RSS

Tag Archives: સોનેટ

(૩૭૬) ચૂંટેલાં કાવ્યોનું રસદર્શન: વાંસળી વેચનારો – ઉમાશંકર જોશી – ગુજરાતી કાવ્ય

(૩૭૬) ચૂંટેલાં કાવ્યોનું રસદર્શન: વાંસળી વેચનારો – ઉમાશંકર જોશી – ગુજરાતી કાવ્ય

Click here to read in English

મારા મિત્ર શરદ શાહે, થોડા સમય પહેલાં મારા આ પ્રકારના લેખ – વિલિયમ વર્ડ્ઝવર્થ (William Wordsworth)નું અંગ્રેજી કાવ્ય ‘We Are Seven’ (અમે સાત) ઉપર ટિપ્પ્ણી કરી હતી. તેમના અભિપ્રાય મુજબ, ગુજરાતી કે હિંદી કે ભારતની કોઇ પણ પ્રાંતીય ભાષાઓમાં લખાતી કવિતાઓમાં અંગ્રેજીમાં લખાતી કવિતાઓ કરતાં વધારે રસ અને સૌંદર્ય હોય છે. જેના જવાબમાં મારું કહેવું હતું કે કોઇ એક ભાષામાં બીજી ભાષાઓ કરતાં વધારે સારું સાહિત્ય થતું જ હોય છે, તેવું સર્વસામાન્ય તારણ કાઢી લેવું ઉચિત નથી. ભારતીય ભાષાઓનું સાહિત્ય બહુ જ ઉત્કૃષ્ટ હોવા છતાં વૈશ્વિક સ્તરે તેનો બહુ પ્રસાર નથી થયો તે સાચું છે. જે સાહિત્ય અન્ય આંતરરાષ્ટ્રીય ભાષાઓમાં લખાય કે તેમાં અનુવાદિત થાય તે  સાહિત્યને જ વૈશ્વિક ક્ષેત્રે પ્રસિધ્ધિ મળવાની શક્યતાઓ વધારે રહે છે અને તેમ થવું એ સ્વાભાવિક પણ છે.

અંગ્રેજીમાં જેનો અનુવાદ ‘The Flute Vendor’ શિર્ષક હેઠળ થયો છે, તે સ્વર્ગસ્થ શ્રી ઉમાશંકર જોશી (૧૯૧૧-૧૯૮૮)નાં મૂળ ગુજરાતી કાવ્ય “વાંસળી વેચનારો’નું રસદર્શન કરાવવાનું મેં આજે નક્કી કર્યું છે. જ્યારે જ્યારે પણ ગુજરાતી ભાષા અને તેના સાહિત્યની ક્યાંય પણ ચર્ચા થતી હશે , ત્યારે ત્યારે  શ્રી ઉમાશંકર જોશીના નામનો ઉલ્લેખ થયા વિના રહેશે નહિ. તેઓશ્રી લબ્ધપ્રતિષ્ઠિત સાહિત્યકાર છે. સાહિત્ય ક્ષેત્રનાં કંઇ કેટલાંય સન્માનો અને ખિતાબો તેમને મળ્યાં છે.

એક આડવાત તરીકે હું આપને જાણ કરવાની લાલચ રોકી નથી શકતો કે મારા અનુસ્નાતક કક્ષાના અભ્યાસકાળ દરમ્યાન, મહાવિદ્યાલયના વાર્ષિકોત્સવના ભાગ રૂપે યોજાયેલ શીઘ્ર વક્તવ્ય સ્પર્ધામાં  બીજું સ્થાન પ્રાપ્ત કર્યાનું પ્રમાણપત્ર તે ઉત્સવના મુખ્ય મહેમાન એવા શ્રી ઉમાશંકર જોશીના હાથે મેં મેળવ્યું હતું. અજાણ વિષયની ચિઠ્ઠીવાળા પરબીડિયામાં તે દિવસે મારે ભાગે “આજે જો મહાત્મા ગાંધી હયાત હોત તો…’ એ વિષય ઉપર બોલવાનું થયું હતું.

આપણે કાવ્યની ચર્ચા હાથ પર લઇએ તે પહેલાં વાચક્ને તે કાવ્યનો પરિચય પણ થવો જોઇએ. આમ પહેલાં મૂળ ગુજરાતીમાં અને પછી તેના અંગ્રેજી અનુવાદ સ્વરૂપે એ કાવ્યને અહીં નીચે પ્રસ્તુત કરું છું.

વાંસળી વેચનારો

’ચચ્ચાર આને !

હેલી અમીની વરસાવો કાને !

ચચ્ચાર આને !

હૈયાં રૂંધાયાં વહવો ન શાને !’

મીઠી જબાને લલચાવી હૈયાં,

રસે પૂરા કિંતુ ખીસે અધૂરા,

શ્રમીણકોને અમથું રિબાવતો,

બરાડતો જોરથી બંસીવાળો.

ઘરાક સાચા સુણવા ના પામે

વેગે જતી ગાડી મહીં લપાઈ જે

બંસી સુણંતા પ્રણયોર્મિગોષ્ઠિની.

‘ચચ્ચાર આને !’

ના કોઈ માને

અને ખભે વાંસળી-જૂથ એનું

થયું ન સ્હેજે હળવું, ભમ્યો છતાં !

‘ચચ્ચાર આને!’

લો, ને રમો રાતદી સ્વર્ગ તાને !

‘ચચ્ચાર આને?’

‘દે એક આને !’

‘ના, ભાઈ, ના, ગામ જઈશ મારે,

છો ના ખપી ! ઈંધણથી જશે નહીં.

ચચ્ચાર આને ! બસ ચાર આને !!

પાછા વળંતાં, પછી જૂથમાંથી

ખેંચી મજાની બસ એક બંસી,

અષાઢની સાંજની ઝરમરોમાં

સૂરો તણાં રંગધનુ ઉડાવતી,

એણેય છેડી ઉરમાંથી ઝરમરો !.

જીવંત આવી સુણી જાહિરાત, કો

બાર મહીંથી જરી બ્હાર ઝૂકતી

બોલાવતી તાલી સ્વરેથી બાલા.

હવે પરંતુ લયલીન કાન,

ઘરાકનું લેશ રહ્યું ન ભાન !

– ઉમાશંકર જોશી

A Flute Vendor

“Four annas1 a piece!
Have a shower of nectar
deluge your ears!
Four annas a piece!
Why not let
your suffocated hearts gush?”

Cried loudly the flute vendor
enticing with a sweet tongue
the bosoms
of those relishing melody
but with empty pockets,
unfairly tormenting the toilers!

The genuine customers
were bereft of music.
Cozily listening to the flute
of amorous words
were those
speeding in cars.

“Four annas a piece!”
And despite wandering
no one bought
and the burden of the bunch
on his shoulders
diminished not.

“Four annas only!
Buy and revel
day and night
in heavenly melody!”
“Four annas each?”
“Sell for an anna.”

“No sir, no.
Will return to my village
though they remain unsold.
This is no firewood stock.
Four annas each.
Only at four annas a piece.”

Turning back, he picked
a nice one from the bunch of flutes.
In the drizzle of Ashadh2
he too began to spray from his heart
a fount of rainbow notes!

Hearing this live display
a maid from a window peeped
beckoned him with a clap.

Ears immersed in lilt the vendor
remained oblivious of the customer.

– Umashankar Joshi

1. An anna was one-sixteenth of a rupee. Now, 4 annas = INR 0.25
2. The first month of monsoon

કોઇ એક ઘટનાને વર્ણવતું આ મુક્તછંદ – કોઇ પણ માત્રા વિનાનું/ મુક્તપ્રાસ શૈલીમાં લખાયેલું – કાવ્ય છે. કાવ્યનો નાયક કામદાર પણ છે, અને કલાકાર પણ છે. કાવ્યની શરૂઆતમાં તે વાંસળી વેચનારની ભૂમિકામાં રજૂ થાય છે. કાવ્યમય, શ્રૃંગાર રસસભર અને મૌખિક જાહેરાતસમી  ભાષામાં તે પોતાના ખભા ઉપરના વાંસળીજૂથમાંની વાંસળીઓને વેચવાનો પ્રયત્ન કરે છે, પણ તેમાં તે સફળ થતો નથી, કેટલાક મહેનતકશ વર્ગના લોકોને મન વાંસળીનું કોઇ મૂલ્ય જ નથી હોતું.  તેમને મન તો તે એક લાંબી નળી જેવા વાંસમાં, જેમાંના કોઇક કાણાંને આંગળીઓથી બંધ કરો, કોઇકને ખુલ્લાં રાખો અને એક છેડેથી ફૂંક મારો એવી, સામાન્ય કારીગીરીની, કાણાં પાડેલ એવી એક વસ્તુથી વધારે કંઇ જ નથી.  મજૂર જેવા કોઇ સામાન્ય વર્ગના કેટલાંક લોકોને વાંસળીની ચાર આનાની કિંમત પોષાતી નથી, તેથી તેઓ તેને એક આનામાં ખરીદવા માટે રકઝક કરે છે.

આ કાવ્યના ગુજરાતી પાઠ મુજબ મારા મતે, “છો ના ખપી! ઈંધણથી જશે નહીં” નો એ અર્થ અભિપ્રેત છે કે  વાંસળીને એક આનામાં વેચવાને બદલે,  ન વેચાએલી વાંસળીઓનો ઈંધણનાં લાક્ડાં તરીકે ઉપયોગમાં લઈ લેવાની તેની  તૈયારી એ પોતાની કલાકાર તરીકેની ખુમારીની દ્યોતક છે. શેરીએ શેરીએ તેની રઝળપાટને અંતે પણ તેના ખભા ઉપરનો ભાર જરા પણ હળવો થતો નથી. એ દિવસની તેના ધંધાની સરિયામ નિષ્ફળતાએ તેને હતાશ નથી કરી નાખ્યો. હવે, તે તેના વાંસળીઓના જથ્થામાંથી સરસ મજાની એક વાંસળીને ખેંચીને હોઠે લગાડીને  તેના સૂરોને વહેવડાવવાનું શરૂ કરે છે. આ હતી તેની જીવંત જાહેરાત, જેનાથી એક બાળકી તેના તરફ  આકર્ષાય પણ છે. બારીમાંથી ઝૂકીને, હાથેથી તાળી પાડીને તે બાળકી વાંસળીવાળાને બોલાવવા મથે છે. પરંતુ, હવે વાંસળીવાળો તો પોતાના તાનમાં એવો મશગૂલ છે કે તેના આ સંભવિત ગ્રાહક તરફ  તેનું ધ્યાન જ જતું નથી. તેના કાનમાં તો તેની જ વાંસળીનું ગુંજન ગુંજ્યા કરે છે. આ વખતે નથી તો તે વાંસળીનો કારીગર કે નથી વાંસળીનો વિક્રેતા; તે તો હવે એક કલાકાર, એક્માત્ર સાચો કલાકાર જ છ !

આમ આ કાવ્ય પણ શેક્સપિરીઅન ઢબના  સૉનેટની જેમ આ શબ્દોમાં અંત પામે છે કે ‘હવે પરંતુ લયલીન કાન, ઘરાકનું લેશ રહ્યું ન ભાન !’

વલીભાઇ મુસા (લેખક)

અશોકભાઈ વૈષ્ણવ (ભાવાનુવાદક) : Cell # 9825237008 (vaishnav_ashok@rocketmail.com)

બ્લોગ : અશોક વૈષ્ણવના ભાવાનુવાદો 

[મૂળ લેખ, અંગેજીમાં “Expositions of Chosen Poems – 3 (The Flute Vendor) – A Gujarati Poem” શીર્ષક હેઠળ, ૯મી મે, ૨૦૧૧ના રોજ લેખકની વેબસાઇટ William’s Tales (Bilingual Multi Topic Reads) ઉપર પ્રકાશિત થએલ હતો.]

 

Tags: , , , , , , , , , , ,

(૩૪૦) પંચમ શુક્લ દ્વારા ભાવાનુવાદિત એક અંગ્રેજી કાવ્ય ઉપરનો પ્રતિભાવ

(૩૪૦) પંચમ શુક્લ દ્વારા ભાવાનુવાદિત એક અંગ્રેજી કાવ્ય ઉપરનો પ્રતિભાવ

કેવું અનુપમ મળ્યું વિશ્વ અમને!

(શિખરિણી)

નિહાળીને વૃક્ષો હરિતવરણાં, લાલ કુસુમો;
તમારે, મ્હારે ને સહુ જન વિશે જે ઊઘડતાં,
વિચારું હું: ‘કેવું અનુપમ મળ્યું વિશ્વ અમને!’

ભૂરાં આકાશો ‘ને અતિ ધવલ કૈં વાદલ દલો;
નિહાળી કોડીલા દિવસ, ઘન રાત્રિ પુનિત ને,
વિલોકું હું: ‘કેવું અનુપમ મળ્યું વિશ્વ અમને!’

અહો! રૂડા રંગો નભ સકલમાં ઈન્દ્રધનુના;
વળી પાછા ભાળું મુખ ઉપર સર્વે મનુજનાં,
વિમાસું હું: ‘કેવું અનુપમ મળ્યું વિશ્વ અમને!’

મળે મિત્રો સ્નેહે, કર-ધૂનનથી હાલ પૂછતા;
કિંવા બાહુપાશે જકડી લઈને પ્રેમ વહતા,
શિશુઓને જોઉં રુદન કરતાં ને વિકસતાં;
શીખી લેતાં તૂર્તે નવતર ઘણું – દુર્લભ મ્હને,
અને થાતું: ‘કેવું અનુપમ મળ્યું વિશ્વ અમને!’

(૨૧-૧૨-૨૦૧૧)

ઋણસ્વીકારઃ What a Wonderful World [written by Bob Thiele (as George Douglas) and George David Weiss and sung by Louis Armstrong] નો ભાવાનુવાદ.


પ્રકાશિતઃ ઓપિનિયન (જાન્યુઆરી, ૨૦૧૨); નવનીત સમર્પણ (ફેબ્રુઆરી, ૨૦૧૨)

What a wonderful world!

I see trees of green, red roses too;
I see them bloom for me and you,
And I think to myself what a wonderful world!

I see skies of blue and clouds of white;
The bright blessed day, the dark sacred night,
And I think to myself what a wonderful world!

The colors of the rainbow so pretty in the sky;
Are also on the faces of people going by,
I see friends shaking hands saying how do you do,
They’re really saying I love you.

I hear babies crying, I watch them grow,
They’ll learn much more than I’ll never know,
And I think to myself what a wonderful world!
Yes, I think to myself what a wonderful world!

ધન્યવાદ.

ઇચ્છા તો થઈ આવે છે કે હાલ તરત જ વિમાને ચઢી, યુ.કે. જઈ, મારા-અમારા આ ભાણાભાઈ પંચમજીને ઊંચકીને ફેરફૂંદડી ફેરવી લઉં! અંગ્રેજી કાવ્યનો આવો ઉમદા કાવ્યમય અનુવાદ વાંચીને મૂળ કાવ્યના શીર્ષક ‘What a Wonderful World!’માંના શબ્દો જેવા જ આ મુજબના અનુધ્વનિત શબ્દો મનમાં ઉદભવે છે ‘What a Wonderful Translation!’

મારા એક લેખમાંની મારી અનુવાદમીમાંસાની કેટલીક વાતો કંઈક આવી હતી:

– કોઈપણ સાહિત્યિક રચના પ્રથમ જે ભાષામાં લખાઈ હોય તેનો મૂળ ભાવ જાળવી ન રખાય તો તેનો બિનકાર્યક્ષમ અનુવાદ તેના સૌંદર્યને ગુમાવે છે.

– ગદ્ય કરતાં પદ્યનું અનુવાદકાર્ય વધારે કઠિન હોય છે. એમ કહેવાયું પણ છે કે, ‘કાવ્ય એ તો આત્માની કલા છે.’

– કોઈકવાર અનુવાદક અનુવાદિત કાવ્યકૃતિના કવિએ કાવ્યની રચના વખતે જે લાગણીઓ અનુભવી હોય તેવી જ લાગણી પોતે ન અનુભવે, ત્યારે તેને ફક્ત તે કૃતિના શબ્દોના સમાનાર્થી શબ્દો ઉપર જ આધાર રાખવો પડતો હોય છે. આવા કિસ્સામાં અનુવાદિત કાવ્ય જાણે કે તેને થીગડાં માર્યાં હોય તેવું લાગતું હોય છે.

– કાવ્યનો ઉત્કૃષ્ટ અનુવાદ સર્જવા માટે તેણે કાવ્યની એકંદર છાપ કે અસર તથા તેનો સ્પષ્ટ ખ્યાલ અનુભવવો પડે અને પછી કવિના ભાવને સારરૂપ પોતાના જ શબ્દોમાં વ્યક્ત કરવો પડે.

– અહીં હું ઝવેરચંદ મેઘાણીને તેમના કેટલાક અંગ્રેજીમાંથી ગુજરાતીમાં સફળ અનુવાદો માટે જ નહિ, પણ એક રીતે કહીએ તો જાણે કે એ બધાં તેમનાં પોતાનાં જ સ્વતંત્ર સર્જન હોય તેમ તેમને યાદ કરું છું. નમૂનારૂપ તેમના અંગ્રેજી કાવ્યોના અનુવાદ છે : ‘Somebody’s Darling’ (કોઈનો લાડકવાયો), ‘On the bank of river Rhine’ (સૂના સમદરની પાળે) અને’Fair flowers in the valley’(વનરામાં ગલ રાતાં ફૂલડાં).

ભાઈશ્રી પંચમ શુક્લે મૂળ કાવ્યના અનુવાદમાં સર્વ પ્રથમ તો શીર્ષકમાંના ‘Wonderful’ શબ્દ માટે ‘અનુપમ’ શબ્દ પ્રયોજીને અન્ય સમાનાર્થી સંભવિત શબ્દોને કોરાણે મૂકી દઈને આશ્ચર્ય (Wonder) સર્જ્યું છે. આ શબ્દની જ એવી તાસીર રહી છે કે આખું શીર્ષક ‘કેવું અનુપમ મળ્યું વિશ્વ અમને!’ કાવ્યભાલે બિંદી સમાન શોભી ઊઠે છે.

કાવ્યના સફળ અનુવાદ માટેની મારી ઉપરોક્ત મીમાંસાની પ્રત્યેક હકારાત્મક આવશ્યકતાનું ભાઈશ્રી પંચમે અનુસરણ કર્યું છે અને તેથી જ તો ‘મેઘાણી’ જેવાનાં અનુવાદિત કાવ્યોની પંગતમાં શોભી શકે તેવું સરસ મજાના શિખરિણી ગેય છંદમાં લખાએલું આ કાવ્ય વારંવાર ગાઈએ તોય ધરપત ન થાય તેવું ઉત્તમોત્તમ છે. કાવ્યની પ્રથમ નવ પંક્તિઓમાંની દર ત્રીજા ક્રમે આવતી શીર્ષકની પુનરાવૃત્તિ કરતી પંક્તિઓમાંના પ્રથમ શબ્દો ‘વિચારું હું’, ‘વિલોકું હું’ અને ‘વિમાસું હું’ ની પસંદગી સરસ મજાના લયવૈવિધ્યને પ્રદર્શિત કરે છે.

કાવ્યની ચૌદ પંક્તિઓ હોય તેટલા માત્રથી તેને સોનેટ ગણી શકાય નહિ. વળી મૂળ કાવ્યમાં ચૌદ પંક્તિઓ તો  છે, પણ  તેમાં સોનેટનાં મૂળભૂત લક્ષણોનો અભાવ વર્તાય છે; વળી તેટલું જ નહિ તે શેક્સપિઅર, મિલ્ટન કે પેટ્રાર્કની ઢબો સાથે પણ મેળ ખાતું નથી. આ તો મૂળ અંગ્રેજી કાવ્યને અનુલક્ષીને આ બધું લખ્યું, પણ પંચમજીના આ અનુવાદિત કાવ્યને પણ એ બધું સરખી રીતે લાગુ એટલા માટે પડી શકે છે કે તેઓશ્રી પોતાના અનુવાદકાર્યમાં મૂળ રચનાને ચુસ્ત રીતે વફાદાર રહ્યા છે. સોનેટના અર્ક રૂપે છેલ્લે આવતી વાત અહીં વચ્ચે વચ્ચે આવતી જાય છે. ‘આમ અને તેમ’ એવી સઘળી વાતોને પડતી મૂકીને આપણે આ કાવ્ય સોનેટ હોવા ન હોવાની વાતનો નિર્ણય પંચમભાઈ ઉપર છોડીએ.

ફરી એક વાર ભાઈશ્રી પંચમને ધન્યવાદ.

-વલીભાઈ મુસા

નોંધ : –

(પૂરક માહિતી અને ઉત્સાહ પ્રેરક પ્રતિભાવ માટે ખૂબ ખૂબ આભાર, વલીભાઈ. સોનેટ સંદર્ભે તમારી રજૂઆત સાથે હું સહમત છું. – પંચમ શુક્લ)

 
 

Tags: , , , , , , , ,