Click here to read Gujarati Article with Image & Preamble in English
મારા અગાઉના આર્ટિકલ “As if Mr. Jeff is alive!” (જાણે કે મિ.‘જેફ’ જીવતા જ છે!) ને વાંચ્યા પછી મારા કેટલાક વાંચકોએ મને વિનંતિ કરી કે મિ.‘જેફ’ (જાફરભાઈ) ઉપર ગુજરાત સમાચારમાં શ્રી નસીર ઈસ્માઈલીએ ‘સંવેદનાના સૂર’ શીર્ષકે લખેલા લેખને આ ફલક ઉપર પ્રસિદ્ધ કરવામાં આવે. તદનુસાર, સ્કેન કરેલો સદરહુ લેખ આ પ્રસ્તાવના સંલગ્ને સામેલ છે.
આ તબક્કે હું હેન્રી ફોર્ડ (Henry Ford) ના શબ્દો ટાંકીશ જે આ પ્રમાણે છે કે “ભેગા મળવું એ શરૂઆત છે, ભેગા જળવાઈ રહેવું એ વિકાસ છે અને ભેગા કામ કરવું એ સફળતા છે.” અહીં રજૂ કરવામાં આવનાર લેખ પોતે જ સ્વયં સ્પષ્ટ છે કે કેવી રીતે મારા મિત્ર મિ. જેફ પોતાના ધંધાકીય કાર્યક્ષેત્રમાં સફળ માણસ તરીકે પુરવાર થયા. એ લેખના લેખકે તો એક જ પ્રસંગ વર્ણવ્યો છે, પણ હું તો એવા સેંકડો પ્રસંગોનો સાક્ષી છું કે તેમણે કેવી રીતે પોતાના ગ્રાહકો જાણે કે તેમનાં જ કુટુંબીજનો હોય તેમ તેમના અંગત પ્રશ્નોને ઉકેલી આપ્યા હતા. આ બધું તેઓ એટલા માટે કરી શક્યા હતા કે તેમનું હૃદય માનવતાની લાગણીથી સભર હતું અને તેઓ હંમેશાં બીજાઓને પોતાની જાત કરતાં વધુ અગ્રતા આપતા હતા.
મિ. જેફ હંમેશાં પોતાના ગ્રાહકોને ખૂબ જ સન્માન આપતા હતા. કોઈક ઉદ્ધત ગ્રાહકો હોય તો તેમની સાથે પણ ખૂબ જ નમ્રતાથી વર્તતા હતા અને કદીયે ન તો એવાઓની લાગણીને ઠેસ પહોંચાડતા હતા કે ન તો તેમને અપમાનિત કરતા હતા. તેમનો ‘જવા દો’ વાળો સ્વભાવ કદીયે પોતાના ગ્રાહકો સાથે કોઈ સમસ્યા ઊભી થવા દેતો ન હતો. તેમના આ પ્રકારના વર્તનને સમજવા માટે ખલિલ જિબ્રાનનું એક કથન સાર્થક પુરવાર થશે જે આ પ્રમાણે છે: “કોઈ વ્યક્તિ તમને ઈજા પહોંચાડે, તો કદાચ તેને તમે ભૂલી જશો; પણ જો તમે તેને ઈજા પહોંચાડી, તો તમે તેને હંમેશ માટે યાદ રાખશો જ.” મિ. જેફ પોતાના જીવનના અનુભવો અને પોતે જિંદગીભર જે સંઘર્ષ કર્યો હતો તેમાંથી ઘણું શીખ્યા હતા અને તે રીતે તેમણે પોતાની જાતને ઘડી હતી. એમનો પોતાના અને અન્યોના જીવન વિષેનો દૃષ્ટિકોણ હંમેશાં હકારાત્મક અને આત્મવિશ્વાસપૂર્ણ રહ્યો હતો.
મિ. જેફનો નશ્વર દેહ કબરમાં છે, તેમનો આત્મા (રૂહ) જન્નતમાં છે; પણ તેમની મધુર યાદો એમની સાથે કોઈપણ સંબંધે સંપર્કમાં આવનાર તમામ લોકોનાં દિલોદિમાગમાં હંમેશ માટે જીવંત રહેશે.
આપણે ઈશ્વરને પ્રાર્થીએ કે તેમના આત્માને જન્નતમાં ઉચ્ચતમ દરજ્જો નસીબ થાય.
સહૃદયતાસહ,
વલીભાઈ મુસા
(પ્રસ્તાવનાલેખક અને અનુવાદક)
[…] ક્રમશ: (7) […]