Tag Archives: વ્યસનમુક્તિ
(૫૧૪) તમાકુત્યાગના પ્રયોગો અથવા સાચે જ મારી શરમકથા! – ૩ (ક્રમશ:)
મારો આત્મલક્ષી આ તૃતીય લેખ અનેકાનેક વ્યસનમુક્તિ માટે સંઘર્ષ કરતા વ્યસનીઓની માનવસહજ હાલકડોલક નિર્ણયશક્તિના કારણે મળતી નિષ્ફળતાને ઉજાગર કરશે. સમાજના રીઢા અપરાધીઓ કાયદાની પકડમાં આવે, ત્યારે પોતાના અપરાધની કબૂલાત કરતા નથી હોતા અને ઊલટાના એમ માનતા હોય છે કે ‘અપરાધ કબૂલ કરવો એ જ મોટો અપરાધ છે.!’(Confession is the greatest crime). આવા સામાજિક અપરાધીઓ અને વ્યસનીઓ વચ્ચે પાયાનો ફરક એ રહેતો હોય છે કે પેલા અપરાધીઓ તો અન્યોને સંતાપતા હોય છે, જ્યારે વ્યસની તો પોતાની જાતને જ હાનિ પહોંચાડતા હોય છે. પેલા અપરાધીઓ કબૂલાતથી દૂર ભાગે છે, વ્યસની પોતાના દોષનો સ્વીકાર કરે છે અને પસ્તાય છે; પરંતુ એ પસ્તાવાથી વિશેષ કશુંય કરી શકતો નથી હોતો! આમ છતાંય બડભાગી કોઈક વીરલો વ્યસનને કોઈકવાર મહાત કરીને વિજય તો મેળવી લે છે, પણ ઘણા કિસ્સાઓમાં સમય જતાં એ વિજય તકલાદી પુરવાર થતો હોય છે અને વળી પાછી એ વ્યસન સાથેની તેમની દોસ્તી જામીને પાકી થઈ જતી હોય છે.
મારા કિસ્સામાં પણ આમ જ બન્યું હતું. ત્રેપન ત્રેપન વર્ષની અવિરત એવી મારી તમાકુસેવનની બૂરી આદતનો અંત આવ્યો હતો અને ભારતના આઝાદીદિન તા.૧૫-૦૮-૨૦૧0ની મધ્યરાત્રિના બરાબર બારના ટકોરે હું પણ મારી તમાકુની ગુલામીને ફગાવી ચૂક્યો હતો. આ વખતના મારા સંકલ્પને સફળ થવા માટેના સંજોગો અનુકૂળ હતા, કેમ કે એકાદ અઠવાડિયામાં મારા હૃદયની સારવાર થવાની હતી. મેં વિચાર્યું હતું કે સાપ જેમ દરમાં સીધો થાય તેમ મારે દવાખાને સીધા થવાનું જ હતું, તો ઘરેથી સીધા થઈને જ કેમ ન જવું! વળી મેં મારા ઉપર મારું સ્વૈચ્છિક મનોવૈજ્ઞાનિક દબાણ એવી રીતે મૂક્યું હતું કે મેં મારા બ્લોગ ઉપર મારા તમાકુત્યાગના પરાક્રમનો જાણીજોઈને ઢંઢેરો પીટી નાખ્યો હતો. અગાઉ અનેકવાર મેં તમાકુત્યાગના પ્રયત્નો કર્યા હતા, પણ એ બધા મારા પૂરતા ખાનગી રહ્યા હતા; ‘મનમાં પરણવું અને મનમાં રંડાવું’ પ્રકારના જ તો વળી! ચાર જ દિવસ પછી તા.૧૯-૦૮-૨૦૧૦ના રોજ તાકીદના ધોરણે મારી બાયપાસ સર્જરી થઈ. મારી કટોકટીજનક સ્થિતિના કારણે છ દિવસ સુધીની આઈ.સી.યુ.ની મારી નજરકેદ પછી મારા રૂમમાં મને ખસેડવામાં આવ્યો; ત્યારે મેડિકેશનના કારણે જ્યાં મને પીવાનું પાણી કે ખાવાનું પણ બેસ્વાદ લાગતું હતું, ત્યાં તમાકુ ચાવવાનો વિચાર સુદ્ધાં પણ ક્યાંથી આવે! દવાઓની આ આડઅસર એકાદ મહિના સુધી રહી, જે મારા માટે લાભદાયી પુરવાર થઈ અને મારા પોતાના માન્યામાં ન આવે તેવી તમાકુત્યાગની અકલ્પ્ય સિદ્ધિ મને પ્રાપ્ત થઈ.
પછી તો તમાકુસેવનના નશાથી પણ બલવત્તર એવો તમાકુત્યાગનો નશો મારા દિલોદિમાગ ઉપર એવો છવાઈ ગયો કે હું પૂરાં ત્રણ વર્ષ અને બે માસ સુધી કોઈપણ જાતના માનસિક દબાણ વગર તમાકુથી વિમુખ રહી શક્યો. પરંતુ હું જાણીજોઈને ‘ખેલ ખેલમેં’ તા.૧૧-૧૦-૨૦૧૩ ના રોજ ભેંશનાં શિંગડાંમાં ફરી મારા પગ ભરાવી બેઠો. એ દિવસ મારી દીકરીનો જન્મદિવસ હતો અને મેં સ્વર્ગીય આનંદ માણવાની અનુભૂતિ સાથે લાંબા વિરામ બાદ મારાં ગલોફાંમાં પહેલીવાર તમાકુનો માવોમસાલો ભરીને તેને મારા મોબાઈલ ઉપરથી અધ્યાહાર SMS કરી દીધો, આ શબ્દોમાં કે ‘I have celebrated your birthday in my own way.’. એ બિચારીએ વળતો ફોન કરીને ‘કેવી રીતે ઊજવી’નો ખુલાસો માગ્યો, ત્યારે મેં એને લબડાવતાં કહ્યું હતું કે ‘સમય આવ્યે કહીશ’ અને એ સમય આવ્યો આઠેક મહિના પછી જ્યારે કે મારાં શ્રીમતીએ મને લપાતાંછુપાતાં તમાકુ ચાવતાં પકડી પાડ્યો હતો. સ્વાભાવિક જ છે કે માદીકરી વચ્ચે આવા કૌટુંબિક સનસનીખેજ સમાચારની આપલે થયા વગર રહે જ નહિ ને!
મારા તમાકુસેવનના ત્રણ વર્ષ અને બે માસના સન્યાસ પછી પુન: શરૂ થયેલી નઠારી આ ટેવનો મારો કબૂલાતનામાનો આ લેખ લખાઈ રહ્યો છે, ત્યારે બે વર્ષ અને પાંચ માસ પૂરા થઈ ચૂક્યા છે. મારાં આપ્તજનો અને મિત્રો-સ્નેહીઓ કે જે મને દિલોજાનથી ચાહે છે અને એવા કોઈ મારા જેવા તમાકુના બંધાણીઓ કે જેમણે કદાચ મારું ઉદાહરણ લઈને વ્યસનત્યાગ કર્યો હશે એ સઘળાને દુ:ખ થવા સાથે એક પ્રશ્ન પણ સતાવતો હશે કે મારે આમ કેમ કરવું પડ્યું હશે? મેં ઉપર ‘જાણીજોઈને’ શબ્દ સાથે ‘ભેંશનાં શિંગડાંમાં પગ ભરાવી બેઠો’ની જે વાત સહજ રીતે જણાવી દીધી છે તેને કંઈ ખુલાસો ન કહી શકાય તે હું સમજી શકું છું. ‘જાણીજોઈને’ શબ્દ સાથે સંકળાયેલા બે પ્રશ્નો – ‘શું જાણીને?’ અને ‘શું જોઈને?’ – અનુત્તર જ ઊભા રહે છે. આ પ્રશ્નોનો મારી પાસે કોઈ જવાબ નથી અને કોઈપણ વ્યસનમાં ગળાડૂબ હોય એવા કોઈપણ વ્યસની પાસે આવા પ્રશ્નોના જવાબ હોઈ શકે નહિ.
વળી કદાચ માનો કે આવા પ્રશ્નોના જવાબ અપાય તો તે સ્વબચાવ (Defense mechanism) માટેના જ હોવાના અને પ્રશ્નકર્તાને કદીય એવા જવાબોથી સંતોષ ન થાય એ પણ એક હકીકત છે. આમ છતાંય મેં જ જ્યારે આ સવાલો ઊભા કર્યા છે, ત્યારે મારે એના જવાબો આપવા જ રહ્યા અને એ બંને પ્રશ્નોનો મારો એક જ જવાબ છે ‘મારી માનસિક નિર્બળતા!’. મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી આપ સૌ વાચકો સમજી શકશો અને હું પોતે પણ સમજી શકું છું કે મેં જે તમાકુત્યાગ કર્યો હતો તે દિલથી નહિ, પણ મજબૂરીથી કર્યો હતો. જે માણસ પોતાને વ્યસન ક્યારથી વળગ્યું તે જાણે છે, એ વ્યસન કેટલા સમય સુધી રહ્યું એ પણ તે જાણે છે; એ માણસ કયા દિવસથી વ્યસનનો ત્યાગ કર્યો તેની નિશ્ચિત તારીખ યાદ રાખે છે, કેટલાં વર્ષ અને ઉપર કેટલા માસ સુધી પોતે વ્યસનમુક્ત રહ્યો તેનો હિસાબ પણ તેની પાસે છે. વળી ફરી વ્યસન શરૂ કર્યા પછી હાલ સુધીમાં કેટલો સમયગાળો વ્યતીત થયો છે તેની પણ વેપારીનામાની જેમ તેને ખબર છે. આ સઘળું બતાવી આપે છે કે તેના માનસપટમાંથી તમાકુ સદંતર ભુંસાઈ નથી. અંગારા ઉપર રાખ વળેલી હોય, પણ અંદર અગ્નિ પ્રજળતો જ હોય તેવી આ વાત થઈ ગણાય. વ્યસનના ભોગ બનવું એટલે એક પ્રકારની સાધ્યદુષ્કર માનસિક બિમારીને નોંતરવી અને એ બિમારીનો ઈલાજ જડમૂળથી ન થાય તો ફરી ઉથલો મારે જ એ હકીકતને સ્વીકારવી જ રહી.
કોઈ વાચક વળી મારા આ લેખના ફલિતાર્થને જાણવા માટેનો સવાલ ઊઠાવે તો હું એટલું જ કહી શકું એમ છું કે લેખના શીર્ષક મુજબ મારા પોતાના માટે તો આ સાચે જ શરમકથા છે, પણ વ્યસનત્યાગ માટેની મારી મથામણ અને અંતે મને મળતી નિષ્ફળતા અન્ય એવા વ્યસનમુક્ત લોકો માટે દાખલારૂપ બની શકે કે કદી કોઈએ આવાં ઝેરનાં પારખાં કરવાનો વિચાર સુદ્ધાં પણ કરવો જોઈએ નહિ. પેટ ચોળીને શૂળ ઊભું કર્યા પછી તેના ઈલાજ માટે ફાંફાં મારવા કરતાં શૂળ ઊભું જ ન કરવું એમાં જ શાણપણ છે. આજનો યુવાવર્ગ તંદુરસ્તીને હાનિકારક એવાં વ્યસનોથી દૂર રહે એમાં જ એની ભલાઈ છે.
-વલીભાઈ મુસા
નોંધ :- (217) તમાકુત્યાગના પ્રયોગો અથવા મારી શરમકથા – ૧ માટે અહીં ક્લિક કરો
(218) તમાકુત્યાગના પ્રયોગો અથવા મારી શરમકથા – ૨ માટે અહીં ક્લિક કરો.
(૫૧૫) તમાકુત્યાગના પ્રયોગો અથવા મારું પરોપદેશે પાંડિત્યમ્ – ૪ માટે અહીં ક્લિક કરો.
(૫૧૬) તમાકુત્યાગના પ્રયોગો અથવા મારી સાફલ્યકથા – ૫ માટે અહીં ક્લિક કરો.
(258) બેલગામ તરંગતુરંગ – જવલ્લે જ’ આવા લેખ (4)

‘તમે ઓલરાઉન્ડર સાહિત્યકાર જેવા લાગો છો, તો પછી ગઝલ ઉપર તમારો હાથ કેમ અજમાવતા નથી?’
‘કોઈને ખંખેરવાનો હોય તો હાથ અજમાવવાનું કહેવાય, ભલા માણસ! બિચારી ગઝલ તો સાવ નાજુક કહેવાય અને તેને રૂની પૂણીનો પ્રહાર પણ ભારે પડે!’
‘તમારી સાથે જ્યારે પણ કંઈ વાત કરવાનું બને છે, ત્યારે પેલા સંસ્કૃતના પંડિત કુન્તકનો આત્મા ક્યાંકથી તમારામાં પ્રવેશી જતો હોય છે અને તમે વક્રોક્તિ કર્યા સિવાય રહેતા નથી! તમને સીધું બોલવું ફાવતું નથી કે પછી મારી સાથે જ આમ કરો છો?’
‘જે સમજવું હોય તે તમે સમજી શકો છો, પણ એક વાત હાલ હું સીધેસીધી કહેવા માગું છું કે આપણે આપણી વચ્ચેના આટલે સુધીના સંવાદથી સંતુષ્ટ થઈને છૂટા પડીએ તો!’
‘ઓચિંતાનું એમ કેમ? કોઈ કામ આવી પડ્યું કે શું?’
‘તમે વાતવાતમાં મને કામ આપી દીધું છે, કંઈક લખવાનું! શું લખવાનું તેની મને ખબર નથી, પણ જે લખાય તે ખરું! વળી લખનારને જ જ્યારે પોતાના લખાણના સાહિત્યપ્રકારની ખબર ન હોય, ત્યારે બિચારા વિવેચકો તો એ સાહિત્યપ્રકાર શોધવા માટે પોતાનાં માથાં એવાં તો ખંજવાળશે કે તેમના બાલ ખરી જશે અને ટાલ પડી જશે! વળી એથીય આગળ એમ કહી શકાય કે ઈસુ ખ્રિસ્તે વદ્યસ્તંભ ઉપરથી ઈશ્વરને આખરી પ્રાર્થનામાં કહ્યું હતું કે હે ઈશ્વર, આ લોકોને તું માફ કરી દેજે કેમ કે તેમને એ ખબર જ નથી કે તેઓ શું કરી રહ્યા છે; બસ તેવી જ રીતે કોઈક વિદ્વાન વિવેચકને સરસ્વતીદેવીને એમ વીનવવું પડે કે હે દેવી આ લેખકને અને તેના જેવા અન્યોને માફ કરી દેજે કેમ કે તેઓ બિચારાઓને ખબર જ નથી કે તેઓ શું લખી રહ્યા છે!’
‘તમે આપણે છૂટા પડવું જોઈએ તેવી વાત કરી, પણ મારા પક્ષે એક વાત કહીને જ હું છૂટો પડીશ. તમે કંઈક લખવા જઈ રહ્યા છો ત્યારે હું એટલું જ કહીશ કે તમે કંઈક પ્રયોગશીલ લખવા જઈ રહ્યા છો, પેલા સાહિત્યકાર મધુ રાયની ‘હાર્મોનિકા’ જેવું જ, ખરું કે નહિ! તેમણે સાવ સાદા શબ્દોમાં ‘હાર્મોનિકા’ને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે ‘હાર્મોનિકા’ એ કાનથી વાંચવાની કૃતિ છે. તમે જે કોઈ ‘ઇકા’ જેવું પ્રયોગશીલ લખવા જઈ રહ્યા છો તેની કોઈ ખાસ ખાસિયત ખરી?’
‘હા, કેમ નહિ! મારા આ કૃતિના શીર્ષકમાં જ મેં જણાવી દીધું છે કે અહીંનું મારું પ્રસ્તુતીકરણ બે-લગામ છે; મહારાષ્ટ્રનું પેલું ‘બેલગામ’ નહિ, પણ લગામ વગરના તુરંગ અર્થાત્ ઘોડા જેવું અને એ ઘોડો પણ તરંગરૂપી ઘોડો, મન ફાવે તેમ કૂદ્યા કરતો સ્વચ્છંદી ઘોડો! સાવ અર્થશૂન્ય અને લક્ષવિહીન કૃતિ કે જેને દિમાગ વેગળું મૂકીને જ વાંચી શકાય! હવે, આપ જરા મને વેગળો મૂકશો, તો જ હું મારું આજનું કંઈક ‘ઇકા’ લખી શકીશ! ધન્યવાદ.’
* * * * *
ગઝલની વાત છેડાઈ અને ગો. મા. ત્રિપાઠીની ‘સરસ્વતીચન્દ્ર’ ની યાદ તાજી થઈ. વચ્ચે વચ્ચે કેવી મજાની ભાવ ટપકતી સીધીસાદી ગઝલો આવે અને આપણે ભાવવિભોર બનીને આપણી પાંપણોને ભીની થવા દઈએ! સરસ્વતીચન્દ્રના મુખે મુકાએલા કે તેના દિલે અનુભવેલા આ સરળ શબ્દો ‘સુખી હું તેથી કોને શું, દુ:ખી હું તેથી કોને શું?’ ગુજરાતી સાહિત્યના પંડિત યુગમાં ગઝલમાં ભારેખમ શબ્દોના બદલે સાહિત્યના ગાંધીયુગી સાદગીપૂર્ણ શબ્દો વહેલા આવી જઈને એવા લાગે છે કે જાણે હીરા, માણેક, મોતી જડિયા રે લોલ! બીજી એક ગઝલની કડીઓ ‘પતંગો ઊડતી જેવી, હવે મારી ગતિ તેવી’; તો વળી પેલા પ્રમાદધનના મુખે મુકાએલા ગઝલના કલ્પિત શબ્દો ‘ મરી જા રે મરી જા રે, મરી મુજથી છૂટી જા રે!’ વાંચતાં કુમુદસુંદરી જાણે કે આપણી બહેન હોય તેમ પેલા જીજા ઉપર આપણને નફરત થયા વગર રહે નહિ! બીજે ઠેકાણે સરસ્વતીચન્દ્રના મુખે લેખકે (કવિએ) શબ્દો મૂક્યા છે ‘ જહાંગીરી ફકીરી એ લલાટે છે લખાવી મેં!’ આ શબ્દો મનમાં ગણગણું છું અને જોઉં છું તો!
શું જોઉં છું? મારે આંગણિયે ઊભેલો એક લોબાનિયો ફકીર! થાળી જેવા ભિક્ષાપાત્રે જડાએલું ફૂલદાની જેવું પણ અંગારા ભરેલું લોબાનિયું! દરેક ઘરે કે દુકાને બીજા હાથે ચપટી લોબાન નાખતો જાય અને એ જ હાથે નાનકડા પૂંઠા કે પતરાના ટૂકડા વડે હવા ફેંકતો જાય અને લોબાની સુગંધીવાળો અને ગૂંગળામણ કરાવે તેવો તીવ્ર ધુમાડો આંખોને દઝાડે અને આપણને કોઈકવાર ખાંસતા પણ કરી દે! પણ શું થાય? આ બધું આપણે એટલા માટે મને કે કમને સહી લેવું પડે કે જેથી આપણે આપણા ઘરમાં કરકસર કરતા થઈએ અને દુકાને વધુ કમાતા થઈએ તેવી દ્વિમુખી દ્રવ્યવૃદ્ધિની પ્રક્રિયા થકી આપણને શુભ લાભ (બરકત) થતી રહે અને આવા લોબાનિયા કે અલોબાનિયા ફકીરોને ખેરાત મળતી રહે! આ લોબાનિયા ફકીરો ઘણું કરીને ગુરૂવાર (જુમેરાત) ના દિવસે આવતા હોય છે અને તેમની ટહેલના નિર્ધારિત શબ્દો હોય છે ‘જુમેરાત, ભરી મુરાદ!’; યાને કે પછીના દિવસ શુક્રવાર (જુમ્મા)ની રાત. મુસ્લીમ કેલેન્ડર ચન્દ્ર આધારિત હોઈ રાત્રિ પહેલી ગણાય છે અને આ દિવસે દરેકની મુરાદ (તમન્ના) પૂર્ણ થાય તેવી ફકીરની પણ શાબ્દિક ‘મુરાદે દિલ’ હોય છે, પેલી નાણાંકીય સિક્કાઓની સખાવતની અવેજીના સામે જ તો!
ફકીરો પણ કેવા જાતજાતના અને ભાતભાતના હોય છે; સાદા ફકીર, ઉપર વર્ણવાએલા લોબાનિયા ફકીર, જલાલી ફકીર, કોઈ ફકીરચંદ શેઠ ફકીર, કોઈ ભાઈલોગ ‘ફકીરા’, કોઈ ફકીરભાઈ કે ફકીરમીયાં વગેરે વગેરે. જલાલી ફકીર ગુસ્સાવાળો અને જિદ્દી હોય, પગે જંજીરો અને હાથે કડાં હોય. સહેજ બીહામણો અવાજ કાઢે, સરિયામ રસ્તે ચાલ્યો જાય, ‘અનલહક્ક’ જેવા સુફી ઉદગારો કાઢતો જાય, જે મહેલ્લો કે માર્કેટ પકડી હોય ત્યાં જ આંટાફેરા મારતો જાય. એના મનમાં કોઈક અપેક્ષા હોય, નાણાંની કે ચીજવસ્તુની. ઘણી વાર તેનો સવાલ (અપેક્ષા) જાણવા માટે પૂછનાર ન મળી આવે તો કલાકો સુધી કે પછી અર્ધા કે આખા દિવસ સુધી એ નિશ્ચિત કરેલી હદ વચ્ચે ટહેલતો જાય. સામાન્ય માણસ તો આવા જલાલી ફકીરની મોટી માગણી હશે તેવા ભયથી પૂછે નહિ. પણ છેવટે તો કોઈક માઈનો લાલ મળી આવે અને પેલાની માગણી સંતોષાય અને ખેલ પૂરો થઈ જાય, બાંધી મુઠ્ઠી જળવાઈ રહે!
સામાન્ય રીતે આવા જલાલી ફકીરોના સવાલને પૂરો કરનારા કોઈક જુગારિયા કે બે નંબરિયા જ હોય છે. તેઓને આવા ફકીરો કે સાધુબાવાઓમાં અપાર શ્રધ્ધા હોય છે અને એવો સટ્ટાનો આંકડો તેઓ પેલાઓના ઉદગારોમાંથી તારવી લેતા હોય છે. સટોડિયાઓના માનસને સમજવા માટે મનોવિજ્ઞાનના કોઈ અભ્યાસુઓએ સંશોધન કરવું પડે. કોઈક દરગાહ કે મજાર ઉપર એવો કોઈક દિવાનો ફકીર ગાળો ભાંડતો જાય અને તેમાંથી સટોડિયાઓ આંકડા કાઢે અને આંકડા રમે. ઘોડાગાડીના જમાનામાં ફૂટપાથ ઉપર સૂતેલો કોઈ સટોડિયો આંખ ખુલતાં જ જે ઘોડાગાડી નજરે પડે અને તે ગાડીનો નંબર ખેલે અને કાકતાલીય ન્યાયે કાં તો કંઈક કમાય કે ખુએ. એક જુગારિયો આંકડો લખાવવા જતો હતો અને કોઈકે કહ્યું કે ‘ભાઈ, આગળ જતાં તને બિસુ બારડોલી મળે તો કહેજે કે તને કાકા બોલાવે છે.’ અને પેલાએ રાતના પોતે નક્કી કરી રાખેલા આંકડાને બદલી નાખીને ‘બિસુ બારડોલી’ ઉપરથી 212 એટલે કે 122 નું પાનું તારવીને તે પાના ઉપર પાંચ રૂપિયા લગાવી દે છે અને બીજા દિવસે તેનો બુકી તેના હાથમાં પાંચસો રૂપિયા પકડાવી દે છે.
આંકડાઓની પણ જબરી માયાજાળ હોય છે. A.R.T.O. (પ્રાદેશિક વાહન નિયામક) ની કચેરી પણ લોકોની આવી મનોવૃત્તિનો પૂરો લાભ ઊઠાવીને પસંદગીના વાહન નંબર માટે વધારાનાં નાણાં ખંખેરી લે છે. લોકો 13 અને 420 જેવા આંકડાઓથી ભાગતા હોય છે. ચલણી નોટોમાં પણ શુકનવંતા 786 જેવા આંકડાવાળી નોટોને લોકો પોતાના Wallet કે તિજોરીમાં રાખી મૂકતા હોય છે કે જેથી પોતાની પાસે નાણાંની વૃદ્ધિ થયા જ કરે!
નાણાંની વૃધ્ધિની વાત આવી છે ત્યારે આપણે સાદા અને ચક્રવૃદ્ધિ વ્યાજને સમજી લઈએ. 10%ના દરે 1000 રૂપીઆનું ત્રણ વર્ષનું સાદું વ્યાજ રૂ|. 300 થાય. જ્યારે ચ.વૃ. વ્યાજ રૂ| 331 થાય. આ લેખકે જીવન વ્યવહારમાંથી વ્યાજની પ્રથાને સદંતર નાબુદ કરવા માટેનો એક તઘલખી કે શેખચલ્લી વિચાર અગાઉ પોતાના લેખ “’ ૬૦+ગુજરાતીઓ’ ના ચર્ચાચોરે ‘ધન-સંચય’નું ગાંઠાળું લાકડું – ભાગ ૧ અને ૨” માં વહેતો મૂકેલો જે વહેતો વહેતો સમુદ્રે ગયો અને ત્યાં જ ડૂબી ગયો અને વાદળો સાથે વરસ્યો જ નહિ. ઉમાશંકર જોષીના કાવ્ય ‘નદી દોડે’ માં પણ કવિએ એવી જ કલ્પના કરી છે કે દવ લાગેલા ડુંગરને ઠારવા માટે નદી પોતે વાદળ બનીને આવી વરસે, પણ કાવ્યની આખરી પંક્તિમાં આવે છે કે ‘પણ અરે, એ તે ક્યારે, ભસમ સહુ થઈ જાય પછીથી!’
કવિઓની કવિતાઓમાં કે લેખકોની નવલકથાઓમાં આખરી પંક્તિ કે પ્રકરણ આવે, પણ સટોડિયાઓ અને દારૂડિયાઓ માટે તેઓ જીવે ત્યાં સુધી અનુક્રમે તેમનો દરેક દાવ કે ઘૂંટડો કહેવા પૂરતો આખરી જ હોય છે. મારા મામા દક્ષિણ ગુજરાતમાં હાથવણાટની સાડીઓની ફેરી કરતા ત્યારે બસોમાં મુકાએલા દારૂનિષેધ માટેના Ad-ચિત્ર નીચેના સૂત્રને નાટકના ડાયલોગની જેમ Mimicry કરતાં બોલતા કે ‘તું શું મને પીવાનો હતો, હું જ તને પી જઈશ!’ જૂઓને મારા સુજ્ઞ વાંચકો, મારું વાલીડું વાતમાંથી વાત નીકળે જ જાય છે. લોકશાહીમાં વિવિધ ખાતાંઓના પ્રધાનો તરીકે જે તે ક્ષેત્ર કે વિષયના અનુભવીઓને જ જે તે ખાતાં સોંપવામાં આવતાં હોય છે. તો પછી, દારૂબંધી ખાતામાં દારૂડિયા પ્રધાનો જ નીમવામાં આવતા હશે, કેમ ખરું ને!
ભ્રષ્ટાચાર આચરતા પ્રધાનો, સરકારી બાબુઓ, કાળા બજારીઆઓ, કરચોરો કે એવા બધા દેશના અર્થતંત્રને ઊધઈ લગાડતા એવા શાસકો કે શાસિતોએ હવે ચોમાસુ બેસવા આવ્યું છે તો ગરોળીઓની જીવડાંને ભક્ષ કરવાની રીત ઉપરથી બોધપાઠ લેવો જોઈએ કે જેવડું મોંઢું તેવડો કોળિયો લેવાય. બોધપાઠ માટે વિશ્વસાહિત્ય અને ધર્મપુસ્તકોમાં બેસુમાર બોધકથાઓ જોવા અને સાંભળવા મળે છે. ફકીરો વિષેની ઉપરોક્ત વાતોમાં એક વાત કહેવાની રહી ગઈ હતી જે ભુલાઈ જાય તે પહેલાં અહીં આ ફકરામાં જ ઠપકારી દઉં! ફકરો અને ફકીરમાં કંઈક મળતાપણું લાગે છે પણ તેની વાત ફરી કોઈકવાર! તો વાત છે કોઈક હિંદી ચલચિત્રની, નામ યાદ આવતું નથી અને નામ યાદ પણ રાખતો નથી! એ તો કોમેન્ટ બોક્ષમાં કોઈક સિને-રસિયો લખશે જ! તો ભાઈ, તે ફિલ્લમના Hero છે દેવજીભાઈ. એ ગાયનના શબ્દો છે “…. ઝિંદગીકા સાથ નિભાતા ચલા ગયા, હર ફિક્રકો ધુએંમેં ઉડાતા ચલા ગયા!’ એટલે પેલો લોબાનિયો ફકીર પણ તેના જીવનની તમામ ફિક્ર (ફિકર)ને લોબાનના ધુમાડામાં ઉડાડતો રહે છે. એક વાર તો એક લોબાનિયો ફકીર મોંઢામાં સળગતી બીડી સાથે મારા આંગણે આવેલો, મેં હળવે રહીને તેની થાળીમાં રડો રૂપીઓ નાખવા પહેલાં તેની બીડીને તેના મોંઢામાંથી ખેંચી લેતાં કહ્યું હતું કે બે જાતના ધુમાડા ભેગા થાય તે ઠીક નહિ અને બીજી વાત કે ભલા માણસ, માગી ખાવાના આ ધંધા સાથે બીડી ફૂંકવાનો ધંધો શોભા આપે નહિ અને કોઈ નિર્વ્યસની દાતા તને કશું આપે નહિ અને તારા જ ધંધામાં પછી બરકત ક્યાંથી રહે!’
આ Free Style લેખ કોમ્પ્યુટર ઉપર ડ્રાફ્ટ કરી રહ્યો છું અને નીચે પાંચમું પાનું અડધે આવેલું દેખાતું હોઈ મને લાગે છે કે મારે લગામ વગરના તરંગ રૂપી આ ઘોડાની પીઠ ઉપરથી નીચે ભૂસકો મારવો જોઈએ અને મારા લખાણના અતિ વિસ્તારને મારે ખાળી લેવો જોઈએ, જો હું ઈચ્છતો હોઉં કે મારા બ્લોગને લોકો ઈચ્છાથી નહિ તો ભૂલથી પણ વાંચે!
સમાજવાદ, સામ્યવાદ અને મૂડીવાદના દૂરના સગે આવતા એવા ‘ધન્ય-વાદ’ના વિદાયસૂચક શબ્દ સાથે વિરમું છું. મેં ‘ધન્યવાદ’ ના બદલે ‘ધન્ય-વાદ’ એટલા માટે લખ્યું છે કે આ એવો ‘ધન્ય’ વાદ છે કે જે બંને પક્ષને ધન્ય ધન્ય કરી દેવા સમર્થ છે. લેતીદેતીના ભ્રષ્ટાચાર વખતે બંને પક્ષ તરફથી બોલાતો આ શબ્દ બોલતાં કે સાંભળતાં એવા અર્થનો પડઘો પાડે છે કે ‘મૈં ભી ખુશ, આપ ભી ખુશ! જય હો! ધન્ય-વાદ!’
– વલીભાઈ મુસા
(218) તમાકુત્યાગના પ્રયોગો અથવા મારી શરમકથા – ૨ (ક્રમશ:)
કસ્તુરીમૃગને ખબર નથી હોતી કે તેની પોતાની નાભિમાંથી જ કસ્તુરીની સુગંધ આવે છે અને એ બિચારું કસ્તુરીની તલાશમા પર્વત પર્વત, જંગલ જંગલ ભટક્યે જ જતું હોય છે. ગુમશુદા બાળકની શોધમાં બહાવરી બનીને દરબદર ભટકતી કોઈ ધુની માતાને એમ કહેવામાં આવતું હોય છે કે તેની કમરે તેડાએલું બાળક અન્ય કોઈનું નહિ, પણ તેનું પોતાનું જ છે! બસ, આવું જ થતું હોય છે મારા તમારા જેવા અનેકોના જીવનમાં કે તેમની સમસ્યાઓના ઉકેલ તેમની પાસે જ હોવા છતાં તેઓ અત્ર, તત્ર, સર્વત્ર તેની તલાશ અર્થે પરિભ્રમણ કર્યે જતા હોય છે. મારા આ કથન સંદર્ભે પ્રાચીન કવિ ધીરા ભગતની કૃતિ “તરણા ઓથે ડુંગર”ને ટાંકીશ જેનાથી મારા સુજ્ઞ વાંચકો સુવિદિત થશે કે ઘણીવાર માનવજીવનની કોઈ ડુંગરસમાન સિદ્ધિઓ કે વૈજ્ઞાનિક શોધસંશોધનો આડે એક ક્ષુદ્ર તણખલું માત્ર જ હોય છે અને તે સહજ રીતે જ દૂર થઈ જતાં પેલું મહત્વનું લક્ષ્ય જે અદૃશ્ય હોય છે તે દૃશ્યમાન થઈ જતું હોય છે.
તમાકુના વ્યસનમાંથી મુક્ત થવાના મારા અસફળ પ્રયત્નો મારા વ્યસનની અર્ધી સદી ઉપરાંતની અવધિ દરમિયાન અવિરત ચાલુ જ રહ્યા. મારા ભાગ્યની વક્રતા ગણો કે જે ગણો તે, પણ હું તમાકુના વ્યસન આગળની મારી લાચારીના એક માત્ર અપવાદ સિવાય (આત્મશ્લાઘા જેવું લાગે તો માફી ચાહું છું!) મારા સમગ્ર જીવનકાળમાં દૃઢ નિશ્ચયબળે કોણ જાણે કેટકેટલાય સંઘર્ષોમાંથી ઈશ્વરકૃપાએ હું પાર ઊતર્યો છું. માનવીમાત્રમાં એકાદ એવી કમજોરી હોય જ છે અને મારા દુર્ભાગ્યે મને મારી આ કમજોરી સાથે પનારો પડ્યો. Read the rest of this entry »
(217) તમાકુત્યાગના પ્રયોગો અથવા મારી શરમકથા – ૧ (ક્રમશ:)
હાલમાં તમિલનાડુ પણ તે કાળે મદ્રાસ તરીકે ઓળખાતા ભારતના એ રાજ્યના ટ્રીચી (Trichi) જિલ્લાના વેલાયુથમપાલયમ (Velayuthampalayam) મુકામેથી પેસેન્જર ટ્રેઈનમાં એ બધાં રવાના થઈને અમદાવાદના કાળુપુરના એ જથ્થાબંધ બજારમાં આવી પહોંચ્યાં હતાં. એમાંનાં કેટલાંક છૂટક વેપારે પાનબીડીના ખુમચાવાળા એ તંબોળી કે જે આ શરમકથાના ખલનાયક (Villain) તરીકે આગળ ઉપસશે તેના સુધી પહોંચ્યાં હતાં. હા જી, એ હતાં નાગરવેલનાં પાન!
મેઘલી એ સાંજ હતી અને કાલુપુરના દિલ્હી તરફના મીટર ગેજના એ રેલ્વે પ્લેટફોર્મ ઉપર લાગતી એ લોકલ ટ્રેઈનના ડબ્બામાં બેસવાની સીટ મેળવી લેવાની લાલચે છાપરા બહાર ઊભો રહીને પંદરેક મિનિટ સુધી હું પલળ્યો હતો. છાપરા નીચે જમા થએલી ભીડનાં પેસેન્જરોએ બેસવાની જગ્યા મેળવવાની હાલાકી સામે મેં ડહાપણનું કામ કર્યું હતું કે પલળીને પણ પાંચેક કલાકની ત્રીજા વર્ગની મારી સફરને હું આરામદેય બનાવી લેવાનો હતો. Read the rest of this entry »
[…] ક્રમશ: (7) […]