
(બ્લોગરને માફ કરીને વાંચશો, કેમ કે અહીં ગુજરાતી ભાષાના મહિમાની વાત કરવાની છે અને લખાણનો પહેલો જ ફકરો ગુ-glish માં લખવામાં આવનાર છે. આનું કારણ સ્વયંસ્પષ્ટ હોઈ હું તેનો કોઈ ખુલાસો આપતો નથી.)
મારા બ્લોગ – “William’s Tales” ના નિયમિત વાચકો છેલ્લા કેટલાક મહિનાથી મારા Home Page ઉપરના Right Side Bar ઉપર દિવસોનું Count down બતાવતા Milestone ના મારા Widget માં The Big Day / May 5th 2013 જોતા આવ્યા હશે. મારા મનથી મારો એ મોટો દિવસ મારી અંગત બાબતને લગતો હતો, જે જાહેર થઈ ગયો હોઈ તે વિષે તો તમે મારા આ પ્રારંભિક લખાણ પછી તરત જ વાંચી શકશો. પરંતુ અહીં હું જે દર્શાવી રહ્યો છું, તે મારી પેલી અંગત બાબત કરતાં વધારે મહત્ત્વ ધરાવે છે. આમ આજના દિવસનો મહિમા વધી જાય છે.
યુ.કે.માં વસતા આપણા ગુજરાતીજનો ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ દ્વારા ગુજરાત રાજ્યની સ્થાપનાના દિવસ ૧લી મેને ‘આંતરરાષ્ટ્રીય ગુજરાતી દિવસ’ તરીકે ઊજવે છે. આ દિવસની ઊજવણીના ભાગ રૂપે ઓણ સાલ ૫મી મે ૨૦૧૩ના રોજ અકાદમી ગુજરાતી ડાયસ્પોરાના અમેરિકાનિવાસી બે મુલાકાતી સર્જકો : પન્નાબહેન નાયક અને નટવરભાઈ ગાંધીની વિશેષ ઉપસ્થિતિમાં અકાદમીની વેબસાઈટ www.glauk.org નું વિધિવત્ મંગલાચરણ પણ થવાનું હતું. ગુજરાતી સાહિત્ય અકાદમી (યુ.કે.) ના પ્રમુખશ્રી વિપુલભાઈ કલ્યાણીજીએ અકાદમી વતી જાહેર નિમંત્રણ પાઠવ્યું હતું.
આમ તો હું જો કદાચ ખોટો ન હોઉં તો અહીં ભારત ખાતે ગુજરાતમાં તો ૨૪મી ઓગસ્ટને ‘વિશ્વ ગુજરાતી ભાષા દિવસ’ તરીકે કોઈ ગુજરાતી સાહિત્યિક સંસ્થાએ જાહેર કર્યો છે. આ દિવસ એટલે વીર નર્મદનો જન્મદિવસ. યુ.કે.નિવાસીઓ કદાચ પહેલાંથી જ ૧લી મેને ‘આં.રા.ગુ.દિ.’ તરીકે ઊજવતા આવ્યા હોય અને ૨૪મી ઓગસ્ટને અહીં ખાતે પાછળથી ‘વિ.ગુ.ભા.દિ.’ તરીકે જાહેર કરવામાં આવ્યો હોય. જે હોય તે, પણ કહેવાનું તાત્પર્ય એ કે છે કે આ બંને દિવસોને ઔપચારિક રીતે નહિ પણ સાચા અર્થમાં ઊજવવામાં આવે તે સમયની તાતી માગ છે. આપણી ગુજરાત સરકારે પણ ‘વિશ્વ ગુજરાતી ભાષા દિવસ’ની ઊજવણીને પ્રોત્સાહન આપવું જોઈએ અને શાળાઓ કે મહાશાળાઓએ અવનવા કાર્યક્રમો આપીને ગુજરાતી ભાષાના પ્રચાર, પ્રસાર અને વિકાસ માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ.
આજના દિવસે શરૂ કરાએલા મારા પોતાના બ્લોગ કરતાં વધારે મહ્તવની આ વાતને મારા આગળ આવનારા લખાણની પહેલાં મૂકીને હું માતૃભાષાને ગૌરવ આપવાનો પ્રયત્ન કરી રહ્યો છું. મારા “William’s Tales” દ્વિભાષી બ્લોગ અંગે મેં ક્યાંક લખ્યું છે કે ‘ગુજરાતી પ્રત્યે માતા જેટલો જ મારો પ્રેમ હોવા છતાં મારાં લખાણોને વિશ્વફલક સુધી પહોંચાડવા માટે મેં થોડોક અંગ્રેજીનો સહારો લીધો છે.’ અમેરિકા અને કેનેડામાં સ્થાયી થએલાં મારા જ કુટુંબનાં ઊછરતાં સંતાનો માટે મે મારા કેટલાય લેખોને (મારા બે વર્ષના અંગ્રેજીમાં જ બ્લોગીંગ પછી) બંને ભાષાઓમાં પરસ્પર અનુવાદિત કર્યા છે કે જેથી તેઓ પ્રથમ અંગ્રેજીમાં સમજી લીધા પછી તેમને ગુજરાતીમાં વાંચીને સમજવાનો પ્રયત્ન કરે. વળી છેલ્લાં ચારેક વર્ષ દરમિયાન મેં કેટલાય લેખોને સીધા ગુજરાતીમાં પણ આપ્યા છે. અંગ્રેજી માધ્યમમાં ભણતાં સ્થાનિક અને બિનનિવાસી એવાં બાળકો માટે શરૂ કરવામાં આવેલા મારા એક નવીન બ્લોગની વાત નીચેના અંગ્રેજી લખાણમાં આવશે એટલે અહીં હું તેનો ઉલ્લેખ કરતો નથી. ધન્યવાદ.
[…] Click here to read in English […]