તકતી – લગાગા લગાગા લગાગા લગાગા
જતાવાય મમતા એ ઓછું ન જાણો
બતાવાય પટુતા એ ઓછું ન જાણો
પ્રજળતી ભલે આગ દિલમાં સદાયે
રહેવું મલકતા એ ઓછું ન જાણો
પ્રજા મોંઘવારી સહન જે કરી લે
કરે ના ફજેતા એ ઓછું ન જાણો
જુઓ તો ખરા કે અધર્મો છતાંયે
ન કોપે વિધાતા એ ઓછું ન જાણો
નપાવટ નમાલો ધણી હોય માથે
ગણાતી વિજાતા એ ઓછું ન જાણો
મહેતા ન મારે, ભણાવે ન તોયે
પગારો અપાતા એ ઓછું ન જાણો
ભલે ઘોરતા હોય નેતા સભાએ
ઉપસ્થિત રહેતા એ ઓછું ન જાણો
મનાવે ‘વલી’ મન ચલાવે બધુંયે
નિભાવે જ શાતા એ ઓછું ન જાણો
-વલીભાઈ મુસા (‘વલી’ કાણોદરી)
[વિજાતા= છોકરાં થયાં હોય તેવી સ્ત્રી]
(તા.૦૮૦૧૧૮)
(ફેસબુક – ‘ગ઼ઝલ તો લખું હું’ ગ્રુપ તા.૦૮૦૧૧૮)