Click here to read in English
આજે આપ સૌ સમક્ષ હું મારા ઉપરના શીર્ષકે દર્શાવેલ “જવલ્લે જ આવા લેખ” હેઠળ ત્રીજા આર્ટિકલ સાથે ઉપસ્થિત છું. અહીં આ વિભાગમાં તમે ખાસ પ્રકારના વિષયોને જોઈ શકશો, જે અંગે હું માનું છું કે મારા વાંચકો તેમના તરફ કંઈક વિશેષ ધ્યાન આપે. મારા નિયમિત વાંચકો તો સારી રીતે જાણે છે કે બ્લોગના મારા આ ફલક ઉપર હું જે કંઈ આપું છું, તે બધું હંમેશાં વાંચવા લાયક જ હોય છે અને તેમાં કંઈ ખાસ કે સામાન્ય એવું અલગ હોતું નથી; પરંતુ કોઈ ખાસ આર્ટિકલ ઉપર ભાર મૂકવાનો હોય, તેમને જ આ શ્રેણીમાં વર્ગીકૃત કરું છું.
મારા વિષયપ્રવેશ પહેલાં, હું ઈસ્લામના પયગંબર હજરત મહંમદ (સ.અ.વ.) પ્રત્યક્ષ ઉપસ્થિત હતા તેવા એક પ્રસંગને વર્ણવીશ. એક વાર આપ હજરત સાઉદી અરેબીયાની એ વખતની રાજધાની મદીનાના જાહેર માર્ગ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. ત્યાં ભરચક બજારની જગ્યાએ કેટલાક માણસોનું એક ટોળું એકત્ર થએલું હતું. ટોળાની વચ્ચે એક દીવાનો માણસ ચેનચાળા કરી રહ્યો હતો. લોકો એ દૃશ્યથી આકર્ષાઈને ટોળે વળ્યા હતા અને પેલા માણસની મજાકમશ્કરી કરતા હસી રહ્યા હતા. પયગંબર સાહેબે તેમને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું, ‘તમે ખરેખર દીવાનો માણસ કોણ છે એ જાણવા માગો છો?’ બધા એકદમ શાંત થઈ ગયા અને ધ્યાનથી અને માનપૂર્વક આપને સાંભળવા માંડ્યા. આપે ફરમાવ્યું, ‘કોઈ માણસ એવો હોય કે જે અભિમાનપૂર્વક ચાલતો હોય અને સતત પોતાના તરફ જ ધ્યાન આપતો હોય! તે એવો હોય કે પોતાના બંને ખભા તરફ પોતાના બદનને હલાવ્યે જતો હોય! તે પોતાની જાતને જ પ્રદર્શિત કરતો હોય અને બીજાને જોતો સુદ્ધાં ન હોય; તદુપરાંત પોતાના સિવાય અન્ય કોઈ વિષે વિચારતો પણ ન હોય!. તે એવો માણસ હોય કે જેનાથી લોકો ભલાઈની કોઈ અપેક્ષા ન રાખતા હોય અને ઊલટાના લોકો તેની હરકતોથી સલામત ન હોય! આવો માણસ જ ખરેખર દીવાનો છે. તમે હમણાં જેને જોયો તે માણસ દર્દી છે, માનસિક રોગનો દર્દી છે.’
[…] Click here to read in English […]