(ગતાંક આંશિક ભાગ – ૧ ના અનુસંધાને ચાલુ)
દિલ હી તો હૈ ન સંગ-ઓ-ખ઼િશ્ત (શેર ૪ થી ૬)
દશ્ના-એ-ગ઼મ્જ઼ા જાઁ-સિતાઁ નાવક-એ-નાજ઼ બે-પનાહ
તેરા હી અક્સ-એ-રુખ઼ સહી સામને તેરે આએ ક્યૂઁ (૪)
(દશ્ના-એ-ગ઼મ્જ઼ા= કટારી; જાઁ-સિતાઁ= જાનલેવા; નાવક-એ-નાજ઼= સૌંદર્યાભિમાનનું તીર; બે-પનાહ= જેનાથી બચવું સંભવ નથી; અક્સ-એ-રુખ઼= ચહેરાનું પ્રતિબિંબ)
અર્થઘટન અને રસદર્શન:
અહીં ગ઼ાલિબે ઉપરના શેર ક્રમાંક (3)ની એ જ વાતનું દૃઢિકરણ કર્યું છે, પરંતુ હવેની વાત જુદા અંદાઝમાં રજૂ થઈ છે. તેઓ માશૂકાના ચહેરાને અનુલક્ષીને કહે છે કે તારા ચહેરાના સૌંદર્યનું તારું અભિમાન જાનલેવા કહેતાં પ્રાણઘાતક એવી કટારી જેવું છે કે જેનાથી બચવું દુષ્કર છે. તારા ચહેરાનું પ્રતિબિંબ એવું છે કે જેનાથી જોનારની આંખ અંજાઈ જાય અને તેથી જ તો તારી સામે આવવાની મારી હિંમત નાકામિયાબ પુરવાર થાય છે. અગાઉના શેરમાં ગ઼ઝલકાર તેને પર્દાનશીન ન થવાની સલાહ આપે છે તો અહીં તો તેનો સામનો ન જ કરી શકવાની તેમની મર્યાદાને શરણાગતિભાવે સ્વીકારે છે.
* * *
ક઼ૈદ-એ-હયાત ઓ બંદ-એ-ગ઼મ અસ્લ મેં દોનોં એક હૈં
મૌત સે પહલે આદમી ગ઼મ સે નજાત પાએ ક્યૂઁ (૫)
(ક઼ૈદ-એ-હયાત ઓ બંદ-એ-ગ઼મ= જીવનની કેદ અને દુ:ખનું બંધન; નજાત= મુક્તિ)
અર્થઘટન અને રસદર્શન:
આ શેર માનવજીવન સાથે સંકળાયેલા દુ:ખના સંવેગની ફિલસુફી ઉજાગર કરે છે. ગ઼ાલિબ માને છે કે જિંદગી એ કારાવાસ છે અને વળી પાછો તેમાં માનવી કેદીની સ્થિતિમાં જ દુ:ખની હાથકડીઓથી જકડાયેલો પણ છે. હવે આ હાથકડી ક્યારે છૂટે જ્યારે કે કારાવાસ પૂરો થાય. માનવીનું મોત એ જીવન રૂપી કારાવાસમાંથી મુક્તિ સમાન છે. હવે એ જીવન પૂરું થાય ત્યારે આપોઆપ જ માનવી દુ:ખમાંથી મુક્ત થઈ જાય. આમ ગ઼ાલિબ લોકોને દુ:ખો સામે ફરિયાદ ન કરતાં તેમને સહી લેવાની શિખામણ આપે છે. તેનું સ્પષ્ટ માનવું છે કે વ્યક્તિના જીવનમાં કોઈ અભાવનું દુ:ખ તો જીવનભર રહ્યા જ કરશે અને એ દુ:ખ જ્યારે મૃત્યુ સાથે જ સમાપ્ત થવાનું હોય ત્યારે માણસે દુ:ખ સામે કોઈ ગિલા-શિકવા ન કરતાં એ દુ:ખ સાથે જીવી લેતાં શીખવું જોઈએ. આમ આ શેર જગતના દુ:ખી લોકો માટે હૈયાધારણ સમાન છે. જો કે આ શેર ગઝલકારના માશૂકા સાથેના વિયોગના દુ:ખ સબબે છે.
* * *
હુસ્ન ઔર ઉસ પે હુસ્ન-એ-જ઼ન રહ ગઈ બુલ-હવસ કી શર્મ
અપને પે એ’તિમાદ હૈ ગ઼ૈર કો આજ઼માએ ક્યૂઁ (૬)
(હુસ્ન= સૌંદર્ય; હુસ્ન-એ-જ઼ન= સુવિચાર; બુલ-હવસ= તીવ્ર કામી, હવસખોર, મહત્ત્વાકાંક્ષી; શર્મ= લજ્જા; એ’તિમાદ= ભરોંસો, વિશ્વાસ; ગ઼ૈર= પરાયું – અહીં પ્રતિદ્વંદ્વિ; આજ઼માએ ક્યૂઁ= શા માટે અજમાવવું – પરખ કરવી)
અર્થઘટન અને રસદર્શન:
આ શેર થોડોક સંકુલ છે. પ્રથમ મિસરાનો સીધો ભાવાર્થ તો એ જ છે કે સૌંદર્ય એ તો ઉમદા ખયાલ સાથે જોડાયેલ છે, તેને દૈહિક આસક્તિ સાથે કોઈ જ લેવાદેવા નથી. બીજા મિસરાનો સાર એ છે કે માણસે પોતાના અંતરાત્માના અવાજને અનુસરવું જોઈએ અને પોતાની જાત ઉપર ભરોંસો રાખવો જોઈએ. ગ઼ાલિબ કહે છે કે સૌંદર્ય અને તેની સાથેનો સુવિચાર તો એ જ છે કે માણસે સૌંદર્યપાન કરતાં આખલાના જેવી હવસખોરીના શિકાર ન થવું જોઈએ. સૌંદર્યના સાચા ચાહકને તો તેને માત્ર નિહાળવામાં અને એ સૌંદર્યની પોતાના હૃદયમાં અનુભૂતિ કરવામાં જ રસ હોય છે. સૌંદર્યને કામવાસનાની નજરે અવલોકવું એ તો તેનું હળાહળ અપમાન છે. અહીં આપણે એક બાબત સમજવાની રહેશે કે ગ઼ાલિબ તો ગૃહસ્થી હતા, તેમની માશૂકા તો સ્વપ્નસુંદરી હતી, જે અવનવા સ્વરૂપે આપણને તેમની ગ઼ઝલોમાં જોવા મળશે. અહીં હું મારી આ વાતના સમર્થન માટે નિસંકોચપણે વ્હી શાંતારામના ‘નવરંગ’ ચલચિત્રનો હવાલો આપીશ. ફિલ્મનાયકની પત્ની તો જમના જ હતી અને એ જ જમનાને તે નૃત્યાંગના સ્વરૂપે મોહિની નામે ઓળખે છે અને તેથી જ એક ગાનમાં રહસ્યનો પડદો ઊઠાવીને તેને કહેવું પડે છે કે ‘જમના, તુ હી તો હૈ મેરી મોહિની’’. આ ગ઼ઝલના અર્થઘટન માટેના થોડાક અતિવિસ્તારની ક્ષમાયાચના કરીને હું આ શેર અંગેની મારી મીમાંસા પૂર્ણ કરું છું.
– મિર્ઝા ગ઼ાલિબ
-વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)
(ગ઼ઝલ ક્રમાંક – ૧૧૬) [ક્રમશ: આંશિક ભાગ – ૩]
નોંધ:-
(આ ગ઼ઝલના અર્થઘટન માટે મારે રાજેન્દ્ર કૃષ્ણના આ ગ઼ઝલના અંગ્રેજી વર્ઝનનો સહારો લેવો પડ્યો છે. અંગ્રેજીના અભ્યાસુઓ માટે તેમની આ સંપૂર્ણ ગ઼ઝલને હું આ લેખમાળાના ત્રણેય ભાગોમાં વિભાગવાર પરિશિષ્ઠમાં આપતો રહ્યો છું.)
* * *
પરિશિષ્ઠ : (શેર ૪ થી ૬)
Dil Hi To Hai Na Sang-O-Khist
The amorous glance is the deadly dagger
And the arrows of emotions are fatal
Your image may be equally powerful
Why should it appear before you?
The rules of life and bonds of sorrow
In reality are the one manifestation
Before realizing the ultimate truth
How can then one attain liberation?
Love is laden with noble thoughts
Yet what remains is the carnal shame
Trust conscience the still little voice
Why do you want test the rival
– By Rajender Krishan
ઋણસ્વીકાર :
(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…
(૨) http://www.youtube.com વેબસાઇટનો…
(૩) http://techwelkin.com/tools/transliteration/ (દેવનગરી-ગુજરાતી સ્ક્રીપ્ટ કનવર્ટર)
(૪) Courtesy – Rajender Krishan
(૫) સૌજન્ય : urdustuff.blogspot અને વિકીપીડિયા
[…] ક્રમશ: (7) […]