(મારી આ લેખશ્રેણીની ‘વાસરિકા’ એવા ગુજરાતી ભાષાના શબ્દ થકી ઓળખ આપવામાં આવી છે, જે અંગ્રેજી શબ્દ ‘’Diary’ના અર્થમાં છે. અપ્રચલિત એવા આ શબ્દપ્રયોગના સમર્થનમાં અને વ્યાકરણ જેવા ભારે વિષયને હળવો બનાવવાના હેતુએ મેં મારા લેખના પ્રારંભના ફકરામાં કોમ્પ્યુટરને લગતા કેટલાક અંગ્રેજી શબ્દોના સમાનાર્થી ગુજરાતી શબ્દોને જાણીબુઝીને પ્રયોજ્યા છે ! નમ્ર ખુલાસો.)
* * *
લેખારંભે કહું તો, અત્રે આપ સુજ્ઞ વાચકો મારા આજના વિષયને ‘ઊંઝા જોડણી’ ના શાંત પડેલા ભૂતને ફરી ધુણાવવાનો મારો અટકચાળો નહિ જ સમજો તેવી મારી અટકળને મદ્દેનજર રાખીને અને તે અટકળને હકીકત તરીકે પ્રસ્થાપિત કરવા હું સાવધ અંગુલિટેરવાંએ મારા ગણકયંત્ર (Computer)ના કૂંચીપાટિયા (Key Board) થકી દર્શક/પટલ (Monitor/Screen) ઉપર અક્ષરાંકન (Typing) કરી રહ્યો છું.
સર્વપ્રથમ તો મારા દોસ્તદાર હરનિશભાઈ જાની આગળ મારી શુક્રગુજારી પેશ કરું છું. કેમ કે આપણા વેગુ ઉપર તાજેતરમાં જ પ્રસિદ્ધ થએલા તેમના હળવા લેખ ‘જોડણી એક – અફસાને (કહાણીઓ) હજાર’ ઉપર લખાએલા મારા વ્યંગાત્મક પ્રતિભાવમાં મારાથી સાહજિક રીતે ‘ઊંઝાજોડણી’નો ઉલ્લેખ થઈ ગયો અને તે જ ‘ઉલ્લેખ’ મારા આજના લેખનો વિષય બની જાય છે.
‘ઊંઝાજોડણીવિચાર’ના પાયાના પથ્થરોમાંના એક શ્રી વિનાયક રાવલ (અસાઈત સાહિત્યસભાવાળા) મારા અનુસ્નાતકીય વિદ્યાકાળથી મિત્ર છે. ભલું થજો એમનું કે તેમણે આજ લગણ મારી આગળ ‘ઊંઝા’નો ‘ઊં’ પણ ઉચ્ચાર્યો નથી ! જોકે મારા ધંધાવ્યવસાયમાં વ્યસ્ત એવા મેં ગુજરાતી ભાષાની જોડણી અંગેની આ નવીન વિચારધારાની ગતિવિધિ તરફ પ્રસંગોપાત ધ્યાન તો આપ્યે જ રાખ્યું છે.
વિજ્ઞાનના ગુરુત્વાકર્ષણના નિયમના શોધક આઈઝેક ન્યુટન વિષે વિજ્ઞાનપ્રેમીઓ જાણે જ છે કે એ મહાશય સફરજનના ઝાડ નીચે બેઠા હતા અને ઝાડની ડાળીએથી તેમને બે ફળ પ્રાપ્ત થયાં હતાં : એક, સફરજન પોતે; અને બે, ગુરુત્વાકર્ષણના નિયમનો પ્રારંભિક વિચાર ! આજે મને પણ એવો જ એક વિચારશીલ વિચાર (Thoughtful thought) આવે છે કે ‘ઊંઝાજોડણી’વાળા કે જેમને હવેથી ટૂંકમાં ‘ઊંઝામિત્રો’ તરીકે ઓળખાવવામાં આવશે તેઓમાંના કોઈ એક કે અનેકને ‘એક ઈ (દીર્ઘ ઈ) અને એક ઉ (હૃસ્વ ઉ) તથા અન્ય સરલીકરણો’ અંગેના વિચાર કે વિચારો ક્યાંથી આવ્યા હશે !
ઊંઝામિત્રોના ‘સફરજનના ઝાડ(!)’ નજીક આવવા પહેલાં વચ્ચે એક આડવાત કહી દઉં કે મારી એક ઈ-બુક ‘હળવા મિજાજે – લલિત નિબંધો અને પ્રકીર્ણ લેખો’માંના એક લેખ ‘ટાઈમપાસ તરંગી પ્રશ્નોત્તરી’માં મેં એક પ્રશ્ન આ પ્રમાણે મૂક્યો હતો કે ‘મોટા સ્ટોર (Mall)ના માલિકો ‘એક ખરીદો, એક મફત મેળવો’ એવી જાહેરાત ક્યાંથી શીખ્યા હશે ?’ આનો મારો પ્રત્યુત્તર હતો : ‘ખેડૂતો પાસેથી ! તેઓ ગાયો કે ભેંશો વેચતી વખતે બચ્ચાં મફત આપતા હોય છે !’
હવે હું ઉપરોક્ત આડવાતના અનુસંધાને મૂળ વાત ઉપર આવું તો મારી સંભાવનાએ પેલા ઊંઝામિત્રો ‘જોડણીસુધાર(!)’ના મુદ્દે જે વિચારતા થયા હશે તેનું ઉદગમસ્થાન અન્યત્રે નહિ, પણ ખુદ ‘સાર્થ જોડણીકોષ(શ)’ પુસ્તક અને એ પુસ્તકની ઓળખ માટેના ‘જોડણીકોશ(ષ)’ શબ્દમાં જ હોવું જોઈએ ! મહાત્મા ગાંધી દ્વારા પ્રેરિત અને પુરસ્કૃત એવા ગુજરાત વિદ્યાપીઠ દ્વારા પ્રકાશિત જોડણીકોષ(શ)માં પ્રસ્તાવનામાં જ આ મતલબનું લખવામાં આવ્યું છે કે ‘હવેથી કોઈને મન ફાવે તેમ ગુજરાતી ભાષાના શબ્દોની જોડણી કરવાની છૂટ રહેશે નહિ.’ આનો મતલબ એમ થાય કે ગુજરાતી ભાષાના શબ્દોની જોડણી સાચી હોવાનું માત્ર અને માત્ર આ સાર્થ જોડણીકોશ(ષ) દ્વારા જ પ્રમાણિત કરી શકાશે. હવે આ જ જોડણીકોશ(ષ)માં ખુદ ‘જોડણીકોષ(શ) શબ્દ પોતેથી લઈને ઘણા એવા શબ્દોમાં અપવાદ રૂપે બંને પ્રકારની જોડણીઓને માન્ય રાખવામાં આવી છે; ઉદાહરણ તરીકે : પ્રમાણિક-પ્રામાણિક, નહિ-નહીં, રાત્રિ-રાત્રી, કિંમત-કીમત વગેરે ! આમ હવે જો કેટલાક શબ્દો માટેની બંને જોડણીઓને સાચી હોવાનું સ્વીકારી લેવામાં આવતું હોય અને તેમાં અર્થાન્તર થઈ જવાનો કોઈ ભય રહેતો ન હોય તો પછી એ ‘સ્વીકાર’ને તમામ શબ્દોમાં હૃસ્વ (ઇ-ઉ) કે દીર્ઘ (ઈ-ઊ) તરીકે કેમ લાગુ ન પાડી શકાય !’
ઉપરોક્ત ‘અર્થાન્તર’ શબ્દનો અર્થ છે ‘અન્ય અર્થ’. ઊંઝામિત્રોની જેમ ‘સાર્થ જોડણીકોશ’વાળાઓને પણ સંક્ષિપ્ત ઓળખે ‘સાર્થમિત્રો’ કહીએ તો તેમના મતે ગુજરાતી ભાષાના જે તે શબ્દની સાર્થ જોડણીકોશ મુજબ થતી જોડણી સાથે કોઈ ચેડાં થવાં જોઈએ નહિ. તેમની દલીલ છે અને તે કેટલાક અંશે સાચી પણ છે કે આમ જોડણીને સરલીકરણના દાવા અને દુહાઈ હેઠળ ફેરબદલ કરી દેવાથી ઘણા શબ્દોના અર્થના અનર્થ પણ થઈ શકે છે. આ વાત એટલા જ અંશે સાચી છે કે જે તે વિધાન જ્યાં લિખિત સ્વરૂપે હોય ત્યાં જોડણીનો સવાલ આવે અને આગળ પાછળ કોઈ સંદર્ભ ન હોય તો તેવા શબ્દનો અર્થ કળવો મુશ્કેલ બની જાય. પરંતુ બોલાતી ભાષામાં જે તે શબ્દોના આપણે માત્ર ઉચ્ચારો જ કરતા હોઈએ છીએ.‘વારિ’ કે ‘વારી’ શબ્દોના ઉચ્ચારોમાં સૂક્ષ્મ સમયમાપક યંત્રથી ભલે ઓછાવધતો સમય નક્કી થઈ શકતો હોય, પણ બોલવામાં એ વધઘટ સમયનો અંદાજ આવતો નથી હોતો. આવા સમયે આગળપાછળના સંદર્ભથી કે પછી જે તે શબ્દની આગળપાછળ મુકાએલા કે બોલાએલા શબ્દ કે શબ્દો થકી અર્થગ્રહણ થઈ જ જતું હોય છે; ઉ.ત. ‘તે તેના ઉપર વારી ગયો.’ અને ‘અવનિ પરથી નભ ચઢ્યું વારિ, પડે જ પાછું ત્યાં ને ત્યાં.’
મારા આટલા સુધીના લખાણ ઉપરથી કોઈ વાચક મારા વિષેનો એવો ખ્યાલ ન બાંધી લે કે હું ઊંઝામિત્રોનો મિત્ર છું અને સાર્થમિત્રોનો અમિત્ર છું. મારા એવા કેટલાય સાર્થ મિત્રોને જાણું છું કે તેઓ બિચારા ઊંઝાજોડણીના વિચારમાત્રથી જ દુ:ખી છે. તેઓ બળાપો કાઢતા હોય છે કે જો ગુજરાતીભાષામાં જોડણીની અંધાધૂંધી આમ પ્રવેશી જશે તો ગુજરાતી ભાષા ક્યાં જઈને અટકશે ! સવાઈ ગુજરાતી એવા એક સમયના (મારાથી ઉંમરમાં ઘણા મોટા હતા અને ઈશ્વર એવું ન કરે કે કદાચ તેઓ હયાત ન પણ હોય !) મારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મહારાષ્ટ્રીયન મિત્ર શ્રી જયરામ તટુ સાહેબની એક વાત મને અહીં યાદ આવે છે. તેમની દીકરીના ગુજરાતી લેખનકાર્યમાં ‘મંદિર’ શબ્દની ભૂલ કાઢીને તેણીના ગુજરાતીના શિક્ષકે ‘મંદીર’ એવી ખોટી જોડણીને દસ વખત સુધારવાની સજા આપી હતી. આ માટે પોતાના વ્યવસાયમાં વ્યસ્ત એવા તેમણે સમય કાઢીને દીકરીની શાળાના એ ગુજરાતી શિક્ષકની અને એ શાળાના આચાર્યની ઝાટકણી કાઢી હતી. શિક્ષકો પાસે સમયનો અભાવ અને વધુ પડતા કાર્યબોજની પાંગળી દલીલો સામે તટુ સાહેબનું કહેવું હતું કે ‘આવા છબરડા વાળવા કરતાં મારી દીકરીની જોડણીની ભૂલની અવગણના કરી હોત તો એ વધારે બહેતર ગણાત ! ‘મંદીર’ શબ્દને દસ વખત સુધારવા આપવાની સજાનો મતલબ એવો થયો કે મારી દીકરીએ ખોટી જોડણીને પાકી કરીને મગજમાં એવી ઠાંસી દેવી કે જે જીવનભર ભુલાય નહિ !’’
લેખની કદમર્યાદા એ ગહન વિષયોની અભિવ્યક્તિની મર્યાદા બની જતી હોય છે. એવા ગહન વિષયોને પ્રકરણો કે વિભાગોમાં વિભાજિત કરી શકાય, પણ અહીં એમ કરવાનો મારો કોઈ ઈરાદો ન હોઈ મારા લેખને એક જ સ્વતંત્ર લેખ તરીકેનો દરજ્જો આપીને તેને એકી ઝાટકે હું અહીં જ સમેટી લઉં છું; એ ખ્યાલ સાથે કે સુજ્ઞ વાચકો માટે પોતાના પ્રતિભાવો અભિવ્યક્ત કરવા અત્રે નીચે મોકળું મેદાન પ્રાપ્ય હોઈ તેઓ આ લેખમાંના વિચારોના સંવાદને (વિવાદ કે વિખવાદ નહિ, હોં કે !) બંને પક્ષે આગળ ધપાવી શકશે.
ધન્યવાદ.
-વલીભાઈ મુસા
[…] Click here to read in English […]