સંવાદમય સમાજના પ્રસ્થાપન માટે જરૂરી બની જાય છે કે વ્યક્તિઓ જ વ્યક્તિગત રીતે અન્યોન્ય સાથે સંવાદિતા સાધે. છેવટે તો વ્યક્તિઓ થકી જ સમાજ બને છે અને જેવી વ્યક્તિઓ તેવો સમાજ એવી એક સામાન્ય વ્યાખ્યા સંપન્ન થઈ ગણાય. હવે સાથેસાથે એ વાસ્તવિકતાનો આપણે સ્વીકાર કરવો રહે કે બધા જ સમયે એ શક્ય નથી કે સમાજની પ્રત્યેક વ્યક્તિ એવા કોઈ આદર્શને સિદ્ધ કરી શકે અથવા એવી સિદ્ધિની નજીક પણ પહોંચી શકે. હા, એટલું જરૂર બની શકે કે ભલે અલ્પમતીમાં પણ એવી વ્યક્તિઓ સમાજમાં એક એવો માહોલ ઊભો કરી શકે કે જે તરફ લોકોની જાગૃતિ કેળવાય અને આમ સમાજ માટે ઉર્ધ્વગામી થવાની આને પણ એક સારી નિશાની ગણાવી શકાય.
માનવ-વર્તણુંકોને જાણવી અને સમજવી એ મારા માટે હંમેશાં રસનો વિષય રહ્યો છે. આજના લેખ સાથે સંબંધિત મારા જીવનના અસંખ્ય પ્રસંગો પૈકીના માત્ર બે જ હું અહીં આપવા માગું છું, જેમના પ્રકાશમાં હું મારા લેખના લક્ષને સિદ્ધ કરવાનો પ્રયત્ન કરીશ. પહેલા પ્રસંગમાં મુખ્ય પાત્રે હું છું અને અન્યો ગૌણ પાત્રે, તો બીજામાં હું ગૌણ પાત્રે છું અને અન્ય ત્રાહિત વ્યક્તિ કે વ્યક્તિઓ મુખ્ય પાત્રે છે. આ બંને પ્રસંગો વૈયક્તિક લાગણીઓના જતનને અનુલક્ષીને છે જે પહેલી નજરે કદાચ વજુદ વગરના જ લાગશે, પણ તેમની પાછળ છુપાએલા ગહન ભાવને જાણવાથી તેમનું મહત્વ સમજાશે.
પ્રથમ પ્રસંગમાં કેન્દ્રસ્થાને હું પોતે હોઈ હું લાખ સાવધાની વર્તું, છતાંય કોઈકને તો મારી આત્મશ્લાઘા થતી હોવાનું લાગ્યા વગર રહેશે નહિ. આમ સંભવિત આવા જોખમને માથે લઈને પણ હું જે કહેવા માગું છું તે કહીને જ રહીશ. પ્રસંગની પૂર્વભૂમિકા સમજાવવા જતાં અતિવિસ્તાર થઈ જવાનો ડર હોઈ હું સીધો જ પ્રસંગનાં પાત્રોના સંવાદો જ રજૂ કરીશ. અને વચ્ચે વચ્ચે જરૂર પડશે તો જરૂરી કોઈક સ્પષ્ટતાઓ કરતો રહીશ. Read the rest of this entry »