RSS

(૪૮૯) હું મરવા કરતાં, બેશક, ચૂમી ભરવાનું વધારે પસંદ કરીશ! -વલીભાઈ મુસા (ભાવાનુવાદક)

09 Aug

I DON’T WANNA DIE, I’D RATHER KISS!

હું મરવા કરતાં, બેશક, ચૂમી ભરવાનું વધારે પસંદ કરીશ!

 લૉર્ડ ઈબે  : મૂળ લેખક
– વલીભાઈ મુસા : (ભાવાનુવાદક)

[અંગ્રેજીમાં લખાયેલી આ વાર્તાના યોરુબા(Yoruba) માતૃભાષી એવા મૂળ લેખક લૉર્ડ ઈબે પશ્ચિમ આફ્રિકામાં આવેલા નાઈજીરિયાના વતની છે. વાર્તાને ગુજરાતી ભાષામાં અનુવાદિત કરવા માટેની તેમણે મને સહૃદયતાપૂર્વક સંમતિ આપી છે. વાર્તામાંના કેટલાક સંવાદો યોરુબા ભાષામાં હતા, જે માટે તેમણે જહેમત લઈને આખીય વાર્તાનું પુનર્લેખન કરીને મને મોકલી આપ્યું છે. યોરુબા એ ઘણીબધી આફ્રિકન ભાષાઓમાંની વધુ બોલાતી ભાષા છે અને અને એ લોકો વિદેશોમાં પણ જ્યાંજ્યાં સ્થાયી થયા છે, ત્યાંત્યાં પોતાની ભાષાને જાળવી રાખવા માટે સમભાષીઓ સાથે એ જ ભાષામાં વાણીવિનિમય પણ કરતા રહેતા હોય છે. વાચકોને આ યોરુબા ભાષાનો અછડતો ખ્યાલ મળી રહે Lord eBayતે માટે મેં એવા સંવાદોને ક્યાંક ક્યાંક ગુજરાતીની સાથે સાથે કૌંસમાં અંગ્રેજી લિપિમાં દર્શાવ્યા છે. મારા મત પ્રમાણે સંભવત: યોરુબા ભાષાની પોતાની અલગ લિપિ નથી અને તેઓ અંગ્રેજી મૂળાક્ષરો (Alphabets) જ પ્રયોજે છે. મારા નેટ ઉપરના ખાંખાંખોળા મુજબ તેમણે અંગ્રેજીના છવ્વીસ (૨૬) મૂળાક્ષરોમાંથી [C,Q,V,X,Z]ને પડતા મૂક્યા છે. વળી આ ત્રણ મૂળાક્ષરો [E,O,S)ની નીચે Dot (.) મૂકીને બબ્બે કર્યા છે અને G ઉપરાંત Gb એક વધારાનો મૂળાક્ષર બનતાં તજી દેવાયેલા પાંચ મૂળાક્ષરના બદલે આ નવા ચાર મૂળાક્ષરો સાથે તેના કુલ મૂળાક્ષર પચીસ (૨૫) થાય છે. અંગ્રેજીના પાંચ સ્વરો (A, E, I, O, U) માં ‘E’ અને ‘O’ની નીચે Dot (.) મૂકીને એમણે પાંચના બદલે સાત સ્વરો બનાવ્યા છે. આપણા ‘એ’ અને ‘ઓ’ના સાધારણ ઉચ્ચારો ઉપરાંત ‘ઍ’ અને ‘ઑ’ એવા પહોળા ઉચ્ચારોની જેમ યોરુબામાં ઊંચા (high), મધ્યમ (mid) અને નીચા (low) એવા ત્રણ પ્રકારના ઉચ્ચારો થતા હોય છે. જેમ ગુજરાતી ભાષામાં ‘ગૉળ’ અને ‘ગોળ’ના ઉચ્ચાર પ્રમાણે ભિન્ન અર્થવાળા શબ્દો મળે છે, તે જ પ્રમાણે યોરુબા ભાષામાં પણ હોય છે. આ સ્વરગત કે ઉચ્ચારગત ભાષા છે અને લિખિત સ્વરૂપમાં એવા ઉચ્ચારો દર્શાવવા માટે જો ઊંચો ઉચ્ચાર કરવાનો હોય તો અક્ષર ઉપર સ્વરાઘાત ચિહ્ન (‘) ડાબી તરફ ત્રાંસું અને નીચા ઉચ્ચાર માટે જમણી તરફ ત્રાંસુ ( ‘ ) મુકાય છે. મધ્યમ ઉચ્ચાર માટે કોઈ ચિહ્ન મૂકવામાં આવતું નથી હોતું. આ ભાષા અંગ્રેજી મૂળાક્ષરોમાં જ લખાતી હોઈ લખવામાં સરળતા રહે છે.

લૉર્ડ ઈબે  એ લેખકનું તખલ્લુસ કે ઉપનામ (Pen Name) છે. આ યુવાન લેખક પોતાના મૂળ નામને જાહેર કરવાનું પસંદ કરતા નથી. તેમનો “Lord eBay School of Thought” નામે બ્લૉગ છે, જેનું URL – https//ebayism.wordpress.com છે. તેમના બ્લૉગની Tag Line છે : AWAKENING THE SLEEPING READERS. એમના બ્લૉગ ઉપરથી તેમના વિષેનો કોઈ અંગત પરિચય મળતો નથી. અમારા પરસ્પરના પ્રારંભિક સંબંધમાં અંગત બાબતો અંગે વધુ ઊંડા ઊતરવું એ સૌજન્યતાના ખિલાફ હોઈ એમના વિષેનો વિશેષ પરિચય ન આપી શકવા બદલ દિલગીરી પેશ કરું છું. – વલીભાઈ મુસા]

* * * * *

હું મરવા કરતાં, બેશક, ચૂમી ભરવાનું વધારે પસંદ કરીશ!

Kissing Sketch

“હું ડાન્સ કરવા માગું છું; અરે ઓ બાનુઓ, બિન્ધાસ્ત!” (I want to dance, oh ye ladies who care,). મારું હૃદય પોકાર કરીને મને જે વાત કહેવા માગે છે તે સાંભળવાનો પણ મારી પાસે સમય નથી. મારી પાસે મૃત્યુ આવી જવા પહેલાંનો બહુ જ ઓછો સમય છે. કાશ! એકાદવાર પણ મારા ચહેરા ઉપર સ્મિત ફરક્યું હોત તો કેવું સારું થાત! મારા દોસ્તો પૉર્ચ આગળ આવી પહોંચ્યા છે અને મારું દ્વાર ખટખટાવે છે. તેઓ આર્જવભરી વિનંતી કરી રહ્યા છે કે હું મૃત્યુ પામવાનું  મુલતવી રાખું. પરંતુ એ દોસ્તો, તમે મોડા પડ્યા! આજે હું મરી જ જઈશ. ભલે ને તેઓ ગમે તેટલી મથામણ કરે, ભલે ને તેઓ પરસેવાથી રેબઝેબ થાય! ભલા, તેઓ કેવી રીતે કોઈને બચાવી શકે, જ્યારે કે તે જણ જીવવા માટેની કોઈ તમન્ના જ ન રાખતો હોય!” આવું મેં ખરેખર બે જ દિવસ પહેલાં કહ્યું હતું અને સાચે જ હું મરી પણ ગયો હતો; પરંતુ આશ્ચર્યની વાત એ બની છે કે આજે હું જીવતો-જાગતો છું અને શ્વાસ પણ લઈ રહ્યો છું.

ત્રણ જ દિવસ પહેલાંની એ વાત છે જ્યારે કે મને મારી પ્રિયતમા તરફથી એક સંદેશો મળ્યો છે. મારી એ પ્રિયતમા કે જેના વિષે હું એમ જ માનતો આવ્યો છું કે મારું સુખ બીજે ક્યાંય નહિ, પણ માત્ર અને માત્ર અદૃશ્ય એવા એના સીનામાં જ છુપાયેલું છે અને મારા સુખની એક માત્ર પ્રણય રૂપી ચાવી તેની જ પાસે છે. એણે મને લખ્યું છે : “વ્હાલા, મેં તારી પાસેથી જ જાણ્યું અને અનુભવ્યું છે કે સાચો પ્રેમ કેવો હોઈ શકે, પરંતુ એમ તને કહેવું મને સાવ અજુગતું નહિ જ લાગે કે તારા પ્રયત્નો વ્યર્થ જઈ રહ્યા છે! તું મારા પ્રત્યે જે પ્રેમ ધરાવે છે એવા પ્રેમની લાગણી હું તારા પરત્વે નથી ધરાવતી. મેં તને થોડોક પણ ચાહવા માટેનો પ્રયત્ન કરી જોયો છે, પણ એમાં હું સફળ થઈ શકી નથી. એવું તો નહિ હોય કે મારા બિનઅનુભવના કારણે પ્રેમ શું છે એ હું સમજી શકી ન હોઉં, કે પછી સાચે જ હું તને ચાહતી જ ન હોઉં? તું વફાદારી અને ઉદાત્તતાનું એક મૂર્ત સ્વરૂપ છે, પરંતુ હું બનાવટ કરીને તને એવી હૈયાધારણ તો નહિ જ આપું કે હું તને ચાહું છું. આપણા બંનેના ભલા માટે તું એવા અન્ય કોઈ પાત્રને શોધી લે કે ખરે જ  જે તને ચાહતું હોય, અને તારે એમ જ કરવું જોઈએ, હા! આ પળેથી હું મારા શક્ય પ્રયત્નોથી તારા માર્ગમાંથી દૂર જઈ રહી છું કે જેથી આપણી ભૂતકાલીન પ્રસન્નતાઓ તારી લાગણીઓને ઉત્તેજીત ન કરે કે જેમને સંભાળવી તારા કાબૂ બહાર હોય! સુખી થા!”

મેં જ્યારે સંદેશો વાંચ્યો, ત્યારે હું લગભગ ભડકી જ ઊઠ્યો હતો; આમ છતાંય મને ચોક્કસ ખાત્રી તો હતી જ કે આ એપ્રિલ ફૂલ પ્રકારનું ટીખળ હોવું જોઈએ, જો કે આ એપ્રિલ મહિનો તો નહોતો જ. મેં આ જાણ્યું ત્યારે મારી જાત માટે હું પોતે જાણે કે ત્રાહિત વ્યક્તિ જ હોઉં એવું મને લાગ્યું. હું એવો ડઘાઈ ગયો હતો કે મારા હાથમાં ફોન પણ પકડી રાખી શકતો ન હતો. મારી ફોન ઉપરની પકડ ઢીલી થતાં તે નીચે પડી ગયો. હું એવો સ્તબ્ધ બની ગયો હતો કે મારી જગ્યા ઉપરથી હાલી શકતો પણ ન હતો. હું જડ પૂતળાની જેમ ઊભો જ રહી ગયો અને આ સંદેશો સાચો હોવાની સંભાવનાથી હું ખરે જ ડરી ગયો હતો.

“અંકલ, તમારો  ફૉન પડી ગયો છે.” એમ કહેતાં એક છોકરાને મેં સાંભળ્યો.

“ઓહ, ઓહ (Ehn-ehn)! આભાર.” મેં બાઈક હંકારી દીધી અને જાણે ગાંજાના ઘેનમાં ઘેરાયેલી તપખીરી આંખોવાળા યુવાન મૉટરસાયકલિસ્ટ એવા મેં તેને ગંતવ્ય  સ્થાનનું સરનામું આપીદીધું.

મેં કપડાં બદલવાની પણ દરકાર કરી નહિ અને ઝટપટ રંગરોગાન વગરના એ બંગલા તરફ ધસી ગયો કે જે હમણાંનું તેનું નિવાસ સ્થાન હતું. જેવો હું એ ઘરે પહોંચ્યો કે તરત જ મને ખ્યાલ આવી તો ગયો હતો કે તેણે મોકલેલો સંદેશો એ ખરેખર તેની મજાક ન હતી. ઘરના પ્રવેશદ્વાર આગળ જ વતનમાંથી આવેલો તેનો ભાઈ ઊભેલો હતો! અને – જહન્નમની કેવી દુર્દશા, તેની મા પણ હાજર હતી! હું નાસ્તાહાઉસની પાછળથી જ્યારે દેખાયો, ત્યારે પેલો મારા તરફ આંગળી ચીંધી રહ્યો હતો. બસ, મને લાગ્યું કે કંઈક રંધાઈ રહ્યું છે.

મેં ચહેરા ઉપર સજ્જનતાનો એવો ભાવ ધારણ કર્યો જેવો કે કોઈ વિદાય થતી પોતાની દીકરી સામે જોઈ રહે; પરંતુ અફસોસ, એનો કોઈ હેતુ સર્યો નહિ. મને આવકારતી તેની આંખો એવી આક્રમક સાવરણા જેવી હતી, કે જાણે તે મને જમીન ઉપરથી વાળી ઝૂડીને સાફ કરી દેવા માગતી ન હોય!

“ગુડ  આફ્ટરનૂન, મૅમ (Ekasan ma)” મેં સલામ ભરી. “સફર કેવી રહી, મૅમ (Ekuurin ma)?  આશા રાખું છું કે આપની સફર તનાવપૂર્ણ  તો નહિ જ રહી હોય.”

“તમે મૌલાના છો (S’ewo l’aafa)?” મને ત્વરિત જવાબ મળી ગયો.

“હું મૌલાના (Semi l’aafa ke)?” હું મનોમન મારી જાતને પ્રશ્ન પૂછી બેઠો.

“આહ, હા મૅમ (Ah—yes ma).” મારી પાસે શબ્દો ન હતા. “ટ્યુનડે મારું નામ છે(Tunde ma).” જાણે કે હું મારી જાતને ખરે જ ઓળખાવી રહ્યો હતો, એવું મને લાગ્યું. “ફેન્મી તૈયાર (Se Funmi ti)….”

“તે અહીં નથી. એ અમારી સાથે આવેલી તેની બહેન સાથે બહાર ગઈ છે. હું સલાહ આપું છું કે મોડેથી તેની તપાસ કરજો ને!”

બસ, આ એ જ હતું. મારા ઉપર આવેલા સંદેશાની પાછળનાં કારણોમાં એ લોકો જ હતાં. એટલા જ માટે તો મને મૌલવી (Alfa) તરીકે ઓળખાવવામાં આવ્યો હતો, મુસ્લીમ તરીકે પણ નહિ! ‘મૌલાના’ સંબોધનમાં વેધક કટાક્ષ હતો અને એનાથી જ મને બધું સમજાઈ ગયું હતું. તેના ભાઈનો મારા હસ્તધૂનનના સ્વીકાર વખતનો ભાવ સાવ શુષ્ક હતો, પણ મેં એવો દંભ જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો હતો, જાણે કે મને કોઈ અકળામણ થઈ જ ન હતી. હું વધારે પ્રયત્ન કર્યા વગર પાછો ફરી ગયો અને હું છોભીલો પડ્યો હતો તે ન દેખાઈ જાય તે રીતે મેં હળવેથી ચાલતી પકડી.

હું ચહેરા ઉપર કટુ સ્મિત સાથે રસ્તે ચાલવા માંડ્યો. મારા મનમાં કોઈ મંઝિલ નિશ્ચિત ન હતી. મારી આંખો અશ્રુથી ભીંજાઈ ગઈ હતી, પણ હું મારાં આંસુને ખાળવામાં સફળ રહ્યો. અલ્લાહની કસમ, અમારું પણ એક સ્વપ્ન હતું! ફૂન્મી અને મેં ભાવી યોજના વિચારી રાખી હતી. અમે નક્કી કર્યું હતું કે અમે અમારા જન્મદિવસોની નજીકના દિવસે પરણી જઈશું. અમારે હઠીલાં બાળકો હશે જે આઈસક્રીમ ખાવાનાં શોખીન હશે અને ભણવામાં મેથેમેટીક્સમાં હોશિયાર હશે. અમારું એ પણ આયોજન હતું કે અમે લગ્ન પછી તરત જ દરિયા કિનારે ચૂપચાપ ઊપડી જઈશું અને બીચહાઉસમાં ઠહેરીશું. અમે ત્યાં નાનાં બાળકોની જેમ રમતો રમીશું અને  બાલ્યજીવનનો સમય પસાર કરીશું. આ બધું અચાનક કેમ બદલાઈ ગયું?

મેં તરત જ તેને ફોન ડાયલ કર્યો. મેં વિચાર્યું કે એ કંઈક કહે તે સાંભળવા પહેલાં મારે કોઈ અનુમાન ન કરી લેવું જોઈએ. કદાચ એ એમ કહેતી હસી પણ પડે કે “તો તું આટલો બધો કમજોર પડી ગયો અને હાલથી જ ડગમગવા માંડ્યો (Ootie le, sheru ti wan bae ni)?” ફોન રણકતો રહ્યો, પણ એણે ફોન ન જ ઉપાડ્યો. છટ્!

સમીસાંજે મારો ફોન જીવંત બનીને ગુંજી ઊઠ્યો અને ત્યારે જ મને ભાન થયું કે હું છેલ્લા ચાર કલાકથી રસ્તાની એક બાજુએ ગમન કરી રહ્યો હતો. મેં આજુબાજુ જોયું તો મને એ પણ ખ્યાલ આવતો ન હતો કે હું ક્યાં છું. આ બધી બાબતોનું કોઈ મહત્ત્વ ન હતું, ફોન વાગી રહ્યો હતો અને સ્ક્રીન ઉપર તેનું નામ હતું. મેં ઉપાડ્યો.

“હેલો બેબી (bae), શા માટે તેં મને વિચિત્ર સંદેશો મોકલ્યો હતો? હું અહીં આવારાની જેમ રઝળી રહ્યો છું. હું તારા ઘરે …”

“તારે મારા ઘરે આવવું જોઈતું ન હતું. એ લોકોએ કહ્યું કે તું આવ્યો હતો. જો સાંભળ, હું ઘણી જ દિલગીર છું, મને માફ કર. આ બધું સારા માટે જ છે, પ્લીઝ. ટ્યુન્ડે, ટ્યુન્ડે (Tunde, Tunde); તું મને સાંભળે છે? ભલે, સારું. મને ખાત્રી છે કે તું બહાદુર છે, બસ હિંમત રાખ.”

“આ કોઈ મજાક છે કે પછી ખરેખર, ખરેખર તું ગંભીર છે?

ટુ-ટુ-ટુ-ટુ-ટુ… કોલ બંધ થઈ ગયો.

દરેક જણ શું ઇચ્છતું હોય છે? સુખ! પણ સ્ત્રી ક્યાંથી મેળવી શકે! વળી એ પોતે પણ  સુખ આપવા ક્યાં તૈયાર છે, સામાન્ય સંજોગોમાં પણ! અમે લાંબા સમય સુધી પ્રતીક્ષા કરી શકતાં હતાં, વળી ધીરજ પણ રાખી શકતાં હતાં! છેવટે તો જે કંઈ શક્ય હોત, તે સ્વીકારી લેત! મેં તો માની લીધું હતું કે મેં મારું સુખ મેળવી લીધું છે, પણ શી ખબર વાસ્તવિકતા તો સાવ જુદી જ નીકળી અને હું માર ખાઈ ગયો! મારી અપેક્ષાઓ નિષ્ફળ પુરવાર થઈ. હું તો જડવત્ ઊભો જ રહી ગયો અને ફોન સામે જોતો જ રહ્યો. મારી આંગળીઓ ધ્રૂજતી હતી; મારા પગ ડગમગતા હતા; જાણે કે મારું શરીર ભારે થઈ ગયું હતું અને મારા પગ એ ભાર ખમી શકતા ન હતા. અને પછી તો મને હોર્નના પ્રચંડ અવાજની સાથે જોરદાર બ્રેકના કારણે ઘસરડાતાં ટાયરોનો કર્કશ ધ્વનિ સંભળાયો. મને લાગ્યું કે મારું આખું શરીર કઠોર ધરતી ઉપર પટકાયું છે અને પછી તો સાવ અંધકાર!

“ટ્યુન્ડે, ટ્યુન્ડે (Tunde, Tunde)! શ્વાસ લો. મને સાંભળી શકો છો? અરે, કોઈ આ વસ્તુ પકડવા માટે મને મદદ કરો, પ્લીઝ. થેન્ક ગૉડ, બચી ગયો. હું બોલું છું, એ સંભળાય છે?

મારી ઝીણી ફાટ પડેલી હોય તેવી સહેજ ખુલ્લી આંખો કોઈક માણસ જેવી સાવ ધૂંધળી આકૃતિને જોઈ રહી હતી. એ જણ મારી આંખમાં જમણેથી ડાબી તરફ ટૉર્ચનો પ્રકાશ ફેંકી રહ્યો હતો.

“હું તમને સાંભળી શકું છું. હું તમને જોઈ પણ શકું છું…’ હું મહાપરાણે બોલી શક્યો.

“સરસ, એ તો પ્રતિક્રિયા પ્રત્યક્ષ દેખાઈ જ આવે છે કે સ્વરતંત્ર અને જ્ઞાનતંતુઓની ગતિવિધિને કોઈ હાનિ પહોંચી નથી.”

તેમણે મારા પગના અંગુઠામાં ટાંકણી જેવું કંઈક ઘોંચ્યું.

“અઉંચ (Yeesh)”, મેં ઉહકારો કર્યો અને બોલી ઊઠ્યો, “મને અસર થઈ – અસર થઈ,”

“સરસ, સંવેદનાની કાર્યક્ષમતા બરાબર છે. એ એનાં પગનાં આંગળાં આમતેમ હલાવી શકે છે. કોઈ હાડકાં તૂટ્યાં નથી, સામાન્ય ઘા પડ્યા છે, અસ્થિભંગ (fracture) પણ નથી. ખૂબ જ નસીબદાર છે.”

તેઓ મને છોડી દઈને એ લોકો તરફ ફર્યા. હું હજુ સુધી જોઈ શકતો ન હતો કે એ લોકો કોણ છે. પરંતુ હવે હું સ્પષ્ટ જોઈ શકું છું. પેલો માણસ લૅબ-કોટ (Apparel)માં હતો. ડૉક્ટર! યા અલ્લાહ, હું હૉસ્પિટલમાં હતો! છત ઉપર ફરતો પંખો સલામ ભરી રહ્યો હતો અને મને આવકારતો હતો. તે મારા કાનમાં જાણે કે કોઈક ગીતનું ગુંજન કરી રહ્યો હતો! હું બોલવા જઈ રહ્યો હતો કે કોઈ આ પંખાને બંધ કરશે કે! પણ હું એ બોલી શક્યો નહિ.

“બહુ જ નસીબદાર છે,” ડૉક્ટરે કહ્યું. “એને કેટલાક મામુલી ઉઝરડા જ થયા છે, જે થોડાક દિવસોની કાળજીથી ઠીક થઈ જશે. હાડકાં ભાગ્યાં નથી, કોઈ આંતરિક ઈજા પણ થઈ નથી, ઘાતક કશું જ નથી. આજે રાત પહેલાં કે કાલે સવારે એને રજા આપી દેવામાં આવશે અને તમારે લોકોને એ ખ્યાલ રાખવો પડશે કે એને સંપૂર્ણ આરામ મળે, બરાબર? અને, તમારામાંથી કોઈએ એને દર ત્રણ દિવસે ઘા ઉપરની પાટાપટ્ટી બદલાવવા માટે લાવવો પડશે.”

ડૉક્ટર ફરીવાર મારી તરફ ફર્યા, મારા શરીરનાં કેટલાંક અંગોને સ્પર્શ કર્યો અને રૂમની બહાર જતા રહ્યા. મને હૉસ્પિટલથી સખત નફરત છે. હું મદ્યાર્ક (mentholated spirits) અને આયોડિનની દુર્ગંધ, દર્દથી કણસતાં દર્દીઓની ચીસો વગેરેને ખૂબ જ ધિક્કારું છું. મેં મારી આજુબાજુના ટોળામાં કોણ છે તે જોવા મારી ડોક ફેરવી.. પણ, આ શું!

મારા હાથમાંની નળીને ખેંચી કાઢીને હું પથારીમાંથી નીચે ઊતરી ગયો. મારા મિત્રોને  આઘા ખસેડીને હું મારી ગર્લફ્રેન્ડની સામે ઊભો રહી ગયો કે જેના લીધે હું આજે હૉસ્પિટલમાં હતો. મારા કંપતા હોઠોએ હું માત્ર આટલું જ બોલી શક્યો, “મને આ કંઈ જ સમજાતું નથી!”

“તારે સમજી લેવું જ પડશે,” તેણે સાવ સીધાસાદા શબ્દોમાં કહ્યું. “બસ, બધું પૂરું થઈ ગયું.”

“પણ, શા માટે? એવું તે શું થઈ ગયું?”

“કશું જ નથી થયું. મારાથી એ નહિ બની શકે, બસ એમ જ કે એ મારાથી નહિ થાય.”

“તારાથી નહિ થઈ શકે, પણ શું?”

“જે કંઈ પરિસ્થિતિ ઊભી થઈ છે, તેને સ્વીકારી લે. જિંદગી અનિશ્ચિતતાઓથી ભરેલી છે.” આમ કહેતાં તે પોતાનાં આંસુ છુપાવવા પાછળ ફરી ગઈ.

મેં હળવેથી તેના જમણા ખભા ઉપર હાથ મૂક્યો. મારા ઉદાસીના દિવસોમાં મારા માથાને ટેકવવા માટેનો એ જ તો મારો આશરો હતો. મને તીવ્ર વેદના થતી હતી, પણ હું સ્વસ્થ હતો.

“જિંદગી અનિશ્ચિતતાઓથી ભરેલી છે એમ બોલીને તું શું કહેવા માગે છે? મારી તરફ જો. તારે મારી સામે જોવું જ પડશે, બેબી (bae). આ ઠીક થતું નથી, તું કેમ મારાથી જુદી પડવા માગે છે? મેં તારી સાથે કોઈ છેતરપિંડી કરી છે? તું મને જૂઠાબોલો સમજે છે? મારાથી કંઈ એવું  થઈ ગયું છે કે …”

“તું મુસ્લીમ છે!” તે એકદમ મારા ચહેરા સામે જોઈને બોલી ઊઠી.

“ઓહ, એને શી નિસ્બત (shoroniyen)?” આગળ શું કહેવું તે મને સૂઝ્યું નહિ.

“તું મુસ્લીમ છે.” એણે એ જ શબ્દોનું પુનરાવર્તન કર્યું, દેખીતી રીતે  એ આશાએ એટલા જ માટે કે હું મારા બચાવમાં કે કંઈક એવું કહું.

“પણ હું હંમેશથી મુસ્લીમ જ છું અને એ તું જાણે પણ છે. આપણે એ વાતો કરી ચૂક્યાં છીએ અને તેં એમ પણ કહ્યું હતું કે ધર્મપરિવર્તન કરી લેવામાં તું કોઈની પણ પરવા નહિ કરે, યાદ છે? તો પછી, હવે એનું શું? આપણે શું એનો ઉકેલ લાવી નથી દીધો?”

“આપણે એવો કોઈ આખરી ઉકેલ લાવ્યાં નથી. એ ઉકેલ લાવવો એ કંઈ આપણા હાથની જ વાત નથી. મારાં માતાપિતા તને કદીય નહિ સ્વીકારે, બિલકુલ નહિ.”

“તેં એમની સાથે મારા વિષેની ચર્ચા કરી લીધી છે, એમ ને? અને એ લોકોએ મને વખોડી કાઢ્યો છે, એ પણ ખરું ને?

કોઈ પ્રત્યુત્તર નહિ.

“જો, મારી સાથે વાત કર. તો એ લોકો એટલા જ માટે અહીં આવ્યાં છે, કેમ ખરું કે નહિ? શું એ લોકોએ તને એમ કહી દીધું છે કે તું મારી સાથેના સંબંધો તોડી જ નાખે? એમણે તને એમ પણ કહ્યું છે કે  બધા મુસ્લીમો ‘બોકો હરમ’ જેવા આતંકવાદીઓ જ હોય છે, કહ્યું છે કે નહિ? હવે તું કેમ મારી સાથે વાત કરી શકતી નથી? અલ્લાહને ખાતર મારી સાથે વાત કર.”

તે રડી પડી.

“ભલે, તો પછી,” હું નમ્રતાપૂર્વક બોલ્યો. “મને તો એ વિચાર સુદ્ધાં પણ નહોતો આવ્યો કે એ લોકો આમ સહજ રીતે આપણી વચ્ચે આવી જશે. મેં તો માન્યું હતું કે જ્યારે આપણી વચ્ચે પ્રેમ મોજુદ છે, ત્યારે બીજાં બધાં વિરોધી પરિબળો કશું જ નહિ કરી શકે.”

“બસ, એજ તો મુદ્દો છે.” તે સંકોચસહ બોલી ઊઠી. “પ્રેમનો જ અભાવ છે ને! માત્ર ધર્મનું જ કારણ એકલું કારણભૂત નથી. હું તને ચાહતી જ નથી… સાચે જ! હું દિલગીર છું.”

તે પોતાની પર્સ લઈને બારણા તરફ ધસી ગઈ, જ્યાંથી તેણે અશ્રુસભર આંખો વડે મારા સામે જોઈ લીધું. એ આંખો કંઈક કહેવા માગતી હતી, પણ કોણ જાણે અચાનક કહેવાનું માંડી વાળ્યું હોય એમ મને લાગ્યું. હું ડઘાઈ ગયેલી સ્થિતિમાં તેને જોઈ રહ્યો, જાણે કે હું તેની આંખોમાંથી કોઈ જવાબ મેળવવા માગતો હતો કે પછી એવી કોઈ શક્યતાની આશાનું કિરણ પામવા માગતો હતો કે જે કંઈ બન્યું એ કોઈ ટીખળ કે મજાક જ હોય!

“આવજે, ટ્યુન્ડે” એણે કહ્યું અને મને બંધ થયેલા દરવાજા તરફ જોતો રાખીને ચાલી નીકળી.

હું ચીસ પાડી ઊઠ્યો.

આ તે કેવું દોજખ! છેવટે મજહબે મારા પહેલા જ પ્રણયને શું આમ જ લૂંટી લીધો? કે પછી એવું જ કંઈ? આ ત્રીજું વિશ્વયુદ્ધ જ હોવું જોઈએ.

હું  પ્રશ્નસૂચક નજરે મારા મિત્રોને જોઈ રહ્યો કે જે હજુ સુધી મને જોઈ રહેતા સાવ ચૂપચાપ ત્યાં જ ઊભેલા હતા. હું હંમેશાં અન્યોને માર્ગદર્શન અને પ્રેરણા આપવા માટે સમર્થ એવો એક વક્તા રહ્યો છું, અને તેથી જ હું ધારું છું કે એ લોકો એવી અવઢવમાં હતા કે મને શું કહેવું. હું ધીમેથી ઊભો થયો અને દરવાજાનો નકુચો ફેરવીને રૂમની બહાર નીકળી પડ્યો. મારા દોસ્તો મારી પાછળ પાછળ આવવા માંડ્યા. મેં જોયું કે હૉસ્પિટલની સામેના પાર્કીંગ લૉટમાં અન્ય કારોની વચ્ચે તેમની કારો પણ પાર્ક થયેલી હતી. હું આગળ વધતો જતો હતો અને થોડીવાર પછી પાછળ ફરીને જોયું તો તેઓ અમુક અંતર જાળવી રાખીને મારી પાછળ પાછળ આવી રહ્યા હતા. મેં એમને એક શબ્દ પણ કહ્યો નહિ. એ લોકો એવું ધારતા હતા કે મને ખરેખર ખૂબ આઘાત તો લાગ્યો જ છે, પણ સમય જતાં હું સ્વસ્થ થઈ જઈશ. એમને ખબર હતી કે મને કોઈ દિલાસો આપે તે મને ગમતું નથી અને તેથી જ તેમણે એ મારા ઉપર છોડી દીધું હતું કે હું પોતે જ મારો હૈયાધારક બનું. અમે બસ એ જ રીતે આગળ વધતા રહ્યા. મારા શરીરના સાંધેસાંધા મને એવી ઈજા આપી રહ્યા હતા, જાણે કે એમાં આગ ન સળગતી હોય! એક જગ્યાએ મેં જમણી તરફ જોયું અને મને એક મસ્જિદ દેખાઈ. મેં વળાંક લીધો  અને તેઓ પણ મારી પાછળ આવવા માંડ્યા. મેં વજૂ પણ કર્યું નહિ અને મસ્જિદમાં દાખલ થઈ ગયો. હું મસ્જિદની અધવચ્ચે જઈને ઘૂંટણિયે પડ્યો. મને એ જ  ખબર ન હતી કે હું શું કરી રહ્યો છું અને વળી એ શા માટે કરી રહ્યો છું. હું મારી જાતને સંબોધતો આ પ્રમાણે સાંભળી રહ્યો :

“યા અલ્લાહ, શા માટે આ દુનિયામાં માત્ર કોઈ એકના બદલે અનેક ધર્મો હશે? દરેક ધર્મ માને છે કે સર્વોપરી ઈશ્વર, અલ્લાહ કે God એ માત્ર તું જ છે. વળી એ બધાય ધર્મો મંદિરો, દેવળો કે મસ્જિદોમાં ઉમદા ચારિત્ર્યના જ ઉપદેશ આપતા હોય છે. શા માટે સૈકાઓથી એ લોકો આપસમાં લોહિયાળ લડાઈઓ લડતા આવ્યા છે? બીજા ધર્મોના સમૂહની નજરમાં શા માટે કોઈ એક ધર્મનો વ્યક્તિગત અનુયાયી નાસ્તિક, કોઈ પ્રતિકનો ઉપાસક કે  આસ્તિક  ગણાતો હશે? મારે શું ધર્મને ખાતર જ પરણવાનું હોય કે પ્રેમને ખાતર? શું મારા ધર્મમાં ન હોય તેવો કોઈપણ માણસ ખરાબ જ હોય અને તે જહન્ન્મવાસી જ હોય? જો એમ જ હોય, તો એ કેમ? મારા સમજવામાં કશું જ આવતું નથી. હું તારા ઉપર કોઈ દોષારોપણ કરી શકું પણ નહિ, કેમ કે તું કોઈપણ શાણી વ્યક્તિ કે હકીકત કરતાં પણ સૌથી વધારે શાણો છે. પરંતુ હું તો પ્રેમને ખાતર જ પરણવા માગું છું અને પરણ્યા પછી મારી પ્રિયતમા સ્વેચ્છાએ ધર્મપરિવર્તન કરવા માગે છે. અને, હે અલ્લાહ, તું જો તો ખરો કે અમે હાલ કેવી સ્થિતિમાં છીએ, સુખોથી વંચિત અને એ પણ ધર્મના કારણે જ! મારે ફરી ક્યાંથી શરૂ કરવું? આમાં ન્યાય ક્યાં છે?

મેં જવાબ સાંભળવા માટે મસ્જિદમાં થોડીકવાર રાહ જોઈ, પણ સાંભળી શકાય તેવો કોઈ  અવાજ ન આવ્યો. પછી તો હું ઊભો થઈ ગયો અને મારા દોસ્તો પાસે ગયો. મેં એમને કહ્યું, “ખરેખર, નિર્જીવ કઠપૂતળી જેવા એવા મારી પાછળ પાછળ હું જ્યાં જ્યાં જાઉં ત્યાં આવ્યે જવું તમારા માટે જરૂરી છે ખરું?”

“જો તેં એક છોકરીને ખાતર તારી જાતને મારી નાખવાની કોશિશ ન કરી હોત તો આમ અમે તારી પાછળ પાછળ આવ્યે જતા ન હોત. આજે તો તારે જ્યાં જવું હોય ત્યાં જા, અમે બધા બરાબર તારી પાછળ પાછળ જ આવીશું. જો તું એક છોકરીના કારણે મરવા માગતો જ હોય, તો તારે અમારા બધાની હાજરીમાં જ એમ કરવું પડશે; કેમ કે એ છોકરી કરતાં વધારે અમે તારી દરકાર કરીએ છીએ.”

મારી કહાનીને ટૂંકાવીને કહું તો એ દિવસની સાંજે હું મારા ઘરમાં આસપાસ છોકરીઓ વચ્ચે ઘેરાયેલો મેક ડફેસ (Mc Daface) દ્વારા હંકારાતી મારી વ્હીલચેરમાં હતો. બધા શરાબ સાથેની મિજબાની (Party) માણી રહ્યા હતા, કે જેનો મેં કદીય આસ્વાદ કર્યો ન હતો. થોડીક વાર પછી હું એક ઓરડામાં જતો રહ્યો. મેં મારા મિત્રોને બહાર રાખીને દરવાજો અંદરથી બંધ કરી દીધો અને ઝેર પી લીધું હતું. હું જિંદગીને ગુડબાય કહીને મારી આખરી મંઝિલે જવા ઊપડી ગયો હતો. હું ત્યાં જન્નતમાં જઈને અલ્લાહને મારો સવાલ પૂછવાનો હતો.

“હું ડાન્સ કરવા માગું છું; અરે ઓ બાનુઓ, બિન્ધાસ્ત!” (I want to dance, oh ye ladies who care,)” હું ગાવા માંડ્યો, “મારી પાસે મારા દિલની રડી લેવાની વાતને સાંભળવાનો સમય નથી. મારી પાસે મૃત્યુ આવી જવા પહેલાંનો બહુ જ ઓછો સમય છે. કાશ! એકાદ વાર પણ મારા ચહેરા ઉપર સ્મિત ફરક્યું હોત તો કેવું સારું થાત! મારા દોસ્તો પૉર્ચ આગળ આવી પહોંચ્યા છે અને મારું દ્વાર ખટખટાવે છે. તેઓ આર્જવભરી વિનંતી કરી રહ્યા છે કે હું મૃત્યુ પામવાનું  મુલતવી રાખું. પરંતુ એ દોસ્તો, તમે મોડા પડ્યા! આજે હું મરી જ જઈશ. ભલે ને તેઓ ગમે તેટલી મથામણ કરે, ભલે ને તેઓ પરસેવાથી રેબઝેબ થાય! ભલા, તેઓ કેવી રીતે કોઈને બચાવી શકે, જ્યારે કે તે જણ જીવવા માટેની કોઈ તમન્ના જ ન રાખતો હોય!”

હું ધરતી ઉપર ઢળી પડ્યો અને તત્ક્ષણ મૃત્યુ પામ્યો. પછી તો હું મારી જાતને એક મહાસાગર ઉપર જોઈ રહ્યો. હું તેની સપાટી ઉપર ઊભેલો હતો, પણ ડૂબતો ન હતો. ત્યાં નીરવ શાંતિ હતી, પણ ત્યાં સફેદ કફનીઓ પહેરેલા કેટલાક લોકો હતા. એ લોકો કોઈક દિશા તરફ ચાલી રહ્યા હતા, પણ હું નક્કી કરી શકતો ન હતો કે એ દિશા ઉત્તર છે કે દક્ષિણ. હું મારા કાનોમાં કંઈક હળવો અવાજ સાંભળી રહ્યો હતો અને અચાનક ભરપૂર દાઢીવાળો એક માણસ મારી ખૂબ જ નજીક સામે દેખાયો.

“તું ભલો માણસ છે.” તેણે કહ્યું. “પણ હંમેશાં ભલા માણસો થોડીઘણી પણ નિરાશાનો અનુભવ કર્યા વગર તેમના જીવનનો સુખમય સમય માણી શકતા નથી હોતા, એટલા માટે કે તો જ તેઓ સારા સમયનું મૂલ્ય આંકી શકે ને! ધર્મમાં એ એક જ વાત સમાયેલી છે કે જે માનવીના અજ્ઞાત મનમાંથી પાપ અને નકારાત્મક વિચારોને હડસેલી દે છે. એ તો દેખીતું જ છે કે આત્માથી ભિન્ન એવો આ સ્થુળ દેહ એ ધર્મની એ સઘળી આજ્ઞાઓનો વિરોધ કરશે અને તેમને ઢીલી પાડવાનો પ્રયત્ન કરશે. તેને તો એ આજ્ઞાઓ ન માનવામાં અને સ્વચ્છંદ રીતે વર્તવામાં જ પોતાનું સુખ સમાયેલું છે એવું લાગશે. જીવન એ માનવીને મળેલી એક એવી તક છે કે જેના થકી તે પોતાની પારલૌકિક જિંદગીને ઉજ્જવળ બનાવી શકે, પણ દુર્ભાગ્યે તે એ તક ગુમાવી બેસતો હોય છે. પ્રેમનું મહત્ત્વ છે, મજહબ કરતાં એનું વધારે મહત્ત્વ છે. જ્યાં પ્રેમ નથી, ત્યાં મજહબનું અસ્તિત્વ સંભવી શકે જ નહિ. હકીકતમાં તો મજહબ જે કોઈ એક જ વાત શીખવે છે; તે છે પ્રેમ, મહોબ્બત. પ્રેમ એક ઉમદા એવું માધ્યમ છે કે જે માનવીને જીવિત રહેવા માટે જોઈએ જ, પણ એ પ્રેમ વિષયાસક્તિભાવે પ્રાપ્ત થવો એ સંપૂર્ણપણે સાવ જુદી જ બાબત છે. પ્રેમ એ તો એવો આસ્વાદ છે કે જે જીવનને અર્થ આપે છે. જો એ પ્રેમને તમે ગુમાવી બેસો, તો તમારે એને મેળવી લેવા પ્રયત્ન કરવો જોઈએ; અને જો એ પ્રેમ પ્રાપ્ત ન કરી શક્યા તો જીવનનો કોઈ અર્થ કે હેતુ બાકી રહેતો નથી. આમ છતાંય આનો મતલબ એવો તો નથી જ થતો કે પ્રેમભંગ થયા તો મરી જ જવું. જો તમારે પ્રેમ મેળવવો હશે તો જરૂર જણાયે મજહબ સામે ટક્કર લેવી પડશે. આ ટક્કરનો મતલબ એ તો નથી જ કે સાપ જેમ પોતાની પૂંછડી આરોગી જાય તેમ તમારા મજહબને સાવ અવગણવો. છેવટે તો તમારો પોતાનો જે ધર્મ હોય તે તમારા કરતાં તો વધારે શાણો છે જ. ભાઈ, તું તારા મૂળ મુકામે પાછો ફર; અહીં આવવા માટેનો તારો સમય પાક્યો નથી. બસ, પ્રેમ કર; અને સામે પ્રેમનો જવાબ પ્રેમથી ન મળે તો પણ તું મરીશ તો નહિ જ. દરેક જણ કે જે કોઈને સાચો પ્રેમ કરે છે, તેને સામા પક્ષેથી તેનો  વહેલો કે મોડો પ્રતિસાદ તો મળતો જ હોય છે. એ જ વ્યક્તિ કે જે અમુક સમય પૂરતી તમારા પ્રેમનું મૂલ્ય આંકી શકી નથી; તે જ વ્યક્તિ તમારા પ્રેમને સમજશે, તેની પ્રશંસા કરશે અને વળતો પોતાનો પ્રેમ પણ જરૂર આપશે જ.”

એક જ દિવસમાં વળી પાછો હું બીજીવાર એ જ હૉસ્પિટલમાં દાખલ થયો. હું અણીદાર નાક, પહોળા ખભા, એકદમ ચમકતા હોઠ અને ભરાવદાર છાતી ધરાવતી એ પરિચારિકા સામે જોઈ રહ્યો. એ બીજીઓ કરતાં યુવાન હતી અને મને માપતી નજરે મારા સામે જોઈ રહી.

“હવે કેમ લાગે છે?”

“મને ખબર નથી.” મેં નિખાલસ જવાબ આપી દીધો.

“માથું દુ:ખે છે?”

“એવું જ કંઈક.” મેં ખભા ઉલાળતાં કહ્યું. “હું મરી ગયો તો નથી ને?”

“ના, મિ. ટ્યુન્ડે (Mr. Tunde); લગભગ નહિ જ! તમારા મિત્રોએ આ કેસમાં પોલીસને સામેલ ન કરવાની વિનંતી કરી. જો એમ ન થયું હોત, તો હાલ તમે પાગલખાનામાં હોત! વળી આભારવશ થાઓ  કે ફરજ ઉપર તમારી પરિચારિકા તરીકે હું છું અને એ લોકો તમારા મિત્રો છે. વારંવાર આત્મહત્યા માટે ઉત્તેજિત થનારનું સ્થાન પાગલખાનામાં જ હોય કે જેમાંથી બહાર નીકળવાનો કોઈ દરવાજો નથી હોતો.”

“પણ હું ગાંડો નથી. અને જિંદગી એ મારી પોતાની છે. જો હું ઇચ્છું તો તેનો અંત લાવવાનો મને સંપૂર્ણ અધિકાર છે.”

“તો પછી તમે એક નંબરના મૂર્ખ અને સ્વાર્થી પણ ખરા! તમને ખબર છે કે તમને ચાહનારા લોકો અહીં છે? કારણ કે એક છોકરીએ તમને છોડી દીધા અને મરી જવું એ જ તમારા માટે છેલ્લો ઉપાય છે એમ જ ને? તમે નમાલા છો. તમે માણસ નથી.”

“વાહ! જો હું માણસ નથી, તો પછી કૂકડો છું? મને બરાબર જોઈ લો અને તમને લાગશે જ કે હું માણસ જ છું.”

“છેલ્લી કક્ષાના મૂર્ખ, જો મોટા કૂકડા માણસની વ્યાખ્યા કરવા અને તેને ઓળખવા બેસે તો તેમની નજરે માઈક ટાયસન (Mike Tyson) અમેરિકાના પ્રમુખ લાગે અને બરાક ઓબામા (Barrack Obama) ઘણું કરીને સુથાર જ લાગે. જો આ વાત મારા ઉપર છોડવામાં આવે તો હું ગંભીરતાથી કહું છું કે જો તમે મરવા માગતા જ હો તો હું તમને રોકીશ નહિ. હકીકતમાં તો હું ખાત્રીબંધ કહું કે મને હૉસ્પિટલે  બોલાવવામાં આવી તે પહેલાં તમે ખરેખર મરી ગયેલા જ હતા!”

“એમ બોલો નહિ, તો પછી તમે ક્રૂર છો. મને એમ કેમ લાગે છે કે પરિચારિકાઓ હંમેશાં ક્રૂર જ હોય છે.”

“એ શ્રીમાન, કોઈ પરિચારિકા કદીય ક્રૂર નથી હોતી; અમે માત્ર પરિચારિકાઓ જ હોઈએ છીએ. અહીં તો તમે જ તમારી જાત માટે ક્રૂર છો. તમે જુવાન, રૂપાળા અને આવા સારા મિત્રો ધરાવતા માણસ છો અને આ પૃથ્વી ઉપરની એવી કઈ બાબત છે કે જે તમારી જાતને મારી નાખવા માટે તમને પ્રેરે છે?

“મારી પ્રેમિકાનાં માબાપ એને મને પરણવાની ના પાડે છે, કારણ કે હું મુસ્લીમ છું.”

 “જો એ સાચું હોય તો નવાઈભર્યું કહેવાય, તેમ છતાંય એ લોકો સાવ મૂર્ખ તો ન જ ગણાય; કેમ કે આવા કિસ્સાઓ સર્વસામાન્ય અને ન્યાયી ઠેરવી શકાય તેવા હોય છે. પરંતુ જો એ વાત મને લાગુ પડતી હોય તો હું તેની જરાય દરકાર ન કરું. આખરે કોઈ માણસ પોતાના જ ધર્મવાળી કોઈ વ્યક્તિને પરણે તો સુખી થવાની કોઈ ખાત્રી થોડી મળી જતી હોય છે? દર વર્ષે મોટા ભાગના છૂટાછેડાઓ સમાનધર્મી યુગલોના થતા હોવાનું નોંધાયું છે. મેં મિસ ફૂન્મીને જોઈ છે, તેનું નામ એ જ નથી, વારુ? એ અહીં જ બહાર તમારા મિત્રોની સાથે છે. તે રડી રહી છે અને ખિજાયેલી પણ છે. હું ખાત્રી આપું છું કે એ તમને ચાહે છે. તે હાલમાં તમારા જ કારણે ખૂબ જ માનસિક તનાવમાં હોઈ શકે. તમારે તેની સાથે રહીને પડકારને ઝીલી લેવો જોઈએ, નહિ કે તેના કમજોર નિર્ણયના કારણે તેને ભૂતિયા જેવી છોડી દઈને એક મૂગા કાયરની જેમ ભાગી જવું જોઈએ. જો હું ન્યાય તોળું તો આ સઘળી કહાનીમાં હવે તમે, આમ કહેતાં માફી ચાહું છું, કૂતરીના પેટના સાબિત થાઓ છો. જ્યારે તમને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવે, ત્યારે તમારે તેની સાથે વાત કરવી જોઈશે. જ્યારે ધર્મો તમારા સંબંધોને પડકારે, ત્યારે તમારે લડી લેવું જોઈએ. કોઈ મૂર્ખની જેમ આમ સાવ સહેલાઈથી શરણાગતિ ન સ્વીકારાય. પ્રેમ હંમેશાં જીતે જ છે. પ્રેમને જો કોઈ હરાવી શકતું હોય તો તે માત્ર મોત જ છે અને ઈશ્વરનો આભાર માનો કે તમે હજુ જીવિત છો.”

બરાબર એ જ સમયે બારણું ખૂલ્યું અને એ વખતે તેની માતા, સગાંવહાલાં અને મારા મિત્રોની સાથે અંદર કોણ દાખલ થયું, ખબર છે? મારી પ્રેમિકા જ તો, વળી!

જેવાં સૌ પાછાં હઠ્યાં કે તરત જ તે મારા ઉપર ઝૂકી અને તેણે મને તેની માતાની હાજરીમાં જ અવિસ્મરણીય એક એવું દીર્ધ ચુંબન જડી દીધું. તેની આંખમાંથી વહેતાં અશ્રુ મારાં અશ્રુ સાથે એકાકાર થઈ ગયાં.

“મરીશ નહિ,” તે બોલી ઊઠી. “ જ્યારે તારા મરી ગયા હોવાનો મને વિચાર આવ્યો, ત્યારે હું મારા માટે કલ્પના જ નહોતી કરી શકતી કે હું જીવિત રહી શકું. છટ્, તારી મરજી હોય તો તું ભલે નાસ્તિક થઈ જાય; તોય હું તને જ પરણવાની છું. ગમે તેમ તોયે, તું ઈશ્વરનો આભાર માન કે તું મુસ્લીમ તો છે. હું એવા કેટલાય મુસ્લીમોને જાણું છું કે એ ભલા લોકો છે; દાખલા તરીકે મિ. રફીયુ સાન્ની વિનયી, પ્રમાણિક અને આદરણીય માણસ છે. આવનારા દિવસોમાં હું હિજાબ ધારણ કરીશ, તારી સાથે મક્કા જઈશ અને હાજિયાણી થઈને પાછી ફરીશ. પણ એ બધું ત્યારે જ બની શકશે; જ્યારે કે, અબી, તું જીવતો હોઈશ. મારી છોકરમત બદલ મને માફ કર. આ બધું મારા કારણે જ થયું છે. પરંતુ સાથે સાથે એ પણ છે કે જો આ બધું થયું ન હોત તો મને પોતાને ખબર ન પડી શકી હોત કે હું ખરેખર તને કેટલો ચાહું છું. મારાં મમ્મી અહીં હાજર છે. એમણે આ બધું ત્યારે સાંભળ્યું જ્યારે કે તારા મિત્રોએ મને ફોન કર્યો અને મારા ફોનનું સ્પીકર ચાલુ હતું. હું તેમની હાજરીમાં કહું છું કે જો તેઓ મને તને પરણવા નહિ દે, તો તેમણે જ મને તારી સાથે પરણાવવી પડશે; કારણ કે એમ હું મારા ટ્યુન્ડેને મરવા તો નહિ જ દઉં. બોલ, તું હજુય મરવાનું વિચારે છે?”

મારું મોં અટ્ટહાસ્ય સાથે પહોળું થઈ ગયું અને જોયું કે મારા મિત્રો બિનજરૂરી ભાવોત્તેજક બની રહ્યા હતા. એ લોકો બધા અહીં શા માટે ભેગા થયા હશે, અલ્લાહ એમ ન કરે, એમ સમજીને કે જાણે મારી અંતિમ દફનક્રિયા તો ન હોય!

“બેબી” છેવટે હું ગણગણ્યો.” તું શા માટે એમ પૂછે છે? મોત! ના,રે,ના; હું મરવા કરતાં, બેશક, ચૂમી ભરવાનું વધારે પસંદ કરીશ!

તે ઉલ્લાસભેર બોલી ઊઠી, “હું..ત…ને…ચા…હું…છું…ઉં…ઉં…ઉં!” (I loooove yuuuuu)

“બેબી, હું પણ તને ચાહું છું. ( Love you too bae.)”

અને એમના હોઠ ચુંબનોમાં ચોંટી ગયા (Loro badi muah muah muah). હાજર બધાંએ હળવેથી તેમનાં મોં આડાં ફેરવી લીધાં.

સમાપ્ત

-લૉર્ડ ઈબે (Lord eBay) (મૂળ લેખક)

( ઈ મેઈલ – “Prince M. B. A. Atingisi”< fansebay@yahoo.com> )

-વલીભાઈ મુસા (Valibhai Musa) (ભાવાનુવાદક)

* * * * *

Disclaimer:

(All credit goes to DragoArt.com for image used here. This Blog does not have any commercial purpose; even though image will be removed immediately if objection is intimated to my contact appearing at Home Page.)

* * *

ટિપ્પણી :

લેખકે નીચેના શબ્દોમાં આ વાર્તાના ભાવાનુવાદ માટે મને ઉદાર સંમતિ આપી છે અને યોરુબા ભાષામાંના કેટલાક સંવાદોની સમજૂતિ માટે તેમણે આખીય વાર્તાને ફરી લખીને મોકલી આપી છે. વળી લેખકની મૂળ વાર્તામાંના શયનખંડમાંના પૌર્વાત્ય સંસ્કૃતિ પ્રમાણે ઔચિત્યભંગ કરતા ચિત્ર (Image)ના બદલે મેં મધ્યમ માર્ગે એ મતલબના મારી પસંદ પ્રમાણેના રેખાચિત્ર (Sketch)ને સ્થાન આપ્યું છે, જે અંગેની તેમની સહમતી તેમના ઔદાર્યને અને આપણી સંસ્કૃતિ પ્રત્યેની તેમની માનસન્માનની લાગણીને દર્શાવે છે. આ સઘળા બદલ તેમનો હું આભાર વ્યક્ત કરું છું અને ધન્યવાદ પાઠવું છું.

Dear Mr. Musa,

About ‘I DON’T WANNA DIE’ being translated, why not? I’d gladly assist you through the process as you may require, for after all, messages are meant to be heard, not fenced.

You have my consent. Thank you.

-Lord eBay (M. B. Adebayo)

= = = = =

Valibhai Musa, that sounds great to me. You have my consent. The “dialogues other than English” are in Yoruba language, a popular language in West Africa spoken by Yorubas. I’m willing to guide you through if you’ll go for the translation. Thanks.

-Lord eBay (M. B. Adebayo)

-વલીભાઈ મુસા

 

Tags: , , , , , , , , , , , , ,

8 responses to “(૪૮૯) હું મરવા કરતાં, બેશક, ચૂમી ભરવાનું વધારે પસંદ કરીશ! -વલીભાઈ મુસા (ભાવાનુવાદક)

  1. harnishjani52012Harnish Jani USA

    August 9, 2015 at 2:18 am

    ભાષાંતર,આપણી સંસ્કૃતિને ૧યાનમાં રાખીને કર્યું છે. તે સમજાય એવું છે. વાર્તામાં મધુરાયની શૈલિી વધુ વર્તાય છે. સરસ. એક જ બેઠકે વાંચી ગયો. અમુક પેરેગ્રાફ બે ત્રણ વાર વાંચવા પડ્યા વાર્તા સમજવા માટે.. બહુ સરસ અને વલદાને અભિનંદન. (હું શરીફાજી વિજળીવાળા પાસેથી ભાષાંતર કેવી રીતે વાંચવું એ શિખ્યો છું. મતલબ કે એમના સુચનો મને ક્ર્યા હતા.

    Like

     
  2. સુરેશ

    August 9, 2015 at 2:33 pm

    સરસ સત્યકથા.

    Like

     
  3. munira ami

    August 11, 2015 at 5:31 am

    ગુજરાતી સાહિત્ય વર્તુળમાં યોરૂબા ભાષી લેખક લૉર્ડ ઈબેનું સહુ પ્રથમ તો અભિવાદન। એમની આ ઉત્તમ વાર્તા રૂપી મહેમાનની, વલીકાકાની ભાવાનુવાદ શૈલી મેઝબાન થઇ…
    આ મેઝબાનની મિજબાની વિષે વાત કરીશ તો બધી જ સારી સારી ઉપમાઓ ખર્ચાઈ જશે; એટલે, આ મહેમાન ને, પ્રેમમાં પાડવા કરતાં પ્રેમમાં ઉઠવાની, પ્રિયપાત્ર પાછળ ફના થવા કરતાં તેને ખાતર તેની સાથે જીવવાનો માર્ગ શોધવાનો ઉમંગ રેલાવતી સુંદર કૃતિ તરીકે બિરદાવવાની વાત જ કરીશ।

    Like

     
  4. pravinshastri

    August 15, 2015 at 2:20 am

    મને રિબ્લોગ કરતાં આનંદ થશે. આપનો આભાર.

    Like

     
  5. pravinshastri

    August 15, 2015 at 2:35 am

    Reblogged this on પ્રવીણ શાસ્ત્રીની વાર્તાઓ અને મિત્રોની પ્રકીર્ણ પ્રસાદી and commented:
    આ વાર્તાના મૂળ લેખક લૉર્ડ ઇબેની ઈચ્છા એમની વાર્તા એજૂદી જૂદી ભાષાના વાચકો સૂધી પહોંચાડવાની છે. એ માટે ભાષાંતરકાર વિદ્વાન મિત્ર શ્રી વલીભાઈ મુસાએ મને રિબ્લોગ કરવાની તક આપી છે તે બદલ હું એમનો અને લૉર્ડ ઇબેનો આભારી છું. આશાછે કે મારા વાચક મિત્રોને ગમશે જ.

    Like

     
  6. Mukesh Raval

    August 19, 2015 at 3:58 am

    Resp.Valibhai, Your enthusiasm to translate a story of an African author written in English with Yoruba accents and your zeal to learn the basics of Yoruba lang. is commendable.I would like to congratulate you both for a superb creation and mesmerizing translation.
    I quote,” મારું મોં અટ્ટહાસ્ય સાથે પહોળું થઈ ગયું અને જોયું કે મારા મિત્રો બિનજરૂરી ભાવોત્તેજક બની રહ્યા હતા. એ લોકો બધા અહીં શા માટે ભેગા થયા હશે, અલ્લાહ એમ ન કરે, એમ સમજીને કે જાણે મારી અંતિમ દફનક્રિયા તો ન હોય!

    “બેબી” છેવટે હું ગણગણ્યો.” તું શા માટે એમ પૂછે છે? મોત! ના,રે,ના; હું મરવા કરતાં, બેશક, ચૂમી ભરવાનું વધારે પસંદ કરીશ!

    તે ઉલ્લાસભેર બોલી ઊઠી, “હું..ત…ને…ચા…હું…છું…ઉં…ઉં…ઉં!” (I loooove yuuuuu)

    “બેબી, હું પણ તને ચાહું છું. ( Love you too bae.)”

    અને એમના હોઠ ચુંબનોમાં ચોંટી ગયા (Loro badi muah muah muah). ”
    I liked the story very much and what impressed me is the flow ,the superb pace with which Lord E-bay has forwarded the content without missing and diverging…..Congrats to you both .

    Liked by 1 person

     
  7. dee35(USA)

    August 19, 2015 at 5:17 pm

    સરસ વાર્તા અને અનુવાદ કરનાર તેમજ રીબ્લોગ કરી વાંચવા માટેનો લાભ આપવા બદલ સર્વેનો આભાર.

    Liked by 1 person

     

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.