Click here to read Gujarati story with Image & Preamble in English
અંગ્રેજી નિબંધકાર અને Dream Children (સ્વપ્ન બાળકો) થી વિશેષ ખ્યાતિ પામનાર ચાર્લ્સ લેમ્બ (૧૭૭૫-૧૮૩૪) ના જીવન ઉપર આધારિત ‘સંઘર્ષ’ શીર્ષકે મેં એક વાર્તા (અપ્રસિદ્ધ) લખી હતી. આ વાર્તાની પાયારૂપ વિષયસામગ્રી હું જ્યારે અનુસ્નાતક (M.A.) નો વિદ્યાર્થી હતો, ત્યારે મને અમારા કોલેજ મેગેઝિન ‘માણિક્યમ્’ માંથી પ્રાપ્ત થઈ હતી કે જેમાં મારી ગુજરાતી ટૂંકી વાર્તા ‘પારીતોષિક’પણ છપાએલી હતી. એ મેગેઝિનના અંગ્રેજી વિભાગમાં તે સમયના તૃતીય વર્ષ બી.એ. ના એક વિદ્યાર્થી ધીરેન્દ્ર ભાવસારે ચાર્લ્સ લેમ્બના જીવન ચરિત્ર ઉપરનો એક લેખ લખેલો હતો. લગભગ ૩૦ વર્ષ પછી, જ્યારે હું મારા જૂના સાહિત્ય સંગ્રહના ખજાનાને ફંફોસી રહ્યો હતો, ત્યારે એ મેગેઝિનમાં એ આર્ટિકલ મારી નજરે ચઢ્યો હતો. આ તબક્કે હું ભાઈશ્રી ધીરેન્દ્રનો તેમની લેખસામગ્રીનો ઉપયોગ કરવા બદલ અને એ વિષયે વાર્તા લખવાની પ્રેરણા પ્રાપ્ત થવા બદલ આભાર માનું છું. આમેય મારે ગૌણ વિષય તરીકે અંગ્રેજી હોવાના કારણે ચાર્લ્સ લેમ્બ અને તેમના Dream Children થી હું પરિચિત તો હતો જ, પણ મને જરૂરી એવી કેટલીક તૈયાર સામગ્રી એ સ્રોતમાંથી મળી ગઈ હતી. આ વાર્તામાં મેં લ્યુસી અને સેમ્યુઅલનાં કાલ્પનિક પાત્રો ઉમેર્યાં છે અને તેના પરિણામે મારા કેટલાક મિત્રો અને વિવેચકોના મત મુજબ હું આકર્ષક સર્જન કરી શક્યો છું.
થોડુંક વિશેષ કહું તો આ વાર્તાના વિષયવસ્તુને મારા અગાઉના આર્ટિકલ ‘Relationship’ (સગપણ-નાતો-સંબંધ) સાથે સાંકળી લેવાનું મને ગમશે. અહીં તમે એક ભાઈના પોતાની બહેન પરત્વેના સાચા પ્રેમના સાક્ષી બની શકશો. અહીં તમે એ પણ જોઈ શકશો કે Charles Lamb કેવી રીતે પોતાના જીવનના એક માત્ર ધ્યેય માટે સંઘર્ષ કરે છે અને કેવો કેવો ભોગ આપે છે.
ચાલો, આપણે વાર્તા પ્રતિ પ્રયાણ કરીએ.
– વલીભાઈ મુસા
(લેખક અને અનુવાદક)
સંઘર્ષ
મેરીએ મેન્ટલ હોમના સ્પેશ્યલ વૉર્ડમાં સવારના નવના સુમારે છેલ્લો શ્વાસ કાં તો લીધો અથવા છોડ્યો અને તેના હૃદયનો ધબકાર થંભી ગયો. મને રડવાની ઉતાવળ ન હતી. હજુ મારે તેની બેરિયલ સર્વિસ પૂરી થવાની રાહ જોવાની હતી. વળી તેર વર્ષ પહેલાં મૃત્યુ પામેલા ચાર્લ્સનો આત્મા મેરીની આસપાસ અહર્નિશ ઘુમરાયા કરતો હોય તેવો આભાસ મને થયા કરતો હતો. જો હું ઢીલી પડી જાઉં તો તે આત્મા કેટલો વ્યથિત થાય તેનું મને ભાન હતું.
મેરી છેલ્લા ચાર દિવસથી કૉમામાં હતી અને તેના જીવન ઉપર ફુલસ્ટૉપ મુકાઈ ગયું તે વેળા તેની પથારી પાસે હું અને કદાચ ચાર્લ્સનો આત્મા હાજર હતાં. આમ તો મેરીની તબિયતની જાણકારી મેળવવા ચાર્લ્સનું મિત્રવૃંદ, તેની સાહિત્યકૃતિઓના પ્રેમીઓ અને સગાંસંબંધીઓનો રોજ મેળો જામતો. છેલ્લી ત્રણ રાત્રિના સતત ઉજાગરાના કારણે મેં જહોનને ઘેર મોકલી દીધો હતો. તે માંડ ઘરે પહોંચ્યો પણ નહિ હોય અને અહીં મેરીના જીવનનાટક ઉપર છેલ્લો પડદો પડી ગયો હતો.
રવિવારનો દિવસ હોઈ હવે મુલાકાતીઓનો પ્રવાહ શરૂ થઈ જવાની તૈયારી હતી. હું પ્રથમ મુલાકાતીની રાહ જોઈ રહી હતી. સદભાગ્યે, ચાર્લ્સના અવસાન પછીનો મારો સુખદુ:ખનો સાથી-મિત્ર સેમ્યુઅલ આવી પહોંચ્યો. સેમ્યુઅલ ઇન્ડીઅન હતો અને ઇસ્ટ ઇન્ડીઆ કંપનીની લંડનસ્થિત ઑફિસમાં ચાર્લ્સ અને મારી સાથે કામ કરતો હતો. વૉર્ડમાં પ્રવેશતાં જ પરિસ્થિતિને પામી જતો સેમ્યુઅલ તેની બંને હથેળીઓમાં મારા હાથને દબાવતાં આશ્વાસનપૂર્ણ સ્વરે આટલું જ બોલી શક્યો, ‘લ્યુસી, તેર વર્ષે આખરે બંને ભાઈબહેનના આત્મા એક થયા ખરા !’
મેં સેમ્યુઅલને કોઈ પ્રતિભાવ ન આપતાં માત્ર સાહજિક સૂચનાઓ આપવા માંડ્યું, ‘સેમ્યુઅલ, આપણે થોડી ઉતાવળ કરવી પડશે. બે આત્માઓનું મિલન તો થયું, પણ તેમના દેહને જલ્દી ભેગા કરવા પડશે. ચાર્લ્સની વસિયત છે કે મેરીને તેની જ કબરમાં દફનાવવામાં આવે ! આપણે કામગીરી વહેંચી લઈએ. તું મુલાકાતીઓને મેરીનાં અંતિમ દર્શન કરવા દઈ ડિસ્ચાર્જની કાર્યવાહી સંભાળી લે. હું ઘરેથી જહોનને લઈને ચર્ચયાર્ડ પહોંચું છું.’
ચાર્લ્સની કબર ખોદવાનું કામ ચાલી રહ્યું હતું. જહોન અને હું થોડે દૂર લોન ઉપર બેઠાં. જહોન રડવા માંડ્યો. મારે તેને ટપારવો પડ્યો, ‘જો તારે રડવું જ હોય તો ઘરભેગો થઈ જા. અહીંનું હું સંભાળી લઈશ.’ જહોન ચૂપ થઈ ગયો. હું ભૂતકાળ તરફ સરી પડતાં ચાર્લ્સના જીવનભરના એક જ મિશન માટેના સંઘર્ષને યાદ કરવા માંડી.
ચાર્લ્સનું મિશન હતું, મેરીની સારસંભાળ. તે બિચારી વારસાગત અને જન્મગત માનસિક રોગની દર્દી હતી. કુટુંબમાં – પિતા જહોન લેમ્બ, માતા ઈલિઝાબેથ, મોટોભાઈ જહોન, પછી મેરી અને સૌથી નાનો પોતે – એમ પાંચ જણ હતાં; સાથે ગરીબી પણ હતી ! લંડનના ક્રાઉન ઑફિસ લેનના એક દેવળમાં ચાર્લ્સના પિતા સૉલ્ટ નામે પાદરીના અંગત સેવક તરીકે મામુલી પગારે નોકરી કરતા હતા. ભલા પાદરીની મહેરબાનીથી કુટુંબનાં સભ્યો પેટભર ખાઈ શકતાં, તનને ઢાંકી શકતાં અને સ્ટાફ ક્વાર્ટરમાં રહી શકતાં. ક્રાઈસ્ટ હૉસ્પિટલ સંલગ્ન ચેરિટી સ્કૂલમાં માત્ર સાત જ વર્ષના પ્રાથમિક શિક્ષણ બાદ ચૌદ વર્ષની વયે ચાર્લ્સ પ્રથમ ત્રણ વર્ષ સાઉથ સી હાઉસ અને પછી ઇસ્ટ ઇન્ડીઆ કંપનીમાં વાર્ષિક ૧૩૦ પાઉંડના પગારે નોકરીએ લાગ્યો હતો. ટૂંકો પગાર, પાંચ જણનું કુટુંબ અને એમાંય મેરીનો ઉન્માદ વધી જતાં તેને મહિના પંદર દિવસ માટે મનોચિકિત્સાલયમાં દાખલ કરીને તેની સારવાર કરાવવાની. ‘ચાર્લ્સ’ નામનો પર્યાયવાચક શબ્દ ‘સંઘર્ષ’ એમ કહેવું હોય તો કહી શકાય, તેવો તો તેનો જીવનસંઘર્ષ હતો.
જહોને મારા ખભે હાથ અડકાડીને મને વિચારતંદ્રામાંથી જગાડી. ચર્ચયાર્ડના સર્વિસરૂમ તરફ હાથનો ઈશારો કરતો જહોન વૉકીંગ સ્ટીકના સહારે તે તરફ ગયો. પોણી સદી વટાવી ચૂકેલો જહોન ઘરડો થઈ ચૂક્યો હતો. તેનું કુટુંબ માન્ચેસ્ટર રહેતું હતું. ચાર્લ્સના અવસાન પછી તે મેરી સાથે લંડનમાં જ રહેતો હતો. હું રાત્રે સૂવા પૂરતી મારા ઘરે જતી હતી. જહોન સુખી હતો. ચાર્લ્સનું વાવેલું લણતો હતો. ચાર્લ્સનાં પુસ્તકોની રૉયલ્ટીની આવક બેસુમાર હતી.
પણ…પણ, બિચારા ચાર્લ્સનું પૂર્વજીવન કેવું વિટંબણાપૂર્ણ હતું ! ફરી સ્મૃતિનો તંતુ સંધાવા માંડ્યો. તેના ૨૧મા વર્ષે તેણે દયાળુ ફાધર સૉલ્ટની છત્રછાયા ગુમાવી હતી. જહોન મેરીના દુ:ખ સાથેના સંઘર્ષમાં નિર્બળ પુરવાર થતાં ચાર્લ્સે તેને કુટુંબથી જુદો રહેવા દીધો હતો. બંને ભાઈઓ વચ્ચે મેરીના પ્રશ્ને મતભેદ ઊભો થયો હતો. જહોન ઇચ્છતો કે મેરીને કાયમ માટે તે જીવે ત્યાં સુધી કોઈ ચેરિટેબલ મેન્ટલ હોમમાં રાખવી, જ્યારે ચાર્લ્સનું મંતવ્ય હતું કે મેરીની બીમારી વધી જાય તેટલા સમય પૂરતી તે વ્યવસ્થા વિચારી શકાય; અને તે પણ ચેરિટી હેઠળ તો હરગિજ નહિ. ચાર્લ્સના દિલમાં જહોન પ્રત્યે કોઈ કડવાશ ન હતી, ઉલટાની તેને તેના ઉપર દયા આવતી હતી. દુ:ખો સામે લડવાનું કામ તેનું નથી, પોતે એકલો જ પૂરતો છે; તેમ તે દૃઢપણે માનતો હતો. પછી તો જહોન માન્ચેસ્ટરની વિવિંગ મિલમાં નોકરી મળતાં ત્યાં ચાલ્યો ગયો. ત્યાં પરણ્યો, ત્યાં જ સ્થિર થયો.
અહીં ફાધર સૉલ્ટના મૃત્યુના થોડાક જ મહિનાઓ બાદ ચાર્લ્સના જીવનમાં અન્યની દૃષ્ટિએ ગોઝારી, પણ ચાર્લ્સ માટે પડકારરૂપ છતાં સહજ એક દુ:ખદ ઘટના બની.
તે દિવસે હું ચાર્લ્સની કેબિનમાં કેટલાક કાગળો ઉપર સહીઓ કરાવવા દાખલ થઈ. હવે ચાર્લ્સ અમારો સિનીયર હતો. ઇઝી ચેરને ઝુલાવતો ચાર્લ્સ આંખો બંધ કરીને બેઠેલો હતો. તેના ચહેરા ઉપર વ્યગ્રતા દેખાતી હતી. મેં પૂછ્યું, ‘ચાર્લ્સ, તારી તબિયત તો બરાબર છે ને !’
તેણે બંધ આંખે જ પ્રત્યુત્તર વાળ્યો, ‘લ્યુસી, મને કોઈ ટેલિપથી થતી હોય તેમ લાગે છે. પિતા જહોનના ત્યાં ગયા છે, ઘરે કંઈક અશુભ બન્યું હોય અથવા બનશે એમ લાગ્યા કરે છે. છેલ્લા અઠવાડિયાથી મેરી એકદમ શાંત છે. જેમ સમુદ્રનાં જળ કોઈકવાર ઉપરથી શાંત હોય પણ ઊંડાણમાં ધસમસતા પ્રવાહો વહેતા હોય, તેમ મને લાગ્યા કરે છે કે મેરીના હૃદયના પેટાળમાં કદાચ ઉન્માદનો દરિયો ઘૂઘવતો હોય !’
‘ચાર્લ્સ, તારો મેરી પ્રત્યેનો પ્રેમ એવો દિવ્ય છે કે તારી ટેલિપથી સાચી જ હશે. ચાલ, રજા મૂકીને ભાગીએ !’ મેં બેબાકળી બનીને તેના બંને ખભા હચમચાવીને તેને ખુરશીમાંથી બેઠો કર્યો.
ચાર્લ્સના ઘરમાં દાખલ થતાં જ એ દૃશ્ય હોઈને હું તો છળી ઊઠી. મારા પગ નીચેથી ધરતી ખસતી લાગી, પણ ચાર્લ્સે તો સ્થિતપ્રજ્ઞતા જ દાખવી. ફર્શ ઉપર લોહીથી તરબતર ઈલિઝાબેથની લાશ પડેલી હતી. મેરીની આંખો બિહામણી લાગતી હતી. તેના ધ્રૂજતા હાથમાં લોહીવાળી છરી હતી, જેને તે પોતાનાં કપડાં વડે લૂછી રહી હતી.
મેં ચાર્લ્સ સામે જોયું તો તેનો ચહેરો સ્વસ્થ હતો. ખરે જ, ચાર્લ્સ જુદી જ માટીનો માનવી હતો ! મારા આશ્ચર્ય વચ્ચે તેણે મેરીને પોતાની છાતી સરસી દબાવી દીધી. તેના કપાળ ઉપર ચૂંબન કરીને હળવેથી તેને અંદરના ઓરડામાં લઈ ગયો. હું પણ અંદર ગઈ.
મેરી ચોધાર આંસુએ રડી પડતાં કદાચ જિંદગીમાં પહેલીવાર એકીશ્વાસે આટલું લાંબુ બોલી, ‘છેલ્લા એક અઠવાડિયાથી એલિ મને મહેણાં મારીને તંગ કરતી હતી કે, ‘આવી તું ક્યાં સુધી રહીશ !’. પરંતુ આજે તો તેણે હદ વટાવીને કહ્યું કે, ‘મારા પછી તારું કોણ થશે ?’ બસ મને ગુસ્સો ચઢ્યો કે તેના કરતાં અનેકગણી વધારે તો તું જ મને ચાહે છે. ભાઈ, મારા ખાતર તેં લ્યુસીને પત્ની બનાવી નથી ! જહોનના ચાલ્યા ગયા પછી મારી સંભાળ તો તું જ લે છે ! એને કયો અધિકાર કે તારા કરતાં પોતાનું મહત્ત્વ વધારે બતાવે ! બસ, પછી તો મને એમ થયું કે તેને હાલ જ બતાવી દઉં કે, ‘લે, તારા વગર ચાલે છે કે નહિ !’ અને ભાઈ, મેં તેને પતાવી દીધી ! આમ કહીને તે ચાર્લ્સ પાસેથી દોડી આવીને મને બાઝી પડી હતી.
એલિના કારમા મૃત્યુની દુર્ઘટનાએ ચાર્લ્સની સહનશીલતાને મોટી તાકાત આપી. મેરીની નિ:સહાયતા પ્રત્યે તેના દિલમાં તીવ્ર અનુકંપા જાગી હતી. તે મેરીને વધુ ચાહવા લાગ્યો હતો. તેની વધુ ને વધુ દરકાર લેવા માંડ્યો હતો. મર્યાદિત આવક છતાં મેરીને ખુશ રાખવા તેને થિયેટરે લઈ જતો, શહેર બહાર દૂરદૂર ગ્રામ્ય પ્રદેશોમાં ફરવા લઈ જતો, દુર્લભ એવાં સેકન્ડ હેન્ડ પુસ્તકો અને ચિત્રો અપાવતો. ચાર્લ્સ મેરીને ભણાવતો, તેને ખુશ રાખવા રમૂજી વાર્તાઓ કહીને તેને હસાવતો, તેની પાસે વાર્તાઓ કહેવડાવીને હસી લેતો, પોતાનાં સાહિત્યસર્જનોને તે સમજી શકે તેવી શૈલીમાં વાંચી સંભળાવતો. પરિણામ એ આવવા માંડ્યું કે તેને મહિને બે મહિને મેન્ટલ હોમ લઈ જવી પડતી, તેના બદલે સમયગાળો લંબાઈને ચાર છ મહિનાનો થવા માંડ્યો હતો.
આમ છતાંય જહોન, પિતા અને મિત્રો હજુય ચાર્લ્સને સલાહ આપતા કે મેરીને કાયમ માટે મેન્ટલ હોમમાં દાખલ કરી દઈને તે હળવો થઈ જાય, જીવનમાં સ્થિર થઈ જાય. ચાર્લ્સ ઠંડા કલેજે પ્રત્યુત્તર વાળતો, ‘એ લોકો સારવાર આપશે, સુવિધાઓ પૂરી પાડશે, દયા બતાવશે; પણ પ્રેમ તો નહિ જ આપી શકે ને !’
માતાના કરૂણ મૃત્યુ પછી ત્રણ વર્ષ બાદ પિતાનું અવસાન થયું. ચાર્લ્સ મેરીનો વાલી, સહાયક અને પરિચારક બની ગયો. તેણે ભાગ્યે ફેંકેલો એક મોટો પડકાર ઝીલી લીધો હતો. ૨૧ વર્ષની ભરજુવાનીએ ચાર્લ્સે મેરીને ખાતર અવિવાહિત રહેવાનો દૃઢ નિર્ધાર કરી લીધો હતો. ચાર્લ્સના સહવાસમાં હું આવી ત્યારથી પ્રથમ મિત્ર, પછી પ્રેયસી અને છેલ્લે પ્રેયસી અને મિત્ર જ બની રહી. મેં પણ અવિવાહિત રહેવાના નિર્ણય સાથે પિતાનું ઘર છોડીને ત્રીજું ઘર વસાવ્યું હતું. હું નોકરીના કારણે આત્મનિર્ભર હતી. ચાર્લ્સના મિશનમાં હું પણ જોડાઈ હતી. અમે એકબીજાંને અનહદ ચાહતાં, પરસ્પર મદદરૂપ થતાં, સુખદુ:ખને વહેંચતાં આત્માના લગ્નથી એકબીજાનાં થઈ ચૂક્યાં હતાં.
ચાર્લ્સ હવે લેખનપ્રવૃત્તિ અને પત્રકારત્વ તરફ વળ્યો હતો. ’ડ્રીમ ચિલ્ડરન’ જેવી અનેક કૃતિઓથી તે સાહિત્યજગતમાં જાણીતો થયો હતો. વિશાળ વાચક સમુદાયના હૃદયમાં ચાર્લ્સે પોતાનું સ્થાન જમાવી દીધું હતું. સઘળા સાહિત્યપ્રકારોમાં તેની પ્રતિભા આકાશને આંબવા માંડી હતી. સંતાનવિહીન હોવા છતાં તેણે ‘ડ્રીમ ચિલ્ડરન’માં કાલ્પનિક બાળકોની અદભુત દુનિયા ખડી કરી હતી. તેનો આર્થિક સ્થિતિનો ગ્રાફ સીધો ઊંચો જઈ રહ્યો હતો. કૉલરિજ, જ્યોર્જ સેમ્પસન, એ.સી.વૉર્ડ, ડી ક્વિન્સી જેવા સાહિત્યકારોની હરોળમાં પહોંચી ચૂકેલો ચાર્લ્સ એ તમામનો અંગત મિત્ર બની ગયો હતો; પણ ચાર્લ્સ મને કહેતો કે, ‘મારી શ્રેષ્ઠ મિત્રતો માત્ર તું જ છે, લ્યુસી !’
કૉલરિજે ચાર્લ્સને સંબોધતા એક પત્રમાં સલાહ આપી હતી કે અમે બંને વિના વિલંબે એક થઈ જઈએ, પણ ચાર્લ્સે પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું કે. ‘મેરીની હયાતી સુધી અમે મિત્રો જ રહીશું, કેમ કે હું મેરીના ભાગ્ય સાથે પરણી ચૂક્યો છું. મેરી જ માત્ર રહી શકે તેવા મારા નાનકડા હૃદયમાં હું લ્યુસીને કેવી રીતે સમાવી શકું ! મારા અખંડ પ્રેમનો એક માત્ર અધિકાર ફક્ત મેરીનો જ છે. અમારાં ભાગ્ય હશે અને મેરી મારું હૃદય ખાલી કરશે તો તેમાં વગર નિમંત્રણે પેસી જઈને કબજો જમાવી દેવાનો લ્યુસીને પૂર્ણ અધિકાર છે. મારા મિશનમાં હું એકલો નથી, લ્યુસીનો મને હરહંમેશ સાથ અને હૂંફ મળ્યા કર્યાં છે. આને હું મારું સદભાગ્ય ગણું છું.કદાચ ને મેરી પહેલાં મારો જીવનદીપ બુઝાઈ જાય, તો મેરીની મારાથી પણ અધિક કાળજી લઈ શકે તેવા અનુગામીની ભેટ ઈશ્વરે મને લ્યુસીના રૂપમાં પહેલેથી જ આપી દીધી છે.’
મારા માટેનો આટલો ઊંચો અભિપ્રાય અને મારા પ્રત્યેનો ચાર્લ્સનો ઉમદા વિશ્વાસ મારા માટે પ્રાણવાયુ બની રહ્યાં. મેરી ચાર્લ્સની બહેન હતી,એલિ તેની માતા હતી અને હું તેની માત્ર પ્રેયસી જ નહિ – પૂજારણ હતી. અમારાં લગ્ન થયાં હોત અને મારી કૂખે પુત્રી જન્મી હોત, તો તે ચાર્લ્સ માટે તેના જીવનની ચોથી સ્ત્રી થાત અને તેનું નામ મેરી જ હોત; એમ ચાર્લ્સ ઘણીવાર કહેતો.
પરંતુ ચાર્લ્સના સાહિત્યજીવનનો પ્રાણવાયુ તો મેરી જ હતી. તેના પ્રત્યેનો દિવ્ય પ્રેમ તેના સાહિત્યમાં છવાઈ ગયો. વૉર્ડે પોતાના એક વિવેચનલેખમાં લખ્યું હતું કે, ‘ચાર્લ્સના જીવનમાંથી મેરીને ઊઠાવી લો, તો પછી તેના સાહિત્યસર્જનમાં કશું જ બાકી રહેશે નહિ; બધું ખાલીખાલી જ લાગ્યા કરશે !’ મેરીને ખાતર ચાર્લ્સે કવિતા છોડી દીધી હતી, કેમ કે તેનાં કાવ્યોમાં તેના જીવનની વાસ્તવિક કરૂણતા આવી જતી. ચાર્લ્સને એ માન્ય ન હતું કે એવી કોઈ બાબત ઉદ્દીપન બની જાય, જેનાથી મેરી માટે ભુલાયેલી વેદના તાજી થઈ જાય ! પોતાના વિશાળ સાહિત્યસર્જનમાં તેણે મિત્રો, અન્ય સ્નેહીઓ અને પોતાના વિષે ઘણુંબધું લખ્યું હોવા છતાં તે માતા વિષે તો કબરની જેમ મૂક જ રહ્યો હતો; ક્યાંય તેનો અછડતો ઉલ્લેખ પણ જોવા મળતો ન હતો. તેની આ કાળજી મેરીને ખાતર હતી, જેનાથી તેના દિલમાં માતાના ખૂનનો અપરાધભાવ ફરી જાગી ન ઊઠે !
વિધિની વક્ર્તા ગણો કે પછી તેની કૃપા, પણ એ દિવસોમાં મેરીનો ઉન્માદ વધી ગયો હતો. હાથમાં હાથ લઈને ચાર્લ્સે મેરીને એસાઈલમમાં દાખલ કરી દીધી હતી. તે નાતાલનો દિવસ હતો. ત્રીજા જ દિવસે પથરાળ રસ્તા ઉપર ગબડી જવાથી બ્રેઈન હેમરેજ થતાં તત્કાળ અને તત્સ્થાને ચાર્લ્સનો જીવનસંઘર્ષ પૂર્ણ થઈ ચૂક્યો હતો. ચાર્લ્સ ૫૯ વર્ષ જીવન જીવ્યો એમ કહેવા કરતાં મેરી જીવ્યો એમ કહેવું વધારે ઉચિત હતું ! પાંચ જ અઠવાડિયાં પહેલાં મૃત્યુ પામેલા પોતાના દિલોજાન મિત્ર કૉલરિજની પાછળપાછળ ચાર્લ્સ ચાલી નીકળ્યો હતો. ચાર્લ્સનું અકસ્માતથી મોત અને મેરીની ઉન્માદાવસ્થા એકબીજા માટે અને પોતપોતાના માટે આશીર્વાદરૂપ પુરવાર થયાં હતાં.
આજે મેરીને દફનાવવા માટે ચાર્લ્સની કબર ખોદવામાં આવી રહી છે. થોડીવાર પછી ચાર્લ્સના કૉફિન ઉપર મેરીનું કૉફિન ઊતારવામાં આવશે. ન્યાયના દિવસ સુધી ચાર્લ્સે મેરીનો ભાર ઊંચકી રાખવાનો છે. ચાર્લ્સનું કૉફિન સડી ગયું હશે, તો મેરીના ભારથી તે કદાચ તૂટી પડશે; પણ ચાર્લ્સની પોલાદી છાતીનું હાડપિંજર એ ભારને મચક નહિ આપે !
– વલીભાઈ મુસા
(ચાર્લ્સ લેમ્બના જીવન ઉપર આધારિત અને ધીરેન્દ્ર ભાવસાર નામના કોઈક અજાણ્યા ઈસમના કોલેજ મેગેઝિનમાંના લેખમાંની ઉપયોગમાં લેવાયેલી કેટલીક વિગતો બદલ ઋણસ્વીકારસહ)
(તા.૨૬-૧૧-૧૯૯૯)
[…] Click here to read in English […]