RSS

Tag Archives: દાસ્તાન

(૩૫૮) હાસ્યદરબારની અસાધારણ સાધારણ સભાના અસાધારણ ઠરાવો (પ્રહસન – ૪)

(૩૫૮) હાસ્યદરબારની અસાધારણ સાધારણ સભાના અસાધારણ ઠરાવો (પ્રહસન – ૪)

(આજરોજે હાસ્યદરબારની અસાધારણ (Extra-ordinary) સાધારણસભા (General Assembly) અમેરિકા ખાતેના ડલાસ રાજ્ય મધ્યે મેન્સફિલ્ડ નામે ઉપનગરે ‘હાદરત્ન – ૨’  બિરૂદધારી  એવા સુરેશભાઈ જાની ‘સુરદા’ ના નિવાસસ્થાને ડો. રાજેન્દ્ર ત્રિવેદી ઊર્ફે ‘રાત્રિ’ ઊર્ફે ‘હાદરત્ન – ૧’ ઊર્ફે હિંમતલાલ જોશી (આતા)ના સંબોધનાનુસાર ‘રાજાભાઈ’ એટલે કે ‘રાજા’ કે ‘રાજાજી’ ના પ્રમુખસ્થાને અને સુરેશભાઈ જાની (સુરદા)ના સંચાલનપદે Ash-colored (ભૂખરા) કમાન્ડોના કડક બંદોબસ્ત હેઠળ તેમના રહેઠાણના વિશાળ ભોંયરા (Basement)માં મળી હતી, જેમાં અમેરિકાનિવાસી હાદરત્નો સદેહે અને શેષ હાદરત્નો 3-D વિડિયો કોન્ફરન્સે વિદેહે (અર્થાત્ અપ્રત્યક્ષ) હાજર હતાં. અમેરિકાનાં લગભગ તમામ રાજ્યોમાંથી હાસ્યદરબારના ગુજરાતી ચાહકોમાંથી રાજ્યદીઠ એક પ્રતિનિધિની હાજરી રહી હતી. હાસ્યદરબારમાં પ્રત્યક્ષ કે પરોક્ષ એમ કોઈ પણ રીતે ન સંકળાએલાં હોય તેવાં મેન્સફિલ્ડનાં સ્થાનિક ગુજરાતી નરનારીઓને મર્યાદિત સંખ્યામાં મફત પાસ આપીને સભાની જીવંત કાર્યવાહી નિહાળવા માટે માળિયામાં ભારતીય બેઠકે બેસવા માટેની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. સભાની કાર્યવાહીના એજન્ડામાં એક માત્ર મુદ્દો એ હતો કે સભાપ્રમુખની મંજૂરીથી હાસ્યદરબારના બંધારણમાં સુધારાથી માંડીને કોઈ પણ ઠરાવ ચર્ચા માટે મૂકી શકાશે. ભૂખરા કમાન્ડોની સેવા લેવા પાછળનો આશયમાત્ર એ હતો કે શાંતિપ્રિય અને ‘હસો અને હસવા દો’ ના  સૂત્રને વરેલા એવા હાદજનોની હસીખુશીની આ સભામાં દિવેલ પીધેલાં અને રૂક્ષ ચહેરાધારી કોઈ નરનારીઓ પ્રવેશી ન જાય અને સભાનું કામકાજ હર્ષોલ્લાસ સાથે સમસૂતર અને નિર્વિઘ્ને પાર ઊતરે. આ સભાની જીવંત કાર્યવાહી વિશ્વભરની માત્ર મનોરંજન પીરસતી ગુજરાતી ચેનલો ઉપર પ્રસારિત કરવામાં આવી રહી છે.)

રાત્રિ (હાદરત્નાંક-૧) : મારા પ્રમુખસ્થાનેથી જાહેર કરવામાં આવે છે કે સાધારણસભાની કાર્યવાહી શરૂ કરવામાં આવે અને સભાસંચાલનની જવાબદારી ભાઈશ્રી સુરદા નિભાવે.

સુરદા (હાદરત્નાંક-૨) : આ સભામાં ૧ થી ૯ ક્રમાંકનાં આખાં અને ૧૦ અ અને ૧૦ બ ક્રમાંકનાં અડધિયાં એવાં સદેહી અને વિદેહી  તમામ હાદરત્નો, હાસ્યદરબારના ચાહકોના  પ્રતિનિધિઓ, વિવિધ ટી.વી. ચેનલો/અખબારોના રિપોર્ટરો, માળિયા સ્થિત પ્રેક્ષકવૃંદ અને અત્રે સંબોધનમાં બાકી રહી જતાં હાસ્યદરબારને લાગતાં-વળગતાં સુબાનુઓ અને સુમર્દોને આ સભામાં આવકારતાં પરમાનંદ અનુભવું છું. આ સભામાં યથાસમયે Surprise (સાનંદાશ્ચર્ય) આપવાના આશયે એક ભાઈને હાલ પૂરતો તેમનું નામ અધ્યાહાર રાખીને આવકારું છું. સર્વ પ્રથમ તો આપણા હાસ્યદરબારના બંધારણને અનુલક્ષીને કોઈ સભાજન જરૂરી ઠરાવો પસાર કરાવવા માગતા હોય તો હું તેમને વિનંતી કરું છું કે તેઓ વિના સંકોચે મુક્ત ચર્ચા માટે પોતાનો ખરડો મૂકી શકે છે.

ચીમનભાઈ (હાદરત્નાંક-૫) : આપણે ઈંગ્લેન્ડની શાસનપદ્ધતિ અનુસાર હાસ્યદરબારના સર્વોચ્ચ વડા એટલે કે ‘રાજા’ તરીકે ડો. રાજેન્દ્ર ત્રિવેદીનો રાજ્યાભિષેક કરીએ. રાજાને સલાહસૂચન માટે ઉમરાવસભા અને આમસભાની જોગવાઈ કરીએ. મૂળભૂત નવ રત્નો પૈકી ડો. રાજેન્દ્ર ત્રિવેદીને ‘રાજા’ના સ્થાને ગોઠવતાં ખાલી પડતી તેમની જગ્યાએ માનાર્હ રત્ન તરીકે ડો. ચન્દ્રવદન મિસ્ત્રીને ગોઠવતાં આ નવેય રત્નોની ઉમરાવસભા રચવામાં આવે. Mr. Lawyer અને Mr. Liar ને અડધિયાના બદલે આખાં ગણી લેતાં તેઓ બંને અને ભવિષ્યે વિવિધ અને વિશિષ્ઠ પ્રતિભાઓ ધરાવતાં નવીન જે કોઈ રત્નો ઈન્ટર્વ્યુ થકી ઉમેરાતાં જાય તે સઘળાની આમસભા બનતી જાય. આમસભાનાં આ રત્નોની સંખ્યા અમર્યાદિત અથવા આ સાધારણસભાને યોગ્ય લાગે તે રાખવામાં આવે. મારા આ ખરડાને જો નવેય મૂળભૂત રત્નો સર્વાનુમતે સ્વીકારી લે તો આ મુસદ્દા અંગે કોઈ ચર્ચાને સ્થાન ન આપવામાં આવે. પરંતુ તેઓમાંના કોઈ એકાદનો પણ વિરોધ મત હોય તેવા સંજોગોમાં જ આજની આ સાધારણ સભામાં ચર્ચા કરીને મતદાન કરવામાં આવે અને આમ સર્વાનુમતે કે બહુમતીએ ઠરાવ પસાર કરવામાં આવે. હાલ સુધીમાં આમસભામાં માત્ર બે જ સભ્યો છે, પણ ભવિષ્યે જો તેમની સંખ્યા ઉમરાવ સભા કરતાં વધે તેવા સંજોગોમાં કોઈ વાર્ષિક કે અસાધારણ સાધારણ સભા ન બોલાવતાં ‘રાજા’ માત્ર આમસભા અને ઉમરાવસભાના સલાહસૂચન મુજબ હાસ્યદરબારનું સંચાલન કરે તેવી દરખાસ્ત હું મૂકું છું.

(સાધારણ સભાના તમામે તમામ સભ્યો એકી અવાજે આમસભાનાં રત્નોની મહત્તમ સંખ્યાના મુદ્દા સિવાયના    તમામ મુદ્દાઓને અનુલક્ષીને ‘ચીમનભાઈનો ખરડો મંજૂર… મંજૂર’ એમ બોલી ઊઠે છે.)

સુરદા (હાદરત્નાંક-૨) : સર્વ પ્રથમ તો ડો. રાત્રિની ‘રાજા’ તરીકેની નિયુક્તિ બદલ આપણી સાધારણ સભા વતી ‘રાજા’ તરીકેનું તેમનું નામાભિધાન કરનાર વડીલ આતાશ્રીનો અને પછી સર્વાનુમતે ચીમનભાઈના આમસભાની રત્નસંખ્યા સિવાયના સંપૂર્ણ ખરડાને યથાવત્ મંજૂર કરનાર આ સાધારણ સભાનો આભાર માનું છું. આપણી ઉમરાવસભામાં ડો. ‘રાત્રિ’ની ખાલી પડેલી જગ્યાએ નિયુક્ત થએલા ડો. ‘ચમિ’ને હું આવકારું છું. વળી આ પણ કેવો જોગાનુજોગ છે કે ડોક્ટરની જગ્યાએ ડોક્ટર આવે છે. મેં સાધારણ સભાના સંચાલનનો કાર્યભાર સંભાળતાં યથા સમયે Surprise (સાનંદાશ્ચર્ય) આપવાના આશયે એક ભાઈનું નામ અધ્યાહાર રાખીને મેં જેમને આવકાર્યા હતા તેમને હવે તેમના ‘છબરડાદાસ’ નામે પણ હાલ પૂરતા બિનસત્તાવાર હાદરત્ન તરીકે તેમને આવકારતાં આનંદ અનુભવું છું. બિનસત્તાવાર એટલા માટે કે Mr. Lawyer અને Mr. Liar ની જેમ તેમણે આજની હાદસભામાં હાદરત્ન તરીકેની નિયુક્તિ માટે ઈન્ટરવ્યુ આપવો પડશે. ઈન્ટરવ્યુ લેનાર ઓથોરિટી તરીકે ઉમરાવસભા રહેશે અને હવે ઉમરાવસભાને વિનંતી કરવામાં આવે છે કે હાલ તરત જ આજની જ આ સભામાં તેઓશ્રીનો ઈન્ટરવ્યુ લેવાનું શરૂ કરવામાં આવે.

રાજાજી (રાત્રિ) : ભાઈશ્રી આપનું નામ શું અને આપ હાલમાં ગુજરાતમાં વસો છો કે પછી NRG હોઈ વિદેશમાં વસો છો? વળી, એ પણ જણાવી દો કે તમે એવી કઈ વિશિષ્ટતા ધરાવો છો કે જેથી તમને હાસ્યદરબારની આમસભામાં હાદરત્ન તરીકેનું સ્થાન આપવામાં આવે ?

છબરડાદાસ :  મારું નામ ‘છબરડાદાસ’ તો સુજાજીએ જાહેર કરી જ દીધું છે અને હું OSG (Out State Gujarati) છું.  હું  ભારતમાં જ પણ પાડોશી રાજ્ય ગુજરાતમાં, I mean, રાજસ્થાનમાં રહું છું. મારાથી જાણેઅજાણ્યે વાણીએ અને વર્તને  એટલા બધા છબરડા વળી જાય છે કે લોકોએ મને છબરડાદાસનું બિરૂદ આપ્યું છે. તેમણે આપેલું નામ મને યથાર્થ લાગતું હોઈ સરકારી ગેઝેટમાં મારા એ નામને છપાવીને મેં મારા એ જ નામને કાયદેસર બનાવ્યું છે અને મને એ નામનો ગર્વ પણ છે.

પ્રજ્ઞાબેન (હાદરત્નાંક-૮) : ભાઈશ્રી છબરડાદાસજી, તમારા પ્રથમ ઉવાચે જ અને બોડી લેન્ગવેજે અમને એવું લાગે તો છે જ કે તમે મનમાં કંઈક અને બોલવામાં સાવ જુદું જ બોલીને બાફતા હશો. આરોગ્યજાળવણીમાં બાફેલું સઘળું આવકાર્ય ગણાતું હોય છે, પણ બોલચાલમાં બાફેલું હાનિકારક નીવડતું હોય છે. આજની સભા આગળ તમારા જીવનના બેચાર નોંધપાત્ર છબરડા કહી બતાવો કે જેથી તેની ગુણવત્તા નક્કી કરીને તમારા ‘છબરડાદાસ’ નામને અમે માન્ય રાખીએ અને હાદરત્ન તરીકેની તમારી ઉમેદવારી અંગે અમે વિચારી પણ  શકીએ.

છબરડાદાસ : એક વાત પહેલેથી જ જણાવી દઉં કે ભલે હું ગમે તેવા છબરડા વાળતો હોઉં, પણ પછી તરત જ હું વાતને વાળી લેવાની આવડત પણ ધરાવું છું  અથવા તો ઘણીવાર મારા સદનસીબે હું મોટી મુસીબતમાંથી બચી જતો પણ હોઉં છું. એકવાર અમદાવાદની એક  જાહેર મુતરડીમાં વિચારોની ધૂનમાં મહિલા વિભાગમાં  પ્રવેશી ગયા બદલ સફાઈ કરનારી બાઈએ મને હડફાવ્યો, ત્યારે મારે માફી માગતાં કહેવું પડ્યું હતું કે ‘શું કરું બહેન, મને ખબર જ હતી કે હું ખોટા સ્થાને પ્રવેશી રહ્યો છું, પણ પુરૂષ વિભાગની મોટી લાઈનના કારણે તમે મારી મજબુરી સમજી શકશો કે મારે એ કેમ કરવું પડ્યું હશે!’ મારા બચાવનામાને સાંભળીને એ ભલી બાઈ હસી પડી હતી.

હરનિશ જાની (હાદરત્નાંક-૩): જૂઓ ભાઈ, અમે તમારા છબરડાઓના છૂટક બનાવો સાંભળવાના બદલે તમારા જીવનમાં કોઈ એવો દિવસ આવ્યો હોય કે જ્યારે તમે તે આખા દિવસ દરમિયાન છબરડાઓની પરંપરા સર્જી બેઠા હોવ તે સાંભળવું અમને ગમશે. જરા યાદ કરીને એવા કોઈ દિવસના સઘળા ઘટનાક્રમને કહી સંભળાવો અને અમારું માનવું છે કે તમારું એ એક જ દિવસનું પરાક્ર્મ કદાચ તમને હાદરત્ન બનાવી પણ દે!

છબરડાદાસ : મારે એ દિવસને યાદ કરવાની કોઈ જરૂર નથી, કેમ કે એ દિવસ તો મારા જીવનમાં જીવનપર્યંતનો સંભારણાનો દિવસ બની રહ્યો છે. વળી મને આશા પણ છે કે છેક ભારતથી હાદરત્ન બનવા માટેની મારી અહીં સુધીની સફર મારા એ દિવસના બયાનથી જ ફળદાયી બની રહેશે.

કાસિમભાઈ (હાદરત્નાંક-૭) : હવે સમય ગુમાવ્યા વિના અને વાતમાં વધારે પડતું મોણ નાખ્યા વિના સીધે સીધું ભાખી દો અને અમારી ઉત્સુકતાને સંતુષ્ટ કરો.

છબરડાદાસ : એ મારો કોલેજકાળના બી.એ.ના બીજા વર્ષની યુનિવર્સિટી પરીક્ષાનો કમનસીબ પહેલો દિવસ હતો. પરીક્ષાના સમગ્ર કાર્યક્રમમાં એ દિવસ જ એવો બુંદિયાળ હતો કે અમારે બે પેપર હતાં. રાત્રે બાર વાગ્યા સુધી અર્થશાસ્ત્ર – ૧ નું વાંચન કર્યા બાદ પાંચેક કલાકની ઊંઘ મળી રહે તે માટે પાંચ વાગ્યાનું એલાર્મ મૂકીને સૂઈ ગયો. મારો રૂમ પાર્ટનર સાયન્સનો વિદ્યાર્થી હોઈ તેની પરીક્ષા મોડેથી હોવાના કારણે વાંચન માટે તે વતનમાં ગયો હતો અને રૂમમાં હું એકલો હતો. તે દિવસે મારું બીજું પેપર ઈતિહાસ – ૧ નું હતું. સવારે હોસ્ટેલની લોબીમાં કોલાહલના કારણે હું ઝબકીને જાગી ગયો અને મનમાં નરસિંહ મહેતાનું એક પ્રભાતિયું શબ્દાંતરે ગવાઈ ગયું કે ‘જાગીને જોઉં તો એલાર્મની ઠેસી નીચી દીસે નહિ!’. એલાર્મ ન વાગવાનું કારણ સમજાઈ ગયું હતું. ઘડિયાળમાં સાત વાગી ચૂક્યા હતા. હું રઘવાયો થઈને મળત્યાગગૃહે પ્રવેશ્યો. શૌચક્રિયાનો પ્રારંભ થઈ ગયા પછી  ‘પાણી પીને ઘર પૂછવા’ જેવું આત્મજ્ઞાન થયું. નળમાં પાણી આવે છે કે નહિ તેની ચકાસણી કરવા ગરમ અને ઠંડા એમ બંને પ્રકારના નળોને અજમાવી જોયા. પાણીના બદલે હવા નીકળતાં હાઈસ્કૂલ સુધીના વિજ્ઞાનના જ્ઞાને ‘દિલકો બહલાનેકે લિયે ગાલિબી ખયાલ અચ્છે હૈ’વાળી કલ્પના કરાવી કે કાશ બંને નળમાંથી હાઈડ્રોજન અને ઓક્સિજન વાયુઓ નીકળતા હોત તો ઓક્સિજનવાળો અડધો અને હાઈડ્રોજનવાળો પૂરો નળ ખોલીંને ધડાકા સાથે હું પાણી મેળવી શક્યો હોત. લગભગ સવારના સાત અને આઠની વચ્ચે  હંમેશાં આમ જ બનતું હોય છે, કારણ કે હોસ્ટેલના મોટા ભાગના સૂર્યવંશીઓ આ સમયગાળામાં જ સ્નાન કરતા હોઈ ટાંકીનું તળિયું દેખા દેતું હોય છે. સદભાગ્યે હું અર્થસાસ્ત્રની નોટબુક લઈને અંદર ગયો હોઈ પાણી આવ્યું  ત્યાં સુધીમાં મેં મારા વિહંગાવલોકને આજના અર્થશાસ્ત્ર – ૧નું  રિવિઝન કરી લીધું હતું. આમ મારા મુલ્યવાન સમયનો દુર્વ્યય થયો ન હતો, પરંતુ વર્ડ્ઝવર્થની કવિતાની પેલી કડી કે ‘Sweet are the uses of adversity’ ની જેમ મેં સમયનો સદુપયોગ કરી લીધો હતો. ઈતિહાસ – ૧નું પેપર બપોર પછી હોઈ રિસેસનો એક કલાક તેના ઉપર નજર ફેરવી લેવા માટે પૂરતો રહેશે તેમ માનીને ઇતિહાસના પુસ્તકને હું સ્પર્શ્યો પણ ન હતો.

હું એચ.કે. કોલેજનો વિદ્યાર્થી હતો, પણ મારો બેઠક નંબર એચ.એ. કોલેજમાં હતો. મેં દસ વાગે હોસ્ટેલમાં જઈને ઝડપથી જમી લીધું અને તૈયાર થઈને રસ્તા ઉપર જઈ એક ઓટો ઊભી રખાવીને મેં તેને એચ.એ. કોલેજે લઈ જવાનું કહીને મેં મારું વાંચવાનું ચાલુ કરી દીધું. મારા દુર્ભાગ્યે ઓટોવાળાએ મને એચ.એલ.ના દરવાજે ઊભો કરી દીધો. પોણા અગિયાર વાગી ચૂક્યા હતા અને સદભાગ્યે મેં એ ઓટો જતી ન્હોતી કરી.

મેં એને કહ્યું, ‘અરે ભાઈ, આ તો એચ. એલ. કોલેજ છે. જૂઓ ભાઈ, આપણે કોઈ બહસ કરવી નથી કે આપણા બેમાંથી કોની ભૂલ છે, પણ હવે કોઈને પણ પૂછીને તમે જલ્દી મને એચ.એ. કોલેજે પહોંચાડો.

તેણે કહ્યું, ‘મારે એ કોલેજનું કોઈનેય શા માટે પૂછવું પડે? મને ખબર જ છે કે તે લો ગાર્ડન સામે છે. ભલા માણસ, તમે વાંચવાની ધૂનમાં એચ.એલ. કોલેજ જ બોલેલા અને તમને હું અહીં લાવ્યો છું.’

‘મેં તમને કહી જ દીધું છે કે આપણે બહસ કરવી નથી અને મારી પાસે તે માટે સમય પણ નથી. ભાઈ, ઓટો જલ્દી હંકારો. મારી જિંદગીનો અને કેરિયરનો સવાલ છે.’ મેં કહ્યું.

અગિયાર અને દસ મિનિટે હું પરીક્ષાખંડમાં દાખલ થયો અને સુપરવાઈઝરે મને ઉત્તરવહી અને ઇતિહાસનું પ્રશ્નપત્ર આપી દીધું. મેં કહ્યું, ‘અરે સાહેબ, તમારી ભૂલ થાય છે. આજનું પહેલું પેપર તો અર્થશાસ્ત્રનું છે!’ વર્ગમાંના બધા વિદ્યાર્થી ખડખડાટ હસી પડ્યા.

મારી પરીક્ષાના પહેલા જ દિવસે પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવું મારે થયું. ખેર, મેં મારા મષ્તિષ્કની બોધાવસ્થાની ઉપલી સપાટી ઉપર અંકિત થએલી અર્થશાસ્ત્રની અટપટી વ્યાખ્યાઓ અને આંકડાઓની માયાજાળને નીચેના સ્તરે ધકેલીને ઇતિહાસના વાંચનને સજીવન કરવાનો પ્રયત્ન કર્યો. મારા આશ્ચર્ય વચ્ચે સંભવત: સ્વર્ગસ્થ મુરે અને પંડિત સુખલાલજી જેવા ઇતિહાસકારોના આત્માઓએ મારા ચિત્તપ્રદેશ ઉપર એવો જડબેસલાક ચોકીપહેરો ગોઠવી દીધો હતો કે પેલા અર્થશાસ્ત્રના વિચારો માથું ઊંચકી શકે નહિ. આમ સમય પૂરો થવાના બપોરના બે વાગ્યા સુધી હું ઉત્તરવહીમાં કોણ જાણે પણ શુંનું શું લખતો જ રહ્યો. મારા સુપરવાઈઝર વચ્ચે વચ્ચે મારા લખાણને જોવા આવતા હતા અને સ્મિત કરતા કરતા પાછા પોતાની ખુરશીમાં ગોઠવાઈ જતા હતા. તેઓશ્રી થોડીકવાર માટે પોતાની આંખો બંધ કરીને જાણે કે મારા માટે પ્રાર્થના કરતા હોય તેવું મને લાગ્યું હતું. તેમની પ્રાર્થના કદાચ વદ્યસ્તંભ ઉપર સ્થિત એવા ઈસુ ખ્રિસ્તની પ્રાર્થના જેવી હોઈ શકે કે ‘હે સરસ્વતી દેવી, તું તારી સહાયક એવી પરીક્ષાદેવીને આ વિદ્યાર્થી વતી ભલામણ કરી દેજે કે તેણી આ છોકરાને માફ કરી દે, કેમ કે તે શું લખી રહ્યો છે તેની તેને બિચારાને કોઈ ખબર હોય તેવું મને લાગતું નથી!’

દસ મિનિટ પહેલાં સમય પૂરો થવા આવ્યાની ચેતવણીના બે ડંકા પડ્યા ત્યારે તો મેં છેલ્લો પ્રશ્ન લખવો જ શરૂ કર્યો હતો. છેલ્લે આખો ઘંટ પડ્યા પછી પણ સુપરવાઈઝર અને મારી વચ્ચે ખેચંખેચના કારણે ઉત્તરવહી ફાટી ન જાય ત્યાં સુધી તેને પકડી રાખીને લખ્યા જ કર્યું હતું.

ખેર, મારી વધારે કરૂણ દાસ્તાન તો હવે શરૂ થાય છે. વચ્ચે એક કલાકની રિસેસ હતી. ગાર્ડનમાંની ‘Busy Bee’ રેસ્ટોરન્ટમાંની એક કડક મીઠી આખી ચા મારા પેટમાં ઠાલવીને હું બગીચાના એક ખૂણા તરફ ગયો. ત્યાં એક ઝાડના છાંયા નીચે બેસીને મારી અર્થશાસ્ત્રની નોટનાં પાનાં ઊથલાવતો હતો, પણ વહેલી સવારથી હાલ સુધીના મારા છબરડાઓ વિષેના વિચારો મારો પીછો છોડતા ન હતા. મારી વિચારકડીઓને ઉચ્છેદવા માટે મેં બગીચાની લોન ઉપર લંબાવીને સહજ રાજયોગની જેમ મારી ભૃકુટી વચ્ચે મારા ધ્યાનને કેન્દ્રિત કરવાનો પ્રયત્ન કર્યો. હું પરીક્ષાના માનસિક દબાણ હેઠળ હોવા છતાં મારી રાત્રિઓના ઉજાગરાના કારણે કે પછી ગમે તે કારણે હું ચિર નિદ્રામાં પોઢી ગયો હતો. છેક સાંજે લગભગ છએક વાગ્યે બગીચામાં ટહેલવા આવેલાઓના અવાજોના કારણે હું ઝબકીને જાગી ઊઠ્યો. મને કોઈએ કહેવું ન પડ્યું, પણ હું સમજી ગયો હતો હું મારું અર્થશાસ્ત્ર-૧ નું પેપર ગુમાવી બેઠો હતો. જેમ ઢોળાએલા દૂધ અને વેડફાએલા પાણી ઉપર અફસોસ કરવો વ્યર્થ ગણાય, બસ તેમ જ, મેં મારા મનને મનાવી લીધું હતું.

પછી તો હોસ્ટેલે જઈને સરસામાન તૈયાર કરીને વતનના ગામડે ચાલ્યા જવા માટે હું ગીતામંદિર બસ સ્ટેન્ડે થરાદવાળી બસમાં બેસી ગયો હતો. મેં સિદ્ધપુરની ટિકિટ માગી તો મશ્કરા કંડક્ટરે હસતાં હસતાં કહી સંભળાવ્યું કે ‘તમારો આ જ બસમાં સિદ્ધપુર જવાનો આગ્રહ હોય તો માત્ર સોએક રૂપિયાની ટિકિટ થશે અને આવતી કાલે બપોરે તમે સિદ્ધપુર પહોંચી શકશો. મારા ભાઈ, આ તો થરાદ-સુરત બસ છે, નહિ કે સુરત-થરાદ!’

હું કટાણું મોં કરીને બસમાંથી નીચે ઊતરી જઈને બસસ્ટેન્ડના બાંકડે જઈ બેઠો. થોડીવાર પછી શટલિયા જીપગાડીનો કમિશન એજન્ટ આવ્યો, તેણે બસભાડાના ભાવેભાવ બસ કરતાં એકાદ કલાક વહેલો સિદ્ધપુર પહોંચાડી દેવાની લોલીપોપ બતાવીને અને મારો સરસામાન ઊંચકી લઈને  મને રીતસર હાઈજેક જ કરી લીધો હતો. આજનો આખો દિવસ એક એકથી ચઢિયાતા છબરડાઓમાં પસાર થયો હોઈ મને લાગ્યું કે હું ઘરે એકાદ કલાક વહેલો પહોંચી જઈશ અને રાહતનો દમ લઈશ; પણ ના, હજુ સુધી મારી પરેશાનીઓ મારો પીછો છોડવા માગતી ન હતી, કલાકેકની અમારી જીપયાત્રા થઈ હશે અને અમારી જીપગાડીના ટાયરને પંક્ચર થયું. અમને બધાને જીપગાડીમાંથી નીચે ઊતરી જવાનો આદેશ થયો. જીપગાડીના ડ્રાઈવરના સહાયકે ચપટી વગાડતાં કહ્યું કે ટાયર બદલવાનું મારા માટે તો દસ જ મિનિટનું કામ, પણ આ શું? સ્પેર ટાયરમાં હવા જ ન હતી. બીજા મુસાફરો તો એક પછી એક  એમ કરીને નાનાં કે મોટાં વાહનોને રોકતા ગયા અને રવાના થતા રહ્યા. અમારી જીપગાડીમાં ડ્રાઈવર, તેનો સહાયક અને હું એમ ત્રણ જ જણ છેલ્લે વધ્યા હતા. મારી પાસે મારા ગાદલાનો વીંટો હતો અને આ પરિસ્થિતિમાં હું કોઈ બીજું વાહન પકડી શકું તેમ ન હતો. આખરે પેલો સહાયક પંક્ચર પડેલા મૂળ ટાયરને નજીકના હાઈવે ઉપરના કોઈક સ્થળે જઈને  ઠીક કરાવી લાવ્યો. આમ મારી પેલી કહેવાતી એક કલાકની સમયબચત ધોવાઈ ગઈ હતી. લગભગ અડધી રાતે આમ સરસામાન સાથે મને ઘરે આવેલો જોઈને માતાપિતા અને ભાઈભાભી પરેશાન હતાં. મારી ભૂખ મરી ગઈ હોઈ મેં જમવાની ના પાડી દીધી હતી. ‘આમ અચાનક કેમ આવવાનું થયું?’ ના જવાબમાં  તેમને સવારે ખુલાસાવાર વાત કરવાની હૈયાધારણ આપીને મેં પથારીમાં લંબાવ્યું હતું, ત્યારે ભીંતઘડિયાળે રાતના બારના ટકોરા પાડ્યા હતા. એ કાળે હાલની સેમેસ્ટર પદ્ધતિ પ્રચલિત ન હોઈ મારે એક વર્ષ સુધી કૌટુંબિક ખેતીના વ્યવસાયમાં બળદિયાઓનાં પૂંછડાં આમળીને મદદરૂપ થવાનું હતું.

આ છે મારી છબરડાઓની પરંપરાના અપશુકનિયાળ એ એક જ દિવસની કરમકહાણી! હાદની ઉમરાવસભાનાં આપ સૌ વડીલોએ હવે વિચારવાનું રહે છે કે હું મારા ‘છબરડાદાસ’ ઉપનામે  હાદરત્નની પસંદગીને પાત્ર ઠરું છું કે કેમ!

રાજાજી : ભાઈશ્રી છબરદડાદાસજી, મને પેલી ઉક્તિ ક્યાંક વાંચ્યાનું યાદ આવે છે કે ‘ જેની ચા બગડી તેની સવાર બગડી, દાળ બગડી તેનો દિવસ બગડ્યો, પાપડ બગડ્યો તેનો મહિનો બગડ્યો, અથાણું બગડ્યું તેનું વરસ બગડ્યું; પરંતુ જેની સાસુ/વહુ બગડી તેનો જન્મારો બગડ્યો!’ તમારી દાસ્તાન ખરેખર પેલી ‘ચૌબીસ ઘંટે’ જેવી જ બની રહી. કોઈક સરક્યુલર રૂટની બસના પાટિયામાં જેમ લખેલું હોય કે ‘લા.દ.થી લા.દ.’ અથવા ‘પાલનપુરથી પાલનપુર’; બસ, તેવી જ રીતે તમારી ચોવીસ કલાકની દાસ્તાનને પણ ‘રાતના બારથી રાતના બાર સુધી’ તરીકે ઓળખાવી શકાય. ખેર, ઉમરાવસભાનાં ભાઈબહેનો, ભાઈજાન છબરડાદાસને હાદરત્નનું બિરૂદ આપવા તથા તેમને આમસભામાં નિયુક્ત કરવા અંગે આપ સૌનો શો મત છે?

(ઉમરાવસભાના બધા સભ્યો એક અવાજે સ્ટેન્ડીંગ ઓવેશન (Standing ovation) થકી તાળીઓના ગડગડાટ વચ્ચે હાથ ઊંચા કરીને બોલી ઊઠે છે, ‘છબરડાદાસને હાદની આમસભામાં ‘હાદરત્ન’ તરીકે પ્રસ્થાપવામાં આવે છે.’)

Mr. Liar :  આજના અપવાદે હું સાચું બોલું છું અને મારા જોડિયા મિત્ર Mr. Lawyer ને ભલામણ કરું છું કે અમારી આમસભાના અધ્યક્ષ તરીકે મિ. છબરડાદાસને નિયુક્ત કરવામાં આવે, કેમ કે છેવટે જોવા જઈએ તો અમે બંને તો અડધિયાં રત્નો જ કહેવાઈએ ને! આખું રત્ન તો મિ. છબરડાદાસ જ ગણાય! ભાઈશ્રી ‘છદા’ (હાદપ્રણાલિકાએ સંક્ષિપ્ત સંબોધન),  તમને  અધ્યક્ષસ્થાને રહીને પણ છબરડા વાળવાની છૂટ છે, કારણ કે આપણા સાથી Mr. Lawyer તમારા ગમે તેવા છબરડાને પોતાની દલીલો દ્વારા યથાર્થ સાબિત કરી બતાવશે.

Mr. Lawyer : મારા મિત્ર Mr. Liar વડે મૂકવામાં આવેલી મિ. છબરડાદાસને આમસભાના અધ્યક્ષસ્થાને નિયુક્ત કરવાની દરખાસ્તને અનુમોદન આપું છું. વળી, માત્ર એટલું જ નહિ પણ તેઓશ્રી હાલ જ પોતાના હોદ્દાને ગ્રહણ કરવા અધ્યક્ષની ખુરશીમાં બિરાજમાન થાય ત્યાં સુધી કર્ટન કોલ (Curtain Call) રસમે સકળ સભાજનો પોતપોતાના સ્થાને ઊભા થઈ જાય તેવી હું વિનંતી કરું છું. ધન્યવાદ.

ભરતભાઈ પંડ્યા (ભભૈ/હાદરત્નાંક-૪) : ભાઈશ્રી છબરડાદાસને અંગત રીતે હું ખાસ એટલા માટે આવકારું છું કે મારા રમુજી ટુચકાઓ ટાઈપ કરતી વખતે મારાથી પણ જોડણીના છબરડા વળી જતા હોય છે. આમ છબરડા વાળવાના સમાન લક્ષણે અને ‘આવ ભાઈ હરખા, આપણે બેઉ સરખા’ ઉક્તિએ અમે ‘એક ડાલકે પંછી’ જ હોઈ અમારી વચ્ચેના સંબંધો ઠીકઠીક જામશે.

(શ્રીમાન છબરડાદાસ ધૂમ્રપાન માટેના હુક્કાના ધ્વનિની જેમ તાળીઓના ગડગડાટ વચ્ચે અધ્યક્ષની ખુરશી ગ્રહણ કરે છે. છબરડાદાસ પોતે પોતાનો જ  બરડો થાબડતા પોતાની Three – Fold  સિધ્ધિ બદલ ગર્વભરી મુખમુદ્રાએ લોકોનું અભિવાદન ઝીલે છે.)

રાજાજી : આજની આ અસાધારણ સાધારણ સભામાં આમસભાની રત્નસંખ્યા અંગેના બાકી રાખેલા મુદ્દા અન્વયે  ઠરાવ મૂકું છું કે આપણા હાસ્યદરબારની આમસભા માટે આગામી નવીન સુધારો ન કરવામાં આવે ત્યાં સુધી હાદરત્નોની ચૌદની મહત્તમ સંખ્યાને  ઠરાવવામાં આવે. આપણે દેવો અને દાનવોએ કરેલા સમુદ્રમંથનમાંથી પ્રાપ્ત થએલાં ચૌદ રત્નોના આંકને અહીં આપણે સ્વીકારીએ, કેમ કે આપણા હાસ્યદરબાર માટેનાં રત્નો મેળવવા માટે આપણે પણ એવું જ સમુદ્રમંથન નહિ તો મનોમંથન પણ કરવું જ પડશે ને!

(સમગ્ર સાધારણસભા હાથ ઊંચા કરીને આમસભા માટેનાં ચૌદ રત્નોની મહત્તમ સંખ્યાને ગ્રાહ્ય રાખે છે)

મહેન્દ્રભાઈ શાહ (હાદરત્નાંક-૬) : આજની સભાની કાર્યવાહી દરમિયાન ભેદી મૌન ધારણ કરી રહેલા મિ. વલદાને વિનંતી કરું છું કે તેઓશ્રી આજકાલ પોતાની વ્યંગ કવિતાઓ અને હાસ્યહાઈકુઓ દ્વારા અમદાવાદ ખાતે ખૂબ ખીલી રહ્યા હોવાના સમાચાર મળે છે તે મુજબ આજની સભાની સમાપ્તિપૂર્વે વિડિઓ સ્ક્રીને પોતાની કોઈક રચના રજૂ કરીને બધાયનાં દિલ બહલાવે.

વલદા (હાદરત્નાંક-૯) :  તો સાંભળો :

‘હવે ઊઠશો કે?’

(અછાંદસ)

‘હવે ઊઠશો કે?’

ભરનિદ્રાએ હલબલી ઊઠ્યો શ્રીમતી ગર્જને!

’ધરતીકંપ થયો શું?’

’ના, ધરતી ફાટી નથી! ગઈ રાતનું દૂધ ફાટ્યું!’

’તો?’

’તો…શું વળી? ભાગો શેરીનાકે લઈ તપેલી,

લાવી દ્યો દૂધ અડધો લીટર’

‘તપેલી નાની લાવ્યા, સાહેબ,

દઉં ચારસો મિલીલીટર?’

ધનજી દૂધવાળો બોલ્યો.

’ના, ભાઈ, ના

હૂકમ તેણીનો નહિ ઊથાપું.’

’પણ, છલકાશે!’

’ભલે છલકતું, દઈ દે પૂરું તું તારે!’

વાત ખરી પડી, દૂધ છલકતું પ્રત્યેક ડગલે.

’છલકો મા બચુ છલકો મા, મોંઘેરાં તમે!’ વીનવું હું.

પણ, ના માને એ લગીરે!

હવે સહેજ મોટા અવાજે વદું હું,

’ખરીદ્યું તને ચાલીસના ભાવે, મફતિયું નથી તું!’

કોઈ અસર નહિ, એ તો બસ મક્કમ હતું છલકવા!

હવે ક્રોધ મુજ ચરમ સીમાએ અને તાડુકી ઊઠ્યો,

’ક્યારનો વીનવું, છલકો મત, છલકો મત, તો ય તું છલકે!

તો લ્યો ફિર છલકો!’ કહી છલકાવ્યું એને,

બંને હાથોએ તપેલી હલાવી,

જાણે થયો મુજ હસ્તે કંપ!

(અધ્યક્ષસ્થાનેથી સભાસમાપ્તિની ઘોષણા થાય છે.)

– વલીભાઈ મુસા

 

Tags: , , , , , , , , , , , , , , , , ,