ઘેર હાજર બહેનો !!!’

-વલીભાઈ મુસા

લેખકશ્રીની પાદ નોંધઃ આ લેખ ભૂતકાલીન સંસ્મરણો ઉપર આધારિત હોઈ તેમાં સ્મૃતિદોષની સંભાવનાઓ રહેલી છે, જે મારી છટકબારી માટે નહિ; પરંતુ એવી કોઈ ક્ષતિ તરફ મારું ધ્યાન દોરવા માટે લખું છું.

 

Tags: , , , , , , , , , , ,