RSS

Tag Archives: હીરા ઉદ્યોગ

(૩૧૩) સો સો સલામ!

તાજેતરના એક ગુજરાતી અખબાર મુજબ હીરાઉદ્યોગમાં કુશળ કારીગરોની અછતના ઉકેલ માટે સરકાર દ્વારા ગ્રામીણ અને આદિવાસી મહિલાઓને તાલીમ આપવાનો માર્ગ વિચારાયો છે. આ પગલા થકી હીરાઉદ્યોગને ફાયદો તો થશે જ, પણ સાથેસાથે મધ્યમ તથા ગરીબ અને ગરીબી રેખા નીચે જીવતા એવા લાખો કરોડો ગ્રામ્યનાગરિકોની આર્થિક હાલત પણ સુધરશે. આ માટે Indian Diamond Institute દ્વારા તાલીમ આપવામાં આવશે. ગ્રામીણ વિસ્તારની મહિલાઓને હીરા ઉદ્યોગ માટે તૈયાર કરવા Gem and Jewelry Export અને વિવિધ Diamond Associations પણ આગળ આવશે. આમ જોઈએ તો આપણા દેશમાં રફ (કાચા) હીરા મધ્યપ્રદેશમાં પન્ના ખાતે નહિવત્ પ્રમાણમાં પ્રાપ્ય હોવા છતાં આ ઉદ્યોગમાં આપણે વિશ્વમાં પ્રથમ સ્થાને છીએ. ભારતમાં ગુજરાત અને તેમાંય વળી સુરત એક એવું કેન્દ્ર છે કે જ્યાં આ હીરાઉદ્યોગમાં અંદાજે પાંચ લાખ જેટલા લોકો સીધી યા આડકતરી રીતે રોજગારી મેળવી રહ્યા છે.

મારા લેખની આટલી પૂર્વભૂમિકા પછી મારા કથનમાં થોડોક આડો ફંટાઈને પણ એક વાત અત્રે જણાવી દઈશ કે મારા અમેરિકાસ્થિત મિત્ર સુરેશભાઈ જાનીએ થોડા સમય પહેલાં ભારત (અમદાવાદ) સ્થિત માનનીયશ્રી શરદભાઈ શાહનો મને પરિચય કરાવ્યો હતો. હવે એ જ શરદભાઈનો મારા વાંચકોને સાવ ટૂંકમાં પરિચય આપું તો તેઓશ્રી GITCO LTD. કંપનીમાં “Food and Agro & Tourism Projects ના કન્સલ્ટન્ટ તરીકે ચાવીરૂપ સેવાઓ આપી રહ્યા છે. મારી પહેલી જ ટેલિફોનિક વાતચીતથી મને જાણવા મળ્યું હતું કે તેઓશ્રી ઓગણીસસો નેવુંના દાયકામાં મારા ગામની અને આ લેખના પ્રારંભે જે વાતનો ઉલ્લેખ થયો છે તેવા હેતુને સિદ્ધ કરતા એક વિશાળ હીરાના કારખાનાની મુલાકાત લઈ ચૂક્યા હતા.

એ વિશાળ કારખાનાના માલિક હતા, વિશાળ દિલવાળા સ્થાનિક મોમીન કોમના જનાબ મીયાંજીભાઈ વજીરભાઈ પોલરા કે જે હીરાઉદ્યોગ જગતમાં ‘મનુભાઈ’ તરીકે વિશેષ ઓળખાય છે. ગૌર વર્ણ, પ્રભાવશાળી શારીરિક બાંધો, મિત તથા મધુર ભાષી, નખશિખ સાલસ અને મનસાવાચાકર્મણા નિખાલસ એવા મનુભાઈ લગભગ સાઈઠે પહોંચ્યા હોવા છતાં તરવરિયા યુવાન લાગે છે. ગઈકાલે જ મેં તેમનો ઈન્ટરવ્યુ લીધો, જેમાં અમારી વચ્ચે થએલી થોડીક પ્રશ્નોત્તરીને સર્વપ્રથમ રજૂ કરીને પછી છેલ્લે તેમના વ્યક્તિત્વ, વિચારો અને વર્તનો વિષેનાં મારાં અવલોકનોને આપ સૌ વાંચકો સમક્ષ મૂકીશ.

પ્ર. આપણા ગામમાં હીરાઉદ્યોગને અપનાવનાર તમે જ પહેલા હતા એ વાત સાચી ખરી?

ઉ. ના, આપણા ગામના ચાંગલા (સુણસરા) બંધુઓ મારાથી પહેલા હતા. હું ૧૯૬૭ માં એસ. એસ. સી.પછી તરત જ હીરાકારીગરી શીખવા માટે મુંબઈ ગયો હતો.

પ્ર. આ ઉદ્યોગમાં પદાર્પણ કરવાની પ્રેરણા તમને ક્યાંથી મળી?

ઉ. મારા દાદાના એક જૈન મિત્ર હતા. તેમના પુત્ર સાથે મારા પિતાજીના પણ મિત્રાચારીના સંબંધો ચાલુ રહ્યા હતા. આગળ જતાં ત્રીજી પેઢીએ મારા પિતાજીની ભલામણ થકી મુંબઈ ખાતેના તેમના હીરાઉદ્યોગમાં એક શિખાઉ કારીગર તરીકે હું જોડાયો હતો.

પ્ર. તમારા કારખાનામાં કારીગર અને શિખાઉ ઉમેદવારો તરીકે માત્ર સ્ત્રીઓને જ પસંદ કરવાનું ખાસ કોઈ પ્રયોજન ખરું?

ઉ. હા, તે પ્રયોજનો આ પ્રમાણે હતાં :(૧) અભણ કે ઓછું ભણેલી મહિલાઓ જે સરકારી નોકરીઓથી વંચિત હોય તેમને રોજગાર મળવાથી તેઓ કુંટુંબમાં પુરક આવક મેળવી શકે. (૨) તેઓ ગામમાં જ હોઈ સમયસર હાજરી આપી શકે. (3) પોતાના ઘરકામ પછીથી અનુકૂળ ફાજલ સમય કાઢી શકે. (૪) હીરાઉદ્યોગમાં ચોકસાઈનું મહત્વ હોઈ પુરુષોની સરખામણીએ તેઓ આ ઉદ્યોગમાં વધારે સારી કામગીરી બજાવી શકે. (૫) મોટા સમૂહમાં માત્ર સ્ત્રીકામદારો જ હોવાના કારણે જાતીય કે ચારિત્ર્યવિષયક કોઈ સ્મસ્યાઓ ઊભી થાય નહિ. (૬) આ કારોબારમાં અપ્રમાણિકતાની વધુ શક્યતાઓ હોઈ સ્ત્રીઓ ઉપર વધારે ભરોંસો મૂકી શકાય. (૭) કુટુંબમાં કોઈક એકાદે પણ આ તાલીમ લીધેલ હોય તો અન્ય કુટુંબીજનોને અને સગાંસંબંધીઓને તે આ હુન્નર શિખવી શકે અને આમ આ ઉદ્યોગનો પ્રસાર થાય.; (૮) ગામમાં જ હીરાબજાર વિકસતાં લાંબા ગાળે આ ગામ હીરા ઉદ્યોગ માટેનું Lead Village બની શકે; અને છેલ્લે, (૮) ગામના પરંપરાગત ભાંગી પડેલા હાથશાળ કાપડ ઉદ્યોગનું સ્થાન જો આ ઉદ્યોગ લે તો દુનિયાના આ ઉદ્યોગમાં સંકળાએલા કેટલાય દેશોની જેમ જે તે ગામ કે શહેરમાં જ સ્થાનિક રીતે રોજીરોટી રળવા માટેનું આ ઉદ્યોગ એક મહત્વનું માધ્યમ બની શકે.

પ્ર. તમારા કારખાનામાં મોમીન સિવાયની ઈતર કોમની કોઈ સ્ત્રીઓ કામ કરતી ખરી?

ઉ. હા, અમારા ત્યાં નાતજાતના કોઈપણ જાતના ભેદભાવ વગર તમામ કોમની સ્ત્રીઓ માટે આ ઉદ્યોગમાં તાલીમાર્થી અને કારીગર તરીકે દાખલ થવા માટેનાં દ્વાર હંમેશાં ખુલ્લાં રહેતાં, પણ મોમીનોની બહુમતી હોવા ઉપરાંત અન્ય કોમની સ્ત્રીઓમાં આ ઉદ્યોગમાં દાખલ થવાની ઉત્સુક્તાનો અભાવ હોઈ બિનમુસ્લીમ સ્ત્રીઓનું પ્રમાણ અલ્પ જ રહેતું.

પ્ર. તમે હીરાના કારખાનેદાર તરીકેની કારકિર્દી ક્યારથી શરૂ કરી?

ઉ. સુરતમાં કારખાનાના ભાગીદાર તરીકે 1974માં કારકિર્દી શરૂ કર્યા પછી એ જ રીતે ભાગીદારની હેસિયતે પાલનપુર ખાતે 1980થી સાતેક વર્ષ સુધી કારખાનું ચલાવ્યું. 1988થી આપણા વતન કાણોદર ખાતે મારી સંપૂર્ણ માલિકી હેઠળ એક નવીન જ ખ્યાલથી એટલે કે સ્ત્રી કામદારોથી મોટા પાયે કામકાજ શરૂ કર્યું.

પ્ર. તમારા જણાવ્યા મુજબ નવીન ખ્યાલથી શરૂ કરેલા તમારા સાહસમાં પ્રારંભે કોઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડેલો ખરો?

ઉ. હા, માત્ર સ્ત્રી કારીગરોથી જ આ ઉદ્યોગ ચલાવવાનો હોઈ શરૂઆતમાં જ માત્ર શિખાઉ બહેનોથી હીરાના ઉત્પાદનમાં જથ્થા અને ગુણવત્તા એમ બેઉ રીતે સંતોષકારક કામ થતું ન હતું. સદભાગ્યે 1987ની સાલથી હીરા ઉદ્યોગમાં Semi Automatic ઘંટીઓનું ચલણ શરૂ થયું. અમારા ત્યાં નવીન ટેકનોલોજીના કારણે માલ બગડવાની શક્યતાઓ નહિવત્ રહેવા ઉપરાંત ઉત્પાદન પણ સંતોષકારક થતું હતું.

પ્ર. સ્ત્રી કામદારોની સંખ્યા કેટલી રહેતી હતી?

ઉ. શરૂઆતમાં વીસેક બહેનો જ હતી, જે ક્રમિક રીતે વધતાં વધતાં લગભગ ત્રણસોએકની સંખ્યા થઈ હતી.

પ્ર. કારીગર બહેનો મહિને કેટલી કમાણી કરી શકતી?

ઉ. શરૂઆતમાં ઓછામાં ઓછું બેએક હજારનું કામ કરી શકતી બહેનો છએક મહિનામાં સાડા ચાર હજારથી પાંચ હજારના માસિક મહેનતાણા સુધી પહોંચી શકતી. આ તો નેવુંના દસકાની વાત છે, હાલના ધોરણે તો દસથી પંદર હજાર સુધીની આવક ગણાય.

પ્ર. તમને DTC (ડાયમન્ડ ટ્રેડીંગ કોર્પોરેશન)માંથી સીધા કાચા હીરા (Rough)  મળતા હતા ખરા?
ઉ. અમારા Principal મહિન્દ્રા એક્સ્પોર્ટ્સ DTC માંથી રફ હીરા મેળવવા માગતા હતા, પણ DTC ની શરત હતી કે તેઓ ઉત્પાદક હોવા જોઈએ. આમ અમે તેમની સાથે જોડાણ કર્યું હતું અને તે રીતે અમે પરોક્ષ રીતે DTC પાસેથી કાચા હીરા મેળવતા થયા હતા.

પ્ર. હાલમાં બંધ એવા તમારા કારખાનાને ફરી ચાલુ કરો ખરા?

ઉ. હવે હું સિનિયર સીટીઝન હોઈ નિવૃત જીવન જીવવા માગતો હોવા છતાં પણ મારા તૈયાર કરેલા માણસો જો એમ કરવા માગતા હોય તો તેમને નિ:સ્વાર્થભાવે માર્ગદર્શન આપવાની મારી તૈયારી ખરી.

પ્ર. આ ઉદ્યોગમાં તમે લગભગ પૂર્ણ જીવન વીતાવ્યું છે તો તમારા જીવનભરના હીરા ઉદ્યોગના સાહસની ફલશ્રુતિ શી?

ઉ. જૂઓ, દરેક ઉદ્યોગ સાહસિક કે વેપાર-રોજગાર કરનારનું આખરી લક્ષ પૈસા કમાવાનું હોય છે. હવે જો એ લક્ષને જ પાર પાડવાનું હોય તો જે તે વેપારી કે ઉદ્યોગકારે પાકા માણસ થવું પડે. વળી આ ઉદ્યોગમાં Mal Practice ઉપરાંત કામદારોના શોષણ થકી જ પૈસાદાર થવાય. મેં મારા વ્યવસાયમાં જે રીતે કામ કર્યું છે તે થકી દામ ઓછા પ્રમાણમાં પણ નામ ખૂબ કમાયો છું. સ્ત્રીઓને જ કામ આપીને તેમના જીવનનાં લક્ષોને સિદ્ધ કરવામાં મદદરૂપ થવા માટેના મેં શક્ય તેટલા પ્રયત્નો કર્યા છે. મારાથી જે કંઈ થઈ શક્યું છે તેની પાછળ સર્જનહારનો જ હાથ છે, હું તો માત્ર નિમિત્ત જ રહ્યો છું. તેણે મને સદબુદ્ધિ આપી તો જ હું કંઈક કરી શક્યો છું. મેં ‘જીવો અને જીવવા દો’ ના જીવનમંત્રને સિદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો છે. મારી પાસે અઢળક પૈસા હોવા કે ન હોવાની મેં કદીય દરકાર કરી નથી. મારી પ્રમાણિકતાના કારણે અને સ્ત્રીઓને રોજગાર આપું છું તે માત્ર કારણને લઈને મારા Principals મંદીના સમયમાં પણ મને અને મારા કારખાનાને તેઓ કાચો માલ પૂરો પાડતા રહ્યા છે. મારા ત્યાં કામ કરનારાંઓએ મને દિલી દુઆઓ આપી છે અને તેને જ હું મારી કમાણી માનું છું.

અહીં મીયાંજીભાઈ સાથેની મારો વાર્તાલાપ પૂર્ણ થાય છે, પણ તેમના વિષેનો મારો ભાવ-પ્રતિભાવ અભિવ્યક્ત કરીને જ પછી આ લેખને સમાપન તરફ લઈ જઈશ. મીયાંજીભાઈ સાથેના પ્રશ્નોત્તરી સિવાયના તેમના સીધા કથન કે અમારી વચ્ચેની વાતચીત ઉપરથી હું તેમના નમ્રતાના ગુણને અહોભાવપૂર્વક સાવ નોખો તારવી શક્યો છું. તેમણે કદીય એવો વિચાર સુદ્ધાં પણ નથી કર્યો કે તેમણે અન્યોને રોજી આપી છે કે જીવાડ્યા છે. રોજીનો રઝાકાર તો સર્વશક્તિમાન એ સર્જનહાર જ છે કે જે મનુષ્યોના જ માધ્યમ દ્વારા એ કામ પાર પાડે છે. કુરઆને પાકની સુરએ ‘હુદ’ ની એક આયતમાં અલ્લાહ ફરમાવે છે કે ‘અને પૃથ્વી પર કોઇ એવું ચાલનાર પ્રાણી નથી કે જેની રોજી અલ્લાહના શિરે ન હોય!’ હજરત અલી (અ.સ.) ‘નહજુલ બલાગાહ’ કિતાબમાંની પોતાની દિવ્ય વાણીમાંના ‘કીડી’ વિષેના પોતાના ઉદબોધનમાં રિઝક (રોજી)ની ખાત્રી વિષે આપ ફરમાવો છો કે ‘જરા આ કીડીની તરફ જુઓ કે તે કેટલી બધી નાની છે કે તેના કદના કારણે નજરે પડતી નથી. પરંતુ તેના રિઝકની જવાબદારી લઇ લેવામાં આવી છે અને તેને લાયક રોજી તેના સુધી પહોંચી જાય છે.’

સમાપને મારા લેખના પ્રારંભે મુકાએલી એ વાતને અહીં સાંકળી લેતાં હું ગર્વ સાથે કહું છું કે સરકાર વર્તમાન મંદીને અનુલક્ષીને બહોળા પ્રમાણમાં લોકોને રોજી પૂરી પાડવા માટે સક્ષમ એવા હીરાઉદ્યોગ માટે જે કંઈ યોજના આજે વિચારે છે તે આપણા મીયાંજીભાઈએ ભલે નાના પાયા ઉપર છતાંય પરિણામલક્ષી પ્રયોગ ત્રણ દાયકા પહેલાં કરી બતાવ્યો છે. ભારત સરકાર તરફથી રોજગારલક્ષી ઉદ્યોગોને સહાયરૂપ થવા માટે સબસીડી તરીકે યુનિટદીઠ એકાદબે કરોડ રૂપિયા આપવા માટેની યોજનાના ભાગ રૂપે શ્રી શરદભાઈની કંપનીને એવા ગુજરાતમાંના ઉદ્યોગો તારવી કાઢવાની કામગીરી સોંપાઈ હતી. શ્રી મીયાંજીભાઈના કારખાના માટેની તે વખતે ભલામણ થઈ હોવા છતાં ઉપરી અધિકારીઓએ હીરાઉદ્યોગ તો ગુજરાતમાં ઠેરઠેર છે એવી પોકળ દલીલ દ્વારા સબસીડી માટેની યોગ્યતામાંથી આ ઉદ્યોગની સદંતર બાદબાકી જ કરી નાખી હતી.

ઘરદીવડાસમા છતાં ઉમદા વિચારો થકી જાજવલ્યમાન વ્યક્તિત્વ ધરાવતા એવા શ્રી મીયાંજીભાઈ (મનુભાઈ) ને સો સો સલામ.

-વલીભાઈ મુસા


 

Tags: , ,