‘મમ કવિતડાં’ના સંપાદનને આખરી ઓપ અપાઈ રહ્યો હતો, ત્યારે મમ મનડે એક વિચાર સળવળ્યો કે જેમ કોઈ કાવ્યનું રસદર્શન કરાવવામાં આવતું હોય છે, તેમ કેટલાંક પસંદગીનાં હાસ્ય-હાઈકુઓનાં હાસ્યદર્શનો વાચકોને કરાવ્યાં હોય તો ‘વલદા’ કેમનું રહે અને આ પ્રકરણ લખાવું શરૂ થઈ ગયું. જો કે હું માનું છું કે સાહિત્ય કે કોઈપણ કલાને અખંડ જ સુપેરે માણી શકાય અને એનું પૃથક્કરણ (Dissection) તો એના મર્મને, એના સૌંદર્યને હણી જ નાખે. આમ છતાંય કલારસિકોમાં એક એવો મત પણ પ્રવર્તતો હોય છે કે કોઈપણ કલાનું વિવેચન એ પણ આનંદપ્રદ હોય છે અને વાચકોનો એક એવો વર્ગ પણ હોય છે કે જેમને એ પસંદ પણ પડતું હોય છે. ચાલો ત્યારે, આપણે આ સંગ્રહનાં કેટલાંક પસંદગીનાં એવાં હાસ્ય-હાઈકુઓનાં હાસ્યદર્શનોને માણીએ કે જેમના ઉપર મિત્રોએ ‘હાસ્યદરબાર’ બ્લૉગે હાહાકાર મચાવી દીધો હતો અને વિશ્વગુર્જર વાચકોએ પ્રતિભાવોનો ખડકલો કરી દીધો હતો.
અમેરિકાસ્થિત મારા મિત્ર સુરેશભાઈ જાનીની ભારત મુલાકાત ટાણે તેઓશ્રી અને હું ઋષિકવિ રાજેન્દ્ર શુક્લના નિવાસસ્થાને મળવા ગયા હતા. તેઓ, તેમનાં શ્રીમતી નયનાબેન, સુરેશભાઈ અને હું સાહિત્યની એવી દુનિયામાં ખોવાઈ ગયાં હતાં કે માત્ર અર્ધા જ કલાકની અમારી મુલાકાત ક્યારે મહેફિલ બની ગઈ તેની અમને ખબર પણ ન રહી અને અમારો પૂરા ત્રણ કલાકનો શો બની ગયો. અમારાં યજમાન કવિયુગલની કવિત્વકલાની સામે સાવ વામણા લાગીએ એવા અમે બંને પણ મહેફિલનો રંગ જાળવી રાખવા સંકોચસહ અમારું અપરિપક્વ કવિતડું વચ્ચેવચ્ચે મૂકતા જતા હતા. સુરેશભાઈએ પોતાની ડાયરીમાંથી કેટલીક કૃતિઓ સંભળાવી, તો મેં મારાં કેટલાંક હાઈકુ સંભળાવ્યાં હતાં. મુરબ્બીશ્રી રાજેન્દ્ર શુક્લ અને તેમનાં પત્ની નયનાબેન મારાં નીચેનાં બે હાઈકુ સાંભળીને ખૂબ જ ખુશ થયાં હતાં અને બેવડ વળીને ખડખડાટ હસી પડ્યાં હતાં.
ભોંય પછાડે,
કદલીફલ ત્વચા
ભલભલાને!
***
શ્વાનમાદાએ
હડકવા વોર્ડે જ
પ્રસવ્યાં બચ્ચાં!
મારી આ ઈ-બુકમાં ઉપરોક્ત હાઈકુઓ છે જ અને ત્યાં વાંચવામાં આવતાં હસવું આવ્યું હોય તો પણ ફરીથી હસી શકો છો, કોઈ નિયમન નથી! વળી એ પણ કહી દઉં કે ઉપરોક્ત કવિયુગલ હસી પડ્યું હતું, માટે તેમના માનમાં તમારી પણ હસવાની ફરજ બની જાય છે તેમ પણ હરગિજ વિચારશો નહિ! હા.હાહા..હાહાહા…
આપ વાચકો વિચારશો કે ઉપર તો એ બંને હાઈકુઓની પ્રસ્તાવના જેવું થયું ગણાય, એમાં હાસ્યદર્શન ક્યાં આવ્યું! વાત સાચી છે! ભદ્રંભદ્રીય શબ્દો ‘કદલીફલ’ અને ‘ત્વચા’ના અનુક્રમે સરળ શબ્દો ‘કેળું’ અને ‘છાલ’ જાણ્યા પછી જ સામાન્ય વાચકને બીજીવાર હસવાનું થાય! અહીં હાઈકુકાર એ અઘરા શબ્દોને સભાનપણે એટલા માટે પ્રયોજે છે કે કોઈ પ્રખર પંડિતને એ વાંચીને થોડી ગલગલી થયા વિના રહે નહિ! બીજા હાઈકુમાં ‘શ્વાનમાદા’ પણ એવો જ શબ્દ છે, જેનો ‘કૂતરી’ એવો અર્થ છે. અહીં પણ પ્રયોજન તો એ જ છે, પણ હાઈકુ રચનાકારનો વિશેષ આશય એ છે કે તિરસ્કારયુક્ત એ શબ્દ જરા ‘શર્કરાવરણીય’ (Sugar coated) બની જાય! કેમ, પ્રાણીઓને પણ સ્વમાન જેવું હોય કે નહિ! સમય, ભરતી અને પ્રસવકાળ કોઈની રાહ જુએ નહિ; અને તે ન્યાયે આ બિચારી શ્વાનમાદા જતી તો હશે પ્રસુતિવિભાગ તરફ જ, પણ…પણ!!! અહીં હડકવાની સારવાર અને તેનું કારણ પાસેપાસે જ જોવા મળે છે! અહીં કવિ કલાપીની એક કાવ્યકંડિકા પણ યાદ કરવા જેવી ખરી: ’દર્દીના દર્દની પીડા વિધિનેય દીસે ખરી, અરે! તો દર્દ કાં દે છે, ને દે ઔષધ કાં પછી?’
* * * * *
ગાલે હથેલી!
પ્રિયે, અતીત ખ્યાલે
કે દાઢ કળે?
જ્યારે વ્યક્તિ વીતી ગયેલા સમયને વાગોળવા બેસે, ત્યારે સહજ રીતે તેની આંગિક ચેષ્ટા ઉપર પ્રમાણે થઈ જતી હોય છે. કાવ્યનાયિકાને ગાલ ઉપર હથેળી દબાવીને બેઠેલી જોઈને કાવ્યનાયક તેણીની મજાક કરી લેવાનું ચૂકતા નથી અને પૂછી બેસે છે કે ‘પ્રિયે, તું અતીતના ખ્યાલે ખોવાઈ ગઈ છે કે પછી તારી દાઢ કળે છે?’ અહીં વાચકની દૃષ્ટિ આગળ સરસ મજાનું શબ્દચિત્ર રચાઈ જાય છે. હાઈકુની કદમર્યાદા ૧૭ અક્ષરની હોય છે અને તેને વાંચતાં વાચકને કદાચ પાંચથી સાત સેકંડ લાગે. હવે આવું હાઈકુ જો હાસ્યરસ નિષ્પન્ન કરતું હોય તો ચહેરા ઉપર ક્ષણિક હાસ્યની લહેર ફરી વળે અથવા ઓષ્ઠ આછેરું સ્મિત કરી બેસે; કંઈ મિનિટો સુધી ખડખડાટ હસી પડવાનું તો બને નહિ ને! હા, જો એ સ્થુળ હાસ્ય હોય તો ટેબલ ઉપર રકાબી ખખડે પણ ખરી, હોં કે!
‘હાસ્યદરબાર’માં મારા મિત્ર દિલીપભાઈ ગજ્જરે આ હાઈકુનું અનુહાઈકુ આવું આપ્યું હતું, ‘જોઈ રમણી, મન અતીત પ્રેમે, ચોકઠું હસે!’; જેના પ્રત્યુત્તરે મેં જણાવ્યું હતું કે, ‘પણ, પૂછું છું કે ચોકઠું જડબામાં હસ્યું કે પાણીના ગ્લાસમાં? પેલી ફ્રિજની ટીવી-Ad ની જેમ તે ખૂલતાં જ પાણીના ગ્લાસમાં ઠંડીથી ચોકઠું કડકડવા માંડ્યું હતું!’
* * * * *
ધૂમ્રપાનની
ઘૃણા તને! ફૂંકતી
તુંય શિયાળે!
વિશ્વભરમાં ધૂમ્રપાન-નિષેધની ઝૂંબેશ તો જોરશોરથી ચાલી રહી છે, પણ અહીં એ કુટેવનો કોઈ દુષ્પ્રચાર નથી; પણ બીજી જ કોઈક વાત અભિપ્રેત છે! મોટા ભાગના ઠંડા મુલક કે ઉષ્ણ પ્રદેશના કાતિલ ઠંડીવાળા શિયાળામાં માણસ બોલે ત્યારે મોંઢામાંથી વરાળ નીકળતી હોય છે. અહીં ધૂમ્રપાનનો વ્યસની પોતાની બચાવપ્રક્રિયા (Defence mechanism) અજમાવતાં હાઈકુનાયિકાને મજાકમાં કહે છે કે ‘તું પણ શિયાળામાં તો ફૂંકતી જ હોય છે ને!’ આ હાઈકુ જ્યારે ‘હાસ્યદરબાર’ ઉપર મુકાયું હતું, ત્યારે કેટલાંક ગુજ્જુ ભાઈબહેનોએ એ નાયિકા માટે ‘ધૂમ્રમુખી’ અને ‘ધૂમ્રફૂંકી’ જેવાં વિશેષણો પ્રયોજ્યાં હતાં. હાઈકુકારે એ નાયિકાના બચાવમાં આમ જણાવ્યું હતું : ‘શીત દેશોમાં અને અન્યત્ર શિયાળે વહેલી સવારે સઘળે ધૂમ્રમુખાઓ-ખીઓ કે ધૂમ્રફૂંકાઓ-કીઓ જ જોવા મળે, કુદરતી ધૂમ્રપાનના કારણે જ તો વળી! તો પછી આ હાઈકુનાયિકા બિચારી ક્યાંથી બાકાત રહે, કે તમે બધા લોકો તેના માથા ઉપર માછલાં ધોવા લાગી પડ્યા છો; બોલતા નથી એટલે, હેં!’
* * * * *
ભર નિદ્રાએ
ફરી ગયાં પડખું!
કર્યા શું કિટ્ટા!
જો કોઈ હાઈકુકાર હાસ્યહાઈકુઓ રચવા માટેનો કાચો માલ મોટા જથ્થામાં મેળવવા માગતો હોય તો ‘મધુર દાંપત્યજીવન’ એ મોટી ખાણ ગણાય છે. અહીં હાસ્યાસ્પદ જીવનના પ્રસંગો, કટાક્ષો, શબ્દચિત્રો, ઘર બહારનાં અને ક્વચિત્ ઘરની અંદરનાં ટીખળો, રમૂજો, રિસામણાં, મનામણાં વગેરે… વગેરે… અત્ર, તત્ર, સર્વત્ર વેરાયેલાં પડ્યાં હોય છે. આ હાઈકુની નાયિકા સામે મેદાને પડેલા પ્રતિભાવકોને તેણીના પક્ષે રોકડું પરખાવી દેતાં હાઈકુસર્જક કહે છે, ‘એ બાપડી ભર ઊંઘમાં હતી અને પડખું ફરી ગઈ, એમાં ક્યાં ‘કિટ્ટા’ ની વાત આવી! વળી એ મૂઓ એટલો મોડા સુધી જાગતો હશે, ત્યારે જ તેણે આ દૃશ્ય જોયું હશે ને! વળી પાછો વિચાર આવે છે કે આપણે એ બિચ્ચારાની દયા ખાવી જોઈએ કે એક સત્તર અક્ષરના નાનકડા ‘આત્મલક્ષી’ હાઈકુડા માટે એણે રાત્યોના ઉજાગરા કર્યા! ‘કુછ પાનેકે લિએ કુછ ખોના પડતા હૈ.’, નહિ!”
* * * * *
કોલ દીધેલ
રોટલા ટીપવાના,
પેઈંગ ગેસ્ટ!
વિધિની વક્રતા તે આનું નામ! પ્રેયસીએ પ્રણયફાગ ખેલતાંખેલતાં પ્રિયતમને વચન તો આપી જ દીધું હતું કે ‘તારા રોટલા તો હું જ ટીપીશ!’ અને સાચે જ એમ બનીને જ રહ્યું! ભાઈને પેલી બાઈના ત્યાં પેઈંગ ગેસ્ટ તરીકે જમવાના દહાડા આવ્યા, કેમ કે તે પરાઈ થઈ ચૂકી હતી! વિધાતા પણ કેટલીક વાર ભક્તજનોની પ્રાર્થનાઓના વાચ્યાર્થ પકડીને એમનું યાચેલું જરૂર આપે છે, પણ અન્ય સ્વરૂપે! આવા હજાર દાખલા સાંભળવા મળશે, પણ અહીં સ્થળસંકોચના કારણે ૯૯૮ પડતા મૂકું છું!
એક જણાએ એવું માગ્યું કે મને એવો ધનિક બનાવ કે હું નોટો ગણતાં થાકું અને ભાઈને પહેલા જ ઈન્ટરવ્યુએ બેંકના કેશિયરની નોકરી મળી ગઈ, તો વળી બીજા એક ભાઈને ટ્રાફિક પોલીસની નોકરી એટલા માટે મળી ગઈ હતી કે તેમણે ઈશ્વરને પ્રાર્થના કરી હતી કે તેમની આગળ અને પાછળ ગાડીઓ જ ગાડીઓ હોય!
આ હાઈકુ આપવામાં હસાવવાનો હેતુ ઓછો છે, પણ સલાહનો હેતુ વધુ છે કે ઈશ્વર પાસે કોઈ વરદાન માગો તો ચારેય બાજુની બધી જ શક્યતાઓનો ખ્યાલ રાખજો, નહિ તો મનની મનમાં જ રહી જશે!
* * * * *
નખ કરડે
થૈ તલ્લીન તું, આવે
વાનરી યાદ!
હાસ્યરસના કવિડા, જોકડા કે લેખકડાઓની એક બૂરી આદત હોય છે કે તેઓ ઓછા કે વત્તા પ્રમાણમાં ઘરવાળી કે ઘરવાળાં બાપડાંઓને પોતાની રચનાઓમાં ઘસડી લાવતા હોય છે. અહીં પણ એ પરંપરાને જાળવવા આ હાઈકુડો જાણીજોઈને પેલી બાપડીને Nail Cutter લાવી આપતો નથી, એટલા માટે કે કોઈક દિવસ દાંતથી નખ કરડે તો મોટી કોઈ કવિતા નહિ; તો છેવટે હાઈકુ પણ લખી કાઢી શકાય! પણ એ ભાઈ હાસ્યહાઈકુના રસિયાઓને મનોરંજન પૂરું પાડવાની લ્હાયમાં એ પણ ભાન ભૂલી ગયા કે પરોક્ષ રીતે તો તેઓ પોતે પણ ચાર્લ્સ ડાર્વિનના ઉત્ક્રાંતિવાદના નિયમનું એક ઉદાહરણ બની રહ્યા છે!
* * * * *
ઘૂંઘટ ખોલે
શૌહર, શરમાતાં
શરમ આવે!
આ હાઈકુનો નાયક છે, શૌહર (ફારસી) – જો જો પાછા મેં ‘ફારસી’ શબ્દ ભાષા દર્શાવવા મૂક્યો છે, એટલે એને ફારસ કરવાવાળો (નાટકિયો) એ અર્થમાં લેતા નહિ! ‘શૌહર’ના શબ્દકોષે અને મુખવચને ઘણા અર્થ થાય છે – જેવા કે સ્વામી, પતિ, વર, ધણી, ભરથાર, માટીડો, પિટ્યો, રોયો, ‘એવા એ’, ‘અલ્યા એય’, ‘તમારા ભાઈ’, સંતાન હોય તો ‘બાબલાના બાપા’ (ચોથા ભાગની બા), ‘કહું છું’, ‘સાંભળો છો કે’, અંગ્રેજીમાં Husband જેનો ધોકલાં ધબેડીને ગુજરાતીમાં એવો ભાવાર્થ લાવી શકાય કે જે હસતાં હસતાં બંડ પોકારે (જા, આ હું નથી કરતો એમ કહીને!), ખાવિંદ (ખાWind – હવા ખા, હવા!) – ‘બસ, બસ ઘણું થઈ ગયું; હવે આગળ વધશો કે!’ એવું તમારા વાચકો પૈકીના કોઈકના ગેબી અવાજે સંભળાયું હોઈ હવે તો મારે આગળ વધવું જ પડશે.
જૂની કોઈક હિંદી ફિલ્મની કડી ‘ઘૂંઘટ નહિ ખોલુંગી, સૈયા તોરે આગે!’ને પેલી બાઈડી બબડી કે એવો આભાસ થયો સમજીને એ શૌહરભાઈ મનમાં ‘જાતમહેનત ઝિંદાબાદ’ કહીને તેણીનો ઘૂંઘટ ખોલે છે. હવે પેલી બાઈ પક્ષે વેવાર તો એ કહે છે કે તેણે શરમાવું પડે! પણ જિંદગીમાં પહેલુંવહેલું શરમાવાનું આવ્યું અને પાછો શરમાવાનો કોઈ અનુભવ પણ નહિ (કેમ કે એ મૂઓ પહેલો જ ધણી હતો!), એટલે બાપડીને શરમાતાં શરમ તો આવી, છતાંય શરમાતાં શરમાતાં પણ તે શરમાઈ ગઈ – જખ મારીને તેને શરમાવું પડ્યું! મનોમન બોલી પણ ખરી, ‘શું કરીએ બાઈ, બધી કન્યાઓની જેમ શરમાવાનો વેવાર તો કરવો પડે ને! બાકી આ બેશરમ ગધેડાએ આ પરણવાના દહાડા લાવવા પહેલાં એટલી બધી ડેટીંગ, વાતચીતની ફેકંફેક અને બેટીંગ કરી છે કે શરમાવાનું કંઈ બાકી રાખ્યું જ નથી!’
* * * * *
સજ્જ ઘરેણે!
મોબાઈલ શોરૂમ!
પિયુ જૌહરી!
આ કોઈ નક્લી ઝવેરાત (અમેરિકન ડાયમન્ડ)ના જમાનાની વાત નથી. ગુજરાતના ગાયકવાડ સ્ટેટ (બરોડા સ્ટેટ)માં ચોરીચખાલીની બાબતમાં લોકો સલામત હતા. ગાયકવાડ મહારાજાની એટલી બધી હાક હતી કે એમ કહેવાય છે કે બકરીના ગળામાં સોનાની હાંસડી પહેરાવીને તેને ચરવા છૂટી મૂકી દીધેલી અને કોઈ ચોરની માના લાલની તાકાત નહોતી કે એ હાંસડીની ઊઠાંતરી કરે! (“દેખ બિચારી બકરીનો પણ કોઈ ન પકડે જાતાં કાન, એ ઉપકાર ગણી ઈશ્વરનો, હરખ હવે તું હિંદુસ્તાન!” પંક્તિવાળી એક જૂની કવિતા કોઈને યાદ આવે છે કે?)
આ પૂર્વભૂમિકા આપવી એટલા માટે જરૂરી લાગી કે આ હાઈકુના સંદર્ભે કોઈ માઈનો લાલ એવી શંકા ન ઊઠાવે કે એ ભાયડો પોતાની બાઈડીને ઘરેણેથી લાદીને આમ કેવી રીતે બહાર ફરવા લઈ જઈ શકે?
લ્યો, હવે આપણા હાઈકુના પાટે ચઢીએ તો અસલી રહેમતુલ્લા સો ટચના સોનાનાં ઘરેણાંથી લદાએલી સાવ જુવાનડી સાંઢણી જેવી એ બાઈડી નખશિખ સોને મઢેલી નિર્ભયતાપૂર્વક હાલી જાય છે અને આ હાઈકુકાર (વલદાભાઈ)ની કલ્પના તો એવી તોફાને ચઢી અને એમને તો એમ જ દેખાવા માંડ્યું કે એ સજ્જ ઘરેણે બાઈડી એ માત્ર બાઈડી જ નહિ, પણ જરઝવેરાતનો કોઈ મોબાઈલ શોરૂમ જાણે કે રસ્તે ફરી રહ્યો હોય અને સાથે ચાલી રહેલો તેનો પિયુ એટલે કે પ્રીતમ એટલે કે ભાઈડો, એટલે કે … એટલે કે જે ગણો તે… જાણે ઝવેરી ન હોય!
“McKenna’s Gold” મુવી જેમણે જોયું હશે, ‘Arabian Nights’ની ‘અલીબાબા અને ચાલીસ ચોર’ની વાર્તાઓમાં જેમણે સોનાના ખજાનાઓ વિષે જાણ્યું હશે અને ‘Gold Bug’માંની સાંકેતિક ભાષામાં ખજાનાની શોધ માટેની ચિઠ્ઠી જેમણે વાંચી હશે; તેમના ગળે આ હાઈકુની નાયિકારાણીનાં ઘણામાં ઘણાં માત્ર એકાદ બે કિલોનાં ઘરેણાંની વાત સાવ આસાનીથી ઘીથી લથબથ શીરાની જેમ ગળે ઊતરશે જ તેમ માની લેવાનું મન મનાવીને હું મારી મરજીથી અત્રેથી વિરમું છું. તથાસ્તુ! ધન્યવાદ!
(ખાસ આ રાજસ્થાની શબ્દ એટલા માટે પ્રયોજું છું કે રાજસ્થાની લોકોને સોનું ખૂબ પ્રિય હોય છે!)
* * * * *
‘સાંભળો છો કે!’
સાંભળવાનું ગમે
થઈ બધિર!
‘તમે સાંભળો છો કે નહિ?’ ધ્રુવપંક્તિવાળું અમારા સ્થાનિક સમાજમાં પ્રચલિત એવું આ એક નિર્દોષ લગ્નગીત છે. નિર્દોષ એટલા માટે કે ફટાણા (Nasty) પ્રકારનું બીભત્સ કે અશ્લીલ એ ગીત ન હોવા ઉપરાંત અન્ય કોઈ એવું એકેય લગ્નગીત આ સમાજમાં સાંભળવા નહિ મળે કે જે લોકમર્યાદાનું ઉલ્લંઘન કરતું હોય કે કોઈ ઔચિત્યભંગ થતો હોય! ‘તમારા શેંને ફૂટ્યા કાન? તમે સાંભળો છો કે નહિ?’ આગળ વળી આવે છે ‘અમે તો કહી કહીને થાક્યાં, તમે સાંભળો છો કે નહિ?’ લગ્નપ્રસંગે વર અને કન્યાપક્ષે નિર્દોષ આનંદ લૂંટવા માટે સવાલ-જવાબ રૂપે આવાં ગીતોની રમઝટ બોલાતી હોય છે.
મારા વિદ્વાન વાચકોને મારી ઉપરોક્ત પ્રસ્તાવના કદાચ અપ્રસ્તુત લાગશે, પણ મારા મને એ સહેતુક છે; એટલા માટે કે પેલી કન્યા આ લગ્નગીતની ધ્રુવવપંક્તિને જીવનભર પદ્યમાં તો નહિ, પણ ગદ્યમાં પોતાના પતિને સંભળાવ્યે જ રાખે છે. ‘સાંભળો છો કે!’ એ ‘Three in one’ વિધાન છે. એક, નામ બોલવાના વિકલ્પે અધ્યાહાર સંબોધન; બે, પોતાની વાત ધ્યાનથી સાંભળવામાં આવે તેવી તાકીદ; અને ત્રણ, કાં તો સાચે જ પતિમહાશય બધિર (બહેરા) હોય પણ ખરા!
પરંતુ, આપણા હાઈકુ-Hero તો ‘સાંભળો છો કે!’ વારંવાર સાંભળવા માટે જાણી જોઈને બહેરા થવા ઇચ્છે છે. કારણ? કાં તો પેલી બહેનડ કોકિલકંઠી હોય, કાં તો પછી તે ગળે રૂપાની ઘંટડી બાંધીને ફરતી હોય; જે હોય તે, પણ ભાઈજીને ભાર્યાનો મધુર અવાજ સાંભળવો ગમે છે. તો વળી સામા પક્ષે જીવનભર કોઈ મનોવૈજ્ઞાનિક પ્રયોગ તો કરવામાં નહિ આવી રહ્યો હોય કે પેલા ભાઈ ખરે જ માનસિક રીતે બહેરા થતા જાય કે જેથી દાંપત્યજીવનમાં તેમનું બોલવાનું ઓછું થતું જાય અને તેઓશ્રી પેલી ચતુર નારના કહ્યાગરા કંથ બની રહે!
* * * * *
કરડી ખાધી
આંગળી તમ યાદે
લોજટેબલે!
જેનો પતિ બહારગામ (વિદેશ) ગયો હોય તેવી સ્ત્રી માટે ગુજરાતીમાં બહુ જ ભારેખમ શબ્દ છે ‘પ્રોષિતભર્તૃકા’ અને આનો વિરોધી શબ્દ છે ‘પ્રોષિતપત્નીક’. સામાન્યત: બધા જ પ્રોષિતપત્નીકો સ્વયંપાકી (જાતે રાંધીને ખાનાર) નથી હોતા, પરિણામે ભાંગ્યાના ભેરુ અને સુખદુ:ખના સાથી તરીકે તેમના માટે લોજ જ સહારો બની રહે છે. ‘રાણાજીના ભાલે ભાલો’ ન્યાયે હું પણ મોટા ભાગના ગુજ્જુઓની જેમ અંગ્રેજી શબ્દ Lodge નો અવળો અર્થ અહીં ‘વીશી’ જ કરું છું; બાકી, Lodge નો ખરો અર્થ ‘નિવાસ-સ્થાન’ અને Boarding નો અર્થ ‘વીશી કે ભોજનાલય’ થાય છે.
આપણે હાઈકુ માથે આવીએ તો અહીં હાઈકુનાયક લોજના ટેબલે ભોજન આરોગી રહ્યા છે, પણ પત્નીનો વસમો વિયોગ તેમને સતાવી રહ્યો છે. પત્નીની યાદમાં ખોવાઈ ગએલા તેઓશ્રી મોંઢામાં કોળિયો મૂકતાં પોતાની આંગળીને બચકું ભરી બેસે છે. પત્નીની વિવિધ ભૂમિકાઓમાં એક છે ‘ભોજ્યેષુ માતા’; પણ વીશીનો મહારાજ ગમે તેવું ઉત્તમ ખાવાનું બનાવે, તો પણ પોતાની મૂછો અને મર્દાના વેશભૂષાના કારણે તે ‘માતા’ તો શું ‘માસી’ (માશી= મા જેવી)નું સ્થાન પણ ન જ લઈ શકે!
નોંધ : –
‘પ્રોષિતપત્નીક’ જેમાં વાર્તાનાયક છે, તેવી નર્મમર્મ શૈલીમાં લખાએલી શ્રી રા. વિ. પાઠક સાહેબ (દ્વિરેફ) ની વાર્તા ‘જક્ષણી’ વાંચવા જેવી છે.
* * * * *
ભલે રૂઠ્યાં, ના
મનાવું, લાગો મીઠાં,
ફુલ્યા ગાલોએ!
દાંપત્યજીવનમાં સંવાદિતાનું સાતત્ય પણ કેટલીકવાર અભાવું બની જતું હોય છે. થોડીક વિસંવદિતા પણ કોઈકવાર એટલા માટે જરૂરી બની જાય છે કે જેથી સંવાદિતાનું પરીક્ષણ થતું રહે. દંપતી વચ્ચે થતી હળવી નોકઝોક, ખેચમતાણ કે ટપાટપી (ટપલાટપલી નહિ, હોં કે!) સુખી દાંપત્યને પોષક બની રહે છે. આપસી મતમતાંતરો કે મતભેદોનું નિવારણ હળવાશથી કરવામાં આવે તો ઉભયની વચ્ચે કોઈ મનભેદનું કારણ રહેતું નથી. આથી જ તો આપણા હાઈકુનાયક કોઈ કારણે રિસાયેલી પત્નીને મનાવવાના બદલે તેને એ જ સ્થિતિમાં ચાલુ રહેવાનું એમ કહીને સૂચવે છે કે તેણી ફુલ્યા ગાલોએ મધુર લાગે છે. કહેવાની જરૂર ખરી કે હાઈકુનાયકના આ વિધાનથી હાઈકુનાયિકા હસી પડ્યા વગર રહી શકી હોય! સ્ત્રીને માનુની અર્થાત્ માનભૂખી પણ ગણવામાં આવે છે. તેણીનો આ સંવેગ એટલો નાજુક અને સંવેદનશીલ હોય છે કે તે નાના બાળકની જેમ પળવારમાં રિસાઈ પણ જાય અને પળવારમાં મનાઈ પણ જાય!
વૃદ્ધજનો, વનિતાઓ અને વ્હાલસોયાં(શિશુઓ)ને રિસાવવાં આસાન છે, પણ રિઝવવાં મુશ્કેલ છે. મારી જેમ શીઘ્ર હાસ્યકવિ નહિ તો છેવટે હાસ્યહાઈકુકાર કે પછી ફોસલાવ કે પટાવકલામાં પાવરધા પુરવાર થઈ શકો તો એ કામ ડાબા હાથના ખેલ જેવું આસાન પણ બની શકે છે!
* * * * *
ધૂપવર્ષાએ,
શકટ ઓઢે શ્વાન!
મિથ્યા ગર્વ ક્યાં?
ભક્ત કવિ નરસિંહ મહેતા ઝૂલણા છંદમાંના પોતાના એક પ્રભાતિયામાં આમ કહે છે :
‘હું કરું, હું કરું એ જ અજ્ઞાનતા,
શકટનો ભાર જ્યમ શ્વાન તાણે!’
ગાડા નીચે ચાલતું શ્વાન મિથ્યા ગર્વ કરે છે એમ કહીને કે પોતે જ ગાડું ખેંચે છે! વાસ્તવમાં એવું નથી, કેમ કે સૌ કોઈ જાણે છે અને ખુદ શ્વાન પણ જાણે છે કે શકટને ખરેખર તો ધોરીડા (બળદ) જ ખેંચી રહ્યા છે! બળદોની ગરદનો ઉપર ધૂંસરી મંડાએલી છે, નહિ કે શ્વાનની ગરદન ઉપર! એ જમાનામાં કોઈ મેગ્નેટિક ધૂંસરી અથવા એ શ્વાનના ગળે એવો કોઈ મેગ્નેટિક પટ્ટો હોવાની પણ શક્યતા નથી. વળી બે Bullock Power જેટલા વજનવાળા એક ગાડાને એક Dog Power વાળું અને વળી તેવું એક જ પ્રાણી ગાડું ન જ ખેંચી શકે!
ઘણીવાર શ્રાવ્ય હકીકત કરતાં દૃશ્ય હકીકત વધારે સંગીન હોય છે. પણ, અહીં તો દૃશ્ય હકીકત જ પહેલી નજરે ખોટી પડે છે. અહીં કવિશ્રીનું અનુમાન છે કે એ શ્વાન મનોમન એમ વિચારતું હશે અને પોતાના મનને એ રીતે મનાવતું હશે! આવી ધારણા ઉપર એક દૃષ્ટાંત તરીકે એ દૃશ્યની મદદ લઈને માનવજાતની અજ્ઞાનતાની ઠેકડી ઊડાડવામાં આવી છે.
પણ… પણ…અહીં એ દૃશ્ય ઉપરના ઉપરોક્ત હાઈકુના હાઈકુકારની ધારણા તો સાવ જુદી જ છે. ધોમધખતા ઉનાળામાં કે વર્ષા ઋતુમાં માનવી જેમ છત્રી ઓઢે છે, બસ તે જ રીતે એ દેશી છતાં બુદ્ધિશાળી એ શ્વાનને એક ગામથી બીજે ગામ જવું છે. નજર સામે જ ચાલ્યા જતા એ ગાડાનો પોતે લાભ ઊઠાવે છે! જય હો!
-વલીભાઈ મુસા
[…] ક્રમશ: (7) […]