હૈ બસ કિ હર એક ઉનકે ઇશારે મેં નિશાઁ ઔર (શેર ૭ થી૯)
મરતા હૂઁ ઇસ આવાજ઼ પે હર ચંદ સર ઉડ઼ જાએ
જલ્લાદ કો લેકિન વો કહે જાએઁ કિ હાઁ ઔર (૭)
[ચંદ= થોડુંક, કેટલુંક; જલ્લાદ= શિરચ્છેદ કરનાર]
ગ઼ાલિબ ઉપર વારી જઈએ તેવો આ શેર આપણને એ વિચારવા માટે મજબૂર કરશે કે તેમની ખોપરીમાં કોણ જાણે કેટકેટલી ભવ્ય કલ્પનાઓ ભરેલી પડી હશે કે જે તેમના શેરમાં પ્રસંગોપાત સહજપણે આવી જ જાય છે. આ શેરમાં આપણને માશૂકની એકતરફી દીવાનગીની પરાકાષ્ઠા અને સામા પક્ષે માશૂકાની એટલી જ દયાવિહીન નિષ્ઠુરતા એક સાથે જોવા મળશે. પહેલા ઉલા મિસરામાં માશૂક તેમની માશૂકાના અવાજ ઉપર એવા મુસ્તાક (ફિદા) હોવાનું જણાવે છે કે તેઓ એ અવાજ ઉપર ફના થઈ જવા પણ તૈયાર છે. આ જ મિસરાના ઉત્તરાર્ધે તો તેઓ એટલી હદ સુધી મરવાની તેમની તૈયારી બતાવે છે કે તેઓ માશૂકાના અવાજને સાંભળવા માટે માત્ર એક જ નહિ, પણ તેમનાં અનેક મસ્તક વધેરાવવા માટે તત્પર છે.
શેરના બીજા સાની મિસરામાં ગ઼ાલિબની અજીબોગરીબ એવી કલ્પના છે કે પોતાનાં મસ્તક વધેરાવી દેવાની તત્પરતા સામે માશૂકાનું દિલ પીગળવું જોઈતું હતું અને તેણે માશૂકની આરજૂ સામે ઝૂકી જઈને તેના સંતોષ માટે પોતાના અવાજનો કોઈક મધુર રણકાર કરવો જોઈતો હતો; પરંતુ અફસોસ કે એ તો પેલા જલ્લાદને તો એમ જ કહેતી જાય છે કે ‘હાઁ ઔર’ એટલે કે ‘હજુ એક વધુ મસ્તક વધેરી નાખ!’
હવે શેરની ખરી મજા તો તેમાંથી અનુધ્વનિત થતા ઇંગિત અર્થભાવમાં રહેલી છે કે જલ્લાદની તલવારના પ્રથમ જ પ્રહારમાં માશૂક મરી ગયો હોવા છતાં માશૂકાને જલ્લાદને ઔર (બીજો) પ્રહાર કરવાનું કહેવું પડે છે; અને બસ આ જ અવાજ સાંભળવાની માશૂકની ઝંખના હતી, જે પરિપૂર્ણ થાય છે અને સાથે સાથે પહેલા મિસરામાંના ‘મરતા હૂઁ’ શબ્દો પણ સાર્થક પુરવાર થાય છે, કેમ કે માશૂક ખરે જ મરણ પામે છે. હજુ પણ આ શેરને વાગોળ્યા પછી તેનો હજુ વધુ આનંદ માણવા માટે આપણે એવી કલ્પનાનો સહારો લેવો પડશે કે માશૂકનું શબ ‘હાઁ ઔર’ અવાજ સાંભળતાં જ જાણે ધ્રૂજી ઊઠ્યું હશે અને તેમાં ક્ષણભર ચેતના પણ આવી ગઈ હશે! આમ માશૂકાની ઘૃણાત્મક ચેષ્ટા દર્શાવતા ‘હાઁ ઔર’ શબ્દોની માશૂક ઉપર નકારાત્મક અસર થવાના બદલે તેઓ તો ઉલટાના સંતુષ્ટ થાય છે કે ભલે ને નફરત દર્શાવતા એ બે શબ્દો હોય, પણ માશૂકાનો અવાજ સાંભળવા મળ્યો એ જ પોતાના માટે ગનીમત છે.
* * *
લોગોં કો હૈ ખ઼ુર્શીદ-એ-જહાઁ-તાબ કા ધોકા
હર રોજ઼ દિખાતા હૂઁ મૈં ઇક દાગ઼-એ-નિહાઁ ઔર (૮)
[ખુર્શીદ-એ-જહાઁ-તાબ= દુનિયાને હૂંફ (અહીં‘ચેતના’ સમજવું) આપતો સૂર્ય; ધોકા= ધોખેબાજી, (અહીં ‘ભ્રમ’); દાગ઼-એ- નિહાઁ= છૂપી જખ્મની નિશાની]
ગ઼ાલિબનો આ શેર થોડોક સંકુલ છે છતાંય થોડીક દિમાગી કસરત કરવાથી સમજી શકાય તેવો છે. શેરના પ્રથમ મિસરામાં શાયર કહે છે કે લોકોનું માનવું છે કે સવારનો ઊગતો સૂર્ય દુનિયાને હૂંફ અર્થાત્ ચેતના આપે છે અને તેથી સકળ જીવસૃષ્ટિ પ્રફુલ્લિત થાય છે. પરંતુ શાયરને આ હકીકત લાગુ પડતી ન હોઈ તેમને કહેવું પડે છે કે લોકો તેમના માટેના ખોટા ભ્રમમાં છે. તેમને ખબર નથી કે તેઓ એટલે કે માશૂક તેમના દિલમાં કોણ જાણે કેટકેટલા છૂપા જખ્મોની નિશાનીઓ લઈને જીવી રહ્યા છે. સુખી અને સંયોગી (પ્રેમપાત્ર સાથે આનંદિત જીવન જીવનારા) લોકો માટે એ સૂર્ય ભલે આહલાદક હોય, પણ દુ:ખી અને વિરહી (પ્રેમપાત્રથી દૂર એવા) લોકોને તો ઊગતો એ સૂર્ય જાણે કે દઝાડતો હોય તેમ લાગતું હોય છે. આપણા માશૂક બીજા મિસરામાં આપણને થોડીક રમૂજ સાથેનો હળવો આંચકો આપતાં જણાવે છે કે હું તો પ્રત્યેક નવીન શરૂ થતા દિવસે લોકોને મારા દિલના છૂપા જખ્મોનાં ‘ઔર’ અર્થાત્ નિતનવાં નિશાનો બતાવતો રહેતો હોઉં છું. આ શેરને આપણા માશૂક એકલાને જ નહિ, પણ જગતભરના જ્યાં જ્યાં સૂર્યોદય થાય ત્યાંના સઘળા વિરહી પ્રેમીઓને લાગુ પાડી શકાય.
* * *
લેતા ન અગર દિલ તુમ્હેં દેતા કોઈ દમ ચૈન
કરતા જો ન મરતા કોઈ દિન આહ-ઓ-ફ઼ુગ઼ાઁ ઔર (૯)
[દમ= પળ; ચૈન= રાહત, શાંતિ; આહ-ઓ-ફ઼ુગ઼ાઁ=વિલાપ, રૂદન]
ગ઼ાલિબનો આ શેર ‘આહ-ઓ-ફ઼ુગ઼ાઁ’ શબ્દસમૂહને બાદકરતાં બાકીના સાવ સરળ શબ્દોનો બનેલો છે. આમ છતાંય તેના બંને મિસરામાંના પ્રથમ શબ્દો અનુક્રમે ‘લેતા’ અને ‘કરતા’ને સ્થાનાંતર કરવાથી જ આખો શેર સમજાશે; અર્થાત્ ‘લેતા’ને ‘કોઈ દમ ચૈન’ પૂર્વે અને ‘કરતા’ને ‘આહ-ઓ- ફ઼ુગ઼ાઁ ઔર’ પૂર્વે લાવી દઈને પઠન કરવું પડશે.
પ્રથમ મિસરામાં માશૂક અફસોસ વ્યક્ત કરતાં કહે છે કે જો તેમણે માશૂકાને તેમનું દિલ ન આપ્યું હોત તો તેઓ રાહતનો દમ લઈ શકતા હોત. માશૂક તેમનું દિલ દઈ દીધા પછી ખૂબ જ બેચેની અનુભવે છે એટલા માટે કે તેમને માશૂકા તરફથી કોઈ પ્રતિભાવ મળતો નથી અને આમ તેમની ઉપેક્ષા થઈ રહી છે. અહીં આપણને વિપ્રલંભ (વિયોગ) શૃંગારરસ માણવા મળે છે. વળી અહીં ‘લેતા’ અને ‘દેતા’નો આંતરિક પ્રાસ પણ મિસરાની શોભા વધારી દે છે.
બીજા મિસરામાં માશૂક એવી કલ્પના કરે છે કે તેઓ જાણે કે અવસાન પામ્યા છે. વળી તેના અનુસંધાને અહીં પણ પહેલા મિસરાની જેમ અફસોસ કરે છે કે કાશ તેઓ મરી ગયા ન હોત તો માશૂકાના વિરહમાં વધુ દિવસો સુધી કંઈક વધારે (ઔર) રૂદન કરી શક્યા હોત!
* * *
ઋણસ્વીકાર :
(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…
(૨) http://www.youtube.com વેબસાઇટનો…
(૩) http://techwelkin.com/tools/transliteration/ (દેવનગરી-ગુજરાતી સ્ક્રીપ્ટ કનવર્ટર)
(૪) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા
(૫) યુ-ટ્યુબ/વીડિયોના સહયોગી શ્રી અશોક વૈષ્ણવ અને શ્રી નીતિન વ્યાસ
(૬) Courtesy – urduwallahs.wordpress.com
(૭) Courtesy – http://sukhanwar-ghalib.blogspot.in
લેખોમાં ઉપહાસ, વક્રોક્તિ, કટાક્ષ, વ્યંગ, વિનોદ, મર્મ, હાજરજવાબીપણું, ઠિઠિયારો, શબ્દશ્લેષ વગેરે યુક્તિઓ-પ્રયુક્તિઓ થકી હાસ્યરસને એવી રમતિયાળ શૈલીએ રમાડ્યો છે