તાજેતરમાં જ ‘વેબગુર્જરી’ના સાહિત્યવિભાગે નીલમબેન દોશીની ‘આઇ એમ સ્યોર…’ શીર્ષકે વાર્તા પ્રસિદ્ધ થઈ છે. મારા આજના ‘વલદાની વાસરિકા’ શ્રેણીએ લખાઈ રહેલા ગુજરાતી ભાષાવિષયક આ લેખ માટે મેં એ જ શીર્ષકને ભાગ – ૨ તરીકે પસંદ કરવાનું વિચાર્યું હતું, જેવી રીતે કે આજકાલ ‘દબંગ’, ‘ધૂમ’, ક્રિશ, આશિક જેવાં ચલચિત્રો એ જ શીર્ષકે પણ સળંગ વધતા જતા ક્રમાંકે આવતાં જાય છે; પરંતુ હું એમ કરતો નથી. કારણ દેખીતું જ છે કે ગુજરાતી ભાષા અંગેના આ ગુજરાતી લેખનું શીર્ષક હું અંગ્રેજીમાં રાખું તો એવું બને કે કોઈ શ્વેત ધોતીઝભ્ભાધારી ગુજરાતી સજ્જને માથે ટોપો (Hat) ધારણ કર્યો હોય ! જો કે આજકાલ લુપ્ત થઈ ગયેલી પ્રાચીન ગુજરાતીના ભવાઈના જનક અસાઈતની કોઈક ભવાઈમાં આવી વેશભૂષાવાળું પાત્ર જોવા મળતું હતું.
જો કે આ તો આડવાત થઈ અને મારા વિષયપ્રવેશ પહેલાં બીજી એક આડવાતનો આશરો લેવાનું મારા માટે જરૂરી છે. ‘પરગોલેક્સ’ કે અન્ય બ્રાન્ડની એ પ્રકારની કોઈપણ વટિકા માનવશરીરના મળત્યાગમાર્ગમાંના સર્જાએલા બંધને ખુલાસાબંધ ખોલી આપવાનું કામ કરે, બસ તેમ જ અહીં ખુલાસાબંધ એક વાત કરી લઉં કે એ વાર્તા અને આ લેખમાં અંશત: એક વાત પૂર્વાપાર સંબંધે અને પરસ્પર આધારિત એમ સમાન રીતે લાગુ પડે છે. એ વાત છે, ‘આત્મહત્યા કરવાના એક હજાર અને એક સરળ ઉપાય.’ એવી સંભવિત કોઈ ચોપડી અંગેની ! પરંતુ, મારે ‘આત્મહત્યા’ સબબે અહીં જે વાત કરવાની થાય છે; તે ઉપાયો અંગેની નથી, પણ તે માટેનાં અનેક કારણો પૈકીના એક શક્યત: અને મુજ સંશોધિત કારણ અંગેની છે.
અત્રે મારા મનમાં રમી રહેલા આત્મહત્યાના વિચારને ઉદ્દીપ્ત કરનારા જે કારણને હું ઉજાગર કરવા જઈ રહ્યો છું, તે કારણ સર્વત્ર વિદ્યમાન તો છે જ; પણ જે તે આત્મહત્યાના ઇચ્છુકે એ કારણને પોતાનામાં જગાડવું પડે, આપ વાચકોને વધુ વખત સુધી લોલીપોપ બતાવ્યા વગર સીધું જ ભાખી દઉં તો એ કારણને જગાડવા માટે આપણે ગુજરાતી ભાષાના પ્રુફ રીડર બનવું પડે. આપ કહેશો કે આ તો ખૂબ લાંબો અને કાંટાળો માર્ગ છે. પ્રુફ રીડર થવા પહેલાં ભાષામાં પારંગત થવું પડે. પારંગત થયા પછી પ્રુફ રીડીંગનું કામ હાથ ધરવું પડે. પ્રુફરીડીંગ કરતાંકરતાં જ તે લખનારના લખાણને મઠારવા જતાં કંટાળવું પડે. કંટાળાની શરૂઆતમાં બંને હાથોએ પોતાના માથાના વાળ પીંખવા પડે. આમ ધીમેધીમે આપણો કંટાળો પરાકાષ્ઠા તરફ આગળ ને આગળ વધતો જાય અને આપણા ચિત્તપ્રદેશમાં આત્મહત્યા કરી લેવાના વિચારોના કાંટા ફૂટતા જાય. આમ ને આમ એવી કોઈ નિશ્ચિત ધન્ય પળ આવી પણ જાય કે આત્મહત્યાના કાર્યને આખરી અંજામ અપાઈ જાય અને દુ:ખદ એવા આપણા જીવનનો સુખદ અંત આવી જાય. પછી તો એવું પણ બની શકે કે પેલા રશિયન વાર્તાકાર એન્ટોન ચેખોવની ‘એક સરકારી કારકુનનું મૃત્યુ !’ જેવી જ વાર્તા કોઈ વાર્તાકાર દ્વારા આવા શીર્ષકે લખાઈ જાય કે ‘એક ગુજરાતી પ્રુફ રીડરનું અકુદરતી મૃત્યુ !’.
અહીં વાચકને એમ લાગ્યા સિવાય રહેશે નહિ કે આ તો ભાઈ બગડી ગયેલા લાઈટરની દિવેટને દિવાસળીથી સળગાવીને પછી એ લાઈટર વડે બીડી કે સિગારેટ સળગાવવા જેવી વાત થઈ ન ગણાય ! જેને આ દુનિયામાંથી ટળવું છે, એ સીધી રીતે પણ ટળી તો શકે ! ભાઈ, વાત તો સાચી, પણ પછી પેલા કાર્યકારણના સિદ્ધાંતનું શું; એ તો પછી ખોટો પડી જાય ને ! ખેર, એ વાતને રહેવા દો અને મને તમારા મનની વાત કહેવા દો. તમારા મનમાં દેશી પાકી કેરીઓની જેમ એ વાત ઘોળાયા કરે છે કે અપમૃત્યુને ગળે લગાડનારો પ્રુફરીડર બીજી કોઈ ભાષાનો નહિ અને ગુજરાતીનો જ કેમ હોઈ શકે ! આનો સીધોસાદો જવાબ એ છે કે આપણી પાસે સક્ષમ એવું કોઈ રોબોટિક સોફ્ટવેર નથી કે જે Spellchecker તરીકેની ઝડપી અને કાર્યક્ષમ સેવાઓ આપી શકે; વળી જે કોઈ છે, તે આપણા દેશી બાબરિયા ભૂત જેવી છે કે જે પોતે તો થાકે જ નહિ; પરંતુ આપણને થકવી તો જરૂર નાખે. જો કે આપણાં સુભાગ્ય છે કે જીવનભર ગુજરાતી ભાષાના સંશોધન, સંમાર્જન, સંવર્ધન અને સંરક્ષણ માટે આજીવન તન, મન અને ધનનો ભોગ આપીને ઑનલાઈન ગુજરાતી લેક્સિકોનને હાથવગુ ઉપલબ્ધ કરાવનાર મરહુમ રતિલાલ ચાંદેરિયા (મુરબ્બી રતિકાકા) કે જે મૂર્ત સ્વરૂપે ભલે હવે આપણી વચ્ચે ન હોય, પરંતુ અમૂર્ત સ્વરૂપે તો ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ વચ્ચે ચિરકાળ સુધી જીવિત રહેશે જ. તેઓશ્રીના સોફ્ટવેરમાં ‘ઑનલાઈન સરસ સ્પેલચેકર’ની સુવિધા તો છે જ, પરંતુ તેમાં હજુય વધુ ને વધુ સંશોધનને અવકાશ તો છે જ. અંગ્રેજીની જેમ ઓટોચેક (Auto Check)ની સુવિધા ન હોવા ઉપરાંત આપણી ભાષા જ વિશેષે કરીને સંકુલ હોઈ જોડણીસુધાર માટેના અસંખ્ય શબ્દોને લાલ અને વક્ર અધોરેખાએ દર્શાવે છે. વળી જે શબ્દનો સુધારો સુચવાયો હોય તેના માટે અનેક વિકલ્પો આપવામાં આવ્યા હોય છે અને તેમાંથી આપણે જે સાચો હોય તેને જાતે જ પસંદ કરી લેવો પડે. ઘણીવાર અનુસ્વાર જરૂરી હોય તેવા શબ્દો અધોરેખિત બતાવવામાં આવ્યા નથી હોતા, એટલા માટે કે અનુસ્વારરહિત એવા શબ્દનું અસ્તિત્વ હોવા ઉપરાંત તે સાચો પણ હોય. વળી સમયનો વ્યય થાય એવી દુવિધા બીજી એ છે કે આપણા લખાણને કોપી-પેસ્ટ વડે પેલા સ્પેલચેકર બૉક્સમાં લાવવું-લઈ જવું પડે છે, જે તે મૂળ જગ્યાએ અંગ્રેજીની જેમ ભૂલસુધારણાકાર્ય થતું નથી; અર્થાત્ તે લખાણને ઑપરેશન થિયેટરમાં લઈ જવું પડતું હોય છે !
જૂઓ, કોઈપણ માતૃભાષી જીવના દિલમાં બળતરા તો હોય જ છે કે પોતે સાચું લખાણ લખે, શબ્દોના સાચા ઉચ્ચારો કરે; પણ બધાંયથી એમ થઈ શકતું નથી હોતું. આના માટે કોમ્પ્યુટર ટેકનોલોજિ જ બેલી બની શકે તેમ છે. જેમ પશ્ચિમના દેશોમાં અને અલ્પાંશે ભારતમાં પણ શિક્ષણસંસ્થાઓમાંથી આંક, ઘડિયા,પાડા કે ટેબલ ગયાં અને કેલ્ક્યુલેટરે સ્થાન લઈ લીધું; તેમ આપણી ભાષાવિષયક સમસ્યા પણ એવાં સોફ્ટવેરથી જ હલ થઈ શકશે. હું આ વિષયે અલ્પજ્ઞાનીય નહિ, અજ્ઞાની જ છું; એટલે ડહાપણ ડહોળવાથી વિશેષ તો શું કરી શકું ! હા, કોમ્યુટર પ્રોગામરોને વિચાર તો જરૂર આપી શકું તેમ છું કે જેનાથી અંગ્રેજીના જેવું શતપ્રતિશત ચોક્કસ સ્પેલચેકર તો કદાચ નહિ બની શકે, પણ હાલમાં ઉપલબ્ધ છે તેનાથી વિશેષ કાર્યક્ષમ તો જરૂર બની શકે. એક તો અગાઉ જણાવ્યા મુજબ ગુજરાતી લખાણને પેલા ઓપરેશન થિયેટરમાં લઈ જવાના બદલે સ્થળ ઉપર કામનો નિકાલ થાય તે માટે અંગ્રેજીની જેમ જે તે ગુજરાતી ફોન્ટના સોફ્ટવેરમાં સ્પેલચેકર જોડાઈ જવું જોઈએ. વળી ઓટોચેક પદ્ધતિએ આવવા માટે હું નીચે જે ઉદાહરણ આપવા જઈ રહ્યો છું તે રીતે જ ગુજરાતી ભાષાના બધા જ શબ્દોને આવરી લેવા જોઈએ. હવે આપણે એક સાચો શબ્દ ‘કોશિશ’ લઈએ. આપણે શક્યતાના ગણિત (Maths of Possibility) પ્રમાણે જોઈશું, તો એ શબ્દના ખોટા શબ્દો આટલા બની શક્શે : કોશીશ, કોશીસ, કોશીષ, કોશિસ, કોશિષ. પ્રોગ્રામરે લખાણમાં સાચો શબ્દ ‘કોશિશ’ લાવી દેવા માટેનો રસ્તો (Path) એવી રીતે કંડારી કાઢવો જોઈએ કે પેલા ખોટા શબ્દો પૈકીના ગમે તે કોઈ એકને છાપવામાં આવે તો એ બધા જ ‘કોશિશ’ એવા સાચા શબ્દમાં ફેરવાઈ જાય. જૂઓ મિત્રો, આ કંઈ વલદાનું સંશોધન છે એવી ભૂલ કરી લેવાની ભૂલ ભૂલમાં પણ કરી લેતા નહિ. અંગ્રેજી સ્પેલચેકર આ રીતે જ સર્જાયું હોવું જોઈએ એવા અનુમાન માત્રથી હું મારા વિચારોને દર્શાવી રહ્યો છું.
કોઈ કહેશે કે આટલી બધી મગજમારી કોણ અને શા માટે કરે; તો તેનો સીધોસાદો જવાબ છે પાપી પેટ જ કરે, પૈસા શું ન કરાવી શકે ! ગુજરાત સરકાર અનેક યોજનાઓ પાછળ કરોડો રૂપિયા ખર્ચે છે. ગુજરાતી ભાષાના સંવર્ધન અને વિકાસ માટે મોટી રકમ ફાળવીને કોઈ સોફ્ટવેર કંપનીને આ કામ સોંપવામાં આવે તો મારું માનવું છે કે તે ઓછામાં ઓછા છ મહિના અને વધુમાં વધુ એક વર્ષમાં આ કામ પાર પાડી શકે. એમના પાસે મોટી ટીમ હોવાથી આ સમયમર્યાદામાં એ કામ ચોક્કસ પૂર્ણ થઈ શકે. હવે વાત રહી આવા સ્પેલચેકરની વિશ્વસનીયતાની; તો જૂઓ મિત્રો, અંગ્રેજી કે અન્ય કોઈ વિદેશી કે દેશી ભાષાઓમાંનાં તેમનાં સ્પેલચેકર્સને કેટલીક મર્યાદાઓ તો નડતી જ હોય છે. આના માટે મારી એક જ દલીલ છે કે કોમ્પ્યુટર અક્કલ જેવું કામ તો કરી શકે છે, પણ તેનામાં અક્કલ હોતી નથી. અંગ્રેજીમાં hut ની જગ્યાએ તમે nut છાપી નાખ્યો હશે, તો સ્પેલચેકરનું કામ તમારા બંને શબ્દોના માત્ર સ્પેલિંગ ચકાસવાનું છે; નહિ કે તે તમને એમ બતાવે કે hut કરી નાખો. ગુજરાતીનું એક અશુદ્ધ વાક્ય લઈએ કે કે ‘કૂતરા ભસતા હતા.’ અહીં ગુજરાતી સ્પેલચેકર એ વાક્યના ત્રણેય શબ્દોમાં ભૂલ નહિ જ બતાવે, કેમ કે એ ત્રણેય શબ્દો અલગઅલગ રીતે તો સાચા જ છે; પણ ત્યાં વ્યાકરણની ભૂલના કારણે એ ત્રણેય શબ્દોમાં અનુસ્વાર નથી. પ્રોગ્રામરો આ કામ પણ કરી શકે, કેમ કે અંગ્રેજી સ્પેલચેકરમાં પણ મર્યાદિત રીતે ઉપયોગી થઈ શકતી આવી સુવિધા ઉપલબ્ધ હોય છે.
‘આઈ એમ સ્યોર’ કે ભવિષ્યે કોઈ ગુજરાતી ભાષાપ્રેમી શિક્ષણમંત્રી બનશે તો આ લેખમાંનું હાલનું દિવાસ્વપ્ન કદાચ નિશાસ્વપ્નમાં ફેરવાય અને એ નિશાસ્વપ્ન હકીકતમાં સાકાર પણ થઈ શકે ! સાથેસાથે એ પણ હકીકત છે કે ઉમાશંકર જોશીના કાવ્ય ‘નદી દોડે’ માંની આ પંક્તિ ‘અરે, એ તો ક્યારે, ભસમ સૌ થઈ જાય પછીથી ?’ જેવી પરિસ્થિતિને નિવારવા માટે સમર્થ અને નિષ્ઠાવાન એવા કોઈ ભાષાપ્રેમીને વિધાયક તરીકે બિનહરીફ ચૂંટવો પડે.
[…] Click here to read in English […]