Tag Archives: સફરજન
(૪૯૨) “વેદનાનું વૃક્ષ” પ્રૉફેસર મુકેશ રાવલનાં અંગ્રેજી કાવ્યો – ભાવાનુવાદ અને રસદર્શન (૯)
Pain Tree
The fruits of pain
on every branch,
swinging with the moves
swaying with the limbs
like the apples sway and swing
on Apple Tree.
The apples of pain,
tasty n mouth watering
release balmy fragrance
that senses love boundlessly.
these pains are the fruits
of wisdom.
They realize me every moment
That I am human and hollow,
anyone can put drumsticks on me.
Their sweet bites, strong crackles,
soar stings and mild clatters
are the lessons of life.
They are the memorabilia
of my existence.
-Mukesh Raval
* * * * *
વેદનાનું વૃક્ષ
(અછાંદસ)
વેદનાનાં ફળ –
હર શાખે શાખે,
ઝૂલતાં ને હાલતાં
હાલતાં ને ઝૂમતાં
અંગ અંગ સંગ,
જ્યમ ઝૂલતાં ને ઝૂમતાં
સફરજન નિજ ઝાડવે.
વેદનાનાં ફળ –
લિજ્જતદાર
ને વળી
મુખમાં પાણી લાવે
સૌમ્ય સુગંધ પ્રસારે
સ્નેહ અપાર બતાવે.
આ વેદનાઓ તો
ડહાપણનાં ફળ
જે હર પળે યાદ અપાવે
કે હું માનવ છું ને પોલો પણ,
હરકોઈ દાંડી પીટી શકે મુજ પર !
તેઉનાં મધુરાં બચકાં
ને તીવ્રતર તડતડ ધ્વનિ
સ્વૈરવિહારી ડંખ અને હળવો ખડખડાટ
એ સઘળા છે
જીવનના પાઠો.
એ સઘળાં છે
યાદગાર તથ્યો
મુજ અસ્તિત્વનાં.
– વલીભાઈ મુસા (ભાવાનુવાદક)
* * * * *
રસદર્શન
વિષયવૈવિધ્ય હોય અને વળી વિષયો પણ પાછા કલ્પનાતીત હોય એવાં કાવ્યો આપવામાં માહિર એવા કવિશ્રી મુકેશ રાવલનું આ કાવ્ય પણ વાચકો માટે મનભાવન બની રહે તેમ છે. માનવજીવનમાં પરસ્પર વિરોધી એવી ઘણી બાબતો સમાવિષ્ટ હોય છે; જેવી કે જન્મ-મરણ, અમીરી-ગરીબી, બીમારી-તંદુરસ્તી વગેરે. સ્વાભાવિક છે કે માનવી સુખદ બાબતોથી પ્રસન્નતા અનુભવે અને દુ:ખદ બાબતોથી ગમગીન રહે. જો કે સુખ અને દુ:ખ સાપેક્ષ છે. કોઈ એક જ ઘટના માનવીમાનવીએ રુચિ અને પરિસ્થિતિની વિભિન્નતાના કારણે કોઈને સુખ આપે તો કોઈને દુ:ખ આપે. સુખ તો સૌ કોઈને ગમે, પણ અહીં કવિ દુ:ખને અને દુ:ખની વેદનાને પણ સુખદ હોવા તરીકે સમજાવે છે.
વિલિયમ શેક્સપિયરના એક નાટકમાં અવતરણ છે કે ‘Sweet are the uses of adversities’ અર્થાત્ વિષમ પરિસ્થિતિઓને પણ સુખદ સ્થિતિમાં પરિવર્તિત કરી શકાય છે. અહીં કવિએ ‘વેદના’ને એક વૃક્ષ તરીકે કલ્પીને તેના ઉપર પરિણામ રૂપે બાઝતાં ફળોને સફરજનનાં ફળો સાથે સરખાવ્યાં છે. સફરજનના ઝાડ ઉપર જેમ સફરજન ઝૂલતાં અને ઝૂમતાં હોય તેમ વેદનાના વૃક્ષ ઉપર પણ એવાં જ ફળ ડાળેડાળે હાલતાં, ઝૂલતાં અને ઝૂમતાં કલ્પી શકાય, જો એવો દૃષ્ટિકોણ અપનાવવામાં આવે તો. આ વેદનાનાં ફળ પણ પેલાં સફરજનની જેમ સ્વાદિષ્ટ અને એવી જ સોડમ ફેલાવતાં લાગી શકે.
માનવજીવનની વેદનાઓમાંથી જ ડહાપણ ઉદ્ભવે. પ્રતિકૂળતાઓ અને મુશ્કેલીઓમાંથી આપણે જીવનનું મૂલ્ય સમજી શકીએ. માનવી વેદનાઓમાં જેટલો વધુ પિસાય તેટલો જ વધુ શક્તિશાળી બનીને બહાર આવી શકે અને વિષમ પરિસ્થિતિઓ સામે લડવાનું કૌવત પણ મેળવી શકે. કવિ દુ:ખોને સહજ તરીકે અપનાવી લેવા માટે એક રમૂજી વાત સંભળાવે છે. વેદનાઓમાંથી પ્રાપ્ત થયેલું ડહાપણનું ફળ આપણને માનવી હોવાનો અહેસાસ તો કરાવે છે, પણ સાથેસાથે આપણે પોલા ઢોલ જેવા છીએ એવી વાસ્તવિકતા સ્વીકારી લેવાની વાત પણ સમજાવે છે. પોલા ઢોલ ઉપર સૌ કોઈ દાંડી પીટીને તેને વગાડી લે, બસ તેવું જ માનવીનું પણ હોય છે. માનવી ઉપર પણ આધિ, વ્યાધિ અને ઉપાધિના મારા આવતા જતા હોય છે, કેમ કે એ સૌ પોલું ભાળીને એને સતાવ્યે રાખતાં હોય છે. પરંતુ આપણે એ વિટંબણાઓના ઊજળા પાસાને ધ્યાનમાં લેવું જોઈએ, કેમ કે એ જ વિટંબણાઓ આપણા ચારિત્ર્ય અને મનોબળને મજબૂત બનાવવા માટે પોષણ પણ પૂરું પાડતી હોય છે.
કવિ કાવ્યસમાપને આવવા પહેલાં ગંભીર વાતને એવી સહજ રીતે સમજાવે છે કે જેમ આપણે સફરજનને મધુરાં બચકાં ભરતા હોઈએ અને તે ટાણે થતો તીણો તડતડાટ આપણને આનંદ આપે, તેમ વેદનાના વૃક્ષનાં ફળ પણ આપણને જીવનોપયોગી મધુર પાઠ ભણાવતાં હોય છે. વેદનાનાં આ ફળ આપણા જીવનનાં તથ્યો કે તારણો સમાન છે જે આપણને આપણા અસ્તિત્વનું ભાન કરાવે છે.
ગહન વિચારને સરલ બાનીમાં અભિવ્યક્ત કરતી મર્મસ્પર્શી રચના બદલ કવિશ્રીને અભિનંદન.
-વલીભાઈ મુસા (રસદર્શનકાર)
* * * * *
પ્રો. મુકેશ રાવલનાં સંપર્કસૂત્રો :-
ઈ મેઈલ – Mukesh Raval < rajshlokswarda@gmail.com
મોબાઈલ – ૯૮૭૯૫ ૭૩૮૪૭
પુસ્તક પ્રાપ્તિ :–
“Pots of Urthona” – ISBN 978-93-5070-003-7 મૂલ્ય : રૂ|. ૧૫૦/- (શાંતિ પ્રકાશન, ડી-૧૯/૨૨૦, નંદનવન એપાર્ટમન્ટ, ભાવસાર હૉસ્ટેલ પાસે, નવા વાડજ, અમદાવાદ – ૩૮૦ ૦૧૩
* * * * *
(382) ચૂંટેલાં કાવ્યોનું રસદર્શન : ‘ઝેરી વૃક્ષ’ (A Poison Tree) – વિલિયમ બ્લેક (William Blake)નું અંગ્રેજી કાવ્ય
ઈન્ટરનેટ ઉપર શોધ ચલાવતાં મારી નજરે William Blake (વિલિયમ બ્લેક)નું અગ્રેજી કાવ્ય, “A Poison Tree” (ઝેરી વૃક્ષ) ચઢી ગયું.
પહેલાં મૂળ અંગ્રેજી કાવ્ય વાંચીએઃ
A Poison Tree by William Blake
I was angry with my friend;
I told my wrath, my wrath did end.
I was angry with my foe:
I told it not, my wrath did grow.
And I watered it in fears,
Night & morning with my tears:
And I sunned it with smiles,
And with soft deceitful wiles.
And it grew both day and night,
Till it bore an apple bright.
And my foe beheld it shine,
And he knew that it was mine.
And into my garden stole.
When the night had veiled the pole;
In the morning glad I see,
My foe outstretched beneath the tree.
જેના પર અંકુશ મેળવવાથી માનવજીવનના અડધા પ્રશ્નોનું નિરાકરણ શક્ય બની શકે છે, તેવી મનુષ્યના વર્તનની એક નબળી કડી ક્રોધ એ પ્રસ્તુત કાવ્યનો કેન્દ્રવર્તી વિષય છે. ક્રોધ અને દારૂ એ બન્ને મનુષ્ય પર એક સરખી જ અસર કરે છે. એ બન્નેની અસર હેઠળ માનવીનું ડહાપણ ભૂલાઇ જતું હોય છે.
કોઇક કારણસર કવિ તેમના મિત્ર પર રોષે ભરાય છે. તે પોતાના ક્રોધ પાસે જ ફરિયાદ કરે છે અને તેની પાસે જ હવે શું કરવું તેની સલાહ માગે છે, પણ નવાઇની વાત એ બને છે કે કવિનો ક્રોધ આપોઆપ શમી જાય છે. આમ થવા પાછળનું કારણ એ છે કે એ ગુસ્સો પોતાના મિત્ર ઉપર આવ્યો હોય છે; અને એ મિત્ર કોઈ પરાયો નહિ, પણ પોતીકો જ માણસ હોય છે. આમ ગુસ્સો વધવાના બદલે તે આપોઆપ શમી જાય છે કારણ કે કવિ અને તેમનો મિત્ર કોઈ ભિન્ન વ્યક્તિઓ નથી, પણ આત્મભાવે જોડાએલા તેઓ બેમાં એક હોય છે.
પરંતુ, આપણું આ કાવ્ય તો શત્રુ પરત્વેના ક્રોધ વિષેનું છે. કવિનો ગુસ્સો તો પેલા મિત્ર પરત્વે જેવો હતો, તેવો જ શત્રુ પરત્વે પણ છે. આમ ગુસ્સો તો એક જ જેવો હોવા છતાં કવિની સામેનાં વિરોધી પાત્રો ભિન્નભિન્ન છે. મિત્રના કિસ્સામાં તો ક્રોધ શમી જાય છે, પરંતુ અહીં સામે પક્ષે શત્રુ હોઈ ક્રોધની માત્રા ઉત્તરોત્તર વધતી જ જાય છે. આમ થવાનું કારણ એ છે કે કવિ કાળજીપૂર્વક પોતાના ક્રોધને પોષણ આપ્યે જ જાય છે અને આમ ક્રોધની વૃદ્ધિ થયા જ કરે છે. કવિ પોતાના ચહેરા ઉપર કૃત્રિમ સ્મિત જાળવી રાખીને છળકપટરૂપી સૂર્યપ્રકાશ પૂરો પાડતા રહીને એ ક્રોધને દિનપ્રતિદિન પાંગરાવતા જાય છે.
હવે આમ ક્રોધનું જતન કરતા રહેવાનું બહુ જ રસપ્રદ પરિણામ આવે છે. સફરજનના વૃક્ષની જેમ જ કવિનો શત્રુ પરત્વેનો ક્રોધ પણ પાંગરતો જાય છે. એ ચળકાટભર્યાં સફરજનને જોઇને શત્રુ પણ મનોમન નક્કી કરી લે છે કે ફૂલેલફળેલ એ વૃક્ષ બીજા કોઈનું નહીં, પણ કવિનું પોતાનું જ છે. સંક્ષિપ્તમાં કહેતાં પેલા શત્રુને ખાત્રી થઈ જાય છે કે તે વૃક્ષ કવિની જ માલિકીનું છે.
હવે નવાઇની ઘટના તો એ બને છે કે એક રાત્રે જ્યાં પેલું ક્રોધરૂપી વૃક્ષ ઊગ્યું હોય છે તે બગીચામાં પેલો શત્રુ આવી ચઢે છે. કવિ તો તેના શત્રુ માટેની દુશ્મનાવટને વધારતા રહેવા દિવસ રાત એક કરી રહ્યા છે, પણ સામા પક્ષે શત્રુ તો સાવ ઉદાસીન જ બની રહે છે. કવિ પોતાના આશ્ચર્ય વચ્ચે એક સવારે જૂએ છે તો શત્રુ તો એ જ વૃક્ષની નીચે આરામથી સૂઈ ગએલો હોય છે.
કાવ્યનો કેન્દ્રવર્તી વિચાર એ છે કે આપણે આપણા શત્રુ પર ક્રોધે ભરાઇએ, એ ક્રોધને વધારવા માટે તેનું લાડપ્યારથી ખાસ્સું એવું જતન કરતા રહીએ; પરંતુ આપણી ધારણાથી વિરૂધ્ધ સામા પક્ષનો પ્રતિસાદ સાવ મોળો જ પ્રાપ્ત થતો હોય છે. સારાંશરૂપે એમ કહી શકાય કે ગુસ્સો અભિવ્યક્ત કરનાર પોતાના ગુસ્સાની આગમાં સતત પ્રજળતો જ રહેતો હોય છે, પણ સામેવાળો આપણા ગુસ્સાનો ભોગ બનનાર તો શાંત અને સ્વસ્થ રહીને વિષમ પરિસ્થિતિનો આનંદ લૂંટતો જ રહેતો હોય છે. આમ દુશ્મનાવટભાવે આપણા દ્વારા ઊગાડવામાં આવેલું ઝેરી વૃક્ષ દુશ્મન માટે આશ્રય અને આરામદાયક શીતળ છાંયડો આપનારું જ બની રહેતું હોય છે.
આશા રાખું છું કે જો કોઇ વાચકને આ કાવ્યનું અર્થઘટન હું સમજ્યો છું તેના કરતાં ભિન્ન લાગે તો મને માફ કરવામાં આવશે.
– વલીભાઇ મુસા (લેખક)
ભાવાનુવાદક : અશોકભાઈ વૈષ્ણવ
Cell # 9825237008 (vaishnav_ashok@rocketmail.com)
બ્લોગ : અશોક વૈષણવના ભાવાનુવાદો
[મૂળ લેખ, અંગેજીમાં “Expositions of Chosen Poems – 1 (A Poison Tree)” શીર્ષક હેઠળ, ૨૭મી ઓક્ટોબર, ૨૦૦૯ ના રોજ લેખકની વેબસાઇટ – William’s Tales (Bilingual Multi Topic Reads ઉપર પ્રકાશિત થએલ હતો.
[…] Click here to read in English […]