ફિર કુછ ઇક દિલ કો બે-ક઼રારી હૈ (શેર ૩ થી ૫)
ક઼િબ્લા-એ-મક઼્સદ-એ-નિગાહ-એ-નિયાજ઼
ફિર વહી પર્દા-એ-અમારી હૈ (૩)
[ક઼િબ્લા-એ-મક઼્સદ-એ-નિગાહ-એ-નિયાજ઼= કૃપાપાત્ર નિગાહ, રહેમનજર; પર્દા-એ-અમારી= હાથીની અંબાડી ઉપરનું છત્ર, અહીં ‘ઘૂંઘટ (Veil) એવો અર્થ લઈ શકાય.]
અહીં આપણને ફરી એકવાર વધુ તેજસ્વી એક શેર મળે છે. આનો સરળ શબ્દોમાં ભાવાર્થ તો એ લઈ શકાય કે માશૂક તો માશૂકાની કૃપાપાત્ર નિગાહ (નજર) માટે આશાભરી મીટ માંડી રહ્યા છે, પણ અફસોસ કે ફરી એક વાર માશૂકાનો ચહેરો પર્દા (Veil)થી ઢંકાયેલો હોઈ એ નજરથી પોતે મહરૂમ (વંચિત) રહી જાય છે.
પરંતુ આ શેરમાં માર્મિક રીતે ઘણુંબધું કહેવાયું છે. કિબ્લા એ મુસ્લીમોની મક્કા શહેર (સાઉદી અરેબિઆ)માંની હજ અદા કરવા માટેની એક પવિત્ર એવી જગ્યા છે કે જે દિશા તરફ આખી દુનિયામાં નમાજ પઢવામાં આવે છે અને મસ્જિદોનું નિર્માણ પણ એ કિબ્લાની દિશાને ધ્યાનમાં રાખીને કરવામાં આવતું હોય છે. વળી એ કિબ્લાને કાળા કપડાથી ઢાંકેલો રાખવામાં આવે છે. બસ, માશૂકાનું પર્દાનશીન હોવું એ આ બાબત સાથે સામ્ય ધરાવતું હોઈ ગ઼ાલિબે અહીં કિબ્લા શબ્દ પ્રયોજ્યો છે. માશૂકનો કિબ્લા તો માશૂકાની અમીનજર છે કે જો એની એક ઝલક પણ જોવા મળી જાય, તો તેઓ ન્યાલ (ભાગ્યશાળી) થઈ જાય. પરંતુ ગલેફ (આવરણ)થી ઢંકાયેલા એ કિબ્લાની જેમ માશૂકા પણ પર્દામાં છે, જેથી તેનું દર્શન જ સંભવિત ન હોઈ એ રહેમનજરને માશૂક પામી શકતો નથી. ગ઼ાલિબ તેમની ગ઼ઝલોમાં ધાર્મિક આવાં પ્રતીકો પ્રયોજીને ઘણીવાર ઇશ્કે હકીકી અને ઇશ્કે મિજાજી એવાં બેઉ લક્ષ સિદ્ધ કરતા હોય છે.
* * *
ચશ્મ દલ્લાલ-એ-જિંસ-એ-રુસ્વાઈ
દિલ ખ઼રીદાર-એ-જ઼ૌક઼-એ-ખ઼્વારી હૈ (૪)
[ચશ્મ =આંખ, નયન; દલ્લાલ-એ-જિંસ-એ-રુસ્વાઈ = ખરાબ ચીજવસ્તુઓનો દલાલ; ખ઼રીદાર-એ-જ઼ૌક઼-એ-ખ઼્વારી= સારી ચીજવસ્તુઓનો ખરીદાર (ગ્રાહક)]
ગ઼ાલિબ આ શેરમાં આપણને આંખ અને દિલની અજીબોગરીબ લાક્ષણિકતાને અનુક્રમે દલાલ (વચેટિયો) અને ખરીદાર (ગ્રાહક) એવાં રૂપકો દ્વારા સમજાવે છે. તિજારત (વ્યાપાર)ના ક્ષેત્રમાં ઘણી જ્ગ્યાએ ગ્રાહક અને વ્યાપારી વચ્ચે દલાલ રહેતો હોય છે, જે બંને પક્ષ વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા ભજવીને સોદો પાર પડાવતો હોય છે. ગ્રાહક વિશ્વાસુ હોય છે અને તે દલાલ ઉપર ભરોસો મૂકતો હોય છે. ઘણીવાર એવું પણ બનતું હોય છે કે દલાલ ઉપરના આંધળા વિશ્વાસના કારણે ગ્રાહક છેતરાતો હોય છે. ખરીદાર તો હમેશાં સારી જણસ જ ઇચ્છતો હોય અને તે માટે તે નક્કી થયેલા મૂલ્યને ચૂકવતો પણ હોય અને છતાંય તેને નઠારી (Substandard) ચીજવસ્તુ પધરાવી દેવામાં આવે. બસ, આવું જ આંખ અને દિલ મધ્યે બનતું હોય છે. આંખને જે સુંદર લાગે તેને દિલ તરત જ સ્વીકારી લે છે, પરંતુ ઘણીવાર આમાં છેતરાવાનું બનતું હોય છે. દિલની અપેક્ષા તો હંમેશાં સારી ખરીદીની એટલે કે પ્રાપ્તિની હોય, પણ આંખના ભરોંસે તે વિષમ પરિસ્થિતિમાં મુકાય છે. વાચકને લાગશે કે આ શેરમાં માશૂક, માશૂકા કે ઇશ્કના વિષયો પડઘાતા નથી; પણ એવું નથી, કેમ કે ખરીદારનો એક અન્ય અર્થ આશક કે પ્રેમી પણ થતો હોય છે. આમ દિલ પોતે આશક છે અને તેને તો હંમેશાં સુપાત્રીય માશૂકાની જ અપેક્ષા હોય છે; પરંતુ ઘણીવાર તેમની વચ્ચે મધ્યસ્થી કરનાર ત્રાહિત થકી ગેરમાર્ગે દોરાવાનું બનતું હોય છે. ગ઼ાલિબ તેમની ઘણી ગ઼ઝલોમાં માશૂક અને માશૂકા વચ્ચે એક ત્રીજા જ પાત્ર એવા નામાબર (સંદેશાવાહક) કે મધ્યસ્થીને લાવતા હોય છે, જે સહાયક અથવા ખલનાયકની ભૂમિકા નિભાવે.
* * *
વહી સદ-રંગ નાલા-ફ઼રસાઈ
વહી સદ-ગોના અશ્ક-બારી હૈ (૫)
[સદ-રંગ = સો રંગ; નાલા-ફ઼રસાઈ= દર્દ વિષે લખવું; સદ-ગોના = સો ગડીઓ-પડ; અશ્ક-બારી = આંસુ વહાવવાં]
મિતાર્થભાષી શબ્દો થકી રચાયેલા આ શેરને સમજવો-સમજાવવો મુશ્કેલ, છતાં અશક્ય તો નથી જ; કેમ કે ગ઼ાલિબ પોતાના કેટલાક શેરમાં ગહન વિચારો ગૂંથતા હોય છે અને એ ગૂંથણી જો ભાવક ઉકેલી શકે તો શેર સમજાઈ જતો હોય છે. આ શેરમાં શાયર જીવનનાં દુ:ખદર્દ વિષયે કહેવા માગે છે કે તેમના વિશે કંઈક લખવું કે વર્ણવવું મુશ્કેલ છે, કેમ કે કોઈ એક પ્રકારનું દુ:ખ હોય તો તેનું બયાન કરવું આસાન છે; પરંતુ જીવન તો શતશત એવા ઘસાઈ ગયેલા રંગોથી ભરેલું છે અને તેથી તેને સુપેરે વર્ણવી શકાતું નથી. અહીં બીજા મિસરામાં અધ્યાહાર સમજી લેવાની એ સાંત્વના છે કે એવાં શત શત પડ ધરાવતાં ગહન દુ:ખોને દુનિયા આગળ વર્ણવવા કે ગાતા ફરવા કરતાં તેમને સહી લેવાં કે માત્ર આંસુ સારી લેવાં એ વધારે ઇષ્ટ છે. મારી આ વાતના અનુમોદનમાં લો હોલ્ટ્ઝ (Lou Holtz)નું રસપ્રદ વિધાન આપીશ, જે આ પ્રમાણે છે : ‘તમારી સમસ્યાઓને લોકો આગળ કહેતા ફરો નહિ; કેમ કે, એંસી ટકા લોકો તમારી વાત તરફ ધ્યાન આપશે જ નહિ અને બાકીના વીસ ટકા લોકો ખુશ થશે એ જાણીને કે તમારે જે તે સમસ્યા છે!’
* * *
ઋણસ્વીકાર :
(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…
(૨) http://www.youtube.com વેબસાઇટનો…
(૩) Aksharamukha : Script Converter http://aksharamukha.appspot.com/converter
(૪) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા
(૫) Courtesy : https://rekhta.org
(૬) યુ-ટ્યુબ/વીડિયોના સહયોગી શ્રી અશોક વૈષ્ણવ
[…] Click here to read in English […]