RSS

(646) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન  અને રસદર્શન – ૭૨  (આંશિક ભાગ –3)કભી નેકી ભી ઉસ કે જી મેં (ગ઼ઝલ)  – મિર્ઝા ગ઼ાલિબવલીભાઈ મુસા (રસદર્શનકાર)

કભી નેકી ભી ઉસ કે જી મેં ગર આ જાએ હૈ મુઝ સે  (શેર ૭ થી ૮)

હુએ હૈં પાઁવ હી પહલે નબર્દ-એ-ઇશ્ક઼ મેં જ઼ખ઼્મી
ન ભાગા જાએ હૈ મુઝ સે ન ઠહરા જાએ હૈ મુઝ સે (૭)

[નબર્દ-એ-ઇશ્ક઼= પ્યારની લડાઈ]

રસદર્શન :

આ શેર એટલો બધો રમૂજી છે કે આપણે આપણા હાસ્યને ખાળી શકીએ નહિ. માશૂક કહે છે કે મહેબૂબા સાથેની ઇશ્કની લડાઈમાં પહેલાંથી જ પગ એવા તો ઘાયલ થઈ ગયા છે કે તેમનાથી ભાગી જઈ શકાતું નથી કે ઠહેરી પણ શકાતું નથી. અહીં ગૂઢાર્થ તો એ છે મહોબ્બતની લડાઈમાં માશૂકા વધુ આક્રમક છે અને તેથી જ તો માશૂકના પગ ઘાયલ થઈ ગયા છે. હવે મહેબૂબા તરફથી વધુ પિટાઈ ન થાય તે માટે માશૂકે ભાગી જવું તો જોઈએ, પણ એ શક્ય નથી; તો વળી ત્યાં ને ત્યાં રોકાઈ જવું પણ મુનાસિબ નથી. આમ સાવ દેશી શબ્દોમાં કહી શકાય કે ‘બેઉપાનું દુ:ખ’ એટલે કે ‘બંને તરફનું દુ:ખ’ છે. હવે આપણે આ જ શેરને થોડોક ગંભીરતાથી લઈએ, તો માનવજીવનમાં ઘણીવાર એવા સંજોગો ઉદ્ભવતા હોય છે કે સામસામા બંને છેડે જોખમ તો એક સરખું જ રહેતું હોય છે; જેમ કે આગળ કૂવો અને પાછળ ખાઈ (ખીણ), એટલે કે  બંને તરફ મોત! શેરનો બીજો ઇંગિત અર્થ ‘અનિર્ણાયક સ્થિતિ’ એ પણ લઈ શકાય. આ વાતના સમર્થનમાં શેક્સપિયરના નાટક ‘હેમલેટ’ના વિખ્યાત સંવાદ ‘To be or not to be, that is the question.’ને ટાંકી શકાય. છેલ્લે વિચારતાં એમ લાગે છે કે આ શેરના શબ્દચિત્રને માત્ર માશૂક-માશૂકાનું દ્વંદ્વયુધ્ધ એવા સ્થૂળ અર્થમાં ન સમજતાં હળવા ભાવાત્મક એવા વાક્યુદ્ધના અર્થમાં સમજીએ તો એમ લાગશે કે  માશૂકાનું માશૂક પરત્વેનું કંઈક એવું સંકુલ અને શાબ્દિક વર્તન છે કે જેનાથી માશૂક માશૂકા સામે હિંમતભેર ઊભો રહી પણ  શકતો નથી કે તેને છોડીને જઈ પણ શકતો નથી. 

* * *

ક઼યામત હૈ કિ હોવે મુદ્દઈ કા હમ-સફ઼ર ગ઼ાલિબ
વો કાફ઼િર જો ખ઼ુદા કો ભી ન સૌંપા જાએ હૈ મુઝ સે (૮)

[ક઼યામત= ન્યાયનો દિવસ, (અહીં) આફત, બલા, મુસીબત; મુદ્દઈ= દુશ્મન; હમ-સફ઼ર= સહપ્રવાસી; કાફ઼િર= અજ્ઞાની, અધર્મી]

રસદર્શન :

ગ઼ઝલનો આ મક્તા શેર છે. પહેલા જ મિસરાના પહેલા જ શબ્દ ‘ક઼યામત’નો પ્રત્યક્ષ અર્થ ‘ન્યાયનો દિવસ’ (Judgemeent Day) ન લેતાં તેનો રૂઢિપ્રયોગાત્મક અર્થ ‘મુસીબત’ કે ‘આફત’ લઈએ તો અર્થઘટન એક દિશા પકડશે, તો મૂળભૂત અર્થમાં તે જુદી દિશાએ જશે. હવે ઉપરોક્ત બેઉ અર્થઘટનો ‘મુદ્દઈ’ શબ્દ ઉપર આધારિત છે. ‘મુદ્દઈ’ શબ્દનો અર્થ તો ‘દુશ્મન’ જ છે; પણ કોનો દુશ્મન એ નક્કી કરી લેવું ઘટે, ઈશ્વર-અલ્લાહનો કે શાયરનો? ક઼યામતનો દિવસ એક મેદાનમાં હશે, જેને ‘હશ્રનું મેદાન’ પણ કહેવામાં આવે છે. હશ્રના મેદાનમાં સઘળા જીવોને એકત્ર કરવામાં આવશે. હવે એ મેદાન તરફની સફરમાં સહપ્રવાસી તરીકે જે છે તે ખુદાઈ દુશ્મન એટલે કે નાસ્તિક (ઈશ્વરનો ઇન્કાર કરનાર) હોય તો પણ શાયર તેને ઈશ્વરના હવાલે કરતાં અચકાશે; કેમ કે ઈશ્વરના અસ્તિત્વને નકારનાર ક્રૂર શિક્ષાને પાત્ર થશે અને તેના આક્રંદને તે સહી નહિ શકે, અને તેથી જ તો શાયર ‘ન સૌંપા જાએ હૈ મુઝ સે’ કહે છે.

હવે સહપ્રવાસી જો શાયર અર્થાત્ માશૂકનો મુદ્દઈ (દુશ્મન) હોય તો પણ તેને ખુદાના હવાલે નહિ કરવામાં આવે એમ માનવું પડે. પ્રથમ તો આપણે જાણી લઈએ કે માશૂકનો અંગત દુશ્મન કોણ હોઈ શકે; તો દેખીતું જ છે કે તે અન્ય કોઈ નહિ, પણ માશૂકનો પ્રતિસ્પર્ધી જ હોય! તો પછી ઈશ્વર-અલ્લાહ અને માશૂકના દુશ્મનો સમકક્ષ હોઈ શકે ખરા? તેનો મારો જવાબ છે, હા. આ વાત સ્વીકારવા માટે આપણે ‘ઇશ્ક઼-એ-હકીકી’ અને ‘ઇશ્ક઼-એ-મિજાજી’ને પારખવા પડે, જેમાં પ્રથમ છે ઈશ્વર-અલ્લાહ પરત્વેનો પ્રેમ અને દ્વિતીય છે દુન્યવી એટલે માશૂક યા માશૂકા પરત્વેનો પ્રેમ. ઉભય પ્રેમ માગે છે, આત્મસમર્પણ. દુન્યવી પ્રેમ પણ જો પવિત્ર હોય; તો તેને પણ ઈબાદત નહિ, તો ઈબાદતની સમકક્ષ તો જરૂર ગણી શકાય! આમ માશૂક અહીં તેના પ્રતિસ્પર્ધી દુશ્મનને પણ માફ કરવાનું અને તેને ખુદાના હવાલે ન કરવાનું વિચારે છે. મારા મતે માશૂકની આ દરિયાવદિલી એ રીતે સમજાય છે કે પેલા ખલનાયકની ખલનાયકી છતાં માશૂકનો માશૂકા  પરત્વેનો પ્રેમ કસોટીની એરણે ટિપાઈને અણીશુદ્ધ પાર ઊતરે છે. આમ માશૂક પેલા દુશ્મનનો અહેસાનમંદ  છે કે જેના કારણે પોતે કામયાબ પ્રેમી પુરવાર  થયો છે.

છેલ્લે વિશેષ જ્ઞાન અન્વયે કહેતાં, માશૂકને કઈ રીતે ખબર પડી શકે કે સહપ્રવાસી દુશ્મન  છે? અત્રે હું એક ઈસ્લામિક હદીસ (કથન) ટાંકીશ : ‘કોઈ વ્યક્તિના સાચા ચારિત્ર્યની પરખ તેની સાથેના કેટલાક દિવસના સહપ્રવાસથી મેળવી શકાય.’ આ જ મતલબનો ગુજરાતીમાં રૂઢિપ્રયોગ છે : ‘સોનું પરખો કસીને અને મનેખ પરખો વસીને.’

(સંપૂર્ણ)

– મિર્ઝા ગ઼ાલિબ (ગ઼ઝલકાર)      

– વલીભાઈ મુસા (રસદર્શનકાર)                                                                                            

* * *

ઋણસ્વીકાર:

(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…

(૨) http://www.youtube.com વેબસાઇટનો…

(૩) Aksharamukha : Script Converter http://aksharamukha.appspot.com/converter

(૪) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા 

(૫) Courtesy : https://rekhta.org  

(૬) Courtesy –  urduwallahs.wordpress.com

(૭) Courtesy – http://sukhanwar-ghalib.blogspot.in

(૮) યુ-ટ્યુબ/વીડિયોના સહયોગી શ્રી અશોક વૈષ્ણવ અને શ્રી નીતિન વ્યાસ 

* * *

 

(645) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન  અને રસદર્શન – ૭૧  (આંશિક ભાગ –૨)કભી નેકી ભી ઉસ કે જી મેં (ગ઼ઝલ)  – મિર્ઝા ગ઼ાલિબવલીભાઈ મુસા (રસદર્શનકાર)

કભી નેકી ભી ઉસ કે જી મેં ગર આ જાએ હૈ મુઝ સે  (શેર ૪ થી ૬)

ઉધર વો બદ-ગુમાની હૈ ઇધર યે ના-તવાની હૈ
ન પૂછા જાએ હૈ ઉસ સે ન બોલા જાએ હૈ મુઝ સે (૪)

[બદ-ગુમાની= વહેમ, અવિશ્વાસ, મિથ્યાભિમાન, અક્કડ વલણ; ના-તવાની= કમજોરી, નિર્બળતા, ભીરુતા] 

રસદર્શન :

આ શેર સીધોસાદો અને નવીનતાવિહીન લાગતો હોવા છતાં તેમાં લાલિત્યસભર પૂર્ણ સુંદરતા સમાયેલી છે. વળી પ્રથમ મિસરામાં અન્યોન્ય સાથે પડઘાતા ‘ઉધર’ અને ઇધર શબ્દો લયબદ્ધતા સાધે છે. આ  બંને શબ્દો દૂરનું અને નજીકનું એવું અંતર તો  દર્શાવે છે, પણ ગ઼ાલિબની અહીં કમાલ એ છે કે તે માશૂક અને માશૂકા વચ્ચેના શારીરિક અંતરના બદલે તેમના ભાવાત્મક અંતરને દર્શાવે છે. માશૂકાનું મિથ્યાભિમાન કે અક્કડ વલણ સામેના છેડે છે, તો માશૂક પક્ષે તેમની ભીરુતા આ પક્ષે છે. આમ બંને પક્ષની સ્વભાવગત નિર્બળતા એવી પરિસ્થિતિ જન્માવે છે કે એ બેઉ વચ્ચે વાણીવિનિમય (Communication) થઈ શકતો નથી, અર્થાત્ બંને વચ્ચે ચૂપકીદી સર્જાઈ રહે છે. માશૂકાની બદગુમાની તેને કંઈક પૂછવા કે જાણવાથી રોકે છે, તો વળી માશૂકની ભીરુતા કે સંકોચ તેને બોલવાથી રોકે છે; અને આમ બંને વચ્ચે મૌન સર્જાય છે અને જડ પૂતળાંની જેમ તેઓ એકબીજાથી દૂર ને દૂર ઊભાં રહી જાય છે. આમ આ શેરનું પઠન કરતાં આપણી નજર સમક્ષ એક મનમોહક શબ્દચિત્ર ખડું થઈ જાય છે.    

* * *

સઁભલને દે મુઝે ઐ ના-ઉમ્મીદી ક્યા ક઼યામત હૈ   
કિ દામાન-એ-ખ઼યાલ-એ-યાર છૂટા જાએ હૈ મુઝ સે (૫)

[ના-ઉમ્મીદી= નિરાશા; ક઼યામત= ન્યાયનો દિવસ, આફત-બલા (અહીં); દામાન-એ-ખ઼યાલ-એ-યાર= માશૂક/દોસ્તના વિચારનો તંતુ છેડો (સાથ)]

રસદર્શન :

શેરનો પ્રથમ મિસરો સ્વગતોક્તિ (Soliloquy)માં છે. માશૂક પોતાની નિરાશાને સંબોધતાં કહે છે તું મને સ્થિર થવા દે, કેમ કે મારા પગ તારા કારણે લથડિયાં ખાઈ રહ્યા છે. માણસ જ્યારે ઘોર નિરાશામાં સપડાય ત્યારે તેનું શરીર નિશ્ચેતન થવા માંડે છે અને ગાત્રો ઢીલાં થતાં જાય છે. અહીં એક ફિલ્મી ગીતની પંક્તિ ‘મહોબ્બતમેં ઐસે કદમ ડગમગાયે!’ યાદ આવી જાય છે વળી અહીં ‘કયામત’ શબ્દ બોલચાલ (Colloquial)ના અર્થમાં છે, નહિ કે ખ્રિસ્તી કે મુસ્લીમ મત મુજબના કયામત (Doomsday)ના અર્થમાં. અહીં માશૂકની નિરાશા પરાકાષ્ઠામાં હોઈ તેને કયામતના ત્રાસ જેવી કલ્પવામાં આવી છે. ગ઼ાલિબ શેરના બીજા મિસરામાં માશૂકાના મિલનની નાઉમ્મીદીને બેહદ આગળ લઈ જતાં માશૂકના મુખે એમ કહેવડાવે છે કે ‘હે મારી નાઉમ્મીદી, કયામતની યાદ અપાવી જાય એવી તું મારા ડગમગતા પગને સ્થિર થવા દે અર્થાત્ કે મારી જાતને સંભાળી લેવા દે!’ અહીં સ્પષ્ટ સમજાઈ જ જાય છે કે માશૂકની નાઉમ્મીદી એટલે માશૂકાને પામી ન શકવાની નિરાશાજનક મન:સ્થિતિ. 

શેરના બીજા મિસરામાં માત્ર ગ઼ાલિબ જ આપી શકે તેવી પરિકલ્પના એ છે કે માશૂકાથી સદેહે વિખૂટા પડ્યાના દુ:ખના વિચારોને રસ્સાની જેમ પોતાના માનસપટમાં મજબૂતીથી જકડી રાખનાર માશૂકની હવે તો એ હાલત થઈ ગઈ છે કે એ રસ્સાનો છેડો પણ જાણે કે હાથમાંથી સરકી રહ્યો છે. આમ માશૂકા અંગેના વિચારો જે એક માત્ર સહારારૂપ હતા, તે પણ હવે હાથમાંથી જઈ રહ્યા છે।  અહીં માશૂકા ભુલાઈ રહી છે એમ અભિપ્રેત નથી, પણ માશૂકાના વિરહના કારણે માશૂકનું મન એવું તો સુન્ન (મૂઢ) થઈ ગયું છે કે માશૂકા  અંગેના વિચારો પણ આવતા બંધ થઈ જવાની માશૂકને દહેશત છે.                            

* * *

તકલ્લુફ઼ બરતરફ઼ નજ઼્જ઼ારગી મેં ભી સહી લેકિન
વો દેખા જાએ કબ યે જ઼ુલ્મ દેખા જાએ હૈ મુઝ સે (૬)

[તકલ્લુફ઼= શિષ્ટાચાર; નજ઼્જ઼ારગી= દૃષ્ટિ, નજર]

રસદર્શન :

સરસ મજાના આ શેરમાં અર્થભાવ એવો તો સૂક્ષ્માતિસૂક્ષ્મ છે કે આ રસદર્શકડાને આ શેરને એકાધિક વખત વાંચવો પડ્યો છે. પહેલા મિસરામાં ગ઼ાલિબે ભલે તેના શાયરાના અંદાઝમાં ભારેખમ શબ્દો પ્રયોજ્યા હોય, પણ તેનો સીધો સાદો મતલબ તો એ જ થાય છે કે કોઈ સુંદરતમ વસ્તુને ટીકીટીકીને જોવામાં કે તેનું  સૌંદર્યપાન કરવામાં કોઈ શિષ્ટાચારભંગ થતો તો ન જ ગણાય. બીજા શબ્દોમાં આ જ વાતને એમ પણ કહી શકાય કે એકી નજરે એવા કોઈ સૌંદર્યને નિરખવું દુરસ્ત જ ગણાય. અહીં સુંદરતમ બાબતો બે પ્રકારની હોઈ શકે; એક, કાં તો એ કોઈ કુદરતી દૃશ્ય કે પદાર્થ હોય અને બે, કોઈ જીવંત વ્યક્તિ હોય. હવે જીવંત કોઈ વ્યક્તિ અર્થાત્ અહીં માશૂકાને એમ એકીટશે જોયા કરવું એ સહી છે એવું આ પહેલા મિસરામાં કહેવાતું હોવા છતાં ‘લેકિન’ શબ્દ થકી બીજા મિસરામાં એ વિધાનને એ રીતે પૂરું કરવામાં આવે છે કે ‘પરંતુ  એ રીતે માશૂકાને વેધક નજરે  જોયા કરવું એ ક્યારેક તો તેના ઉપરનો એક  જુલ્મ જ સાબિત થઈ જાય !’ મેં અહીં મારા પક્ષે ‘તકલ્લુફ઼ બરતરફ઼’નો અર્થ ‘શિષ્ટાચાર ભંગ ન થવો’ એમ લીધો છે, પરંતુ મીમાંસકોના  એક મત   મુજબ તેનો અર્થ ‘શિષ્ટાચારને બાજુએ મૂકવો’ અને બીજા એક મત મુજબ ‘સાચું કહેતાં’ એવો અર્થ વ્યક્ત  થયો છે. પહેલો મત શાબ્દિક ફેરફાર સાથે મારા મતની નજીક હોઈ તેને ગ્રાહ્ય રાખી શકાય, પરંતુ બીજા  મતને અસ્વીકાર્ય જ ગણવો પડે કેમ કે મિસરાના પાછળના શબ્દો સાથે તેને જોડતાં સુગ્રાહ્ય અર્થ મળતો નથી.                                                                                              

(ક્રમશ:)

– મિર્ઝા ગ઼ાલિબ (ગ઼ઝલકાર)      

– વલીભાઈ મુસા (રસદર્શનકાર)                                                                                            

* * *

ઋણસ્વીકાર:

(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…

(૨) http://www.youtube.com વેબસાઇટનો…

(૩) Aksharamukha : Script Converter http://aksharamukha.appspot.com/converter

(૪) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા 

(૫) Courtesy : https://rekhta.org  

(૬) Courtesy –  urduwallahs.wordpress.com

(૭) Courtesy – http://sukhanwar-ghalib.blogspot.in

(૮) યુ-ટ્યુબ/વીડિયોના સહયોગી શ્રી અશોક વૈષ્ણવ અને શ્રી નીતિન વ્યાસ 

* * *

 

(644) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન  અને રસદર્શન – ૭૦  (આંશિક ભાગ –૧)કભી નેકી ભી ઉસ કે જી મેં (ગ઼ઝલ)  – મિર્ઝા ગ઼ાલિબ * વલીભાઈ મુસા (રસદર્શનકાર)

કભી નેકી ભી ઉસ કે જી મેં ગર આ જાએ હૈ મુઝ સે  (શેર ૧ થી 3)

http://cms.boloji.com/articlephotos/Mirza%20Ghalib's.gif

કભી નેકી ભી ઉસ કે જી મેં ગર આ જાએ હૈ મુઝ સે
જફ઼ાએઁ કર કે અપની યાદ શરમા જાએ હૈ મુઝ સે (૧)

[નેકી= ભલાઈ, પરોપકાર, શિષ્ટતા; જફ઼ાએઁ= પરેશાનીઓ, જુલ્મો]

રસદર્શન :

ગ઼ાલિબની કેટલીક શિષ્ટ(Classic) ગ઼ઝલો પૈકીની આ એક એવી ગ઼ઝલ છે કે જે આપણને તેના પહેલા જ વાંચને ખૂબ જ ગમી જાય અને તેના અર્થઘટનમાં ઊંડા ઊતરવાની આપણી તમન્ના જાગી ઊઠે. આ શેરનો પાઠ સરળ છે, કેમ કે તેમાં શબ્દોના અર્થઘટનની કોઈ ભુલભુલૈયા નથી. આમ છતાંય શબ્દોમાં જેટલી સરળતા છે, તેટલી જ તેમનામાં ગહનતા પણ છે. આ શેર વાંચતાં જ માશૂકની કલ્પનાનું એક એવું  શબ્દચિત્ર આપણી નજર સમક્ષ ખડું થઈ જાય છે કે જ્યાં માશૂકા લજ્જાશીલ ચહેરે માશૂક સામે નીચી નજરે ઊભેલી હોય! જો કે અહીં વાસ્તવમાં આ દૃશ્ય ભજવાતું નથી, પણ માશૂકની કલ્પના માત્ર છે; જે આપણને પહેલા ઉલા મિસરાના પહેલા જ શબ્દ ‘કભી’થી સમજાય છે. માશૂક વિચારે છે કે કદાચ ને માશૂકાના દિલમાં એવી કોઈ મારા પરત્વેની ભલાઈની લાગણી જાગી ઊઠે અને તેણીએ મારા ઉપર મારી અવગણના કે નફરતના જે કંઈ જુલ્મ-ઓ-સિતમ આચર્યા છે તેમને યાદ કરીને પશ્ચાત્તાપના ભાવે શરમની મારી નત મસ્તકે મારી સામે ઊભી રહે. આમ સ્વગતોક્તિમાં માશૂકના મુખે મુકાયેલો આ શેર છે, કેમ કે રદીફમાં ‘મુઝ સે’ શબ્દ છે. માશૂકને માશૂકાના મિલનની ઝંખના છે અને તેથી તે માશૂકાના ભાવોની હકારાત્મક કલ્પના કરીને મનને સાંત્વન આપવા માગે છે, એમ વિચારીને કે કદાચને માશૂકા પોતાની થઈ રહે. 

* * *

ખ઼ુદાયા જજ઼્બા-એ-દિલ કી મગર તાસીર ઉલ્ટી હૈ
કિ જિતના ખીંચતા હૂઁ ઔર ખિંચતા જાએ હૈ મુઝ સે (૨)

[ખ઼ુદાયા= હે ખુદા; જજ઼્બા-એ-દિલ= દિલની લાગણી (emotion); તાસીર= અસર]

રસદર્શન :

ગ઼ાલિબનો ગજબ મજાનો આ શેર આપણને સાવ હળવેથી પ્રફુલ્લતા તરફ દોરી જાય છે. ઈશ્વર-અલ્લાહ કે જે દરેકનાં દિલોને જાણતો હોવા છતાં માશૂક અહીં તેની આગળ પોતાના દિલનો હાલ રજૂ કરે છે. અહીં ખુદાયા સંબોધન માત્ર ‘ખુદા’ એવા સંબોધન કરતાં વિશિષ્ટ એવો વ્હાલપનો ભાવ વ્યક્ત કરે છે, જેમ કે  કોઈને ‘ભાઈ’ના બદલે ‘ભાયા’ તરીકે સંબોધવામાં આવે. ‘ખુદા’ ફારસી શબ્દ છે, જેનો અર્થ અલ્લાહ-ઈશ્વર થતો હોવા છતાં તેની અનેક સિફતો (ગુણો) પૈકીની એક સિફતનું નામ છે અને જેનો અર્થ ‘સ્વયં અસ્તિત્વમાં આવનાર’; અર્થાત્ ‘સ્વયંભૂ’ થાય છે. માશૂક ખુદાને સંબોધીને કહે છે કે ‘હે ખુદાયા, મારા દિલની લાગણીઓની ઉલટી અસર થઈ રહી છે. હું માશૂકાને મારી તરફ જેટલી ખેંચવાનો પ્રયત્ન કરું છું તેના કરતાં વધારે તે મારાથી દૂર થતી જાય છે.’ માનવીના જીવાતા જીવનમાં પણ આવી કરુણ વાસ્તવિકતાઓ ઉદ્ભવતી હોય છે. માણસ કોઈ સિદ્ધિ મેળવવા અથાગ પ્રયત્ન કરે અને તે સિદ્ધિ હાથવેંત નજીક આવી હોય અને દૂર હડસેલાઈ જાય! આવું જ રણમાંના આભાસી ઝાંઝવાના જળનું પણ હોય છે કે જેમ જેમ આપણે તેની તરફ આગળ વધતા જઈએ તેમ તેમ તે દૂર ખસતું જાય! 

* * * 

વો બદ-ખ઼ૂ ઔર મેરી દાસ્તાન-એ-ઇશ્ક઼ તૂલાની
ઇબારત મુખ઼્તસર ક઼ાસિદ ભી ઘબરા જાએ હૈ મુઝ સે (૩)

[બદ-ખ઼ૂ= ખરાબ સ્વભાવ કે આદતવાળું; દાસ્તાન-એ-ઇશ્ક઼= પ્રેમની વાતો-કહાની; તૂલાની= લાંબી; ઇબારત= લખાણ (Composition); મુખ઼્તસર=  સંક્ષિપ્ત; ક઼ાસિદ= સંદેશાવાહક; ઘબરાના= ભયભીત થવું નિરાશ થવું]

રસદર્શન :

આ શેરના ‘બદ-ખૂ’ શબ્દના સીધા અર્થમાં તો ‘વો’ એટલે કે માશૂકાને ખરાબ સ્વભાવ કે આદતવાળી કહેવાઈ છે, પણ ‘માશૂકા કઈ બાબતે તેવી’ એ સમજવા માટે આપણે મિસરાના પાછળના શબ્દોનો સહારો લેવો પડશે. માશૂક કહે છે કે મારે મારી માશૂકાને કહેવાની મહોબ્બતની વાત તો ઘણી લાંબી છે, પણ તેને એ બધું લાંબુંલચક સાંભળવું નાપસંદ હોવાની તેની આદત હોઈ તે મારા પ્રેમનો ઇઝહાર (એકરાર) સંક્ષિપ્તમાં જાણવા માગે છે. માશૂકા પક્ષે વાત પણ સાચી કે તેને મિથ્યા આડંબરયુક્ત શબ્દોના બદલે સારરૂપ ‘I love you’ અને કદાચ તેથીય આગળ વધુ સંક્ષિપ્તમાં ‘Ilu (ઇલુ’) જેવું કંઈક સાંભળી લેવામાં રસ છે. અહીં એક નાજુક ભાવ એ પણ સમજાય છે કે માશૂકાને પેલા પ્રેમના એકરારના શબ્દો જલ્દી સાંભળી લેવાની ઉત્સુકતા છે અને એટલે જ તો તેને પેલા પૂર્વે કહેવાતા અતિશયોક્તિપૂર્ણ શબ્દો નીરસ લાગે  છે. 

હવે મજાની વાત તો શેરના બીજા મિસરામાં આવે છે જે ‘ઇબારત મુખ઼્તસર’ બે શબ્દોમાં સમાયેલી છે. અહીં માની લેવું પડે કે માશૂક તેની માશૂકાની અપેક્ષા મુજબ તેના પ્રેમપત્રમાં સંક્ષિપ્ત લખાણ લખે છે, પરંતુ આની અસર પત્ર લઈ જનાર કાસદ ઉપર તો  વિપરિત થાય છે. કાસદને તો અપેક્ષિત હતું કે તે માશૂકાને પત્ર પહોંચાડવા પહેલાં તેને વાંચી લે અને પત્રમાંના લાંબા લખાણને વાંચી લેવાનો લુત્ફ માણી લે; પણ પત્રમાંના ટૂંકા લખાણથી તે નિરાશ થઈ જાય છે. અહીં કાસદની વિકૃત માનસિકતા સમજાય છે. તો વળી ‘ગભરાના’નો ‘ભયભીત થવું’ કે ‘ડરી જવું’ એવો અર્થ લઈએ તો કાસદને માશૂકનો હિતેચ્છુ સમજવો પડે. કાસદને પત્રનું ટૂંકું લખાણ જોઈને ડર લાગે છે કે ટૂંકા પત્રથી માશૂકા ઉપર ધારી અસર નહિ થાય અને તેથી માશૂકનો માશૂકા પરત્વેનો પ્રેમ વધુ ગાઢ નહિ બને. આ અને આવા બીજા ગ઼ાલિબના શેર ઘણીવાર દ્વિઅર્થી કે અનેકાર્થી બનતા હોય છે, જેમાં આપણે ગ઼ાલિબનું કૌશલ્ય સમજવું રહ્યું.                         

(ક્રમશ:)

– મિર્ઝા ગ઼ાલિબ (ગ઼ઝલકાર)      

– વલીભાઈ મુસા (રસદર્શનકાર)                                                                                            

* * *

ઋણસ્વીકાર:

(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…

(૨) http://www.youtube.com વેબસાઇટનો…

(૩) Aksharamukha : Script Converter http://aksharamukha.appspot.com/converter

(૪) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા 

(૫) Courtesy : https://rekhta.org  

(૬) Courtesy –  urduwallahs.wordpress.com

(૭) Courtesy – http://sukhanwar-ghalib.blogspot.in

(૮) યુ-ટ્યુબ/વીડિયોના સહયોગી શ્રી અશોક વૈષ્ણવ અને શ્રી નીતિન વ્યાસ 

* * *

 

(643) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન  અને રસદર્શન – ૬૯  (આંશિક ભાગ –૪)ફિર મુઝે દીદા-એ-તર યાદ આયા (ગ઼ઝલ)  – મિર્ઝા ગ઼ાલિબ  વલીભાઈ મુસા (રસદર્શનકાર)

ફિર મુઝે દીદા-એ-તર યાદ આયા (શેર ૧૦ થી ૧૧)  

મૈં ને મજનૂઁ પે લડ઼કપન મેં ‘અસદ’
સંગ ઉઠાયા થા કિ સર યાદ આયા (૧૦)

[લડ઼કપન= બાળપણ, શરારત; સંગ= પથ્થર; અસદ (ફા.)= સિંહ] 

રસદર્શન

ગ઼ઝલનો આ મક્તા શેર છે, છતાંય કે તે આખરી શેર નથી. મક્તા શેરમાં ગ઼ઝલકાર પોતાનું નામ દર્શાવતો હોય છે. અહીં ગ઼ાલિબે પોતાના મૂળ નામ અસદને પ્રયોજ્યું છે. આ શેરમાં લૈલા-મજનૂની કાલ્પનિક પણ ખ્યાતનામ પ્રેમકહાનીના નાયક મજનૂનો ઉલ્લેખ થયો છે. લૈલાના પ્રેમમાં પાગલ બનેલા મજનૂને શેરીનાં અબૂધ બાળકો તેના માથા ઉપર પથ્થરો મારીને ક્રૂર આનંદ માણતાં હોય છે. અહીં ગ઼ાલિબ શાયરાના અંદાઝમાં કલ્પના કરે છે કે મજનૂને સંગસાર કરતાં બાળકોભેગા જાણે કે તે પોતે પણ હાજર છે! વળી માત્ર હાજર જ નહિ, પરંતુ મજનૂના માથા ઉપર ઘા કરવા માટે તેમના હાથમાં પથ્થર પણ ઉઠાવે છે. પથ્થરનો પ્રહાર કરવા પહેલાં મજનૂના લોહીલુહાણ માથાને જોતાં તેમનું હૃદય દ્રવી ઊઠે છે. મજનૂની વેદના પરત્વે સંવેદના જાગતાં તેમને ખ્યાલ આવે છે કે એ બિચારાને કેવીક તો પીડા થતી હશે! આમ મજનૂને મારવા માટેનો પથ્થર હાથમાં લેતાંની સાથે જ શાયરને તેમનું પોતાનું માથું યાદ આવી જાય છે અને મજનૂની વેદનાને અનુભવી લે છે. અહીં ઇંગિત ભાવે સમજી લેવું પડે કે શાયર બીજાં બાળકો જેવી ક્રૂરતા ન આચરતાં પોતાના હાથને રોકી રાખે છે. આમ ગ઼ઝલનો આ શેર કલ્પનાતીત એવો ભવ્ય બની રહે છે.    

* * *

વસ્લ મેં હિજ્ર કા ડર યાદ આયા
ઐન જન્નત મેં સક઼ર યાદ આયા (૧૧)

[વસ્લ= મિલન; હિજ્ર= એકલવાયાપણું, વિયોગ; ઐન= આંખ, નજર(અહીં); સક઼ર= નર્ક, દોજખ] 

રસદર્શન 

ગ઼ઝલનો આ શેર આખરી છે, પણ તેમાં ગ઼ઝલકારનો નામોલ્લેખ ન હોઈ તેને મક્તા શેર ન ગણી શકાય. શેરના પહેલા અને બીજા મિસરામાં દૃષ્ટાંતો ભિન્ન છે, પણ વાત તો ‘લગભગ’ એક જ કહેવાય છે કે જીવનમાં સુખ માણવાના દિવસો હોય, ત્યારે દુ:ખનો પણ ડર રાખવો જોઈએ. સુખ પછી દુ:ખ આવી પડવાની સંભાવના હોઈ શકે છે અને તેથી સુખને શાશ્વત ન ગણતાં તેને વિવેકબુદ્ધિથી અવશ્ય માણીએ તો ખરા, પણ સંભવિત આવનારાં દુ:ખો સામે લડવા અને ટકવા માટેની માનસિક તૈયારી પણ એટલી જ જરૂરી છે.      

મિલનમાં સુખ હોય છે, તો વિયોગમાં દુ:ખ હોય છે. અહીં સુખનાં પ્રતીકો મિલન અને જન્નત છે, તો દુ:ખનાં પ્રતીકો તરીકે વિયોગ અને નર્ક છે. મારા ઉપરોક્ત ફકરામાં મેં ‘લગભગ’ શબ્દ વાપર્યો છે તે સહેતુક છે, કેમ કે બંને મિસરાઓમાંનાં દૃષ્ટાંતોમાં સૂક્ષ્મ ભેદ છે. પહેલા મિસરામાં મિલનના આનંદ પછી વિયોગના દુ:ખને આવવાની સંભાવના છે અને સંભાવનાનો વિચાર માત્ર આવી જતાં એ મિલનના સુખને શાંતિથી માણી શકાતું નથી. હવે બીજા મિસરામાંનાં સ્વર્ગ અને  નર્ક પૈકીની કોઈ એકની પ્રાપ્તિ થઈ શકે અને તે અચલ જ રહેવાની, કેમ કે સ્વર્ગના જીવાત્માને નર્કમાં ધકેલી શકાય નહિ. વળી તે જ પ્રમાણે પાપકર્મોની સજા રૂપે જેને નર્કની સજા થઈ હોય તેનું કદીય સ્વર્ગમાં સ્થાનાંતર થઈ શકે નહિ. આમ છતાંય આ દૃષ્ટાંતને વ્યાજબી એ રીતે ઠરાવી શકાય કે સ્વર્ગીય સુખ માણનાર જીવાત્મા જો નર્કની યાતનાઓનો વિચારમાત્ર લાવે તો પણ તે પેલા સુખનો લુત્ફ લઈ શકે. આમ પહેલા મિસરામાં ‘ડર’ શબ્દ પ્રયોજાયો છે, તો બીજા મિસરામાં ‘યાદ’ શબ્દ પ્રયોજાયો છે, જે ‘યાદ આયા’ રદીફના એક શબ્દ તરીકે તો છે જ; પણ અહીં તે બેવડી ભૂમિકા ભજવે છે.

આટલા સુધીની ચર્ચામાં વાચકોના ધ્યાન ઉપર ‘ઐન’ શબ્દપ્રયોગને લાવી દઉં, કેમ કે તેનો તો કોઈ ઉલ્લેખ જ થયો નથી. ‘ઐન’નો અર્થ આંખ છે,પણ અહીં તેને ‘નજર’ના અર્થમાં લઈશું તો સમજાશે કે શાયરની નજર જ્યારે સ્વર્ગ તરફ મંડાયેલી છે, ત્યારે તરત જ તેમને નર્કની યાદ આવી જાય છે અને તેની યાતનાઓનો ચિતાર પણ આંખ કે નજર સામે ખડો થઈ જાય છે.

(સંપૂર્ણ)                          

– મિર્ઝા ગ઼ાલિબ (ગ઼ઝલકાર)      

– વલીભાઈ મુસા (રસદર્શનકાર)                                                                                            

* * *

ઋણસ્વીકાર:

(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…

(૨) http://www.youtube.com વેબસાઇટનો…

(૩) Aksharamukha : Script Converter http://aksharamukha.appspot.com/converter

(૪) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા 

(૫) Courtesy : https://rekhta.org  

(૬) Courtesy –  urduwallahs.wordpress.com

(૭) Courtesy – http://sukhanwar-ghalib.blogspot.in

(૮) યુ-ટ્યુબ/વીડિયોના સહયોગી શ્રી અશોક વૈષ્ણવ અને શ્રી નીતિન વ્યાસ 

* * *

 

(642) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન  અને રસદર્શન – ૬૮  (આંશિક ભાગ –૩)ફિર મુઝે દીદા-એ-તર યાદ આયા (ગ઼ઝલ)  – મિર્ઝા ગ઼ાલિબ  -વલીભાઈ મુસા (રસદર્શનકાર)

ફિર મુઝે દીદા-એ-તર યાદ આયા (શેર ૭ થી ૯)  



આહ વો જુરઅત-એ-ફ઼રિયાદ કહાઁ
દિલ સે તંગ આ કે જિગર યાદ આયા (૭)

[જુરઅત= હિંમત, શક્તિ; ફ઼રિયાદ= શિકાયત, વિલાપ]

રસદર્શન: 

આ ગ઼ઝલના પ્રથમ શેરના અનુગામી (Sequel) તરીકે આવતો આ શેર વાત તો એ જ કહે છે, પણ અહીં જુદા અંદાઝમાં કહેવાય છે. વળી ગ઼ાલિબ શરીરશાસ્ત્રની રૂધિર ઉત્પન્ન થવાની અને તેના પરિભ્રમણની પ્રક્રિયાને અન્ય શેરની જેમ અહીં પણ પ્રયોજે છે. માનવશરીરમાં યકૃત (Lever) લોહી ઉત્પન્ન કરવામાં સહાયક અવયવ છે, જ્યારે હૃદય લોહીના પરિભ્રમણનું કામ કરે છે. હવે અહીં હૃદય એવી દયાજનક સ્થિતિમાં આવી જાય છે કે તેને પરિભ્રમણ કરવા માટેનો રૂધિરનો પુરવઠો જે યકૃત તરફથી મળતો હતો તે બંધ થઈ જાય છે. હવે જ્યારે રૂધિરનો પુરવઠો જ બંધ હોય, ત્યારે હૃદય કેવી રીતે ધબકી શકે. 

આપણે હાલ સુધી તો જે અર્થઘટન કર્યું છે, તે માત્ર સ્થુળ અર્થમાં છે, પરંતુ શાયરાના અંદાઝમાં કહેતાં ભાવાત્મક વાસ્તવિકતા તો કંઈક ભિન્ન જ છે અને તે એ છે કે અહીં દિલની સંવેદના સ્થગિત થઈ જાય છે. આ સ્થગિતતાનું કારણ એ છે કે સંવેદના જગાડવા માટેના ઉદ્દીપક તરીકે કામ કરતું મહત્ત્વનું પરિબળ હવે નિષ્ક્રીય થઈ ગયું છે. આમ સંવેદનહીનતાથી તંગ આવેલા દિલને ઇશ્ક અભિવ્યક્ત  કરવામાં શુષ્ક રહેતી માશૂકાની યાદ આવી જાય છે. માશૂકા જ તો દિલની ધડકન હોય છે અને તેનો અભાવ અહીં માશૂકને સાલે છે. 

* * *

ફિર તિરે કૂચે કો જાતા હૈ ખ઼યાલ
દિલ-એ-ગુમ-ગશ્તા મગર યાદ આયા (૮)

[કૂચે= ગલી (Lane); દિલ-એ-ગુમ-ગશ્તા=  ખોવાયેલું દિલ (Lost heart)]

રસદર્શન :

અગાઉ પણ કહેવાઈ ચૂક્યું છે કે ગ઼ઝલ એક એવો પદ્યાત્મક સાહિત્યપ્રકાર છે, જેના તમામ શેર ભાવાત્મક રીતે એવી રીતે ગુંથાયેલા રહેતા હોય છે જેવી રીતે કે કોઈ દોરો પરોવાયેલા મણકાઓની માળા હોય કે પછી એક જ તારથી જોડાયેલાં ફૂલોનો હાર હોય. વળી એ પણ સાચું કે દરેક શેરમાં જળવાતું રહેતું ભાવસાતત્ય એકસરખું હોવા છતાંય પ્રત્યેક શેર સ્વતંત્ર રીતે ઊભો તો રહી જ  શકતો હોય છે. આમ ભાવસાતત્ય જાળવવામાં ગ઼ઝલનો રદીફ કે જે દરેક શેરમાં અચલ રહેતો હોય છે તેની ભૂમિકા મુખ્ય ગણાય છે. આપણી આ ગ઼ઝલમાં ‘યાદ આયા’ રદીફ છે અને માશૂકને જુદીજુદી પરિસ્થિતિઓમાં કંઈક ને કંઈક યાદ આવતું રહે છે. 

હવે આપણે આ શેરના પહેલા ઉલા મિસરાને સમજીએ તો માશૂકનો ખયાલ માશૂકાની ગલી તરફ જાય છે અને ઘડીભર તો માશૂક એ મનભાવન જગ્યાને વિચારવિહાર થકી માણે પણ છે, કેમ કે તેનું ચિત્ત માશૂકાના ઇશ્કમાં એવું તો જડબેસલાક ગિરફતાર થયેલું હોય છે કે જેના કારણે માશૂકા પરત્વેનો ખ્યાલ તેનો પીછો છોડતો નથી. પરંતુ તરત જ બીજા સાની મિસરામાં માશૂકને એ ગલીમાં અનુભવાયેલી દુ:ખદ અને ગમગીન વિરહની પળોની યાદ આવી જાય છે કે જ્યાં તે પોતાના દિલને ખોઈ બેઠો હતો.

આ શેરના ઉપરોક્ત અર્થઘટનથી વિપરીત અર્થપ્રાપ્તિ ‘મગર’ શબ્દને અર્થાંતરે સમજતાં એ પ્રાપ્ત થાય છે કે માશૂકની તેના ખોવાઈ ગયેલા અર્થાત્ ગમગીન થઈ ગયેલા દિલની વેદના ફરી પ્રજ્વલિત થઈ જતાં માશૂકાની ગલીની યાદ આવી જાય છે. આમ અહીં કાર્યકારણનો ક્રમ બદલાઈ જાય છે, મતલબ કે પહેલાના કારણે બીજુંના બદલે બીજાના કારણે પહેલું સમજાઈ જાય છે. આમ ઉદ્દીપકોની ફેરબદલી છતાં શેરનો મધ્યવર્તી સાર તો યથાવત્  જળવાઈ જ રહે છે.                  

 * * *

કોઈ વીરાની સી વીરાની હૈ
દશ્ત કો દેખ કે ઘર યાદ આયા (૯)

[વીરાની= નિર્જન, ઉજ્જડ, અવાવરુ; દશ્ત= રણ] 

રસદર્શન :

આ શેરના પ્રથમ ઉલા મિસરાનું પઠન કરતાં જ આપણને ગ઼ાલિબના શબ્દરમતના કૌશલ્યનો પરચો મળી જાય છે. આનો વાચ્યાર્થ તો આમ જ થાય કે કોઈ (સૂમસામ) નિર્જનતા જેવી નિર્જનતા દેખાઈ કે અનુભવાઈ રહી છે. ગ઼ાલિબને નિર્જનતાની ગહરાઈ વર્ણવવા કોઈ શબ્દ મળતો નથી અને તેથી જ તો એ જ ‘નિર્જનતા’ શબ્દને પ્રયોજી લે છે. અહીં અલંકારશાસ્ત્રના અનન્વય અલંકારનો આભાસ થાય છે, જેમ કે ઉદાહરણ રૂપે ‘મા તે મા’; પરંતુ આમાં પેટા પ્રકારે રૂપક અલંકાર સમજાય છે; જ્યારે આપણા આ મિસરામાં ‘સી’ એટલે કે ‘જેવી’ સમજતાં પેટાપ્રકાર ઉપમા અલંકાર બનશે. ‘વીરાની સી વીરાની’ને સમજવા એક વધુ ઉદાહરણ લઈએ, ‘માણસ જેવો માણસ’; અર્થાત્ (ગુણસંપન્ન) માણસ જેવો જે તે માણસ. અહીં ‘વીરાની’ની તીવ્રતા દર્શાવવા ‘વીરાની’ શબ્દ જ લેવાયો છે અને તેથી જ તો આ શેર ‘જરા હટકે’ બની જાય છે. 

હવે બીજા સાની મિસરાને સમજવા ઉપરોક્ત મિસરાનું અનુસંધાન સાધતાં એવો અર્થભાવ મળે છે કે પેલી રણની ઉજ્જડતાને જોઈ કે અનુભવીને માશૂકને તેમના બરબાદ કે ઉજ્જડ થઈ ગયેલા ઘરની યાદ આવી જાય છે. અહીં રસશાસ્ત્રનો વિપ્રલંભ શૃંગાર રસ બને છે. માશૂકાની હાજરી વિનાનું ઘર વેરાન રણ જેવું જ લાગવું સ્વાભાવિક છે. આમ માશૂકાનો વિયોગ અહીં એવો ઘેરો બની જાય છે કે માશૂકનું દિલ બેસુમાર ગમગીની અનુભવતાં શુષ્ક રણ જેવું જ બની જાય છે. બંને મિસરાને સંયુક્ત રીતે સમજતાં આખો શેર સારાંશે તો એમ જ સમજાવે છે કે પેલું નિર્જન રણ અને માશૂકનું માશૂકાવિહોણું ઘર ઉભય સમાન જ છે.   

(ક્રમશ:)

– મિર્ઝા ગ઼ાલિબ (ગ઼ઝલકાર)      

– વલીભાઈ મુસા (રસદર્શનકાર)                                                                                            

* * *

ઋણસ્વીકાર:

(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…

(૨) http://www.youtube.com વેબસાઇટનો…

(૩) Aksharamukha : Script Converter http://aksharamukha.appspot.com/converter

(૪) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા 

(૫) Courtesy : https://rekhta.org  

(૬) Courtesy –  urduwallahs.wordpress.com

(૭) Courtesy – http://sukhanwar-ghalib.blogspot.in

(૮) યુ-ટ્યુબ/વીડિયોના સહયોગી શ્રી અશોક વૈષ્ણવ અને શ્રી નીતિન વ્યાસ 

* * *