RSS

Tag Archives: Virgin Lovers

(587) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૧૭ (આંશિક ભાગ – ૨)તસ્કીં કો હમ ન રોએઁ… (ગ઼ઝલ) – મિર્ઝા ગ઼ાલિબવલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)

(ગતાંક આંશિક ભાગ – ૧ ના અનુસંધાને ચાલુ)

તસ્કીં કો હમ રોએઁ                      

તુઝ સે તો કુછ કલામ નહીં લેકિન નદીમ
મેરા સલામ કહિયો અગર નામાબર મિલે ()

(કલામ= વચન, શબ્દ, કથન; નદીમ= મિત્ર, સાથી; નામાબર= કાસદ-સંદેશાવાહક)

અર્થઘટન અને રસદર્શન :

આ શેરમાં સંવાદકીય સ્પર્શ છે, પરંતુ તેમાં ‘વણકહી’ કોઈ એવી બાબત છુપાયેલી છે કે જે કોઈક પેટા-ઘટના ઘટી હોવાનો સંકેત આપે છે અને આપણે વાચકોએ તે માટેની કલ્પના જ કરવી રહી. અહીં માશૂક તેના સંદેશાવાહક પરત્વે કંઈક ગુસ્સામાં હોય તેમ લાગે છે. આ ગુસ્સાનું કારણ એ હોઈ શકે કે એ કાસદ દ્વારા માશૂકાને પહોંચાડવાનો સંદેશો તેના સુધી પહોંચ્યો જ ન હોય! માશૂકા તરફથી સંદેશાનો કોઈ પ્રત્યુત્તર ન મળતાં કાસદની સંદેશો પહોંચાડવા માટેની બેદરકારી સાબિત થતી હોવાનું જણાય છે. માશૂકા સુધી સંદેશો ન પહોંચવાનું બીજું કારણ એ પણ હોઈ શકે કે તેણે સંદેશો દબાવી દીધો હોય! આમ થવા પાછળ માશૂકને એક એવી શંકા થાય છે કે એ સંદેશાવાહક પોતે જ એ માશૂકાની મોહિનીમાં ગિરફ્તાર થયો હોય. આ વાતને સાવ દેશી શબ્દોમાં એમ સમજી-સમજાવી શકાય કે ભૂખ્યા સાથે ભાત મોકલવામાં જેમ એવું જોખમ રહેલું છે કે તે પોતે જ એ ભોજનને આરોગી જાય! અહીં કાસદ પક્ષે એમ જ બન્યું હોવાની માશૂક શંકા સેવે છે અને તેથી જ તે થોડાક આક્રોશમાં અને થોડાક વ્યંગમાં માશૂકાને સંબોધતા હોય તેમ પોતાની હૈયાવરાળ કાઢતાં તેને કહે છે કે ‘હે સાથી, તને મારે કોઈ જ કલામ (શબ્દો) કહેવા નથી; પરંતુ હા, કદી મારો મોકલેલો કાસદ (પત્રવાહક) તારી પાસે આવી જાય તો તેને મારા સલામ જરૂર પાઠવજે!’

શેરના પહેલા મિસરામાંના શબ્દો ‘તુઝ સે તો કુછ કલામ નહીં’ મુહાવરા રૂપે બોલાયા હોય તેમ લાગે છે, જેનું  અર્થઘટન થાય કે ‘હવે મારે તને કશું જ કહેવાનું નથી.’ આ શુષ્ક શબ્દો પાછળ માશૂક રિસાયા હોવાનો ભાવ વર્તાય છે. માશૂકાનું નકારાત્મક વલણ કે સંદેશા સામેનું મૌન માશૂકને અકળાવે છે. એક તરફ પોતે તેના વિરહમાં તરફડી રહ્યા છે અને બીજી તરફ તેમની થતી ઉપેક્ષા તેમના આળા હૃદયને વધારે વ્યથા પહોંચાડે છે અને તેથી જ તેઓ ઓરતો કરતા હોય તેમ તેની સાથેનો સાવ છેડો ફાડી નાખવા જેવી ભારે વાત કરી બેસે છે. વાસ્તવમાં તો માશૂક આ શબ્દો દ્વારા ભીતરી સંદેશો તો એ જ આપતા લાગે છે કે તેઓ હજુય તેની પાછળ દિવાના છે જ, પણ નાછૂટકે જ તેમને એવાં કઠોર વેણ સંભળાવવાં પડે છે. આ શેરમાં બીજી ‘કલામ’ અને ‘સલામ શબ્દોની પ્રાસ-ચમત્કૃતિ નોંધનીય છે. આ બંને શબ્દો પરસ્પર પડઘાય છે અને તેથી આ શેરને ગ઼ાલિબના ઉમદા શેરોમાં સ્થાન મળી રહે છે.

* * *

તુમ કો ભી હમ દિખાએઁ કિ મજનૂ ને ક્યા કિયા
ફુર્સત કશાકશગ઼મપિન્હાઁ સે ગર મિલે ()

(ફુર્સત= અવકાશ; કશાકશ-એ-ગ઼મ-એ-પિન્હાઁ= આંતરિક દુ:ખોની ખેંચમતાણ)

અર્થઘટન અને રસદર્શન :

આ શેરનો શબ્દાર્થના આધારે ભાવાર્થ તો આમ જ થઈ શકે કે ‘શું અમે તમને (માશૂકાને) એ પણ બતાવીએ કે મજનૂએ શું કર્યું? મારાં આંતરિક દુ:ખોની ખેંચમતાણમાંથી મને જો રાહત મળે તો હું એ પણ કરી બતાવું.’ પરંતુ આવું માત્ર શાબ્દિક અર્થઘટન પર્યાપ્ત ન ગણાય. પદ્યમાં તો ઓછા શબ્દોમાં લાંબી વાતને ઘટ્ટ (Condensed) કરીને મૂકવામાં આવે, પણ વાસ્તવમાં એ વાત તો વિસ્તૃત જ હોય.

શેરના પ્રથમ મિસરામાં  સ્પષ્ટતા (Lucidity) હોઈ તેના અર્થગ્રહણ માટે કોઈ લમણાઝીક કરવી પડે તેમ નથી. હા, એટલું ખરું કે કોઈ લૈલા-મજનૂની પ્રેમકહાણી વિષે જાણતું ન હોય તો એ હકીકત જાણવાની મૂંઝવણ રહે કે મજનૂએ શું કર્યું હશે. ચાલો, આપણે આ શેરને સમજવા પૂરતી લૈલા-મજનૂ વિષેની થોડીક માહિતી મેળવી લઈએ. સાતમી સદીમાં એ વખતના અરેબિઆમાં આ પ્રેમકહાણી ઘટી મનાય છે. આ પ્રેમકહાણી ઉપર આધારિત પુષ્કળ સાહિત્ય અને ચલચિત્રો નિર્માણ પામ્યાં છે. શીરીં-ફરહાદ, રોમિયો-જુલિયેટ, હીર-રાંઝા, શેણી-વિજાણંદ કે શાહઝાદા સલીમ-અનારકલીની જેમ લૈલા-મજનૂની જોડી પણ સાચાં પ્રેમીયુગલો માટે આદર્શ ગણાય છે. પ્રેમીયુગલોના જીવનમાં યાતનાઓ સહજ હોય છે. લૈલા-મજનૂ એવું પ્રેમીયુગલ છે કે તેમનું મિલન થતું નથી અને તેથી તેમને ‘કુંવારાં પ્રેમી (Virgin Lovers) તરીકે ઓળખવામાં આવે છે. પ્રેમકહાણીનાં આ પાત્રો મદરસા (નિશાળ)માં સાથે ભણતાં હોય છે અને આમ તેઓ કિશોરાવસ્થાથી જ એકબીજાના પ્રેમમાં છે. લૈલા અમીર ઘરાનાની દીકરી છે, મજનૂ ગરીબ છે. આ બંને એકબીજાંને અનહદ ચાહે છે. લૈલાનાં કુટુંબીજનો તેને અન્યત્ર પરણાવી દે છે. મજનૂ લૈલાના નામનો પોકાર કરતો દીવાનો થઈને ભટક્યા કરે છે. દુનિયા તેને મજનૂ (દીવાના) તરીકે જાહેર કરે છે, સતાવે છે અને પથ્થરમારો પણ કરે છે. આખરે તે રણમાં ચાલ્યો જાય છે અને ત્યાં જ મરણ પામે છે. બીજી એક રિવાયત મુજબ લૈલાના ભાઈ કે પિતાએ મજનૂની હત્યા કરી હોવાનું મનાય છે. સામા પક્ષે લૈલા પણ મજનૂના વિરહમાં મૃત્યુ પામે છે. આમ આ પ્રેમી યુગલનું મિલન થતું નથી.

હવે આપણે ગ઼ાલિબના આ શેર ઉપર આવીએ. અહીં માશૂક પોતાની માશૂકાને મજનૂનો હવાલો આપીને જણાવે છે કે તેમની મનોદશા પણ મજનૂના જેવી જ છે. તે કહે છે કે હું પણ મજનૂની જેમ કરી શકું છું, પણ પોતે પોતાનાં અન્ય આંતરિક દુ:ખો વચ્ચે એવા ઘેરાયેલા છે કે તે એમ નથી કરી શકતા. તેઓ પણ મજનૂ જેટલા જ દુ:ખી છે અને તેથી તેઓ પણ મજનૂની જેમ તેમનું જુનૂન (ઘેલછા) પ્રદર્શિત કરી શકે છે, પણ સંયમ જાળવી લે છે. આમ માશૂક માશૂકાને એ બતાવવા માગે છે કે ભલે ને તેઓ મજનૂના જેવી દીવાનગી પ્રદર્શિત નથી કરી શકતા, પણ તેમની દિલની હાલત તો મજનૂના જેવી જ છે. આમ અહીં ઈશારો કરવામાં આવે છે કે એ  માશૂક મજનૂના જેવો દીવાનગીનો બાહ્ય દેખાવ નથી કરી શકતા અને તેથી તેનો મતલબ એ નથી કે તેઓ મજનૂની સરખામણીમાં ઓછા પ્રેમી છે. અહીં ગ઼ાલિબનાં આંતરિક દુ:ખોમાં તેમની આર્થિક દુર્દશા અને સંતાનવિહિનતાને સમજી શકાય છે.

બીજી પંક્તિમાંના કશાકશ શબ્દને સમજી લઈએ. ક્શાકશ એ મૂળ શબ્દ ‘કશ’ ઉપરથી બનેલો છે, જેનો અર્થ થાય છે, ખેંચાણ કે વિસ્તરણ. આમ કશાકશ એટલે ચિંતાઓ અને વ્યાધિઓમાં ખેંચાઈ જવું, ઘેરાઈ જવું. આમ છતાંય આપણી આ ગ઼ઝલનો નાયક પોતાનાં દુ:ખોને મજનૂના કરતાં પણ વધારે પીડાદાયક ગણે છે. મજનૂ તો તેનાં દુ:ખોને તેની જાહેરી દીવાનગીના માધ્યમે દુનિયા આગળ પોતે રજૂ કરી શકે છે અને તેથી તેની વ્યથા લોકોને સમજાય છે. પરંતુ આપણો ગ઼ઝલનાયક તો છૂપાં દુ:ખોથી પિડાઈ રહ્યો હોઈ તે પોતાનાં દુ:ખોની માત્રા દુનિયાને કે માશૂકાને બતાવી શકતો નથી.

* * *

મિર્ઝા ગ઼ાલિબ

                                                         (ક્રમશ: ભાગ – ૩)

* * *

ઋણસ્વીકાર :

(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…
(૨) http://www.youtube.com વેબસાઇટનો…
(૩) http://techwelkin.com/tools/transliteration/ (દેવનગરી-ગુજરાતી સ્ક્રીપ્ટ કનવર્ટર)
(૪) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા
(૫) યુ-ટ્યુબ/વીડિયોના સહયોગી શ્રી અશોક વૈષ્ણવ

 

Tags: , , , ,