RSS

Tag Archives: forehead

(૪૭૫) “પિયુ પરણ્યાની રાતડી પહેલી” :પ્રૉફેસર મુકેશ રાવલનાં અંગ્રેજી કાવ્યો – ભાવાનુવાદ અને રસદર્શન (૬) 

The Wedding Night

The Luna
with all its celestial light,
poured from the sky the magic white,
on the newly wedded bride.

The cool breeze on terrace
played with her locks
like the wind playing with water.
The chill fondled on her face
as surfs do gently shatter.

Suddenly
a sonic boom
a mild heart quake,
fission in the blood cells,
as she travelled fast into the past.
The dead leaves from old books
suddenly became green.

The ancestral bangles on the hand
identified the anguish of blood within.
Her obedient heart hurriedly
shut the lids of grave.
The cunning mind assessed
the agony to be borne.

Confused she stared
like a drowning ship in the storm.
The past merged into the present,
memories compromised with reality.
A cloud veiled the moon.

Darkness transformed her into night
a wedding night
the sun on her forehead rose at the midnight.

      – Mukesh Raval
        (Pots of Urthona)

    * * * * *   

પિયુ પરણ્યાની રાતડી પહેલી

ચાંદલિયો
નિજ દિવ્ય પ્રકાશ થકી,
વેરી રહ્યો હતો મદહોશ ચાંદની નભમંડલેથી
એ નવવધૂ ઉપરે.

શીત પવન તણી હળવી લહેર
અગાશી સ્થિત તેઉના વાળની લટ સંગ કરે ક્રિડા
જ્યમ વાયુ ખેલતો જલસપાટી ઉપરે.

ઠંડીય વળી તેના વદનને લાડ લડવતી
જ્યમ મોજાં દરિયા કેરાં હળવેકથી આલિંગતાં એકમેકને.

અચાનક
વેગીલા વિમાન તણી ઘડઘડાટી. ઊઠતી
અને ચિરાડો પડતી રક્તપેશીઓ મહીં,
જગાવે ઉરે ધ્રૂજારી પણ હળવી,
ને ડૂબકી લગાવતી એ ભૂતકાળની ભીતરે.

નિજ જીવનકિતાબ મહીંનાં એ શુષ્ક પર્ણો
થાયે હરિત સાવ એ અચાનક.

વંશાનુગત પ્રાપ્ય નિજ કરકંકણ
પામી ગયાં ધબકતા રુધિર તણી આંતરવેદનાને.
કહ્યાગરા નિજ હૃદયે ત્વરાએ
કર્યાં બંધ ઢાંકણ દફનાયેલ યાદો તણી એ કબરનાં.

ખંધા ચિત્તે વળી કળી લીધા
આગામી જીવનસંઘર્ષો અનુકૂલન તણા.
વ્યાકુળ નયને જોતી જ રહી એ
તોફાન મહીં બૂડતા વહાણની જેમ.
કિંતુ ભૂત-વર્તમાન થયાં એકાકાર
ને સ્મૃતિઓએ વાસ્તવિકતા સાથે સાધી સમજૂતી.

વાદળે લપેટ્યો ચાંદને,
અંધકાર પલટાયો રાત્રિ મહીં
ને બની ગઈ એ મધુરજની.

અહો ! કેવો ઝળહળી ઊઠ્યો લાલ રવિ
ભાલપ્રદેશે મધ્યરાતે !

               * * * * *

     – મુકેશ રાવલ (Pots of Urthona/કલ્પનાનાં પાત્રો)
– વલીભાઈ મુસા (ભાવાનુવાદક)

રસદર્શન:

આપણે આ કાવ્યના રસદર્શને આગળ વધીએ તે પહેલાં ‘રસદર્શન’ અને ‘વિવેચન’ શબ્દોને થોડાક સમજી લઈએ. અંગ્રેજીમાં આ બંને શબ્દો માટે અનુક્રમે ‘Exposition’ અને ‘Criticism’ શબ્દો છે. ‘રસદર્શન’માં જે તે કાવ્યમાં જે કંઈ નિરુપાયું છે તેને ખુલ્લું કરવામાં આવતું હોય છે અને તેમાંના રસતત્ત્વને ઉજાગર કરવામાં આવતું હોય છે; જ્યારે ‘વિવેચન’માં રસદર્શન તો હોય જ છે, પણ વિશેષમાં કાવ્યમાંના ગુણ અને દોષ બંનેની ચર્ચા પણ થતી હોય છે અને તેથી તે થોડુંક વિશ્લેષણાત્મક બની રહે છે.

અહીં તો આપણે મુકેશભાઈના આ કાવ્યનું રસદર્શન જ માણીશુ અને હું ઇચ્છું તોયે તેનું વિવેચન તો નહિ જ કરી શકું; કારણ કે કાવ્યનો માત્ર વિષય જ નહિ, પરંતુ એની કવનશૈલી પણ એવી બેનમૂન બની રહી છે કે તેના માટે સાવ દેશી શબ્દપ્રયોગે કહું તો તે સંઘેડાઉતાર છે. હાથીદાંતનાં બલૌયાંને સુંવાળપ આવી ગયા પછી સંઘેડા (Lathe) ઉપરથી ઉતારી લેવામાં આવે, ત્યારપછી તેના ઉપર કોઈ જ પ્રક્રિયાને અવકાશ રહે જ નહિ; બસ એમ જ આ કાવ્ય સાંગોપાંગ એવી રીતે પાર પડ્યું છે કે તેના વિવેચનમાં કોઈ ક્ષતિ તો શોધીય જડે તેમ નથી. આમ આ અર્થમાં જ મેં કહ્યું છે કે આનું વિવેચન તો નહિ જ થઈ શકે.

હવે આપણે કાવ્યના રસદર્શને આવીને પ્રથમ શીર્ષકને અવલોકીએ તો તે આપણને શૃંગારરસની એંધાણી જતાવ્યા વગર રહેશે નહિ. મધુરજની એ નવવિવાહિત દંપતી માટેની એવી સલૂણી રાત્રિ છે કે જે એ યુગલ માટે એ જીવનભરનું સંભારણું બની રહે છે. પરંતુ આપણા કવિની એમનાં એવાં કેટલાંક કાવ્યોની જેમ અહીં પણ એવી લાક્ષાણિક્તા જોવા મળે છે કે કવિ બતાવે છે કંઈક જુદું અને આપે છે કંઈક જુદું ! આ કંઈ પેલા શઠ વેપારી જેવી વાત નથી કે નમૂનો તો સારો બતાવી દે, પણ નરસું જ પધરાવી દે. અહીં તો કવિની કંઈક જુદી જ વાત છે. આ કાવ્યમાં મધુરજનીનો પ્રારંભનો જેટલો અંશ અભિવ્યક્ત થયો છે તે કંઈક વિશિષ્ઠ બની રહ્યો છે, એ અર્થમાં કે અહીં માત્ર નવવધૂ જ દેખા દે છે. પિયુના શયનખંડમાંના પ્રવેશ પહેલાં કવિ આપણને તેને અગાશીમાં ઊભેલી બતાવે છે અને કાવ્યના પ્રારંભે જ મનહર શબ્દચિત્ર ભાવકનાં કલ્પનાચક્ષુઓ સમક્ષ ખડું થાય છે.

કાવ્યનાયિકાના પિયુ સાથેના સુખશય્યામાં થનારા મિલન પૂર્વે જ પ્રાકૃતિક તત્ત્વોનો સહારો લઈને કવિ અહીં શૃંગારમય વાતાવરણ ઊભું કરે છે. આકાશમાંનો ચમકતો દમકતો ચાંદલિયો મદહોશ કરી દેતી ચાંદનીનો નવોઢા ઉપર અભિષેક કરે છે. તો વળી શીત પવનની હળવી લહેર તેના મસ્તકના કેશની લટ સાથે એવી રમત રમે છે, જેવી રીતે કે જલસપાટી ઉપર હળવે હળવેથી વાયુ પસાર થઈ જતો હોય ! ફૂલગુલાબી ઠંડી પણ દરિયાનાં એકબીજાંને આલિંગતાં મોજાંની જેમ તેના વદનને લાડ લડાવે છે. આમ શૃંગારરસના ઉદ્દીપનવિભાવની જમાવટ થવા સાથે વાચક કાવ્યના શાંતરસને માણે છે. કાવ્યનાયિકા પણ શાંતચિત્તે એકલી ઊભીઊભી એ પ્રાકૃતિક તત્ત્વોને પોતાની સાથે રમી લેવાની જાણે કે મોકળાશ આપે છે. મધુરજની એ દંપતી માટે કૌમાર્ય સ્થિતિમાંથી પરીણિત સ્થિતિમાં પરિવર્તિત થવા માટેનો સંધિકાળ છે. અજનબી બે પાત્રો સદેહે એક એક મળીને બે થનારાં હોય છે અને વળી પાછાં એક્બીજાંના પ્રેમમાં ઓતપ્રોત થતાં વળી એ જ પાછાં બેમાંથી એક થવાનાં હોય છે. આમાંય વળી નવોઢાની મૂંઝવણ તો અકળ અને અકથ્ય હોય છે, કેમ કે તેણે પિતૃગૃહ તજીને પિયુના નવીનગૃહમાં અને તેના હૃદયમાં સ્થાન ગ્રહણ કરવાનું હોય છે.

આમ છતાંય અગાશીમાં ઊભેલી આપણા કાવ્યમાંની આ નવોઢા શાંત અને સ્વસ્થ છે, પણ..પણ અચાનક આ શું ? એક વિમાન આકાશપટમાં ધસી આવે છે, જેની ઘડઘડાટી નવોઢાને આંતરિક રીતે હચમચાવી દે છે. માત્ર એ નવોઢા જ નહિ, કાવ્યનો ભાવક પણ તેની સાથે હલબલી ઊઠે છે. અહીં કવિકર્મ અને તેમની કાબેલિયતની પરખ થાય છે. શાંતરસમાંથી ભયાનકરસ તરફની ગજબની સંક્રાંતિ આપણાથી અહીં અનુભવાય છે. (જો કે સાહિત્યના રસોના પ્રકાર તરીકે ’ભયાનક રસ’ એમ ભલે અહીં લખવામાં આવ્યું હોય, પણ અહીં આપણે ‘ભયજનક’ એવો મૃદુ અર્થ લઈશું.). આકાશમાંથી પસાર થતા એ વિમાનના અવાજથી એ નવોઢા પોતાની વિચારતંદ્રામાંથી ઝબકીને જાગી જાય છે. વળી એટલું જ નહિ, પણ વિમાનનો એ પ્રચંડ ધ્વનિ નવોઢાની રક્તવાહિનીઓને જાણે કે ચીરી નાખે છે અને તેનું હૃદય થડકી ઊઠે છે. એ અવાજ નાયિકાને તેના વર્તમાનકાલીન વિચારોમાંથી બહાર કાઢીને ભૂતકાળ તરફ ધકેલી દે છે. પિયાઘરે આવવા પહેલાંના તેના વ્યતીત જીવન રૂપી કિતાબ વચ્ચેનાં શુષ્ક પર્ણો નવપલ્લવિત થાય છે, અર્થાત્ હાલ સુધીના પોતાના જીવનની યાદોને જે એણે ભુલાવી દીધી હતી તે એકદમ તાજી થઈ જાય છે.

વિમાનના એ ઓચિંતા અવાજે નવોઢાના દિલોદિમાગ ઉપર કેવી અસર જન્માવી છે તે સીધે સીધું ન દર્શાવતાં કવિ તેનાં કરકંકણોનો સહારો લઈને તેમના માધ્યમે તેની આંતરવેદનાને ઉજાગર કરે છે. વળી એ કંકણોને ‘વંશાનુગત પ્રાપ્ય’ ગણાવીને કવિ એ નવોઢાને સાંભળવા મળેલાં પેઢી દર પેઢીનાં સંસ્મરણોને તાજાં કરાવે છે. અહીં કવિનો એક્માત્ર વિશેષણ શબ્દ ‘વંશાનુગત (ancestral)’ લાઘવ્યનો ઉત્તમ નમૂનો પુરવાર થાય છે. વિશ્વભરમાં મોટાભાગે પુરુષપ્રધાન સમાજવ્યવસ્થા હોઈ સ્ત્રીએ જ પતિગૃહે જવું પડતું હોય છે અને આમ સ્ત્રીએ બ્રાહ્મણોની જેમ દ્વિજ (બે વખત જન્મનાર એટલે કે માતૃકૂખે જન્મ અને ઉપવીત-સંસ્કારક્રિયા) બનવું પડતું હોય છે. આમ પિયુ પરણ્યાની પહેલી રાતલડીએ નવવધૂએ અજાણ્યા જણ અને અજાણ્યાં લોકની સાથે પોતાનું નવજીવન શરૂ કરવાનું હોય છે. હવે ‘નવું’ જ્યારે શરૂ કરવાનું જ હોય, ત્યારે એ નવોઢાએ ‘જૂનું’ તો વિસારવું જ રહ્યું અને તેથી જ તો આ કાવ્યકન્યાનું કહ્યાગરું હૃદય ત્વરિત જ માની જાય છે અને તે દફનાયેલી યાદદાસ્તની કબરના ઢાંકણને સદાયને માટે બંધ કરી દે છે. નવોઢાનું હૃદય ભૂતકાળને ભૂલવા માટે આમ સહાયક બન્યું, તો વળી તેનું ચિત્ત પણ વર્તમાનકાલીન વાસ્તવિકતાઓને સ્વીકારી લઈને પતિના ઘરના નવીન વાતાવરણમાં અનુકૂલન સાધવા માટેની સજ્જતાને ધારણ કરાવી દે છે. કાવ્યના આ શબ્દો

“વ્યાકુળ નયને જોતી જ રહી એ
તોફાન મહીં બૂડતા વહાણની જેમ.
કિંતુ ભૂત-વર્તમાન થયાં એકાકાર
ને સ્મૃતિઓએ વાસ્તવિકતા સાથે સાધી સમજૂતી”

કાવ્યનાયિકાના વૈચારિક સંઘર્ષનું સમાધાન કરાવી આપવા માટે સમર્થ પુરવાર થાય છે. આમ કાવ્યનાયિકા રાગ અને ત્યાગના દ્વંદ્વની વચ્ચેની વ્યથાભરી મનોદશામાંથી બહાર નીકળી જાય છે.

કવિ કાવ્યના સમાપને આવતાં પ્રારંભના મદહોશ ચાંદનીની વર્ષા વરસાવતા ચંદ્રને વળી પાછા લાવી તો દે છે, પણ આ વખતે તેના ઉપર વાદળનું આવરણ છવાયેલું દર્શાવે છે. આમ પૂરબહાર ચાંદની ખીલેલી એ રાત્રિ જે પહેલાં દિવસ સમાન ભાસતી હતી, તે હવે અંધકારના કારણે સાચા અર્થમાં રજની (રાત્રિ) જ બની જાય છે અને આ કાવ્યના સંદર્ભે તો એ નવવધૂ અને તેના પિયુ માટેની મધુરજની જ બની રહે છે. ભૂતકાળમાં સરી પડેલી અને ક્ષણિક વિષાદમાં ઘેરાઈ ગએલી કાવ્યનાયિકા હવે વર્તમાનમાં આવી જતાં પ્રફુલ્લિત થઈ જાય છે. જીવનની અણમોલ આ સોહાગરાતને માણવા માટે ભૂતકાલીન જીવનની એ યાદોને ખંખેરી નાખે છે અને તેના કપોલપ્રદેશ ઉપરનો સૌભાગ્યનો લાલ ચાંદલો એવો ઝળહળી ઊઠે છે, જાણે કે મધ્યરાત્રિએ ચેતના જગાવતો સૂર્ય ન ઊગી નીકળ્યો હોય !

ચાલો ને, આપણ્રે કવિની આ પંક્તિઓ “અહો ! કેવો ઝળહળી ઊઠ્યો લાલ રવિ, ભાલપ્રદેશે મધ્યરાતે !”ને માણીએ અને વળી મનમાં કવિ માટે ગણગણીએ પણ ખરા કે “અહો ! કેવી મધુરજની કવિએ કવી પિયુ વિણ, અને કઠે ના તોયે તેઉ તણી અનુપસ્થિતિ જરીય !”

સમાપને, સન્માનીય મુકેશભાઈનો ખાસ આ કાવ્યના રસદર્શન હેઠળ તેમણે મહોર મારી આપેલા ગુજરાતી શીર્ષક ‘પિયુ પરણ્યાની રાતડી પહેલી’ સબબે આભાર માનું છું. મેં વૈકલ્પિક ‘સુહાગરાત’ અને ‘મધુરજની’ શબ્દો પણ સૂચવ્યા હતા, જેમને મેં શીર્ષકે તો નહિ, પણ રસદર્શનના ફકરાઓમાં મારા આત્મસંતોષ માટે પ્રયોજ્યા છે. વાચકો પણ કબૂલ કરશે જ કે ‘પિયુ પરણ્યાની રાતડી પહેલી’ શબ્દ જ કાવ્યના કપોલપ્રદેશ સમા એવા શીર્ષકે ઝળહળતા લાલ રવિની જેમ સાચે જ દીપી ઊઠે છે. વળી જૂની પેઢીનાં અને એમના જમાનાનાં શ્વેતશ્યામ ચલચિત્રોનાં સાક્ષી બની રહેલાં મારાં સમવયસ્ક એવાં જરઠજનોને એક ચલચિત્રના ગીતના મુખડાના શબ્દો ‘પિયુ પરણ્યાની રાતડી પહેલી, આજનો મારે ઉજાગરો’ની યાદ આવ્યા સિવાય રહેશે નહિ.

-વલીભાઈ મુસા

(ભાવાનુવાદક અને રસદર્શનકાર)

* * * * *

પ્રોફેસર મુકેશ રાવલનાં સંપર્કસૂત્રો :

ઈ મેઈલ – Mukesh Raval < rajshlokswarda@gmail.com
મોબાઈલ – +૯૧ ૯૮૭૯૫ ૭૩૮૪૭

પુસ્તક પ્રાપ્તિ : –

“Pots of Urthona” – ISBN 978-93-5070-003-7 મૂલ્ય : રૂ|. ૧૫૦/- (શાંતિ પ્રકાશન, ડી-૧૯/૨૨૦, નંદનવન એપાર્ટમન્ટ, ભાવસાર હૉસ્ટેલ પાસે, નવા વાડજ, અમદાવાદ – ૩૮૦ ૦૧૩)

 

Tags: , , , , , , , , , , , , , , , ,