Click here to read in English
થોડાક મહિના પહેલાં કોઈક વેબસાઈટ ઉપરની ગરમાગરમ સમાચાર કોલમે મને પ્રોત્સાહિત કર્યો હતો કે મારે ઉપરોક્ત વિષયે કંઈક લખવું અને એ કામે હવે હું અહીં ઉપસ્થિત છું. આગળ વધવા પહેલાં ઉપરોક્ત સમાચારને સંક્ષિપ્તમાં ધ્યાનાકર્ષિત કરવાની છૂટ લઉં છું. એક ૪૪ વર્ષીય ટી.વી. અને ફિલ્મ કલાકાર ચાર્લિ શીન (Charlie Sheen)ની તા.૨૫-૧૨-૨૦૦૯ ના રોજ તેની પત્ની બ્રૂક મ્યુલર (Brooke Mueller)ની US પોલીસને ૯૧૧ નંબરના ફોન ઉપરની ફરિયાદને આધારિત ધરપકડ કરવામાં આવી હતી, જેમાં તેણીના ઉપર શારીરિક હૂમલો કરવાનો તેના ઉપર આરોપ મૂકવામાં આવ્યો હતો. ચાર્લિ શીનને ઘરેલુ હિંસા આચરવાના દોષારોપણના મુદ્દે નાતાલનો મોટા ભાગનો દિવસ જેલની કોટડીમાં ગાળવો પડ્યો હતો. મ્યુલરનો આક્ષેપ હતો કે જ્યારે તેણીએ ચાર્લિને પોતાને છૂટાછેડા જોઈએ છે તેવું કહેતાં તેણે ચપ્પુ ઘૂમાવીને પોતાને મારી નાખવાની ધમકી આપી હતી. તેણીના કથન મુજબ ચાર્લિએ કહ્યું હતું કે, ‘તું ભયના ઓથાર હેઠળ જ રહે તે જ ઉત્તમ છે. વળી આ વાત જો તું કોઈને કહીશ, તો હું તને મારી નાખીશ.’
પ્રતિષ્ઠિત વ્યક્તિઓના જીવનમાં ઘટેલી ઘટનાઓ સમાચાર માધ્યમોની મથાળાની મુખ્ય લીટીઓ બનતી હોય છે, પણ સામાન્ય માણસોના જીવનની આવી ઘટનાઓ મહત્વની અને નોંધપાત્ર હોવા છતાંય તેમના તરફ ધ્યાન સુદ્ધાં આપવામાં આવતું નથી હોતું. દાંપત્યજીવનની અપમાનજનક સ્થિતિ એ વિશ્વવ્યાપી સમસ્યા છે કે જે ભિન્નભિન્ન સંસ્કૃતિઓમાં વ્યાપ્ત હોઈ દુનિયાભરની મોટાભાગની સ્ત્રી-વસ્તીને તે સ્પર્શે છે. છેલ્લા કેટલાક દસકાઓથી પત્નીઓ પ્રત્યેનો તિરસ્કૃત વ્યવહાર એ સામાજિક સમસ્યા તરીકે ઓળખાવા માંડ્યો છે અને ઘણા બધા દેશોની સ્ત્રીઓ પતિઓ દ્વારા આચરાતા આવા જંગાલિયતભર્યા કૃત્યને નિર્મૂળ કરવા અથવા તેમાં બદલાવ લાવવા સંગઠિત થઈને પોતાનો અવાજ ઊઠાવી રહી છે. પેલા નિષ્ઠુર પતિઓ પીડાદાયી મારઝૂડ, ધમકીઓ અને વિવિધ ફોજદારી ગુનાહિત કૃત્યો દ્વારા પત્નીઓને ત્રાસ આપતા હોય છે. આવી દુ:ખી સ્ત્રીઓ હરપળે પોતાની જિંદગીની અસલામતીના ભય હેઠળ જીવતી હોય છે. શાબ્દિક અપમાનો (મહેણાંટોણાં), ધમકીઓ અને શારીરિક ઈજાઓ રોજિંદી ઘટનાઓ હોવા ઉપરાંત આવી પરિસ્થિતિને લાંબા સમય સુધી ખેંચ્યે રાખવાથી કેટલાક કિસ્સાઓમાં તો પોતાની જિંદગીથી હાથ ધોઈ નાખવાની સ્થિતિ પણ સર્જાતી હોય છે. દાંપત્યપીડનને કૌટુંબિક અંગત કે ઘરેલુ મામલો સમજવામાં આવતો હોવાના કારણે આવી પીડિત સ્ત્રીઓ મિત્રો, કુટુંબીજનો કે સત્તાવાળાઓ તરફથી કોઈ મદદ કે સહકાર મેળવી શકતી નથી કે જે થકી તેમના ઉપર થતો અત્યાચાર કાં તો બંધ થાય કે પછી એવા જીવનસાથીથી પોતે કાયમી છૂટકારો પામી શકે.
[…] ક્રમશ: (7) […]