RSS

Tag Archives: Royalty

(208) “દાનધર્મ” માં ભાવનાનું મૂલ્ય

 

Click here to read English version (Preamble)

જગતના તમામ ધર્મોમાં ‘દાનધર્મ (સખાવત)’ ઉપર ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે. કોઈ અજ્ઞાત કથન છે કે ‘પ્રત્યેક ધર્માદાકાર્ય સ્વર્ગ તરફ ગમન કરવા માટેના પથ્થરના પગથિયા સમાન છે.’ આ વિધાન કદાચ ધાર્મિક મનોવૃત્તિવાળાઓ માટે સત્ય હોઈ શકે, પણ તેવાઓનું શું કે જેઓ સ્વર્ગ કે નર્કમાં માનતા નથી અને ઈશ્વરના અસ્તિત્વને પણ સ્વીકારતા નથી! ઈશ્વરને કોઈ ફરક પડતો નથી કે તેના પેદા કરેલા કોઈ જીવો તેને માને યા ન માને! તે તો હંમેશાં તેને માનવાવાળા કે ન માનવાવાળા એવા તમામ પ્રત્યે ભલો અને દયાળુ છે. એવા નાસ્તિકો કે બુદ્ધિવાદીઓમાં ખૂબ પ્રચલિત એક સૂત્ર છે કે ‘ઈશ્વર ક્યાંય નથી (God is nowhere). પરંતુ, મારું માનવું છે કે તેમને એ લોકોને પૂછવાનું કહેવું જોઈએ કે જેઓ બિચારા કોઈ આફતનો ભોગ બન્યા હોય અને વ્યક્તિઓ કે સંસ્થાઓ દ્વારા તેમને ખરા સમયે ધર્મભાવના હેઠળ કોઈ મદદો પ્રાપ્ત થઈ હોય! એવો જે કોઈ માણસ હશે તે તો પેલા સૂત્રને સાવ ફેરવી જ નાખતાં કહેશે કે ‘God is now here (ઈશ્વર હવે અહીં જ છે.)’ પણ, અહીં આપણો વિષય ‘દાનધર્મ કે પુણ્યકાર્ય’ જ હોઈ; આપણે તેવા નાસ્તિકોને તેમની હાલત ઉપર છોડી દઈશું, જ્યાં સુધી કે તેમને તેમના જીવનમાં એવી કોઈ દુ:ખદાયક કટોકટીનો સામનો કરવાનો વખત ન આવે! આમ કદાચ કોઈ એવા એકાદના જીવનમાં એવો કોઈ દિવસ આવી પણ શકે કે જ્યારે તેને પોતાની નાસ્તિક વિચારસરણીને ધરમૂળથી બદલી નાખવાની ફરજ પડે.

આ પ્રસ્તાવના પૂરી થયા પછી તરત જ મારો આ વિષય ઉપરનો મનનીય એક ગુજરાતી લેખ તો આવશે, પણ તે પહેલાં મારા બિનગુજરાતી વાચકો માટે સંક્ષિપ્તમાં અહીં કંઈક ઉમેરીશ. હું મારી પ્રિય વ્યક્તિ – સર વિન્સ્ટન ચર્ચિલ (Sir Winston Churchill) ના એક કથનને ટાંકીશ, જેમાં તેઓ કહે છે કે ‘આપણે કંઈક મેળવીને કે કમાઈને આપણું જીવન બનાવતા હોઈએ છીએ, પણ આપણે જો કોઈકને કંઈક આપીએ તો તે થકી તેનું તો જીવન બનતું હોય છે.’ આગળ તેમણે જ કહ્યું છે કે ‘કોઈ ગરીબ માણસે પણ યથાશક્તિ કોઈ વસ્તુનું દાન કરવું જોઈએ.’ આ છેલ્લું કથન મારા આવનારા લેખમાં પ્રતિબિંબિત થશે. મધર ટેરેસા (Mother Teresa) એ પણ કહ્યું છે કે ‘આપણે કોઈને મદદ તરીકે કેટલું આપીએ છીએ તેનું મહત્ત્વ નથી, પણ આપણે જે કંઈ આપીએ તેમાં આપણી કેટલી લાગણી ભળેલી છે તેનું જ મહત્ત્વ છે.’ આ વિધાન પણ મારા લેખને અનુમોદિત કરશે. દાનના આ ઉમદા કાર્યમાં કંઈ પણ ન આપવા કરતાં કંઈક પણ આપવું તે વધારે બહેતર છે. ફ્રેન્ક ટાયગર (Frank Tyger) કહે છે કે ‘જો તમે કોઈની પીઠ ઉપરનો સઘળો બોજ ઉપાડી શકતા ન હો તો, તમે અણદેખ્યું કરીને ચાલ્યા જતા નહિ; પણ તેના બોજને હળવો બનાવવાનો તો જરૂર પ્રયત્ન કરજો.’

મારા મતે અને કદાચ તમારા મતે પણ એ વાત યથાર્થ જ હશે કે જ્યારે આપણે કોઈ જરૂરિયાતમંદને કોઈક વસ્તુ કે નાણાંનું દાન કરતા હોઈએ છીએ, ત્યારે આપણે તેના ઉપર કોઈ ઉપકાર કરીએ છીએ કે દયા બતાવીએ છીએ તેવું હરગિજ નથી. આપણે જે કંઈ આપીએ છીએ, તેમાંય જો આપણે કોઈ ઉદ્યોગ દ્વારા કોઈ માલનું ઉત્પાદન કરનાર ઉત્પાદક હોઈએ; તો આપણે વિશેષ કશું જ નથી કરતા, પણ ઈશ્વરે આપણને ઉદ્યોગ માટે જરૂરી એવો કાચો માલ જે પૂરો પાડ્યો છે, તેનું દાણ (Royalty) માત્ર જ ચૂકવીએ છીએ. જો આપણે વેપારવાણિજ્ય કરનારા કે કોઈ વ્યાવસાયિક હોઈએ તો ઈશ્વર તરફથી આપણને જે કંઈ બુદ્ધિશક્તિ પ્રાપ્ત થઈ છે અને જે થકી આપણે કમાતા હોઈએ છીએ તેના બદલા રૂપે આપણે તેને તેની ફરજિયાત વસુલી (Levy) જ ચૂકવીએ છીએ. જો આપણે ખેડૂત હોઈએ તો ઈશ્વર દ્વારા અર્પિત જમીન, પાણી, બિયારણ વગેરેનો જ ઉપયોગ કરીએ છીએ અને અનાજનું ઉત્પાદન કરી શકતા હોઈએ છીએ. જો આપણે મજૂર હોઈએ તો તેણે આપેલી શારીરિક શક્તિ વડે જ આપણે મજૂરી કરવા શક્તિમાન બનીએ છીએ. આમ જોવા જઈએ તો આપણું કશું જ નથી હોતું, જે કંઈ છે તે સઘળું તેનું જ છે. આ બધી આપણને પ્રાપ્ય ઉપભોગ માટેની સુવિધાઓ તો ઠીક, પણ આપણે પોતે જ તેની ઈચ્છાથી જ અસ્તિત્વમાં આવ્યા છીએ અને આપણા જીવનનો એકેએક શ્વાસ તેનો અને માત્ર તેનો જ મોહતાજ છે. આપ હજરત ઈમામ અલી (અ.સ.) પોતાના એક બોધવચનમાં ફરમાવો છો કે, ‘ જ્યારે માણસ મૃત્યુ પામે છે, ત્યારે તેનાં સગાંસંબંધી એ જાણવા પૂછતાં હોય છે કે મરનાર પોતાની પાછળ કેટલી માલમિલ્કત છોડી ગએલ છે, જ્યારે કે ફરિસ્તાઓ એ જોતા હોય છે કે ઈશ્વરના માર્ગ (ખુદાની રાહ) માં એણે કેટલું દાનપુણ્ય કર્યું છે!’

સમાપને કહેતાં, ઈશ્વર એ જ લોકોને ચાહે છે કે જે લોકો તેના જ પેદા કરેલા બંદા અર્થાત્ પોતાનાં માનવ ભાંડુંડાંને ચાહે છે. હવે, ‘સર્વોદય કેળવણી મંડળ શૈક્ષણિક સંકુલ, કાણોદર’ના માણેક મહોત્સવ સ્મૃતિગ્રંથ (ઓગસ્ટ – ૧૯૯૬)માંના મારા ગુજરાતી લઘુ લેખ “ભાવનાનું મૂલ્ય” ને વાંચવા માટે અહીં ક્લિક કરો. આ પ્રસ્તાવનામાં દર્શાવેલી હકીકતને તે લેખના અનુસંધાને સમજવા અને મૂલવવાનો પ્રયત્ન કરવામાં આવે તેવી અપેક્ષા સાથે અત્રેથી વિરમું છું.

ધન્યવાદ.

– વલીભાઈ મુસા

(લેખક અને અનુવાદક)

ભાવનાનું મૂલ્ય pdf

(૧) સ્કેન કરેલા Pdf જોડાણમાં ગુજરાતી શબ્દ ‘ફંડવાળા’ ના બદલે ‘ફંડફાળા’ વાંચવા વિનંતી.

(૨) મૂળ લેખમાં જુન ૦૯, ૨૦૦૭ ના રોજ શ્રી અલીભાઈ પલાસરા, પ્રમુખશ્રી, સર્વોદય કેળવણી મંડળ, કાણોદર દ્વારા મુકાએલા તેમના અંગ્રેજી પ્રતિભાવનો ગુજરાતીમાં અનુવાદ નીચે મુજબ છે : –

“પિય શ્રી વલીભાઈ મુસા,

હું આપના બ્લોગ લેખ “Charity” (ભાવનાનું મૂલ્ય) ને બિરદાવું છું. જોગસંજોગે, વ્યક્તિગત લઘુતમ રૂ|. ૫/- નું દાન આગળ જતાં આપના નુરમદ વજીર મુસા પરિવાર તરફથી “હાજી ડો. અલીમહંમદ એન. મુસા કોમ્પ્યુટર સેન્ટર” માટેના હાલ સુધીના વ્યક્તિગત મહત્તમ દાન રૂ|. ૫,૫૫,૫૫૫=૫૫ ના આંકડાએ પહોંચે છે. અલબત્ત, આપણી સંસ્થાને સંસ્થાકીય દાન તરીકે દાઉદી વ્હોરા વેલફેર ટ્રસ્ટ, મુંબઈ તરફથી હાયર સેકન્ડરી માટેના અલગ વિજ્ઞાન પ્રવાહ માટે રૂ|. ૨૭,૫૧,૦૦૦/- ની રકમ મળેલ છે. અહીં હું મારો પ્રતિભાવ આપવા માત્ર એટલા માટે આકર્ષાયો છું કે હું આપણી સંસ્થાને વ્યક્તિગત મળેલાં લઘુતમ અને મહત્તમ દાનોના આંકડાઓમાં “૫ (પાંચ)” નો આંકડો જે ઉભયમાં સામાન્ય રહ્યો છે તેની સુસંગતતા દર્શાવી શકું. આપની તંદુરસ્તી માટેની શુભ કામનાઓ સાથે હું વિનંતિ કરું છું કે આપણી ભવિષ્યની પેઢીઓ માટે ઉપકારક એવાં આપનાં વધુ ને વધુ Online પ્રકાશનો આપતા રહેશો.

આભાર.

અલીભાઈ પલાસરા (પ્રમુખ)

સર્વોદય કેળવણી મંડળ, કાણોદર”

Translated from English version (Preamble) titled as “Charity” followed with Pdf Attachment published on June 03, 2007.

 

Tags: , , , , , , , , , , , ,