RSS

Tag Archives: Fishpond day

(૪૮૦) મારો જન્મદિવસ – તિર્યક (તિરછી) નજરે

મારા આગલા જન્મદિવસ નિમિત્તે લખાયેલા લેખ “મારો જન્મદિવસ – નવી નજરે” ઉપર એક નજર નાખી આવીને આજે મારા આજના ૭૪મા જન્મદિવસે ‘કંઈક’ લખવા જઈ રહ્યો છું, ત્યારે આ લેખનું શીર્ષક તો ઉપર મુજબ સહજ રીતે પહેલું જ લખાઈ જાય છે અને ‘કંઈક’ જે લખવાનું છે તે તો હવે આવી રહ્યું છે. તિર્યક, તિરછી, ત્રાંસી કે બાડી આંખ (Crossed eye) એ આંગિક ક્ષતિ ગણાય છે, પણ અહીં  તિર્યક (તિરછી) નજરે જોવાની વાત છે. હું મારા ૭૩મા જન્મદિવસને અવલોકવા માટેની મારી એ ‘નવી નજર’ને અહીં સહેજ તિરછી કરીને મારા આજના જન્મદિવસને અવલોકીશ. આપ્તજનોને, સ્નેહીજનોને, મિત્રવૃંદને અને બ્લૉગવાચકોને વળી લાગશે કે આ તે વળી કેવી તિરછી નજર હશે અને એ તિરછી નજરે શું અવલોકાશે. તો મિત્રો, એ જાણવા માટે આપ સોએ આગળ વાંચવું જ રહ્યું.

વેદકાલીન ઋષિમુનિઓ આશ્રમનિવાસી છાત્રોને ‘દીર્ઘાયુષ્યમાન ભવ:’ કે ‘શતં જીવેમ શરદ:’ જેવા શબ્દોએ આશીર્વાદ આપતા, જેમાં ‘દીર્ઘ’ શબ્દ તો મોઘમ ગણાય અને તેથી તેમાં નિશ્ચિત વર્ષોનું આયુષ્ય ન સમજાય; પરંતુ ‘શતં જીવેમ શરદ:’માં તો નિશ્ચિત સો શરદ ઋતુઓ સુધીનો જીવિતકાલ અભિપ્રેત છે જ. આમ આનો મતલબ એમ સમજવો રહ્યો કે એ કાળે વધુમાં વધુ સો વર્ષનું આયુષ્ય પર્યાપત ગણાતું હશે અને એનાથી વધારે લાંબું આયુષ્ય જીવનાર અને જીવનારને સંલગ્ન લોકો માટે એ મોજ ન રહેતાં બોજ બની જતું હશે. એવું દીર્ઘ આયુષ્ય ભલે સંખ્યાત્મ્ક (Quantitative) રીતે આકર્ષક અને નવાઈ પમાડનાર લાગે, પણ તેને ગુણાત્મક (Qualitative) રીતે જોતાં નાપસંદ જ કરવું ઘટે.

ભારતીય મુખ્ય ત્રણ ઋતુઓ શિયાળો, ઉનાળો અને ચોમાસુ; એમ વળી પ્રત્યેકની બે પેટા ઋતુઓ અનુક્રમે હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ તરીકે ઓળખાય છે. હેમંત એ ગુલાબી ઠંડીની ઋતુ ગણાય, વસંતને ઋતુરાજનું બિરૂદ અપાય તો વર્ષાને વળી જીવનદાયિની તરીકે ઓળખવામાં આવે. આમ આ ત્રણેય પેટાઋતુઓને તેમની અનુગામી ઋતુ કરતાં ચઢિયાતી ગણવામાં આવે છે અને તેની પાછળનો તર્ક આ પ્રમાણે હોઈ શકે. હેમંતની ઠંડી સહ્ય હોય, જ્યારે શિશિરની ઠંડી હાડકાંને પણ ધ્રૂજાવી નાખે; વસંત ફૂલોની ઋતુના કારણે અહ્લાદક લાગે, જ્યારે ગ્રીષમમાં માથું ફોડી નાખતી ગરમી હોય; અને, વર્ષામાં અમૃતશો વરસાદ વરસતો હોય, જ્યારે શરદ તો આયુર્વેદની દૃષ્ટિએ રોગોની માતા ગણાય. હવે આપણે પેલા ઋષિમુનિઓની સો શરદ સુધી જીવવાના આશીર્વાદની વાતના રહસ્યને એ અર્થમાં પામી શકીએ કે શરદ ઋતુના રોગોમાંથી માણસ બચી જઈને એ ઋતુને હેમખેમ પાર પાડે તો ભયો ભયો ! આમ ભારતીય ઋતુચક્ર પ્રમાણે શરદ ઋતુનો છેલ્લો દિવસ એ જોખમી તબક્કાનો અંતિમ દિવસ ગણાય અને જે જણ જીવી ગયો તેણે જાણે કે નવજીવન પ્રાપ્ત કરી લીધું. અહીં એક તર્ક લડાવી શકાય કે આ નવજીવનની ખુશીમાં જ કદાચ દિવાળીના તહેવારો ઊજવવામાં આવતા હશે અને દિવાળીની રાત્રે ફટાકડા પણ ફોડવામાં આવતા હશે !

ભૂમિતિના વિષયમાં જે તે પ્રમેય સિદ્ધ થવાના અંતે ‘ઇતિ સિદ્ધમ’ લખવામાં આવે તેમ અહીં એ વાત સિદ્ધ થાય છે કે દિવાળી પછીના નૂતન વર્ષનો હેમંતનો પહેલો દિવસ એ પ્રત્યેક જીવિત ભારતીયનો જન્મદિવસ ગણાવો જોઈએ ! આ હેમંત ઋતુ સૂર્યના વૃશ્ચિક રાશિમાં પ્રવેશથી શરૂ થાય છે અને ધન રાશિની સમાપ્તિએ અંત પામે છે કે જે સામાન્યત: નવેમ્બરના મધ્યભાગથી જાન્યુઆરીના મધ્ય ભાગ સુધીની ગણાય. હેમંતની આહ્લાદકતાને કલાપીના ‘ગ્રામમાતા’ ખંડકાવ્યના પ્રારંભની આ પંક્તિઓથી માણી લઈએ.

ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમન્તનો પૂર્વમાં,
ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ, દીસતી એકે નથી વાદળી;
ઠંડો હિમભર્યો વહે અનિલ શો, ઉત્સાહને પ્રેરતો,
જે ઉત્સાહ ભરી દીસે શુક ઊડી ગાતાં, મીઠાં ગીતડાં !

સાંપ્રતકાલીન ચિંતનાત્મક લલિત નિબંધોમાં રેવ. ફાધર વાલિસના જેવો દબદબો જેમનાં લખાણોમાં વર્તાય છે એવા શ્રી કૃષ્ણકાંત ઉનડકટના “ચાલો, આપણે આપણો એક ‘ડે’ ઊજવીએ” નિબંધમાં તો એમણે દરેક વ્યક્તિને વર્ષના કોઈપણ એક દિવસને ‘માય ડે’ તરીકે ઊજવવાની સલાહ આપી છે, કે જે દિવસ પોતાની મરજી મુજબ જીવવાનો હોય; પરંતુ અહીં તો હું ‘બર્થ ડે’ને જ ‘માય ડે’ તરીકે ઊજવવાની વાત કરી રહ્યો છું અને એ ‘બર્થ ડે’ પણ આપણો વ્યક્તિગત નહિ, પરંતુ આપણા સૌ ભારતીયોનો સહિયારો એ એક જ દિવસ  યાને કે નવીન વર્ષની હેમંત ઋતુનો પહેલો દિવસ. બેંકો, વીમા કંપનીઓ અને એવાં કેટલાંય ખાનગી સાહસોનું જેમ રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું છે, એમ ભારતના પ્રત્યેક નાગરિકના જન્મદિવસોનું પણ રાષ્ટ્રીયકરણ અર્થાત્ સામાન્યીકરણ કરી નાખીને હેમંતના પહેલા દિવસને ‘અવર ડે’ તરીકે ઊજવવામાં આવે તો જન્મદિવસોની ઉજવણીઓનું બિન ઉત્પાદક એવું કેટલું બધું ખર્ચ બચી જાય ! જો કે ‘દિલકો બહલાનેકે લિયે ગ઼ાલિબી ખયાલ અચ્છે હૈ’વાળી આ તો એક વાત થાય છે, આમ છતાંય પોતપોતાનાં પરિવારોના તમામ સભ્યો પૂરતો આ પ્રયોગ અમલમાં મુકાય તો જરાય ખોટું નથી. વળી કોલેજોમાં ઉજવાતા ‘Fishpond Day’ની જેમ આબાલવૃદ્ધ સૌ કુટુંબીજનો આ ‘અવર ડે’ પૂરતાં મોકળા મને એકબીજાં સાથે હળેમળે અને આમોદપ્રમોદ કરી લે તો આખુંય વર્ષ તનાવમુક્ત પસાર થાય અને ઘણી કૌટુંબિક સમસ્યાઓ હલ પણ થઈ શકે.

અમારા બહોળા પરિવારમાં ‘પાશેરામાં પહેલી પૂણી’ના ન્યાયે જે તે મહિનામાં આવતા તમામ સભ્યોના જન્મદિવસો એક સાથે અને કોઈ એક દિવસની નજીકના રવિવારે ઊજવવાનો નિર્ણય લેવાઈ ચૂક્યો છે. કહેવાય છે ને કે કોઈ શુભ વિચારને અમલમાં મૂકવાનું કાર્ય પોતાનાથી જ શરૂ થવું જોઈએ.

આશાવાદી છું કે ‘જન્મદિવસોની ઊજવણીઓ’નો આ નવતર ખ્યાલ મારા સુજ્ઞ વાચકો સુધી પહોંચ્યા સિવાય રહેશે નહિ.

ધન્યવાદ.

-વલીભાઈ મુસા

(નોંધ :- ‘Face Book’ ઉપર શુભચિંતકોના શુભ સંદેશાઓના મારા પ્રત્યુત્તરમાં આ લેખની જાહેરાત થઈ ગઈ હોઈ સમયના અભાવે હું આને વિસ્તારી શકતો નથી અને યથાવત્ મૂકવા બદલ દિલગીરી વ્યક્ત કરું છું. જન્મદિવસોની ઊજવણીઓ પાછળની ફિલસુફીને જાણવા માટે મારા ગયા વર્ષના લેખ “મારો જન્મદિવસ – નવી નજરે”ને નીચે આપેલા લિંકે વાંચવાની ખાસ ભલામણ કરવાનાં આવે છે.)

જન્મદિવસને અનુલક્ષીને આનુષંગિક મારા લેખો :

(1) “Customary celebrations of birthdays”

(૨) “પ્રણાલિકાગત જન્મદિવસોની ઊજવણીઓ”

(૩) “મારી કલમે હું”

(૪) મારો જન્મદિવસ – નવી નજર્રે

 

 

Tags: , , , , , , , , , , , ,