RSS

(642) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન  અને રસદર્શન – ૬૮  (આંશિક ભાગ –૩)ફિર મુઝે દીદા-એ-તર યાદ આયા (ગ઼ઝલ)  – મિર્ઝા ગ઼ાલિબ  -વલીભાઈ મુસા (રસદર્શનકાર)

31 Aug

ફિર મુઝે દીદા-એ-તર યાદ આયા (શેર ૭ થી ૯)  



આહ વો જુરઅત-એ-ફ઼રિયાદ કહાઁ
દિલ સે તંગ આ કે જિગર યાદ આયા (૭)

[જુરઅત= હિંમત, શક્તિ; ફ઼રિયાદ= શિકાયત, વિલાપ]

રસદર્શન: 

આ ગ઼ઝલના પ્રથમ શેરના અનુગામી (Sequel) તરીકે આવતો આ શેર વાત તો એ જ કહે છે, પણ અહીં જુદા અંદાઝમાં કહેવાય છે. વળી ગ઼ાલિબ શરીરશાસ્ત્રની રૂધિર ઉત્પન્ન થવાની અને તેના પરિભ્રમણની પ્રક્રિયાને અન્ય શેરની જેમ અહીં પણ પ્રયોજે છે. માનવશરીરમાં યકૃત (Lever) લોહી ઉત્પન્ન કરવામાં સહાયક અવયવ છે, જ્યારે હૃદય લોહીના પરિભ્રમણનું કામ કરે છે. હવે અહીં હૃદય એવી દયાજનક સ્થિતિમાં આવી જાય છે કે તેને પરિભ્રમણ કરવા માટેનો રૂધિરનો પુરવઠો જે યકૃત તરફથી મળતો હતો તે બંધ થઈ જાય છે. હવે જ્યારે રૂધિરનો પુરવઠો જ બંધ હોય, ત્યારે હૃદય કેવી રીતે ધબકી શકે. 

આપણે હાલ સુધી તો જે અર્થઘટન કર્યું છે, તે માત્ર સ્થુળ અર્થમાં છે, પરંતુ શાયરાના અંદાઝમાં કહેતાં ભાવાત્મક વાસ્તવિકતા તો કંઈક ભિન્ન જ છે અને તે એ છે કે અહીં દિલની સંવેદના સ્થગિત થઈ જાય છે. આ સ્થગિતતાનું કારણ એ છે કે સંવેદના જગાડવા માટેના ઉદ્દીપક તરીકે કામ કરતું મહત્ત્વનું પરિબળ હવે નિષ્ક્રીય થઈ ગયું છે. આમ સંવેદનહીનતાથી તંગ આવેલા દિલને ઇશ્ક અભિવ્યક્ત  કરવામાં શુષ્ક રહેતી માશૂકાની યાદ આવી જાય છે. માશૂકા જ તો દિલની ધડકન હોય છે અને તેનો અભાવ અહીં માશૂકને સાલે છે. 

* * *

ફિર તિરે કૂચે કો જાતા હૈ ખ઼યાલ
દિલ-એ-ગુમ-ગશ્તા મગર યાદ આયા (૮)

[કૂચે= ગલી (Lane); દિલ-એ-ગુમ-ગશ્તા=  ખોવાયેલું દિલ (Lost heart)]

રસદર્શન :

અગાઉ પણ કહેવાઈ ચૂક્યું છે કે ગ઼ઝલ એક એવો પદ્યાત્મક સાહિત્યપ્રકાર છે, જેના તમામ શેર ભાવાત્મક રીતે એવી રીતે ગુંથાયેલા રહેતા હોય છે જેવી રીતે કે કોઈ દોરો પરોવાયેલા મણકાઓની માળા હોય કે પછી એક જ તારથી જોડાયેલાં ફૂલોનો હાર હોય. વળી એ પણ સાચું કે દરેક શેરમાં જળવાતું રહેતું ભાવસાતત્ય એકસરખું હોવા છતાંય પ્રત્યેક શેર સ્વતંત્ર રીતે ઊભો તો રહી જ  શકતો હોય છે. આમ ભાવસાતત્ય જાળવવામાં ગ઼ઝલનો રદીફ કે જે દરેક શેરમાં અચલ રહેતો હોય છે તેની ભૂમિકા મુખ્ય ગણાય છે. આપણી આ ગ઼ઝલમાં ‘યાદ આયા’ રદીફ છે અને માશૂકને જુદીજુદી પરિસ્થિતિઓમાં કંઈક ને કંઈક યાદ આવતું રહે છે. 

હવે આપણે આ શેરના પહેલા ઉલા મિસરાને સમજીએ તો માશૂકનો ખયાલ માશૂકાની ગલી તરફ જાય છે અને ઘડીભર તો માશૂક એ મનભાવન જગ્યાને વિચારવિહાર થકી માણે પણ છે, કેમ કે તેનું ચિત્ત માશૂકાના ઇશ્કમાં એવું તો જડબેસલાક ગિરફતાર થયેલું હોય છે કે જેના કારણે માશૂકા પરત્વેનો ખ્યાલ તેનો પીછો છોડતો નથી. પરંતુ તરત જ બીજા સાની મિસરામાં માશૂકને એ ગલીમાં અનુભવાયેલી દુ:ખદ અને ગમગીન વિરહની પળોની યાદ આવી જાય છે કે જ્યાં તે પોતાના દિલને ખોઈ બેઠો હતો.

આ શેરના ઉપરોક્ત અર્થઘટનથી વિપરીત અર્થપ્રાપ્તિ ‘મગર’ શબ્દને અર્થાંતરે સમજતાં એ પ્રાપ્ત થાય છે કે માશૂકની તેના ખોવાઈ ગયેલા અર્થાત્ ગમગીન થઈ ગયેલા દિલની વેદના ફરી પ્રજ્વલિત થઈ જતાં માશૂકાની ગલીની યાદ આવી જાય છે. આમ અહીં કાર્યકારણનો ક્રમ બદલાઈ જાય છે, મતલબ કે પહેલાના કારણે બીજુંના બદલે બીજાના કારણે પહેલું સમજાઈ જાય છે. આમ ઉદ્દીપકોની ફેરબદલી છતાં શેરનો મધ્યવર્તી સાર તો યથાવત્  જળવાઈ જ રહે છે.                  

 * * *

કોઈ વીરાની સી વીરાની હૈ
દશ્ત કો દેખ કે ઘર યાદ આયા (૯)

[વીરાની= નિર્જન, ઉજ્જડ, અવાવરુ; દશ્ત= રણ] 

રસદર્શન :

આ શેરના પ્રથમ ઉલા મિસરાનું પઠન કરતાં જ આપણને ગ઼ાલિબના શબ્દરમતના કૌશલ્યનો પરચો મળી જાય છે. આનો વાચ્યાર્થ તો આમ જ થાય કે કોઈ (સૂમસામ) નિર્જનતા જેવી નિર્જનતા દેખાઈ કે અનુભવાઈ રહી છે. ગ઼ાલિબને નિર્જનતાની ગહરાઈ વર્ણવવા કોઈ શબ્દ મળતો નથી અને તેથી જ તો એ જ ‘નિર્જનતા’ શબ્દને પ્રયોજી લે છે. અહીં અલંકારશાસ્ત્રના અનન્વય અલંકારનો આભાસ થાય છે, જેમ કે ઉદાહરણ રૂપે ‘મા તે મા’; પરંતુ આમાં પેટા પ્રકારે રૂપક અલંકાર સમજાય છે; જ્યારે આપણા આ મિસરામાં ‘સી’ એટલે કે ‘જેવી’ સમજતાં પેટાપ્રકાર ઉપમા અલંકાર બનશે. ‘વીરાની સી વીરાની’ને સમજવા એક વધુ ઉદાહરણ લઈએ, ‘માણસ જેવો માણસ’; અર્થાત્ (ગુણસંપન્ન) માણસ જેવો જે તે માણસ. અહીં ‘વીરાની’ની તીવ્રતા દર્શાવવા ‘વીરાની’ શબ્દ જ લેવાયો છે અને તેથી જ તો આ શેર ‘જરા હટકે’ બની જાય છે. 

હવે બીજા સાની મિસરાને સમજવા ઉપરોક્ત મિસરાનું અનુસંધાન સાધતાં એવો અર્થભાવ મળે છે કે પેલી રણની ઉજ્જડતાને જોઈ કે અનુભવીને માશૂકને તેમના બરબાદ કે ઉજ્જડ થઈ ગયેલા ઘરની યાદ આવી જાય છે. અહીં રસશાસ્ત્રનો વિપ્રલંભ શૃંગાર રસ બને છે. માશૂકાની હાજરી વિનાનું ઘર વેરાન રણ જેવું જ લાગવું સ્વાભાવિક છે. આમ માશૂકાનો વિયોગ અહીં એવો ઘેરો બની જાય છે કે માશૂકનું દિલ બેસુમાર ગમગીની અનુભવતાં શુષ્ક રણ જેવું જ બની જાય છે. બંને મિસરાને સંયુક્ત રીતે સમજતાં આખો શેર સારાંશે તો એમ જ સમજાવે છે કે પેલું નિર્જન રણ અને માશૂકનું માશૂકાવિહોણું ઘર ઉભય સમાન જ છે.   

(ક્રમશ:)

– મિર્ઝા ગ઼ાલિબ (ગ઼ઝલકાર)      

– વલીભાઈ મુસા (રસદર્શનકાર)                                                                                            

* * *

ઋણસ્વીકાર:

(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…

(૨) http://www.youtube.com વેબસાઇટનો…

(૩) Aksharamukha : Script Converter http://aksharamukha.appspot.com/converter

(૪) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા 

(૫) Courtesy : https://rekhta.org  

(૬) Courtesy –  urduwallahs.wordpress.com

(૭) Courtesy – http://sukhanwar-ghalib.blogspot.in

(૮) યુ-ટ્યુબ/વીડિયોના સહયોગી શ્રી અશોક વૈષ્ણવ અને શ્રી નીતિન વ્યાસ 

* * *

 

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.