ગ઼ૈર ફિરતા હૈ લિએ યૂઁ તિરે ખ઼ત કો કિ અગર કોઈ પૂછે કિ યે ક્યા હૈ તો છુપાએ ન બને (૪)
ગ઼ાલિબ પોતાની ઘણી ગ઼ઝલોમાં નામાબર (કાસદ)ને ઉલ્લેખે છે. માશૂકાને પત્રો પહોંચાડવાનું કામ બજાવતા આ કાસદ ઉપર માશૂકને ઘણીવાર શંકા થતી હોય છે કે રખેને એ કાસદ જ પોતાની માશૂકાનો વધુ કરીબી થઈને ખલનાયક તો નહિ બની જાય, આડખીલીરૂપ તો નહિ બની જાય! અહીં આ શેરમાં પણ ગ઼ાલિબ એવી જ વાત લાવે છે; પરંતુ અહીં કાસદ નહિ, પણ માશૂકનો હરીફ છે. માશૂકાના પોતાના ઉપરના પત્રને ગડી વાળીને લઈ ફરતો એ હરીફ બિનભરોંસાપાત્ર છે. તેમના પ્રણયની ગુપ્તતા એ નહિ જ જાળવે. કોઈક એને પૂછે કે તેના હાથમાં શું છે તો તે રહસ્ય ખુલ્લું કરી જ દેશે અને આમ જમાનાને માશૂકના ઇશ્કની જાણ થઈ જશે. એ તો સર્વવિદિત છે જ કે જમાનો હંમેશાં પ્રેમીયુગલોનો દુશ્મન જ રહ્યો છે. માશૂકનો હરીફ માશૂકને ઊઘાડો પાડી દઈને તેને બદનામ કરી દીધા પછી હળવેથી તે માશૂકાનો નિકટતમ પ્રેમી થઈ જશે. આ શેરમાં માનવસ્વભાવની શંકાશીલતાને ઉજાગર કરવામાં આવી છે. આપણને યાદ રહે કે ગ઼ાલિબની વાસ્તવિક કોઈ માશૂકા છે જ નહિ. તેમની ગ઼ઝલોમાં તેમની કલ્પનાની માશૂકા એક વિષય માત્ર જ બને છે. આમેય આપણે જાણીએ જ છીએ કે ગ઼ઝલકારની ગ઼ઝલોમાં શરાબ અને સુંદરી હોય જ અને તેથી જ તો શાયરીમાં રંગત આવતી હોય છે, અન્યથા એ સર્જન નીરસ જ બની રહે.
* * *
ઉસ નજ઼ાકત કા બુરા હો વો ભલે હૈં તો ક્યા હાથ આવેં તો ઉન્હેં હાથ લગાએ ન બને (૫)
(નજાકત= કોમળતા); આતિશ = આગ]
આ શેરમાં શાયર માશૂકા પરત્વે હળવો આક્રોશ વ્યક્ત કરે છે. તે માશૂકાને સંબોધતાં કહે છે કે ભલેને તારામાં ગમે તેવી નજાકત (કોમળતા) હોય, પણ એ કશાય કામની નથી; અને તેથી હું સખ્ત શબ્દોમાં તારી નજાકતની આલોચના કરું છું. એવી નજાકત તો શા કામની કે જે પાસે હોય અને તેને સ્પર્શી ન શકાય. આમ માશૂકાની નજાકત આસમાનના સિતારાઓ જેવી છે; જે સુંદરતમ તો છે, પણ તેમને હાથમાં લઈ શકાતા નથી. આ શેરના બીજા મિસરામાં ‘હાથ’ શબ્દની પુનરાવૃત્તિ, પણ ભિન્ન અર્થોમાં, મનનીય બની રહે છે. ‘હાથ આવવું’નો મતલબ છે, ‘પ્રાપ્ત થવું’ અને ‘હાથ લગાવવો’નો મતલબ છે, ‘સ્પર્શ થવો’. આ શેર આપણને ગ્રીક દંતકથાના શાપિત રાજા ટેન્ટેલસની યાદ અપાવે છે કે જેના મોંઢા સુધી ફળ અને પાણી હોવા છતાં તે તેમને આરોગી કે પી શક્તો નથી.
* * *
કહ સકે કૌન કિ યે જલ્વાગરી કિસ કી હૈ પર્દા છોડ઼ા હૈ વો ઉસ ને કિ ઉઠાએ ન બને (૬)
(જલ્વાગરી = તેજ (પ્રભા)ની જાદુગરી)
અહીં માશૂકાના હુશ્નને બિરદાવવામાં આવ્યું છે. પર્દાની પાછળ છુપાયેલા હુશ્નના તેજની જાદુગરી કોની છે એ જાણવું કે સમજવું કોઈપણ બુદ્ધિમાન માણસની બૌદ્ધિક શક્તિ બહારનું છે. માશૂકાએ પોતાના હુશ્નને છુપાવવા માટે પોતના ચહેરા ઉપર પર્દો એવી રીતે નાખ્યો છે કે તેને ઉઠાવવામાં આવે તેવી કોઈ શક્યતા વર્તાતી નથી. ચહેરા ઉપર પર્દા કે નકાબનું હોવું એ સ્વરૂપવાન બાનુ માટે તહજીબ (શિષ્ટાચાર)નો એક ભાગ ગણાય છે. મર્દમાત્ર માટે એ સાહજિક આરજૂ હોય છે કે ઢંકાયેલા સૌંદર્ય તરફ વિશેષ આકર્ષણ કે લગાવ હોવો. અહીં શાયરની ઝંખના તો એ જ છે કે માશૂકાના સૌંદર્યનું અનાવરણ થાય અને તે એ સૌંદર્યને જોવા પામે, પણ સાથે સાથે તેને એ વાતનો યકિન પણ છે કે એ પર્દો નહિ જ ઊઠે. આ શેરને ઇશ્કે હકીકી સંદર્ભે લઈએ તો સમજાય છે કે અનુપમ સૌંદર્ય ઠેર ઠેર વેરાયેલું પડ્યું છે એવા બ્રહ્માંડનો સર્જનહાર ઈશ્વર પણ પર્દા પાછળ છુપાયેલો જ હોય છે કે જેને આપણે આપણાં ચર્મચક્ષુઓ વડે હરગિજ નિહાળી ન શકીએ, સિવાય કે આપણે આપણાં અંત:ચક્ષુ દ્વારા તેની અનુભૂતિ કરીએ.
તસ્કીં કો હમ ન રોએઁ જો જ઼ૌક-એ-નજ઼ર મિલે હુરાં-એ-ખુલ્દ મેં તેરી સૂરત મગર મિલે (૧)
(તસ્કીં= સાંત્વના, સંતોષ; જ઼ૌક-એ-નજ઼ર= દૃષ્ટિની અભિરુચિ (માશૂકાની સૂરત કે જેનાથી પોતાની દૃષ્ટિની અભિરુચિ પૂરી થાય); હુરાં-એ-ખુલ્દ= સ્વર્ગ-જન્નતની હુર-અપ્સરા)
અર્થઘટન અને રસદર્શન :
ટૂંકી બહેર (છંદ)ની આ ગ઼ઝલ છે. તે સ્વરબદ્ધ લયમાં ઝુમાવતી અને હળવા મને શ્રાવ્યનો આનંદ આપતી ગ઼ઝલોમાંની એક છે. તેને ઘણી જગ્યાએ મનોરંજક રીતે સંગીતબદ્ધ પણ કરવામાં આવેલી છે. મુશાયરાઓની રોનકમાં વધારો કરી શકવા સમર્થ એવો ગ઼ઝલનો આ પહેલો શેર છે. આ થોડોક સંકુલ હોવા છતાં જ્યારે તે સમજવામાં સ્પષ્ટ બનશે ત્યારે આપણને ખચિત આનંદ આપશે જ. પહેલો મિસરા સરળ રીતે એમ સમજાવે છે કે તમે કેવી રીતે એવી આશા સેવી શકો કે હું રાહત કે શાંતિ મેળવવા માટે મારા રૂદનને અટકાવી દઉં, જ્યાં સુધી કે હું પ્રત્યક્ષ રીતે મારી માશૂકાના ચહેરાના દૃશ્યની ઝલક પામવાનો સંતોષ ન મેળવી લઉં! અહીં શાયર કંઈક એવો ખિજવાટ કે ચીઢિયાપણાનો પોતાનો ભાવ દર્શાવતાં આ ઉદ્ગારો કાઢે છે, કારણ કે પોતે એક તરફ ઇશ્કરોગ (પ્રેમરોગ)ની વ્યથા અનુભવે છે અને તેના કારણે તેના થતા રહેતા રૂદનને અટકાવી દેવાનું સ્નેહીજનો આગ્રહપૂર્વક જણાવે છે. શાયર માને છે કે માશૂકાના ચહેરાનાં દીદાર (દર્શન) થયેથી માશૂક સંતુષ્ટ થઈ જશે અને પછી આપોઆપ તે રૂદન અટકી જશે અને આમ જબરજસ્તીથી તેને વિલાપ કરતો અટકાવી દેવાય તે તેને ત્રાસદાયક લાગે છે.
બીજા મિસરામાં માશૂક મૃત્યુ પામીને જન્નતે સિધાવ્યા હોવાની કલ્પના કરતાં કહે છે કે જન્નતમાં ગયા પછી ચારે તરફ હુરો (અપ્સરાઓ)ના વૃંદ વચ્ચે પણ પોતે તો જ્યાંસુધી પોતાની આ લોકની જિગરજાન એવી માશૂકાનો ચહેરો નહિ જુએ ત્યાંસુધી તેમને કોઈ ચેન પડશે નહિ. ઈસ્લામિક માન્યતા મુજબ આ લોકમાં પવિત્ર જીવન ગુજારનારને પરલોકમાં એવી હુરોની નવાજિશ કરવામાં આવશે કે તેઓ કુમારિકા (Virgin) હશે અને રૂપરૂપના અંબાર સમી તેઓ એ જન્નતી જીવોને હર પ્રકારનું મનોરંજન પૂરું પાડતી હશે. પરંતુ આપણો માશૂક તો એ જ વાતનું રટણ કર્યા કરે છે કે તેને માશૂકાની સૂરત જોયા વગર એ બધીય હુરો તેના માટે સાવ નકામી જ પુરવાર થશે, તેને તો ત્યાં પણ માશૂકાના ચહેરાની જ તલાશ રહેશે.
અહીં ઇશ્કે હકીકીની રૂએ એ અર્થઘટન પામી શકાય કે માશૂકારૂપ એવા એ ઈશ્વરના દર્શન આગળ જન્નતની હુરો પણ તુચ્છ જ હશે. સુફીઓ માને છે કે ઈશ્વરની પ્રાપ્તિ સામે આકર્ષક અને લોભામણી એવી કોઈ પણ સુવિધાઓ કે સુખોની કોઈ વિસાત નથી. ઈશ્વર રૂપી માશૂકાની ઈબાદત (ભક્તિ) એવી નિ:સ્વાર્થી હોય કે જ્યાં જન્નતની લાલચ પણ ન હોય અને જહન્નમનો ડર પણ ન હોય. તેમની માન્યતા એવી છે કે સૃષ્ટિઓનો સર્જનહાર એ ખાલિક (સર્જનહાર) છે, જ્યારે અન્ય સઘળું જન્નત કે જહન્નમ સમેત તેની ખલકત (સર્જન) છે.
कोई सूफी संतने बताया है कि गर जो खुदा मिलता है तो जन्नतको जला दो या जहन्नमकी आगको बूझा दो; कोई फर्क नहीं पडता ।
સુફીને ખાલિકમાં રસ હોય છે, નહિ કે એની ખલકતમાં. હુરો પણ ખલકતમાં આવી જાય અને તેથી જ તે તેમની વચ્ચે પણ પોતાની માશૂકા એવા ઈશ્વરના ચહેરાને જ શોધતો રહેતો હશે. આમ અહીં ખૂબ જ ઊંચા પ્રકારની ઈશ્વરની આરાધનાને સ્વીકારવામાં આવી છે અને ઈશ્વર રૂપી માશૂકાના ચહેરા સામે એ સઘળી હુરોના ચહેરા સાવ નિસ્તેજ અને ફિક્કા ગણવામાં આવ્યા છે.
આમ અહીં તો શેરની એક વિભાવનાની શક્યતા તપાસવામાં આવી છે, પરંતુ વાસ્તવમાં તો દુન્યવી એવી એ પોતાની માશૂકાની જ અહીં વાત કરવામાં આવી છે, કારણ કે આ શેર અને આખીય ગ઼ઝલ ઇશ્કે મિજાજીની તરફેણમાં જ જાય છે. અહીં માશૂકાની ખૂબસૂરતીની પરાકાષ્ઠા અભિવ્યક્ત થઈ છે.
* * *
અપની ગલી મેં મુઝ કો ન કર દફ્ન બાદ-એ-ક઼ત્લ મેરે પતે સે ખ઼લ્ક કો ક્યોં તેરા ઘર મિલે (૨)
સરળ છતાં ખૂબ જ આકર્ષક એવો આ શેર છે, જે મુશાયરામાં સૌને એકી અવાજે આફરીન… આફરીન બોલાવી શકે તેવો એ છે. અહીં માશૂક માશૂકાને ઉદ્દેશીને કહે છે કે રખે ને કદાચ તું મને ક્ત્લ કરી પણ દે, તોય તારી ગલીમાં અર્થાત્ તારા નિવાસસ્થાનની નજીકમાં મને દફન કરીશ નહિ.
અહીં શેરમાં ચાહકની વિચારણા માગી લે તેવો મુદ્દો એ છે કે માશૂકા સાવ નાજુક દિલની હોઈ એ માશૂકને એકતરફા ઇશ્કથી ત્રસ્ત બનીને ગુસ્સાના આવેશમાં કત્લ કરી દે એ થોડુંક અસંભવ લાગે છે. ભલા, કોમળ હૃદયી એવી માશૂકા તેના કોમળ હાથો વડે તેના માશૂકની નિર્મમ હત્યા તો કેવી રીતે કરી શકે? આમ છતાંય શેરનો પ્રથમ મિસરા એ દર્શાવે તો છે જ કે કત્લ તો થાય જ છે! તો પછી આનો સંભવિત મતલબ એ પણ લઈ શકાય માશૂકને કત્લ કરવામાં ન આવે, પણ પોતે જ કત્લ થઈ જાય. અહીં પણ આપણને એ શંકા થાય કે માશૂક પોતે સામે ચાલીને કત્લનો ભોગ તો ન જ બને ને! પરંતુ મારા મતે આ શક્યતા પણ સિદ્ધ થઈ શકે છે એ અર્થમાં કે માશૂકાની નજરના તીરથી પોતે ઘાયલ થઈને કત્લ થવા પામે. આમ અહીં કત્લ કરવામાં આવે કે માશૂક પોતે કત્લ થઈ જાય, પણ એના જનાજાને માશૂકા કબ્રસ્તાનના બદલે પોતાની ગલીમાં તો ન જ દફન કરે, કેમ કે….!.
આ ‘કેમ કે’નો જવાબ શેરના બીજા મિસરામાં એ રીતે મળે છે કે માશૂક પોતે જ તેની ગલીમાં લાશને સગેવગે કરવાના હેતુસર એટલા માટે દફન થવા દેવા નથી માગતા કે જેથી તેમનો કોઈ ચાહક તેમની કબર સુધી આવી જાય અને તેને માશૂકાના રહેઠાણનો પત્તો (સરનામું) ન મળી જાય! અહીં માશૂકનો એવો ઈર્ષાનો ભાવ પ્રદર્શિત થાય છે કે તેમના કત્લ થયા પછી પણ અન્ય કોઈ માશૂકાની એ ગલીમાં પહોંચી જઈને એનાં દીદાર (દર્શન) ન કરી શકવો જોઈએ. અહીં માશૂકની દીવાનગી એવી ઉત્કૃષ્ટ છે કે પોતે માશૂકા થકી કત્લ થયા પછી પણ તે પોતાની જ રહે, અન્ય કોઈની તેના ઉપર નજર સુદ્ધાં પણ ન પડે!
કોઈ તફસીરકાર (વિશ્લેષક) બીજી એ રીતે પણ વિચારે છે કે માશૂક નથી ઇચ્છતા કે તેઓ માશૂકાની ગલીમાં જ દફન થવાના કારણે તે તેમના ખૂનના ઇલ્જામનો ભોગ બને અને કોઈ કાનૂની કાર્યવાહીમાં સજા પામી જાય! આમ પોતે તેમના ઇશ્કમાં એવા સમર્પિત છે અને તેની એવી દરકાર રાખે છે કે ભવિષ્યે માશૂકા ખૂનના આરોપની વબાલમાં પણ ન ફસાઈ જાય! જો કે આ સંભાવના બહુ ઓછી સ્વીકાર્ય બને છે અને તેથી જ માશૂકાના રહેઠાણની અન્યોને જાણ ન થઈ જાય તે જ સંભાવના વધુ બલવત્તર લાગે છે.
(સાક઼ી ગરી કી શર્મ કરો= સાકી થવા માટેની લાજ રાખો; શબ= રાત; મૈય= મદિરા)
અર્થઘટન અને રસદર્શન :
‘સાકી’નો શબ્દકોશીય અર્થ છે, કલાલ કે મદ્યપાન કરાવનાર. ગ઼ઝલોમાં ‘સાકી’ શબ્દ માશૂકા (પ્રિયતમા) માટે પ્રયોજાય છે. શરાબની મહેફિલોમાં કે કસુંબાપાણીના ડાયરામાં એક શિષ્ટાચાર હોય છે. કસુંબાપાણીના ડાયરામાં ઘોળેલા અફીણનું પાન કરાવનાર ઈસમ પોતાની હથેળીમાં એ પ્રવાહી લઈને સામેવાળાના હોઠ તરફ ધરે છે. સામેવાળો એ હથેળીમાંથી અમલપાન કર્યા પછી પોતાના ખભા ઉપરના ખેસ વડે હળવેથી પેલાની હથેળીને સાફ કરે છે. આ પરંપરાથી ચાલ્યો આવતો વણલખ્યો શિષ્ટાચાર છે. મદ્યપાનમાં પણ કેટલાક શિષ્ટાચાર હોય છે, જેવા કે એ મદિરા પીનારનાં કપડાં કે ભોંય ઉપર ઢોળાય નહિ. આંખોમાં લાગણીનો ભાવ રાખીને મદિરા પ્યાલાઓમાં આપવામાં આવે, પીનારાઓ પોતપોતાના પ્યાલાઓ એકબીજા સાથે સહેજ અથડાવીને ચિયર્સ કરે વગેરે.
આપણી ગ઼ઝલના આ શેરમાં માશૂક માશૂકાને ‘સાકી’ તરીકે સંબોધતાં કહે છે કે મદ્યપાન કરાવતી વખતે તહજીબ (શિષ્ટાચાર) સાચવો અને મહેફિલની અદબ પણ જાળવો. સાકીએ એવી કોઈ હરકત ન કરવી જોઈએ કે જેથી સામેવાળા શરાબીની લાગણી ઘવાય! અહીં ‘આજ’ શબ્દને ધ્યાનથી તપાસવો પડશે. ‘આજ’ શબ્દ ઉપરનો ભાર એ દર્શાવે છે કે તમે માશૂકાએ આજ પહેલાં મહેફિલનો શિષ્ટાચાર ભલે ન જાળવ્યો હોય પણ આજે તો શરાબ પીરસતી વખતે ખાસ કાળજી રાખીને સાકીગીરીની લાજ રાખજો. અહીં એ વ્યંજનાર્થ સંભવિત છે કે આજની શરાબની એ મહેફિલ માશૂક માટે ખાસ હોવી જોઈએ. અહીં આપણે કલ્પનાના ઘોડાઓ દોડાવીને એ ‘ખાસપણા’ને જુદી જુદી રીતે કલ્પી શકીએ, જેમ કે માશૂક માટે પોતાની કોઈક ખુશીનો ખાસ પ્રસંગ હોય અને તેની ઉજવણી નિમિત્તે શરાબની એ મહેફિલ પ્રયોજાઈ હોય! હવે શેરના આ જ મિસરાના ઉત્તરાર્ધમાં ‘આજ વરના હમ’ દ્વારા ‘જો’ અને ‘તો’ની શરત રૂપે કહેવાયું છે કે જો તમે સાકી તરીકેની શર્મ અદા કરો તો સારી વાત છે, નહિ તો… અને આ ‘નહિ તો’ પછીની વાત શેરના બીજા મિસરામાં પૂરી થાય છે.
શેરના બીજા મિસ્રામાં માશૂક કહે છે કે અમે તો દરેક રાત્રિએ અમને ગમે તે રીતે શરાબ આપવામાં આવે તો પણ અમે તો તે પીતા જ રહીએ છીએ. અહીં માશૂકાને પહેલા મિસરામાં સલાહરૂપે મદિરા પીરસવા, સર્વ કરવા માટેની સામાન્ય આચારસંહિતાઓ જાળવવાની શિખામણ આપ્યા પછી પોતાના વિષે તો બેફિકરાઈથી એવી વાત કરે છે કે અમે તો મદિરાના બંધાણી હોઈ અમને કોઈપણ રીતે મદિરા આપવામાં આવશે તો પણ અમને તો કોઈ ફરક પડશે નહિ. આમ પહેલા મિસરામાં અપેક્ષા અને બીજા મિસરામાં સંતોષનો ભાવ પ્રદર્શિત થાય છે. વળી અહીં બીજો વ્યંજનાર્થ એ રીતે રજૂ થયેલો જણાશે કે અમારે તો શરાબ પીવાથી મતલબ છે, એ કેવી રીતે સુરાઈમાંથી અમારા પ્યાલામાં રેડવામાં આવે છે તેનાથી અમને કોઈ મતલબ નથી, કોઈ શિષ્ટાચાર નિભાવવામાં આવે છે કે નહિ તેનાથી પણ અમારે કોઈ લેવાદેવા નથી.
આ આખોય શેર આપણને જુદી દિશામાં વિચારતા પણ કરી શકે છે. શરાબના રૂપક દ્વારા માશૂક માશૂકાના ઇશ્કને પ્રાપ્ત કરવા માગે છે, તેની આંખોમાંથી ઝરતા પ્રેમભાવનું પોતે પાન કરવા માગે છે. એ પ્રેમભાવ ગમે તે રીતે દર્શાવવામાં આવે તો પણ માશૂક તો પ્રેમભાવના તરસ્યા હોઈ તેમને કોઈ ફરક પડશે નહિ. પહેલા મિસરા પ્રમાણે જો એવો શિષ્ટાચાર નિભાવાય તો તે ઇચ્છનીય છે, વરના અમને તો અમારા ઇશ્કભાવનો પ્રતિભાવ વળતા ઇશ્કથી જ ગમે તે રીતે મળે તો પણ અમે તો સંતુષ્ટ જ રહીશું.
ઋણસ્વીકાર :
(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…
(૨) http://www.youtube.com વેબસાઇટનો…
(૩) http://techwelkin.com/tools/transliteration/ (દેવનગરી-ગુજરાતી સ્ક્રીપ્ટ કનવર્ટર)
(૪) સૌજન્ય : urdustuff.blogspot અને વિકીપીડિયા
[…] Click here to read in English […]