હાસ્ય દરબારનાં નરનારીરત્નો (શોકેસવાળાં અને ચીંથરે વીંટેલાં!)
સામાન્યત: આપણે હાસ્યના બે પ્રકારો વિષે જ જાણતા હોઈએ છીએ; સ્થૂળ (ચરબીયુક્ત કે જાડિયું!) અને સૂક્ષ્મ.(સૂકલકડી કે બારીક!). હવે હું ‘આપણે’માંથી અલગ પડીને માત્ર ‘હું’ બનીને મારા ફળદ્રુપ નહિ, પણ બંજર એવા ભેજામાં અન્ય કેટલાક પ્રકારોને ઊગાડવાનો પ્રયત્ન કરું છું. લો, હજુ તો પ્રયત્ન કરવાની વાત કરું છું, ત્યાં તો ઊગી જ ગયા! માટે આપ સૌ મારા આગળના વિધાનને ફરી વાંચી લેશો આ સુધારા સાથે કે ‘બંજર નહિ, પણ ફળદ્રુપ એવા ભેજામાં’! જો આ નવીન પ્રકારોને આપ સૌનાં ભેજાં સ્વીકારે તો સારું અને ન સ્વીકારે તો એથીય વધારે સારું!
તો ભાઈ-અલાઓ (આ સંબોધન ભાઈબહેનોએ ભેગું જ સમજવુ! અલગથી ‘બાઈ-અલીઓ’ કહેવામાં નહિ આવે!), એ નવીન પ્રકારોની યાદી આ પ્રમાણે છે : – (૧) અટ્ટહાસ્ય (૨) ખંધું હાસ્ય (૩) લુચ્ચું હાસ્ય (૪) મીંઢુ હાસ્ય (૫) રાક્ષસી હાસ્ય (૬) ખાંસતા શ્વાન જેવું હાસ્ય (૭) ખખડતી કાચની રકાબી જેવું હાસ્ય (૮) હોંચી હોંચી હાસ્ય (૯) ભૂભૂહાસ્ય (૧૦) ખીખીહાસ્ય (૧૧) ભરવાડના ડચકારા જેવું હાસ્ય (૧૨) ફોટોગ્રાફરવાળું Cheese હાસ્ય (૧૩) થૂંક ઊરાડતું હાસ્ય (૧૪) ફુહફુહ હાસ્ય (૧૫) હાહા-હીહી-હુહુ હાસ્ય (૧૬) કરકસરિયું હાસ્ય (૧૭) છૂટ્ટું હાસ્ય (૧૮) લે-લે-તાળી હાસ્ય (૧૯) ઊંટાંટિયા હાસ્ય (૨૦) ડક ડક હાસ્ય
આ યાદી અધૂરી છે. તજજ્ઞોએ કળાઓની સંખ્યા 64 જેટલી જ સંખ્યામાં હાસ્યના પ્રકારો થઈ શકશે તેવી આગાહી કરી છે. આથી જાહેર (હાસ્ય દરબારના સભ્યો અને William’s Tales ના વાંચકો પૂરતું સીમિત) નિમંત્રણ છે કે ખૂટતા 44 પ્રકારો પૂરા કરવામાં સૌ કોઈ પોતપોતાનું (પ્ર)યોગદાન આપે, તો આપણે તનાવની સારવાર માટે આ ચોસઠ હાસ્યપ્રકારો અકસીર ઈલાજ છે તેવી માન્યતા WHO (World Humor Organization) પાસેથી મેળવી શકીએ.
– વલીભાઈ મુસા
(Research Humorist!)
‘Hasya Darbar’ Research Center, USA (!)
[…] ક્રમશ: (7) […]