RSS

Tag Archives: apple

(૪૯૨) “વેદનાનું વૃક્ષ” પ્રૉફેસર મુકેશ રાવલનાં અંગ્રેજી કાવ્યો – ભાવાનુવાદ અને રસદર્શન (૯)

Pain Tree

The fruits of pain

on every branch,

swinging with the moves

swaying with the limbs

like the apples sway and swing

on Apple Tree.

The apples of pain,

tasty n mouth watering

release balmy fragrance

that senses love boundlessly.

these pains are the fruits

of wisdom.

They realize me every moment

That I am human and hollow,

anyone can put drumsticks on me.

Their sweet bites, strong crackles,

soar stings and mild clatters

are the lessons of life.

They are the memorabilia

of my existence.

-Mukesh Raval

* * * * *

વેદનાનું વૃક્ષ

(અછાંદસ)

વેદનાનાં ફળ –

હર શાખે શાખે,

ઝૂલતાં ને હાલતાં

હાલતાં ને ઝૂમતાં

અંગ અંગ સંગ,

જ્યમ ઝૂલતાં ને ઝૂમતાં

સફરજન નિજ ઝાડવે.

વેદનાનાં ફળ –

લિજ્જતદાર

ને વળી

મુખમાં પાણી લાવે

સૌમ્ય સુગંધ પ્રસારે

સ્નેહ અપાર બતાવે.

આ વેદનાઓ તો

ડહાપણનાં ફળ

જે હર પળે યાદ અપાવે

કે હું માનવ છું ને પોલો પણ,

હરકોઈ દાંડી પીટી શકે મુજ પર !

તેઉનાં મધુરાં બચકાં

ને તીવ્રતર તડતડ ધ્વનિ

સ્વૈરવિહારી ડંખ અને હળવો ખડખડાટ

એ સઘળા છે

જીવનના પાઠો.

એ સઘળાં છે

યાદગાર તથ્યો

મુજ અસ્તિત્વનાં.

– વલીભાઈ મુસા (ભાવાનુવાદક)

* * * * *

રસદર્શન

વિષયવૈવિધ્ય હોય અને વળી વિષયો પણ પાછા કલ્પનાતીત હોય એવાં કાવ્યો આપવામાં માહિર એવા કવિશ્રી મુકેશ રાવલનું આ કાવ્ય પણ વાચકો માટે મનભાવન બની રહે તેમ છે. માનવજીવનમાં પરસ્પર વિરોધી એવી ઘણી બાબતો સમાવિષ્ટ હોય છે; જેવી કે જન્મ-મરણ, અમીરી-ગરીબી, બીમારી-તંદુરસ્તી વગેરે. સ્વાભાવિક છે કે માનવી સુખદ બાબતોથી પ્રસન્નતા અનુભવે અને દુ:ખદ બાબતોથી ગમગીન રહે. જો કે સુખ અને દુ:ખ સાપેક્ષ છે. કોઈ એક જ ઘટના માનવીમાનવીએ રુચિ અને પરિસ્થિતિની વિભિન્નતાના કારણે કોઈને સુખ આપે તો કોઈને દુ:ખ આપે. સુખ તો સૌ કોઈને ગમે, પણ અહીં કવિ દુ:ખને અને દુ:ખની વેદનાને પણ સુખદ હોવા તરીકે સમજાવે છે.

વિલિયમ શેક્સપિયરના એક નાટકમાં અવતરણ છે કે ‘Sweet are the uses of adversities’ અર્થાત્ વિષમ પરિસ્થિતિઓને પણ સુખદ સ્થિતિમાં પરિવર્તિત કરી શકાય છે. અહીં કવિએ ‘વેદના’ને એક વૃક્ષ તરીકે કલ્પીને તેના ઉપર પરિણામ રૂપે બાઝતાં ફળોને સફરજનનાં ફળો સાથે સરખાવ્યાં છે. સફરજનના ઝાડ ઉપર જેમ સફરજન ઝૂલતાં અને ઝૂમતાં હોય તેમ વેદનાના વૃક્ષ ઉપર પણ એવાં જ ફળ ડાળેડાળે હાલતાં, ઝૂલતાં અને ઝૂમતાં કલ્પી શકાય, જો એવો દૃષ્ટિકોણ અપનાવવામાં આવે તો. આ વેદનાનાં ફળ પણ પેલાં સફરજનની જેમ સ્વાદિષ્ટ અને એવી જ સોડમ ફેલાવતાં લાગી શકે.

માનવજીવનની વેદનાઓમાંથી જ ડહાપણ ઉદ્ભવે. પ્રતિકૂળતાઓ અને મુશ્કેલીઓમાંથી આપણે જીવનનું મૂલ્ય સમજી શકીએ. માનવી વેદનાઓમાં જેટલો વધુ પિસાય તેટલો જ વધુ શક્તિશાળી બનીને બહાર આવી શકે અને વિષમ પરિસ્થિતિઓ સામે લડવાનું કૌવત પણ મેળવી શકે. કવિ દુ:ખોને સહજ તરીકે અપનાવી લેવા માટે એક રમૂજી વાત સંભળાવે છે. વેદનાઓમાંથી પ્રાપ્ત થયેલું ડહાપણનું ફળ આપણને માનવી હોવાનો અહેસાસ તો કરાવે છે, પણ સાથેસાથે આપણે પોલા ઢોલ જેવા છીએ એવી વાસ્તવિકતા સ્વીકારી લેવાની વાત પણ સમજાવે છે. પોલા ઢોલ ઉપર સૌ કોઈ દાંડી પીટીને તેને વગાડી લે, બસ તેવું જ માનવીનું પણ હોય છે. માનવી ઉપર પણ આધિ, વ્યાધિ અને ઉપાધિના મારા આવતા જતા હોય છે, કેમ કે એ સૌ પોલું ભાળીને એને સતાવ્યે રાખતાં હોય છે. પરંતુ આપણે એ વિટંબણાઓના ઊજળા પાસાને ધ્યાનમાં લેવું જોઈએ, કેમ કે એ જ વિટંબણાઓ આપણા ચારિત્ર્ય અને મનોબળને મજબૂત બનાવવા માટે પોષણ પણ પૂરું પાડતી હોય છે.

કવિ કાવ્યસમાપને આવવા પહેલાં ગંભીર વાતને એવી સહજ રીતે સમજાવે છે કે જેમ આપણે સફરજનને મધુરાં બચકાં ભરતા હોઈએ અને તે ટાણે થતો તીણો તડતડાટ આપણને આનંદ આપે, તેમ વેદનાના વૃક્ષનાં ફળ પણ આપણને જીવનોપયોગી મધુર પાઠ ભણાવતાં હોય છે. વેદનાનાં આ ફળ આપણા જીવનનાં તથ્યો કે તારણો સમાન છે જે આપણને આપણા અસ્તિત્વનું ભાન કરાવે છે.

ગહન વિચારને સરલ બાનીમાં અભિવ્યક્ત કરતી મર્મસ્પર્શી રચના બદલ કવિશ્રીને અભિનંદન.

-વલીભાઈ મુસા (રસદર્શનકાર)

* * * * *

પ્રો. મુકેશ રાવલનાં સંપર્કસૂત્રો :-

ઈ મેઈલ – Mukesh Raval < rajshlokswarda@gmail.com
મોબાઈલ – ૯૮૭૯૫ ૭૩૮૪૭

પુસ્તક પ્રાપ્તિ :–

“Pots of Urthona” – ISBN 978-93-5070-003-7 મૂલ્ય : રૂ|. ૧૫૦/- (શાંતિ પ્રકાશન, ડી-૧૯/૨૨૦, નંદનવન એપાર્ટમન્ટ, ભાવસાર હૉસ્ટેલ પાસે, નવા વાડજ, અમદાવાદ – ૩૮૦ ૦૧૩

* * * * *

 

Tags: , , , , , ,