RSS

Tag Archives: વ્યસન

(૩૩૦) હળવા મિજાજે (પ્રસ્તાવના) – જુગલકિશોર વ્યાસ (૩)

(૩૩૦) હળવા મિજાજે (પ્રસ્તાવના) – જુગલકિશોર વ્યાસ (૩)

વલીભાઈની કેટલીક લવલી વાતો ! – જુગલકીશોર

કોઈના પુસ્તકની પ્રસ્તાવના લખવી તે સહેલી વાત નથી. એમાંય તે હળવા નીબંધોના પુસ્તકની પ્રસ્તાવના તો જોખમી જ ગણાય. પ્રસ્તાવના લખવાનું ગંભીર કાર્ય હળવા લેખો માટે હોય તોય શું થઈ ગયું, લખવાનું તો ગંભીરતાથી જ ને ! જો ‘હળવાશ’થી લખીએ તો પ્રસ્તાવનાની ગંભીરતા હણાય છે, ને જો ગંભીરતાથી લખીએ તો કોઈ જરુર કહેવાનું કે, “માથું દુખાડીને આ પ્રસ્તાવના લખનારે બીચાડા લેખકના હળવા નીબંધોની હવા કાઢી નાખી !”

આમ તો વલીભાઈ સાથે સીધો સંબંધ નહોતો. ધરતી પરથી તેઓએ ઈન્ટરનેટ પર ઉતરાણ (આમ તો ચડાણ) કર્યું ત્યારે એમણે પોતાનું ગાડું હાઈકુથી હાંઈક્યું હતું. આ હાઈકુમાંના સત્તર અક્ષરોમાં પછી તેઓ સમાયા નહીં ને જગ્યા સાંકડી પડી એટલે એમણે એમના ધોધમાર વાચનને એક પછી એક લેખોમાં વાળવા માંડ્યું…સારું થયું કે મારે ભાગે તો આ ‘હળવા’ લેખો આવ્યા, નહીંતર એમના પેટાવેલા ત્સુનામી (સું નામે બોલાવીશું એ બધા લેખોને ?)માંહું તો તણાઈ જ જાત.

કોઈ એક કાવ્યની ચર્ચા કરવામાં અમે બન્ને એક વાર કોમેન્ટ–બોક્સે ભેળા થઈ ગયા. આ કોમેન્ટબોક્સ આમ જોવા જાવ તો કોઈ જાહેર બગીચાના બાંકડા જેવાં હોય છે, જ્યાં કોઈ પણ આવીને બેસી શકે. એટલું જ નહીં પણ સૌ ચર્ચા કરતાં હોય તેમાં વચ્ચે પોતાની લુલી પણ હલાવી શકે. મેં એમ જ એક કાવ્યમાં મારી લુલી હલાવી હશે ને વલીભાઈને તે વાલી લાગી ગઈ હશે તે ઝાઝી ઓળખાણ–પાળખાણ વગર સીધું જ કહી દીધું કે “મારા હળવા નીબંધોની પ્રસ્તાવના તમે લખો !”

મેં તો વાતને હળવાશથી જ લીધેલી ! થયું, આ ભઈ કાં તો ઘર ભુલ્યા છે ને કાંતો મને બનાવે છે. એટલે થોડો સમય તો જવાબ ન આપ્યો. પણ પછીના પત્રમાં એમણે મારે માટે જે સંબોધન વાપર્યું તે કુલ મીલાકે સત્તર અક્ષર લાંબું હતું ! મારા નામની આગળ એક વીશેષણ, નામની પાછળ ‘જી’નું પુંછડું ને છેલ્લે અટકને સરકારી બનાવી દીધેલી ! “આજકાલ આટલા ભાવીક જનો ક્યાં મળે છે; આ ભાઈને મારામાં સાચ્ચે જ રસ જણાય છે, તો લાવને એમનું કામ કરી આપીએ” એવા કોઈક ભાવ સાથે, પછી તો મેં હા પાડી દીધેલી. અને એના ભાગ રુપે જવાબદારીપુર્વક એમના બ્લૉગોને વારાફરતી ખોલી જોયા. તો નર્યો ખજાનો જ નીકળ્યો !

એમના ખજાનાને વીંખતાં મને થયું, આ ભાઈને પોતાના પુસ્તક માટે પ્રસ્તાવનાની જરુર જ કેમ પડી હશે ? ઉંચું ને પડછંદ વ્યક્તીત્વ હોય, તેજસ્વી ચહેરો હોય, કપડાંની ભભક ને બોલચાલની છટા હોય તો માણસે પોતાની ઓળખાણ બીજા પાસે શા માટે કરાવવી ? એમનાં લખાણોમાંનાં આ બધાં વીશેષણો જોઈને – ખાનગીમાં કહું તો – મને શરમ જ આવી ગઈ ! આમને માટે હું વળી શું લખવાનો ? (વચ્ચે થોડો વધુ સમય પસાર કરીને મેં તેમની તત્પરતા નાણી જોયેલી. કદાચ વીચાર ફર્યો હોય તો કામ – એમનું સ્તો વળી – થઈ જાય ! પણ એમના હળવા નીબંધોને મારા પ્રસ્તાવનાના ભારે કુચડા વડે રગડવાનો જ ઈરાદો એમનો હશે તે નક્કી. ત્રીજી વાર પણ તેઓ ઈરાદે–મક્કમ જણાયા ! હશે, કંઈ નહીં, જેવા એમના ને એમના વાચકોનાં નસીબ….બીજું સું ?!… આપણે તો આપણાથી થાય તેટલું કર્યું….હજી જોકે એક ઉપાય તો છે જ. તેઓ ધારે તો મારી આ કુચડા–પ્રવૃત્તીને પુસ્તકને અંતે મુકીને ન્યાય આપી બચાવી શકે છે – મારી પ્રસ્તાવનાને ને એમનાં લખાણોને !)

હવે જ્યારે નક્કી થયું કે પ્રસ્તાવના લખવાની જ છે, ત્યારે એમના હળવા લેખોને મેં ભારે જવાબદારીપુર્વક વાંચવા શરુ કર્યા તો એમની વીશેષ શૈલીનો પરીચય થયો. પહેલી નજરે લાગે કે એમનું ગુજરાતી કાંઇક જુદા પ્રકારનું છે, સાધારણ માણસ લખે તેવું નથી. જુઓ –

“મારા ભલા વાચકો, ચર્ચામાંના વિષયની કોઈપણ વ્યાખ્યા એ તમારા ઉપર છોડું છું. મારા આ લેખના પહેલા ફકરામાં એવી કોઈ વ્યાખ્યા ન આપવાની મારી ખાત્રી ત્યાં મોજુદ છે અને હું તેને વળગી રહેવા માગું છું. પણ ધારો કે હું ભૂલથી એમ લખી નાખું કે ‘વિનોદવૃત્તિ એ રમુજને અનુભવવાની ક્ષમતાનું નામ છે’, તો તેને ધ્યાનમાં લેશો નહિ અને ભૂલી જજો કે તમે એ વાંચ્યું છે !”

જોયું ? પહેલાં તેઓ એમના ‘ભલા’ વાચકો ઉપર વ્યાખ્યા કરવાની જવાબદારી નાખી દે છે ને પોતે અગાઉથી જ એની ચેતવણી વાચકોને આપી દીધેલી તેની નોંધ – ચેતવણી ક્યાં લખી છે તેના સરનામા સાથે – આપે છે. પછી પાછા એ પોતે ચેતવણીને ‘વળગી જ રહેવાના છે’ તેવી ધમકીભરી જાણ કરે છે. પણ પછી કોણ જાણે કેમ – વાચક પર દયા આવી જવાથી કે વાચકને મુંઝવી નાખવા માટે – ‘ધારો કે…’ની ‘ભુલભુલામણી’ ભરી લપસણી જાહેરાત વડે વ્યાખ્યા આપવા આગળ આવે છે ! વાચક હજી કાંઇ વીચારવાની ‘ક્ષમતા’ મેળવે ન મેળવે ત્યાં તો વાંચીને ભુલી જવાની સુચના તેઓ આપી દ્યે છે જે વાચકને પોતાની ‘રમુજસમજશક્તી’ વીષે અસમંજસમાં નાખી દીયે છે !!

વાતને આમ ફેરવી ફેરવીને છતાં કુશળતા અને ચાતુરીપુર્ણ રીતે રજુ કરવાની તેમની શૈલી આ નીબંધોની એક ખાસ વાત ગણવી પડે.

એક બીજી વીશેષતા પણ તરત ધ્યાને ચડે તેવી છે તે વાચક સાથે સીધો નાતો જોડી દેવાની તેમની રીત. ક્યારેક તેઓ પડદા પાછળ રહીને સ્ટેજ પર ભજવાતા નાટકની ભુમીકા સમજાવતા લાગે છે તો ક્યારેક તેઓ કોઈની પાછળ ઉભા રહીને – તે માણસ જુએ નહીં તેમ – આપણને પરીચય કરાવતા જણાય છે. ક્યારેક ચોતરે બેસીને સૌ સાંભળે તેમ વાત માંડે છે તો ક્યારેક વળી આપણા કાનમાં કહેતા હોય તેમ વાત ફુંકે છે. ગમે તે રીતે, પણ વાત તો તેઓ એવી રીતે મુકે છે જાણે આપણે તેમને રુ–બ–રુ ‘સાંભળતા’ હોઈએ.

“કોઈ વાર્તા કે બનાવના વર્ણનમાં અંતભાગે અણધારી કે વિપરિત પરાકાષ્ઠા લાવી દેવાની કળા” વીષે તેઓ પોતાના નીબંધમાં ઉદાહરણ સાથે રજુઆત કરે છે ને શ્રી ક્ષ અને શ્રી ય વચ્ચેનો સંવાદ મુકે છે. (જુઓ પાન નં….) કોઈ જોક હોય તેવી શૈલીમાં અપાયેલો આ સંવાદ આખો રમુજનો સરસ પ્રકાર બની રહે છે.

એમના લેખોમાં ક્યારેક પોતે જ વાચકને હાસ્યના પ્રાગટ્ય વીષયક શંકામાં નાખીને વાચક પર નીર્ણય કરવાનું છોડે છે ! કહે છે –

“હું મારા આર્ટિકલને અહીં કોઈપણ જાતના માનસિક દબાણ વગર સમાપ્ત કરું છું કે જે તમને હસાવી દેવા કે ઓછામાં ઓછું સ્ટુડીઓમાં કોઈ ફોટોગ્રાફર બનાવટી સ્મિત લાવવા જેમ ‘cheese’ બોલવાનું કહે તેમ એકાદ સ્મિત પણ કરાવી લેવા સક્ષમ નીવડ્યો છે કે કેમ ! હા, હાહા, હાહાહા!!!”

અહીં તેઓ હસવાનો જે બીજો વીકલ્પ સુચવે છે તે એને તાદૃશ્ય કરી દેનારો છે ! ફોટો પડાવનારને ફોટોગ્રાફર કૃત્રીમ રીતે હસવા માટે ચીઝ બોલવાનો જે નુસખો બતાવે છે તેમાં હાસ્યનો એક પ્રકાર છતો થાય છે !! અને છેલ્લે, પોતાની આ કલા માટે હશે કે, પછી અન્યથા પણ લેખક સળંગ ત્રણ આવર્તનોમાં અનુક્રમે એક, બે, ત્રણ હા–કાર મુકીને ‘હાહા–કાર’ કરી જાણે છે.

બહલૂલ દાના નામના પ્રખર બુદ્ધીશાળી ને મસ્તરામ વ્યક્તીનું ચરીત્રચીત્રણ બહુ જ સરસ રીતે થયું છે. આપણો બીરબલ કે પેલો ગધેડા પર સવારી કરીને લોકોને ઉપદેશ આપતો ફીલસુફ અહીં યાદ આવી જાય છે. આ પ્રસંગમાં લેખકે જે ત્રણ પ્રસંગો મુક્યા છે તે એકએકથી ચડીયાતા અને બહુ મોટી શીખ આપનારા છે.

“હરખભેર બાઈડી પરણી આવેલો ભરથાર” મધુરજનીને પણ જીવનભરના બંધન તરીકે માનીને એનાથી છુટવા મથવાને બદલે એમાં જ રમમાણ બની જાય તેમ લેખક પોતાના તમાકુના વ્યસનને દર્શાવે છે. લગ્ન અને વ્યસનને સાથે મુકીને લેખકે જોખમી છતાં સફળ એવું ઉદાહરણ મુક્યું છે ! “અમદાવાદના કાળુપુરના એ જૂના રેલ્વે સ્ટેશન ઉપર પેલી મેઘલી રાત્રિએ તમાકુ સાથે થએલો એ સહજ મૈત્રીકરાર ક્યારે વૈવાહિક જીવનમાં પરિવર્તિત થઈ ગયો તેની ખબર સુદ્ધાં રહી નહિ.” અહીં તેમણે વ્યસનનું બહુ જ માર્મીક શબ્દચીત્ર આપ્યું છે. મૈત્રીકરારને વૈવાહીક જીવનમાં ફેરવાઈ જતો બતાવીને લેખકે તમાકુ સાથેના માનવીના સંબંધને બળુકી શૈલી ને સચોટ ઉદાહરણ વડે તીરસ્કાર્યો છે.

“માર્મિક વિનોદી પ્રશ્નોત્તરી” અને “ટાઈમપાસ તરંગી પ્રશ્નોત્તરી” આ બન્ને લેખો પાસેપાસે મુકાયા છે. પ્રથમમાંના પ્રશ્નો માર્મીક છે પણ રમુજના આશયવાળા નથી. એમાં જ્ઞાન પીરસવાનો સહજ પ્રયત્ન છે. બીજા લેખમાં ભલે ટાઈમ પાસ કરવા નીમીત્તે પણ જે સવાલો પુછ્યા છે તે બધા રમુજ અને તાર્કીકતાના નમુનાઓ છે ! આ પ્રકારની રમુજ આપણને હળવું અને રસાળ સાહીત્ય પુરું પાડે છે. બીજા લેખનો છેલ્લો તેરમો સવાલ લેખકે ખાસ જુદો તારવ્યો છે ! જુઓ, લેખક પોતાના ભોગે પણ કેવી નીર્દોષ રમુજ કરી લ્યે છે ! –

પ્ર. – ઉપરના 13ની સંખ્યામાંના પ્રશ્નોત્તરનાં જોડકાંમાં કયું સાવ નકામું છે ?

ઉ. – મને પૂછવાનું ઉત્તમ તો એ રહેશે કે કયું નકામું નથી !

વલીભાઈની વાતો વાંચવાની શરુઆતમાં જ મને એમના વીશાળ વાંચનનો ખ્યાલ આવી ગયો હતો. અનેક મહાનુભાવોનાં નામો, એમાંનાં મોટા ભાગનાંનાં અવતરણોને લેખકે આ બધા લેખોમાં છુટથી વેર્યાં છે. પણ જ્યારે મેં એમને ભારતીય કાવ્યમીમાંસાનાં કેટલાંક નામો સાવ સરળતાથી, જાણે ડાબા હાથનો ખેલ હોય તેમ, પ્રયોજતા જોયા ત્યારે સાનંદાશ્ચર્યથી હું ઘેરાઈ ગયો.

“ ‘તમારી સાથે જ્યારે પણ કંઈ વાત કરવાનું બને છે, ત્યારે પેલા સંસ્કૃતના પંડિત કુન્તકનો આત્મા ક્યાંકથી તમારામાં પ્રવેશી જતો હોય છે અને તમે વક્રોક્તિ કર્યા સિવાય રહેતા નથી! તમને સીધું બોલવું ફાવતું નથી કે પછી મારી સાથે જ આમ કરો છો ?’ ”

‘વક્રોક્તિજીવિત’ના લેખક અને વક્રોક્તીવાદને ભારતીય કાવ્યમીમાંસામાં મજબુત સ્થાન અપાવનાર કુંતકને અહીં, આટલી સહજતાથી ને સુક્ષ્મ રમુજ સાથે લાવી મુકીને વલીભાઈએ મારું આ લખવું વસુલ કરી આપ્યું છે !

વલીભાઈનાં લખાણોમાં ડગલે ન પગલે એવાં વાક્યો મળે છે જે એમની શૈલીનાં સ્ફુલ્લીંગો તરીકે ઓળખાવી શકાય. સાવ સહજ રીતે જાણે શ્વાસોચ્છ્વાસની રીતે તેઓ વાક્યો લાવી મુકે છે. આ વાક્યોમાં એમનું વીશાળ વાચન, એમની ફીલસુફી, ભાષાપ્રયોજનની અનુભવી શક્તી અને હળવાશ, એ બધું સાથે સાથે ચાલે છે. ભાગ્યે જ ક્યાંય કૃત્રીમતા વર્તાય છે, જુઓ –

“સ્મશાને કે ક્બ્રસ્થાને પહોંચી ગએલાં મડદાં કે મૈયતો પાછાં ન જ આવે તેવા સનાતન સત્યને મારી વાલી એ તમાકુએ ખોટું પાડ્યું છે !”

“કોઈક વિદ્વાન વિવેચકને સરસ્વતીદેવીને એમ વીનવવું પડે કે ‘હે દેવી, આ લેખકને અને તેના જેવા અન્યોને માફ કરી દેજે કેમ કે તેઓ બિચારાઓને ખબર જ નથી કે તેઓ શું લખી રહ્યા છે!’“
“લોકશાહીમાં વિવિધ ખાતાંઓના પ્રધાનો તરીકે જે તે ક્ષેત્ર કે વિષયના અનુભવીઓને જ જે તે ખાતાં સોંપવામાં આવતાં હોય છે. તો પછી, દારૂબંધી ખાતામાં દારૂડિયા પ્રધાનો જ નીમવામાં આવતા હશે, કેમ ખરું ને !”
““આ Free Style લેખ કોમ્પ્યુટર ઉપર ડ્રાફ્ટ કરી રહ્યો છું અને નીચે પાંચમું પાનું અડધે આવેલું દેખાતું હોઈ મને લાગે છે કે મારે લગામ વગરના તરંગ રૂપી આ ઘોડાની પીઠ ઉપરથી નીચે ભૂસકો મારવો જોઈએ અને મારા લખાણના અતિ વિસ્તારને મારે ખાળી લેવો જોઈએ, જો હું ઈચ્છતો હોઉં કે મારા બ્લોગને લોકો ઈચ્છાથી નહિ તો ભૂલથી પણ વાંચે !”

ઉપરના ઉદાહરણમાં જોવા મળે છે તેમ લેખક બે બાબતે જાગ્રત હોવા છતાં કેટલીક નબળાઈઓ ધરાવે છે ! એમાંની એક તે લખાણોનું ઘણું લંબાણ ને બીજું કે જે પ્રથમનું જ પરીણામ છે તે વીષયાન્તર ! મેં આ માટે એમને જાગ્રત કહ્યા તેના કારણોમાં મારે જવાની જરુર નથી કારણ કે લેખકે પોતે જ અવારનવાર તેનો જાતે સ્વીકાર કર્યો છે. જુઓ –

“હવે મારા વાચકોની તાલાવેલીનો અંત લાવવા મારા લેખના મુખ્ય વિષયે આવું છું અને હાલ સુધી આપ સૌને લબડાવવા બદલ માફી માગીને આગળ વધું છું.”

“હવે મારી ચર્ચાને આગળ લંબાવું છું, તેમ કહેવા કરતાં મારા માટેના એ પેલા અનામી ભાઈના વિચારોને અથવા તો અર્થવ્યવસ્થાકીય પ્રયોગને મારા સ્મરણ મુજબ સંક્ષિપ્તમાં રજૂ કરીશ.”

“આટલે સુધી વાંચકોને લાગ્યું હશે કે અહીં તો ગોળગોળ વાત કરવામાં આવી રહી છે…… કોઈક મારા ચર્ચાપત્રને આટલા સુધી વાંચતાં વાંચતાં આવીને એક વાતની ગાંઠ તો અવશ્ય વાળે કે આ ભાઈની ડાગળી ચસકી તો નથી ગઈ !”

હળવા નીબંધોમાં લંબાણનો મુદ્દો નબળાઈ રુપે ન લેવાય તે જાણું છું. જ્યોતીન્દ્ર દવેનો પ્રશ્નાર્થવાળો લેખ અસાધારણ લાંબો છે. વળી વીષયાન્તરને બાદ કરતાં બાકીનું લંબાણ ક્યાંક ને ક્યાંક અનેક પ્રકારનું વૈવીધ્ય લાવી આપવામાં મદદરુપ બને છે. તેથી લંબાણની બાબતને તે રીતે જ જોવી રહી.

આ બધા નીબંધોના વીષયો જોતાં બધા લેખો હળવા નથી. ‘હળવા મિજાજે’ શીર્ષક નીચે લેખકે કેટલુંક ગંભીર પણ મુક્યું છે છતાં એકંદરે એમનો આશય હળવા હૈયે ને હળવી રીતે સૌ વાચકોને કેટલીક બહુ જ મજાની વાનગીઓ પ્રેમથી પીરસી છે.
આપણા સાહીત્યમાં વીનોદને એક આદરપુર્ણ સ્થાન મળ્યું છે તેમાં એક કારણ વીનોદની સાથે સાથે જ એમાંથી મળતો રહેતો બોધ છે. હાસ્ય લેખકોમાંના મોટા ભાગના લેખકોએ પોતાના નર્મમર્મ દ્વારા જીવનના કેટલાય મર્મો સમજાવ્યા છે. મમળાવ્યા કરવાનું મન થાય તેવાં સુત્રો આપણને હાસ્યલેખકો પાસેથી મળતાં રહ્યાં છે.
એવાં જ કેટલાંક વાક્યો આપણા આ લેખક સુત્રરુપે મુકે છે, જે આપણને સહજ રીતે યાદ રહી જાય. આવાં વાક્યોમાં હળવાશ અને જ્ઞાન બન્નેનો અનુભવ થયા વગર રહેતો નથી. જુઓ –

“આત્મપરિચય આપવો એ ખતરનાક ખેલ ખેલવા બરાબર છે, ખાંડાની ધાર ઉપર ચાલવા જેવું જોખમકારક છે, કેમ કે લખવામાં જરાક પણ મર્યાદા બહાર હરખપદુડા થયા, તો સમજવું કે ગયા કામસે ! આત્માશ્લાઘા એ દૈહિક રીતે જીવતા રાખે તેવી આત્મહત્યાનો એક પ્રકાર છે,”

“જો તમારામાં સહેજ પણ રમુજવૃત્તિ હોય, તો તમારે અહીં હસવું જોઈએ; નહિ તો પછી આ અવતરણોને તમારા જીવનસાથી સાથે વહેંચો અને કદાચ તે તમારા ગાલ અને/અથવા ઓષ્ઠ ખેંચીને અથવા તો તમારી બગલોમાં ગલીપચી કરીને તમને હસવામાં મદદ કરશે !”

“એ કેવું સરસ કહેવાય કે કોઈપણ માણસ પોતાની મર્યાદાઓને જાતે સમજી શકતો હોય !”

મારી આ પ્રસ્તાવના પણ વધુ લાંબી થઈ જ ગઈ છે તેથી મનેય હવે શંકા થવા લાગી છે કે આના વાચકો પ્રસ્તાવનાકારને ક્ષમા નહીં આપે ! તેથી હું ય લેખકના પેલા લેખ “છેલ્લો પાસો”માં બતાવ્યા મુજબનો નુસખો વાપરી જોઉં !! એ લેખમાં એક એવા હાસ્ય કલાકારની વાત છે, જે ઓડીયન્સને અઘરી કહેવાય તેવી જોક્સ સંભળાવે છે ને છતાં કોઈ હસતું નથી ! છેવટે તે છેલ્લો પાસો ફેંકે છે ને પોતાની જ પીઠ થાબડીને બોલે છે –

“શાબાશ ! ઓડીયન્સને ન હસવા માટે હિપ્નોટાઈઝ કરવામાં આખરે તું સફળ થયો ખરો !”

વાચકોને મારે તો હસાવવાના હતા જ નહીં તેથી મારે મારી પીઠ થાબડવાની રહેતી નથી પણ લેખકે આ સંગ્રહને પ્રગટ કરીને જે કાર્ય કર્યું છે તેને માટે તો હું એમની જ પીઠ થાબડીને કહીશ કે, (‘વલી, વલીભાઈ, વલભૈ, વલદા, વિલિયમ, વલિયા, વલીડા, વિએન, વિએનજી, વલા, ભાઈ વલા’) વગેરે અનેક નામોથી સંબોધાતા એવા મારા મીત્ર વલીભાઈ ! તમારાથી હું તો અવશ્ય હીપ્નોટાઈઝ્ડ થયો છું.

અસ્તુ.

(પ્રસ્તાવના લખનાર પોતાની જોડણીમાં એક ઈ અને એક ઉનો પ્રયોગ કરવામાં માને છે તેથી તેમની જોડણી યથાવત્ રાખી છે.)

# # #

મારા ‘હળવા મિજાજે’માંના છેલ્લા ‘પાડદર્શન’ પ્રકરણમાં મુરબ્બીશ્રી જુગલકિશોર વ્યાસને લગતા લખાણનો અંશ : –

“હવે મૂળ વાતે આવું તો ‘જુકાકા’ (તેમના બ્લોગ ‘Net ગુર્જરી’ના વાચકોનું અને સમગ્ર ગુજરાતી બ્લોગ જગતમાં તેમને હુલામણું સંબોધન), ‘ન જાન, ન પહેચાન; માન, ન માન: મૈં તેરા મેહમાન !’ ઉક્તિ અનુસાર મુજ અજનબીને ‘વલીભાઈની કેટલીક લવલી વાતો !’ શીર્ષકે પ્રસ્તાવના લખી આપે તે ગજબ ભયો રામા (પણ, આગળ પેલા ફિલ્મીગીત મુજબ જુલમ ભયો તો ન જ ગવાય ને!) કહેવાય! બ્લોગજગતમાં કેટલાય નવીન નિશાળિયાઓને માર્ગદર્શન પૂરું પાડનાર, ભાષાશુદ્ધિ માટે બ્લોગર્સને જાગૃત કરનાર, પ્રતિભાવો દ્વારા નવોદિતોને ચાનક ચઢાવનાર, પોતાના બ્લોગ ઉપર વિવિધ વિષયો અને સાહિત્યપ્રકારો થકી ઉમદા વાચનસામગ્રી પીરસનાર એવા મુરબ્બીશ્રી જુકાકાનો પરિચય મને ખૂબ મોડેથી થયો તેનો વસવસો રહ્યા કરશે. જો કે મિરઝા ગાલિબના આધ્યાત્મિક અર્થમાં સમજવાના આ મતલબના એક શેર કે ‘મસ્જિદમાં ગુમાવેલા સમયનું સાટું પીઠામાં જઈને વાળો !’ની જેમ તેઓશ્રી અમદાવાદ ખાતે જ હોઈ અને મારું અંશત: કુટુંબ પણ ત્યાં જ હોઈ તેમને તેમની અનુકૂળતાએ અવારનવાર મળતા રહીને એ ખોટને સરભર કરીશ. વળી તેમની મારા લખાણના અતિ વિસ્તાર વિષેની પ્રેમાળ ટકોરને ગાંઠે બાંધીને તેમણે લખી આપેલી પ્રસ્તાવના બદલ ફરી એક વાર તેમનો ‘પાડ’ માનીને અત્રે મનોમન ‘અલમ અતિ વિસ્તરેણ’ ઉચ્ચારીને બીજા મદદગારો તરફ આગળ વધું છું.”

# # #

Note : – You may click here to preview my e-book “હળવા મિજાજે”.

 
1 Comment

Posted by on June 15, 2012 in લેખ, વિવેચન

 

Tags: , , , ,