RSS

Tag Archives: Logical Sequence

(200) ભાવપ્રતિભાવ -૪ (શ્રી સુરેશ જાની, અનુવાદક – ‘વર્તમાનમાં જીવન’)

એખાર્ટ ટોલ ( Eckhart Tolle)નું નામ જ ‘વર્તમાનમાં જીવન’ (The Power of Now) ના વાંચનથી પ્રથમવાર જાણ્યું, એટલે તેમનું અન્ય સાહિત્ય વાંચ્યું હોવાનો કોઈ સવાલ ઊભો થતો નથી. મારા માટે તો તેમની કૃતિ પહેલી જ છે અને તેમાંય પ્રથમ નજરે જ પ્રેમ જેવું લેખક અને તેમના આ પુસ્તક માટે મને થયું છે. હળવાશે આગળ કહું તો બીજી નજરે પ્રેમ અનુવાદકશ્રી સુરેશભાઈ અને તેમના અનુવાદકાર્યને માટે થયો છે. સુરેશભાઈ જેવા તજજ્ઞે જ્યારે આ પુસ્તક હાથમાં લીધું છે, ત્યારે એ બાબત પોતે જ પ્રમાણ બની જાય છે કે આત્મોત્થાન માટેનાં અનેક ઉમદા પુસ્તકો વચ્ચે પોતાનું સ્થાન મજબૂત રીતે સ્થાપી શકે એવું આ પુસ્તક છે. પ્રકરણો ક્રમિક રીતે અપાતાં જાય છે અને વંચાતાં જાય છે, તે પણ એક રીતે લાભદાયી એટલા માટે છે કે આખું પુસ્તક એકી બેઠકે સળંગ વંચાય તો દરેક વિચાર ઉપર ચિંતન કરવાની તક ઓછી રહે. આ અને આવાં તત્વદર્શી પુસ્તકોના વાંચનની સાચી રીત ‘વાંચવું ઓછું અને વિચારવું વધારે’ એ જ હોઈ શકે.

આ પુસ્તક વિદ્વતાપૂર્ણ બન્યું હોવાનું અનુમાન અત્યારસુધીના વાંચન ઉપરથી સાચું એ રીતે પડે છે કે લેખકે સ્વાનુભવે અને ઊંડા વિચારમંથનના પરિણામરૂપે જ તેને લખ્યું છે. તેમણે વિચારો કરીને નહિ; પણ વિચારો આવવા દઈને, તેમને ચકાસીને, તેમનું સંકલન કરીને, તેમને તાર્કિક ક્રમ (Logical Sequence) માં ગોઠવીને જ પછી આપણી સામે રજૂ કર્યા છે. વિચારો તો સૌને આવે, પણ એ વિચારોને જીવાતા જીવનમાં અન્ય કોઈની સામે મૌખિક રીતે અભિવ્યક્ત કરવા કે તેને અક્ષરદેહ આપવો એ કલા છે અને આવી કલા દરેક માટે સાધ્ય નથી હોતી. લેખકની વર્તમાનમાં જીવન જીવવાની વાત ચીલાચાલુ રીતે જોવા, વાંચવા કે સાંભળવા મળતી વાતો કરતાં મુઠેરી ઊંચી છે. આવા મહાન વિચારકના સર્જન ઉપર મારા જેવા સામાન્ય માણસનું કામ નથી કે એ સમગ્ર પુસ્તક ઉપર ન્યાયયુક્ત કોઈ ભાષ્ય આપી શકે. આમ છતાંય હા, એટલું કદાચ સંભવ છે કે તેના એકાદ વિચારઅંશ ઉપર સમર્થનકારી, વિવેચનાત્મક કે ટીકાત્મક કોઈ પ્રતિભાવ આપવામાં આવે. Read the rest of this entry »

 

Tags: , , , , ,