RSS

Tag Archives: need

પ્રમાણિકતા

Click here to read in English
ચાણક્યે નોંધ્યું છે કે, “માણસે વધારે પડતા પ્રમાણિક ન થવું જોઈએ. સીધાં ઝાડ વહેલાં કપાય છે અને સીધા માણસોને પહેલા ભીંસવામાં આવતા હોય છે.” મારા આ લઘુ નિબંધની શરૂઆતમાં જ મારા વાંચકોને આ અવતરણ, શીર્ષકથી કંઈક અંશે વિપરીત વાંચીને આશ્ચર્ય થશે, પણ આપણે “વધારે પડતા” શબ્દો ઉપર ધ્યાન આપીશું તો સ્પષ્ટ થઈ જશે કે ચાણક્યે પ્રમાણિકતાના ગુણને સર્વથા નકારી કાઢ્યો નથી; પરંતુ ગુઢાર્થમાં પ્રમાણિક માણસોને માર્ગદર્શન આપ્યું છે અને ચેતવ્યા છે કે વધારે પડતી પ્રમાણિકતા દાખવતાં વિપરીત પરિણામ માટે તૈયાર રહેવું પડશે. પ્રમાણિકતાને લંબાઈ, વજન કે કદમાં માપી શકાય નહિ. બીજા શબ્દોમાં પ્રમાણિકતાને ગણતરી સ્વરૂપની વ્યાખ્યા આપી શકાય નહિ અને તેથી જ પ્રમાણિકતાને આટલા કે તેટલા પ્રમાણમાં ગણવાનો કોઈ જ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. આમ અહીં “વધારે પડતા” શબ્દો અર્થહીન બની જાય છે અને પ્રમાણિકતા એની જગ્યાએ કાયમ જ રહે છે કે જે માણસના ચારિત્ર્યઘડતરમાં ખૂબ જ મહત્વનું પરિબળ બની રહે છે.

માનવ જીવનમાં ઘણાં બધાં એકબીજાથી તદ્દન વિપરીત જોડકાં હોય છે કે જે કદીય સાથે રહી શકતાં નથી હોતાં. અગાઉના સમયમાં કહેવાતું કે લક્ષ્મી અને સરસ્વતી સાથે રહી શકે નહિ. તે જ પ્રમાણે ‘લોભ’ અને ‘પ્રમાણિકતા’ એકબીજાનાં વિરોધી છે. લોભી માણસ પ્રમાણિકતા દાખવી શકે નહિ અને પ્રમાણિક માણસ લોભથી જોજનો દૂર હોય છે. અહીં હું મહાત્મા ગાંધીને માત્ર ‘લોભ’ શબ્દના સંદર્ભમાં જ ટાંકીશ, કેમ કે તેમનું આખું કથન અહીં બંધબેસતું નથી. તેમનું કથન છે કે, “ધરતી દરેક માણસને તેની જરૂરિયાત (need) મુજબ પૂરતું આપે છે, પણ તેના લોભ (greed) જેટલું તો નહિ જ.” પ્રમાણિક માણસ પાસે જે કંઈ હોય છે તેનાથી તે સંતુષ્ટ હોય છે અને તેથી જ તે કોઈ ગેરકાયદેસરની પ્રાપ્તિની લાલચમાં આવતો નથી હોતો.

Read the rest of this entry »

 

Tags: , , , , , , , ,