RSS

Tag Archives: Early Times

Image

(૫૨૮) બધા જ ડોક્ટર નાણાંભૂખ્યા નથી હોતા -અનુવાદ (Not All Doctors Money Hungry)

Click here to read in English

મારા અગાઉના લેખ “જેનો અંત સારો, તેનું સઘળું સારું – All’s well that ends well”માં ઉપરોક્ત શીર્ષકવાળા ન્યુઝ રિપોર્ટનો ઉલ્લેખ કર્યો હતો. જ્યારે ડો. અલીમહંમદ મુસા હયાત હતા અને ઘણાં વર્ષોના તેમના અભ્યાસ અને અનુભવ પછી જ્યારે એમની પ્રાઈવેટ પ્રેક્ટિસ પૂરબહારમાં ધમધમી રહી હતી, ત્યારે સદરહુ રિપોર્ટ અગ્રગણય દૈનિક સમાચારપત્ર એવા “Early Times”માં પ્રસિદ્ધ થયો હતો.

“આપણે જ્યાં રહીએ છીએ – Where We Live” એવી “Early Times” અખબારની કોલમ હેઠળ સ્ટાફ રિપોર્ટર મિ. રોન ગોવર (Mr. Ron Gower) દ્વારા નીચે પ્રમાણેનું તેમનું દૃષ્ટિબિંદુ/મંતવ્ય રજૂ થયું હતું :

જ્યારે પ્રમુખશ્રી અને હિલેરી ક્લિન્ટને આરોગ્ય કાળજીની સુધારણા ઉપર ભાર મૂક્યો ત્યારે મારા મનમાં અનેક વિચારો ઉદ્ભવ્યા કે એવું શું કરવામાં આવે કે આરોગ્ય જાળવણીનું ખર્ચ ઓછું આવે. આરોગ્ય સેવાઓના ઊંચા ખર્ચનો મુદ્દો એ મારો હંમેશ માટે અને આજે પણ મુખ્ય વિષય જ રહ્યો છે કે કોઈપણ રીતે આ ખર્ચ અંકુશમાં આવવું જ જોઈએ.

આ એક હકીકત છે કે ઘણા ડોકટરો ઓછામાં ઓછું કામ કરીને દર્દી પાસેથી વધુમાં વધુ નાણાં વસુલતા હોય છે. ઘણા લોકો એવું કહેતા સાંભળવા મળે છે કે કેવી રીતે હોસ્પિટલોમાં તેમનો મૂલ્યવાન સમય વેડફાયો અને ડોક્ટરોએ કેવી રીતે દરવાજામાં માત્ર ડોકિયું કરીને તેમની પાસેથી તગડી ફી વસુલ કરી લીધી.

એક વખત હું મારા કુટુંબના એક સભ્યને એલન ટાઉનના એક સ્પેશ્યાલિસ્ટ ડોક્ટર પાસે લઈ ગયો હતો. અમે વેઈટીંગ રૂમમાં બે કલાક સુધી રાહ જોઈ. છેવટે સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરે તેણીના કાનમાં એક નજર નાખી, પછી બીજા કાનમાં બેત્રણ મિનિટ સુધી કંઈક તપાસ કરી અને અમારી પાસેથી ૧૨૫ ડોલર પડાવી લીધા. એક વખતે હું મારા સસરાને ઈમરજન્સી સારવાર માટે હોસ્પિટલે લઈ ગયો હતો. તેમનો પગ ખૂબ જ સૂઝી ગયો હતો. ડોકટરે અમને ઠપકો આપ્યો કે અમે કેવી મામુલી તકલીફ માટે દર્દીને સારવાર માટે લાવ્યા છીએ. અમે બીજા ડોક્ટરની માગણી કરી અને એ કેસમાં ગેંગ્રીન (હાડકામાંનો સડો)ની ગંભીર બીમારીનું નિદાન થયું હતું.

આ તો એક તરફની વાત થઈ, પરંતુ બીજી તરફ જોઈએ તો મેડિકલના ક્ષેત્રમાં કેટલાક મહાન ડોક્ટરો પણ છે અને તેમાંના કેટલાક અમારા એરિઆમાં પણ છે. આ એવા ડોક્ટરો છે કે જે જેઓ દર્દીની સારી કાળજી લે છે, દર્દી સાથે વિવેક અને સહાનુભૂતિથી વર્તે છે. તેઓ ધીરજપૂર્વક અને શાંતિથી દર્દીને તપાસતા હોય છે, પ્રમાણિક હોય છે અને એ લોકો એવો વ્યાજબી ચાર્જ લેતા હોય છે કે જેનાથી બિલ મેળવતી વખતે દર્દીને હૃદયરોગનો હુમલો ન આવે! એ તો દેખીતું જ છે કે અમે અમારા એરીઆના બધા જ ડોકટરોને ન જ મળ્યા હોઈએ અને તેથી જ તો અમે જે કોઈને મળ્યા છીએ તેમના સાથેના અમારા પ્રથમ જ અનુભવ અંગે અત્રે કંઈક લખીએ છીએ.

આવા ભલા ડોક્ટરો પૈકીના એક કે જેમના પ્રત્યે અમને ખૂબ માન છે અને તે છે પામરટનના ડોક્ટર અલીમહંમદ મુસા. તેમણે અમારા કુટુંબના થોડાક જ સભ્યોની સારવાર કરી છે જેમાંના કેટલાક ગંભીર બીમારીના ભોગ બનેલા હતા. કેટલીકવાર તેમણે અમારા દર્દીને અન્ય સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરોના ત્યાં મોકલ્યા છે કે જેઓ કદીય ડો. મુસાને મળેલા પણ ન હોય અને છતાંય તેમને તેમના વિષે ઊંચો અભિપ્રાય આપવો જ પડે કે તેમણે દર્દીને જે પ્રાથમિક સારવાર આપી હતી તે ઉત્તમ પ્રકારની હતી.

તાજેતરમાં જ મારા સસરા અવસાન પામ્યા. ડો. મુસાએ તેમના ફિઝિશ્યન તરીકે લગભગ દસેક વર્ષ સુધી તેમની સારવાર કરી હતી. મારા સસરાને બંને પગે ગેંગ્રીન ઉપરાંત ઘણી બધી ગંભીર સમસ્યાઓ હતી. તેમને કેટલાક હૃદયરોગના હુમલા પણ આવી ચૂક્યા હતા. તેમની ધમનીઓ અને ફેફસાંમાં સોજા પણ હતા. ડો. મુસાએ તેમની સારવાર કરવામાં કદીય પાછી પાની કરી ન હતી. તેમણે ડેવિડના મરતાં દમ સુધી તેમને સાજા કરવા માટે ભારેમાં ભારે ઈન્જેક્શનો આપીને ખૂબ જ જહેમત ઊઠાવી હતી. ઘણીવાર તેમના માટે તે સુપર સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરોને પણ બોલાવતા અને તેમની રોજબરોજની સુશ્રૂષા માટે પામરટન હોસ્પિટલની પરિચારિકાઓની પણ તેઓ સેવાઓ લેતા હતા.

ઘણીવાર તો અમારે ડો. મુસાને હોસ્પિટલમાં મળવાનું ન બન્યું હોય તેવા સંજોગોમાં પણ તેઓ નિયમિત રીતે ફોન દ્વારા દર્દીની તત્કાલીન પરિસ્થિતિની અમને જાણ કરતા હતા. એક મધ્યરાત્રીએ ડેવિડની જીવનલીલા સમાપ્ત થઈ. પછીની જ સવારે ડો. મુસાનો દિલગીરી દર્શાવતો ફોન આવી ગયો અને એમણે અમને સહાનુભૂતિ કાર્ડ પણ મોકલ્યું.

ડો. મુસા સાથે અમારે કોઈ અંગત કે સામાજિક મૈત્રીના સંબંધો ન હતા, સંબંધો હતા તો માત્ર અમારા ડોક્ટર તરીકેના વ્યાવસાયિક સંબંધો. આમ છતાંય માત્ર ધંધાકીય સંબંધોથી પણ આગળ વધીને તેમણે અમને તેમના વિષે એમ વિચારવાની ફરજ પાડી કે ખરે જ અમે માવજતની આત્મીય લાગણી ધરાવતી એક વ્યક્તિ સાથે કામ પાર પાડી રહ્યા છીએ અને અમને ચોક્કસ ખાત્રી હતી કે તેમ જ હતું.”

આગળ જતાં, ઉપરોક્ત અહેવાલ(Reporting)માં કોલમ-લેખકે પોતાના વ્યવસાયને સમર્પિત એવા કેટલાક ડોક્ટરનો ઉલ્લેખ કર્યો હતો. એ બધા ડોક્ટરો હતા : ફિઝિશ્યન ડો. માર્વિન સિન્ડર, સર્જન ડો. ઓર્લાન્ડો આસો, ફિઝિશ્યન ડો. જ્હોન સ્ટીલ, ત્વચારોગ નિષ્ણાતો અનુક્રમે ડો. ટેરી રોબિન્સ અને ડો. સુસાન કુક્રીર્ક.

છેલ્લે મિ. ગોવર પોતાના અહેવાલનું આ શબ્દોમાં સમાપન કરે છે : “જ્યારે રાષ્ટ્રીય આરોગ્ય સંભાળની સુધારણા માટેનાં પગલાં લેવાની વિચારણા કરવામાં આવે ત્યારે અત્રે ઉલ્લેખાયેલા વ્યાવસાયિકોનાં સલાહસૂચન લેવામાં આવે તો તે ઉત્તમ કાર્ય લેખાશે.”

મારા ભલા વાચકો, અત્રે આ લેખ પૂર્ણ થાય છે. હવે આપણે મારા હવે પછીના આખરી લેખ “મરહુમ ડો. મુસા, એક તબીબ કદીય નહિ ભુલાય (Dr. Musa, a Physician will be missed) એવા ડો. મુસાના જીવન ઉપર મૃત્યુ રૂપી પડેલા આખરી પરદાને વર્ણવતા દુ:ખદ લેખ સાથે મળીશું.

-વલીભાઈ મુસા
(તા. ૨૨-૦૫-૨૦૦૭)

સૌજન્ય (Courtesy) : “Early Times” (USA)

(Translated from English version titled as “Not All Doctors Money Hungry” published on May 22, 2007)

 

Tags: , , ,