RSS

Tag Archives: Basal tears

(609) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન  અને રસદર્શન – ૩૫ (આંશિક ભાગ – ૨) હર એક બાત પે કહતે હો તુમ કિ તૂ ક્યા હૈ (ગ઼ઝલ)  – મિર્ઝા ગ઼ાલિબ વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)

હર એક બાત પે કહતે હો તુમ કિ તૂ ક્યા હૈ (શેર ૩ થી ૬)

 

 

 

 

 

 

યે રશ્ક હૈ કિ વો હોતા હૈ હમ-સુખન તુમ સે
વગર્ના ખ઼ૌફ઼-એ-બદ-આમોજ઼ી-એ-અદૂ ક્યા હૈ (૩)

[રશ્ક= ઈર્ષા; હમ-સુખન= પરસ્પર વાતચીત કરવી; વગર્ના = નહિ તો; અદૂ= શત્રુ, વેરી, હરીફ; ખ઼ૌફ઼= ડર; આમોજ઼ી= ઉશ્કેરણી, ભંભેરણી; ખ઼ૌફ઼-એ-બદ-આમોજ઼ી-એ-અદૂ= દુશ્મનની ખોટી કાનભંભેરણીનો ડર]

કોઈ કથા કે નાટકમાં માત્ર નાયક-નાયિકા જ હોય અને ખલનાયક ન હોય તો તેમાં રસ જામે નહિ. ગ઼ાલિબની  ગ઼ઝલોમાં નામાબર (સંદેશાવાહક) કે પછી માશૂકનો હરીફ ખલનાયક (Villain)ની ભૂમિકા  ભજવતો હોય છે. આમ સાહિત્યિક કૃતિઓમાં રસનિષ્પત્તિ માટે પ્રણયત્રિકોણ મહત્ત્વનો ભાગ ભજવતો હોય છે.

પહેલા મિસરામાં માશૂક માશૂકાને સંબોધીને કહે છે કે ‘વો’ એટલે કે મારો હરીફ તારી સાથે વાતચીત કરે છે તેની મને ઈર્ષા થાય છે. ઈર્ષા થવાનું કારણ એ જ કે માશૂકના નસીબમાં માશૂકા સાથે વાત કરવાનું લખાયું નથી, કેમ કે માશૂકા તેમનાથી દૂર ભાગે છે અને વાત કરવાનો કોઈ મોકો આપતી નથી. આમ પોતે માશૂકા સાથે પ્રણયગોષ્ટિ કરવાથી મહરૂમ (વંચિત) રહી જતા હોય અને પેલો હરીફ છડેચોક તેમની માશૂકા સાથે વાત કરવાનો આનંદ લૂંટી રહ્યો હોય, ત્યારે સ્વાભાવિક છે કે માશૂકને જલન તો થાય જ.

બીજા મિસરામાં માશૂક નિશ્ચિંત હોવાનો કે બહાદુરી દેખાડવાનો દંભ કરે છે, અર્થાત્ શેખી મારે છે કે મારો દુશ્મન તારી કાનભંભેરણી કરશે એવો મને કોઈ ડર નથી. મને વિશ્વાસ છે કે તેની કાનભંભેરણીની તારા ઉપર કોઈ અસર નહિ થાય અને તેથી જ તો એ પ્રકારનો ડર મારા માટે કોઈ વિસાતમાં નથી. અહીં રદીફ ‘ક્યા હૈ’ બરાબર  બંધબેસતો છે અને માશૂકની દંભી બેફિકરાઈના સંદર્ભે પ્રયોજાયો છે.

અહીં બીજા મિસરા સંદર્ભે આ રસદર્શનકાર તેના પઠનને મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણે જુદી રીતે મૂલવે છે. દુશ્મનની કાનભંભેરણી માશૂકા ઉપર કોઈ જ અસર નહિ કરે અને તેને એ પ્રકારનો કોઈ જ ડર નથી એમ જે કહેવાય છે એ માત્ર આશ્વાસન મેળવવા પૂરતો દંભ પણ હોઈ શકે. આ વાતને સમજવા માટે એક ઉદાહરણ લઈએ કે કોઈ મનોમન અંધારાથી ડરનારો માણસ પોતાની ભીરુતા છુપાવવા વારંવાર બોલ્યે જ જાય કે ‘જુઓ, હું કંઈ અંધારાથી ડરું છું?’. બસ, એવો જ કંઈક માશૂકના ઉપરોક્ત  વિધાન પાછળ તેના વિરુદ્ધનો ભાવ પણ હોઈ શકે; કેમ કે પહેલા મિસરામાં હરીફની તેની માશૂકા સાથેની વાતચીત તેનામાં ઈર્ષાનો ભાવ તો જગાડે જ છે. તો પછી એ જ હરીફ કે દુશ્મન તેની માશૂકાને જીતી લેવા માટે માશૂકની વગોવણી કર્યા વગર રહે ખરો! એટલે માશૂક મનમાં તો ડર ધરાવે જ છે કે પેલો પ્રતિસ્પર્ધી જરૂર માશૂકાની કાનભંભેરણી કરશે જ, પણ શાબ્દિક રીતે તો બેફિકરાઈ બતાવવી જ પડે છે; કારણ કે તે માશૂકાની નજરમાં વહેમીલો સાબિત થવા માગતો નથી. જો કે આ રસદર્શનકાર એ સ્પષ્ટતા તો અવશ્ય કરે જ છે કે આ અર્થઘટન તેનું મૌલિક છે અને તે અન્ય મીમાંસકોની મીમાંસાથી સાવ અલગ તો છે જ. હવે ગ઼ઝલપ્રેમીઓ સ્વતંત્ર છે કે તેમણે માશૂકના કયા મનોભાવને સ્વીકાર્ય ગણવો.

* * *

ચિપક રહા હૈ બદન પર લહૂ સે પૈરાહન
હમારે જેબ કો અબ હાજત-એ-રફૂ ક્યા હૈ (૪)

[પૈરાહન= વસ્ત્ર, પહેરણ; જેબ= ખિસ્સું; હાજત-એ-રફૂ = રફૂ કરવાની-તૂણવાની જરૂરિયાત]

સામાન્ય રીતે ઉર્દૂ કવિતામાં લોહી અંતર્ગત વર્ણનો સામાન્ય હોય છે, જે કોઈક સંવેદનશીલ પાઠકોને ઘણીવાર કઠતાં હોય છે; આમ છતાંય આ શેર મૌખિક પ્રસ્તુતિ માટે વજનદાર છે. પહેલા મિસરામાં સાવ સરળ રીતે એમ કહેવાયું છે કે લોહીથી તરબતર પહેરણ શરીર સાથે ચોંટી ગયું છે. અહીં છાતીના ભાગે લોહી નીકળી આવવાના કારણની કલ્પના કરવી રહે છે કે માશૂક પરેશાન હાલતમાં પોતાની છાતીને નહોર ભરીને એવા ઉઝરડા પાડે છે કે પહેરણ પણ લોહીથી ખરડાઈ જાય છે. બીજા મિસરામાં પણ સીધા શબ્દોમાં એમ કહેવાયું છે કે હવે અમારા પહેરણના ખિસ્સાને રફૂ કરવાની શી જરૂર છે. બંને મિસરાને સંયુક્ત રીતે સમજતાં એ નિષ્કર્ષ ઉપર આવી શકાય કે નહોર ભરવાના કારણે ફાટી ગયેલા પહેરણના ખિસ્સાને રફૂ કરવાનો કોઈ મતલબ રહેતો નથી. અહીં શાયરનું ચાતુર્ય સમજવા જેવું છે. પહેરણના ખિસ્સા નીચે હૃદય હોય છે અને એ હૃદય પણ માશૂકાની અવહેલનાના કારણે એવું તો ઘવાયું છે કે ત્યાં પણ લોહીનો અંત:સ્રાવ થયો છે. આમ આંતરિક હૃદય કે બાહ્ય ખિસ્સાને રફૂ કરીને સાંધવાનો કોઈ હેતુ રહેતો નથી. આ કથનને સમજવા માટે  ગંભીર રોગનો ભોગ બનેલા કોઈક દર્દીનું ઉદાહરણ લઈએ. આવો દર્દી પોતાની બીમારીથી એટલો બધો ત્રસ્ત થઈ ગયો હોય કે હવે તે કોઈપણ જાતની સારવાર લેવા ન માગતો હોય. આપણા માશૂક પણ માશૂકાથી એટલા બધા ત્રસ્ત  છે કે હવે તે ‘અબ હાજત-એ-રફૂ ક્યા હૈ’નો ઉદગાર કાઢી બેસે છે અને એ દ્વારા એ હૃદયના ઘાવ રૂઝાવવા કે ખિસ્સાને રફૂ કરવાથી બેપરવાહ રહેવા માગે છે. માશૂકની ત્રસ્તતા આપણને આ ગ઼ઝલના પહેલા જ મત્લા શેરમાં જાણવા મળે છે કે માશૂકા વારંવાર માશૂકને તેની હૈસિયત બતાવવા માટેનો પડકાર ફેંકતો એક જ મહેણાટોણાનો પ્રશ્ન પૂછ્યે રાખે છે ‘તુ ક્યા હૈ?’. આ આકરાં વેણ માશૂકના દિલને ઘાયલ કરે છે અને તેમાંથી જ આ સ્વતંત્ર શેરનો જન્મ થાય છે.

* * *

જલા હૈ જિસ્મ જહાઁ દિલ ભી જલ ગયા હોગા
કુરેદતે હો જો અબ રાખ જુસ્તુજૂ ક્યા હૈ (૫)

[જિસ્મ= શરીર; કુરેદતે= ફંફોસવું, આંગળાં વડે શોધવું; જુસ્તુજૂ= આકાંક્ષા, ઇચ્છા, તલાશ, શોધ]

મુશાયરાની શોભા વધારવા માટે સક્ષમ વધુ એક આ શેર છે. આ શેરની આંતરિક ખૂબીને સમજવા પહેલાં આપણે તેની બાહ્ય ખૂબીને પહેલી અવલોકીએ. શેરના પહેલા મિસરામાં વર્ણાનુપ્રાસ અલંકારમાં ચાર શબ્દોમાં ‘જ’ રણકાર સાંભળવા મળે છે અને વળી બીજા મિસરામાંના ‘જુસ્તજૂ’ શબ્દના ‘જુ’ સાથે તેનો તાલમેલ સધાય છે. આમ આ શેર કર્ણપ્રિય બની રહે છે.

શેરના પહેલા મિસરામાંનું કથન એવી કમનીય રીતે રજૂ થયું છે કે બીજા મિસરામાં શું આવશે તેનો અણસાર સુદ્ધાં પાઠકને થતો નથી. માશૂક માશુકાને મર્મવચન સંભળાવતાં કહે છે કે જ્યાં મારું આખું શરીર બળીને ભસ્મ થઈ ગયું છે, ત્યાં મારું દિલ પણ બળી ગયું હોવું જ જોઈએ. અહીં માશૂકાની અવહેલનાના કારણે યાતનાની આગમાં ઘેરાઈ ગયેલા માશૂકનો આક્રોશ વ્યક્ત થાય છે. જે દિલ માશૂકાને બેહદ ચાહતું હતું તે શરીરની સાથે બળીને નામશેષ થઈ ગયું છે.

બીજા મિસરામાં માશૂકાનો પશ્ચાત્તાપ એ રીતે સમજાય છે કે તેણી રાખના ઢગલામાં આંગળાં ફેરવીને માશૂકના દિલને ઢૂંઢવાનો વ્યર્થ પ્રયત્ન કરે છે. અહીં આપણે થોડોક કલ્પનાનો રંગ ઉમેરવો પડશે કે માશૂક તો દિલ સમેત આખા શરીરથી બળીને ભસ્મ થઈ ગયો છે, તો પછી કેવી રીતે તે માશૂકાને સંબોધીને આ શેરને રટી શકે! તો આમાં આપણે આધ્યત્મિક ફિલોસોફીનો આશરો લઈને માનવું પડશે કે શરીર નાશવંત છે, પણ રૂહ (આત્મા) અમર છે; અને તેથી આ શેર માશૂકાની રાખના ઢગલામાં દિલ શોધવાની ચેષ્ટાને જોઈને માશૂકની રૂહ તેને છેલ્લે મર્મવચન (ટોણો) સંભળાવતાં કહે છે કે ‘જુસ્તુજૂ ક્યા હૈ’  અર્થાત્ ‘મારા દિલની શોધખોળનો હવે શો અર્થ  છે, કે જેના બળી જવા પાછળનું નિમિત્ત માત્ર તો તું જ છે ને!’ ’

* * *

રગોં મેં દૌડ઼તે ફિરને કે હમ નહીં ક઼ાઇલ
જબ આઁખ હી સે ટપકા તો ફિર લહૂ ક્યા હૈ (૬)

[રગ= નસ; ક઼ાઇલ= માનનારું; કબૂલ કરનારું,પ્રભાવિત થનારું; લહૂ= લોહી]

આ શેરના પહેલા મિસરાને સમજવા માટે બીજા મિસરાના ‘લહૂ’ શબ્દને અહીં સાંકળવો પડશે. શેરને સીધી લીટીએ સમજીએ તો માશૂક કહે છે કે પોતાના શરીરની નસોમાં થતા રુધિરાભિસરણ અર્થાત્ લોહીના પરિભ્રમણથી હું જરાય પ્રભાવિત થતો નથી, કેમ કે નસોમાં લોહીનું દોડવું કે ફરવું એ તો દરેક માનવીના શરીરની સર્વસામાન્ય પ્રક્રિયા છે. ખરેખર તો એ લોહી આંસુના વિકલ્પે આંખોમાંથી ટપકે તો જ તેનું મૂલ્ય હું આંકું, અન્યથા શરીરની અંદર જ ફર્યા કરતા લોહીની મારા મનથી કોઈ વિસાત નથી. આ તો આ શેરનો વાચ્યાર્થ થયો ગણાય, પણ તેનો ગૂઢાર્થ તો કંઈક જુદો જ છે.

એ ગૂઢાર્થને સમજાવવા પહેલાં હું રુદન અને તેની સાથે સંલગ્ન આંસુ વિષયક થોડી ચર્ચા કરી લેવા માગું છું. લોકો રડે છે, જ્યારે કે તેઓ ઉદાસ, ભયભીત, ક્રોધિત અને હતાશા કે વેદનામય સ્થિતિમાં હોય; અને વળી કેટલીક વાર તો તેઓ ખુશ હોય ત્યારે પણ રડી પડતા હોય છે. રડવું બધા જ સંવેગોમાં ઉદભવતું હોય છે ટોમ લુત્ઝ (Tom Lutz) નામના જીવવિજ્ઞાની લાક્ષણિકતાઓને અનુલક્ષીને આંસુઓના ત્રણ પ્રકાર આપે છે. (૧) મૂળભૂત (Basal) આંસુ (૨) પ્રત્યાઘાતી (ઈજાના ફલસ્વરૂપ) આંસુ; અને, (૩) લાગણીજન્ય (મનોવૈજ્ઞાનિક કારણથી નિપજતાં) આંસુ.  ઘણીવાર એમ પણ બનતું હોય છે કે રડનાર પોતે પણ પોતાના રુદન ઉપર અંકુશ મૂકી ન શકે, જ્યાં સુધી તેની પ્રસન્નતા કે ગમગીનીનું મૂળભૂત જે કોઈ કારણ હોય તેની અસર સંપૂર્ણપણે તેના મનમાંથી સાવ ભૂંસાઈ ન જાય.

આપણા શેરના માશૂક તેમની માશૂકા તરફથી થતી અવગણનાના કારણે  હતાશામાં એવા તો ઘેરાઈ ગયા છે કે તેઓ લોહીનાં આંસુએ રડવા ઝંખે છે. ‘લોહીનાં આંસુએ રડવું’ એ રૂઢિપ્રયોગ છે અને તે અસહ્ય વેદનાથી દીર્ઘ કાળ સુધી રડ્યે જવાની ક્રિયાને સમજાવે છે. માશૂક શરીરના આંતરિક લોહીના પરિભ્રમણથી અને એ લોહીથી જરાય સંતુષ્ટ નથી. એ લોહી આંખોમાંથી અશ્રુરૂપે ટપકવું જોઈએ એમ તેઓ ઇચ્છે છે. અહીં માશૂક વિષાદની પરાકાષ્ઠામાંથી પસાર થઈ રહ્યા છે અને એમાંથી જલ્દી બહાર નીકળવા માટે ઘેરું રુદન કરી લેવા ઇચ્છે છે. છાનું કે હળવું રુદન તેમની વેદનાને લંબાવશે, જે તેમને માન્ય નથી.

સારાંશે કહીએ તો માશૂક લોહીનાં આંસુએ રડી લઈને ત્વરિત વિષાદમુક્ત થવા માગે છે. ખરે જ ‘ક્યા હૈ’ રદીફના ‘લહૂ’ કાફિયા સાથેના જોડાણની ચમત્કૃતિ મનભાવન બની રહે છે.

* * *

 

મિર્ઝા ગ઼ાલિબ                                                                            (ક્રમશ: ૩)

(ગ઼ઝલ ક્રમાંક – 179)

* * *

ઋણસ્વીકાર :

(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…

(૨) http://www.youtube.com વેબસાઇટનો…

(૩) Aksharamukha : Script Converter http://aksharamukha.appspot.com/converter

(૪) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા

(૫) Courtesy : https://rekhta.org

(૬) યુ-ટ્યુબ/વીડિયોના સહયોગી શ્રી અશોક વૈષ્ણવ

* * *

 

 

Tags: , , ,