(૫૦) મારી દીકરીએ ડ્રાઈવીંગ માટેનું લર્નિંગ લાયસન્સ કઢાવી લીધું. હવે તે કાર ચલાવતાં શીખવા માટે ખૂબ જ ઉત્સુક હતી. તે ડ્રાઈવીંગ સીટમાં બેઠી, તેની સીટને સરખી કરી અને શોલ્ડર બેલ્ટ પણ ચઢાવી દીધો. ત્યારપછી બધા જ અરીસાઓમાં જોઈ લીધા પછી મૂંઝાતીમૂંઝાતી મારા તરફ ફરીને ફરિયાદ કરવા માંડી, ‘પણ આમાંના એકેય અરીસામાં હું તો દેખાતી જ નથી !’ (L. Willms – RD)
(૫૧) હું કોર્ટહાઉસ સિક્યોરીટીનો ડેપ્યુટી શેરીફ છું. મારી ફરજના ભાગરૂપે મારે મુલાકાતીઓને કોર્ટની સઘળી વ્યવસ્થા સમજાવવાની હોય છે. એક દિવસે નવમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓની ટુકડીને હું સમજાવી રહ્યો હતો. કોર્ટમાં રિસેસ હતી. કોર્ટખંડમાં એક ક્લાર્ક અને કસ્ટડીમાં હાથે બેડીઓ સાથેનો એક યુવાન કેદી એમ માત્ર બે જ જણ હાજર હતા.
મેં પેલા છોકરાઓને જુદીજુદી જગ્યાઓ બતાવતા જતાં કહેવાનું શરૂ કર્યું,’આ એ જ્ગ્યા છે કે જ્યાં ન્યાયાધીશ બેસે છે. અહીં આ પાટલીઓ ઉપર વકીલો બેસે છે. કોર્ટનો ક્લાર્ક ત્યાં બેસે છે. કોર્ટનો દફ્તરી અને સ્ટેનોગ્રાફર અહીં બેસે છે. ન્યાયાધીશની નજીક સાક્ષીઓનું બોક્ષ છે અને ત્યાં જ્યુરી મેમ્બર્સ બેસે છે.’ મેં મારી વાત પૂરી કરતાં છેલ્લે જણાવ્યું કે, ‘તમે જોઈ શકો છો કે કોર્ટની આ સઘળી વ્યવસ્થામાં આટલા બધા લોકો સંકળાએલા હોય છે.’ મારા આ કથન પછી તરત જ પેલા હાજર કેદીએ બેડીથી બંધાએલા પોતાના બંને હાથ ઊંચા કરતાં બોલી ઊઠ્યો, ‘હા, હું પણ એ બધામાંનો એક મહત્ત્વનો માણસ છું કે જેના કારણે જ આ સઘળી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે !’ (Michael Mcpherson – RD)
(૫૨) એક ઈલેક્ટ્રીકલ વર્કશોપ કે જ્યાં હું કામ કરું છું ત્યાં અમે ઘણીવાર અમારા સાથી કર્મચારીઓનાં ઘરગથ્થુ સાધનોનું રીપેરીંગકામ પણ કરી લેતા હોઈએ છીએ. આ કામ અમે ચોરીછૂપીથી કરતા હોઈએ છીએ કે જેથી અમારા કડક એવા સુપરવાઈઝરને એની ખબર ન પડી જાય. એકવાર મારો સાથી કર્મચારી પીરીઝ એક બ્લેન્ડરને તપાસી રહ્યો હતો. અચાનક આવી ગએલા સુપરવાઈઝરે તેને કહ્યું, ’પેરીઝ, અહીં અંગત કામ કરવાની સખ્ત મનાઈ છે. આ બ્લેન્ડર કોનું છે ?’ પેરીઝે જવાબ આપ્યો, ‘એક મિત્રનું.’ પેલા સુપરવાઈઝરે વળી પૂછ્યું,’ એ કોણ વળી ?’ પેરીઝે જવાબ આપ્યો, ‘કહ્યું ને બોસ કે એક મિત્રનું !’
સુપરવાઈઝરે ગુસ્સા સાથે કહ્યું, ‘મારી પાસે હવે બીજો કોઈ જ વિકલ્પ નથી. મારે મેનેજરને ફરિયાદ કરવી જ પડશે.’
થોડી જ વારમાં સુપરવાઈઝરે મેનેજરને બોલાવી લાવીને શું ચાલી રહ્યું હતું તે જણાવ્યું. જ્યારે સુપરવાઈઝરનું કથન પૂરું થયું કે તરત જ મેનેજરે શાંતિથી જવાબ વાળ્યો,’ ચિંતા કરશો નહિ. પીરીઝ આપણો એક કુશળ કર્મચારી છે. તેને મારી મધરના બ્લેન્ડરનું કામ પૂરું કરી લેવા દો.’
સુપરવાઈઝર તો સ્તબ્ધ બનીને મેનેજરની સામે જોઈ જ રહ્યો. (Rafael Conzalez – RD)
(૫૩) વહેલી સવારે ચર્ચની પ્રાર્થનાસભામાં એક જ માણસની હાજરી જોઈને પાદરીએ કહ્યું, ’મને લાગે છે કે લોકો ઊંઘી ગયા છે. હવે તમે પણ ઘરે જવા માગો છો કે પછી હું પ્રવચન કહી સંભળાવું ?’ પેલા માણસે જવાબ આપ્યો, ‘હું જ્યારે મારી મુરઘીઓને દાણા ખવડાવવા જાઉં છું, ત્યારે એક મુરઘી આવે તો પણ દાણા ખવડાવું જ છું.’ પાદરીએ પેલા માણસની વાતને હકારમાં લઈને પ્રવચન માટેની વ્યાસપીઠ ઉપર ચઢી જઈને બરાબર એક કલાક લાંબું પ્રવચન સંભળાવી દીધું. પાદરીએ પેલાને પૂછ્યું, ‘કેમનું રહ્યું ?’ પેલાએ જવાબ આપ્યો,’હું મારી મુરઘીઓએને દાણા ખવડાવવા જાઉં છું, ત્યારે એક મુરઘી આવે તો પણ હું દાણા ખવડાવું તો છું જ, પણ દાણાની આખી ટોપલી તેની આગળ ઠાલવી દેતો નથી !’ (Renee Dago – RD)
(૫૪) મારી દીકરીની સહકર્મચારી વેલેન્ટાઈન ડે ઉપર તેના પતિ તરફથી એક બુકે મેળવે છે, જેની સાથેના કાર્ડમાં સંદેશા રૂપે માત્ર ‘No’ શબ્દ જ લખેલો હોય છે. તે આખી સવાર સુધી એ સંદેશાનો અર્થ સમજવા માટે મથામણ કરે છે, આખરે તેનાથી ન રહેવાતાં પોતાના પતિને ફોન કરીને પૂછે છે કે પેલા ‘No’ શબ્દનું રહસ્ય શું છે. પેલા પતિ મહાશય જવાબ આપતાં કહે છે કે તેણે એવો કોઈ સંદેશો મોકલાવ્યો નથી, પણ પછી આગળ ઉમેરે છે, ‘હા, પણ હું જ્યારે ફોન ઉપર ફ્લોરિસ્ટને બુકેનો ઑર્ડર નોંધાવતો હતો; ત્યારે તેણે પૂછ્યું હતું કે કોઈ સંદેશો મોકલવાનો છે, ત્યારે મેં તેને ‘No’ જવાબ આપ્યો હતો !!! (Janet Cutmore – RD)
(૫૫) હું હોસ્પિટલમાં મારી માતાના ખબરઅંતર પૂછીને ઘર તરફ કાર હંકારી રહી હતી, ત્યારે અચાનક ટાંકીમાં પેટ્રોલ ખલાસ થઈ જવાના કારણે કાર બંધ પડી ગઈ હતી. મેં જોયું તો વધારાના પેટ્રોલ માટેનું કેન પણ ખાલી હતું. મેં મારા પતિને મદદ માટે ફોન કર્યો તો તેમણે મને પૂછ્યું કે હું કયા સ્થળે છું કે જ્યાં તે પેટ્રોલ લઈને આવી શકે. મેં આસપાસ નજર દોડાવીને કહ્યું કે હું ફલાણા ફલાણા પેટ્રોલપંપની બાજુમાં જ છું. (Susan Schulmeister – RD)
(૫૬) હું મારા કુટુંબ માટેનાં ટુથબ્રશ ખરીદી લાવી અને મારા પતિને મેં કહ્યું કે ‘લીલું તમારું છે, આપણા પૌત્રનું વાદળી છે અને મારું લાલ છે.’ થોડાંક અઠવાડિયાં પછી મેં જોયું તો મારું લાલ ટુથબ્રશ બાકીનાં બે કરતાં વધારે પડતું ઘસાઈ ગયું હતું. મેં મારા પતિને પૂછ્યું,’તમારું ટુથબ્રશ કયા રંગનું છે ?’ તેમણે જવાબ આપ્યો,’લાલ.’ મેં કહ્યું, ‘ગ્રેમ્પી, તમારું લાલ નથી.’ ત્યાં તો પાસે જ ઊભેલા અમારા પૌત્રે કહ્યું,’ લાલ તો મારું છે.’ (Jan Smith – RD)
(૫૭) એક સ્ટોરના કાર્ડ વિભાગમાં “‘I Love You Only’ (હું તને જ ચાહું છું)”લખેલાં વેલેન્ટાઈન કાર્ડ જોવા મળ્યાં. શોકેસમાં એક સૂચના પણ લખેલી હતી : ‘આ જ પ્રકારનાં કાર્ડ જથ્થાબંધ પણ મળી રહેશે.’ (Richard Lederer – RD)
– વલીભાઈ મુસા
(Abridged, adapted, summarized, edited and translated from “Reader’s Digest” [(February – 2003) – All credit goes to ‘Copy Right’ possessors.)]
[…] Click here to read in English […]