ગુજરાતી લેક્ષિકોનમાં ‘વાસરિકા’ના ઓછા જાણીતા અને રમૂજી એવા સમાનાર્થી શબ્દો મળે છે: ‘દૈનંદિની’ અને ‘દિનકી’; જ્યારે પ્રચલિત શબ્દ તો છે રોજનીશી. વેબગુર્જરીએ મારી લેખશ્રેણીનું ‘વલદાની વાસરિકા’ નામાભિધાન કરીને એક રીતે તો મને એવો ‘જાગતે રહો’ની મન:સ્થિતિમાં લાવી દીધો છે કે જેથી હું વેબગુર્જરીને કંઈક અવનવું આપવા માટે રોજેરોજ સતત વિચારતો રહું અને આ વાતનો મને આનંદ પણ છે. આજે વહેલી સવારે સુખશય્યાત્યાગથી જ ‘સજ્જતા’ શબ્દે મારા દિમાગનો કબજો લીધો છે અને આજકાલ ખૂબ જ વિસ્તરેલી એવી ગુજરાતી બ્લૉગિંગ પ્રવૃત્તિના પરિપ્રેક્ષ્યમાં જ તે અંગેની ચર્ચા કરીશ.
બિન સત્તાવાર પ્રાપ્ય માહિતિ બતાવે છે કે આજકાલ એકાદ હજારની સંખ્યામાં ગુજરાતી બ્લૉગ અસ્તિત્વ ધરાવે છે. હવે આ બધા બ્લૉગધારકોમાંના કેટલાકે, કે જેમાં મારો પણ સમાવેશ થઈ જાય, આત્મમંથન કરવું જોઈએ કે આપણે આપણી આ પ્રવૃત્તિમાં કેટલા ગંભીર છીએ અને તેમાં કેટલા પ્રમાણમાં આપણે સજ્જતા ધારણ કરી હોય છે. ‘વાડી રે વાડી, શું છે દલા તરવાડી; રીંગણાં લઉં બેચાર ? લે ને દસબાર !’ એવી એક્પાત્રીય અભિનયવાળી પ્રખ્યાત વક્રોક્તિને આપણે શબ્દાંતરે આમ ભજવી તો નથી રહ્યા કે, ‘બ્લૉગ રે બ્લૉગ, શું છે ભાઈ બ્લૉગર; પોસ્ટ મૂકી દઉં બેચાર ? અરે ભાઈ, મૂકી દે ને દસબાર!’ બસ, અહીં આપણે ગુણવત્તા (Quality)નો કોઈ વિચાર જ નહિ કરવાનો, માત્ર લેખ (Post)ની સંખ્યા ((Quantity) વધારેમાં વધારે થવી જોઈએ; જાણે કે ગિનેસ (Guinness) બુક ઓફ વર્લ્ડ રેર્કોર્ડ્ઝમાં વધારેમાં વધારે પોસ્ટ લખી નાખીને આપણે આપણું નામ સ્થાપિત કરાવી લેવાનું ન હોય !
દસકાઓ પહેલાં ભારતની કોઈક યુનિવર્સિટી વિષે એવું સાંભળવામાં આવ્યું હતું કે આર્ટ્સ (વિનયન)ની અનુસ્નાતક પરીક્ષામાં કેટલાંક વર્ષો સુધી પ્રયોગરૂપે પ્રશ્નપત્રના પ્રારંભે જ એવી સૂચના મૂકવામાં આવી હતી કે ‘ઉત્તરોની સંખ્યા નહિ, પણ તેની ગુણવત્તાને ધ્યાનમાં લેવામાં આવશે’. આનો મતલબ એમ હતો કે એકસો ગુણના પ્રશ્નપત્રમાં વીસવીસ ગુણવાળા પાંચ પ્રશ્નોના ઉત્તર લખવાના હોય; પરંતુ, આ સૂચના મુજબ જો કોઈ વિદ્યાર્થીએ પોતાના વિષયનો તલસ્પર્શી અને વિશદ અભ્યાસ કર્યો હોય અને તે ત્રણ કલાક સુધીમાં માત્ર એક જ પ્રશ્નનો ઉત્તર લખે અને તેને એ ઉત્તરના ૧૬ ગુણ આપવામાં આવે, તો તેના આખા પ્રશ્નપત્રના ૧૬ X ૫ = ૮૦ ગુણ ગણી લેવામાં આવે.
હવે ગુણવત્તા વિષેની ઉપરોક્ત વાતના અનુસંધાને આપણે બ્લૉગર અને બ્લૉગિંગના મુદ્દે આવીએ તો સર્વ પ્રથમ બ્લૉગરે પોતાનો જે વિષય કે વિષયો ઉપરનો બ્લૉગ હોય તેને વફાદાર રહીને ગુણવત્તાવાળું પ્રમાણસરના કદનું લખાણ મૂકવું જોઈએ. લખાણ લાંબું હોય તો તેને વિભાગોમાં પ્રસિદ્ધ કરવું જોઈએ. સુઘડ અને સુવાચ્ય કદના અક્ષરોમાં, વ્યવસ્થિત ફકરાઓમાં અને ઉચિત લાઈનદોરી (Justified Alignment)માં લખાણ પ્રદર્શિત થવું જોઈએ. બિનજરૂરી તરેહતરેહના રંગોમાંનું અને મોટામોટા કે ઝીણાઝીણા અક્ષરોવાળું લખાણ પહેલી નજરે જ વાચકને આકર્ષશે નહિ. કોઈ ચિત્રો કે અવતરણોને યથાયોગ્ય સ્થાનોએ યોગ્ય રીતે મૂકવાં જોઈએ. લેખના લખાણમાં જરૂરી હોય તેટલી જ મર્યાદિત સંખ્યામાં સાંકળતી કડીઓ (Links) મુકાવી જોઈએ; એવું તો ન જ બનવું જોઈએ કે સઘળી સાંકળતી કડીઓ અને લેખનું મૂળ લખાણ એમ બધું જ વાંચન વાચક માટે વધારે પડતું લાબું થઈ જાય. બ્લૉગમાં ધ્યાનમાં રાખવી જરૂરી એવી આ સઘળી બાબતોમાં ખૂબ જ મહત્ત્વની બાબત કે જેને હું અહીં છેલ્લે દર્શાવું છું તે એ છે કે લખાણ વ્યાકરણની અને જોડણીની ભૂલો વગરનું હોવું ખૂબ જ જરૂરી છે. આપણે ઊંઝાજોડણી કે સાર્થજોડણી એવી જે કોઈ રીતે લખતા હોઈએ તે રીતે ભલે લખીએ, પણ એ બંનેનું મિશ્રણ તો હરગિજ ન હોવું જોઈએ.
‘સજજતા’નો શબ્દકોશીય અર્થ થાય છે, તૈયારી કે પૂર્વતૈયારી. કોઈ પણ કાર્ય કે પ્રવૃત્તિને પાર પાડવા માટે આપણે કેટલા અંશે સક્ષમ છીએ તે પ્રથમ જાણી લઈને તેને અનુરૂપ કાર્યરીતિ અપનાવવી જોઈએ. આપણી આજની સજ્જતા જ આવતીકાલની સિદ્ધિ બની શકશે. વળી જ્યારે આપણે ‘સજ્જતા’ની વાત કરતા હોઈએ ત્યારે એ વાત પણ આપણા ધ્યાનમાં રહેવી જોઈએ કે આપણી ‘સજ્જતા’ને ‘અદ્યતનતા (Up-to-date status)’ કે ‘આધુનિકતાપણું (Latest position)’ પણ અપાતાં રહેતાં હોવાં જોઈએ. ‘અદ્યતનતા કે આધુનિકતાપણું અપાતાં રહેવા’નો મતલબ થાય છે, અવનવાં આવતાં જતાં સંશોધિત અને સંવર્ધિત કૌશલ્યોને અપનાવતા જવાની તત્પરતા.
સમાપને, આપણા વિષયને વિશાળ અર્થમાં અને કેટલાંક અન્ય પાસાંએ ધ્યાને લેતાં આપણે થોડુંક વિચારી લઈએ કે ‘સજ્જતા’નાં કોઈ માત્રા કે માપ હોઈ શકે ખરાં ? જી, ના. ‘સજ્જતા’ને કોઈ વજન, લંબાઈ કે કદની જેમ માપી કે પામી શકાય નહિ. પ્રવૃત્તિ હાથ ધરનાર પોતે જ ‘સજ્જતા’ને નક્કી કરવાનું વજનિયું, મીટર કે લિટરિયું બની શકે ! જે તે પ્રવૃત્તિ હાથ ધરવા પહેલાં વ્યક્તિને ખુદને પોતાની ‘સજ્જતા’ની માત્રા વિષેની જાણકારી હોય જ છે. આમ છતાંય જે વ્યક્તિ પોતાની અપૂરતી ‘સજ્જતા’ને અવગણીને કોઈ કાર્યમાં ઝંપલાવી દે છે, તો છેવટે તેને હાસ્યાસ્પદ પરિસ્થિતિ અને નિરાશાજનક પરિણામના ભોગ બનવું પડતું હોય છે. ‘હુમાયુની માંદગી અને બાબરની દુઆ’ના પ્રસંગ ઉપરના વગર સજ્જતાએ એકપાત્રીય અભિનય કરી બતાવવા માટે હરખપદુડા થએલા કોઈ કલાકારને જમીન ઉપર સૂઈ ગયા પછી જ્યારે પ્રેક્ષકોને જ પૂછવું પડે કે ‘પિતાજી’ એવા સંબોધન માટે હિંદી કે ઉર્દુમાં કયો શબ્દ છે અને પ્રેક્ષકોએ જ જ્યારે તેને ‘અબ્બાજાન’ શીખવવું પડે, ત્યારે માત્ર હાસ્યાસ્પદ જ નહિ પણ દયાજનક પરિસ્થિતિની હદ આવી ગએલી જ સમજવી પડે ને !
મારા પ્રાથમિક શિક્ષણકાળના ગુરુજન કે જે પોતે નાઈ જ્ઞાતિના હોવા છતાં એકદમ નિખાલસ ભાવે પેન્સિલ, રબર કે કંપાસબોક્ષ વગર નિશાળે આવેલા વિદ્યાર્થીને ‘અસ્ત્રા વિનાના હજામ’ તરીકે ઓળખાવતા અને તેઓશ્રી અને અમે બધા એકસાથે ખડખડાટ હસી પડતા ! મિત્રો, ‘સાધનો’ કે જેમાં પ્રવૃત્તિને સહાયક એવાં ભૌતિક ઉપકરણો કે અભૌતિક તકનીકી કૌશલ્યો પણ આવી જાય તે સઘળાંને પણ ‘સજ્જતા’ના ભાગરૂપ ગણતાં તેમને પણ અવગણી તો ન જ શકાય.
-વલીભાઈ મુસા
[…] Click here to read in English […]