હાસ્ય હાઈકુ – ૧૫
ઘૂંઘટ ખોલે
શૌહર, શરમાતાં
શરમ આવે!
મારા હાઈકુનો નાયક છે, શૌહર (ફારસી) – જો જો પાછા મેં ‘ફારસી’ શબ્દ ભાષા દર્શાવવા મૂક્યો છે, એટલે એને ફારસ કરવાવાળો (નાટકિયો) એ અર્થમાં લેતા નહિ! ‘શૌહર’ના શબ્દકોષે અને મુખવચને ઘણા અર્થ થાય છે – જેવા કે સ્વામી, પતિ, વર, ધણી, ભરથાર, માટીડો, પિટ્યો, રોયો, એવા એ, અલ્યા એય, તમારા ભાઈ, સંતાન હોય તો બાબલાના બાપા (ચોથા ભાગની બા), કહું છું, સાંભળો છો કે, અંગ્રેજીમાં Husband જેનો ધોકલાં ધબેડીને ગુજરાતીમાં એવો ભાવાર્થ લાવી શકાય કે જે હસતાં હસતાં બંડ પોકારે (જા, આ હું નથી કરતો એમ કહીને!), ખાવિંદ (ખાWind – હવા ખા, હવા!) – ‘બસ, બસ ઘણું થઈ ગયું; હવે આગળ વધશો કે!’ એવું તમારા વાંચકોના કોઈકના ગેબી અવાજે સંભળાયું હોઈ હવે તો મારે આગળ વધવું જ પડશે.
જૂની કોઈક હિંદી ફિલ્મની કડી ‘ઘૂંઘટ નહિ ખોલુંગી,સૈયા તોરે આગે!’ પેલી બાઈડી બબડી કે એવો આભાસ થયો સમજીને એ શૌહરભાઈ મનમાં ‘જાતમહેનત ઝિંદાબાદ’ કહીને તેણીનો ઘૂંઘટ ખોલે છે. હવે પેલી બાઈ પક્ષે વેવાર તો એ કહે છે કે તેણે શરમાવું પડે! પણ જિંદગીમાં પહેલુંવહેલું શરમાવાનું આવ્યું અને પાછો શરમાવાનો કોઈ અનુભવ પણ નહિ (કેમ કે એ મૂઓ પહેલો જ ધણી હતો), એટલે બાપડીને શરમાતાં શરમ તો આવી, છતાંય શરમાતાં શરમાતાં પણ તે શરમાઈ ગઈ –ઝખ મારીને તેને શરમાવું પડ્યું! મનોમન બોલી પણ ખરી, ‘શું કરીએ બાઈ, બધી કન્યાઓની જેમ શરમાવાનો વેવાર તો કરવો પડે ને! બાકી આ બેશરમ ગધેડાએ આ પરણવાના દહાડા લાવવા પહેલાં એટલી બધી ડેટીંગ અને વાતચીતની ફેકંફેક બેટીંગ કરી કે શરમાવાનું કંઈ બાકી રાખ્યું જ નહિ!’
મારા આ વિષયે સુજ્ઞ વાંચકો (જવલ્લે જ કો ‘અજ્ઞ’ હશે!) તૂટી પડો મારા હાઈકુનું પિષ્ટપેષણ કરવા. અહીં Free Style કુસ્તી જેવું છે, જેને જેમ ફાવે તેમ આનું વિવેચન કરવાની છૂટ છે. તમારે ‘હાઈકુ’ ના વધુ અભ્યાસ અર્થે જાપાન જવાની જરૂર નથી, કેમ કે આપણે તમામ ભારતીય ભાષાઓમાં ‘હાઈકુ’ નું ખેડાણ કરવામાં એટલા બધા આગળ નીકળી ગયા છીએ કે જાપાનીઓને આપણાં હાઈકૂઓનો અભ્યાસ કરવા અહીં આવવું પડે તેવો તખ્તો પલટાઈ ગયો છે!
ધન્યવાદ! (આ પણ એક વેવાર જ છે ને!)
– વલીભાઈ મુસા
[…] ક્રમશ: (7) […]